Search This Blog

02/06/2018

'ઝૂલા' (૪૧)


ફિલ્મ : 'ઝૂલા' (૪૧)
નિર્માતા : શશધર મુકર્જી (બોમ્બે ટોકીઝ)
દિગ્દર્શક : જ્ઞાન મુકર્જી
સંગીતકાર : સરસ્વતિદેવી
ગીતકાર : પ્રદીપજી
રનિંગ ટાઈમ : ૧૮- રીલ્સ- ૨ કલાક- ૫૦- મિનિટ્સ.
કલાકારો : અશોકકુમારલીલા ચીટણીસવી.એચ.દેસાઈશાહ નવાઝમુમતાઝ અલીકરૂણા દેવીરાજકુમારી શુક્લાનાના પળશીકરદુલારીમીનુ કપૂર અને જ્યોતિ.
ગીતો
૧... હિંડોલે કૈસે ઝૂલુંમેરા જીયા ડોલે રે...     લીલા ચીટણીસ
૨... ના જાને કિધર આજ મેરી નાંવ ચલી રે...     અશોક કુમાર
૩... ઝૂલે કે સંગ ઝૂલોઝૂલો મેરે મન...     લીલા ચીટણીસ
૪... આજ મૌસમ સલૌના સલૌના રે...     અશોક કુમાર
૫... મૈં તો દિલ્હી સે દુલ્હન લાયા રે... અરૂણ કુમાર-રહેમત બાનુ
૬... મુઝે મત ભૂલનામેરે ચિતચોર.. લીલા ચીટણીસ- અશોક કુમાર
૭... દેખો કહે દૂંગીતુમ્હારે મન કી... લીલા ચીટણીસ- અશોક કુમાર
૮... હમને કિસી સે સુની કહાનીએક સફર હૈ... અશોક કુમાર
૯... દેખો હમરે રાજા કીઆજ સગાઈ હૈ... અરૂણ કુમાર- રહેમત બાનુ
૧૦... મેરે બિછડે હુએ સાથીતેરી યાદ સતાયે.. પ્રદીપજી
૧૧... એક બાત બતાઓ હમેં ગોરી... લીલા ચીટણીસ- અશોક કુમાર
ગીત નં.૪ના ગીતકાર પન્નાલાલ ઘોષ છેબાકીના પ્રદીપજી

બોમ્બે ટોકીઝની આ ફિલ્મ 'ઝૂલા'ની કહાની કંઈક આવી હતી:

યુવાન અને ખૂબસુરત વિધવા કમલા (અરૂણાદેવી) પોતાની લગાન માફ કરાવવા દુષ્ટ જમીનદાર (શાહનવાઝ)ના બંગલે જાય છે. જમીનદાર મહેશ એને ઓળખી જાય છે. કમલા એની જૂની તરછોડાયેલી પ્રેમિકા હતી. એ વિધવા નહોતી પણ જોશોજૂનુનમાં એ મહેશ સિવાય કોઈની બનવું ન પડે, માટે સમાજમાં વિધવા તરીકે રહે છે. ઘેર પાછા ફરતા એક બગીચાના ઝૂલા ઉપર ખુશી ખુશી ગીત ગાતી ગીતા (લીલા ચીટણીસ) ઉપર તેની નજર પડે છે ને મોહિત થઈ જાય છે.

સૌજન્યપૂર્વક ગીતાને સમજાવીને હિંચકે ઝૂલતી ગીતાનો એ ફોટો પાડે છે અને ખાત્રી આપે છે કે, આ ફોટો હું કોઈ મેગેઝિનના કવર પર ચમકાવીશ... અને ખરેખર ચમકાવે પણ છે. ઘરે પાછા ફરતા એને ખબર પડે છે કે, મરણપથારીએ એના પિતા અડધી મિલ્કત એમના દત્તક લીધેલા પુત્ર સતીષ (અશોક કુમાર)ને નામે કરી છે. મહેશે પિતા ઉપર અપમાનજનક ઘાંટા પાડતા પિતા મૃત્યુ પામે છે, પણ સતીષ પોતાના ભાગે આવેલી મિલ્કત મહેશને આપી દઈ ઘર છોડી દે છે.   

એક ટ્રેનમાં વગર ટિકિટે જતા સતીષ મેગેઝિનના કવર ઉપર ગીતાનો ફોટો જોઈને જ પ્રેમમાં પડી જાય છે. અજાણતામાં એ એ જ ગામના સ્ટેશને ઉતરી જાય છે, જ્યાં ગીતા એના પોસ્ટમાસ્ટર કાકા (વી.એચ.દેસાઈ)ને ત્યાં રહેતી હોય છે. કમલા પોસ્ટમાસ્તરની જ દીકરી હોવાથી ગીતા સાથે એને સારી દોસ્તી છે. સતીષને પોસ્ટમાસ્તરનો આસિસ્ટન્ટ રહેમત ખાન (મુમતાઝ અલી) ઘેર લઈ આવે છે.    

ગીતાને આ જ ગામમાં જોઈને સતીષ રાજી થઈ જાય છે. એનું વાસ્તવિક નામ સતિષ છે, પણ પેલા મેગેઝિનના કવર-પેજ પર ગીતાની તસ્વીર ચમકાવવા રમેશ નામનો ઉપયોગ કરે છે.) પછી તો છોકરીને ઇમ્પ્રેસ કરવાના ફિતૂરો રમેશ અજમાવે રાખે છે, જેમાં પોતે જ ઝૂલા ઉપર બેઠેલી ગીતાનો ફોટો પાડીને છપાવ્યો હોય, એ બધા ગપગોળામાં એ પોતે ભરાઈ પડે છે, પણ થોડી ઘણી ગોલમાલ પછી વિલન જમીનદાર મહેશ (જે રમેશનો સાવકો ભાઈ પણ છે) એની 'વિધવા' પ્રેમિકાને અપનાવે છે અને આ બન્ને પ્રેમીપંખીડાઓ પણ એક થાય છે.    

આજે તો બહુ સામાન્ય જ નહિ, ફાલતુ પણ લાગે એવી સ્ટોરી ઉપરથી બનેલી આ ફિલ્મે એ જમાનામાં દેશની તમામ ફિલ્મોમાં ચોથા નંબરનો તગડો બિઝનેસ કર્યો હતો. આમ તો અશોક કુમાર અગાઉ થોડી ઘણી ફિલ્મોમાં આવી ગયો હતો, પણ કારણ સામાન્ય એક્ટિંગ અને થોડો સ્ત્રૈણ્ય ચહેરો, એમાં એ ફિલ્મોની સેન્ટ્રલ- કેરેક્ટર હીરોઈનો હતી, પણ આ ફિલ્મમાં પ્રારંભથી અંત સુધી અશોકે કોમેડી કરી છે.   

અને ફિલ્મનું મૂળ પાત્ર પણ એ છે. અલબત્ત, આપણે જે અશોક કુમારને અદભુત અને સર્વોત્તમ એક્ટર તરીકે ઓળખીએ છીએ, એવો એક્ટર હજી તે બન્યો નહોતો, સિવાય કે આ જ ફિલ્મના દિગ્દર્શક જ્ઞાન મુકર્જીએ બોમ્બે ટોકીઝની તે પછીની બ્લોક-બસ્ટર ફિલ્મ 'કિસ્મત'માં એની પાસે હિંદી ફિલ્મોનું પહેલી વારનું એન્ટી-હીરોનું કામ લીધું, એ પછીની ફિલ્મોમાં આપણને સર્વશ્રેષ્ઠ અભિનેતા મળ્યો.     

આ જ્ઞાન મુકર્જીની અંગત કહાણી ઉપરથી ગુરૂદત્તે ફિલ્મ 'કાગઝ કે ફૂલબનાવ્યું હતું. ગુરૂદત્તની ફિલ્મ બકવાસ હતી અને ગુરૂદત્ત એમાં સારી પેઠે ધોવાઈ ગયો. બહુ લાગવગો દોડાવીને રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદને આ ફિલ્મ જોવાની વિનંતી કરી અને એના કમનસીબે વિનંતી માન્ય રહી. ખાસ શો રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો પણ વીસેક મિનિટ ફિલ્મ જોયા પછી ગુસ્સાથી રાજેન્દ્રબાબુ લાલધુમ થઈ ગયા, આવી કચરાછાપ ફિલ્મ જોવા ટાઈમ બગાડયો. એમણે તાબડતોબ શો બંધ કરાવ્યો. મુંબઈમાં ય એ સમયમાં રાષ્ટ્રપતિઓ બહુ રહેતા હશે કે 'કાગઝ કે ફૂલ' અડધી જોઈને કોપાયમાન થયેલા પ્રેક્ષકોએ સિનેમાઘરોમાં તોફાનો મચાવી દીધા, ખુરશીઓ તોડી, વગેરે વગેરે.  

આ ફિલ્મ ગુરૂદત્તે જ્ઞાન દાને 'અર્પણ' કરી હતી, તે આજની ફિલ્મ 'ઝૂલા'અને કલકત્તામાં કોઈ સાડા ત્રણ વર્ષ ચાલેલી અશોક કુમારની ફિલ્મ 'કિસ્મત'ના દિગ્દર્શક હતા.ઘણી કરૂણ કહાણી છે જ્ઞાન દાને આ ફિલ્મ 'અર્પણ' થવા પાછળ. દુનિયાભરની ફિલ્મોના બોક્સ- ઓફિસ રેકોર્ડો તોડનારી આ ફિલ્મ 'કિસ્મત' જ્ઞાન દા એ દિગ્દર્શિત કરી હોવાથી નિર્માતાઓ તૂટી પડયા.   

'
અમારા માટે ફિલ્મ બનાવો... પૈસા જોઈએ એટલા લઈ લો, પણ 'કિસ્મતજેવી ફિલ્મ અમને પણ બનાવી આપો.' બસ. જ્ઞાન દાએ પણ થોડી ઘણી ફિલ્મો સ્વીકારી, પણ 'કિસ્મત' તો શું, સાવ સામાન્ય હિટ ફિલ્મ પણ એકે ય ન બની (એનું નામ 'કિસ્મત'!) પછી તો એ પૈસા ભૂખ્યા નિર્માતાઓ છોડે ? જ્ઞાન મુકર્જીએ તરછોડી, અપમાનિત, કરી અને હડધૂત કરી કરીને એ જ લોકોએ પાયમાલ કરી નાંખ્યો. બહુ અપમાનિત થઈને દુર્દશામાં એ ગૂજરી ગયા. બસ, એ જ ફિલ્મ 'કાગઝ કે ફૂલ' 'દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી ...!'   

જોવાની ખૂબી નહિં પણ તકલીફ એ છે કે, મેહમુદ-રાહુલદેવ બર્મન અને કિશોર કુમારે બેધડક આ ફિલ્મમાં દાદામોનીએ ગાયેલું ગીત 'એક ચતુર નાર બડી હોશિયાર...' સીધેસીધું ઉઠાવ્યું હોવા છતાં કબુલાત કોઈની નહિ. એ તો હવે જગજાહેર છે કે, 'ઝૂમરૂ'નું 'કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા..' પણ આ 'ચતુરનાર'ની જેમ પારસી- ગુજરાતી મહિલા સંગીતકાર સરસ્વતિદેવીનું જ કમ્પોઝિશન... જેને આજ સુધી કોઈએ ક્રેડિટ નથી આપી. આ ફિલ્મ 'જીવનનૈયા' તો ઇ.સ.૧૯૩૬માં બની હતી, જેને અશોક કુમારે જ પરદા ઉપર કે પ્લેબેક પણ પોતે આપ્યું હતું... છે ને, 'માલ કિસી કા , કમાલ કિસી કા..!' એ વાત જુદી છે કે, હસતા હસતા આ બન્ને ચોરીઓનો પર્દાફાશ દાદામોનીએ જ ટીવી- ઇન્ટર્વ્યૂમાં કર્યો હતો.

સરસ્વતિદેવીને પ્રણામ કરવા પડે, એટલા માટે નહિ કે એમનું તો નામ જ 'સરસ્વતિ' હતું. પણ આ ફિલ્મના ઓલમોસ્ટ તમામ ગીતો સુપરહિટ થયેલા. ખાસ તો મેહમુદના ફાધર મુમતાઝ અલી અને સાઈડ રોલમાં કામ કરતી રાજકુમારી શુક્લા ઉપર ફિલ્માયેલા 'મૈં તો દિલ્હી સે દુલ્હન લાયા રે...' દેશની ગલીગલીએ ગવાતું હતું. (અલબત્ત, આ રાજકુમારી શુક્લા અને હીરોઈન- ગાયિકા રાજકુમારી દૂબે જુદા.) સરસ્વતિદેવી બોમ્બે ટોકીઝની ફિલ્મો માટે એ 'મસ્ટ' સંગીતકાર હતા.      

પણ તદ્દન સામાન્ય માણસો પણ ગાઈ શકે, એવી શાસ્ત્રીય કસરતો વગરની ધૂનો બનાવવામાં માહિર આ સંગીતકારે કમાલ દાદામોની પાસે કરાવી, 'ના જાને કિધર આજ મેરી નાંવ ચલી રે...' વર્સ્હો સુધી દેશભરના છઓક્રે- છોકરાઓ ગાતા થઈ ગયેલા. ખુદ અમે પણ નાનપણમાં આવડે એવું આ ગીત લલકારતા...( પછી અશોક કુમારને આવડે, એમાં શી નવાઈ!)     

એ જમાનામાં લોકો ફિલ્મસ્ટાર્સના નામે નહિ, ફિલ્મ સ્ટુડિયોનું નામ જોઈને ફિલ્મો જોવા જતા. ઇવન, ધી ગ્રેટ સાયગલને પોતાની ફિલ્મમાં લેવા નિર્માતાઓની કોઈ પડાપડી નહોતી થતી, પણ કલકત્તાના ન્યુ થીર્યેટર્સના નામે સાયગલ કે પંકજ મલિકની ફિલ્મો જોવા પડાપડી થતી અને ફિલ્મો ય (એ સમય પ્રમાણે) દર્શકોને ખૂબ ગમતી. મુંબઈમાં હિમાંશુ રોય અને એના પત્ની દેવિકા રાણી 'બોમ્બે ટોકીઝ'ના નામે ફિલ્મો બનાવતા અને કલકત્તામાં ન્યુ થીયેટર્સનો દબદબો ભારતભરમાં હતો, એ બધી વાતો બહુ વાર કહેવાઈ ચૂકી છે, એટલે આપણે એમાં નહિ પડીએ. કહેવાનો ટૂંકસાર એટલો કે ફિલ્મો સ્ટુડિયોની પ્રતિષ્ઠા ઉપર ચાલતી. રાજ-દિલીપ- દેવના તો ફિલ્મી જન્મો ય નહોતા થયા, પણ વ્હી, શાંતારામ, સરદાર ચંદુલાલ શાહ, સોહરાબ મોદી અને પછીથી બિમલ રોયના નામો કોઈ સુપરસ્ટાર્સથી કમ નહોતા.

મુમતાઝ અલી મેહમુદના પિતા હતા, પણ બોમ્બે ટોકીઝની એ પછીની લગભગ બધી ફિલ્મોમાં એમને લેવા પડે એવી લોકપ્રિયતા હતી. મૂળ એ ડાન્સર અને ડાન્સ-ડાયરેક્ટર હતા. મેહમુદે પોતાની ફિલ્મ 'કુંવારા બાપ'માં એના પિતા પાસે ભિખારી- અવસ્થામાં સાચા હીજડાઓને લઈને 'સજ રહી ગલી મેરી મા, સુનેહરી ગોઠે મેં...' માં ડાન્સ પણ કરાવ્યો. આ ગીતે દુનિયાભરમાં ધૂમ મચાવી હતી.   

એ સમયના વિલનો ઉંચા-પહોળા, કાયમ શૂટ-બૂટમાં ફરતા પૈસાપાત્ર હતા. શાહનવાઝ પણ એ જ બ્રાન્ડનો ખલનાયક હતો. બહુ નહિ, થોડો ય ચાલ્યો નહિ... વિલનના હાઈટ-બોડી અને અભિનય હોવા છતાં ! આ જ સ્ટુડિયોની ફિલ્મ 'બંધન'માં પણ એ હીરો અશોક કુમારનો દુશ્મન બને છે, પણ એ જમાનાના હીરો વિલનને અમારા ખાડીયાની ભાષામાં 'ધોઈ નહોતા નાંખતા'... ફિલ્મોનો ઝોક સામાજીક વધુ હોવાથી વિલનો એટલે કે દુષ્ચરીત્રનો અંજામ એને સત્યનું ભાન થવાથી આવે, મારામારીથી નહિ.

અશોક કુમાર હોય એટલે એના બેવકૂફ દોસ્ત વી.એચ.દેસાઈ તો હોય જ. આ ફિલ્મમાં દેસાઈ એડોલ્ફ હિટલરના લિબાસ અને હેરસ્ટાઈલમાં આવે છે. આજે જુઓ તો એના કિરદારો તમને હસાવી ન શકે, પણ એ જમાનામાં દેસાઈના નામના સિક્કા પડતા. 

ફિલ્મની હીરોઈન લીલા ચીટણીસનું પરણ્યા પહેલાનું નામ તો 'લીલા નગરકર' હતું અને મરાઠી કુટુંબમાં કર્ણાટકના ધારવાડમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મી હતી. 'લક્સ' સાબુની ભારતની સૌ પ્રથમ મોડેલ હતી. એ ૧૫-૧૬ વર્ષની હતી, ત્યારે જ એનાથી ઉંમરમાં ઘણા મોટા ડો.ગજાનન ચીટણીસ સાથે પરણી અને ચાર સંતાનોની માતા બની. લીલા ખૂબ શિક્ષિત પરિવારમાંથી આવેલી અને પોતે ખૂબ ભણેલી હીરોઈન હતી. એ જમાનાની ગ્રેજ્યુએટ હતી અને પોતાના નાટય ગુ્રપમાં એ ઇબ્સેન, બર્નાર્ડ શો અને સ્તાનિસ્લાવ્સ્કીના નાટકો મંચસ્થ કરતી.     

અશોક કુમાર એટલો ઇમ્પ્રેસ્ડ હતો કે, એણે જાહેરમાં કબુલાત કરી કે, આંખોથી અભિનય કરવાનું એ લીલાબાઈનો અભિનય જોઈને શીખ્યો હતો. અલબત્ત, '૪૦-ના દાયકામાં ઉંમર એનાથી વધુ ઝડપે ભાગતી હતી અને એણે ચરીત્ર અભિનેત્રીના રોલ સ્વીકારવા માંડયા. સહુને ખબર છે કે, રાજ કપૂરની 'આવારા', દેવ આનંદની 'ગાઈડઅને દિલીપ કુમારની 'ગંગા જમુના'માં એનો દર્શકોને ઇમ્પ્રેસ કરવાની અભિનય કાયમી અસર છોડી ગયો છે. સંગીતકાર નૌશાદે કમ્પોઝ કરેલું સર્વપ્રથમ ગીત ફિલ્મ 'કંચન'માં લીલા ચીટણીસે ગાયું હતું, જો કે, એ એક જ ગીત હતું. નૌશાદની સૌથી પહેલી ફિલ્મ 'પ્રેમનગર' હતી. જે ઇ.સ.૧૯૪૦-માં બની હતી.      

અફ કોર્સ, ફિલ્મ 'બોમ્બે ટોકીઝ'ની હતી, એટલે જોશો તો ડીવીડી-ના પૈસા નહિ પડી જાય.

No comments: