Search This Blog

17/05/2013

આઝાદ ('૫૫)

રાધા ના બોલે, ના બોલે ના બોલે રે....

ફિલ્મ : આઝાદ ('૫૫)
નિર્માતા : પક્ષીરાજ સ્ટુડિયો, મદ્રાસ
દિગ્દર્શક : SMS નાયડૂ
સંગીત : સી.રામચંદ્ર
ગીતો : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : ખબર નથી.
કલાકારો : દિલીપ કુમાર, મીના કુમારી, પ્રાણ, ઓમપ્રકાશ, એસ.નઝીર, બદ્રીપ્રસાદ, રાજ મેહરા, રણધીર, અચલા સચદેવ, મુરાદ, સઇ, સુબ્બુલક્ષ્મી અને શમ્મી
***
ગીતો
૧.કિતની જવાં હૈ રાત કોઇ યાદ આ ગયા ...લતા મંગેશકર
૨.જા રી જા રી ઓ કારી બદરીયા... લતા મંગેશકર
૩.કિતના હંસી હૈ મૌસમ, કિતના હંસી સફર હૈ... લતા-ચિતલકર
૪.દેખોજી બહાર આઇ, બાગોં મેં ખીલી કલીયાં.. લતા મંગેશકર
૫.રાધા ના બોલે ના બોલે ના બોલે રે.... લતા મંગેશકર
૬.અપલમ ચપલમ, ચપલાઇ રે... લતા-ઉષા મંગેશકર
૭.મરના ભી મુહબ્બત મેં કિસી કામ ન આયા... રઘુનાથ યાદવ-સાથી
૮.ઓ બલીયે, ઓ બલીયે, ચલ ચલીયે... લતા-ઉષા મંગેશકર
૯.કભી ખામોશ રહેતે હૈં, કભી આહ ભરતે હૈં.... લતા મંગેશકર
***

કંટાળી ગયો હતો દિલીપ કુમાર, એકની એક રોદણાં-રોદણીવાળી ફિલ્મો કરી કરીને ! વાર્તા અને ફિલ્મ બદલાય, પણ એ તો દરેક ફિલ્મમાં નિષ્ફળ પ્રેમી જ ! ફિલ્મના અંતે એનો તો મરી જવા ઉપરે ય સારો હાથ બેસી ગયો હતો. આમ પ્રેક્ષકો તો ઠીક, એના ચાહકો ય બૉર થવા માંડયા હતા, દરેક ફિલ્મમાં એને કરૂણ-અવસ્થામાં જોઇ જોઇને ! એટલે આવી કોઇ ફિલ્મ બનતી હતી, જેમાં કૉમેડી હોય ને રોવા-ધોવાનું કાંઇ ન હોય, એ જાણીને એણે સામે ચાલીને આ ફિલ્મ 'આઝાદ' માંગી લીધી. આખી ફિલ્મ એટલી હદે હળવી બનાવાઇ કે, સી.રામચંદ્રનું સંગીત હોવા છતાં લતા મંગેશકરનું એક પણ ગીત, 'અય અંખ અબ ન રોના, રોના તો ઉમ્રભર હૈ...' (સિપઇયા'), 'અય ચાંદ પ્યાર મેરા, તુઝસે યે કહે રહા હૈ, તુમ બેવફા ન હોના....' (ખઝાના) કે 'ધીરે સે આજા રી અંખીયન મેં નીંદિયા આજા રી આજા...' (અલબેલા)ની જેમ આપણી આંખોમાંથી આંસુઓ લાવનારૂં નહિ. એવું મીના કુમારીનું ! એ ય કેવળ રડારોળની ફિલ્મો કરતી એટલે આ વખતે, ફૉર એ ચૅઇન્જ, એણે આ કૉમેડી ફિલ્મ સ્વીકારી અને ભા'આય....ભા'આય...ધૂમ મચી ગઈ દેશભરના સિનેમાઓમાં તો ! આખા વર્ષમાં સૌથી વધુ વકરો કરાવી આપનારી આ ફિલ્મ હતી. દુઃખબુખ ભૂલાવીને દિલીપકુમાર આઝાદ થઇ ગયો !

નહિ તો આ '૫૫-ની સાલ એવી હતી, જેમાં શહેરોમાં 'આઝાદ' રીલિઝ થઇ, તેની આજુબાજુના થીયેટરોમાં એની બીજી ત્રણ ફિલ્મો 'ઉડન ખટૌલા,' 'દેવદાસ' અને 'ઇન્સાનીયત' ચાલતી હતી....'ઇન્સાનીયત' તો એણે 'અન્ના' (સી.રામચંદ્ર) સાથેની ધરખમ દોસ્તી નિભાવવા લીધું હતું. આ એ ફિલ્મ હતી, જેમાં પહેલી અને છેલ્લીવાર દિલીપ અને દેવ આનંદ સાથે આવ્યા. દેવ આનંદની પણ 'ઘર નં.૪૪' આ જ વર્ષે રીલિઝ થયેલી અને 'મુનિમજી' પણ. સુનિલ દત્તે ય પહેલી વાર ફિલ્મોમાં આવ્યો હતો આ જ વર્ષની ફિલ્મ 'રેલ્વે પ્લૅટફૉર્મ' દ્વારા. બે ગીતો તો હલાવી નાંખે એવા હતા, 'એક તો બહુ જાણિતું, 'બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બનજારા !' અને કેવળ લતાના પાગલ ચાહકોએ જ સાંભળેલું, 'ચાંદ મધ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ, નીંદ કી ગોદ મેં જહાં ચૂપ હૈ...'

અન્ના ઉર્ફે સી.રામચંદ્ર અને યુસુફ ઉર્ફે દિલીપકુમાર દોસ્તો બન્ને એકબીજાનાં ધરખમ હતા. અને બન્ને જરીક નવરા પડે એટલે, ગાડી લઇને સીધા ખંડાલા પહોંચી જતા. બન્નેની તડપ એકસરખી હતી. દિલીપ અને કામિની કૌશલની પ્રેમકથા અહીં ખંડાલામાં આવીને જુવાનજોધ થઇ હતી અને અન્નાની પાછળ લતા મંગેશકર પાગલ. (કહે છે કે, એક વાર તો દિલીપની સાથે ગયેલી કામિનીએ એક ગાડીમાં ચુપચાપ જતા દાદામોની અને નલિની જયવંતને પણ જોયાં હતા. આજે પણ ફિલ્મી કલાકારોને બે વ્યક્તિનો ખાનગી હવન-યજ્ઞા કરવો હોય તો ખંડાલા જરા હાથવગું રહે છે. મુંબઇથી હશે માંડ બે-એક કલાકનો ડ્રાઇવ!.... એ દ્રષ્ટિએ ખંડાલા ગેરકાયદેસરનું પવિત્ર યાત્રાધામ કહેવાય કે નહિ ?

પણ મુંબઇના 'મરાઠા મંદિર' સિનેમામાં ફિલ્મ 'પૈગામ'ના પ્રીમિયર વખતે લતા-અન્ના ગોઠવણ કરીને વહેલા આવી ગયા એ વાતની બાતમી અન્ના-પત્નીને મળી જતાં, એ મારતી ટૅક્સીએ થીયેટર આવી પહોંચી ને લતાને ખૂબ ભાંડી, એ વખતે ડઘાઈ ગયેલા અન્ના ચૂપ રહ્યા, એમાં બન્ને વચ્ચે કાયમી દુશ્મનાવટ થઇ ગઇ ને પછી ક્યારેય ભેગા થયા જ નહિ. (કોક તો કહેતું હતું કે, અન્ના-પત્નીએ થપ્પડ પણ મારી હતી...બેમાંથી કોને, એ કોકને ખબર નથી !)

બસ. એ જ દિવસે અન્નાની કરિયર ખત્મ થઈ ગઇ. વર્ષો પછી અન્નાએ ખાસ આશા ભોંસલે માટે દેશભક્તિનું ગીત કવિ પ્રદીપજી પાસે લખાવ્યું. આશાની તો કરિયર નવેસરથી બની ગઇ. પણ લતાને ખબર પડતા તે સીધી પ્રદીપજી પાસે પહોંચી ગઇ. ભલે અન્ના સાથે મારે સંબંધ ન હોય, પણ આ ગીત તો હું જ ગાઇશ. અન્ના એ રીતે ખેલદિલ માણસ હતો. દુશ્મની ભૂલીને એ રાજી થઇ ગયા અને 'અય મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભર લો પાની...' લતા અને આશા વચ્ચે ડયુએટના સ્વરૂપે બનાવ્યું. લતાને તો આ ગીત સોલો જ જોઇતું હતું ને મેળવીને જંપી. આશા ફરી એકવાર આઉટ...કર્ટસી, સગી બહેન !

આ જ ગીત ચીનના આક્રમણ પછી પંડિત નહેરૂની ઉપસ્થિતિમાં ગવાયું ત્યારે તેઓની આંખમાં પાણી આવી ગયા હતા, અથવા લતાએ કેવું મધુરૂં ગાયું અને કવિએ કેવા લાગણીસભર શબ્દો લખ્યા, એ બધી વાત દિલીપ કુમારે મુંબઇના બ્રેબૉર્ન સ્ટેડિયમ પર સ્વ.ઇંદિરા ગાંધી દશકની ઉજવણીમાં સ્ટેજ પરથી કરી, પણ ક્યાંય અન્નાનો ઉલ્લેખ નહિ. અરે, સ્ટેજ પર ગીત અન્નાનું વાગે, પણ ઑરકેસ્ટ્રા કન્ડક્ટ કોઇ બીજું કરતું હતું...ઍનાઊન્સમૅન્ટ પતાવીને દિલીપ બૅક્સ્ટેજમાં પાછો આવ્યો ત્યારે ત્યાં વગર આમંત્રણે આવેલા અન્નાએ દિલીપની ધમકાવ્યો, ''યુસુફ, તને ખબર નહોતી કે આ ગીત મેં બનાવ્યું છે ?'' દિલીપે કાલો બનીને કહ્યું, ''ના અન્ના...તેં બનાવ્યું છે ? મને તો ખબર જ નહિ !''

''મને બધી ખબર છે, યુસુફ..કોના કહેવાથી તું આ રમત રમ્યો છું...''

''દિલીપકુમારને કોઇ કશું કહી શકતું નથી, અન્ના...No one dictate terms with Dilip...''

''રહેવા દે...રહેવા દે...એક જમાનામાં અન્નાને ય કોઇ કાંઇ કહી શકતું નહોતું...આજે બધામાં હિંમત આવી ગઇ છે..ને તને ય મોંઢે કહેનારા અનેક છે....!''

ફિલ્મ 'આઝાદ'નો એક કિસ્સો જગમશહૂર છે. મદ્રાસમાં બનનારી આ ફિલ્મ માટે મૂળ તો નૌશાદને બૂક કરવાના હતા. સમયના અભાવે નિર્માતા-દિગ્દર્શક એસ.એમ.શ્રીરામૂલુ નાયડુએ પ્રસ્તાવ મૂક્યો, ''નૌશાદ સા'બ...ચાર્જ ડબલ લઇ લો, પણ મને 'આઝાદ'ના ગીતો ૩૦-દિવસમાં જોઇએ.'' નૌશાદ બગડયા અને કહ્યું, ''યે ક્યા કોઇ બનીયે કી દુકાન સમઝ રખ્ખી હૈ....? ૩૦-દિનોં મેં પૂરે તો ક્યા, મૈં એક ગાના ભી નહિ બનાઉંગા...!''

...ને એમ સી.રામચંદ્રનો પ્રવેશ થયો. 'આઝાદ'ના નવેનવ ગીતો ૩૦-દિવસમાં બન્યા. ગીતકાર રાજીન્દર કિશનને વિમાનમાર્ગે મદ્રાસ બોલાવવામાં આવ્યા. ત્યાંની ફાઇવ-સ્ટાર 'હૉટેલ કોનિમારા'માં બન્ને માટે વ્હિસ્કીનું કાર્ટન મોકલી દેવાયું. એક જ રાતમાં 'આઝાદ'ના પાંચ ગીતો લખાઇ ગયા અને ધૂનો ય બની ગઇ. અન્નાના સંગીતને સલામ કર્યા વિના રહેવાય જ નહિ-ખાસ કરીને લતા પાસેથી જે કામ એમણે લીધું છે, એ અનિલ બિશ્વાસના લૅવલનું હતું. ખુદ શંકરે (જયકિશન) એક વાર કોપાયમાન થઇને કીધું હતું કે, હિંદી ફિલ્મના સંગીતમાં ઓરિજીનલ ધૂનો ફક્ત અનિલ દા અને અન્નાએ જ બનાવી છે...નૌશાદની ધૂનો પણ મૌલિક નહોતી. એ ય શાસ્ત્રીય રાગોની બંદિશો સીધેસીધી લઇ લેતા. અન્નાના બે જ પ્રોબ્લેમ. એક તો, રિધમ-સૅક્શનમાં અન્ના ઘણા નબળા. મરાઠી માણુસ હોવાને કારણે એમના પર્કશન્સમાં લાવણી-બ્રાન્ડના ઠેકા વધારે આવે અને મૅન્ડોલિન તો લગભગ તમામ ગીતોમાં હોય. રિધમમાં માર ખાઇ જનારા અન્ય સંગીતકારો કલ્યાણજી-આણંદજી હતા, જેઓ ગુજરાતી ઠેકામાંથી જવલ્લે જ બહાર આવ્યા.

અફ કૉર્સ, કોઇ ગ્રેટ સંગીત 'આઝાદ'નું નહોતું, અન્નાની અન્ય ફિલ્મોની સરખામણીમાં દારૂની બૉટલોએ સંગીતનો બેશક ભોગ લીધો હતો. આ બાજુ, રાજીન્દર કિશનના એકે ય ગીત કે સંવાદમાં ભલીવાર નહિ. ''સાથી હૈ ખૂબસૂરત, યે મૌસમ કો ભી ખબર હૈ...'' આ શું ? આવું ઘટીયા લખાણ ? તું પેલીને ઘોડા ઉપર બેસાડીને નદીકિનારે ચક્કર મારવા નીકળ્યો છે, એમાં મૌસમ વચમાં ક્યાં આવી અને આવી પણ હોય તો ગીતના દ્રષ્યાંકનમાં મૌસમમાં કોઇ ફેરફારો થયેલા તો દેખાતા નથી! આમે ય, રાજીન્દરે જેટલા અદ્ભૂત ગીતો લખ્યા છે, (જે ક્યારેક તો સાહિર લુધિયાનવીની કક્ષાએ પહોંચે...!) એટલા જ ઘટીયા ગીતો ય લખ્યા છે! આ માફ કરી ન શકાય. માત્ર પૈસા મળતા હોય, એટલે સચિન તેંડુલકર કે અમિતાભ બચ્ચનને ઘાઘરી પહેરીને ફૂટપાથ પર નાચવાનું કહો ને એ બન્ને નાચે તો મુંબઇ જઇને બન્નેને થપ્પડો મારવી પડે...રાજીન્દર કિશનનું થપ્પડો ખાવા જેટલું સ્તર નહોતું !

ફિલ્મ જ તદ્દન થર્ડ-ક્લાસ હતી, એટલે એની વાર્તા-ફાર્તામાં પડાય એવું નથી, છતાં ય નટશૅલમાં જરા જોઇ લઇએ તો : ખોવાયેલ પુત્ર 'કુમાર' મોટો થઇને આઝાદ બનીને રોબિનહૂડ બને છે. ચોરડાકૂઓએ લૂંટેલા માલને લૂંટીને ભેગો કરે છે. એના અસલ માતા-પિતા (અચલા સચદેવ અને બદ્રીપ્રસાદ) દત્તક મીનાકુમારીને ઉછેરે છે. ખલનાયક પ્રાણ મીનાને એકતરફો ચાહે છે ને કોઇપણ ભોગે પરણવા માંગે છે. સમય ન બગડે માટે વચમાં એ શમ્મી (પારસી અભિનેત્રી)ને પરણી જાય છે ને સમય બચે એટલે એનું ખૂન પણ કરી નાંખે છે. બેવકૂફોની જેમ પોલીસ બનતા રાજ મેહરા અને ઓમપ્રકાશ આ કૅસની તહેકિકાત કરે રાખે છે, એમાં પ્રેક્ષકો વધારે બેવકૂફ બને છે. અંતે, મીના-દિલીપને ભેગા તો કરવા પડે...કરાય છે. વાર્તા પૂરી.

પણ સ્ટારકાસ્ટ જોવી-માણવી ગમે તેવી હોવાથી ફિલ્મ જોવાનો કંટાળો ન આવે. કૉમેડિયન ઓમપ્રકાશ બક્ષી અહીં હૅડકૉન્સ્ટેબલ 'ફૉર-ફૉર્ટી-વન'ના રોલમાં બહુ બૉર કરે છે. પ્રાણ માટે ગજબના અહોભાવો થાય એવું છે. આજ પર્યંત એમણે શરીર કેવું પરફૅક્ટ જાળવી રાખ્યું છે. શરીર જ નહિ, અભિનય કહો કે એક સજ્જન વ્યક્તિત્વ. આજ સુધી હિંદી ફિલ્મોમાં બીજો તો એકે ય કલાકાર થયો નથી જે રાજ કપૂર, દિલીપકુમાર કે દેવ આનંદ જ નહિ, ઈવન ધર્મેન્દ્ર, જૉય મુકર્જી, મનોજ કુમાર કે ઇવન મેહમુદને ય પ્રાણ વગર ન ચાલે.

કોઇપણ હિંદી ફિલ્મ જોઇને તમને એક સવાલ કેમ થતો નથી કે આજ સુધી જોયેલી એકે ય ફિલ્મમાં તમે ટયુબલાઈટ કે વીજળીના બલ્બ-ફલ્બ કદી જોયા છે ? ના. તો પછી અજવાળાં ક્યાંથી ઉઘરાવી લવાય છે ? એવું જ કદી ન સમજાય એવું એ છે કે, ફિલ્મોના પોલીસો મૂંઝાય ત્યારે હાથમાં પોતાનો ડંડો શેનો પછાડ પછાડ કરે જાય છે ? આ ફિલ્મમાં ડૉક્ટર સાયકલ પર બેસીને આવે અને એ ય અપ-ટુ-ડૅટ શૂટ-બૂટમાં ! તારી ભલી થાય ચમના...કરોડપતિ દર્દીનું ફૅમિલી એવાને પાછું 'સાહેબ-સાહેબ' કરતું રહે ! આપણા જમાનાની સાયકલો અત્યારે તમને યાદ આવતી હોય તો, રાત્રે સાયકલ પર ઘાસલેટનો દીવો હળગાવવો પડતો. રીતસર બારી ખોલીને દીવાસળીથી એની વાટ સળગાવવી પડતી. પોલીસ આવે ત્યારે જ હોલવાઇ ન જાય, માટે ચાલુ સાયકલે ચૅક કરી લેવું પડતું. હું તો એક વખત, મારી સાયકલનો એ દીવો રીપૅર કરાવવા પોળના નાકે વ્હોરાજીની દુકાને જતો હતો, ત્યાં પોલીસે રોક્યો, ''હાથમાં દીવો છે, પણ સાયકલ ક્યાં છે ? સાલા, વગર સાયકલે દીવો લઇને ફરે છે ?''

ફિલ્મની પ્રિન્ટ આલા દરજ્જાની હોવાને કારણે ફિલ્મ જોવી ગમે એવી છે. એમાં ય, હસતો દિલીપકુમાર ને હસતી મીના કુમારી તો ક્યાં જોવા મળતા હતા ? દિલીપ આખી ફિલ્મનું મોંઢું હસતું રાખે છે, એને પરિણામે જોવો ખૂબ ગમે છે. મીનાકુમારી તો આ ફિલ્મ પછી ય હસતી ભાગ્યે જ જોવા મળી છે. છેલ્લા ધર્મેન્દ્ર પછી છેલ્લે છેલ્લે ગીતકાર ગુલઝાર અને છેલ્લે છેલ્લે સંગીતકાર ઉષા ખન્ના ફિલ્મ નિર્માતા ગોરધન સાવનકુમારના ગળાડૂબ પ્રેમમાં પડેલી મીના કુમારીના ડાબા હાથની ટચલી આંગળી કપાયેલી હોવાથી તમામ ફિલ્મોમાં એ સિફતપૂર્વક ટચલી છુપાવેલી રાખતી, દુપટ્ટાના છેડામાં કે હાથ પાછળ સંતાડી સંતાડીને. એક લોકવાયકા મુજબ, પહેલા ગંજાવર રકમનો વીમો ઉતરાવીને મીનાકુમારીએ પોતાની એ આંગળી રેલ્વેના ડબ્બાની બારી નીચે મૂકીને કાપી નાંખી હતી.

રાજ મહેરાને તમે કડક પોલીસ અધિકારી તરીકે રાજ કપૂરના 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં ફૂલ-ટાલ સાથે જોયો છે. એ ફિલ્મને હજી ૩-૪ વર્ષની વાર હતી. એટલે એમાં એ થોડા બચેલા વાળ સાથે દેખાય છે. ભારેખમ અવાજ અને અભિનય ખરો, ભ'ઇ, એટલે આ ફિલ્મમાં એની ઉપસ્થિતિ કઠતી નથી. દિલીપ કુમારની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં એસ.નઝીર અને વસી ખાન હોય જ. આ ફિલ્મમાં નઝીર પ્રાણના મૂછોવાળા ખુંખાર ગુંડાના રોલમાં છે. તો રાજ કપૂરની ફિલ્મ 'શ્રી ૪૨૦'માં નરગીસનો અપંગ બાપ બનતો નાયમપલ્લી પણ આ ફિલ્મમાં દિલીપનો પાલક બાપ બને છે. સાઊથની મશહૂર ગાયિકા નૃત્યાંગના સુબ્બુલક્ષ્મી અહીં સઇ નામની અન્ય ડાન્સર સાથે બે અદ્ભૂત ડાન્સ કરે છે. એક તો તમારૂં જાણીતું છે, 'અપલમ, ચપલમ, ચપલાઇ રે દુનિયા કો છોડ, તેરી ગલી આઇ રે...' નજરે ડાન્સ જુઓ તો છક થઇ જવાય કે, કૅમેરાના કોઇ કટ વિના સળંગ કેવા અઘરા અઘરા સ્ટૅપ્સ આ બન્ને ડાન્સરોએ લીધા છે ! દાખલો એ રીતે અપાય કે, મુખડું 'અપલમ, ચપલમ...' શરૂ થાય અને પૂરૂં થાય, ત્યાં સુધીમાં અનેરી લયમાં બન્નેના સ્ટેપ્સ એટલી ઝડપથી બદલાય અને બન્ને વચ્ચે સીન્ક્રોનાઇઝ પરફૅક્શનથી થાય ! આમે ય, નૃત્ય અને સંગીત તો સાઉથના જ નહિ ?

ફિલ્મના આર્ટ ડાયરેકશનમાં કોઇ ભલીવાર નહોતો. તમામ સૅટ્સ પકડાઇ જાય છે. સામાન્ય પ્રેક્ષકને પણ ખબર પડે કે, જંગલનો સીન સ્ટુડિયોમાં ઊભો કરેલો છે. મોટા ડ્રૉઇંગ-રૂમની દિવાલો કે દરવાજા પૂંઠાના છે. બસ...ફિલ્મ ''આઝાદ''ની ઓળખાણ પણ આ જ ધોરણે અપાય એવી છે.

No comments: