Search This Blog

15/06/2018

'એકરૂકા હુઆ ફૈસલા' ('૮૬)


ફિલ્મ: 'એકરૂકા હુઆ ફૈસલા' ('૮૬)
નિર્માતા-દિગ્દર્શક    :    બાસુ ચેટર્જી
સંગીત    :    બાસુ ચક્રવર્તી
રનિંગ ટાઈમ    :    ૧૫ રીલ્સ-૧૧૭ મિનીટ્સ
થીયેટર    :    માહિતી નથી
કલાકારો    :    પંકજ કપૂર, કે.કે.રાયના, દીપક કાઝિર, અનુ કપૂર, સુબિરાજ, એમ.કે.રાયના, અમિતાભ શ્રીવાસ્તવ, એસ.એમ.ઝહીર, સુભાષ ઉદગતે, હેમંત મીશ્ર, શૈલેન્દ્રગોયલ, અઝીઝ કુરેશી, સી.ડી.સિંધૂ

અદાલતમાં આખરી નિર્ણય ન્યાયાધિશ આપે છે, પરંતુ ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશોમાં 'જ્યુરી-સીસ્ટમ' હતી - ઘણા દેશોમાં હજી છે, જેનો અર્થ ન્યાયાધિશ સમાજના જુદા જુદા ક્ષેત્રોના લગભગ ૧૨ પસંદીદા સજ્જનોને શપથ લેવડાવી આરોપીના ગૂન્હાને સંપૂર્ણ નિષ્પક્ષ થઇને પોતાનો ચુકાદો આપવા સૂચન કરે છે કે, આરોપી ગુન્હેગાર છેકે નિર્દોષ ! ઇ.સ. ૧૯૫૯ના અત્યંત વિવાદાસ્પદ બનેલા 'કે.એમ.નાણાવટી વિ.મહારાષ્ટ્ર રાજ્ય સરકાર'ના કેસમાં જ્યુરી ખૂબ ટીકાપાત્ર બની હતી, કે, ન્યાય જાહેર કરવામાં જ્યુરી અખબારી અને અન્ય અહેવાલોથી દોરવાઈ ગઇ હતી પરિણામે, આ છેલ્લા કેસ પછી ભારતમાં જ્યુરી-સીસ્ટમ નાબૂદ કરવામાં આવી હતી.

ન્યાય-પ્રણાલી મુજબ, જ્યુરીના તમામ સભ્યોનો નિર્ણય સર્વાનુમત હોવો જોઇએ, એક પણ અપવાદ ન ચાલે. અલબત્ત, આ કેસના આરોપી કાવસ માણેકશા નાણાવટી પારસી હતા. જ્યુરીએ આપેલા ચુકાદા મુજબ, આ કેસ ઇ.પી.કો. ૩૦૨ મુજબ બેૅનચમની ર્રસૈબૈગી નો બનતો નથી. આના ઉપર સેશન્સ જજ નારાજ થયા હતા કેસ હાઈકોર્ટને મોકલાવ્યો હતો અને આ જ વિવાદને કારણે ભારતમાં જ્યુરી-સીસ્ટમ નાબુદ થઇ હતી. જો કે, ભારતમાં એક માત્ર પારસી-કૌમના લગ્નસંબંધી વિવાદો ઉકેલવા તેઓ ઇચ્છે તો જ્યુરી-સીસ્ટમ અપનાવી શકે, છે. આ કાયદો 'પારસી લગ્ન અને છુટાછેડા ધારો-૧૯૩૬'(જે ૧૯૮૮માં સુધારવામાં આવ્યો હતો.) ઉપર આધારિત છે.

ઇન્ડિયન નૅવીના નૅવલ-કમાન્ડર કાવસજી માણેકશા નાણાવટીની ગૅરહાજરીમાં ઇંગ્લિશ પત્ની સીલ્વિયાને કાવસજીના જ જીગરી સિંધી દોસ્ત પ્રેમ આહુજા સાથે અવારનવાર શરીર સંબંધ સાથે ગેરકાયદેસર પ્રેમ થઇ ગયો હતો. આહુજા મોટો ફ્લર્ટ હતો અને કાવસની ઇંગ્લિશ વાઇફને લગ્ન કરવાની લાલચો આપતા એમ પણ ઉશ્કેરતો કે સીલ્વિયા ડિવોર્સ લઇ લે તો એ લગ્ન કરે. સીલ્વિયાને ખબર હતી કે, આહુજા સ્ત્રીઓનો ભારે શોખિન હતો અને અનેક છોકરીઓ સાથે ફ્લર્ટ કરતો.

પરદેશ ગયેલા કાવસજીને ઘેર પાછા ફરતા આ 'લફરા'ની ખબર પડતા તેમણે આહુજાને પોતાની રીવૉલ્વરથી ઢાળી દીધો હતો. અદાલતમાં કેસ તો ચાલ્યો પણ જ્યુરીએ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨-હેઠળ અપરાધી ગણાવ્યો નહોતો, જેનાથી સેશન્સ-જજ નારાજ થઇને આ ચુકાદાને મનસ્વી ગણાવીને હાઈકોર્ટમાં મોકલી આપ્યો હતો. હીરોઇન સાધનાના પતિ આર.કે.નૈયરે ૧૯૬૩માં લીલા નાયડુ, સુનિલ દત્ત અને રહેમાન સાથે બનાવેલું 'યે રાસ્તે હૈં પ્યાર કે' ગુલઝારે આ જ નાણાવટી ખૂન કેસ પરથી સર્જેલું વિનોદ ખન્ના-લીલી ચક્રવર્તીનું 'અચાનક', પૂજા ભટ્ટનું 'લવ અફેર' અને હજી હમણાં આવી ગયેલું અક્ષય કુમરનું 'રૂસ્તમ' આ જ 'નાણાવટી ખૂન કૅસ' પર આધારિત હતા.

વાર્તા કંઇક આમ હતી :
એક સામાન્ય પરિવારના ૧૯ વર્ષના એક છોકરા ઉપર એના પિતાની છાતીમાં ખંજર મારીને હત્યા કરવાનો આરોપ છે. કોર્ટમાં કેસ ચાલે છે, પણ ન્યાયની પ્રણાલી જાળવવા કોર્ટ સદરહૂ કેસનો ફેંસલો કરવા ૧૨-સભ્યોની જ્યુરીને સોંપે છે. જ્યુરીના સભ્યોને એક બંધ ઓરડામાં આ કેસનો નિર્ણય આપવા મોકલવામાં આવે છે. જ્યુરીને છોકરો નિર્દોષ જણાય તો છોડી મૂકવાની અને દોષિત જણાય તો ફાંસીની સજા અપાવાની સત્તા પાસે છે.

કેસ તદ્દન ઉઘાડો અને સાફ હોવાથી છોકરાને દોષિત ઠરાવવાનું સ્વાભાવિક લાગે છે. જ્યુરી સમાજના શિક્ષિતઅને સન્માન્નીય સભ્યોની હોય, છતાં આ કેસમાં ૧૨-માંથી એકને બાદ કરતા બધાને નકામો ટાઈમ બગાડવા જેવું લાગે છે અને તે પણ નિશ્ચિત તૌર પર ! નિયમ મુજબ, સહુનું વોટિંગ કરાવવામાં આવે છે, જેમાં૧૧-ની સહમતિ છે કે, છોકરાએ એના બાપનું ખૂન કર્યું છે અને તમામ પુરાવા એને અપરાધી સાબિત કરવા માટે પર્યાપ્ત છે.

આઘાતની વાત એ છે કે, ભલે એ તમામને ખાત્રીપૂર્વક છોકરો દોષિત લાગતો હોય, છતાં આવા ઉઘાડા કેસની ચર્ચામાં ટાઈમ બગાડવા જેવો લાગતો નથી. એમાંના એક (એમ.કે.રાયના)ને તો દિલીપ કુમારની ફિલ્મ 'મશાલ'ની બ્લેકમાં ટિકીટો આવી હોવાથી મોડું થાય છે ને એ 'આ બધું જલ્દી પતાવવા' બેબાકળો થાય છે. ચર્ચા કરવાનો કોઈને અર્થ લાગતો નથી, સિવાય એક માત્ર સભ્ય કે.કે.રાયનાને. એ પણ છોકરાને નિર્દોષ જ માને છે, એવું નથી પણ આડેધડ ચુકાદો આપી દેવાને બદલે કેસનું પુન:મૂલ્યાંકન થવું જોઇએ, એવું દ્રઢતાપૂર્વક માને છે. સ્વાભાવિક છે, બાકીના અગિયાર એના ઉપર ખફા થાય છે. એ સહુની દલીલો અને ગુસ્સાનો સામનો એ વિનયપૂર્વક કરતો જાય છે અને એક પછી એક અગીયારે સભ્યોને ક્રોસ કરીને પોતાની દલીલો રજૂ કરે છે.

એ સફળ થાય છે કે નહિ, એ સસ્પેન્સનો સબ્જેક્ટ હોવાથી અહીં વાત અટકાવીએ છીએ.

હૉલીવૂડની જૂની ફિલ્મોના જાણકારોને ખબર છે કે, આ ફિલ્મ '૫૦-ના દાયકામાં બનેલી હૅનરી ફોન્ડાની ફિલ્મ 'ટ્વેલ્વ એન્ગ્રી મેન' પરથી બનવવામાં આવી હતી. ફોન્ડાને તમે 'વૉર એન્ડ પીસ', 'ધી લોન્ગેસ્ટ ડે' અને '૬૨માં બનેલી અમદાવાદમાં ખૂબ ગમેલી ફિલમ 'હાઉ ધ વેસ્ટ વૉઝ વન'માં જોઈ હશે, જ્યારે બીજા હીરો લી જૅકબ્સને 'ધી એક્સોર્સિસ્ટ', અને 'મેકેનાઝ ગોલ્ડ'માં જોયો હોય.

આમે ય, આપણી ફિલ્મોમાં આપણું કશુંક જો કાંઈ હોય તો એ ઓડિયન્સ હોય છે, બાકી તો માલ અહીંથી ઉઠાવ્યો ને પોતાના નામે સીલ કરાવ્યો. હોલીવૂડમાં બનેલી ફિલ્મ હોય કે સંગીત, આપણાવાળાને ઉઠાંતરી કરવામાં મહેનત તો ઘણી પડે છે - પડી હતી... પણ હવે 'ગૂગલ' કે 'યૂ-ટયૂબ' આવી ગયા પછી ચોરી-ઉઠાંતરીઓ ઘેર બેઠા આપણે પકડી શકીએ છીએ.

બીજાની ધૂનમાં નામના ફેરફારો કરીને પોતાના નામે ચઢાવવામાં નૌશાદઅલી, શંકર-જયકિશન કે ઓપી નય્યર જ નહિ, એકે ય સંગીતકાર બાકી નહતો ને નથી. મનમાં હસી પડાય એવો સવા એ ઊભો થાય કે, આપણા ફિલ્મસર્જકો કે સંગીતકારો જેમના સર્જનો ઉઠાવીને પોતાને નામે ચઢાવે છે, એ સર્જકોએ કોની પાસેથી માલ તફડાવ્યો હશે ? કોઇક તો મૌલિક હશે ને, જેણે પૂર્ણપણે નવું જ સર્જન કર્યું હોય ! જો એ લોકો આવા અદ્ભુત સર્જનો કરી શક્તા હોય તો આપણાવાળા કેમ નહિ ? બાત સોચને જૈસી હૈ...!      

નાનકડા અપવાદને બાદ કરતા પૂરી ફિલ્મ ૧૨ કલાકારો પુરૂષો છે બાસુ ચેટર્જી તો અમોલ પાલેકર-ઉત્પલ દત્ત બ્રાન્ડની કોમેડી ફિલ્મો અને તે પણ ભારતના મધ્યમવર્ગના પ્રેક્ષકો માટે બનાવતા. વચમાં હવાફેર ખાતર આવી પ્રયોગાત્મક ફિલ્મો બનાવી. ફિલ્મમાં ગીત તો જાવા દિયો, બેકગ્રાઉન્ડ મ્યુઝિક નામનું જ છે. આખી ફિલ્મ મકાનના એક ઓરડામાં પૂરી થઇ જાય છે, પણ જેને હૅનરી ફોન્ડાનું '૧૨-ઍન્ગ્રીમેન' ન જોયું હોય, એમને માટે બેશક આકમાલની ફિલ્મ બની છે.   

કોઈ નિર્દોષ ફાંસી પર ચઢતો ને તમે બચાવી શકો એવી અવસ્થામાં હોય, ત્યારે માણસ, 'આમાં આપણું કંઇ નથી ને ?' એવો ઘટીયા વિચાર કરીને કોઈ નિર્દોષ ફાંસી પર લટકાવી દેવાય, તે માટે એને હૃદયમાં નાનકડી ખટકી ય આવતી નથી. નજરે જોયેલું કે કાને સાંભળેલું ક્યારેક તદ્દન આભાસી હોઈ શકે, પણ તેથી કોઇને માંચડે ચઢાવી ન દેવાય... અને એ પણ. 'પોતે તો આવા બધા બહુ કૅસો જોઇ નાંખ્યા' છાપની બૂમરાણી મચાવીને ! '૮૦ના દશકમાં સસ્પેન્સ-કોમેી 'કરમચંદ' દૂરદર્શન પર આવતી. બીજી કોઈ ચેનલો હતી નહિ,એમાં આ સીરિયલે ઘરઘરમાં લાડ મેળવી લીધા. પંકજ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાઝનો નંબર-વન સ્ટાર હતો... બસ,એક હાઇટ નડી ગઈ, એમાં મળવા જોઇએ એવા ફિલ્મી કિરદારો કદી ન મળ્યા. પંકજ કપૂર આજના સ્ટાર શાહિદ કપૂરના પિતા થાય અને ગુજરાતનો નસિરૂદ્દીન શાહ પછીનો જમાઈ.

એના પછીનો સૅકન્ડ-લીડનો કિરદાર કે.કે.રાયનાને મળયો છે. દીકરી કોઈને મળીને આવી છે, તે પરફ્યૂમ સુંઘીને નારાજ થઇ જતો પ્રેમાળ પિતાની કોક જાહેરખબર આવે છે, તેમાં કેકે રાયના ઘણો જોવા મળે છે. અનુકપૂર ઘણો સારો એક્ટર છે, એ તો એણે આજથી ૩૫ વર્ષો પહેલા બતાવી આપ્યું હતું.     

દિગ્દર્શકનું એક સરસ મજાનું અડપલું અહીં જોવા મળે છે.   

જેના ઉપર પૂરી ફિલ્મ ગૂંથાઈ છે, તે આ ફિલ્મની વાર્તાનો ખૂની છોકરો ફિલ્મમાં એક દ્રષ્ટ માટે પણ દેખાતો નથી. એ જ રીતે, ફિલ્મ તો ગીત વિનાની છે, પણ આર.ડી.બર્મનના સહાયકો બાસુ-મનોહારી પૈકીના બાસુ ચક્રવર્તીએ ફિલ્મનું સંગીત આપ્યું છે, પણ દાદ એમના સંયમને દેવી પડે કે, પૂરી ફિલ્મમાં ન છુટકે જ બૅકગ્રાઉન્ડ-મ્યુઝિક વગાડયું છે.

એકંદરે ચોક્કસ જોવા જેવી ફિલ્મ.

1 comment:

Deepak Dave said...

અશોકભાઈ
મને યાદ છે ત્યાંસુધી આ ફીલ્મ મહેશ ભટ્ટ ની જનમ અને ગોવીંદ નીહલાની ની તમસ ની જેમ સીધ્ધી દુરદર્શન પર બતાવવા માં આવેલ, તે સમયે અમદાવાદ માં કોઇ જગ્યા એ રીલીઝ થઇ હતી તેવું યાદ નથી,

આ ફીલ્મ Twelve Angry Man ની ફ્રેમ ટુ ફ્રેમ કોપી હતી, એકે એક સીન અને ડાયલોગ પણ મુખ્યત્વે તે ફીલ્મ પર આધારીત હતા, હા..પણ પુરા ટાયટલ માં ઓરીજીનલ ફીલ્મ ને કોઇ ક્રેડીટ આપેલ નથી, ચીત્તચોર, રજનીગંધા અને પીયા કા ઘર ના ડાયરેક્ટર પાસેથી આ એક નવીન ભેટ હતી.. પંકજ કપુર, એ કે રૈના, અને એમ કે રૈના જેવા નેશનલ સ્કુલ ઓફ ડ્રામા ના આર્ટીસ્ટો પાસેથી અદભુત કામ લીધેલ. આજે ત્રીસ વર્ષ પછી પણ ફુરસદ ના સમયે યુટ્યુબ પર થી ગોતી ફરી જોઉ છું તેટલી મસ્ત ફીલ્મ છે.
ભલે બેઠ્ઠી કોપી હતી છતાંય જોવાની ખુબ મજા આવી હતી, જેમ ભલે "અજીબ દાસતાં હુઇ" ગીત કોપી છે પણ કદાચ ઓરીજીનલ કરતાં પણ ખુબ મધુર છે...તેમ આફીલ્મ કોપી હોવા છતાંય બધા કલાકારો ના અદભુત અભીનય ને લીધે જોવી ખુબ ગમે તેવી છે...