Search This Blog

17/05/2013

આઝાદ ('૫૫)

રાધા ના બોલે, ના બોલે ના બોલે રે....

ફિલ્મ : આઝાદ ('૫૫)
નિર્માતા : પક્ષીરાજ સ્ટુડિયો, મદ્રાસ
દિગ્દર્શક : SMS નાયડૂ
સંગીત : સી.રામચંદ્ર
ગીતો : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : ખબર નથી.
કલાકારો : દિલીપ કુમાર, મીના કુમારી, પ્રાણ, ઓમપ્રકાશ, એસ.નઝીર, બદ્રીપ્રસાદ, રાજ મેહરા, રણધીર, અચલા સચદેવ, મુરાદ, સઇ, સુબ્બુલક્ષ્મી અને શમ્મી
***
ગીતો
૧.કિતની જવાં હૈ રાત કોઇ યાદ આ ગયા ...લતા મંગેશકર
૨.જા રી જા રી ઓ કારી બદરીયા... લતા મંગેશકર
૩.કિતના હંસી હૈ મૌસમ, કિતના હંસી સફર હૈ... લતા-ચિતલકર
૪.દેખોજી બહાર આઇ, બાગોં મેં ખીલી કલીયાં.. લતા મંગેશકર
૫.રાધા ના બોલે ના બોલે ના બોલે રે.... લતા મંગેશકર
૬.અપલમ ચપલમ, ચપલાઇ રે... લતા-ઉષા મંગેશકર
૭.મરના ભી મુહબ્બત મેં કિસી કામ ન આયા... રઘુનાથ યાદવ-સાથી
૮.ઓ બલીયે, ઓ બલીયે, ચલ ચલીયે... લતા-ઉષા મંગેશકર
૯.કભી ખામોશ રહેતે હૈં, કભી આહ ભરતે હૈં.... લતા મંગેશકર
***

કંટાળી ગયો હતો દિલીપ કુમાર, એકની એક રોદણાં-રોદણીવાળી ફિલ્મો કરી કરીને ! વાર્તા અને ફિલ્મ બદલાય, પણ એ તો દરેક ફિલ્મમાં નિષ્ફળ પ્રેમી જ ! ફિલ્મના અંતે એનો તો મરી જવા ઉપરે ય સારો હાથ બેસી ગયો હતો. આમ પ્રેક્ષકો તો ઠીક, એના ચાહકો ય બૉર થવા માંડયા હતા, દરેક ફિલ્મમાં એને કરૂણ-અવસ્થામાં જોઇ જોઇને ! એટલે આવી કોઇ ફિલ્મ બનતી હતી, જેમાં કૉમેડી હોય ને રોવા-ધોવાનું કાંઇ ન હોય, એ જાણીને એણે સામે ચાલીને આ ફિલ્મ 'આઝાદ' માંગી લીધી. આખી ફિલ્મ એટલી હદે હળવી બનાવાઇ કે, સી.રામચંદ્રનું સંગીત હોવા છતાં લતા મંગેશકરનું એક પણ ગીત, 'અય અંખ અબ ન રોના, રોના તો ઉમ્રભર હૈ...' (સિપઇયા'), 'અય ચાંદ પ્યાર મેરા, તુઝસે યે કહે રહા હૈ, તુમ બેવફા ન હોના....' (ખઝાના) કે 'ધીરે સે આજા રી અંખીયન મેં નીંદિયા આજા રી આજા...' (અલબેલા)ની જેમ આપણી આંખોમાંથી આંસુઓ લાવનારૂં નહિ. એવું મીના કુમારીનું ! એ ય કેવળ રડારોળની ફિલ્મો કરતી એટલે આ વખતે, ફૉર એ ચૅઇન્જ, એણે આ કૉમેડી ફિલ્મ સ્વીકારી અને ભા'આય....ભા'આય...ધૂમ મચી ગઈ દેશભરના સિનેમાઓમાં તો ! આખા વર્ષમાં સૌથી વધુ વકરો કરાવી આપનારી આ ફિલ્મ હતી. દુઃખબુખ ભૂલાવીને દિલીપકુમાર આઝાદ થઇ ગયો !

નહિ તો આ '૫૫-ની સાલ એવી હતી, જેમાં શહેરોમાં 'આઝાદ' રીલિઝ થઇ, તેની આજુબાજુના થીયેટરોમાં એની બીજી ત્રણ ફિલ્મો 'ઉડન ખટૌલા,' 'દેવદાસ' અને 'ઇન્સાનીયત' ચાલતી હતી....'ઇન્સાનીયત' તો એણે 'અન્ના' (સી.રામચંદ્ર) સાથેની ધરખમ દોસ્તી નિભાવવા લીધું હતું. આ એ ફિલ્મ હતી, જેમાં પહેલી અને છેલ્લીવાર દિલીપ અને દેવ આનંદ સાથે આવ્યા. દેવ આનંદની પણ 'ઘર નં.૪૪' આ જ વર્ષે રીલિઝ થયેલી અને 'મુનિમજી' પણ. સુનિલ દત્તે ય પહેલી વાર ફિલ્મોમાં આવ્યો હતો આ જ વર્ષની ફિલ્મ 'રેલ્વે પ્લૅટફૉર્મ' દ્વારા. બે ગીતો તો હલાવી નાંખે એવા હતા, 'એક તો બહુ જાણિતું, 'બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બનજારા !' અને કેવળ લતાના પાગલ ચાહકોએ જ સાંભળેલું, 'ચાંદ મધ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ, નીંદ કી ગોદ મેં જહાં ચૂપ હૈ...'

અન્ના ઉર્ફે સી.રામચંદ્ર અને યુસુફ ઉર્ફે દિલીપકુમાર દોસ્તો બન્ને એકબીજાનાં ધરખમ હતા. અને બન્ને જરીક નવરા પડે એટલે, ગાડી લઇને સીધા ખંડાલા પહોંચી જતા. બન્નેની તડપ એકસરખી હતી. દિલીપ અને કામિની કૌશલની પ્રેમકથા અહીં ખંડાલામાં આવીને જુવાનજોધ થઇ હતી અને અન્નાની પાછળ લતા મંગેશકર પાગલ. (કહે છે કે, એક વાર તો દિલીપની સાથે ગયેલી કામિનીએ એક ગાડીમાં ચુપચાપ જતા દાદામોની અને નલિની જયવંતને પણ જોયાં હતા. આજે પણ ફિલ્મી કલાકારોને બે વ્યક્તિનો ખાનગી હવન-યજ્ઞા કરવો હોય તો ખંડાલા જરા હાથવગું રહે છે. મુંબઇથી હશે માંડ બે-એક કલાકનો ડ્રાઇવ!.... એ દ્રષ્ટિએ ખંડાલા ગેરકાયદેસરનું પવિત્ર યાત્રાધામ કહેવાય કે નહિ ?

પણ મુંબઇના 'મરાઠા મંદિર' સિનેમામાં ફિલ્મ 'પૈગામ'ના પ્રીમિયર વખતે લતા-અન્ના ગોઠવણ કરીને વહેલા આવી ગયા એ વાતની બાતમી અન્ના-પત્નીને મળી જતાં, એ મારતી ટૅક્સીએ થીયેટર આવી પહોંચી ને લતાને ખૂબ ભાંડી, એ વખતે ડઘાઈ ગયેલા અન્ના ચૂપ રહ્યા, એમાં બન્ને વચ્ચે કાયમી દુશ્મનાવટ થઇ ગઇ ને પછી ક્યારેય ભેગા થયા જ નહિ. (કોક તો કહેતું હતું કે, અન્ના-પત્નીએ થપ્પડ પણ મારી હતી...બેમાંથી કોને, એ કોકને ખબર નથી !)

બસ. એ જ દિવસે અન્નાની કરિયર ખત્મ થઈ ગઇ. વર્ષો પછી અન્નાએ ખાસ આશા ભોંસલે માટે દેશભક્તિનું ગીત કવિ પ્રદીપજી પાસે લખાવ્યું. આશાની તો કરિયર નવેસરથી બની ગઇ. પણ લતાને ખબર પડતા તે સીધી પ્રદીપજી પાસે પહોંચી ગઇ. ભલે અન્ના સાથે મારે સંબંધ ન હોય, પણ આ ગીત તો હું જ ગાઇશ. અન્ના એ રીતે ખેલદિલ માણસ હતો. દુશ્મની ભૂલીને એ રાજી થઇ ગયા અને 'અય મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભર લો પાની...' લતા અને આશા વચ્ચે ડયુએટના સ્વરૂપે બનાવ્યું. લતાને તો આ ગીત સોલો જ જોઇતું હતું ને મેળવીને જંપી. આશા ફરી એકવાર આઉટ...કર્ટસી, સગી બહેન !

આ જ ગીત ચીનના આક્રમણ પછી પંડિત નહેરૂની ઉપસ્થિતિમાં ગવાયું ત્યારે તેઓની આંખમાં પાણી આવી ગયા હતા, અથવા લતાએ કેવું મધુરૂં ગાયું અને કવિએ કેવા લાગણીસભર શબ્દો લખ્યા, એ બધી વાત દિલીપ કુમારે મુંબઇના બ્રેબૉર્ન સ્ટેડિયમ પર સ્વ.ઇંદિરા ગાંધી દશકની ઉજવણીમાં સ્ટેજ પરથી કરી, પણ ક્યાંય અન્નાનો ઉલ્લેખ નહિ. અરે, સ્ટેજ પર ગીત અન્નાનું વાગે, પણ ઑરકેસ્ટ્રા કન્ડક્ટ કોઇ બીજું કરતું હતું...ઍનાઊન્સમૅન્ટ પતાવીને દિલીપ બૅક્સ્ટેજમાં પાછો આવ્યો ત્યારે ત્યાં વગર આમંત્રણે આવેલા અન્નાએ દિલીપની ધમકાવ્યો, ''યુસુફ, તને ખબર નહોતી કે આ ગીત મેં બનાવ્યું છે ?'' દિલીપે કાલો બનીને કહ્યું, ''ના અન્ના...તેં બનાવ્યું છે ? મને તો ખબર જ નહિ !''

''મને બધી ખબર છે, યુસુફ..કોના કહેવાથી તું આ રમત રમ્યો છું...''

''દિલીપકુમારને કોઇ કશું કહી શકતું નથી, અન્ના...No one dictate terms with Dilip...''

''રહેવા દે...રહેવા દે...એક જમાનામાં અન્નાને ય કોઇ કાંઇ કહી શકતું નહોતું...આજે બધામાં હિંમત આવી ગઇ છે..ને તને ય મોંઢે કહેનારા અનેક છે....!''

ફિલ્મ 'આઝાદ'નો એક કિસ્સો જગમશહૂર છે. મદ્રાસમાં બનનારી આ ફિલ્મ માટે મૂળ તો નૌશાદને બૂક કરવાના હતા. સમયના અભાવે નિર્માતા-દિગ્દર્શક એસ.એમ.શ્રીરામૂલુ નાયડુએ પ્રસ્તાવ મૂક્યો, ''નૌશાદ સા'બ...ચાર્જ ડબલ લઇ લો, પણ મને 'આઝાદ'ના ગીતો ૩૦-દિવસમાં જોઇએ.'' નૌશાદ બગડયા અને કહ્યું, ''યે ક્યા કોઇ બનીયે કી દુકાન સમઝ રખ્ખી હૈ....? ૩૦-દિનોં મેં પૂરે તો ક્યા, મૈં એક ગાના ભી નહિ બનાઉંગા...!''

...ને એમ સી.રામચંદ્રનો પ્રવેશ થયો. 'આઝાદ'ના નવેનવ ગીતો ૩૦-દિવસમાં બન્યા. ગીતકાર રાજીન્દર કિશનને વિમાનમાર્ગે મદ્રાસ બોલાવવામાં આવ્યા. ત્યાંની ફાઇવ-સ્ટાર 'હૉટેલ કોનિમારા'માં બન્ને માટે વ્હિસ્કીનું કાર્ટન મોકલી દેવાયું. એક જ રાતમાં 'આઝાદ'ના પાંચ ગીતો લખાઇ ગયા અને ધૂનો ય બની ગઇ. અન્નાના સંગીતને સલામ કર્યા વિના રહેવાય જ નહિ-ખાસ કરીને લતા પાસેથી જે કામ એમણે લીધું છે, એ અનિલ બિશ્વાસના લૅવલનું હતું. ખુદ શંકરે (જયકિશન) એક વાર કોપાયમાન થઇને કીધું હતું કે, હિંદી ફિલ્મના સંગીતમાં ઓરિજીનલ ધૂનો ફક્ત અનિલ દા અને અન્નાએ જ બનાવી છે...નૌશાદની ધૂનો પણ મૌલિક નહોતી. એ ય શાસ્ત્રીય રાગોની બંદિશો સીધેસીધી લઇ લેતા. અન્નાના બે જ પ્રોબ્લેમ. એક તો, રિધમ-સૅક્શનમાં અન્ના ઘણા નબળા. મરાઠી માણુસ હોવાને કારણે એમના પર્કશન્સમાં લાવણી-બ્રાન્ડના ઠેકા વધારે આવે અને મૅન્ડોલિન તો લગભગ તમામ ગીતોમાં હોય. રિધમમાં માર ખાઇ જનારા અન્ય સંગીતકારો કલ્યાણજી-આણંદજી હતા, જેઓ ગુજરાતી ઠેકામાંથી જવલ્લે જ બહાર આવ્યા.

અફ કૉર્સ, કોઇ ગ્રેટ સંગીત 'આઝાદ'નું નહોતું, અન્નાની અન્ય ફિલ્મોની સરખામણીમાં દારૂની બૉટલોએ સંગીતનો બેશક ભોગ લીધો હતો. આ બાજુ, રાજીન્દર કિશનના એકે ય ગીત કે સંવાદમાં ભલીવાર નહિ. ''સાથી હૈ ખૂબસૂરત, યે મૌસમ કો ભી ખબર હૈ...'' આ શું ? આવું ઘટીયા લખાણ ? તું પેલીને ઘોડા ઉપર બેસાડીને નદીકિનારે ચક્કર મારવા નીકળ્યો છે, એમાં મૌસમ વચમાં ક્યાં આવી અને આવી પણ હોય તો ગીતના દ્રષ્યાંકનમાં મૌસમમાં કોઇ ફેરફારો થયેલા તો દેખાતા નથી! આમે ય, રાજીન્દરે જેટલા અદ્ભૂત ગીતો લખ્યા છે, (જે ક્યારેક તો સાહિર લુધિયાનવીની કક્ષાએ પહોંચે...!) એટલા જ ઘટીયા ગીતો ય લખ્યા છે! આ માફ કરી ન શકાય. માત્ર પૈસા મળતા હોય, એટલે સચિન તેંડુલકર કે અમિતાભ બચ્ચનને ઘાઘરી પહેરીને ફૂટપાથ પર નાચવાનું કહો ને એ બન્ને નાચે તો મુંબઇ જઇને બન્નેને થપ્પડો મારવી પડે...રાજીન્દર કિશનનું થપ્પડો ખાવા જેટલું સ્તર નહોતું !

ફિલ્મ જ તદ્દન થર્ડ-ક્લાસ હતી, એટલે એની વાર્તા-ફાર્તામાં પડાય એવું નથી, છતાં ય નટશૅલમાં જરા જોઇ લઇએ તો : ખોવાયેલ પુત્ર 'કુમાર' મોટો થઇને આઝાદ બનીને રોબિનહૂડ બને છે. ચોરડાકૂઓએ લૂંટેલા માલને લૂંટીને ભેગો કરે છે. એના અસલ માતા-પિતા (અચલા સચદેવ અને બદ્રીપ્રસાદ) દત્તક મીનાકુમારીને ઉછેરે છે. ખલનાયક પ્રાણ મીનાને એકતરફો ચાહે છે ને કોઇપણ ભોગે પરણવા માંગે છે. સમય ન બગડે માટે વચમાં એ શમ્મી (પારસી અભિનેત્રી)ને પરણી જાય છે ને સમય બચે એટલે એનું ખૂન પણ કરી નાંખે છે. બેવકૂફોની જેમ પોલીસ બનતા રાજ મેહરા અને ઓમપ્રકાશ આ કૅસની તહેકિકાત કરે રાખે છે, એમાં પ્રેક્ષકો વધારે બેવકૂફ બને છે. અંતે, મીના-દિલીપને ભેગા તો કરવા પડે...કરાય છે. વાર્તા પૂરી.

પણ સ્ટારકાસ્ટ જોવી-માણવી ગમે તેવી હોવાથી ફિલ્મ જોવાનો કંટાળો ન આવે. કૉમેડિયન ઓમપ્રકાશ બક્ષી અહીં હૅડકૉન્સ્ટેબલ 'ફૉર-ફૉર્ટી-વન'ના રોલમાં બહુ બૉર કરે છે. પ્રાણ માટે ગજબના અહોભાવો થાય એવું છે. આજ પર્યંત એમણે શરીર કેવું પરફૅક્ટ જાળવી રાખ્યું છે. શરીર જ નહિ, અભિનય કહો કે એક સજ્જન વ્યક્તિત્વ. આજ સુધી હિંદી ફિલ્મોમાં બીજો તો એકે ય કલાકાર થયો નથી જે રાજ કપૂર, દિલીપકુમાર કે દેવ આનંદ જ નહિ, ઈવન ધર્મેન્દ્ર, જૉય મુકર્જી, મનોજ કુમાર કે ઇવન મેહમુદને ય પ્રાણ વગર ન ચાલે.

કોઇપણ હિંદી ફિલ્મ જોઇને તમને એક સવાલ કેમ થતો નથી કે આજ સુધી જોયેલી એકે ય ફિલ્મમાં તમે ટયુબલાઈટ કે વીજળીના બલ્બ-ફલ્બ કદી જોયા છે ? ના. તો પછી અજવાળાં ક્યાંથી ઉઘરાવી લવાય છે ? એવું જ કદી ન સમજાય એવું એ છે કે, ફિલ્મોના પોલીસો મૂંઝાય ત્યારે હાથમાં પોતાનો ડંડો શેનો પછાડ પછાડ કરે જાય છે ? આ ફિલ્મમાં ડૉક્ટર સાયકલ પર બેસીને આવે અને એ ય અપ-ટુ-ડૅટ શૂટ-બૂટમાં ! તારી ભલી થાય ચમના...કરોડપતિ દર્દીનું ફૅમિલી એવાને પાછું 'સાહેબ-સાહેબ' કરતું રહે ! આપણા જમાનાની સાયકલો અત્યારે તમને યાદ આવતી હોય તો, રાત્રે સાયકલ પર ઘાસલેટનો દીવો હળગાવવો પડતો. રીતસર બારી ખોલીને દીવાસળીથી એની વાટ સળગાવવી પડતી. પોલીસ આવે ત્યારે જ હોલવાઇ ન જાય, માટે ચાલુ સાયકલે ચૅક કરી લેવું પડતું. હું તો એક વખત, મારી સાયકલનો એ દીવો રીપૅર કરાવવા પોળના નાકે વ્હોરાજીની દુકાને જતો હતો, ત્યાં પોલીસે રોક્યો, ''હાથમાં દીવો છે, પણ સાયકલ ક્યાં છે ? સાલા, વગર સાયકલે દીવો લઇને ફરે છે ?''

ફિલ્મની પ્રિન્ટ આલા દરજ્જાની હોવાને કારણે ફિલ્મ જોવી ગમે એવી છે. એમાં ય, હસતો દિલીપકુમાર ને હસતી મીના કુમારી તો ક્યાં જોવા મળતા હતા ? દિલીપ આખી ફિલ્મનું મોંઢું હસતું રાખે છે, એને પરિણામે જોવો ખૂબ ગમે છે. મીનાકુમારી તો આ ફિલ્મ પછી ય હસતી ભાગ્યે જ જોવા મળી છે. છેલ્લા ધર્મેન્દ્ર પછી છેલ્લે છેલ્લે ગીતકાર ગુલઝાર અને છેલ્લે છેલ્લે સંગીતકાર ઉષા ખન્ના ફિલ્મ નિર્માતા ગોરધન સાવનકુમારના ગળાડૂબ પ્રેમમાં પડેલી મીના કુમારીના ડાબા હાથની ટચલી આંગળી કપાયેલી હોવાથી તમામ ફિલ્મોમાં એ સિફતપૂર્વક ટચલી છુપાવેલી રાખતી, દુપટ્ટાના છેડામાં કે હાથ પાછળ સંતાડી સંતાડીને. એક લોકવાયકા મુજબ, પહેલા ગંજાવર રકમનો વીમો ઉતરાવીને મીનાકુમારીએ પોતાની એ આંગળી રેલ્વેના ડબ્બાની બારી નીચે મૂકીને કાપી નાંખી હતી.

રાજ મહેરાને તમે કડક પોલીસ અધિકારી તરીકે રાજ કપૂરના 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં ફૂલ-ટાલ સાથે જોયો છે. એ ફિલ્મને હજી ૩-૪ વર્ષની વાર હતી. એટલે એમાં એ થોડા બચેલા વાળ સાથે દેખાય છે. ભારેખમ અવાજ અને અભિનય ખરો, ભ'ઇ, એટલે આ ફિલ્મમાં એની ઉપસ્થિતિ કઠતી નથી. દિલીપ કુમારની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં એસ.નઝીર અને વસી ખાન હોય જ. આ ફિલ્મમાં નઝીર પ્રાણના મૂછોવાળા ખુંખાર ગુંડાના રોલમાં છે. તો રાજ કપૂરની ફિલ્મ 'શ્રી ૪૨૦'માં નરગીસનો અપંગ બાપ બનતો નાયમપલ્લી પણ આ ફિલ્મમાં દિલીપનો પાલક બાપ બને છે. સાઊથની મશહૂર ગાયિકા નૃત્યાંગના સુબ્બુલક્ષ્મી અહીં સઇ નામની અન્ય ડાન્સર સાથે બે અદ્ભૂત ડાન્સ કરે છે. એક તો તમારૂં જાણીતું છે, 'અપલમ, ચપલમ, ચપલાઇ રે દુનિયા કો છોડ, તેરી ગલી આઇ રે...' નજરે ડાન્સ જુઓ તો છક થઇ જવાય કે, કૅમેરાના કોઇ કટ વિના સળંગ કેવા અઘરા અઘરા સ્ટૅપ્સ આ બન્ને ડાન્સરોએ લીધા છે ! દાખલો એ રીતે અપાય કે, મુખડું 'અપલમ, ચપલમ...' શરૂ થાય અને પૂરૂં થાય, ત્યાં સુધીમાં અનેરી લયમાં બન્નેના સ્ટેપ્સ એટલી ઝડપથી બદલાય અને બન્ને વચ્ચે સીન્ક્રોનાઇઝ પરફૅક્શનથી થાય ! આમે ય, નૃત્ય અને સંગીત તો સાઉથના જ નહિ ?

ફિલ્મના આર્ટ ડાયરેકશનમાં કોઇ ભલીવાર નહોતો. તમામ સૅટ્સ પકડાઇ જાય છે. સામાન્ય પ્રેક્ષકને પણ ખબર પડે કે, જંગલનો સીન સ્ટુડિયોમાં ઊભો કરેલો છે. મોટા ડ્રૉઇંગ-રૂમની દિવાલો કે દરવાજા પૂંઠાના છે. બસ...ફિલ્મ ''આઝાદ''ની ઓળખાણ પણ આ જ ધોરણે અપાય એવી છે.

15/05/2013

હું વસ્ત્રોની બાબતમાં પગભર થયો છું, હવે મેં મને ખુદને પહેરી લીધો છે !

મુંબઈના એરપોર્ટ પર એક વિશ્વવિખ્યાત ગાયકને જોયા. ખભાથી નીચે લટકતા ઘુંઘરાળા અને માથાની આજુબાજુ યુરિયાનું ખાતર નંખાઈ ગયું હોય ને ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા હોય એટલા માતબર જથ્થામાં વાળ. પહેલા શંકા એવી પડે કે, આ ભાઈ ગળાને બદલે વાળમાંથી ગાતા હશે.

મને પસ્તાવો થયો... ખૂબ નહિ તો થોડો કે, હું ય હાસ્યલેખક છું અને એ લાગવા માટે શા માટે હું છત્રપતિ શિવાજી એરપોર્ટ પર એવા ઝભલાં પહેરીને ન આવ્યો ? લોખંડના પિપડાંના ઢાંકણા ઉપર ઊંધો વાડકો મૂક્યો હોય એવી નેતરની ટોપી, ગાલ ઢંકાય એટલા મોટા ગોગલ્સ, જાંબલી પાટલૂન, લાલ મોજાં અને પીળાં રંગનું શર્ટ પહેરેલા અશોક દવે જોવામાં કેવા લાગે ?

પછી તો ધ્યાનમાં આવ્યું કે, કલાકાર હોવા માટે કલાકાર હોવા કરતા દેખાવવું વધારે જરૂરી છે. અમારા સ્ટેજ પરના ફિલ્મી સંગીતના કાર્યક્રમોમાં મૂળ હીરો-હીરોઈનોએ ન વાપર્યા હોય એ બધા રંગો અમારા કલાકારો પોતાના કપડાં ઉપર વાપરી નાંખે છે. એમની કલા ચળકે કે ન ચળકે, કપડાં ચળકવા જોઈએ. સોનેરી કે રૂપેરી રંગની પટ્ટીઓ એમના શૂટ કે સાડી ઉપર ન હોય તો કહે છે કે, ગાયક નિષ્ફળ જાય છે. સુગમ સંગીત માટે તો હવે આ પુરવાર થયેલી હકીકત છે કે રંગબિરંગી ઝભ્ભા ન પહેર્યાં હોય તો ઓડિયન્સ પથ્થરમારો પહેલા કરે છે ને સાંભળે છે પછી! (ઊંઝા બાજુ તો કહે છે કે, પથ્થરો મારનારા પણ ઝભ્ભા-ચોયણી રંગીન પહેરીને આવે છે!) ઘવાયા પછી જનરલ હોસ્પિટલમાં સારવાર આપનારા ડૉક્ટરોએ પણ જાંબલી ઝભ્ભા ને નીચે જીન્સ પહેરવા પડે છે, નહિ તો સ્વમાની કલાકારો સારવાર લેવાની ના પાડી દે છે. હજી સુધી તો સુગમ સંગીત ગાનારો કોઈ કલાકાર મર્યો નથી, એટલે તર્ક સુધી પહોંચી શકાયું નથી કે, આવો કલાકાર મરે તો નનામી ઉપર પણ એને ૨૮-રંગોનો ઝભ્ભો અને ૪૩-રંગોની ચોયણી પહેરાવીને હુવડાવતા હશે? ડાઘુઓનું તો સમજ્યા જાણે કે, એક બીજો કાર્યક્રમ સમજીને જ સ્મશાનમાં આવવાનું હોય. આદત મુજબ, અહીં પણ દાદ આપવાના કાર્યક્રમો આપમેળે ગોઠવાઈ જાય છે. નનામીને સ્મશાનના સ્ટેન્ડ પર ગોઠવતી વખતે સહેજ અમથો ગોદો વાગે ત્યારે ''માશા અલ્લાહ... ક્યા બ્બાત હૈ... ક્યા બ્બાત હૈ... દુબારા, દુબારા, દુબારા...'' વાળી દાદ અપાતી હશે? સ્ટેન્ડ પર લાંબા થઈને હુઈ ગયેલા ગાયક કે સંગીતકારને સાચી શ્રધ્ધાંજલિ, ''રામ હે રામ હો...''થી કદી ન મળે. બા'મણ થોડા મંત્રો બોલી રહે, પછી એને ખસેડી જ લેવાનો હોય ને સાથે ખેંચી લાવેલા હાર્મોનિયમ-તબલાંની સંગતે ઉપસ્થિત ડાઘુ-કલાકારોમાંથી પ્રસંગોચિત સુગમ ગીતડાં ગાવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી અરિહંતશરણ થયેલા એ કલાકારે ગાયેલી રચનાઓ પ્રસ્તુત કરવી જોઈએ, જેથી એ ડઘાઈને હબડક બેઠો થઈ જાય કે, 'મારી રચનાની પથારી કોણ ફેરવી રહ્યું છે?' વાત સ્વીકૃત છે કે, સળગતી ચિતાની બાજુમાં યોજાયેલા સુગમ સંગીત શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં વિના મૂલ્ય કલાકારો હરખી રીતે ગાતા હશે તો, મરનારની આંખોમાં અશ્રુ અને ચેહરા પર સ્માઇલ હશે.

અહીં પ્રોબ્લેમ બીજો થઈ શકે. અમદાવાદમાં મરનારાની સંખ્યાના પ્રમાણમાં ઉપલબ્ધ સ્મશાનોની સંખ્યા ઘણી અલ્પ છે. આપણે ત્યાં ઘેરઘેર મંદિર-દેરાસરો છે, પણ ઘેરઘેર સ્મશાનોની સગવડતા નથી. આ કાંઈ કાળની ક્રૂર મજાક ન કહેવાય, આપણી પોતાની મજાક કહેવાય. પ્રોબ્લેમ ત્યાં ઊભો થાય કે, કે તરફ ચિતા પર સૂતેલો સુગમ સંગીતનો કલાકાર મસ્ત બનીને પોતાની રચનાઓનો રસાસ્વાદ લેતો પડયો હોય ત્યાં ઘોડાઓ ઉપર આવી પહોંચેલી નેકસ્ટ સ્મશાનયાત્રામાં, હવામાં ગોળીબારના ભડાકાઓ કરતા ડાઘુઓ કોઈ ડાકુકથાના લેખકને ઉપાડી લાયા હોય તો, શ્રધ્ધાંજલિ-સમિતી માટે નિર્ણય લેવો અઘરો પડી જાય કે, બાકીનો કાર્યક્રમ કાલે ફરી અહીં આવીને પૂરો કરવો કે પછી બે લાકડાં વધારે નાંખીને બધું સમેટી લેવું છે!

કહેવાનો મતલબ કે, પ્રોફેશન પ્રમાણે જ કપડાં પહેરવા કે કાઢવા જરૂરી હોય તો ગઝલ લખનારા કે ગાનારાઓએ ઘરમાં વીજળીના ગોળાને બદલે મીણબત્તીઓ (શમ્મા) હળગતી રાખવી પડે. રોજ વહેલી સવારે એના ઘરના દરવાજે દૂધને બદલે દારૂવાળો કોથળીઓ મૂકી જાય. બાળસાહિત્યમાં મહામૂલું પ્રદાન કરનાર બુઝુર્ગોના ગળે લાળીયું બાંધવું સારૂં, જેથી ઝભ્ભા ન બગાડે. રીસેપ્શનના સ્ટેજ ઉપર ડૉક્ટરોએ ઈન્જેકશન તૈયાર રાખીને જવું.

સવાલ હજી સુધી તો કોઈને થયો નથી પણ થોડા વખતમાં થઈ જાય તો નવાઈ નથી કે, કલાકાર તરીકે આટલા મોટા હોવા છતાં એવી કઈ વાસના રહી જતી હશે કે, કલાકાર હોવું જ નહિ, દેખાવવું પણ ફરજીયાત બને? આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલા કોઈપણ કલાકારને યાદ કરી જુઓ, એમના દિદાર જુઓ, એમના વાઘાં જુઓ... અન્યથી જુદાં પડવા માટે કેવા વલખાં મારવા પડે છે! બોચીની પાછળ કંતાનનું ભીનું પોતું લટકતું હોય, એવા જથ્થામાં વાળ રાખો તો જ લોકો કલાકાર ગણે? આ લેખ દ્વારા હું તો કોઈ ટીપ આપવા માંગતો નથી, નહિ તો મારી એક ટીપ એ પણ છે કે, એકાદ વખત નજર પડી જશે તો આ લોકો આફ્રિકાના મસાઇમારાના આદિવાસીઓ પહેરે છે એવા પીંછા, ભાલાં અને લાલ કપડાં પહેરીને ય કાર્યક્રમો આપવા જશે! કાર્યક્રમનું શીર્ષક હશે, 'ભાલાની અણીએ કવિતા... !'

સંગીત, કવિતા કે ગઝલ ન સમજી શકતા પોરબંદર બાજુના કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે, આ કલાકારોને 'રેકગ્નિશન' જોઈએ છે, જે એમની રચનાઓમાંથી નથી મળતું. બીજાંનું ધ્યાન દોરવા ચિત્રવિચિત્ર કપડાં અને હરકતો સિવાય અન્ય તો કોઈ શસ્ત્ર નથી. પોતપોતાના ફીલ્ડમાં મેદાન તો સહુએ માર્યા હોય છે. કોઈ ઉદ્યોગપતિ, કંપની-સેક્રેટરી, સી.એ., ડૉક્ટર કે ઈવન હેરકટિંગ સલૂન ચલાવતા કેશકલાકારને પણ એના ધંધા મુજબના લિબાસમાં ફરતો જોયો? ઘરાકનું ધ્યાન ખેંચવા માટે કેશકલાકારે હાથમાં તૈયાર અસ્ત્રો-કાતર લઈને કોઈના રીસેપ્શનમાં કે બેસણાંમાં જવું પડતું નથી. શક્ય છે કોઈ ગજબની લઘુતાગ્રંથિથી આ લેખકો-કલાકારો પીડાતા હશે. અમારા સર્જનથી આપનું ધ્યાન ખેંચાય એવું નથી તો દરજીના સર્જનને અમારૂં ગણીને અમારી સામે જુઓ. શર્ટ-પેન્ટ પહેરીને ગીત ન ગવાય કે ગઝલ ન પિરસાય! ડૉ. એસ.એસ. રાહીનો મસ્ત શે'ર છે :

''હું વસ્ત્રોની બાબતમાં પગભર થયો છું,
હવે મેં મને ખુદને પહેરી લીધો છે''

સવાલ એટલો જ ઊભો થાય કે, બીજાંઓનું ધ્યાન દોરવાની જરૂરત શી છે? મહાત્મા ગાંધી, અમિતાભ બચ્ચન કે સચિન તેન્ડુલકરની કક્ષાએ પહોંચેલાઓનો તબક્કો એ આવી જાય છે કે, અન્યનું ધ્યાન ન પડે, એનું ધ્યાન રાખવું પડે છે. બીજી બાજુ, અબજો રૂપિયાના કૌભાંડોમાં આળોટતા આપણા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પવન બંસલ અને અશ્વિનીએ નાલાયક સાબિત થયા પછી પણ પ્રેસ-કેમેરાનું ધ્યાન સ્માઇલો આપી આપીને સામેથી દોરવું પડે છે.

જેવા હોય એવા દેખાવવાની જાહોજલાલી કેવળ ભિખારીઓને મળે છે. એ લોકો ગ્રાહકોનું ધ્યાન દોરવા ફૂટપાથો ઉપર શૂટ-બૂટ પહેરીને નથી ફરતા.

સુંઉં કિયો છો ? 

સિક્સર

- ભ્રષ્ટ મંત્રીઓ બંસલ અને અશ્વિનીએ રાજીનામાં આપ્યા - મીડિયા
- રાજીનામાં શેના ? તગેડી મૂક્યા, એમ કહેવાય !

12/05/2013

ઍનકાઉન્ટર 12-05-2013

* આપણા દેશમાં એકતા નામની ય નથી, એનું કારણ શું ?
- એકતા એક મોટું નાટક છે. જરૂરત એકતાની નહિ, દેશદાઝની છે.
(મહેન્દ્ર ગાંધી, સુરેન્દ્રનગર)

* ફક્ત એક જ વાર એક સલાહ આપો. તમને કેવા સવાલો ગમે છે ?
- જેના જવાબમાં વાચકોને સમજ પડે એવા.
(અજય વ્યાસ, બિલખા)

* સંપતિ મહત્વની કે સંતતિ ?
- તમારી પાસે એ બન્નેમાંથી વધારાનું શું પડયું છે, એના ઉપર આધાર છે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* 'સોચતા હૂં અગર મૈં દુઆ માંગતા...' ગીત ગાઈને આપ શું દુઆ માંગો ?
- અત્યારે તો એટલી જ કે, મારા સૌથી વધુ ઘાતકી દુશ્મનને ય પ્રભુ... ડાયાબીટીસ ન આપજે.
(દિપક આશરા, ગાંધીનગર)

* છોકરી અને તેનો પરિવાર છોકરો જોવા સામેથી જાય ને ચા-નાસ્તાની ટ્રે લઈને છોકરો આવે, એવું ન બને ?
- ચા ની લારીવાળાના ઘેર માંગું નાખ્યું હોય તો ચોક્કસ બને !
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

* જેનો જવાબ આપવામાં સો વખત વિચારવું પડયું હોય, એવો ક્યો સવાલ તમને પૂછાયો છે ?
- એ તો જે વિચારીને જવાબ આપતું હોય, એને ખબર !
(જીતેન્દ્ર સંઘવી, રાજકોટ)

* હવે શિવસેનાનું ભવિષ્યું શું ?
- 'ખંડહર બતા રહા હૈ, ઈમારત બુલંદ થીં... !'
(રાહુલ બગડા, જૂનાગઢ)

* મેં તમને જોયા છે. તમે સ્માર્ટ ઓછા અને હૅન્ડસમ વધારે લાગો છો... !
- થોડા વધુ સ્માર્ટ બનો... !
(કિશોરી વાય. મેહતા, વડોદરા)

* 'સનેડો' ગવાય, ત્યારે બહેનો પોતાનો દુપટ્ટો હવામાં ફેંકીને શું સાબિત કરવા માંગે છે ?
- એ જ કે, જે એની હડફેટમાં આવ્યો, એના આવા હાલ થશે !
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)

* રસ્તામાં તમને જૂની પ્રેમિકા મળી જાય તો કેવો વર્તાવ કરશો ?
- નવી પ્રેમિકા જેવો.
(વિમલેશ જાની, વસઈ-ડાભલા)

* મૃત્યુ બાદ યમરાજા બ્રહ્માંડનું દર્શન કરાવતા સ્વર્ગમાં લઈ જાય છે. આપની બ્રહ્માંડ-દર્શનની ઈચ્છા ખરી ?
- એક આંટો મારી આવો અને મને રીપૉર્ટ આપો કે, જવા જેવું ખરૂં કે નહિ !
(ડૉ. અરવિંદ ડી. ભટ્ટ, ભાવનગર)

* 'ગધેડાને તાવ આવે એવી વાત ન કર...' એવું કહેવાય છે. શું ગઘેડાને ક્યારેય તાવ નહિ આવતો હોય?
- મને તો ઘણી વાર આવે છે!
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* દિલ્હીમાં જે બાળા ઉપર છ નરાધમોએ બળાત્કાર કર્યો, તે બધાને સરકાર ફાંસી આપશે?
- આપણે નાગરિકોએ આમાંથી બચવું જોઈએ. એક તો વિદેશોમાં આપણા દેશ પર અનેક કલંકો ચોંટાડવામાં આવે છે અને બળતામાં ઘી હોમવા, આપણું મીડિયા બળાત્કાર અને ભ્રષ્ટાચારોના જ સમાચારોને ખૂન્નસ ચઢે, એવું મહત્વ આપે છે. એ લોકોને ગમે ત્યાંથી ટીવીના ૨૪ કલાક પૂરા કરવાના હોય છે. શું દેશમાં અન્ય સારા સમાચારો બનતા જ નથી?
(ચંપા રાજુભાઈ, નવાદ્રા, જી. જામનગર)

* સ્ત્રી અને પુરુષ વચ્ચે તફાવત શું છે?
- શારીરિક તાકાતને બાદ કરતા તમામ મોરચે સ્ત્રીઓ આગળ છે... બુદ્ધિમાં ય અને બદમાશીમાં ય!
(જયદીપ યાદવ, રાજુલા-અમરેલી)

* ગુજરાતમાં 'બાટલી' (દારૂની) જોઈએ એટલી મળે, પણ 'બાટલા' (ગેસના) કેમ નહીં?
- ગેસની માફક હવે દારૂ પણ ઘેર ઘેર પાઈપ-લાઈનથી પહોંચાડવાની કોઈ દરખાસ્ત છે ખરી!
(પરેશ નાયક, નવસારી)

* ડૉક્ટર અને વકીલ વચ્ચે કેટલો ફરક?
- (એમની હડફેટે ચઢેલા માટે) ડૉક્ટર હોય તો મૅક્સિમમ મહિનાનો ને વકીલ હોય તો મિનિમમ પચ્ચી વરસનો !
(હાતિમ અસગરઅલી કાગળવાલા, મુંમ્બ્રા)

* પત્નીના નિધન પછી પતિ સંન્યાસી થયાના દાખલા છે, પણ એથી ઊલટું કેમ જોવા મળતું નથી?
- તમે ત્યારે કામ પડે એટલે કહેવડાવજો ને!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* ટીવી પર આવતી બાળકો માટેની કાર્ટુન ચેનલોથી બાળકોને ફાયદો થાય છે કે નુકસાન?
- બાળકોને સમજદાર બનાવવા હોય તો એમને અત્યારથી પાર્લામન્ટનું લાઈવ-ટેલીકાસ્ટ બતાવો.
(કનુ જે. પટેલ, સંધાણા-માતર)

* યુવતીઓ અડધા કપડાં પહેરે છે ને યુવાનો પૂરા કપડાં કેમ પહેરે છે?
- આ તમે માહિતી આપી રહ્યા છો કે ફરિયાદ કરો છો?
(મોહન વી. જોગી, ગાંધીનગર)

* 'બોડી બામણીનું ખેતર' જેવા અભદ્ર રૂઢીપ્રયોગો વપરાય છે, છતાં બ્રહ્મસમાજ વિરોધ કેમ નથી કરતો?
- આપણે ત્યાં બ્રાહ્મણો છે ક્યાં? કોઈ ઔદિચ્ય છે, કોઈ બાજખેડાવાળ, કોઈ શ્રીમાળી... એવી ૮૪ જાતો છે, એમાંથી બોડી બામણી કોને કીધી, એની ખબર પડે તો વિરોધ કરે ને?
(રમેશ બી. મહેતા, જૂના ડીસા)

* દૂધ શાકાહારી છે કે માંસાહારી?
- એનો આધાર પીનારા ઉપર છે!
(શમીમ ઉસ્માની, મુંબઈ)

* આપે '૬૯માં હાસ્યલેખો લખવાનું શરૂ કર્યું, તે પછી આજ સુધી નવો એકપણ હાસ્યલેખક આવ્યો નથી. કારણ શું?
- બીજો અમિતાભ, બીજો સચિન કે બીજો દાઉદ આવ્યો?
(શ્રીમતી શોભના ગૌતમ પટેલ, મુંબઈ)

10/05/2013

'નર્તકી' (૪૦)

યે કૌન આજ આયા સબેરે સબેરે...

ફિલ્મ : 'નર્તકી' (૪૦)
નિર્માતા : ન્યુ થીયેટર્સ, કલકત્તા
દિગ્દર્શક : દેવકી બોઝ
સંગીત : પંકજકુમાર મલિક
ગીતો : આરઝુ લખનવી
રનિંગ ટાઈમ : ૧૪ રીલ્સ
કલાકારો : પંકજ મલિક, લીલા દેસાઈ, જગદિશ સેઠી, નઝમ, આર.વાસ્તી, આર.પી. કપૂર, નંદકિશોર, ધ્રૂવકુમાર, વિક્રમ કપૂર, રજની રાણી, કાર્તિક રોય, લલિત નટવર, મુહમ્મદ સિદ્દીક. 
***
ગીતો
૧.મદભરી, રૂત જવાન હૈ, ગાલ રંગભરે ...પંકજ મલિક
૨.હે ચંદ્રચૂડ મદનાન્તક શૂલપાણી ...પંકજ મલિક-કોરસ
૩.યે કૌન આજ આયા સબેરે સબેરે ...પંકજ મલિક
૪.આંખ મૂંદ કર ધ્યાન મૂરખ, ઈધર ઉધર કાહે રાધારાની
૫.તેરી દયા સે અય દઈ, આજ મુરાદ મિલ ગઈ ...પંકજ મલિક
૬.કૌન તુઝે સમઝાયે મૂરખ, પ્રેમ જુઆ ઔર લાભ ...રૂપકુમારી
૭. પ્રેમ કા નાતા છુટા, બાત કા પાલન તૂટા ....પંકજ મલિક
૮.રટ શિવનામ કી માલા, ઈસ નામ સે જગ ઉજિયાલા ?
૯.કૌન તુઝે સમઝાયે, કૌન તુઝે સમઝાયે ...પંકજ મલિક
***
***
પંકજ મલિકે ફિલ્મ 'યાત્રિક'માં ગાયેલું, 'હે ચંદ્રચૂડ મદનાન્તક શૂલપાણી...' ભજન મેળવવા હું લિટરલી ચેન્નઈ, કોલકાતા, મુંબઈ અને અફ કોર્સ... અમદાવાદમાં ઘણો ભટક્યો હતો. દેખિતું છે, આવા કોઈ ગીતનું તો કોઈએ નામ પણ ન સાંભળ્યું હોય, ત્યાં એની કેસેટ કે રેકોર્ડ તો કોણ આપે?

પછી તો દુખિયાના બેલીઓ ઠેર ઠેર મળી જતા હોય, એમ મને પૂરી ફિલ્મ 'યાત્રિક' જ મળી ગઈ. આ ભજન માટે મને મારા સ્વ. કાકુમામાએ દોડાવ્યો હતો ને મળી ગયા પછી થાક ઉતરી ગયો કે, સાચો દોડાવ્યો હતો. એમાં ય આજે વળી ન્યુ થિયેટર્સની પંકજ મલિક (બાંગ્લા ઉચ્ચાર : પોંકોજકુમાર મલિક)ની ફિલ્મ 'નર્તકી' જોઈ, ત્યારે ખુશી બેવડાઈ ગઈ કે, આનું આ જ ભજન 'નર્તકી'માં પણ છે... એ જ રાગને એ જ ઢાળમાં!

યોગાનુયોગ, 'નર્તકી'નો ઊંધો શબ્દ 'કિર્તન' થાય છે.

... અને ગીતો 'નર્તકી'ના...? માય માય... પંકજ દા નો બૅઈઝ વોઈસ અને રસઝરતી મીઠાશ! જરા આ વાંચતા વાંચતા ગુનગુનાવી તો જુઓ, 'મદભરી રૂત જવાન હૈ...'માં '...ભરી'નો 'રી' કેવી મીઠાશથી ઉપર લઈ જાય છે? 'પ્રેમ કા નાતા છુટા...' ગીતમાં, 'બાત કા પાલન તૂટા...' વખતે પંકજ દા કેવો નાભિમાંથી ખરજનો સ્વર કાઢે છે! 'યે મુઝકો હુઆ ક્યા સબેરે સબેરે...' ગાતી વખતે જાણવા છતાં ડઘાઈ જવાનો ડોળ કરતો યુવાન આવા જ સ્વરોમાં ગાય ને? મારા ફાધરના આ ગમતા ગીતમાં એ રમુજ કરતા, 'સવેરે સવેરે દૂધવાળો આવે... એને માટે આવું રસસભર ગીત વેડફી નંખાતું હશે?' પંકજ મલિક આ ફિલ્મમાં બ્રહ્મચારી કવિના રોલમાં છે ને લીલા દેસાઈ નર્તકી. બેનને વાંધો એ છે કે, જસ્ટ બીકોઝ... એ નર્તકી છે, માટે હિંદુ સ્થાપિત હિતો એને મંદિરમાં પ્રવેશવાની મનાઈઓ શેના ફરમાવે? ફાધરનું કિંગડમ છે? અંતે તો હેમનું હેમ હોયે, એ મુજબ બધું થાળે પડે છે... બ્રહ્મચારીનું બ્રહ્મચર્ય તૂટે છે કે નહિ, એ જોવાની આપણને પરણેલાઓને શી જરૂર?

પંકજ બાબુએ ન્યુ થીયેટર્સને માત્ર આ 'નર્તકી' જ નહિ, અન્ય ફિલ્મો કે સુંદર સંગીત ને મધુરાં ગીતો જ નહિ... કારમી મજુરી પણ આપી હતી... બદલામાં ઠેંગો...! સાયગલ અને પંકજ બન્નેનું આ સ્ટુડિયો માટેનું પ્રદાન નાનુંસૂનું નથી. બન્ને વચ્ચે ઉંમરનો ય ઝાઝો તફાવત નહતો. પંકજ મલિકનો જન્મ ૧૦મી મે, ૧૯૦૫ અને સાયગલનો ૧૧મી એપ્રિલ, ૧૯૦૪... સમજો ને, ૧૩-૧૪ મહિના સાયગલ મોટા. હજી આજે ય ડરતા ડરતા એવું કહેનારા વડિલો હયાત છે, જેઓ માને છે કે, અમને સાયગલ કરતા પંકજનો અવાજ વધુ કર્ણપ્રિય લાગે છે. સરખામણીમાં તો સાયગલ કરતા પંકજનું પ્રદાન ઘણું મોટું, છતાં ન્યુ થિયેટર્સમાં સાયગલનો દબદબો હતો ને પંકજ રીતસર મજુરી કરે!

આ 'રીતસર'ની મજૂરી એટલે શું? 'નર્તકી આ સ્ટુડિયોમાં બની હતી. કલકત્તામાં ફિલ્મ રીલિઝ થઈ, એ પછી મુંબઈ મોકલવાની હતી. ક્યારેક સિનેમાના પ્રોજેક્ટર રૂમમાં ગયા હશો તો ખબર હશે કે, ફિલ્મ શરૂ થાય એ પહેલાં સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ દર્શાવે, એમાં રીલ્સ ૧૪, ૧૬ કે ૧૯ લખ્યા હોય. એ ૧૪ રીલ્સ (નર્તકી ૧૪ રીલ્સનું હતું.) એલ્યુમિનિયમના ગોળ મોટા ડબ્બા લઈને પંકજ મલિકને એકલા મુંબઈ મોકલવામાં આવ્યા. વિચાર કરો, એકલો માણસ, અન્ય સામાન અને ઉપરાંત જાતે આ ૧૪ ડબ્બા ઉપાડવા-લઈ જવાની મજૂરી! અને છતાંય, પૈસાને મામલે ન્યુ થીયેટર્સવાળા પંકજ બાબુને લૂંટતા જ રહ્યા. વર્ષ દરમ્યાન ફિલ્મો બહુ બહુ તો એકાદ-બે બને, જેમાં પંકજનું પ્રદાન હોય, પણ આ લોકો તો ત્યાં નોકરી કરતા હતા, એટલે ગાવા-બજાવવા ઉપરાંત આવી મજુરીના કામ ય કરવા પડતા. આજે સાલું કેવું શરમથી માથું ઝૂકી જાય છે કે, આપણા માટે જે દેવપુરુષ હતા, તે પંકજ મલિક ત્યાં પાણીના ભાવે વેચાતા હતા...!'

પરમ આદરણીય સ્વ. જગમોહન 'સુરસાગરે' આ લખનારને એક કિસ્સો કીધો હતો. સાયગલ અને પંકજ દા કોલકાતામાં રહેતા હતા. સાયગલે પૈસા બચાવી બચાવીને પોતાની મનગમતી મોટરસાયકલ ખરીદી અને બહુ તાનમાં આવી ગયા. કામ હોય કે ન હોય, ચક્કરો મારવા બહુ ગમે. દરમ્યાન એક દિવસે એ સ્ટુડિયો જતા હતા. વરસાદ હતો ને બસ સ્ટેન્ડ પર ઊભેલા પંકજ મલિકને જોયા એટલે બાઈક ઊભી રાખી. સાયગલની નવી બાઈક જોઈને ખુશ થયેલા પંકજ દા ધોતીયાનો કછોટો સંભાળીને હજી તો કહેવા જાય છે કે, જરા ધ્યાન રાખજે. હું બેસું છું, ત્યાં તો બાપુએ ગાડી ઉપાડી દીધી. ભીના ખાબોચીયાંમાં દાદા ઉલળી પડયા ને 'દે ધનાધન...' બંગાળીમાં જે કોઈ ગાળો બોલાતી હોય, તે બધી નિચોવી નિચોવીને દીધી ને ચાલતા સ્ટુડિયો પહોંચ્યા ને ત્યાં ય ગાળો દીધી. સાયગલને ખબરે ય નહોતી કે, પાછળ પંકજ દા હજી બેઠા નથી. બેઠા હશે, એમ સમજીને એ તો ચાલુ બાઈકે એકલા એકલા વાતો જમાવતા રહ્યા...! અલબત્ત, ગુસ્સો પલભરમાં ઉતરી જતાં, બન્ને દોસ્તો ફરી પાછા હંસી-મજાકની વાતોએ વળગી પડયા!

આપણા જેવા પંકજ દા ના ડાયહાર્ડ ચાહકોના જીવો ભડભડભડભડ એટલા માટે બળે કે, એમણે ગાયેલા બહુ ઓછા ગીતો આપણા સુધી પહોંચ્યા છે! આમ તો ફિલ્મો તો ઘણી આવી, પણ ગીતો ક્યાં? છેલ્લી ફિલ્મો 'યાત્રિક' અને દેવ આનંદવાળી ફિલ્મ 'ઝલઝલા' (એટલે ધરતીકંપ)ના થોડાઘણા ય ગીતો મળી રહે, પણ એમ તો આ બન્ને ફિલ્મો '૫૨માં આવ્યા પછી '૫૪માં 'ચિત્રાંગદા' અને ૫૫માં ફિલ્મ 'રાજકમલ' પણ આવી હતી, એના ગીતો ક્યાં? હિંદી-બંગાળી ભેગી કરીને એમની ૩૩ ફિલ્મો આવી હતી, પણ આપણી પાસે એમાંની કેટલી ફિલ્મોના ગીતો છે? આપણને તો કંઠ પંકજ બાબુનો હોય તો બેંગોલી ગીતો કે રવિન્દ્ર સંગીત સાંભળવાનો ય વાંધો નથી.

યસ, ગીતોમાં એમના ઉચ્ચારોનો પ્રોબ્લેમ તો હતો જ. આજ ગીત, 'મદભરી રૂત જવાન હૈ...'ના અંતરાઓમાંથી કેટલાના શબ્દો ઉકેલાય છે? એમના અતિપ્રસિદ્ધ શ્રૃંગાર-રસસભર ગીત, 'પિયા મિલન કો જાના...'ના અંતરા '...પાયલકો બાંધ કે...' પછી શું ગાય છે, તેની ક્યાં ઝટ ખબર પડે છે! ઉચ્ચારોનો પ્રોબ્લેમ આ કોઈ બે-ચાર ગીતો પૂરતો નહતો. ઘણા ગીતોમાં બાપુએ ગોટે ચઢાવી દીધા છે!

ફિલ્મ 'નર્તકી' જ નહીં, ન્યુ થિયેટર્સની ઓલમોસ્ટ બધી ફિલ્મોમાં જગદિશ સેઠીની જેમ વિક્રમ કપૂર પણ હોય જ. આ વિક્રમ કપૂર એટલે ગાયિકા મીના કપૂરના પિતા અને સંગીતકાર અનિલ બિશ્વાસના સસુરજી.

અનિલ બિશ્વાસના પ્રથમ પત્ની આશા એટલે આજના સંગીતકારો અમર-ઉત્પલની માતા. અલબત્ત, પુત્રો કે પિતા એકબીજાને બોલાવતા નહોતા. અમદાવાદમાં અનિલ બિશ્વાસ અને મીના કપૂર સાથે લંચ વખતે સ્વ. ગુજરાતી ગાયક-સંગીતકાર દિલીપ ધોળકીયાએ મને ભરાવી દીધો હતો. સવાલો હું પૂછતો હતો, એટલે દિલીપભાઈએ મને આંખ મીંચકારીને કહ્યું, 'એમને જરા અમર-ઉત્પલ વિશે પૂછો ને...!' મેં ભોળાએ પૂછ્યું, એમાં કાકા બગડયા. મોંઢું બગાડાય એટલું બગાડીને અનિલ દા એ આખો સવાલ ઉડાડી માર્યો.

આ ફિલ્મના કલાકાર વિક્રમ કપૂરની દીકરી મીના કપૂર સાથે અનિલ દા પ્રેમમાં પડયા અને લગ્ન કર્યા. અગાઉની પત્ની આશા મૂળ તો મુસલમાન હતા, પણ અનિલ દા ને પરણવા માટે એમણે હિંદુ ધર્મ અંગીકાર કર્યો હતો. મીના કપૂર પત્ની બન્યા પછી પણ અનિલ બિશ્વાસ એટલી હદે મોહિત હતા કે, વડોદરાના એક કાર્યક્રમમાં એમણે ખૂબ વિચિત્ર જાહેરાત કરી નાંખી કે, 'મીના કપૂર લતા મંગેશકર કરતા ય વધુ સારી ગાયિકા છે.' (કદાચ એ હાઈટ બોડીમાં કહેતા હોય તો એને મજાક સમજીને વાચકોએ કાકાને માફ કરવા!)

ફિલ્મની હીરોઈન લીલા દેસાઈ વિશે અગાઉ આ કોલમમાં લખ્યા પછી એમના ફેમિલીમાંથી મારા ઉપર ફોન આવ્યો હતો અને ઘણી વિશેષ માહિતી પણ જાણવા મળી હતી. આ ગુજરાતી હીરોઈનના પિતા. ડો. ઉમેદરામ લાલભાઈ દેસાઈના માતૃશ્રી સત્યબાળાદેવી બિહારના હતા અને ૧૯૦૦ની આસપાસના વર્ષોમાં સંગીતકાર તરીકે ખ્યાતનામ હતા. લીલા દેસાઈ હીરોઈન રમોલાના સગા બહેન થાય. 'પિયા મિલન કો જાના...' પંકજ દાએ આ લીલા દેસાઈ માટે ગાયું હતું અને ફિલ્મમાં 'કપાલ કુંડલા'નો ટાઈટલ રોલ એમણે કર્યો હતો.

ડાયરેક્ટર ફણી મજમુદારે લીલાની બહેન મોનિકા દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. લીલા દેસાઈની મધરે દાર્જીલિંગમાં વિશાળ કોટેજ લીધું હતું. ફિલ્મ 'આનંદ'માં અમિતાભ બચ્ચનની પ્રેમિકા બનતી હીરોઈન સુમિતા સાન્યાલ આ લીલા દેસાઈની શોધ છે.

ફિલ્મ 'નર્તકી'ના દિગ્દર્શક દેવકી બોઝ સર્જનાત્મક માણસ હતા. 'ઓ બરશા કે પહેલે બાદલ, મેરા સંદેસા લે જાના...' એ જગમોહનના ખૂબ જાણીતા ગીતની ફિલ્મ 'મેઘદૂત' દેવકી બાબુએ દિગ્દર્શિત કરી હતી. ૧૯૩૨માં સાયગલ સાહેબની ફિલ્મ 'ચંડીદાસ'માં દેવકી બાબુએ પહેલી વાર બેકગ્રાઉન્ડ મ્યુઝિકની શરૂઆત રાયચંદ બોરાલના સંગીતમાં કરી. હવે એ વિવાદ તો હજી ચાલુ જ છે કે, હિંદી ફિલ્મોમાં પ્લેબેકનો પ્રારંભ ફિલ્મ 'ધૂપ-છાંવ'થી બોરાલ બાબુએ કર્યો કે પંકજ મલિકે! ફિલ્મી સંગીતના જાણકારો તો આર.સી. બોરાલથી મોટા સંગીતકાર ઈવન અનિલ બિશ્વાસને ય નથી માનતા. સ્વયં સાયગલ અને પંકજ મલિકે પણ એમના સંગીતમાં અનેક ગીતો ગાયા છે.

આમ તો, ૩૦ કે ૪૦ ના દશકોની ફિલ્મો આજે જોવા મળે, એ જ ઘણું કહેવાય. આવી ફિલ્મો બજારમાં તો મળતી ન હોય, પણ જામનગરના શ્રી ચંદુભાઈ બારદાનવાલાને કારણે આ ફિલ્મ મળી, તેની નોંધ લઈએ છીએ.

08/05/2013

વાળ સીધા કરાવવાના દસ હજાર...!

શરીરના કયા અંગથી સ્ત્રી બેનમૂન લાગે છે, એ પ્રશ્ન સદીઓથી પુરૂષો પાસે જવાબ વિનાનો પડી રહ્યો છે. પુરૂષ પહેલી નજરે સ્ત્રીને જુએ, ત્યારે પહેલું કયું અંગ મન ભરીને જોઇ લે છે, એ સોચ પુરૂષે-પુરૂષે અલગ હોય છે. ખૂબ બુધ્ધિશાળી સ્ત્રી કરતા ખૂબ સુંદર સ્ત્રીનું સાનિધ્ય પુરૂષોને ગમે છે, પણ પેલીનું કયું અંગ મોહિત કરી ગયું, એ દરેક પુરૂષની અલગ સમજ અને જરૂરત છે. સ્ત્રીની આંખો, હોઠ, ફિગર, અવાજ, સ્કીન, પેલું બધું ઢંકાયેલું-ઢંકાયેલું અને વાળ.... આ બધામાંથી બધું જ સારૂં હોય તે સ્ત્રી હરકોઇને પસંદ પડે પણ જરૂરી નથી કે, સ્ત્રીને ગમાડવા માટે એનું બધું જ ગમાડવું જરૂરી હોય! મારા એક દોસ્તને ઢીચકી સ્ત્રીઓ ગમતી નહોતી. પૂછ્યું કેમ, તો કહે, ''શૉપિંગ-મૉલમાં ખોવાઇ જાય તો પાછી હાથમાં નથી આવતી! જરા ય છુટ્ટી ન મૂકાય!'' તો બાજુમાં ઊભેલાએ વિરોધ કર્યો, ''મને તો સાડા ચાર ફૂટવાળી જ ગમે... ઘરમાં ય તેડી તેડીને ફરાય...!''

પસંદ અપની અપની છે, પણ મારે મન સ્ત્રીની સુંદરતા એના વાળમાં છે. જરૂરી નથી કે, લાંબા હોય કે ટુંકા હોય. જે સ્ત્રીને પોતાના વાળ ગમે છે, એ સ્ત્રીના વાળ આપણને જોવા ગમે એવા હોય. પણ માથામાં ખચાખચ તેલ નાંખેલી સ્ત્રી કદી સુંદર હોઇ ન શકે, એવું મનમાં ઠસી ગયું છે. તેલ નાંખવાથી વાળને પોષણ મળે છે, એવું જગતના કોઇ સાયન્સમાં કીધું નથી, પણ બેવકૂફો તેલીયા રાજાઓની જાહેર ખબરોમાં આવી જાય છે. ભારત સિવાય કયા દેશની સ્ત્રીઓ આવા તેલોથી નહાતી જોઇ? કોના વાળ ખરાબ થઇ ગયા? સાલું, આપણી આવી સ્ત્રીઓને પોતાને પોતાનું ચીકણું માથું જોવું પડતું નથી... આપણને પરાણે જોવું પડે છે...!

વાળ સ્ત્રીઓનો સૌથી ઊંચા શિખરે બિરાજતો તાજ છે. 'મત કહો કે સર પે ટોપી હૈ, કહો સર પે હમારે તાજ હૈ.... હોઓઓઓ!' વાળ કોઇ બેશર્મ ચીજ નથી કે ઢાંકી ઢાંકીને રાખવા પડે. એમની ઊંચાઇઓ સુધી શરીરનું કોઇ અંગ પહોંચી શક્યું નથી. મકાનની એક જ ટૅરેસ ઉપર એક સાથે આટલા બધાને ક્યારે તમે સંપીને રહેતા જોયા? માથે ટાલ પડી હોય એવા જાતકોએ ટૅરેસ પર પૉલિશવાળું ફ્લૉરિંગ કરાવ્યું હોય, એવી ટૅરેસ પણ લાગે છે કેવી સુંદર? હાથ ફેરવવાનું મન થાય એવી લિસ્સી લિસ્સી! પરમેશ્વર પણ સુંદર સ્ત્રીઓનો ચાહક હશે, એટલે જ પુરૂષો જેવી ટાલ સ્ત્રીઓને નથી આપી.

વાળનો વિરહ સહન નથી થતો. નવા ઊગાડવા માટે અનેક ઉપાયો, છળકપટ કે વલખાં મારવા પડે છે. એવો લૉસ શરીરના અન્ય કોઇ અંગને ગૂમાવવાથી નથી થતો. આંસુઓ પણ વાળની જેમ દગો થઇને આંખોનો સાથ છોડી દે છે, ત્યારે એ આંસુઓ રીવર્સમાં લેવડાવીને પાછા આંખોમાં ભરાઇ દેવાની તમન્ના કોઇને થતી નથી. પરસેવો કોઇ પાછું લેતું નથી. વહી ગયો એ મહીં ગયો! સ્ત્રીઓ ફૅશનમાં નખ વધારે છે, પણ છીઇઇઇ... એવીઓની ડિશમાંથી તો સૅન્ડવિચનું બાઇટ પણ ન લેવાય!

વાળને નામનો મોહ નથી. યૂ સી... મૂછો અને દાઢી પણ વાળના બનેલાછે, છતાં એ બન્નેનું ચોક્કસ નામ છે, ઈ-મેઇલ આઈડી છે... મૂછ.કૉમ અને દાઢી.કૉમ! પણ માથાના વાળની ઓળખાણ આપવા કોઇ વિઝિટિંગ-કાર્ડ જ નથી. આંગળી અડાડીને ''આ મારી મૂછો છે'' કે ''આ મારી દાઢી છે?'' એવા ચોક્કસ સરનામાં છે, જ્યારે વાળને એવી કોઇ દુન્યવી ઓળખાણની જરૂર નથી.

વાળની સુંદરતામાં બીજા બધા અંગોએ જૅલસ થવું પડે. હોઠ ગમે તેટલા ગુલાબી-ગુલાબી હોય, પરમેશ્વરે એમને વધુ ઊંચા આસને બેસાડવા કપાળ ઉપર ચોટાડી આપ્યા નથી. હળવાશથી ખેંચીને હાથમાં લઇને પંપાળવું ખૂબ ગમે એવું નાક ગમે તેવું રૂપકડું હોય, એને કદી ઊંચો હોદ્દો મળ્યો નથી. નહિ તો નાક છીંકવા માટે હાથ ઊંચો કરીને માથા ઉપર વચ્ચે લઇ જવો પડે. કારણ કદાચ ઇર્ષાનું હશે, પણ અમારી પાસે પણ ખજાનો છે, એવો ફાંકો મારવા નાકે પણ પોતાના ભોંયરામાં થોડા ઘણા વાળ છુપાવી રાખ્યા છે. માણસ ગમ્મે તેટલો ઘરડો થાય, પણ નાકના વાળને ડાઇ કરી શકાતી નથી. આંખો બે આપી છે, પણ એ સુંદરતામાં સર્વોચ્ચ સ્થાને નથી. એ એટલી જ રૂપાળી હોત તો કેમ એક અત્યારે છે ત્યાં ને બીજી માથાની બરોબ્બર પાછળ જોનારી ન આપી? આપી હોત તો સ્ત્રીઓ અત્યારે ગાડી રીવર્સમાં લેવામાં જેટલા લોચા મારે છે, એ ન મારતી હોત! સ્ત્રીને વધુ લોભામણી બનાવતા અન્ય અંગો પણ છે ત્યાં જ સારા અને હાથવગાં લાગે છે... એ લોકોની ઉપયોગીતા કે શ્રૂંગારશક્તિ ગમે તેટલી હોય, એ બધી વસ્તુઓ કદી સર્વોચ્ચ સ્થાને એટલે કે કપાળની ઉપર શોભે નહિ... સુઉં કિયો છો?

સંસ્કૃત સાહિત્યની અમર રચનાઓમાં તાજી તાજી નાહીને આવેલી સુંદર સ્ત્રીને 'સદ્યસ્નાતાકહે છે. વેલણથી વાળ ઝાટકતી સ્ત્રી માટે તો ઘણું લખાયું છે. અલબત્ત, વાત સુંદર સ્ત્રીની થાય છે. માથે ઝાંખરા ઊગ્યા હોય એવા કાળા, સફેદ, ભૂખરા, સીલેટીયા, કેસરી અને લાલમલાલ રંગનો માથે ખીચડો લઇને ફરતી ને નહાવા છતાં જોવી ય ન ગમે એવી સ્ત્રીને 'સદ્યસ્નાતા' નહિ, 'સદ્યસ્નાતા' કહેવાય... પીધેલી લાગે! સુંઉ કિયો છો?

'સદ્યસ્નાતા' સ્ત્રીના વાળ પર પડું-પડું કરતા પાણીના ટીપાંની સરખામણી સંસ્કૃત-વિદ્વાનોએ હીરા-મોતી સાથે કરીને હીરાના ભાવો ઘટાડી નાંખ્યા છે. જ્વૅલર્સની શૉપમાં હીરા, મોતી, નીલમ પડયા હોય, એ જોઇને કોઇ ભાવતાલ કરે છે, ''આ ગોદાવરીબેનના માથે પડેલા ટીપાંનો શું ભાવ છે?'' ઓહ, ઉફ, આહ, ઈઇઇ.... કેમ જાણે હમણાં જ ગોદુ નહાઇને બહાર નીકળી હોય ને એમના ઝટકતા કેશ પર શોભતા પાણીનાં આ બિંદુઓ જેવા આ મનોહર ડાયમન્ડ્સનો મારે તો નૅકલેસ બનાવવો છે...!

એ તો લગ્ન તાજાં તાજાં થયા હોય ને પેલી નહાઇને બાથરૂમની બહાર ભીની ભીની થઇને આવીને કેશ એના ગોરધનના ચેહરા ઉપર છમ્મ કરતી ઝટકતી હોય, એ દ્રશ્ય શ્રૂંગાર-રસનું બને. લગ્નના દસ-બાર વરસ પછી એ જ ભીનેવાન ને ભારેખમ ગોદાવરી ઉર્ફે ગોદુ એના ભીનાં વાળ ઝટકે, એમાં તો ગ્રાઉન્ડ-ફલૉરમાંથી બૂમો આવે, ''એ... આ હવાર હવારમાં કોના બાથરૂમનો ફ્લશ ખુલ્લો રહી ગયો છેએએએએ..?''

આજકાલ સ્ત્રીઓને નવા ઝનૂનો ઉપડયા છે- વાળ સીધા કરાવવાના. વાંકડીયા વાળ (curly) હોય, એમને પુરૂષ સમજીને 'સીધા કરી નાંખવાના' ઝનૂનો ઘણી બહેનોને ઉપડવા માંડયા છે. તો બીજી તરફ, જે બહેનોના વાળ સર પરનો તાજ નહિ, પણ ગાંધીટોપી જેવા લાગતા હોય, એ બહેનો દેખાવમાં મહાત્મા ગાંધી જેવી ન લાગે, એ માટે વાળને સીધા (straighten) કરાવવા માંડી છે. છત્રીના સળીયા માથામાં ખોસ્યા હોય, એવા સીધા થઇ ગયેલા વાળને કારણે એ મહિલાઓ વધુ સુંદર લાગવા માંડી છે. છત્રી ફાટી ગઇ હોય ને એના સળીયાનો કેવો બુધ્ધિપૂર્વકનો ઉપયોગ કર્યો છે, એવી છાપ પડે. વાળ સીધા કરાવવાનો ખર્ચો ચૂકવ્યા પછી આવી સ્ત્રીઓના ગોરધનો વગર સળીયે સીધા થઇ જાય છે... સૉરી, ઉતરી જાય છે. એક વખત વાળ સીધા કરાવવાનો ખર્ચો કેટલો આવે છે, જાણો છો? દસ હજાર તો પહેલી ધારના, એ પછી એનું જુદું શૅમ્પૂ મોંઘા ભાવનું આવે, કન્ડિશનર અને સીરમના મહિને બે હજારનો ખર્ચો જુદો. ગૅરન્ટી તો એક વર્ષ સુધી વાળ આવા જ સીધા રહેશે-ની આપવામાં આવે છે, પણ બધીઓ બોલવા માંડી છે કે, ચાર-પાંચ મહિને ફરીથી કરાવવા જ પડે છે. એક પણ અપવાદ વગર આવી તમામ સ્ત્રીઓના વાળ ગૅરન્ટીથી બરછટ થઇ જાય છે. વાળ સીધા કરાવવાની લ્હાયોમાં છોકરીઓ માથે બોડી થવાનો ય કૉર્સ કરી લે છે.

સ્ત્રીઓ સુંદર હોય, એ પુરૂષ માટે સારૂં છે ને બુધ્ધિમાન હોય, એ એમને પોતાને માટે સારૂં છે. નૉર્મલી, સૌંદર્ય અને બુધ્ધિ એકસાથે ટ્રાવેલ કરી શકતી નથી, નહિ તો રોજ માથે શૅમ્પૂ નાંખનારી બેવકૂફ સ્ત્રીઓ એક વખત ઈન્ટરનેટ પર શૅમ્પા-ફૅંમ્પા વિશે વાંચી જુએ તો ખબર પડે કે, જમીન પર જડેલા ટાઈલ્સ ધોવા માટે વપરાતા ઍસિડ જેવા કૅમિકલ્સ શૅમ્પૂમાં વપરાય છે. પાણી નૅચરલ કન્ડિશનર છે, જેવો ઢાળ જોઇતો હોય, એ વાળ ભીના રાખીને સૂકવવા દેવાથી આવી જાય, પણ પાણી ઉપર ફોરીયલ કે ઢોળીયલ જેવા બ્રાન્ડ નામો લખ્યા હોતા નથી, એટલે એ નક્કામું.

....અને જેની બૉચી ઉપર ટોટલ નંગ ૧૮ વાંકડીયા વાળ રહ્યા છે, તે ટાલીયો મેહતા સાહેબ પણ વાળ સીધા કરાવવા ઉપડેલા... આજે ખાલી બોચી જ બચી છે! 

સિક્સર
અજીતસિંહે પૂછી જોયું, ''લગ્ન અને શુભપ્રસંગે હૉલ ભાડે મળશે,'' એટલે શું?

05/05/2013

ઍનકાઉન્ટર-05-05-2013

* થોડા સમય પહેલા ગાંધીનગરના એક વાનરે ધમાલ મચાવી અનેકને ઘાયલ કર્યા હતા... એ વાનરના શું સમાચાર છે?
- એ વાંદરો ખરીદવાના દિલ્હીમાં આજકાલ બ્લૅક બોલાય છે.
(ગોવિંદ એમ. પટેલ, પૂણે-મહારાષ્ટ્ર)

* માણસે જીવનના કયા પ્રસંગે ચૂપ રહેવું જોઇએ?
- સવારે બ્રશ કરતી વખતે.
(વિનુ ભટ્ટ, બાબરા-અમરેલી)

* વાચકોને 'એનકાઉન્ટર' ગમવાનું કારણ શું?
- પૂછનારે કે જવાબ આપનારે ક્યાંય બુધ્ધિ વાપરવી પડતી નથી.
(પ્રતાપ બી. ઠાકોર, ખરેટી-માતર)

* સ્ત્રીઓ ચૂપ કેમ રહી નથી શકતી?
- હોઠ પર ભૂલથી ફેવિસ્ટીકને બદલે લિપસ્ટીક લગાડી દે છે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* હું લખવા બેઠો છું, પણ શું લખું અને શું ન લખું?
- અક્ષરજ્ઞાન અને મોતીયાની પૂરતી તપાસ કરાવી લો.
(મનોજ ઝાલા, સંજાણ)

* દિલ્હી અને દેશમાં બનતી ઘટનાઓ જોયા પછી એવું નથી લાગતું કે, આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવવાને લાયક નથી?
- બેશક આપણે જગતની સર્વોત્તમ પ્રજા છીએ.... થોડા ઘણા નાલાયકોને કારણે સ્વતંત્રતાનું મૂલ્યાંકન ઓછું ન અંકાય...! બહુ બલિદાનો આપીને આઝાદી મેળવી છે.
(તસ્નીમ હકીમુદ્દીન વ્હોરા, ઉમરેઠ)

* તમે ૧૩-ના આંકડાને અપશુકનવંતો માનો છો?
- પોતાની કાબેલિયત નહિ, તકદીર ઉપર જ ભરોસો રાખનાર બુઝદિલો આવા બધા ફતૂરોમાં માને!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* મારી ઘરવાળીનું વજન ખૂબ વધતું જાય છે... કોઇ ઉપાય?
- કાં તો વજનકાંટો બદલી નાખો ને કાં તો ઘરવાળી બદલી નાંખો! યાદ રાખો, ક્રાંતિ હંમેશા ભોગ માંગી લે છે.
(અસીત એસ. ગાંધી, ગોધરા)

* ગોરધન મરે તો 'દિયરવટું' થતું, પણ વાઇફ મરે તો 'સાળીવટું' કેમ નથી થતું?
- હું તો પ્રભુને પ્રાર્થના કરું છું કે, મારી વાઇફને બસ્સો વર્ષ જીવાડજે... મારે ૭૫-૭૫ વાળી ત્રણ સાળીઓ છે.... તમારી યોજના મુજબ ત્રણે વળગે તો મારા તો ફોદાં નીકળી જાય કે નહિ?
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* લોકો તેન્ડુલકરને નિવૃત્ત થવાનું કહે છે, પણ ૮૦-૮૦ વર્ષના રાજકીય ડોહાઓ માટે કેમ આવું ઝનૂન ઊભરતું નથી?
- સચિને દેશને ઘણું આપ્યું છે ને ડોહાઓએ ઘણું લીધું છે... આપનાર કરતા લેનારનો હાથ ઊંચો હોય છે!
(ઉપેન્દ્ર એ. વાઘેલા, રાજકોટ)

* બળાત્કાર ને છેડતી તો દૂર રહી, કેટલીક બિચારીઓની તો સામે ય કોઇ જોતું નથી... શું આને રેપથી ય મોટો ગૂન્હો ન કહેવાય?
- બળાત્કાર જગતનો અધમોધમ ગૂન્હો છે. એની સરખામણી અન્ય કોઇ ગૂન્હા સાથે થઇ ન શકે.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* આજકાલ 'મુન્ની' અને 'મુનિ' બન્ને બદનામ કેમ છે?
- મુન્ની લીધેલા પૈસાનું વળતર આપે છે... મુનિઓ દાનપૂણ્યને નામે ખંખેરી નાંખે છે. અલબત્ત, અંગત રીતે મને જૈન મુનિ શ્રી.ચંદ્રશેખર વિજયજી માટે પૂરતો આદર છે, જેમણે ભારત દેશ માટે અનેક પુસ્તકો લખ્યા છે, દેશભકિતને ઉન્નત કરી છે અને બીજાં ધર્મોને ઉતારી પાડયા નથી.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* નાટકો કરીને ઝૂંપડપટ્ટીમાં જમવા બેસે કે લોકલમાં મુસાફરી કરે, એવા રાજકારણીઓ માટે શું માનો છો?
- આ લોકો વેશ્યાલયોમાં જઇને 'પ્રવૃત્ત' હોવાના ય ફોટા પડાવી શકે છે ને પછી ટીવી-કૅમેરા સામે બોલશે, ''યે સબ ભી હમારી માં-બહેન કે સમાન હૈ...!''
(શિરીષ વસાવડા, વેરાવળ)

* ન્યાયની દેવીની આંખે પટ્ટી હોવાનું કારણ શું?
- કન્ઝક્ટિવાઇટીસ.
(કમલા વડુકૂળ, રાજકોટ)

* બુલબુલની હાલત અને શિકારીની નિયત બદલાઇ નથી... ચમનનું શું થશે?
- શિકારીને જીવવાનું હોય છે, બુલબુલને બચવાનું હોય છે... જો જીતા વો હી સિકંદર!
(જાગૃતિ ગોસ્વામી, પોરબંદર)

* આપની શુક્રવારની કૉલમમાં ફિલ્મ 'ડૉકટર'ના રિવ્યૂમાં લખ્યું હતું, ''યે રાતેં, યે મૌસમ, યે હંસના, હંસાના..'' દરેક કાકાએ કાકી સામે ખુરશી પર બેસાડીને રોજ રાત્રે ગાવું જોઇએ... મતલબ?
- એવું નથી...! આમાં તો કાકીએ-કાકીએ ફરક હોય છે... મોટા ભાગની કાકીને બેસાડીને 'રાધે રાધે રાધે, શીરા-પુરી ખાજે... હોઓઓઓ' જેવી મધુર ધૂન ગાવી જોઇએ!
(ગોપાલ ઉદ્દેશી, મુંબઈ)

* રાજકારણીઓ કે પોલીસો તો સમજ્યા, ડૉકટરોની ફાંદો ય કેમ વધતી જાય છે?
- દવા બનાવનારી કંપનીઓ પહેલા પૅન-સૅટ જેવી મામુલી ગિફટ આપતી હતી... પછી ડૉકટરોને ફૅમિલી સાથે પરદેશ પ્રવાસો ગિફટમાં આપવા માંડી.... એ બધાનો બદલો લેવા હવે ફાંદ આપે છે.
(જીતેન્દ્રસિંહ રાઠોડ, વાઘપુર-પ્રાંતિજ)

* તમામ મોરચે નિષ્ફળ ગયેલા મનમોહનસિંઘને ભારતની પ્રજાએ કયું પારિતોષિક આપી શકાશે?
- 'મરણોત્તર'.
(તપસ્યા ધોળકીયા, અમદાવાદ)

* આદર્શ પત્ની મેળવવાનો કોઇ ઉપાય?
- આપણે ત્યાં આદર્શ કન્યા શોધાય છે, તૈયાર આદર્શ પત્ની નહિ!
(માલવ પી. મારૂ, સુરત)

* આપણા સાધુ-આચાર્યો સફેદ કે ભગવા રંગની લૂંગી ધારણ કરવાનું શું કારણ?
- ઍર કન્ડિશન્ડ.
(કનોજ વસાવા, ઉમરપાડા-સુરત)

* પેલી ૨૧-મી ડીસેમ્બરની પૃથ્વીના વિનાશની આગાહી ખોટી પડી... 'ગૉડ ઈઝ ગ્રેટ' જ સાચું છે ને?
- ભગવાનોને ય એક સામટા આટલા મોટા જથ્થામાં ભક્તો ગૂમાવવા પોસાય નહિ! એ લોકોએ પોતાની લાજ બચાવી લીધી!
(અખિલ બી. મહેતા, પાટણ)

* દીકરી ને ગાય દોરે ત્યાં જાય, તો દીકરો ક્યાં જાય?
- એના બાપના તબેલામાં.
(એમ.જી. માવદિયા, વસઇ-મહારાષ્ટ્ર)

* સ્ત્રીના વેષમાં સફળતાથી ભાગવા મળ્યું હતું, એ ગુરૂ હવે તો એ ડ્રેસ કાયમ સાથે જ લઇને ફરતા હશે ને?
- ડ્રેસ જાવા દિયો... એ ગુરૂ એવો રોલ આજે પણ ભજવી રહ્યા છે!
(અંકિત જી. ત્રિવેદી, મોડાસા)

* નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વિશે કાંઇ કહેવું છે?
- રાહુલ ગાંધી વિશે કોઇ કાંઇ બોલવા માંગતું નથી ને નરેન્દ્ર મોદી માટે એકલું મીડિયા બોલે જાય છે!
(તુષાર સુખડીયા, હિમતનગર)

* કેટલાક લોકો મૉર્નિંગ-વૉકમાં કૂતરાને સાથે લઇને કેમ જાય છે?
- એ બેમાંથી કૂતરો કયો છે, એ લોકો ભૂલી ન જાય માટે!
(રોહિત પ્રજાપતિ, સાંથલ-મેહસાણા)

03/05/2013

'નઇ રોશની' ('૬૭)

ફિલ્મ : 'નઇ રોશની' ('૬૭)
નિર્માતા : વાસુ મેનન
દિગ્દર્શ : સી. વી. શ્રીધર
સંગીત : રવિ
ગીત- સંવાદ : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૭ રીલ્સ
થિયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : અશોકુકમાર, રાજકુમાર, માલા સિન્હા, તનુજા, વિશ્વજીત, શૈલેષકુમાર, અસિત સેન, ભાનુમતિ, પહાડી સાન્યાલ, જ્યોતિલક્ષ્મી, ચમનપુરી, પ્રતિમાદેવી, અનવર હુસેન. 
***
ગીતો
૧. યે તોહફા તુમ્હારે પ્યાર કા, દિલ સે પ્યારા, જાન સે પ્યારા આશા ભોંસલે
૨. કીસી તરહા જીતે હૈ યે લોગ બતા દો યારો, હમ કો ભી મુહમ્મદ રફી
૩. જીતની લિખ્ખી થી મુકદ્દર મેં, હમ ઉતની પી ચૂકે મુહમ્મદ રફી
૪. તેરી આંખ કા જો ઇશારા ન હોતા તો બિસ્મિલ કભી દિલ મુહમ્મદ રફી
૫. ગરીબોં કા જીના ભી હૈ કોઈ જીના, ગરમી યા સરદી પસીના મુહમ્મદ રફી
૬. મૈ ગુન્હેગાર હું જો ચાહા સઝા દો મૂઝકો, મેને અપને સપને મેં લતા- મહેન્દ્ર કપુર
૭. સપને હૈ સપને કબ હુએ અપને, આંખ ખૂલી ઓર તૂટ ગયે લતા મંગેશકર 
***

http://www.youtube.com/watch?v=UEqW4WyS5t0&wide=1

જે ફિલ્મમાં અશોક કુમાર, રાજકુમાર, માલા સિન્હા અને તનૂજા જેવી ઉત્તમોત્તમ સ્ટારકાસ્ટ હોય, એ ફિલ્મ આંખ મીંચીને (ક્ષમા... આંખો ખુલ્લી રાખીને) જોઈ જ લેવી પડે. આ લોકો એક્ટિંગના રાજા- બાદશાહો ને મહારાણીઓ હતા. વિશ્વજીત પણ હતો, પણ એને તો નાનું છોકરૂં સમજીને ફિલ્મ જોતા જોતા થોડીવાર રમાડી લેવાનું હોય, એટલે એ કાંઈ આપણને બહુ નડે નહિ. 

આપણે સ્કૂલ- કૉલેજમાં હતા, ત્યારે મદ્રાસની એવીએમ, જૅમિની કે વાસુ મેનનની ફિલ્મો બહુ આવતી. મદ્રાસની મોટા ભાગની ફિલ્મો સુપરહિટ હોય. પરિવારની સ્વચ્છ અને સંસ્કારી ઘરોમાં પસંદ પડી જાય એવી વાર્તાઓ એમાં હોય. પ્રોડક્શન પણ મુંબઈની ફિલ્મો કરતા હજાર દરજ્જે ઊંચા ઘરાણાનું. એમાં વાસુ ફિલ્મ્સના નેજા હેઠળ વાસુ મૅનને બહુ થોડી પણ સુંદર ફિલ્મો બનાવી હતી. આશા પારેખ- ગુરૂદત્તની 'ભરોસા', નૂતન- સુનિલ દત્તની 'ખાનદાન', 'નઇ રોશની', હેમા- જીતેન્દ્રની 'વારીસ' અને છેલ્લે 'સાસ ભી કભી બહુ થી' 

યાદી ઉપરથી જોઈ શકાશે કે, સંગીતકાર રવિ વાસુ મૅનનની ફિલ્મોમાં છવાયેલા હતા. 'નઇ રોશની' રવિ માટે વાસુ મેનનની છેલ્લી ફિલ્મ હતી. ગીત- સંગીત તો મધુરા હતા જ, પણ રફી સાહેબના ચાર- ચાર સોલો ગીતો હોવા છતાં ક્યાંય કશું કાચું બેશક કપાયું હતું. રફીના ડાય-હાર્ડ ચાહકો પાસે ય એમની પસંદગીના પહેલા ૧૦ ગીતોમાં 'નઇ રોશની'નું એકે ય ન આવે, એમાં વાસુએ રવિને ત્યજી દીધા. આ બાજુ રાહુલદેવ બર્મન નામનું વાવાઝોડું આવ્યું એમાં રવિ- ફવિ બધા ઊડી ગયા ને બર્મને 'વારીસ'માં તદ્દન નવી બ્રાન્ડનું છતાં લોકોને ગમે તેવું સંગીત આપ્યું. 

આ ફિલ્મમાં આદત મુજબ, ગીતકાર રાજીન્દર કિશને ખૂબ અસરકારક ગીતો લખ્યા છે. સંવાદો તો રાજકુમાર અને અશોક કુમાર જેવા મહારથીઓ પાસે બોલાવાના હોય એટલે કાચોપોચો સંવાદલેખક ચાલે નહિ, પણ અહીં રાજીન્દરમાં પડેલો સાહિત્યકાર પણ દેખાયો છે. સંવાદોમાં ચમત્કૃતિ છે. ક્લબોમાં જવાની ફેશનેબલ વાઇફ ઘરમાં ઍર-કન્ડિશન નંખાવાની ફર્માઇશ અશોકકુમારને કરે છે, ત્યારે દાદામોની કહે છે, ''ઍર કન્ડિશન તો ઠીક હૈ ભાગવાન... લેકીન પહેલે અપની કન્ડિશન ભી દેખની ચાહિયે ?'' રાજકુમારને તો તોતિંગ સંવાદો મળવા જ જોઈએ, એ મુજબ એ કહે છે, ''મેરે પૈદા હોને કે કિતની દેર કે બાદ મેરી મા ક્લબ ગઈ થી, જાનતે હો ?'' 

રાજકુમારનો મફલરનો શોખ બેમિસાલ તો ખરો પણ ઘણીવાર આંચકો આપનારો ય લાગતો. ફિલ્મની વાર્તા મુજબ ગરમી... ગરમી ને સખ્ત ગરમીના સંદર્ભો અપાય છે, પણ એ જ વખતે રાજકુમાર ગળે મફલર બાંધીને એની ઑફિસમાં બેઠો હોય છે. જ્હોની લિવરની મિમિક્રીમાં આવતું હતું કે, એક પ્યાલા-બરણીવાળી મુંબઈની એક સોસાયટીમાં બૂમો પાડતી જતી હતી, જ્યાં ફિલ્મસ્ટારો રહેતા હતા. અશોકુકમારે પોતાની જૂની શૉલ કાઢી, જીતેન્દ્રએ એનું કાયમી સફેદ પાટલૂન કાઢ્યું, રાજકુમારે મફલર અને દારાસિંઘે લંગોટ આપીને બે વાસણ લીધા. 

વાર્તા : પ્રોફેસર કુમાર (અશોક કુમાર) હાયર-મિડલ ક્લાસના સજ્જન છે. તેની પત્ની (ભાનુમતિ - સાઉથ) અને બે દીકરીઓ માલા સિન્હા અને તનૂજા સાથે સુખેથી રહે છે. માલા એમની સગી દીકરી નથી. માલા સિન્હા ટિપીકલ ઇન્ડિયન કલ્ચરમાં ઉછરેલી સંસ્કારી છોકરી છે, પણ તનૂજા મોડર્ન જમાનાની સ્ટુપિડ છોકરી છે. ન્યાયમૂર્તિ પહાડી સન્યાલના કુપુત્ર શૈલેષકુમાર સાથે તનૂજા પ્રેમમાં છે. આ છોકરો આવારા અને ઐયાશ છે, તેની ખબર માલાને પડી જાય છે અને તનૂને રોકવા કોશિષ કરે છે, પણ ત્યાં સુધીમાં તો તનૂ પ્રૅગનન્ટ બની ચૂકી હોય છે. અશોકકુમારનો એકનો એક દીકરો જ્યોતિ (રાજકુમાર) ઘર છોડીને અન્યત્ર રહે છે. શરાબી હોવાને કારણે રાત્રે મોડો ઘેર આવે- ન પણ આવે અને પોતાના પરિવાર અને મા-બાપથી વિદ્રોહી છે. મને જન્મ આપીને પિતા પુસ્તકોમાં અને માતા ક્લબોમાં ગૂમ થઈ ગઈ. મને ઘરની નોકરાણીએ ઉછેર્યો, એ ફરિયાદ એની કાયમી છે. દરમ્યાનમાં પ્રકાશ (વિશ્વજીત) નામનો એક યુવાન મોટો વિસ્ફોટ કરે છે અને પ્રો. કુમારે આ પ્રકાશની મા (સુલોચના લટકાર)ને પ્રસૂતા બનાવીને એટલા માટે છોડી દીધી હતી કે સુલોચનાની આંખો જતી રહે છે. એક તરફ પોતાની દીકરી નાજાઇઝ સંતાનની મા બનવા ઉપર આમાદા છે ને બીજી તરફ આ નવો વિસ્ફોટ ! 

અશોકકુમાર એમાંથી બહાર આવે છે કે નહિ, એ જાણવા ફિલ્મ જોવી જરૂરી ! 

ફિલ્મ જોવી ગમે એવી બની હોવાનું સાદું કારણ એના દિગ્દર્શકને વાર્તા કહેતા આવડી છે. ઘટનાઓ એક પછી એક સરળતાથી બનતી જાય છે. બિનજરૂરી મેલોડ્રામા (કરૂણ વાત) નથી આવતો અને જ્યાં થોડો ઘણો આવવા જાય છે, ત્યાં 'જાની'ની એન્ટ્રી પડે, એટલે પ્રેક્ષકોમાં મર્દાનગી આવવા માંડે. માલા સિન્હા સાથે આમ તો જીતુભ'ઇવાળી ફિલ્મ 'મેરે હુઝુર'માં એ રોમેન્ટિક રોલમાં હતો, પણ અહીં માલાનો એ ભાઈ બને છે. કોને પોતાની પાસે આવવા દેવો ને કોને નહિ, એની સખ્તાઈ રાજકુમાર પાસે હતી, શુટિંગ દરમિયાન નવરાશમાં એ કોઈ ઇંગ્લિશ ક્લાસિક વાંચે. સામાન્ય માણસોની માફક સામાન્ય પુસ્તકો ય તેની પાસે જવાની હિંમત નહોતા કરતા. 

માલા સિન્હા મૂળ નેપાળની ક્રિશ્ચિયન હતી, નામ માલા આલ્બર્ટ સિન્હા. ચિદામ્બરપ્રસાદ લોહાણીની એ પત્ની હતી. ફિલ્મ 'દિલ તેરા દિવાના'ના શુટિંગ દરમિયાન ભાઈ શ્રી શમ્મીકપૂર એના રૂપ ઉપર પાગલ થઈને 'આઇ લવ યુ' કહી બેઠા. બીજા જ દિવસે સ્ટુડિયોમાં માલાએ શમ્મીને બધાની વચ્ચે રાખડી બાંધીને યોગ્ય જવાબ પાઈ દીધો હતો. એની દીકરી પ્રતિભા સિન્હા એકાદ બે ફિલ્મોમાં હીરોઇન તરીકે આવી, પણ સ્વ. ગુલશનકુમાર હત્યાકાંડમાં જેનું નામ ચર્ચાયું હતું, તે સંગીતકાર નદીમ (શ્રવણ) સાથે બેનને પ્રેમો થઈ જતા માલા વિફરી હતી અને સીધી બાળાસાહેબ ઠાકરેના શરણમાં પહોંચી જઈ દીકરીને છોડાવવા ઘા નાખી હતી. બીજે જ દિવસે નદીમ આઉટ...! 

એ વાત જુદી છે કે માલા સિન્હા પણ લફરામાંથી છટકી શકી નહોતી. પ્રદીપકુમાર સાથેની એની પ્રેમકથાઓ મશહૂર છે, જેમાં પ્રદીપ પૂરેપૂરો ચાલુ માણસ હતો ને મધુબાલા સાથે ય એનું પ્રણય-કૌભાંડ જોરશોરથી ચાલવા માંડયું ત્યારે માલા ખીજાઈ અને પ્રદીપના ઘરે પહોંચીને એને થપ્પડ મારી દીધી હતી. (આવી થપ્પડ મારવા મધુબાલા આવી નહોતી, કારણ કે એને તો પ્રદીપની સાથે ભારતભૂષણને પણ સંભાળવાનો હતો ! મધુએ જ્યારે જ્યારે લફરા કર્યા છે, ત્યારે પૅરમાં (જોડીમાં) જ કર્યા છે. પ્રદીપ- ભારત ભૂષણના નવ્વા- દસ્સાની જોડીની જેમ પ્રેમનાથ અને દિલીપકુમારને પણ નિરાશ નહોતા કર્યા. માલા સિન્હા માટે જો કે એમ કહી શકાય કે...પછી જે કાંઈ થયું, એણે પ્રદીપ સાથે સમાધાન કરી લીધું હતું. હવે બોલો... કોઈ કહી શકે, ભારતભૂષણ અને પ્રદીપકુમાર નબળા ઍક્ટરો હતા...? 

માલુનું સાચું નામ 'આલ્ડુ'... સોરી 'આલ્ડા' હતું, પણ સ્કૂલમાં બધા એને 'ડાલડા' કહીને ચીઢવતા હોવાથી નામ બદલીને 'માલા' કરી દીધું. 'ડાલડા' નામનું વનસ્પતિ ઘી એ જમાનામાં ઘણું પ્રખ્યાત હતું. 

તનૂજાની ઓળખાણ આજની હીરોઈન કાજોલની મૉમ તરીકે આપવી પડે, એમાં કાંઈ ખોટું નથી, કારણ કે કાજોલ પણ ઘણા ઊંચા ગજાની હીરોઇન... આઇ એમ સૉરી 'ઍક્ટ્રેસ' છે. મોટી બહેન નૂતનની જેમ તનૂજા પણ સ્વિત્ઝર્લેન્ડમાં ભણી છે. તનૂજા ચેઇનસ્મોકર છે, એના જમાઈ બાબુ અજય દેવગણની જેમ ! આ બન્ને બહેનોની સિદ્ધિ એક સારા ઘરના ફિલ્મ રસિકોએ બિરદાવવી પડે કે, આખી જીંદગીઓ આ બન્ને બહેનોએ ફિલ્મનગરીમાં કાઢી નાખી, પણ બેમાંથી એકેય ના ચરિત્ર ઉપર દાગ લાગે, એવું કોઈ કામ કર્યું નથી, કોઈ લફરું નહિ, કોઈ ઝગડા- ફગડા નહિ. એના ગોરધન સ્વ. શોમુ મુકર્જી માની ન શકાય એટલો દારૂ પી પીને મરી ગયો. હું શોમુ અને જોય મુકર્જીના સૌથી નાના ભાઈ શુબિરના ઘરે ગયો, ત્યારે ખબર પડી કે, આગળના જ બંગલામાં શોમૂ રહે છે પણ રહે છે કરતા પડયો રહે છે કહેવું વધારે યોગ્ય હતું. એ સવારથી ઢીંચેલો એના બંધ રૂમમાં પડયો રહે ને માત્ર બોટલ અને જમવાની થાળી પૂરતો એનો દરવાજો અધખુલ્લો રાખે. અંદર આવવાની પરમિશન તો જોય, દેબુ કે શુબિરને પણ નહિ, એકમાત્ર દીકરી કાજોલ પપ્પા પાસે જઈ શકતી ને ખૂબ રડતી... પપ્પા પાસે દારૂ છોડાવવા માટે...! પપ્પાને દારૂ કરતા દુનિયા છોડવી વધુ માફક આવી...! 

વિશ્વજીત કેવો સોહામણો લાગતો ! ચોકલેટ-ફૅસ હતો, પણ હૅન્ડસમ એટલો જ. ચરિત્રનો પણ શુદ્ધ હતો. પણ રામ જાણે હમણાં પાછલી ઉંમરે કયો એરૂ આભડી ગયો કે, એની દીકરીની ઉંમરની કોઈ છોકરી સાથે બીજા લગ્ન કરીને આખા કોલાકાતામાં બદનામ થયો. એનો દીકરો પ્રસન્નજીત બંગાળી ફિલ્મોનો આજે ય સુપરસ્ટાર ગણાય છે. દીકરો બાપને બોલાવતો નથી. આ ફિલ્મનો વિલન શૈલેષ કુમાર એક જમાનામાં ખૂબ જાણીતો હતો, ખાસ કરીને ફિલ્મ 'કાજલ'માં એ મીનાકુમારીનો ભાઈ અને 'ભાભી કી ચૂડિયા'માં એ જ મીનાકુમારીને માતા સ્વરૂપે સ્વ. મૂકેશના કંઠે ગવાયેલું વેદનાસભર ગીત 'તુમ સે હી ઘર ઘર કહેલાયા' શૈલેષકુમારના મુખે ફિલ્મમાં મુકાયું હતું. વાત કમ્માલની છે કે, આ શૈલેષકુમાર પછી ક્યાં ખોવાઈ ગયો, એની કોઈને જાણ નથી. 'ફિર વો ભૂલી સી યાદ આઈ હૈ, અય ગમે દિલ તેરી દુહાઈ હૈ'- ફિલ્મ 'બેગાના'માં રફી સાહેબનું આ બેનમૂન ગીત શૈલેષકુમારને મળ્યું હતું. છેલ્લે છેલ્લે બનતા સુધી '૮૪માં મનોજકુમારની ફિલ્મ 'યાદગાર'માં એ આવ્યો, પછી ક્યાં જતો રહ્યો, તેની જાણકારી નથી. 

દાદામોની જેવો સિદ્ધહસ્ત ઍક્ટર હજી સુધી તો ભારતીય ફિલ્મોમાં નથી જ થયો. મને ગર્વ છે કે, ૬૨ વર્ષ પહેલાં મારું નામ 'અશોક' આ મહાન કલાકારના નામ પરથી પાડવામાં આવ્યું. ગર્વ તો આખાદેશને એક વાતનો થવો જોઈએ કે, અશોકકુમાર અને કિશોરકુમાર નામના ગાંગુલી બ્રધર્સે આ દેશની ફિલ્મોને ટોચનો એક્ટર અને ટોચનો ગાયક આપ્યા. દાદામોનીનો ગુસ્સો, એમની અકળામણ, એમનું વાત્સલ્ય, એમનો રોમાન્સ કે 'જ્વેલથીફ' જેવી ફિલ્મોમાં એમની નકરી બદમાશી યાદ કરો તો ઉત્સવ થઈ જાય, આવા મહાન કલાકારની કોઈ ફિલ્મ જોયાનો. એમાં ય સાથમાં આપણો 'જાની' રાજકુમાર હોય એટલે બરોબરીની ટક્કરના ધોરણે દાદા તો કેવા ખીલે ? યાદ કરો, એ બન્નેની ફિલ્મો... 'ઉંચે લોગ', 'આજ ઔર કલ', 'પાકિઝા' કે આજની આ ફિલ્મ 'નઈ રોશની' હોય. રાજકુમારની તમે જેટલી ફિલ્મો જોઈ હોય, એ બધાનું કોમન ફેક્ટર હજી મગજમાં ઉતરે એવું નથી. મોટા ભાગની ફિલ્મોમાં એને હીરોઇન તો ઠીક, સાઇડ- હીરોઇન સાથે પણ બતાવાયો નથી. રોમાન્સ કે 'રનિંગ અરાઉન્ડ ટ્રીઝ' એને માફક આવે એમ નહિ હોય ! એ પછી બહુ બધાને ખબર ન હોય કે, રાજકુમારનો જન્મ બલુચિસ્તાનના લોરાવલી ખાતે થયો હતો. અસલી નામ તો કુલભૂષણ પંડિત હતું, કારણ કે મૂળ એ કાશ્મિરી બ્રાહ્મણ હતા. ગાયત્રી નામની સ્ત્રી સાથે '૬૦ની સાલમાં લગ્ન કર્યા પછી રાજકુમારને પુરૂ અને પાણિની નામના બે પુત્રો અને 'વાસ્તવિકતા' નામની એક દીકરી છે. ફિલ્મોમાં આવ્યા પહેલા 'જાની' મુંબઈના માહિમ પોલીસ-સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર હતો, પણ પોતાના સિનિયરોને કદી સલામ નહી મારવાની પ્રતિજ્ઞા એને ફિલ્મોમાં ખેંચી લાવી. કોઈ એક ફિલ્મમાં એ પોલીસ સુપ્રિન્ટૅન્ડૅન્ટ બને છે ને વાર્તા મુજબ, એના સીનિયરને સલામ કરવાની હોય છે. દિગ્દર્શક તૌબા પોકારી ગયો કે, 'રાજ સા'બ સલામ મારવાની ના પાડે છે.' 'જાની, હમને કભી અસલી જીંદગી મેં અસલી સીનિયર કો ભી કભી સલામ નહિ મારી...!' આગળનો સંવાદ દિગ્દર્શકે પોતે ધારી લેવાનો ! 'નઇ રોશની'માં આમ રાજકુમારને સંવાદોની કોઈ સીરિઝ મળી નથી, જે 'વક્ત' કે 'હમરાઝ'માં મળી હતી. આજે અનેકને નવાઈ લાગશે કે દેવ આનંદ, દિલીપકુમાર અને રાજકુમાર હંમેશા બંધ ગળાના કપડા જ કેમ પહેરતા હતા ? જવાબ સરળ છે કે, ત્રણેના શરીર ઉપર ઘણા મોટા જથ્થામાં રીંછ જેવી રૂવાટી હતી. આ લોકો તો હાથ પણ કાંડા સુધી ઢાંકેલા રાખતા હતા. ફિલ્મની શરુઆતમાં અશોકકુમાર કૉલેજથી બે ફાઇલો અને બે-ત્રણ નાના પુસ્તકો લઈને ઘેર આવે છે, ત્યારે બન્ને ફાઇલો કલર સાથે બદલાઈ જાય છે.. ડોહા પુસ્તકો રસ્તામાં પાડી આવ્યા હશે !

01/05/2013

ચેહરા ચેહરા ચેહરા ચેહરા ચેહરા ચેહરા ચેહરા ચેહરા

જ્ઞાનીઓ કહે છે કે, પુસ્તકો વાંચવા કરતા ચેહરા વાંચવા વધુ ફળદાયી છે, ભલે ચેહરામાં પ્રૂફની ભૂલો વધારે આવે!

ચેહરો ફાટી જતો નથી, વળી જતો નથી કે વંચાઇ ગયા પછી કબાટના ચોથા પાયા નીચે બૅલેન્સ ગોઠવવા ચેહરો મૂકવો પડતો નથી. અડધું પુસ્તક વંચાયા પછી બે પાનાંની વચ્ચે બૂક-માર્ક મૂકવામાં આવે છે, એમ અડધો ચેહરો વાંચી લીધા પછી બાકીનો કાલે વાંચવો હોય તો એના નાકમાં લટકતું બૂક-માર્ક ભરાવી શકાતું નથી... બા ખીજાય!

ચેહરા વાંચવાની હૉબી હોય તો પણ એની લાયબ્રેરીઓ ના હોય. ખેતીવાડીને લગતું પુસ્તક માંગી શકાય, પણ ત્યાં જઇને એવું ન પૂછાય કે, ''પશુપાલનને લગતો કોઇ સારો ચેહરો બતાવો ને...!''

ચેહરા જ સાલા કમાલની ચીજ છે, ચેહરા જ સાલા છેતરી જાય છે... ચેહરા જ જોવા ગમે એવા હોય છે. એટલે આજે, રોજ જોવા મળતા ચેહરાઓને હું કેટલા સમજી શક્યો છું, એની તમને ઍકઝામ આપીશ. પરિણામ જાહેર કરતી વખતે મુજ ગરીબનો ચેહરો પહેલો યાદ કરજો!

હસતા ચેહરા : ચેહરો હસતો જોવા મળે, એ ક્ષણભરની વાત છે. કાયમી હસતો ચેહરો હોઇ ન શકે. બારે માસ મોંઢા ચઢેલા કે ઉતરેલા થોબડા, 'એક માંગો, હઝાર મિલતે હૈં...' પણ જ્યારે મળીએ ત્યારે સ્માઈલ સાથે મળે, એવા ચેહરા તો રૂપાળી છોકરીઓના ય નથી હોતા! હસતો ચેહરો ગમે તો બધાને, પણ આપણને ગમે, એટલે પેલાને રીકવૅસ્ટ ન કરી શકાય કે, ''અમે અહીં અડધો કલાક ઊભા છીએ. તું જરા હસે રાખ ને!. હસતી વખતે જ તું સારો લાગે છે.'' ઘણાના તો સવારે ઉઠે ત્યારથી ચેહરા હસતા થવા માંડે છે. કારણ પણ કાંઇ ન હોય, બ્રશ કરતી વખતે હસવાનું ચાલુ કરે, તે કરી લીધા પછી ય બ્રશ કરતો હોય, એવું હસતું મોંઢું રાખે. પછી નવાઇઓ આપણને લાગે કે, આની પાસે એની સાસુના એવા તે કયા સમાચાર આવ્યા હશે કે, મોંઢું હસતું બંધ થતું નથી? આપણે ય એના ખભે હાથ મૂકીએ કે, ''ચાલો, જે થવાનું હતું તે થઇ ગયું... તારા સાસુમાં ગયા... પરમેશ્વર અમારી સામે ય જુએ...!'' આવાઓને કોઇના બેસણામાં ય ન લઇ જવાય.

આ પ્રકારના જાતકોના જડબામાં ચાઇલ્ડહૂડ પ્રોબ્લેમ હોય છે. એ પહેલી વાર હસ્યા. ત્યારથી જડબાં આવા પહોળા રહી ગયા હોવાની શક્યતા વિજ્ઞાન નકારતું નથી. આવા એક જાતકને મેં પૂછ્યું, ''તમે લેવા-દેવા વગરના હસે કેમ રાખો છો?'' તો હસતા મોંઢે કહે, ''તમારા પૅન્ટની ઝીપર ખુલ્લી છે, એટલે...!''

ઘણાના તો હસે ત્યારે પૈસા પડી જાય છે. એ લોકો સ્થિર રહે ત્યાં સુધી જ સારા. અમારા ઝવેરીલાલ મેહતાએ લશ્કરના એક અજાણ્યા કર્નલને ઊભા રાખીને એના ફોટા પાડવા માંડયા. પેલાની મૂછોના, હાઇટ-બૉડીના અને પર્સનાલિટીના ધૂમધામ વખાણ કર્યા. ફોટો પાડવાનો આવ્યો, ત્યારે પેલાએ મૂછો ઉપર તાવ દઇને સ્માઇલ આપવા માંડયું, ''નહિ... હંસો મત..! આપકો હંસના નહિ હૈ... ચેહરા કડક રખ્ખો... હંસના હવાલદારોં કા કામ હૈ, આપકા નહિ!''

આ નિરીક્ષણે ય સાચું છે. કેટલાક ગંભીર રહે ત્યાં સુધી જ જોવા ગમે... (સાબિતી : એકે ય હાસ્યલેખક હસતો જોવા નહિ મળે...! પોતે હસવા જાય, તો વાચકો તરત પકડી પાડે... આને વાંચવા કરતા જોવાથી વધારે હસી પડાય એવું છે! સાબિતી પૂરી)

કદરૂપા ચેહરા : અનુભવ મારો છે, શૅરિંગ તમારૂં છે. હું જેટલા કદરૂપા ચેહરાઓને ઓળખું છું, એ તમામ હલકટો સાબિત થયા છે. ભગવાને એમને રૂપ નથી આપ્યું, એની ટીકા ન થઇ શકે, પણ એનો બદલો એ હલકટાઇ પર ઉતરી આવીને લે છે. કહે છે ને કે, ''ખોડની જોડ નહિ''. ''ચેહરો આત્માનું પ્રતિબિંબ છે'', એવું કોઇએ ચાંપલાશપટ્ટીમાં લખ્યું હતું, પણ સાલું સાબિત પણ સાચું થયું છે. ફૂલગુલાબી ચેહરો ઉત્તમ વિચારોથી જ ઉદભવી શકે, એવું હું નથી માનતો પણ એવું બેશક માનું છું કે, કદરૂપા ચેહરામાં ફૂલગુલાબી વિચારો આવતા નથી. એક પણ અપવાદ બાદ કરતા તમામ કદરૂપાઓ ભારોભાર ઈર્ષાળુ જોયા છે.

અંગત રીતે, મારા માટે જગતનો કોઇ ચેહરો કદરૂપો નથી સિવાય, માથામાં ખચાખચ તેલ નાંખેલો! એ તો હું ડિમ્પલ કાપડીયાનો ય ન જોઇ શકું.

મનમોહન ચેહરા : આ પ્રકારના ચેહરાઓમાં અન્ય કોઇ ખુલાસાની જરૂર જ નથી. મરી જાઓ તો ય કોઇ હાવભાવ ન આવે. જન્મ વખતે ચેહરા પર જે માલ મૂકાયો હોય, એ આજ સુધી બદલાયો નથી. ઉપરથી જ ડીઝાઇન આવી હોય છે. નામ 'મનમોહન' પણ આપણા મનને કે તનને મોહી લે, એવો એકે ય વળાંક ચેહરામાં ઉમેરાતો નથી. આવા ચેહરાને અવાજ સાથે સીધો સંબંધ હોવાથી એ ય નીકળતો નથી. અલબત્ત, કહેવાય છે કે, આવા ચેહરાઓ બેસણાંમાં વાપરવાના બહુ કામમાં આવે છે, તમે રડો કે મરો, મનમોહન ચેહરાઓમાં લાઈફટાઈમની વૉરન્ટી હોય. હોઠ પણ જમવા ટાણે ખુલે. ઊંઝા બાજુના કેટલાક ફૅસ-વૈજ્ઞાનિકો આવા જાતકોને ભારત ભૂષણ કે પ્રદીપ કુમારો સાથે સરખાવે છે, જે આ બન્ને મહાન કલાકારોને અન્યાય કરવા બરોબર છે. અરે, ભા.ભૂ. (એટલે કે, ભારત ભૂષણ - માહિતી પૂરી) કે પ્રદીપ કુમાર તો સંવાદ બોલવાના આવે ત્યારે તો હોઠ હલાવતા હતા! 'મનુભ'ઇ' તો હોઠને બદલે બંડીમાંથી હસે છે... બંડીમાં હાથ રાખીને, બોલો!

સદનસીબે, કેટલીક બદનસીબ મહિલાઓને આવા મનમોહન ચેહરા લાઈફ-ટાઈમ માટે ઘરમાં વાપરી નાંખવા માટે મળ્યા હોય છે. બહેન એકદમ ઉત્સાહી, તરવરાટવાળા અને હોંશીલા હોય ને ભ'ઇ...? પરણ્યા ત્યારથી હોઠ હલાયા જ ન હોય. સાલો વાઇબ્રેટર મૉડમાં ય હાલે નહિ! ઘરમાં આનંદ પામવા જેવી ઘટનાઓ બનતી હોય, આના મનમોહન ચેહરા ઉપર દીવો હળગાવો તો ય કોઇ ફેરફાર ન થાય! આવા જાતકોની વાઈફોઝના ખભા થાબડીને ધન્યવાદ આપવા પડે, આવો ગોરધન ચલાવી લેવા બદલ! જો કે, એની વાઈફના ખભાને અડવા જઇએ... થાબડવા માટે... ત્યારે સાલો જરૂર વગરનો વાઈબ્રેટ થાય...! એ ય પાછો આપણી ઉપર હસતો હસતો ગુસ્સે થાય તો ચલાવી લઇએ પણ, એ સમયે પણ એનો ચેહરો લાલઘુમ હોય!... આ જમાનામાં કોઇના ઉપર વિશ્વાસ જ મૂકાય એવો નથી. સુઉં કિયો છો?

સ્ત્રીનો ચેહરો : કોઇ બે-ચાર અપવાદોને બાદ કરતા, મેં તમામ સ્ત્રીઓના ચેહરા છેતરામણા જોયા છે. ખિસ્સાકાતરૂની માફક સ્ત્રીઓના ચેહરા વિશ્વાસકાતરૂ હોય છે. ઈશ્વરે પાર્શિયાલિટી કરીને એમને આંસુઓનો ગંજાવર સ્ટૉક આપી રાખ્યો છે. ચેહરા જ છેતરી જાય છે. કોઇનો ખભો જોઇને કહી શકાતું નથી કે, આ સ્ત્રી બદમાશ છે. પગના ઢીંચણ જોઇને છેતરાઇ જવાતું નથી કે, આ ઢીંચણો એક દિવસ દગો કરશે... ચેહરો આપણને મામુ બનાવી જાય છે...! ચેહરાની સુંદરતાથી ઈમ્પ્રેસ થઇને પુરૂષ બધો વિશ્વાસ મૂકી દે છે, પણ પેલીને એનું કામ પતી ગયું, પછી એ જ સુંદર ચેહરા માટે ત્રણ જ શબ્દો કાફી છે... 'એક થી ડાયન'

સિક્સર

'બધિર' નામના વાચકનો પ્રતિભાવ : તે દિવસે 'ઍનકાઉન્ટર' અડધું જ છપાયું, એમાં દરજીએ એક બાંયવાળો લેંઘો સિવી નાંખ્યો હોય એવું લાગ્યુ.