Search This Blog

03/02/2018

'સરગમ' ('૭૯)

ફિલ્મ: 'સરગમ' ('૭૯)
નિર્માતા : ઍન.ઍન.સિપ્પી
દિગ્દર્શક : કે.વિશ્વનાથ
સંગીત : લક્ષ્મીકાંત- પ્યારેલાલ
ગીતાકાર : આનંદ બખ્શી
રનિંગ ટાઈમ : ૧૬- રીલ્સ
થીયેટર : નટરાજ
કલાકારો : રિશી કપૂર, જયા પ્રદા, શશિકલા, ધીરજ કુમાર, રજની શર્મા, લીલા મીશ્રા, ઉમા ખોસલા, જાનકીદાસ, ત્રિલોક કપૂર, કમલદીપ, પ્રકાશ, જીત મોહન, બબ્બન, કેષ્ટો મુકર્જી, શ્રી રામ લાગુ, ઓમ શિવપુરી, શક્તિ કપૂર, અરૂણા ઇરાની, અસરાની વિજય અરોરા (વિશિષ્ટ ભૂમિકા)

રિશી કપૂર 'કપૂર' હતો અને ફિલ્મ શોખિનો બધા જાણે છે કે, ડાન્સ કરતો કોઈ પણ કપૂર બીજા કોઈ પણ હીરો- બીરો કરતા વધુ સુંદર દેખાય છે, પછી એ 'ઓ મહેબૂબા, તેરે દિલ કે પાસ હી હૈ મેરી.. 'વાળો રાજ કપૂર હોય, 'લાલછડી મૈદાન ખડી' ગાનારો શમ્મી કપૂર હોય, 'નૈન મિલાકર ચૈન ચુરાના કિસકા હૈ યે કામ' ગાનારો શશિ કપૂર હોય.. અરે, બચ્ચનબાબુની સાથે સાથે 'આતી રહેંગી બહારેંના ચાર સ્ટૅપ્સમાં રિશીથી મોટો રણધિર કપૂર હોય, એ બન્નેથી નાનો ચિમ્પુ એટલે કે રાજીવ કપૂર હોય.. જે દેખાતો ય એના કાકા શમ્મી કપૂર જેવો અને ગુજરાતીઓના ફૅવરિટ શબ્દ 'બેઠ્ઠી'નકલ પણ શમ્મીની કરવા છતાં રૂપકડો તો એ ય લાગતો... બીજું બધું તો જાવા દિયો, પણ રિશી- પુત્ર રણબિર કપૂરે કાંઈ નહિ ને ટુવાલ પહેરીને ગાયેલા 'જબ સે તેરે નૈના, મેરે નૈંનો સે લાગે રે...'માં (થોડું નહિ, ઘણું અભદ્ર લાગે છતાં...આપણે વાત ભદ્રતાની નહિ, ડાન્સિંગ- સ્કિલ્સની કરી રહ્યા છીએ,) કેવો સુંદર લાગે છે !

આ લખનારે રિશીને પૂછ્યું હતું, 'બધા કપૂરો ડાન્સ-સૉન્ગમાં આટલા પરફૅક્ટ કેવી રીતે ?' જવાબમાં રિશીએ જણાવ્યું હતું કે, 'પરફેક્ટ તો એકે ય નથી, પણ બીજા લોકો ફિલ્મના ડાન્સ- ડાયરૅક્ટર (કોરિઓગ્રાફરે)'બતાવેલા સ્ટૅપ્સ મુજબ ડાન્સ કરતા હોય છે, જ્યારે અમે કપૂરો જેમજેમ ગીત વાગતું જાય, એમ નેચરલ રીએકશન્સ આપીએ છીએ... બોડી એ ધૂન મુજબ ડાન્સ કરતું જાય, બસ !

એ વાત સાચી પણ એટલા માટે લાગી કે, ફૌજીભાઈયોં કા વિશેષ જયમાલા કાર્યક્રમમાં શશિ કપૂર રેડિયો પર આવ્યો હતો, ત્યારે એણે શમ્મી કપૂરની અદભુત ડાન્સ- સ્કિલ માટે કહ્યું હતું કે, શમ્મી ભાઈસા'બને કદી કોરિયોગ્રાફરની જરૂર પડી નથી. એકની એક લાઈન શૂટિંગમાં ચાર-પાંચ વખતે રીપિટ કરવાની આવે તો શમ્મીના ચારે ય સ્ટેપ્સ અલગ અલગ અને પહેલાથી તદ્દન જુદા હોય ને છતાં એ કદી કેમેરાની ફ્રેઇમમાંથી બહાર નીકળતા નહોતા.

બસ, એમ જ રિશી કપૂરને ફિલ્મ 'સરગમ'માં એ સમયની ભારતની સર્વોત્તમ શાસ્ત્રીય નૃત્યાંગનાઓ પૈકીની સાઉથી જયા પ્રદા સાથે ડાન્સીઝ કરવાના હતા ને છતાં ય એ જયાથી એક દોરો ય ઉતરતો નથી લાગ્યો. બેતહાશા માન સંગીતકારો લક્ષ્મીકાંત-પ્યારેલાલ ઉપર થાય કે, છેક ૧૯૬૩માં ફિલ્મ 'પારસમણી'થી શરૂઆત કરનાર આ જોડીએ ફિલ્મો સ્વીકારતી વખતે એનો હીરો કોણ છે કે નિર્માતા કોણ છે,એ કાંઈ ન જોયું અને એ પછીની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં આજની ફિલ્મ 'સરગમ'ના લેવલનું સંગીત આપ્યું.

નવાઈ જરૂર લાગવી જોઈએ કે શરૂઆતની તમામ ફિલ્મો કાં તો ધાર્મિક હતી ને કાં તો ફાલતું સ્ટંટ ફિલ્મો- સંત જ્ઞાાનેશ્વર, હરિશ્ચંદ તારામતિ, સતિ સાવિત્રી, મિસ્ટર ઍક્સ ઇન બોમ્બે, દોસ્તી, આયા તૂફાન, શ્રીમાન ફન્ટુશ, લૂટેરા, હમ સબ ઉસ્તાદ હૈ, બોકસર, સૌ સાલ બાદ, નાગમંદિર, મેરે લાલ, લાડલા, દિલ્લગી, ડાકૂ મંગલસિંહ, છોટા ભાઈ કે આસરા.. જોઈ જુઓ. એકે ય ફિલ્મના નિર્માતા કે હીરોમાં વેતાં હતા ? અને હવે યાદ કરો આ ફિલ્મના ગીતો !

કોઈમાં કસર બાકી રાખી છે ? છેક આશા પારેખ-ધર્મેન્દ્રની ફિલ્મ 'આયે દિન બહાર કે'થી આ જોડીને મોટા સ્ટાર્સ કે બેનર મળ્વા માંડયા. પથ્થર કે સનમ, શાગીર્દ, તકદીર, નાઈટ ઇન લંડન કે નૂતન- સુનિલ દત્તનું 'મિલન'. પછી તો લગભગ ૭૨-૭૩ની સાલ સુધી આ બન્નેએ સંગીતમાં સર્વોત્તમ કક્ષાના ઝંડા રોપી દીધા. કમનસીબે, પૈસાની લાલચ આર.ડી.બર્મનની માફક આ બન્નેને પણ ખાઈ ગઈ.

લોભને થોભ નહિ, એ ધોરણે આ જોડી દર વર્ષે સરેરાશ ૧૫-૨૦ ફિલ્મો હાથ પર લે. એકલા ૧૯૭૭માં એમની ૨૨ ફિલ્મો રીલિઝ થઈ હતી. વિચારો. એક એક ફિલ્મમાં સરેરાશ છ ગીતો હોય તો એમને એક વર્ષમાં આશરે સવાસો ગીતો બનાવવાના આવે. ૩૬૫- દિવસમાંથી રવિવાર અને અન્ય રજાઓ બાદ કરીએ તો, દર બીજે દિવસે એક ગીતની ધૂન જ નહિ, રેકોડિંગ સાથે ગીત તૈયાર જોઈએ.

એમાં પોતાના સાજીંદાઓ ઉપરાંત અલગથી લતા- રફી જેવા બિઝી ગાયકો સાથે રીહર્સલો, સ્ટુડિયો બૂક કરાવવો, સ્ટુડિયો જવા મુંબઈના ચક્કાજામ ટ્રાફિકમાંથી રોજ ગાડી કાઢવાની... વચમાં નવા નિર્માતા કે દિગ્દર્શકો સાથે ગીતને લગતી બેઠકો.. લક્ષ્મી- પ્યારેની લાલાચ એટલી હદે વધી ગઈ હતી કે, જે આવે એ ફિલ્મ સ્વીકારવાની ને એમાં ઇ.સ.૨૦૦૦ની સાલ પહેલા તો બન્ને પૂરા થઈ ગયા.. છતાં ૩૫- વર્ષમાં વર્લ્ડ- રેકોર્ડ ૬૩૫- ફિલ્મોમાં સંગીત આપ્યું.

પણ એમના એક પ્રદાનને આપણે ય સલામ નહિ, પ્રણામ કરવા પડે કે, મુહમ્મદ રફી અને લતા મંગેશકરને આ બન્ને જીવનભર વળગી રહ્યા. 'આરાધના' પછી કિશોર કુમાર છવાઈ ગયો, એમાં રફી લેવાદેવા વિનાના બાજુમાં ધકેલાવા માંડયા, ત્યારે આ સંગીતકારોએ રફીના છેલ્લા ગીત સુધી વફાદારી નિભાવી. ધરમ- હેમાની ફિલ્મ 'આસપાસ'નું ગીત 'તેરે મિલને કી આસ હૈ દોસ્ત..' ફિલ્મો પૂરતું રફીનું છેલ્લું હીત સાબિત થયું.

યોગાનુયોગ, કલ્યાણજી- આણંદજીના આસિસ્ટન્ટ્સ તરીકે છુટા થઈને લક્ષ્મી- પ્યારે એ સ્વતંત્ર સંગીત આપવાનું શરૂ કર્યું, એની સૌ પ્રથમ ફિલ્મ હતી 'છૈલા બાબુ', જેમાં મુહમ્મદ રફીએ એક પાઈ પણ લીધા વગર ગાયેલું 'તેરે પ્યારને મુઝે ગમ દિયા, તેરે ગમ કી ઉમ્ર દરાઝ હો,'ગીત લક્ષ્મી- પ્યારે એ બનાવેલું સૌ પ્રથમ ગીત હતું. એ વાત જુદી છે કે, બન્નેની પહેલી ફિલ્મ ગણાઈ 'પારસમણી' કારણકે એ વહેલી રીલિઝ થઈ ગઈ.

નિર્માતાઓ જમાના પ્રમાણે કિશોર કુમારનો આગ્રહ રાખે, છતાં એમણે રફીને છોડયા નહિ.. કિશોર કુમાર માટે સંપૂર્ણ આદર અને કદર હોવા છતાં લક્ષ્મી- પ્યારે 'રફી સાહેબ'નું ઋણ ભૂલ્યા નહોતા. એમની છેલ્લા ફિલ્મ ઇ.સ. ૨૦૦૪ માં આવી હતી, 'મેરી બીવી કા જવાબ નહિ..' પૈસાની ઘેલછાને બાજુ પર રાખીને લક્ષ્મી- પ્યારેના ઓવરઓલ સંગીત પર નજર નાંખીએ તો આપણે કહેવું પડે, 'લક્ષ્મી-પ્યારે કા જવાબ નહિ !'

એવી જ વફાદારી રિશી કપૂરે નિભાવી. મુહમ્મદ રફી માટે આ માણસની કદરદાની એટલી પ્રંચંડ કે, શરૂઆતની શૈલેન્દ્રસિંઘની થોડી ફિલ્મોને બાદ કરતા રિશી કપૂરે પોતાના ગીતો માટે ફક્ત રફીન જ આગ્રહ નહિ. જીદ પકડી, એમાં આ ફિલ્મ 'સરગમ'ના તમામ ગીતો રફીએ ગાયા. આ મહાન ગાય કે કોઈ એક ફિલ્મના તમામ ગીતો ગાયા હોય, એવા થોડાઘણા દાખલા તો છે,પણ બધા ગીતો હિટ થયા હોય, એવી તો કદાચ આ એક માત્ર ફિલ્મ હતી.

મુહમ્મદ રફી માટેની પ્રચંડ ભક્તિનો હું એમના કેટલાક ચાહકો સાથે સહમત થવા જઈ રહ્યો છું કે, ઇશ્વરે આખી સૃષ્ટીમાં પછી બીજો રફી બનાવ્યો જ નહિ. સરખામણી તો હું મારામારી થઈ જાય તો પણ ન કરૂં, પણ લતા મંગેશકર બાબતે હજી એમ કહી શકાય કે, લતાના પડછાયામાં સુમનથી માંડીને અનુરાધા પૌડવાલને આજકાલ શ્રૈયા ઘોષાલો આવી, પણ મુહમ્મદ રફીથી ચારસો માઈલ દૂરનો અવાજ પણ કોઈ કાઢી શક્યું હોય, એવું હજી સુધી તો બન્યું નથી. ગાયક તરીકે તો નહિ જ, પણ વ્યકિત તરીકે બીજો એક રફી લાવી બતાવો. બહુ વર્ષો પહેલાં મારૂં જ લખેલું કર્વોટ મને ખૂબ ગમે છે, 'મુહમ્મદ રફીનો કંઠ એટલે શિવલિંગ ઉપર દૂધની ધારા...'

ફિલ્મ 'સરગમ' ૧૯૫૦ માં બની હતી અને આ ૧૯૭૯માં બની. બન્ને વચ્ચેનું સાંય મનભાવન હતું. એકનો હીરો રાજ કપૂર અને બીજાનો એનો દીકરો રિશી કપૂર. પણ રાજ કપૂર તો કેવળ મૂકેશનું પ્લેબૅક લેતો, પણ અહીં મુહમ્મદ રફીએ એના ગીતો ગાયા, તો રિશીની 'સરગમ'માં પણ એના તમામ ગીતો રફીએ જ ગાયા. સમાનતા એ કે, બન્ને ફિલ્મોના ગીતો હિટ હતા.

ફિલ્મની વાર્તાને ઇમોશનલ અને ડ્રામેટિક વધુ બનાવાઈ હતી. આમે ય, સુંદર હીરોઈનો ઉપર જુલ્મો- સિતમ થતા ભારતીય પ્રેક્ષકો ઝાઝું સહન કરી શકતા નથી. ગામડા ગામના અપંગ અને વૃધ્ધ માસ્તરે (ડૉ. શ્રી રામ લાગુ) બીજી વાર (શશિકલાને) પરણીને પસ્તાવો કરવો પડયો. એનાથી એમને જનમથી મૂંગી દીકરી (જયા પ્રદા) અવતરી અને બીજી પત્નીને રજની શર્મા જન્મી. બન્નેને નૃત્યનો શોખ પણ સાવકી મા જયાને હડધૂત કરી પૈસાની લાલચમાં એક હરામખોર ભાગેડુ (શક્તિ કપૂર) સાથે પરણાવી દેવા માંગે છે.

પણ ગામનો અશિક્ષિત ગરીબ ડફલીબાળો (રિશી કપૂર) આ લગ્ન થવા દેતો નથી. એ પોતે જયા સાથે લગ્ન કરવાના કોઈ ખ્વાબમાં નથી, પણ જયા મનોમન એને ચાહતી હોય છે. અને દિવાસ્વપ્નોમાં રિશિ કપૂર સાથે નૃત્યોની લિજ્જત માણે છે. એક ડોક્ટર (વિજય અરોરા.. 'યાદો કી બારાત') એને પરણવા તૈયાર હોય છે, પણ નાટકીય વળાંકોને અંતે આ બન્ને પંખીડાઓ ભેગા થાય છે.

રિશી કપૂર એક કમ્પલીટ એકટર છે, તે આવી ફિલ્મોથી સાબિત થાય છે. સ્વાભાવિક છે, એક્ટિંગ એના બ્લડમાં છે, એ તો પુરવાર પણ કરવું પડે એમ નથી. કપૂરો હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનુ સૌથી વધુ ફેલાયેલું કુટુંબ છે. અત્યારે રિસીના ય દીકરા રણવીર કપૂરનો સિક્કો ચાલ્યો છે. રિશીનો પિતાપ્રેમ પણ કેવી ઉંચાઈઓનો કે 'રણવીર'નામ તો રાજ કપૂરનું હતું.

પિતાનું નામ આટલી હદે કેટલા પુત્રોને વહાલું હોઈ શકે ? ડબ્બુ એટલે કે, રણધીર કપૂર બોલવામાં મ્હોંફાટ ગણાય છે, પણ એ પરિવાર પૂરતું. જ્યારે રિશી કપૂરે કોઈની ય સાડી બારી રાખ્યા વિના દેશભરમાં ચારે બાજુ નેહરૂ-પરિવારના નામો ઉપરથી સ્થાપત્યોના નામ રાખવામાં (એ વખતની) સત્તાના દુરૂપયોગનો કેવો પ્રચંડ વિરોધ કર્યો હતો ! 'સરગમ' તમે સંગીતના દ્રષ્ટિકોણથી જુઓ તો રિશીએ તમામ ગીતોમાં ડફલી ઉપર તાલ આપ્યા છે, તે બધા પરફેકટ છે. સામાન્ય રીતે, હિંદી ફિલ્મોના હીરોલોગ પિયાનો વગાડે, તો ય લોજમાં મહારાજ રોટલી વણતા હોય એવું લાગે.

વાંસળી ઉપર આંગળીઓ કઈ ફરતી હોય ને સૂર કયા નીકળતા હોય ! ઢોલક- તબલાં તો દિગ્દર્શકો સમજીને જ એમને વગાડવા આપતા નથી, પણ રિશીએ આ ફિલ્મમાં વગાડેલી ડફલી 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં રાજ કપૂર યાદ આવી જાય ! અફ કોર્સ, જયા પ્રદા શાસ્ત્રોક્ત નૃત્યો શીખી હોય, એટલે એ લેવલની કુશળતાની અપેક્ષા રિશીમાં જોવા ન મળે, છતાં એ ડફલી વગાડે છે, એમાં એ પોતે ડફલીમાં સાંગોપાંગ સમાઈ ગયેલો દેખાય છે.

ઓહ.. આપણી જ આંખો સાંથી સમય રીક્ષાની માફક કેવો ઝડપથી પસાર થઈ ગયો ? હજી હમણાં તો રિશીને 'મેરા નામ જોકર'માં નાના રાજ સ્વરૂપે જોયો હતો ને થોડા જ વખતમાં એ 'બોબી'માં ફીલ-ર્ગાન હીરો થઈને આવ્યો. એ દિવસો ય હજી આપણા સ્ટડી- ટેબલ પર જ પડયા છે, ત્યાં તો એ બુઢ્ઢાના રોલમાં આવવા માંડયો... આપણે એનો આખો સ્થાન જોયો તો ય એ એવો જ મનોહર લાગે છે.

જયા પ્રદાની આ પહેલી ફિલ્મ હતી. તા. ૩ એપ્રિલ, ૧૯૬૨ના રોજ આંધ્ર પ્રદેશના રાજામુંદ્રી ગામે જન્મેલી જયા પ્રદાનું સાચું નામ 'લલિતા રાની' છે. આ જ ફિલ્મ 'સરગમ'મૂળ તો તેલગૂ ભાષાની 'સીરી સીરી મુવ્વા'ને નામે બની હતી. દિગ્દર્શક કે. વિશ્વનાથે જયાને 'સરગમ'ની હીરોઈન બનાવીને તહેલકો મચાવી દીધો, એટલી આ ફિલ્મ સફળ થઈ. કમનસીબે, જયા પ્રદાને હિંદી બોલતા સમજતા આવડતું નહોતું એમાં બહેનની કરિયર આગળ ન વધી. એમાં ય પહેલેથી પરણેલા અને ત્રણ બાળકોના પિતા એવા ફિલ્મ નિર્માતા શ્રીકાંત નાહટા સાથે જયા પરણી એમાં ભૂચાલ આવી ગયો.

શ્રીકાંતભ'ઇએ પહેલીવાળીને ડીવોર્સ નહોતા આપ્યા અને જયાને બાળક નહોતું આપ્યું. કહેવાય છે કે, આવી જીંદગીથી કંટાળીને જયાએ પોતાના કાંડાની નસ કાપરીને એક-બે વખત આપઘાતની કોશિષ કરી હતી. પછી બીજો આપઘાત કરવા એ પોલિટિકસમાં જોડાઈ ('તેલગૂ દેસમ પાટીમાં) અને એમાં ય બેન ન ફાવ્યા. અત્યારે તો બહેન ઘરના ય નથી ને ઘાટના ય નથી.

અસલી સુંદરતા છતાં ગ્રામીણ પરિવેષમાં જૂના જમાનાની વૅમ્પ( ખલનાયિકા) શશિકલા એના અસલ સ્વરૂપે જોવા મળી, એ ગમે પણ એનો રોલ ઘણો નાનો છે. ફિલ્મો હોય કે સાહિત્ય હોય, આપણા દેશમાં હ્યુમર, કે કોમેડી કોઈને ચઢયા જ નથી, પરિણામે ફિલ્મ કોઈ પણ હો, એની કહેવાતી કોમેડી હાસ્યાસ્પદ જ રહેતી, નહિ તો અસરાની જેવો સિધ્ધહસ્ત ઍક્ટર કોમેડી તો કેવી અદભૂત કરી શકે ( ઉદા. ફિલ્મ 'શોલે'), છતાં આ કે અન્ય ફિલ્મોમાં એની પાસે વાંદરાવેડા કરવવામાં આવ્યા છે. અને તો ય.. આજ ફિલ્મની ગંભીર સીકવન્સીઝમાં એ પૂરો મજેલો એકટર જણાઈ આવે છે.

આ ફિલ્મમાં શશિકલાના દુષ્ટ ભાઈનું ગ્રે-શેડનું (વિલન જેવું) કેરેકટર કરતો ધીરજ કુમાર બહુ મોટા ગજાંનો ફલોપ એકટર સાબિત થયો. પહેલી જ ફિલ્મ 'રાતોં કા રાજા'('૭૦) ખાસ કરીને મુહમ્મદ રફીના ટાઈટલ સૉગ જેવા સુંદર ગીતો રાહુલદેવ બર્મનના એ જમાના પ્રમાણેના ધૂમધામ મ્યુઝિકને કારણે ચાલ્યું. એ પછી શ્રીમાન- શ્રીમતિ, રંગા ખુશ અને 'વક્ત કે શેહજાદે' જેવી એકબીજાને વધુ ફાલતુ કહેવડાવેએ પછી ધીરજ નક્કી કરી ન શક્યો કે ફિલ્મી નામ 'ધીરજ કુમાર' રાખવું કે માત્ર 'ધીરજ'!

બન્ને પ્રયત્નો કરી જોયા... ત્રણેમાં ફૅઈલ..'ત્રણ એટલે ત્રીજું એનું એસલી નામ 'ધીરજકોચર''. અગાઉ તો એ રાજકુમાર- સુનિલ દત્તવાળી ફિલ્મ 'હમરાઝ'ની હીરોઈન વિમીને પરણ્યો. છુટાછેડા પહેલા ફિલ્મ ઉદ્યોગમાં એવી હવા ઉપડી હતી કે ક્રિકેટર સૌરવ ગાંગુલી આ વિમી- ધીરજનો પુત્ર છે. '૭૨માં એને જન્મ આપીને સૌરવને દત્તક આપવા માટે 'ખુલ્લો આયે ન બાલમ..' આ ધીરજકુમાર ઉપર ફિલ્માયું હતું.

એક મોટં ઇનામ મારા તરફથી તમારે બધાએ આ ફિલ્મના ડાન્સ- ડાયરૅક્ટર પી.એલ.રાજને આપી આવવું જોઈએ, રિશી કપૂર પાસે ય ઉત્તમ કામ લેવા બદલ.

ગીતો
૧... રામજી કી નીકલી સવારી, રામજી કી લાલા હૈ... મુહમ્મદ રફી
૨... પર્બત કે ઈસ પાર, પર્બત કે ઉસ પાર... લતા મંગેશકર- મુહમ્મદ રફી
૩... કહાં તેરા ઇન્સાફ હૈ, કહાં તેરા દસ્તૂર હૈ... મુહમ્મદ રફી
૪... હમ તો ચલે પરદેસ હમ પરદેસી હો ગયે... મુહમ્મદ રફી
૫... મુઝે મત રોકો મુઝે ગાને દો, જો હોત હૈ... મુહમ્મદ રફી
૬... કોયલ બોલી, દુનિયા ડોલી, સમઝો... લતા મંગેશકર- મુહમ્મદ રફી
૭... ડફલીવાલે , ડફલી બજા, મેરે ઘૂંઘરૂં.. લતા મંગેશકર- મુહમ્મદ રફી

No comments: