Search This Blog

01/05/2013

ચેહરા ચેહરા ચેહરા ચેહરા ચેહરા ચેહરા ચેહરા ચેહરા

જ્ઞાનીઓ કહે છે કે, પુસ્તકો વાંચવા કરતા ચેહરા વાંચવા વધુ ફળદાયી છે, ભલે ચેહરામાં પ્રૂફની ભૂલો વધારે આવે!

ચેહરો ફાટી જતો નથી, વળી જતો નથી કે વંચાઇ ગયા પછી કબાટના ચોથા પાયા નીચે બૅલેન્સ ગોઠવવા ચેહરો મૂકવો પડતો નથી. અડધું પુસ્તક વંચાયા પછી બે પાનાંની વચ્ચે બૂક-માર્ક મૂકવામાં આવે છે, એમ અડધો ચેહરો વાંચી લીધા પછી બાકીનો કાલે વાંચવો હોય તો એના નાકમાં લટકતું બૂક-માર્ક ભરાવી શકાતું નથી... બા ખીજાય!

ચેહરા વાંચવાની હૉબી હોય તો પણ એની લાયબ્રેરીઓ ના હોય. ખેતીવાડીને લગતું પુસ્તક માંગી શકાય, પણ ત્યાં જઇને એવું ન પૂછાય કે, ''પશુપાલનને લગતો કોઇ સારો ચેહરો બતાવો ને...!''

ચેહરા જ સાલા કમાલની ચીજ છે, ચેહરા જ સાલા છેતરી જાય છે... ચેહરા જ જોવા ગમે એવા હોય છે. એટલે આજે, રોજ જોવા મળતા ચેહરાઓને હું કેટલા સમજી શક્યો છું, એની તમને ઍકઝામ આપીશ. પરિણામ જાહેર કરતી વખતે મુજ ગરીબનો ચેહરો પહેલો યાદ કરજો!

હસતા ચેહરા : ચેહરો હસતો જોવા મળે, એ ક્ષણભરની વાત છે. કાયમી હસતો ચેહરો હોઇ ન શકે. બારે માસ મોંઢા ચઢેલા કે ઉતરેલા થોબડા, 'એક માંગો, હઝાર મિલતે હૈં...' પણ જ્યારે મળીએ ત્યારે સ્માઈલ સાથે મળે, એવા ચેહરા તો રૂપાળી છોકરીઓના ય નથી હોતા! હસતો ચેહરો ગમે તો બધાને, પણ આપણને ગમે, એટલે પેલાને રીકવૅસ્ટ ન કરી શકાય કે, ''અમે અહીં અડધો કલાક ઊભા છીએ. તું જરા હસે રાખ ને!. હસતી વખતે જ તું સારો લાગે છે.'' ઘણાના તો સવારે ઉઠે ત્યારથી ચેહરા હસતા થવા માંડે છે. કારણ પણ કાંઇ ન હોય, બ્રશ કરતી વખતે હસવાનું ચાલુ કરે, તે કરી લીધા પછી ય બ્રશ કરતો હોય, એવું હસતું મોંઢું રાખે. પછી નવાઇઓ આપણને લાગે કે, આની પાસે એની સાસુના એવા તે કયા સમાચાર આવ્યા હશે કે, મોંઢું હસતું બંધ થતું નથી? આપણે ય એના ખભે હાથ મૂકીએ કે, ''ચાલો, જે થવાનું હતું તે થઇ ગયું... તારા સાસુમાં ગયા... પરમેશ્વર અમારી સામે ય જુએ...!'' આવાઓને કોઇના બેસણામાં ય ન લઇ જવાય.

આ પ્રકારના જાતકોના જડબામાં ચાઇલ્ડહૂડ પ્રોબ્લેમ હોય છે. એ પહેલી વાર હસ્યા. ત્યારથી જડબાં આવા પહોળા રહી ગયા હોવાની શક્યતા વિજ્ઞાન નકારતું નથી. આવા એક જાતકને મેં પૂછ્યું, ''તમે લેવા-દેવા વગરના હસે કેમ રાખો છો?'' તો હસતા મોંઢે કહે, ''તમારા પૅન્ટની ઝીપર ખુલ્લી છે, એટલે...!''

ઘણાના તો હસે ત્યારે પૈસા પડી જાય છે. એ લોકો સ્થિર રહે ત્યાં સુધી જ સારા. અમારા ઝવેરીલાલ મેહતાએ લશ્કરના એક અજાણ્યા કર્નલને ઊભા રાખીને એના ફોટા પાડવા માંડયા. પેલાની મૂછોના, હાઇટ-બૉડીના અને પર્સનાલિટીના ધૂમધામ વખાણ કર્યા. ફોટો પાડવાનો આવ્યો, ત્યારે પેલાએ મૂછો ઉપર તાવ દઇને સ્માઇલ આપવા માંડયું, ''નહિ... હંસો મત..! આપકો હંસના નહિ હૈ... ચેહરા કડક રખ્ખો... હંસના હવાલદારોં કા કામ હૈ, આપકા નહિ!''

આ નિરીક્ષણે ય સાચું છે. કેટલાક ગંભીર રહે ત્યાં સુધી જ જોવા ગમે... (સાબિતી : એકે ય હાસ્યલેખક હસતો જોવા નહિ મળે...! પોતે હસવા જાય, તો વાચકો તરત પકડી પાડે... આને વાંચવા કરતા જોવાથી વધારે હસી પડાય એવું છે! સાબિતી પૂરી)

કદરૂપા ચેહરા : અનુભવ મારો છે, શૅરિંગ તમારૂં છે. હું જેટલા કદરૂપા ચેહરાઓને ઓળખું છું, એ તમામ હલકટો સાબિત થયા છે. ભગવાને એમને રૂપ નથી આપ્યું, એની ટીકા ન થઇ શકે, પણ એનો બદલો એ હલકટાઇ પર ઉતરી આવીને લે છે. કહે છે ને કે, ''ખોડની જોડ નહિ''. ''ચેહરો આત્માનું પ્રતિબિંબ છે'', એવું કોઇએ ચાંપલાશપટ્ટીમાં લખ્યું હતું, પણ સાલું સાબિત પણ સાચું થયું છે. ફૂલગુલાબી ચેહરો ઉત્તમ વિચારોથી જ ઉદભવી શકે, એવું હું નથી માનતો પણ એવું બેશક માનું છું કે, કદરૂપા ચેહરામાં ફૂલગુલાબી વિચારો આવતા નથી. એક પણ અપવાદ બાદ કરતા તમામ કદરૂપાઓ ભારોભાર ઈર્ષાળુ જોયા છે.

અંગત રીતે, મારા માટે જગતનો કોઇ ચેહરો કદરૂપો નથી સિવાય, માથામાં ખચાખચ તેલ નાંખેલો! એ તો હું ડિમ્પલ કાપડીયાનો ય ન જોઇ શકું.

મનમોહન ચેહરા : આ પ્રકારના ચેહરાઓમાં અન્ય કોઇ ખુલાસાની જરૂર જ નથી. મરી જાઓ તો ય કોઇ હાવભાવ ન આવે. જન્મ વખતે ચેહરા પર જે માલ મૂકાયો હોય, એ આજ સુધી બદલાયો નથી. ઉપરથી જ ડીઝાઇન આવી હોય છે. નામ 'મનમોહન' પણ આપણા મનને કે તનને મોહી લે, એવો એકે ય વળાંક ચેહરામાં ઉમેરાતો નથી. આવા ચેહરાને અવાજ સાથે સીધો સંબંધ હોવાથી એ ય નીકળતો નથી. અલબત્ત, કહેવાય છે કે, આવા ચેહરાઓ બેસણાંમાં વાપરવાના બહુ કામમાં આવે છે, તમે રડો કે મરો, મનમોહન ચેહરાઓમાં લાઈફટાઈમની વૉરન્ટી હોય. હોઠ પણ જમવા ટાણે ખુલે. ઊંઝા બાજુના કેટલાક ફૅસ-વૈજ્ઞાનિકો આવા જાતકોને ભારત ભૂષણ કે પ્રદીપ કુમારો સાથે સરખાવે છે, જે આ બન્ને મહાન કલાકારોને અન્યાય કરવા બરોબર છે. અરે, ભા.ભૂ. (એટલે કે, ભારત ભૂષણ - માહિતી પૂરી) કે પ્રદીપ કુમાર તો સંવાદ બોલવાના આવે ત્યારે તો હોઠ હલાવતા હતા! 'મનુભ'ઇ' તો હોઠને બદલે બંડીમાંથી હસે છે... બંડીમાં હાથ રાખીને, બોલો!

સદનસીબે, કેટલીક બદનસીબ મહિલાઓને આવા મનમોહન ચેહરા લાઈફ-ટાઈમ માટે ઘરમાં વાપરી નાંખવા માટે મળ્યા હોય છે. બહેન એકદમ ઉત્સાહી, તરવરાટવાળા અને હોંશીલા હોય ને ભ'ઇ...? પરણ્યા ત્યારથી હોઠ હલાયા જ ન હોય. સાલો વાઇબ્રેટર મૉડમાં ય હાલે નહિ! ઘરમાં આનંદ પામવા જેવી ઘટનાઓ બનતી હોય, આના મનમોહન ચેહરા ઉપર દીવો હળગાવો તો ય કોઇ ફેરફાર ન થાય! આવા જાતકોની વાઈફોઝના ખભા થાબડીને ધન્યવાદ આપવા પડે, આવો ગોરધન ચલાવી લેવા બદલ! જો કે, એની વાઈફના ખભાને અડવા જઇએ... થાબડવા માટે... ત્યારે સાલો જરૂર વગરનો વાઈબ્રેટ થાય...! એ ય પાછો આપણી ઉપર હસતો હસતો ગુસ્સે થાય તો ચલાવી લઇએ પણ, એ સમયે પણ એનો ચેહરો લાલઘુમ હોય!... આ જમાનામાં કોઇના ઉપર વિશ્વાસ જ મૂકાય એવો નથી. સુઉં કિયો છો?

સ્ત્રીનો ચેહરો : કોઇ બે-ચાર અપવાદોને બાદ કરતા, મેં તમામ સ્ત્રીઓના ચેહરા છેતરામણા જોયા છે. ખિસ્સાકાતરૂની માફક સ્ત્રીઓના ચેહરા વિશ્વાસકાતરૂ હોય છે. ઈશ્વરે પાર્શિયાલિટી કરીને એમને આંસુઓનો ગંજાવર સ્ટૉક આપી રાખ્યો છે. ચેહરા જ છેતરી જાય છે. કોઇનો ખભો જોઇને કહી શકાતું નથી કે, આ સ્ત્રી બદમાશ છે. પગના ઢીંચણ જોઇને છેતરાઇ જવાતું નથી કે, આ ઢીંચણો એક દિવસ દગો કરશે... ચેહરો આપણને મામુ બનાવી જાય છે...! ચેહરાની સુંદરતાથી ઈમ્પ્રેસ થઇને પુરૂષ બધો વિશ્વાસ મૂકી દે છે, પણ પેલીને એનું કામ પતી ગયું, પછી એ જ સુંદર ચેહરા માટે ત્રણ જ શબ્દો કાફી છે... 'એક થી ડાયન'

સિક્સર

'બધિર' નામના વાચકનો પ્રતિભાવ : તે દિવસે 'ઍનકાઉન્ટર' અડધું જ છપાયું, એમાં દરજીએ એક બાંયવાળો લેંઘો સિવી નાંખ્યો હોય એવું લાગ્યુ.

No comments: