Search This Blog

10/04/2016

ઍનકાઉન્ટર : 10-04-2016

* તમારી કોલમમાં બ્રાહ્મણોના સવાલો તો લેવાતા જ નથી !
-  આ પણ ટ્રિક જૂની થઈ ગઈ. દર ત્રીજે સપ્તાહે કોઈ મુસલમાન કે દલિત બિલકુલ આ જ દલીલ કરીને કરે છે. કારણ સીધું છે. કોઈને પોતાના સિવાયનું નામ વાંચવું ગમતું નથી.
(દિવ્યા જે. મહેતા, રાજકોટ)

તમને ખૂબ ચાહતી સ્ત્રી ક્યારેક દગો કરી જાય તો કેવો બદલો લઈ શકો ?
- આ ત્રણેમાંથી એકે ય ઘટના બની નથી. (૧) મને કોઈએ ચાહ્યો નથી. (૨) કોઈએ કદી દગો કર્યો નથી અને (૩) બદલો લેવો પડે, એટલું મહત્વ મેં કોઈને આપ્યું નથી !
(શ્રીમતી છાયા રાવતે, વડોદરા)

તમને ક્રિકેટનો શોખ ખરો ?
- લાવો, કોઈ મારૂં બેટ લાવો તો... !
(સંદીપ વાય. શેઠ, સુરત)

તમને આટઆટલા વોટ્સએપ મોકલીએ છીએ... એકનો ય જવાબ નહિ ?
- એ નવરા માણસોનું કામ છે.
(પ્રભાતકુમાર મકવાણા, કલોલ)

રાહુલ ગાંધી આપણા દેશમાં ચાલી કેવી રીતે ગયા ?
- આપણા દેશમાં નિહત્થા કે અબુધ ઉપર કોઈ વાર નથી કરતું.
(માણેક પટેલ, જામનગર)

ઈજિપ્તના એક ગોરધને રૂઠેલી પત્નીને પાછી લાવવા આખું પ્લેન હાઈજેક કર્યું.
- ગોરધન અમદાવાદનો હોત તો સાલો રીક્ષા ય ન કરત ! શેમાં કેટલું રોકાણ કરાય, એની અમદાવાદીઓથી વધારે ખબર બીજા કોને પડવાની છે ?
(સુભાષ જે. પટેલ, ઊંઝા)

અનાર પટેલનું દાળમાં કાંઈક કાળું તો લાગે છે...
- દાળ એકવાર ઉકળી જવા દો !
(શિવાની સી. પટેલ, ભૂજ)

શું યાદદાસ્ત વધારવાની દવા વાપરવાથી ફાયદો થાય છે ખરો ?
- કઈ યાદદાસ્ત ?
(પીટર જેકબ, મુંબઈ)

માથે વાળ ઊગાડવાની દવા ચોપડયા પછી મારા તો હતા એ ય વાળ જતા રહ્યા !
- તમે જે શીશી લઈ ગયા હતા, એ બીજાના માથે લગાડવાની હતી... પોતાના માથે નહિ !
(કેસરસિંહ પૃથ્વીસિંહ, પૂણે)

પઠાણકોટના હૂમલા માટે પાકિસ્તાનની તપાસ- ટુકડીને ભારત સરકારે રંગેચંગે આવકાર આપ્યો... !
- મેહમાં જો હમારા હોતા હૈ, વો શહીદોં સે પ્યારા હોતા હૈ...
(વસિમખાન જારચવી, સુરત)

આ તો તમારૂં લેક્ચર નારણપુરાના બગીચામાં સાંભળ્યું, ત્યારે ખબર પડી કે, તમે નારણપુરામાં રહો છો !
- મને તો હજી ખબર પડી નથી કે, તમે ક્યાં રહો છો !
(કે.બી. શાહ, અમદાવાદ)

અસહિષ્ણુતા એટલે શું ?
- એક વાર સોનિયાજી ફક્ત આ શબ્દનો ઉચ્ચાર પણ કરી આપે, તો જવાબ આપું.
(નિકુંજ ગજેરા, સાવરકુંડલા)

હું ક્યો પ્રશ્ન પૂછું, એની ખબર પડતી નથી... પ્લીઝ, હેલ્પ મી !
- બહુ ટુંક સમયમાં તમારે વિધાનસભામાં બેસવાના યોગ છે.
(નરેશ એમ. પટેલ, નડિયાદ)

* 'બુધવારની બપોરે'ના એક હપ્તામાં તમે લખ્યું હતું, 'વધુ ફાલતું હપ્તો આવતા અંકે'! તમને તમારા લેખ પર ભરોસો નથી ?
- લેખ સારો લાગે, ત્યારે એક પણ વાચક કહેતો નથી, ''આ અમને ખૂબ ગમ્યો !''
(જીજ્ઞા ઘેવરીયા, મુંબઈ)

પ્રેમને તમે કોની સાથે સરખાવો છો ?
- સવારે બ્રશ કર્યા વિના ચાલે ?
(મયૂરધ્વજસિંહ ઝાલા, ધ્રાંગધ્રા)

અમારા પડોસી અમારી સાથે બોલતા નથી. એ તમારા મોટા ફેન છે. એમને કહેશો, અમારી સાથે બોલે ?
- હજી સુધી તો મારી સાથે પણ એ બોલ્યા નથી... !
(અંજની પરસાણા, રાજકોટ)

લોકોને સરકારી નોકરી કેમ વધારે ગમતી હોય છે ?
- એ લોકો બહુ 'કામાતુર' હોય છે.
(વિશાલ રાઠવા, ધોળીવાવ- બોડેલી)

વિશ્વાસુ માણસો સફળ હોય છે કે સફળ માણસો વિશ્વાસુ હોય ?
- કોઈ સફળ માણસને પૂછો.
(ઉદય ડવ, ગઢડા)

મોંઘવારી ઘટાડવાના પ્રયત્નો ક્યારે શરૂ થશે ?
- સોમ- મંગળવારે તપાસ કરો ને !
(ડૉ. ઓન અલી સુરતી, ઝગડીયા)

શો- રૂમમાં ગોઠવેલા પૂતળાં ટકલાં કેમ હોય છે ?
- શો- રૂમના માલના ભાવ સાંભળીને એમના ય વાળ ઉતરી ગયા હોય છે.
(ધિમંત ભાવસાર, બડોલી)

ઘણા વખત પછી તમારા 'પિનચોંટી જવાના' લેખમાં ખૂબ હસવું આવ્યું. ફરી ક્યારે પિન ચોંટશે ?
- મને ફરી હસવું આવશે ત્યારે !
(પરેશ આચાર્ય, નડિયાદ)

સ્ત્રીઓના ડ્રાયવિંગ વિશે શું કહો છો ?
- એ તો એકાદવાર એમની સાથે બેસાડે, પછી ખબર પડે.
(મિહિર ગજેરા, સુરત)

વિદ્યા સિન્હાએ ગુજરાતી ફિલ્મ 'શેઠ જગડુશા' અને 'રેતીના રતન'માં ય કામ કર્યું હતું.
- એમાં પાંચ કરોડ ગુજરાતીઓ 'હલવઇ' ગયા!
(ભાઈલાલ ઠક્કર, ગાંધીનગર)

કોલમનું નામ 'એનકાઉન્ટર' કેમ રાખ્યું છે ? પહેલા પોલીસ ખાતામાં હતા ?
- નામ પ્રમાણે તો તો તમે અબજોપતિ હશો... !

(રિદ્ધિ નિશિલ પટેલ, આણંદ)

No comments: