Search This Blog

13/05/2016

'બાવરે નૈન' ('૫૦)

રાજ કપૂર શમ્મીના લગ્ન પછી આશિર્વાદ આપવા ય જવાનો ન હતો શમ્મીની સફળતા ગીતા બાલીને આભારી હતી.

ફિલ્મ : 'બાવરે નૈન' ('૫૦)
નિર્માતા : ઍમ્બિશન્સ પિક્ચર્સ
દિગ્દર્શક : કેદાર શર્મા
સંગીત : રોશન
ગીતકાર : કેદાર શર્મા
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ : ૧૩૮ મિનિટ્સ
કલાકારો : રાજ કપૂર, ગીતા બાલી, વિજ્યા લક્ષ્મી, પેસી પટેલ, જસવંત, કક્કુ, નઝીરા, શારદા હિમ્મતરાય, બાંકે અને મારૂતિ.



ગીતો
૧. સુન બૈરી બલમ સચ બોલ રે ઈબ ક્યા હોગા... રાજકુમારી
૨. ક્યું મેરે દિલ મેં દર્દ બસાયા જવાબ દો... રાજકુમારી
૩. મુઝે સચ સચ બતા દો, ક્યા? કે કબ દિલ... રાજકુમારી-મુકેશ
૪. ખયાલો મેં કિસી કે, ઈસ તરહ આયા નહિ... ગીતા રૉય-મુકેશ
૫. એ ઈચકબિચક ચૂર, દિલ ઊડ ગયા બાબુ... શમશાદ બેગમ
૬. ઘિર ઘિર કે આસમાં પર, છાને લગી ઘટાયેં... રાજકુમારી
૭. મેરે રૂઠે હુએ બલમા, મેરે રૂઠે હુએ ચંદા... રાજકુમારી
૮. મુહબ્બત કે મારોં કા હાલ યે દુનિયા મેં... આશા ભોંસલે-રફી
૯. તેરી દુનિયા મેં દિલ લગતા નહિ, વાપસ બુલાલે... મૂકેશ

ફિલ્મના ટાઈટલ્સમાં અન્ય ગીતકારો તરીકે આ ફિલ્મની સહનિર્માત્રી શારદા હિમ્મતરાય અને વ્રજેન્દ્ર ગૌડના નામો આપ્યા છે, પણ તમામ ગીતો કેદાર શર્માએ જ લખ્યા છે.

ધી ગ્રેટ મીનાકુમારીએ પત્રકારોને ખુલ્લેઆમ કીધું હતું કે, ''હિંદી ફિલ્મોમાં એ પોતે ગીતા બાલીને એના કરતા ય ઊંચા ગજાની અભિનેત્રી માને છે.''

આપણે અનેકવાર લખ્યું છે કે, સ્વાભાવિક અભિનયમાં ગીતા બાલી, તનૂજા અને એની દીકરી કાજોલને અન્ય કોઈ હીરોઈન ન પહોંચે. અફ કૉર્સ, વિરાટ કોહલીવાળી અનુષ્કા શર્મામાં ગીતાવાળી એ સ્વાભાવિકતા છે.

જોવાની ખૂબી એ છે કે, મીના કુમારી જ નહિ, ફિલ્મો સાથે સંકળાયેલું હરકોઈ જાણતું હતું કે, ગીતાની તોલે કોઈ ન આવે. કમનસીબે, ગુરૂદત્તની ફિલ્મ જાલ, અલબેલા અને બાઝી જેવી - બીજી ૩-૪ ફિલ્મોને બાદ કરતા ગીતા પાસે પુરવાર કરવા જેવું કશું ન આવ્યું. જે નૂતનને 'બંદિની', મીના કુમારીને 'સાહિબ, બીબી ઔર ગુલામ', નરગીસને 'મધર ઈન્ડિયા' અને મધુબાલાને 'મુગલ-એ-આઝમ' મળ્યા હતા.

અને છતાં ય, ૧૯૪૮-માં કેદાર શર્માએ ગીતા બાલીને એની પહેલી ફિલ્મ 'સુહાગ રાત'માં ચમકાવી, જે ફિલ્મ જ પિટાઈ ગઈ હોવા છતાં કેદારે એને 'બાવરે નૈન' આપી અને ગીતા બાલી હિંદી ફિલ્મોનું એક મોટું નામ બની ગઈ. એટલું મોટું નામ કે, દિલીપ કુમાર અને રાજ કપૂર કોઈ પણ લઘુતાગ્રંથિને કારણે ગીતા સાથે ફિલ્મો નહોતા કરતા.

આ ફિલ્મ 'બાવરે નૈન' તમે આજે જુઓ, તો તદ્દન ફાલતુ ફિલ્મ લાગે અને ફાલતુ હતી ય ખરી, પરંતુ એ જમાનામાં તો આવી ફિલ્મો ય ઊપડતી હતી. એ વાત જુદી છે કે, આ ફિલ્મ ધમધોકાર ચાલી, એનો લગભગ ૫૦-ટકા યશ સંગીતકાર રોશનને આપવો પડે, જે કેદાર શર્માની આગલી અને રોશનની પહેલી જ ફિલ્મ 'નેકી ઔર બદી'માં પિટાઈ ગયા હતા અને ફિલ્મો છોડીને ઘરભેગા કરવાની વેતરણમાં હતા, છતાં કેદારને વિશ્વાસ હતો કે, આ ફિલ્મ જોઈ લે... તું ફરી નિષ્ફળ જઈશ, તોય મને વાંધો નથી... કારણ કે, તું નિષ્ફળ જવાનો નથી. અને જુઓ સાહેબ... રોશનલાલ નાગરથે એક એકથી ચઢિયાતા કેવા મધુર ગીતો આ ફિલ્મમાં આપ્યા છે! મૂકેશના ત્રણે ત્રણ તો જુદાં, જે આજે ય કોઈ ભૂલ્યું નથી અને રાજકુમારીના ચારેચાર સોલો કેવા મીઠડાં બન્યા છે! મારું ફેવરિટ 'સુન બેરી બલમ સચ બોલ રે ઈબ ક્યા હોગા?'  રાજકુમારી ટીવી પર આવ્યા હતા કીધું હતું કે, આ ગીતના મુખડામાં 'ઈબ' શબ્દ એમણે ઉમેરાવ્યો હતો.

રાજકુમારી દુબેને આમ તમે ન ઓળખો. ગૂજરી ગયા એ તો. સાગર જેવી ભૂરી આંખોવાળા ગાયિકા-અભિનેત્રી એવા આ સુંદર માજીનો એક જમાનો એવો હતો કે, '૪૧-ની સાલમાં એમની એક ફિલ્મના શૂટિંગમાં એ 'બિક-સીડન' (મોટી ગાડી) લઈને આવ્યા, ત્યારે રોમન રાજકુમારી (પ્રિન્સેસ) પહેરે, એવા જમીન પર પાછળ ઢસડાતો આવતો રોબ પહેરીને એ સ્ટુડિયોમાં આવતા, ત્યારે ફિલ્મના નિર્માતા એમને સ્ટુડિયોના ગેટ પર લેવા જતા. સંગીતકાર નૌશાદને પણ રાજકુમારી સાથે 'અદબથી' વાત કરવી પડતી. પછી તો જમાનો પૂરો થયો અને રાજકુમારી ધાર્યા કરતાં વધુ ઝડપે ફિલ્મોમાંથી ફેંકાઈ ગયા. સાચા અર્થમાં દરદરની ઠોકરો ખાવાનો વખત આવ્યો.

એના વર્ષો પછી નૌશાદ એમની ફિલ્મ 'સંઘર્ષ'ના ગીતનું રૅકોર્ડિંગ કરાવી રહ્યા હતા ને એક માજીએ નૌશાદને મળવાની જીદ કરી. પરાણે નૌશાદે એમને આવવા દીધા. માજીએ કધોણીયો અને ઊંચો ચઢી ગયેલો (કામવાળીઓ પહેરે એવો) સાડલો પહેર્યો હતો. ''નૌશાદ સા'બ ઓળખી મને?'' એમની ભૂરી આંખોએ નૌશાદને કાચી સેકન્ડમાં બધું યાદ અપાવી દીધું. એ આભા ન બન્યા... રીતસરના ડઘાઈ ગયા, ''અરે, રાજકુમારીજી... આપ? ...ઔર ઈસ લિબાસ મેં?'' રાજકુમારીએ નતમસ્તકે કીધું,  ''હા. જમાનો પૂરો થઈ ગયા પછી કોણ સુખી રહી શક્યું છે? સા'બ... મારે કામ જોઈએ છે... મને કામ આપો.''

અને મુહમ્મદ રફીના 'મેરે પૈરોં મેં ઘુંઘરૂ બંધા દે, તો ફિર મેરી ચાલ દેખ લે' ગીતમાં નહોતું, છતાં નૌશાદે એ ટુકડો રાજકુમારી પાસે ગવડાવ્યો(!), ''ક્યા ચાલ હૈ તૈરી..?'' જવાબમાં રફી ગાય છે, ''જરા ઝૂમ લે ગોરી...'' આ રાજકુમારીનો 'બાવરે નૈન' પછી ફિલ્મ 'ડલ' સુધી જમાનો ચાલ્યો હતો. ખેમચંદ પ્રકાશની ફિલ્મ 'મહલ'માં એમના ગીતો 'ઘબરાકે હમ જો સર કો ટકરાયે તો અછા થા...' જેવી બીજા બે ગીતો ય હતા. ફિલ્મ 'બાવરે નૈન' વિશે તમે જે કાંઈ જાણતા હો, પહેલો સવાલ એ ઉઠે કે, રાજ કપૂર તો ગીતા બાલીનો જેઠ થાય, છતાં બન્નેએ હીરો-હીરોઈનના રોલ કર્યા છે?

સૉરી. ગીતા શમ્મી સાથે '૫૫-માં પરણી હતી. રાજ કપૂર ખત્રી પંજાબી હતો, જ્યારે ગીતા પંજાબી સીખ્ખ હતી, છતાં કપૂર-ખાનદાનની કોઈ પણ 'બહુ' ફિલ્મોમાં કામ કરી ન શકે, એવા રૂઢીગત ખયાલોને કારણે રાજ કપૂર આખા ખાનદાનમાંથી એકલો જ ગીતા-શમ્મીના લગ્નથી છંછેડાયો હતો, તે એટલે સુધી કે ગીતા-શમ્મી ભાગીને એક મંદિરમાં લગ્ન કરીને ઘેર આવ્યા ત્યારે નવાઈ ચોક્કસ બધાને લાગી હતી... આંચકો એકલા રાજને લાગ્યો હતો, એટલે પાપા પૃથ્વીરાજ કપૂરના ઘરે આખા કપૂર-કુટુંબે આ જશ્ન મનાવવા ભેગા થવાનું હતું, છતાં રોજ તૈયાર નહતો... છેવટે ગમે તે કારણે મોંઢું હસતું નહિ, પણ સીરિયસ રાખીને એ ગયો ખરો.

ગીતા બાલી એ જમાનાની સમજો ને... ઑલમોસ્ટ સુપરસ્ટાર હતી, છતાં પતિદેવ શમ્મી કપૂર ખાતર એણે પોતાની કરિયર છોડીને શમ્મીની માત્ર પત્ની નહિ, સલાહકાર પણ બની. કઈ ફિલ્મ લેવી ને કઈ માટે ના પાડી દેવી, એ બધું શમ્મી અત્યાર સુધી શીખ્યો જ નહતો, પરિણામે એની પહેલી ફિલ્મ 'જીવનજ્યોતિ'થી શરૂ કરીને સળંગ ૧૯-ફિલ્મો ફ્લૉપ ગઈ. ગીતાએ એને પોતાનો લુક અને પર્સનાલિટી 'ડૅશિંગ' બનાવવાની સલાહ આપી અને ફિલ્મ 'તુમ સા નહિ દેખા'થી શમ્મી છવાઈ ગયો, તે હીરો રહ્યો ત્યાં સુધી. ફિલ્મ 'બાવરે નૈન'માં રાજ કપૂર સાથે ગીતા બાલીનો જે બીજો પ્રેમી બને છે, તે જશવંત હતો તો એક ફાલતુ ઍક્ટર પણ ગીતા (સાચું નામ, 'હરિકિર્તન કૌર')ની બીજી બહેન હરિદર્શન કૌરના પ્રેમમાં હતો. બન્ને પરણી ગયા અને જે દીકરી થઈ, એ યોગીતા બાલી, જે મિથુન ચક્રવર્તીની પત્ની છે. અલબત્ત, જસવંત મુસલમાન હતો અને એનું નામ હતું, 'સૈયદ ઈર્શાદ હૂસેન'.

ગીતા બાલીના પિતા આમ તો સંસ્કૃતના શિક્ષક હતા અને ગુરૂ ગ્રંથસાહિબના પ્રાસંગિક વાચક હતા. ગીતાના બન્ને મોટા ભાઈ-બહેન એમની માં ની જેમ જન્મથી લગભગ બહેરાં હતા. કાંઈ બાકી રહી જતું હોય તેમ, ગીતાબાલીના પિતા (કરતારસિંઘ)ની આંખે અંધાપો આવી ગયો. નોકરીને કારણે શહેર-શહેર ને દેશવિદેશ ભટકવાને કારણે આ ફેમિલી સેટલ થઈ ન શક્યું અને સીલોનની સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતી ગીતા બાલીને સ્કૂલ છોડવી પડી. બન્ને બહેનો શાસ્ત્રીય સંગીત અને નૃત્ય શીખી હતી, તેથી ગરીબ ઘરનું પૂરું કરવા બન્ને જાહેરમાં પ્રોગ્રામો આપીને બે પૈસા કમાવવા માંડી, તો રૂઢીચુસ્ત સીખ્ખોએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો, એટલું જ નહિ, જ્યાં આ બન્નેનો પ્રોગ્રામ હોય, ત્યાં શોરોગૂલ મચાવીને પ્રોગ્રામો બંધ કરાવ્યા. અમારા સીખ્ખ ધર્મમાં દીકરીઓ આમ જાહેરમાં નાચે, તે સાંખી નહિ લેવાય.

પછીની સ્ટૉરી કટ કરીને કહીએ તો ગીતા આકાશવાણીમાં જોડાઈ અને બાળકોના પ્રોગ્રામની ઈન્ચાર્જ બની. કેદાર શર્માએ એને ફિલ્મ 'સુહાગ રાત'ની હીરોઇન બનાવી, એનું એક દ્રષ્ય મને ય યાદ છે. (જી. મેં એ ફિલ્મ જોઇ છે.) ગીતાએ આખેઆખા ભારત ભૂષણને ઉપાડીને ખભે નાંખીને ચાલવાનું હતું. એ સીખ્ખ હોવા છતાં હાઇટ-બૉડી ગુજરાતી કિશોરી જેવા સામાન્ય હતા, છતાં એણે ભા.ભૂ.ને આરામથી ઉપાડી લીધો... જેમ આ ફિલ્મ 'બાવરે નૈન'માં એ એની બહેન બનતી ગંગુ (મંજૂ)ને ખભે ઉપાડી લે છે.

રાજ કપૂર છે તો કરોડપતિનો દીકરો, પણ એને સ્વમાનભેર નોકરી કરવી છે, જે ન મળતા નાનકડા ગામમાં આવે છે, જ્યાં ઘોડાગાડી ચલાવતી ગીતા બાલીના પ્રેમમાં પડે છે, પણ ત્યાં ય નોકરી ન મળતા, જલ્દી પાછા આવવાનું ગીતાને વચન આપીને શહેર જાય છે, જ્યાં એના પિતા સાથે મેળાપ થતા પિતાએ રજની નામની છોકરી (વિજ્યાલક્ષ્મી) સાથે એનું ગોઠવી રાખ્યું છે. અલબત્ત, આ બાજુ રાજ પાછો ફરતો નથી અને ગીતાએ લખેલા પત્રો વિજ્યાલક્ષ્મી ફાડી નાંખે છે. એટલે રાજને શોધવા ગીતા શહેર આવે છે, જ્યાં એને ખબર પડે છે કે, રાજ-વિજ્યાની તો સગાઈ થઈ ગઈ છે. રાજ ગીતાને બધું સમજાવે છે કે, 'આ બધી માહિતી ખોટી છે. હું તને જ પ્રેમ કરું છું.' પણ વિજ્યાનો ખતરનાક ભાઈ રમત રમીને રાજ-ગીતાને છૂટા પડાવી રાજના લગ્ન વિજયા સાથે કરાવી દે છે. અંતે વિજ્યાલક્ષ્મીને શીતળા નીકળે છે અને એનો ભાઈ પણ ગૂજરી જાય છે. વિજ્યા મરતા પહેલાં એના ભાઈના કારનામાની વાત કરી દે છે અને રાજ-ગીતા ભેગા થાય છે.

ફિલ્મમાં મૂકેશ છવાઈ ગયો હોવાનું એક કારણ એ પણ હતું કે, રોશનનો એ જીગરી દોસ્ત અને નાનપણમાં લખનૌની સ્કૂલમાં સાચા અર્થમાં એક ક્લાસમાં ભણતા હતા. રોશન એક દ્રષ્ય માટે ફિલ્મમાં દેખાય છે, જ્યારે વિજ્યાલક્ષ્મીના મરેલા ભાઈના મોંઢા ઉપર કપડું ઓઢાડનાર ડૉક્ટર તરીકે રોશન એક દ્રષ્યમાં આવે છે.

આમ તો રાજ કપૂરને ય મધુબાલાની જેમ પહેલી વાર ફિલ્મોમાં લાવનાર કેદાર શર્મા હતા, પણ ગીતા માટે એમને ય પ્રેમ થઈ ગયો હતો. અલબત્ત, એમની આત્મકથા The One & Lonely Kidar Sharma મેં વાંચી નથી, એટલે અધિકૃત કશું કહેવાય એમ નથી. ફિલ્મમાં રાજ કપૂરને ગીતાના મામા (મારૂતિ) ઉપરના માળે રહેવા રૂમ આપે છે, એમાં કેદાર શર્મા ભીંત પર પોતાનો ફોટો મૂકવાનું ચૂક્યા નથી.

રાજ અત્યંત હેન્ડસમ લાગે છે. ગીતા બાલી ય કોઈ કમ નથી લાગતી, પણ શરૂઆતથી સળંગ ૧૯-ફિલ્મો ફ્લૉપ આપવા માટે અજાણતામાં ય રાજ શમ્મી કપૂરને નડયો હતો.

બધા નિર્માતાઓ અને 'મધર ઈન્ડિયા'ના તંત્રી બાબુરાવ પટેલે શમ્મીને એવું કહીને બહુ પાછળ રાખી દીધો હતો કે, શમ્મી પોતાના ભાઈ રાજની જ નકલ કરે છે.

No comments: