Search This Blog

29/06/2018

મૈં આઝાદ હું ભાગ - 1


ફિલ્મ  : 'મૈં આઝાદ હૂં' (૮૯)            
નિર્માતા : એચ.એ. નડિયાદવાલા  
દિગ્દર્શક  : ટીનુ આનંદ        
સંગીત  : અમર-ઉત્પલ (બિશ્વાસ) 
ગીત : કૈફી આઝમી  
રનિંગ ટાઇમ    :૧૮-રીલ્સ-૧૬૦ મિનિટ્સ           
થીયેટર        : નટરાજ (અમદાવાદ)          
કલાકારો    :અમિતાભ બચ્ચન, શબાના આઝમી, મનોહરસિંઘ, અનુપમ ખૈર, અનુ કપૂર, અજીત વાચ્છાણી, અંજન શ્રીવાસ્તવ, મુસ્તાક મર્ચન્ટ, રામગોપાલ બજાજ, કે.કે. રૈના, અવતાર ગીલ, રાજા બુંદેલા, આભા પરમાર, સચિન ખેડેકર, મુસ્તાક ખાન, સુધીર પાંડે, દીપક કાઝીર, આકાશ ખુરાના.

ગીતો
ઈતને બાઝુ ઈતને સર, ગીન લે દુશ્મન જાન સે... અમિતાભ બચ્ચન

તમારા હાથમાં છે, એ અખબારથી માંડીને દુનિયાભરના છાપાઓને પોતાનો માલ વેચવા રોજ કાંઈ ને કાંઈ ગતકડાં શોધતા રહેવું પડે છે, જેમાં વાચકો હેબતાઈ જાય, ચમકી જાય કે ખુશ થાય. સનસનાટી વિનાના સમાચારોથી છાપાં ન ચાલે અને આવી સનસનાટી સાચી બનેલ ઘટનાઓ ઉપર આધારિત હોવી જોઈએ.

જે ઘટના બની જ ન હોય, એના સમાચારો ઊભા કરી શકતા નથી અને કરવા જાય તો છાપું બંધ કરવાનો વખત આવે. સરેરાશ વાચકોને ખૂન, લૂંટ, કૌભાંડો, બળાત્કાર કે કોઈ તોતિંગ દુર્ઘટનાના સમાચાર વાંચવાની મોટી તાલાવેલી હોય છે, પણ છેલ્લાં દસેક વર્ષથી આવી જ ઘટનાઓ ઉપર બધા છાપા અને ટીવી-ન્યૂસ ચેનલો મચી પડી હોવાથી વાચકો અને દર્શકો હવે ઉબાઈ ગયા છે... કેમ જાણે, પૂરા દેશમાં કોઈ સારી ઘટના બનતી જ ન હોય !

એ ઈંગ્લિશ નોવેલનું નામ તો અત્યારે યાદ આવતું નથી, પણ અમેરિકાના કોઈ બે મોટા છાપાઓ એકબીજાની કાતિલાના હરિફાઈમાં સનસનાટી લાવવા એવી ચડસમાં ઉતર્યા હતા કે, કોઈ ભારે ગમખ્વાર દુર્ઘટના સાચ્ચે જ ઊભી કરીને પોતાના છાપામાં એના સૌથી પહેલા અને એક માત્ર સમાચારો છાપવાની બદમાશીમાં, એવી દુર્ઘટના ઊભી કરવામાં આવે છે અને એના માસ્ટરમાઈન્ડ છાપાનું સર્ક્યુલેશન રાતોરાત વધી જાય છે.

એ જ અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સને આચરેલા 'વોટરગેટ-કૌભાંડ'નો પર્દાફાશ અમેરિકાના બે પત્રકારો પોતાના જીવના જોખમે પોતાના અખબારમાં કરીને કેવળ સનસનાટી મચાવતા નથી, નિક્સનને રાતોરાત અમેરિકાનું પ્રમુખપદ છોડવું પડે છે, જે વિષય પર માર્વેલસ ફિલ્મ બની હતી, 'ઓલ ધી પ્રેસિડેન્ટ્સ મેન' (૭૬), જેના બે આવા ગ્રેટ પત્રકારોના રોલમાં ડસ્ટિન હોફમેન અને રોબર્ટ રેડફોર્ડ દુનિયાભરમાં મશહૂર થઈ ગયા હતા. રોજેરોજ આવી જ સનસનાટીઓ પોતાના અખબારમાં લાવવા માટે આમાદા એક છાપાના માલિક ગોકુલદાસ (મનોહરસિંઘ) એના છાપાની તેજાબી પત્રકાર સુભાષિની (શબાના આઝમી)ને સોંપે છે, નહિ તો છાપામાંથી એ છુટી થાય.

નોકરી બચાવવા નોકરીના છેલ્લા લેખ તરીકે શબાના મ્હોં-માથાં વિનાની અને તદ્દન કાલ્પનિક વાત ઊભી કરીને છાપી દે છે, જેમાં દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ નહિ થાય તો એક બહુમાળી બીલ્ડિંગના ધાબેથી કૂદી પડવાની જાહેરાત કોઈ અજાણ્યા 'આઝાદ' (અમિતાભ બચ્ચને) નામના માણસે લખેલા પત્રમાં કરી છે. આવા ખૌફનાક સમાચાર છપાવવાથી ગોકુલદાસનું છાપું તો એ દિવસે ભારે નકલો સાથે વેચાઈ જાય છે, પણ પછી બીજા દિવસનું શું ? શબાનાને આવો માણસ શોધી લાવવાની અને ન મળે તો આવો બનાવટી માણસ ઊભો કરવાની જવાબદારી સોંપાય છે.

એના સદનસીબે, તદ્દન બેકાર અને પેટનો ભૂખ્યો એક માણસ (બચ્ચન) મળી આવે છે, જેને ગરજ પોતાનું પેટ ભરવાની હોવાથી થોડા પૈસાની લાલચે આવી ઓફર સ્વીકારી લે છે. જાહેરાત મુજબ, સાચો આપઘાત તો કરવાનો ન હતો, એટલે બચ્ચનને એમાં કાંઈ ખોટું લાગતું નથી. ભ્રષ્ટ નેતાઓ અને સીસ્ટમ સામે વિરોધ બતાવવા કૂદવાની જાહેરાતની તારીખ ૨૬-મી જાન્યુઆરી રખાઈ છે. બચ્ચનનું નામ 'આઝાદ' રખાય છે અને એના પ્રભાવશાળી અવાજ અને ભાષણ કરવાની બેનમૂન ક્ષમતાનો લાભ ઉઠાવી ગોકૂલદાસ શબાના દ્વારા આઝાદને હીરો બનાવી દે છે, જે દેશના ઘરઘરમાં લોકપ્રિય થઇ જાય છે.

સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન આઝાદ ગરીબો, કિસાનો, મજૂરો અને વિદ્યાર્થીઓના ભ્રષ્ટ રાજકીય નેતાઓ દ્વારા થતું શોષણ જોઇને ભાવુક થઇ જાય છે. એને એ પણ ખબર પડે છે કે, એને દેશભરનો હીરો બનાવીને એનો ગેરલાભ લેવામાં આવ્યો છે, જેમાં ગોકુલદાસને મુખ્યમંત્રી બનવું હોય છે, સુગરમિલના માલિક અનુપમ ખેર, મુખ્યમંત્રી સુધીર પાંડે અને ગેરકાયદે બહુમાળી બીલ્ડિંગ ઊભા કરનાર બિલ્ડર જેવા કંઇક આમાં શામેલ છે.

આઝાદ ભાવુક થઇ જાય છે અને 'આઝાદ' હોવાનું નાટક છોડીને સાચ્ચે જ 'આઝાદ' બની જાય છે. જો એની જાણ બહાર અગાઉ એણે કરેલી જાહેરાત મુજબ, ૨૬ જાન્યુઆરીએ એ ઊંચી બીલ્ડિંગ પરથી કૂદી પડીને પોતાનો જાન આપી દે તો પોતે મરશે પણ ભ્રષ્ટ લોકોને ખુલ્લી કરી શકશે, એ નિર્ણયે એ સાચેસાચ આપઘાત કરે છે...

આજે આ ફિલ્મને ૩૦ વર્ષ થવા આવ્યા છતાં ફિલ્મનો વિષય આજે પણ પ્રસ્તુત છે એ તો ઠીક, પણ અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા એ દિવસોમાં હતી, એના કરતા ય અનેકગણી આજે થઇ છે. આ કૉલમ લખનારની જે કાંઈ સમજ/આવડત છે, એ મુજબ આજ સુધી હિંદી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનજેવો એકે ય અભિનેતા પેદા થયો નથી. તમારી સોચ મુજબ, હિંદી ફિલ્મોનો સર્વોત્તમ એકટર મનોજકુમાર કે વિશ્વજીતે ય હોઈ શકે, એ તમારો મત છે ને એમાં મારો ઇન્કાર હોઈ શકે નહિ.

એક 'ઍક્ટર' તરીકે આજ સુધી અમે રાજકપૂર, દિલીપકુમાર કે દેવ આનંદ કરતા ય દાદામોની-અશોકકુમારને ઊંચા સ્કૅલ પર મૂક્તા હતા અને હજી મૂકીએ છીએ, પણ પોતાની અઢળક ફિલ્મોમાં જે વિભિન્ન વિષયો ઉપર અલગ અલગ કિરદારો બચ્ચને નિભાવ્યા છે, એ હિંદી ફિલ્મોના એકે ય હીરોએ નિભાવ્યા નથી. અલબત્ત, બચ્ચન જેટલી જુદા જુદા પાત્રો ભજવવાની વૅરાયટી પણ કોઇને મળી નથી. આજ સુધી આપણે જેને હિંદી ફિલ્મોનો સર્વોત્તમ હીરો માનતા હોઈએ, એમાંના કોઇને પણ કિરદારોની વેરાયટી કરવા મળી નથી. બહુ બહુ તો ઍન્ટી-હીરો બન્યો હોય ! અફ કોર્સ, એ લોકોએ જે કાંઈ ફિલ્મો કરી હતી, એ બધીઓમાં એમા અભિનય માટે કોઈ ફરિયાદ હોઈ ન શકે... તફાવત કેવળ જુદા જુદા લૅવલના પાત્રો ભજવવાનો છે, જે બચ્ચને બતાવ્યો છે.

આ બાજુ, અમિતાભે અનેક ફિલ્મોમાં ચીલાચાલુ પ્રેમલા-પ્રેમલી, ઍન્ગ્રી યંગમેન કે ઢિશૂમઢિશૂમ-છાપની ફિલ્મો ઉપરાંત બીજા કોઈ હીરો સ્વીકારી પણ ન શકે, એવા અલગ અલગ કિરદારો અનેક ફિલ્મોમાં એણે નિભાવ્યા છે. સાદો દાખલો 'ચીની કમ'નો લઇએ કે 'ઝંજીર' અને 'શરાબી'નો લઇએ. 'પા', 'વઝિર', 'પિન્ક', 'સિલસીલા', '૧૦૨-નોટ આઉટ', 'અગ્નિપથ', 'ભૂતનાથ', 'સરકાર', 'પિકુ', 'ત્રિશૂલ' કે આજની ફિલ્મ 'મૈં આઝાદ હૂં'માં અમિતાભે ભજવેલા રોલ કોઈ ચીલાચાલુ પ્રેમલા-પ્રેમલીની ફિલ્મોવાળા નહોતા, જેના વિના હિંદી ફિલ્મો ચાલે જ નહિ.

એમાં ય, ઉમેરવાનું કાંઈ બાકી રહી જતું હોય એમ એનો મર્દાના અવાજ, ભારતમાં ખાસ જોવા ન મળે એવા હાઈટ-બોડી, હેન્ડસમ દેખાવ, માથે વાળનો ભરપુર જથ્થો, વગર બોલે સેંકડો સંવાદો બોલી શક્તી ભાવવાહી આંખો, સોફા ઉપર બેઠો હોય ત્યારે પગનો એક ઢીંચણ એવો ઊંચો હોય, જેનાથી ઊભી થતી પર્સનાલિટી અન્ય કોઈ હીરોમાં જોવા મળી નથી.

ખાસ તો, એક માનવી તરીકે એ દેશભરમાં છવાઈ ગયો, 'કૌન બનેગા કરોડપતિ'થી, જેમાં સ્ત્રીઓ પ્રત્યે એનો પિતાતુલ્ય સાહજીક આદરભાવ અન્ય ફિલ્મી હીરોમાં જવલ્લે જોવા મળ્યો છે. ક્યાંય મર્યાદા વટાવવાની નહિ. અને ઉંમર તો ઘણી થઇ ગઇ હોવા છતાં, આજે પણ એ હૅન્ડસમ દેખાય છે. ઈવન, આ જ ફિલ્મ 'મૈં આઝાદ હૂં'માં રામ જાણે એ કયો બ્લૅક લોન્ગ-કોટ લઇ આવ્યો છે કે, એના પહોળા ખભા અને હાઇટને કારણે કેવળ એને જ શોભે !

જોવાની વાત એ છે કે, જે 'ઍન્ગ્રી યંગમૅન'ની ઇમેજ અને ઢિશૂમ ઢિશૂમ ફિલ્મોને કારણે એ ભારત ભરમાં છવાઈ ગયો, એવી ફિલ્મો તો વર્ષોથી એણે કરવાની બંધ કરી દીધી-ઈવન, આજની ફિલ્મ, છતાં એની લોકચાહના અમર જ રહી. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ આપણા રાજકોટમાં થયું હતું અને એની લોકપ્રિયતા જુઓ. ફિલ્મની ક્લાયમૅક્સના દ્રષ્ટો માટે દિગ્દર્શક ટીનુ આનંદને હજારો માણસોનું ઓડિયન્સ જોઈતું હતું, તે એક માત્ર એના નામ પર મળી ગયું. રાજકોટમાં એ સ્ટેડિયમ તરફ હજારોના ટોળેટોળા ધસતા દેખાયા હતા. ફિલ્મના શૂટિંગ દરમ્યાન ગુજરાતભરના અખબારો આ ફિલ્મના શૂટિંગના રોજેરોજના અહેવાલો પાણી-પુરીની માફક વહેંચતા હતા. રાજકોટવાળા આજની તારીખે ગૌરવ અનુભવે છે.

અમિતાભે એની ઍન્ગ્રી-યંગમેન અને મારામારીવાળી સફળ ફોર્મ્યૂલાને તરછોડીને આવી હેતુપૂર્ણ ફિલ્મમાં કામ કર્યું, એ કદાચ પ્રેક્ષકોને ગમ્યું નહિ, એટલે આવી સુંદર ફિલ્મ ટિકીટબારી ઉપર પિટાઇ ગઈ. દિગ્દર્શક ટીનુ આનંદ પોતે બચ્ચનજેવા અવાજનો પ્રભાવશાળી એક્ટર અને દિગ્દર્શક હતો. 'કાલીયા', 'અગ્નિપથ', 'મેજર સા'' અને 'શહેનશાહ' જેવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચને દિગ્દર્શિત કર્યા પછી બચ્ચનનો કિરદાર આ ફિલ્મમાં પ્રેક્ષકોને અહિંસક અને અશોકકુમાર જેવો લાગ્યો હશે... ફિલ્મ ન ચાલી.

પણ ફિલ્મ આટલી અર્થપૂર્ણ બની, એમાં મૂળ ફાળો, જેના ઉપરથી આ હિંદી ફિલ્મ બની, તે હોલીવૂડની ફિલમ 'મીટ જોહ્ન ડો' ('૪૧) હતી, જેના વિશ્વવિખ્યાત નિર્માતા-દિગ્દર્શક ફ્રેન્ક કાપરાએ (અમિતાભવાળો રોલ) ગૅરી કૂપર અને બાર્બરા સ્ટૅન્વિક (શબાના આઝમી) પાસે આ કિરદારો કરાવ્યા હતા. આ ફિલ્મે તો દુનિયાભરમાં ધૂમ મચાવી હતી. વિજય આનંદ એના પરથી ફિલ્મ બનાવવા માંગતો હતો, પણ બચ્ચનવાળો રોલ એને પોતાને કરવો હતો, એમાં કોઈ માન્યું નહિ. બચ્ચનને લઇને નડિયાદવાલાએ આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે ફિલ્મનું નામ 'સચ' રાખવાનું હતું, જે ટાઈટલ અગાઉથી બૂક હોવાથી ફિલ્મનું નામ 'મેરા ઇન્સાફ' રાખ્યું, પણ છેવટની મોહોર 'મૈં આઝાદ હૂં' પર લાગી.

એક સુંદર કિસ્સો આ ફિલ્મ સાથે જોડાયેલો છે. રાજકોટમાં આ ફિલ્મના શૂટિંગ વખતે અમિતાભ સંસદ સભ્ય હતો અને શબાના આઝમીએ પૂછ્યું કે, બચ્ચને સંસદ સભ્ય તરીકે કોઈ સુધારા કરાવ્યા છે ? ત્યારે અમિતાભે કહ્યું કે, એક વાર રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર હતું અને હું હેબતાઈ ગયો કે, જમવાની ડિશો ઉપર ભારતીય તિરંગાનું પ્રતિક લગાવ્યું હતું. 'મને એ ગમ્યું નહિ. આપણા રાષ્ટ્રના પવિત્ર ચિહ્નનો આવો ઉપયોગ સહન ન થાય ને એ પછી મેં પાર્લામેન્ટમાં એ મુદ્દો ઉઠાવ્યો અને જમવાની પ્લેટો કે કોઈ પણ આવી ચીજો પર તિરંગાના ચિહ્ન ઉપર કાયમી પ્રતિબંધ આવી ગયો.'

શબાના આઝમી આપણા દેશની બહુ સન્માન્નીય અભિનેત્રીઓ પૈકીની છે. ફિલ્મની પટકથા અને સંવાદ એના પતિ જાવેદ અખ્તરે અને ફિલ્મનું એક માત્ર ગીત એના પિતા કૈફી આઝમીએ લખ્યું હતું. ફિલ્મના એક માત્ર ગીત માટે સંગીત ધી લેજન્ડરી અનિલ બિશ્વાસના સુપુત્રો અમર-ઉત્પલે આપ્યું હતું.

અમિતાભ બચ્ચન આજે પણ '૧૦૨-નોટ આઉટ' જેવી અર્થપૂર્ણ ફિલ્મોમાં પોતાનું હીર બતાવી રહ્યો છે. હીરો તો યુવાન જ હોવા જોઇએ, એ ભ્રાંતિ એણે એકલાએ તોડી છે. કમનસીબે, હમણાં હમણાંથી આડેધડ ટીવી-જાહેરાતો કરીને એ બૉર પણ કરવા માંડયો છે. જે હાથ આવે, એ બધી એડ એ કરે છે, એમાં પૈસા ભરપુર મળે, એ વાત સ્વીકાર્ય છે... છતાં પણ હમણાં હમણાંથી આવતી એની એકે ય ઍડ ફિલ્મમાં એ પોતાના કેલિબરને ન્યાય નથી આપતો. પરોઢીયે ટોપલો લઇને કાગળના ડૂચા વીણવા નીકળતી બાઈની માફક એ જે મળે એ ફાલતુ જાહેરાતોમાં કામ કરીને પોતાનું સ્તર નબળું પાડી રહ્યો છે... પૈસા હવે એનો પ્રોબ્લેમ નથી, પણ એની ક્વૉલિટી આપણી ચિંતા છે...!

No comments: