Search This Blog

01/05/2016

ઍનકાઉન્ટર : 01-05-2016

* શું હસવા માટે બૌધ્ધિક હોવું જરૂરી છે ?
-એ તો જે ખડખડાટ હસી શકતું હોય એને ખબર.
(કમલેશ ઉદાણી, રાજકોટ)

આપના જીવવાનું ધ્યેય શું છે ? તે ફળીભૂત થયું ?
-રોજ ફળીભૂત થાય છે. બસ, બે ટાઇમ પેટ ભરીને જમવા જોઇએ.
(રાજેશ દેસાઇ, હૈદ્રાબાદ)

મારે 'આઉડી' કાર લેવી છે. એને માટે શું કરવાનું ?
-જુઓ. જામનગરમાં કોઇ ગિફટ આપનાર મળી રહે છે કે નહિ !
(અલિફીયા યુસુફ વાણીયા, જામનગર)

આ નવી ગુજરાતી ફિલ્મો વિશે તમે શું માનો છો ?
-દ્વિઅર્થી સંવાદો કે દ્રશ્યોવાળી હોય તો... છુટા નથી... આગળ જાઓ.
(સાગર પટેલ, વીરપુર)

હવે તો આલિયા ભટ્ટે ય કોકા કોલાની જા.ખ.માં આવવા લાગી !
-ગરીબ કમ્પનીઓને આથી મોંઘી તો ના પોસાય ને ?
(અનિલ સુથાર, અમદાવાદ)

જેમ અધિક માસ હોય, રમજાન હોય, શ્રાવણ મહિનો હોય, એમ એક આખો મહિનો દેશભક્તિનો કેમ રાખી ન શકાય ?
-અડધો દેશ રજા પર ઉતરી જાય !
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)

તમે અમદાવાદના મેયર બનવા ઈચ્છા ધરાવો છો ખરા ?
-હાલના મેયર માટે પ્રજાજનોને કોઇ ફરિયાદ નથી.
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

ભારતનું બંધારણ લોકશાહી મૂલ્યોને જાળવવા કેટલું સક્ષમ છે ?
-પરફેક્ટ.
(બિપીન ઠાકર, વડોદરા)

ઘણા વખતથી તમારૂં ઈ-મેઇલ આઇ-ડી શોધતો હતો. આટલી બધી રાહ જોવડાવવાનું કારણ ?
-હું તમારા માટે કોઇ સારો જવાબ શોધતો હતો.
(જયમીન પટેલ, શિકાગો-અમેરિકા)

તમારૂં કૉલમ આડું આવતું હતું, ને હવે ઊભું આવે છે...
-ઘણાને હજી આડું આવે છે !
(સતિષ ઠકરાર, લંડન-યુકે)

દિલ્હીના ક્રિકેટમાં ચાલતા ભ્રષ્ટાચારમાં અરૂણ જેટલીના ફાળા અંગે શું માનો છો ?
-એમાંથી મને એક રૂપિયો ય મળવાનો નથી... મફત-મફતમાં શું માનું ?
(ધવલ સોની, ગોધરા)

આજકાલ રાજકારણીઓમાં પાગલપનના દૌરા પડી રહ્યા છે, એવું તમને નથી લાગતું ?
- એવા દૌરા રાજકારણમાં પ્રવેશની પુર્વશરત હોય છે.
(મધુકર મેહતા, વિસનગર)

તમારા દાંત અસલી છે કે નકલી વાપરો છો ?
-બચકું કોને ભરવાનું છે, એ વાત કરો.
(યેશા ચૌધરી, સુરત)

ઉંમર વધતા હીરોઇનો તેમનો ચાર્મ ગૂમાવી બેસે છે, પણ રેખા હજી ૬૬ની ઉંમરે પણ સુંદર લાગે છે...
-અજાણતામાં તમે તમારી ઉંમર ૬૬થી વધુ છે, એવું જણાવી દીધું.
(કિશોર દવે, ભાવનગર)

સાંભળ્યું છે કે, પ્રશ્નોના જવાબો આપવામાં ય 'ફિક્સિંગ' થાય છે...
-લોકસભા-રાજ્યસભામાં તો આવું રહેવાનું, 'ઇ !
(મયૂર જે. મહેતા, વડોદરા)

ટૉલટૅક્સવાળા ખુલ્લી લૂંટ ચલાવે છે. તમે શું કહો છો ?
-ખુલ્લીની ખબર નથી...ખાનગીની વાતો સાંભળી છે.
(કેવલ રાઠોડ, માંડવી-કચ્છ)

હવે દેશને ધાર્મિક સ્વચ્છતાની ય જરૂર છે કે નહિ ?
-તમામ ધર્મો કાઢી નાંખો... સ્વચ્છતા આપોઆપ આવી જશે.
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

મોદીની લાહૌરની મુલાકાત માટે તમારે શું કહેવું છે ?
-હું લાલપુર ગયો, ત્યારે એમણે કાંઇ કીધું હતું ?
(સુદેશ માખેચા, અમદાવાદ) અને (રાજેન્દ્ર જોશી, નવી મુંબઇ)

દેશના રાજકારણીઓ સંસદનું કામ નહિ ચાલવા દઇ, દેશને મોટું નુકસાન કરી રહ્યા છે...
-એ લોકોના સંસદમાં બેસવાથી વધુ નુકસાન થાય છે.
(અનંત ત્રિવેદી, ગોરડકા)

આજકાલ સારી છોકરી મળતી નથી, એ વિશે તમારૂં મંતવ્ય ?
-હા. એ બિચારીઓને ય સારો છોકરો તો મળવો જોઇએ ને ?
(રિઝવાન ખોજા, આણંદ)

* 'કલર્સ' ચૅનલ પર આવતી 'અશોક' ટીવી-સીરિયલ જોઇને કેવી લાગણી થાય છે ?
-એ જ કે, આ લોકો અટક લખવાનું કેમ ભૂલી ગયા ?
(હિના પરેશ દવે, રાજકોટ)

શાદીમાં સાત ફેરા જ કેમ હોય છે ?
-સિત્તેર રખાવીને તમને શું મળશે, ભાઇ ?
(હિતેશ ઉપાધ્યાય, જામનગર)

કેજરીવાલ શું બારે માસ મફલર પહેરી રાખતા હશે ?
-ના. રાત્રે લૂંગી તરીકે તો ટુંકુ પડે ને ?
(નૈષધ અંતાણી, ભૂજ-કચ્છ)

દિલ્હીની જેમ તમારા 'ઍનકાઉન્ટર'માં 'ઍકી-બેકી' ના થઇ શકે ?
-ઓહ... યૂ મી, 'ઍનકાઉન્ટર' એટલું બધું ખરાબ આવે છે ?
(ડૉ. હિરેન વઘાસીયા, રાજકોટ)

No comments: