Search This Blog

10/06/2018

એન્કાઉન્ટર : 10-06-2018


* પહેલાના જમાનામાં લોકોને વાસણો ઉપર નામ લખાવવાનો શોખ હતો..!
- શોખ નહોતો, મજબુરી હતી. ખબર પડે કે, ક્યું વાસણ કોના ઘેરથી લાવ્યા છીએ.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* ઉપવાસ શરૂ કરતા પહેલા નાસ્તામાં શું લઈ લેવું સારૂં ?
- ઉપવાસ કરવાનો ન હોય.. જાહેર કરવાનો હોય !
(
પ્રફૂલ્લ દવે, ભાવનગર)

* કચરાપેટી હોવા છતાં કચરો બહાર નાંખનારાઓને શું કહેશો ?
- કોંગ્રેસ.
(
જયેશ સુથાર, કણજરી-  નડિયાદ)

* રૂ.૨,૦૦૦/- ની નોટ વિશે શું કહેશો ?
-  મારી પાસે તો ગણીને ૫૦૦- ગ્રામ પણ નથી.
(
કિસ્મત તળપદા, વાંઠવાળી- ખેડા)

* આપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગુજરાતી કહેવત કઈ ?
-  જમીને સુઈ જવું અને મારીને નાસી જવું.
(
અજય જોશી, નાસિક-  મહારાષ્ટ્ર)

* ટીવી-સિરિયલોમાં કામ કરવા છતાં ઘણા કલાકારોના દાંત કાળા કેમ હોય છે ?
-  ફિલ્મોમાં કામ કરતા હોત તો બોખા હોત !
(
જ્યોતિકા પંડયા, વલ્લભ વિદ્યાનગર)

* જીએસટી અને પત્ની વચ્ચે શું સામ્ય ?
- આખા દેશમાં બધાને સરખે ભાગે નડે અથવા ફળે છે.
(
રાહુલ ડી. ચૌહાણ, નડિયાદ)

* 'એન્કાઉન્ટર'નો સુવર્ણકાળ કયારથી ગણવો ?
- દર રવિવારે.
(
શૈલેષ શુક્લ, કડી)

* દેશમાં વધી રહેલ બળાત્કારો સામે સરકારની કામગીરી કેવી જણાય છે ?
- આ વિષય આપણા બધાના મનને દુ:ખી કરે છે. એના વિશે સવાલો ન પૂછવા.
(
ધવલ જે. સોની, ગોધરા)

* જે સમારંભમાં તમે મુખ્ય મહેમાન હો ને વોચમેન તમને અટકાવે તો શું કરો ?
- ભાષણ કરવા એને મોકલું. પણ.. ગેટ પર કોને ઊભો રાખવો, એ સવાલ અઘરો પડે !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* દેશના કરૂબાજો માટે લંડન સ્વર્ગસમું નથી લાગતું ?
- એવું ના બોલશો. મારૂં સગું સાસરૂં લંડનમાં છે.
(
રહીમ મલકાણી, ભાવનગર)

* ધર્મો જોડવાનું કામ કરે છે કે તોડવાનું ?
- ધર્મોને કારણે જ દેશભક્તિ નામની રહી છે.
(
બલવંતસિંહ સોલંકી, વડોદરા)

* 'થેન્ક યૂ' અને 'સોરી'નું કોઈ મહત્વ ?
- સોરી. મને જવાબ આવડતો નથી, પણ મને આવું પૂછવા માટે 'થેન્ક યૂ'!
(
રવિકુમાર ધાડવે, સુરત)

* મોટા ભાગના મંત્રીઓ અંગૂઠાછાપ!
- એ આપણા માટે સારૂં થયું છે. વગર ભણે દેશની (............), તો ભણ્યા હોત તો ? (કૌંસમાં ઇચ્છો તે ભરી દેશો.)
(
અનિરૂધ્ધસિંહ રહેવર, રણાસણ-  તલોદ)

* પેટ્રોલના ભાવો... ઉફ, હવે તો ટુ- વ્હિલરે ય પોસાતું નથી..
- સરકાર હવે પેટ્રોલથી ચાલતી સાયકલો ફરજીયાત કરવાની છે.
(
નીલેશવાળા, સરખડી-  ગીરસોમનાથ)

* લેખક બનવા માટે શું કરવું જોઈએ ?
- આપણું લખેલું બીજાને ગમવું જોઈએ.
(
સંકેત વ્યાસ, રાલીસણા- વિસનગર)

* 'એનકાઉન્ટર'માં સવાલ તમે પૂછો અને જવાબ અમે આપીએ, તો કેવું ?
- લગ્નમંડપમાં કોઈ વરરાજો ગોરમહારાજને આવી અદલાબદલીનું પૂછે છે ?
(
જોય કાનાબાર, જોધપુર-  રાજસ્થાન)

* 'વંદે માતરમ'. શું ઇ.સ.૨૦૧૯- માં મોદી સાહેબ ફરી વડાપ્રધાન બનશે ?
- એમની બરોબરીનો તો બીજો એકે ય ભારતીય દેખાતો નથી.
(
ચેતન પટેલ, નાસિક-  મહારાષ્ટ્ર)

* 'એનકાઉન્ટર'નો ગુજરાતી અનુવાદ શું થાય ?
- ઢેખાળાબાજી.
(
મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

* સાસુ- વહુ માટે કોઈ કાયમી સોલ્યુશન ?
- એમાં સોલ્યુશન ના હોય.. બન્ને સ્ત્રીઓ છે.
(
સુધીર પરમાર, રાખેજ-  ગીરસોમનાથ)

* આપણા ધાર્મિક સ્થાનો પર તિરંગો ક્યારે જોવા મળશે ?
- જ્યારે ઇશ્વર કરતા રાષ્ટ્ર મહાન લાગશે ત્યારે.
(
મનિષ રામાવત, મીઠાપુર- દ્વારકા)

* રામરહિમ, આસારામ, રાધેમા... તમને નથી લાગતું, પ્રજાએ હવે બાબાઓનો સંગ છોડી દેવો જોઈએ ?
- પ્રજા છોડે, તો ય રાજકીય પક્ષો બાબાઓને ના છોડે... મોટી વોટબેન્કો કહેવાય!
(
ગંગા મોડેદરા, કુતિયાણા)

* આપનું સૌથી વધુ મનગમતું ગીત કયું ? કારણ જણાવશો.
-  મુહમ્મદ રફીએ ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા' માટે રવિના સંગીતમાં ગાયેલું 'જાને બહાર હૂસ્ન તેરા બેમિસાલ હૈ, વલ્લાહ કમાલ હૈ..' કારણ બતાવીને માણસ ગમાડવાનો હોય, ગીત નહિ !
(
શૈલેષ દરજી, અમદાવાદ)

No comments: