શરીરના કયા અંગથી સ્ત્રી
બેનમૂન લાગે છે, એ પ્રશ્ન સદીઓથી પુરૂષો પાસે જવાબ વિનાનો પડી રહ્યો છે. પુરૂષ પહેલી
નજરે સ્ત્રીને જુએ, ત્યારે પહેલું કયું અંગ મન ભરીને જોઇ લે છે, એ સોચ પુરૂષે-પુરૂષે અલગ
હોય છે. ખૂબ બુધ્ધિશાળી સ્ત્રી કરતા ખૂબ સુંદર સ્ત્રીનું સાનિધ્ય પુરૂષોને ગમે છે, પણ પેલીનું કયું અંગ મોહિત
કરી ગયું, એ દરેક પુરૂષની અલગ સમજ અને જરૂરત છે. સ્ત્રીની આંખો, હોઠ, ફિગર, અવાજ, સ્કીન, પેલું બધું
ઢંકાયેલું-ઢંકાયેલું અને વાળ.... આ બધામાંથી બધું જ સારૂં હોય તે સ્ત્રી હરકોઇને
પસંદ પડે પણ જરૂરી નથી કે, સ્ત્રીને ગમાડવા માટે એનું બધું જ ગમાડવું જરૂરી હોય! મારા એક
દોસ્તને ઢીચકી સ્ત્રીઓ ગમતી નહોતી. પૂછ્યું કેમ, તો કહે, ''શૉપિંગ-મૉલમાં ખોવાઇ જાય તો
પાછી હાથમાં નથી આવતી! જરા ય છુટ્ટી ન મૂકાય!'' તો બાજુમાં ઊભેલાએ વિરોધ
કર્યો, ''મને તો સાડા ચાર ફૂટવાળી જ ગમે... ઘરમાં ય તેડી તેડીને ફરાય...!''
પસંદ અપની અપની છે, પણ મારે મન સ્ત્રીની
સુંદરતા એના વાળમાં છે. જરૂરી નથી કે, લાંબા હોય કે ટુંકા હોય. જે સ્ત્રીને પોતાના વાળ ગમે છે, એ સ્ત્રીના વાળ આપણને જોવા
ગમે એવા હોય. પણ માથામાં ખચાખચ તેલ નાંખેલી સ્ત્રી કદી સુંદર હોઇ ન શકે, એવું મનમાં ઠસી ગયું છે.
તેલ નાંખવાથી વાળને પોષણ મળે છે, એવું જગતના કોઇ સાયન્સમાં કીધું નથી, પણ બેવકૂફો તેલીયા રાજાઓની
જાહેર ખબરોમાં આવી જાય છે. ભારત સિવાય કયા દેશની સ્ત્રીઓ આવા તેલોથી નહાતી જોઇ? કોના વાળ ખરાબ થઇ ગયા? સાલું, આપણી આવી સ્ત્રીઓને પોતાને
પોતાનું ચીકણું માથું જોવું પડતું નથી... આપણને પરાણે જોવું પડે છે...!
વાળ સ્ત્રીઓનો સૌથી ઊંચા
શિખરે બિરાજતો તાજ છે. 'મત કહો કે સર પે ટોપી હૈ, કહો સર પે હમારે તાજ હૈ.... હોઓઓઓ!' વાળ કોઇ બેશર્મ ચીજ નથી કે
ઢાંકી ઢાંકીને રાખવા પડે. એમની ઊંચાઇઓ સુધી શરીરનું કોઇ અંગ પહોંચી શક્યું નથી.
મકાનની એક જ ટૅરેસ ઉપર એક સાથે આટલા બધાને ક્યારે તમે સંપીને રહેતા જોયા? માથે ટાલ પડી હોય એવા
જાતકોએ ટૅરેસ પર પૉલિશવાળું ફ્લૉરિંગ કરાવ્યું હોય, એવી ટૅરેસ પણ લાગે છે કેવી
સુંદર? હાથ ફેરવવાનું મન થાય એવી લિસ્સી લિસ્સી! પરમેશ્વર પણ સુંદર
સ્ત્રીઓનો ચાહક હશે, એટલે જ પુરૂષો જેવી ટાલ સ્ત્રીઓને નથી આપી.
વાળનો વિરહ સહન નથી થતો.
નવા ઊગાડવા માટે અનેક ઉપાયો, છળકપટ કે વલખાં મારવા પડે છે. એવો લૉસ શરીરના અન્ય કોઇ અંગને
ગૂમાવવાથી નથી થતો. આંસુઓ પણ વાળની જેમ દગો થઇને આંખોનો સાથ છોડી દે છે, ત્યારે એ આંસુઓ રીવર્સમાં
લેવડાવીને પાછા આંખોમાં ભરાઇ દેવાની તમન્ના કોઇને થતી નથી. પરસેવો કોઇ પાછું લેતું
નથી. વહી ગયો એ મહીં ગયો! સ્ત્રીઓ ફૅશનમાં નખ વધારે છે, પણ છીઇઇઇ... એવીઓની
ડિશમાંથી તો સૅન્ડવિચનું બાઇટ પણ ન લેવાય!
વાળને નામનો મોહ નથી. યૂ
સી... મૂછો અને દાઢી પણ વાળના બનેલાછે, છતાં એ બન્નેનું ચોક્કસ નામ છે, ઈ-મેઇલ આઈડી છે... મૂછ.કૉમ
અને દાઢી.કૉમ! પણ માથાના વાળની ઓળખાણ આપવા કોઇ વિઝિટિંગ-કાર્ડ જ નથી. આંગળી
અડાડીને ''આ મારી મૂછો છે'' કે ''આ મારી દાઢી છે?'' એવા ચોક્કસ સરનામાં છે, જ્યારે વાળને એવી કોઇ દુન્યવી ઓળખાણની જરૂર નથી.
વાળની સુંદરતામાં બીજા બધા
અંગોએ જૅલસ થવું પડે. હોઠ ગમે તેટલા ગુલાબી-ગુલાબી હોય, પરમેશ્વરે એમને વધુ ઊંચા
આસને બેસાડવા કપાળ ઉપર ચોટાડી આપ્યા નથી. હળવાશથી ખેંચીને હાથમાં લઇને પંપાળવું
ખૂબ ગમે એવું નાક ગમે તેવું રૂપકડું હોય, એને કદી ઊંચો હોદ્દો મળ્યો નથી. નહિ તો નાક છીંકવા માટે હાથ ઊંચો
કરીને માથા ઉપર વચ્ચે લઇ જવો પડે. કારણ કદાચ ઇર્ષાનું હશે, પણ અમારી પાસે પણ ખજાનો છે, એવો ફાંકો મારવા નાકે પણ
પોતાના ભોંયરામાં થોડા ઘણા વાળ છુપાવી રાખ્યા છે. માણસ ગમ્મે તેટલો ઘરડો થાય, પણ નાકના વાળને ડાઇ કરી
શકાતી નથી. આંખો બે આપી છે, પણ એ સુંદરતામાં સર્વોચ્ચ સ્થાને નથી. એ એટલી જ રૂપાળી હોત તો કેમ એક
અત્યારે છે ત્યાં ને બીજી માથાની બરોબ્બર પાછળ જોનારી ન આપી? આપી હોત તો સ્ત્રીઓ અત્યારે
ગાડી રીવર્સમાં લેવામાં જેટલા લોચા મારે છે, એ ન મારતી હોત! સ્ત્રીને
વધુ લોભામણી બનાવતા અન્ય અંગો પણ છે ત્યાં જ સારા અને હાથવગાં લાગે છે... એ લોકોની
ઉપયોગીતા કે શ્રૂંગારશક્તિ ગમે તેટલી હોય, એ બધી વસ્તુઓ કદી સર્વોચ્ચ
સ્થાને એટલે કે કપાળની ઉપર શોભે નહિ... સુઉં કિયો છો?
સંસ્કૃત સાહિત્યની અમર
રચનાઓમાં તાજી તાજી નાહીને આવેલી સુંદર સ્ત્રીને 'સદ્યસ્નાતા' કહે છે. વેલણથી વાળ ઝાટકતી
સ્ત્રી માટે તો ઘણું લખાયું છે. અલબત્ત, વાત સુંદર સ્ત્રીની થાય છે. માથે ઝાંખરા ઊગ્યા હોય એવા કાળા, સફેદ, ભૂખરા, સીલેટીયા, કેસરી અને લાલમલાલ રંગનો
માથે ખીચડો લઇને ફરતી ને નહાવા છતાં જોવી ય ન ગમે એવી સ્ત્રીને 'સદ્યસ્નાતા' નહિ, 'સદ્યસ્નાતા' કહેવાય... પીધેલી લાગે!
સુંઉ કિયો છો?
'સદ્યસ્નાતા' સ્ત્રીના વાળ પર પડું-પડું કરતા પાણીના ટીપાંની સરખામણી
સંસ્કૃત-વિદ્વાનોએ હીરા-મોતી સાથે કરીને હીરાના ભાવો ઘટાડી નાંખ્યા છે. જ્વૅલર્સની
શૉપમાં હીરા, મોતી, નીલમ પડયા હોય, એ જોઇને કોઇ ભાવતાલ કરે છે, ''આ ગોદાવરીબેનના માથે પડેલા ટીપાંનો શું ભાવ છે?'' ઓહ, ઉફ, આહ, ઈઇઇ.... કેમ જાણે હમણાં જ
ગોદુ નહાઇને બહાર નીકળી હોય ને એમના ઝટકતા કેશ પર શોભતા પાણીનાં આ બિંદુઓ જેવા આ
મનોહર ડાયમન્ડ્સનો મારે તો નૅકલેસ બનાવવો છે...!
એ તો લગ્ન તાજાં તાજાં થયા
હોય ને પેલી નહાઇને બાથરૂમની બહાર ભીની ભીની થઇને આવીને કેશ એના ગોરધનના ચેહરા ઉપર
છમ્મ કરતી ઝટકતી હોય, એ દ્રશ્ય શ્રૂંગાર-રસનું બને. લગ્નના દસ-બાર વરસ પછી એ જ ભીનેવાન ને
ભારેખમ ગોદાવરી ઉર્ફે ગોદુ એના ભીનાં વાળ ઝટકે, એમાં તો ગ્રાઉન્ડ-ફલૉરમાંથી
બૂમો આવે, ''એ... આ હવાર હવારમાં કોના બાથરૂમનો ફ્લશ ખુલ્લો રહી ગયો છેએએએએ..?''
આજકાલ સ્ત્રીઓને નવા ઝનૂનો
ઉપડયા છે- વાળ સીધા કરાવવાના. વાંકડીયા વાળ (curly) હોય, એમને પુરૂષ સમજીને 'સીધા કરી નાંખવાના' ઝનૂનો ઘણી બહેનોને ઉપડવા
માંડયા છે. તો બીજી તરફ, જે બહેનોના વાળ સર પરનો તાજ નહિ, પણ ગાંધીટોપી જેવા લાગતા
હોય, એ બહેનો
દેખાવમાં મહાત્મા ગાંધી જેવી ન લાગે, એ માટે વાળને સીધા (straighten) કરાવવા માંડી છે. છત્રીના સળીયા માથામાં ખોસ્યા હોય, એવા સીધા થઇ ગયેલા વાળને
કારણે એ મહિલાઓ વધુ સુંદર લાગવા માંડી છે. છત્રી ફાટી ગઇ હોય ને એના સળીયાનો કેવો
બુધ્ધિપૂર્વકનો ઉપયોગ કર્યો છે, એવી છાપ પડે. વાળ સીધા કરાવવાનો ખર્ચો ચૂકવ્યા પછી આવી સ્ત્રીઓના
ગોરધનો વગર સળીયે સીધા થઇ જાય છે... સૉરી, ઉતરી જાય છે. એક વખત વાળ
સીધા કરાવવાનો ખર્ચો કેટલો આવે છે, જાણો છો? દસ હજાર તો પહેલી ધારના, એ પછી એનું જુદું શૅમ્પૂ મોંઘા ભાવનું આવે, કન્ડિશનર અને સીરમના મહિને
બે હજારનો ખર્ચો જુદો. ગૅરન્ટી તો એક વર્ષ સુધી વાળ આવા જ સીધા રહેશે-ની આપવામાં
આવે છે, પણ બધીઓ બોલવા માંડી છે કે, ચાર-પાંચ મહિને ફરીથી કરાવવા જ પડે છે. એક પણ અપવાદ વગર આવી તમામ
સ્ત્રીઓના વાળ ગૅરન્ટીથી બરછટ થઇ જાય છે. વાળ સીધા કરાવવાની લ્હાયોમાં છોકરીઓ માથે
બોડી થવાનો ય કૉર્સ કરી લે છે.
સ્ત્રીઓ સુંદર હોય, એ પુરૂષ માટે સારૂં છે ને
બુધ્ધિમાન હોય, એ એમને પોતાને માટે સારૂં છે. નૉર્મલી, સૌંદર્ય અને બુધ્ધિ એકસાથે
ટ્રાવેલ કરી શકતી નથી, નહિ તો રોજ માથે શૅમ્પૂ નાંખનારી બેવકૂફ સ્ત્રીઓ એક વખત ઈન્ટરનેટ પર
શૅમ્પા-ફૅંમ્પા વિશે વાંચી જુએ તો ખબર પડે કે, જમીન પર જડેલા ટાઈલ્સ ધોવા
માટે વપરાતા ઍસિડ જેવા કૅમિકલ્સ શૅમ્પૂમાં વપરાય છે. પાણી નૅચરલ કન્ડિશનર છે, જેવો ઢાળ જોઇતો હોય, એ વાળ ભીના રાખીને સૂકવવા
દેવાથી આવી જાય, પણ પાણી ઉપર ફોરીયલ કે ઢોળીયલ જેવા બ્રાન્ડ નામો લખ્યા હોતા નથી, એટલે એ નક્કામું.
....અને જેની બૉચી ઉપર ટોટલ નંગ ૧૮ વાંકડીયા વાળ રહ્યા છે, તે ટાલીયો મેહતા સાહેબ પણ
વાળ સીધા કરાવવા ઉપડેલા... આજે ખાલી બોચી જ બચી છે!
સિક્સર
અજીતસિંહે પૂછી જોયું, ''લગ્ન અને શુભપ્રસંગે હૉલ
ભાડે મળશે,'' એટલે શું?
No comments:
Post a Comment