Search This Blog

15/05/2013

હું વસ્ત્રોની બાબતમાં પગભર થયો છું, હવે મેં મને ખુદને પહેરી લીધો છે !

મુંબઈના એરપોર્ટ પર એક વિશ્વવિખ્યાત ગાયકને જોયા. ખભાથી નીચે લટકતા ઘુંઘરાળા અને માથાની આજુબાજુ યુરિયાનું ખાતર નંખાઈ ગયું હોય ને ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા હોય એટલા માતબર જથ્થામાં વાળ. પહેલા શંકા એવી પડે કે, આ ભાઈ ગળાને બદલે વાળમાંથી ગાતા હશે.

મને પસ્તાવો થયો... ખૂબ નહિ તો થોડો કે, હું ય હાસ્યલેખક છું અને એ લાગવા માટે શા માટે હું છત્રપતિ શિવાજી એરપોર્ટ પર એવા ઝભલાં પહેરીને ન આવ્યો ? લોખંડના પિપડાંના ઢાંકણા ઉપર ઊંધો વાડકો મૂક્યો હોય એવી નેતરની ટોપી, ગાલ ઢંકાય એટલા મોટા ગોગલ્સ, જાંબલી પાટલૂન, લાલ મોજાં અને પીળાં રંગનું શર્ટ પહેરેલા અશોક દવે જોવામાં કેવા લાગે ?

પછી તો ધ્યાનમાં આવ્યું કે, કલાકાર હોવા માટે કલાકાર હોવા કરતા દેખાવવું વધારે જરૂરી છે. અમારા સ્ટેજ પરના ફિલ્મી સંગીતના કાર્યક્રમોમાં મૂળ હીરો-હીરોઈનોએ ન વાપર્યા હોય એ બધા રંગો અમારા કલાકારો પોતાના કપડાં ઉપર વાપરી નાંખે છે. એમની કલા ચળકે કે ન ચળકે, કપડાં ચળકવા જોઈએ. સોનેરી કે રૂપેરી રંગની પટ્ટીઓ એમના શૂટ કે સાડી ઉપર ન હોય તો કહે છે કે, ગાયક નિષ્ફળ જાય છે. સુગમ સંગીત માટે તો હવે આ પુરવાર થયેલી હકીકત છે કે રંગબિરંગી ઝભ્ભા ન પહેર્યાં હોય તો ઓડિયન્સ પથ્થરમારો પહેલા કરે છે ને સાંભળે છે પછી! (ઊંઝા બાજુ તો કહે છે કે, પથ્થરો મારનારા પણ ઝભ્ભા-ચોયણી રંગીન પહેરીને આવે છે!) ઘવાયા પછી જનરલ હોસ્પિટલમાં સારવાર આપનારા ડૉક્ટરોએ પણ જાંબલી ઝભ્ભા ને નીચે જીન્સ પહેરવા પડે છે, નહિ તો સ્વમાની કલાકારો સારવાર લેવાની ના પાડી દે છે. હજી સુધી તો સુગમ સંગીત ગાનારો કોઈ કલાકાર મર્યો નથી, એટલે તર્ક સુધી પહોંચી શકાયું નથી કે, આવો કલાકાર મરે તો નનામી ઉપર પણ એને ૨૮-રંગોનો ઝભ્ભો અને ૪૩-રંગોની ચોયણી પહેરાવીને હુવડાવતા હશે? ડાઘુઓનું તો સમજ્યા જાણે કે, એક બીજો કાર્યક્રમ સમજીને જ સ્મશાનમાં આવવાનું હોય. આદત મુજબ, અહીં પણ દાદ આપવાના કાર્યક્રમો આપમેળે ગોઠવાઈ જાય છે. નનામીને સ્મશાનના સ્ટેન્ડ પર ગોઠવતી વખતે સહેજ અમથો ગોદો વાગે ત્યારે ''માશા અલ્લાહ... ક્યા બ્બાત હૈ... ક્યા બ્બાત હૈ... દુબારા, દુબારા, દુબારા...'' વાળી દાદ અપાતી હશે? સ્ટેન્ડ પર લાંબા થઈને હુઈ ગયેલા ગાયક કે સંગીતકારને સાચી શ્રધ્ધાંજલિ, ''રામ હે રામ હો...''થી કદી ન મળે. બા'મણ થોડા મંત્રો બોલી રહે, પછી એને ખસેડી જ લેવાનો હોય ને સાથે ખેંચી લાવેલા હાર્મોનિયમ-તબલાંની સંગતે ઉપસ્થિત ડાઘુ-કલાકારોમાંથી પ્રસંગોચિત સુગમ ગીતડાં ગાવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી અરિહંતશરણ થયેલા એ કલાકારે ગાયેલી રચનાઓ પ્રસ્તુત કરવી જોઈએ, જેથી એ ડઘાઈને હબડક બેઠો થઈ જાય કે, 'મારી રચનાની પથારી કોણ ફેરવી રહ્યું છે?' વાત સ્વીકૃત છે કે, સળગતી ચિતાની બાજુમાં યોજાયેલા સુગમ સંગીત શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં વિના મૂલ્ય કલાકારો હરખી રીતે ગાતા હશે તો, મરનારની આંખોમાં અશ્રુ અને ચેહરા પર સ્માઇલ હશે.

અહીં પ્રોબ્લેમ બીજો થઈ શકે. અમદાવાદમાં મરનારાની સંખ્યાના પ્રમાણમાં ઉપલબ્ધ સ્મશાનોની સંખ્યા ઘણી અલ્પ છે. આપણે ત્યાં ઘેરઘેર મંદિર-દેરાસરો છે, પણ ઘેરઘેર સ્મશાનોની સગવડતા નથી. આ કાંઈ કાળની ક્રૂર મજાક ન કહેવાય, આપણી પોતાની મજાક કહેવાય. પ્રોબ્લેમ ત્યાં ઊભો થાય કે, કે તરફ ચિતા પર સૂતેલો સુગમ સંગીતનો કલાકાર મસ્ત બનીને પોતાની રચનાઓનો રસાસ્વાદ લેતો પડયો હોય ત્યાં ઘોડાઓ ઉપર આવી પહોંચેલી નેકસ્ટ સ્મશાનયાત્રામાં, હવામાં ગોળીબારના ભડાકાઓ કરતા ડાઘુઓ કોઈ ડાકુકથાના લેખકને ઉપાડી લાયા હોય તો, શ્રધ્ધાંજલિ-સમિતી માટે નિર્ણય લેવો અઘરો પડી જાય કે, બાકીનો કાર્યક્રમ કાલે ફરી અહીં આવીને પૂરો કરવો કે પછી બે લાકડાં વધારે નાંખીને બધું સમેટી લેવું છે!

કહેવાનો મતલબ કે, પ્રોફેશન પ્રમાણે જ કપડાં પહેરવા કે કાઢવા જરૂરી હોય તો ગઝલ લખનારા કે ગાનારાઓએ ઘરમાં વીજળીના ગોળાને બદલે મીણબત્તીઓ (શમ્મા) હળગતી રાખવી પડે. રોજ વહેલી સવારે એના ઘરના દરવાજે દૂધને બદલે દારૂવાળો કોથળીઓ મૂકી જાય. બાળસાહિત્યમાં મહામૂલું પ્રદાન કરનાર બુઝુર્ગોના ગળે લાળીયું બાંધવું સારૂં, જેથી ઝભ્ભા ન બગાડે. રીસેપ્શનના સ્ટેજ ઉપર ડૉક્ટરોએ ઈન્જેકશન તૈયાર રાખીને જવું.

સવાલ હજી સુધી તો કોઈને થયો નથી પણ થોડા વખતમાં થઈ જાય તો નવાઈ નથી કે, કલાકાર તરીકે આટલા મોટા હોવા છતાં એવી કઈ વાસના રહી જતી હશે કે, કલાકાર હોવું જ નહિ, દેખાવવું પણ ફરજીયાત બને? આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલા કોઈપણ કલાકારને યાદ કરી જુઓ, એમના દિદાર જુઓ, એમના વાઘાં જુઓ... અન્યથી જુદાં પડવા માટે કેવા વલખાં મારવા પડે છે! બોચીની પાછળ કંતાનનું ભીનું પોતું લટકતું હોય, એવા જથ્થામાં વાળ રાખો તો જ લોકો કલાકાર ગણે? આ લેખ દ્વારા હું તો કોઈ ટીપ આપવા માંગતો નથી, નહિ તો મારી એક ટીપ એ પણ છે કે, એકાદ વખત નજર પડી જશે તો આ લોકો આફ્રિકાના મસાઇમારાના આદિવાસીઓ પહેરે છે એવા પીંછા, ભાલાં અને લાલ કપડાં પહેરીને ય કાર્યક્રમો આપવા જશે! કાર્યક્રમનું શીર્ષક હશે, 'ભાલાની અણીએ કવિતા... !'

સંગીત, કવિતા કે ગઝલ ન સમજી શકતા પોરબંદર બાજુના કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે, આ કલાકારોને 'રેકગ્નિશન' જોઈએ છે, જે એમની રચનાઓમાંથી નથી મળતું. બીજાંનું ધ્યાન દોરવા ચિત્રવિચિત્ર કપડાં અને હરકતો સિવાય અન્ય તો કોઈ શસ્ત્ર નથી. પોતપોતાના ફીલ્ડમાં મેદાન તો સહુએ માર્યા હોય છે. કોઈ ઉદ્યોગપતિ, કંપની-સેક્રેટરી, સી.એ., ડૉક્ટર કે ઈવન હેરકટિંગ સલૂન ચલાવતા કેશકલાકારને પણ એના ધંધા મુજબના લિબાસમાં ફરતો જોયો? ઘરાકનું ધ્યાન ખેંચવા માટે કેશકલાકારે હાથમાં તૈયાર અસ્ત્રો-કાતર લઈને કોઈના રીસેપ્શનમાં કે બેસણાંમાં જવું પડતું નથી. શક્ય છે કોઈ ગજબની લઘુતાગ્રંથિથી આ લેખકો-કલાકારો પીડાતા હશે. અમારા સર્જનથી આપનું ધ્યાન ખેંચાય એવું નથી તો દરજીના સર્જનને અમારૂં ગણીને અમારી સામે જુઓ. શર્ટ-પેન્ટ પહેરીને ગીત ન ગવાય કે ગઝલ ન પિરસાય! ડૉ. એસ.એસ. રાહીનો મસ્ત શે'ર છે :

''હું વસ્ત્રોની બાબતમાં પગભર થયો છું,
હવે મેં મને ખુદને પહેરી લીધો છે''

સવાલ એટલો જ ઊભો થાય કે, બીજાંઓનું ધ્યાન દોરવાની જરૂરત શી છે? મહાત્મા ગાંધી, અમિતાભ બચ્ચન કે સચિન તેન્ડુલકરની કક્ષાએ પહોંચેલાઓનો તબક્કો એ આવી જાય છે કે, અન્યનું ધ્યાન ન પડે, એનું ધ્યાન રાખવું પડે છે. બીજી બાજુ, અબજો રૂપિયાના કૌભાંડોમાં આળોટતા આપણા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પવન બંસલ અને અશ્વિનીએ નાલાયક સાબિત થયા પછી પણ પ્રેસ-કેમેરાનું ધ્યાન સ્માઇલો આપી આપીને સામેથી દોરવું પડે છે.

જેવા હોય એવા દેખાવવાની જાહોજલાલી કેવળ ભિખારીઓને મળે છે. એ લોકો ગ્રાહકોનું ધ્યાન દોરવા ફૂટપાથો ઉપર શૂટ-બૂટ પહેરીને નથી ફરતા.

સુંઉં કિયો છો ? 

સિક્સર

- ભ્રષ્ટ મંત્રીઓ બંસલ અને અશ્વિનીએ રાજીનામાં આપ્યા - મીડિયા
- રાજીનામાં શેના ? તગેડી મૂક્યા, એમ કહેવાય !

No comments: