Search This Blog

01/04/2016

'ધી એડવેન્ચર્સ ઓફ રોબિનહૂડ એન્ડ બૅન્ડિટ્સ' ('૬૫)

ફિલ્મ : 'ધી એડવેન્ચર્સ ઓફ રોબિનહૂડ એન્ડ બૅન્ડિટ્સ' ('૬૫)
નિર્માતા : પીપલ પિકચર્સ
દિગ્દર્શક : બી. જે. પટેલ
સંગીત : જી.ઍસ. કોહલી
ગીતકાર : અન્જાન (અને યોગેશ)
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ
થીયેટર : અશોક (અમદાવાદ)
કલાકારો : પ્રશાંત, પરવિન ચૌધરી, વિશ્વ મેહરા, શામકુમાર, સૌદાગરસિંઘ, ભગવાન, જીવનકલા, પાલ શર્મા.

ગીતો
૧.જવાં જવાં હૂસ્ન કે રંગીન યે કાફીલે….. .આશા-રફી
૨.સંવાર દે જો પ્યાર સે બહાર કી ભી જીંદગી……રફી
૩.માના મેરે હંસિ સનમ, તૂ રશ્કે માહતાબ હૈ ….. .રફી
૪.પ્યાર કી બાત નિગાહોં સે જતાયા ન કરો….. . લતા-મહેન્દ્ર
૫.ચિકચારી હો ચારી ચિકચારી ….. આશા ભોંસલે
૬.નશા રંગીન આંખોં કા કિસે સૌગાત….. સુમન કલ્યાણપુર
ફક્ત ગીત નં. ૩ ગીતકાર યોગેશનું.

'માના મેરે હંસિ સનમ, તૂ રશ્કે માહતાબ હૈ, પર તુ હૈ લાજવાબ તો મેરા કહાં જવાબ હૈ...'
બસ. રફી સાહેબનું આ એક ગીત જોવા-સાંભળવા મળે, તો ફિલ્મ ભલે ગમે તેવી ભંગાર નીકળે, આપણે જોવાની જ, એ નિશ્ચય સાથે આટલા લાંબા નામવાળી ફિલ્મ 'ધી એડવેન્ચર્સ ઓફ રોબિનહૂડ એન્ડ બૅન્ડિટ્સ' નામની ફિલ્મ જોઈ નાંખી. જે ફિલ્મ ફાલતુ હોવાની દહેશત પહેલેથી જ હોય, એ ફાલતું નીકળે એનો અફસોસ ન થાય.... લેકીન યે ક્યા...? ભ'ઇ, આ રોબિનહૂડ તો ફિલ્મ જોતા જોતા ગાળો બોલાવી દે, એટલી હદે ભંગારના પેટની નીકળી. ફિલ્મ જોતા જોતા હું કાચનો ગ્લાસ પછાડું, લેવાદેવા વગરના ઘરમાં કોઇને ઘાંટા પાડું અને અકળાઇ જાઉં... ટીવી મારૂં પોતાનું છે, એટલે એની ઉપર કાચનો ગ્લાસ ફેંકું, એ ય મોંઘું પડે, માથે વાળ અમથા ય ઓછા રહ્યા છે, એટલે ખીજાઇ ખીજાઇને એ ખેંચે રાખું, એમાં ય નુકસાન તો મારૂં... ? રફીનું એક ગીત દ્રષ્ય-શ્રાવ્ય કરવાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડી...?

મૂળ ઇંગ્લેન્ડની આ કોઇ કિવદંતિ હશે, જેમાં ધનિકોને લૂંટીને ગરીબોમાં વહેંચતા લૂંટારા રોબિનહૂડની વાર્તા આજ દિન સુધી મશહૂર થઈને ચાલી આવે છે.

પણ કયાં એ રોબિનહૂડ ને ક્યાં આપણાં આ દેસી ? ભાઇભાઇ... છુટા નથી આગળ જાઓ !

શાંતારામની જ ફિલ્મ 'સેહરા'નો હીરો પ્રશાંત સેહરામાં ય નહતો ચાલ્યો, તો અહીં રાજામહારાજાઓની ભરચક વસ્તીમાં ક્યાંથી ચાલવાનો હતો ? ગુંદર ચોંટાડેલી બનાવટી વિગ અને હાસ્યાસ્પદ લાગે એવા પહેરવેશ સાથે આ માણસે હદ ઉપરાંતનો ત્રાસ આપ્યો છે. શાંતારામની ફિલ્મો પૂરતું બરોબર હતું કે, એમને આવા જ હીરો જોઇતા હતા, જે એમની અભિનેત્રી પત્નીઓ-જયશ્રી અને સંધ્યા અને તે પછી દીકરી રાજશ્રીની સરખામણીમાં ઘણા ફાલતુ લાગે. એક જીતેન્દ્રમાં એ ખોટા પડયા, નહિ તો 'ગીત ગાયા પથ્થરોં ને'માં કદાચ એ જ ગણત્રીથી એને લેવાયો હતો કે, રાજશ્રી ઉપર છવાઇ ન જાય...

નહિ છવાયો હોય, પણ જીતુ પોતાના બલબૂતા ઉપર એ પછી લગભગ સુપરસ્ટારના વટથી હિંદી ફિલ્મોમાં રાજ કર્યું.

નકલમાં અક્કલ નહિ વાપરવાની, એ ધોરણે અહીં તો રોબિનહૂડ બનાવવાની છે, એટલે કેસરી વાળની વિગ, ચિત્રવિચિત્ર પોષાકો બધાને પહેરાઇ દેવાયા, પણ રોબિનહૂડનું મૂળ કૅરેકટર આખું તીરંદાજ ઉપર આધારિત હતું, એ કાંઇ સમજ્યા-સાણ્યા વિના ખભે તરણેતરના મેળામાં મળે એવું રદ્દી તીરકામઠું રોબિનહૂડના હાથમાં પકડાવી દેવામાં આવ્યું છે.
હસવું એ વાતે આવે કે, આ ડોબો બબ્બે ફૂટના અંતર માટે ય દુશ્મન ઉપર તીર ચલાવે, પણ પાછળ તીર રાખવાનું ભાથું-બાથું કાંઇ ન મળે ! હીરોઇન પરવિન ચૌધરીને પીળા વાળની વિગ સાઇડી '૬૦ના દશકની શ્વેત-શ્યામ મારધાડની ફિલ્મોમાં ઘણું આવતી, પણ આમાં નિલોફર કઇ એ શોધવું પડે ! માસ્ટર ભગવાનને શરૂઆતમાં બતાવીને આખી ફિલ્મમાં ક્યાં ગૂમ કરી દેવાયો છે, તેની સમજ પડતી નથી. શરીરમાં શ્યામ કુમાર પણ પહેલવાન હોવાથી અસલી પહેલવાન સૌદાગરસિંઘ સાથે એને બથ્થંબથ્થા કરાવવામાં આવી છે. એક આંચકો બેશક લાગે કે, ઓપી નૈયરના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા સંગીતકાર જી.એસ. કોહલી મૂળ તો ઓપીની ફિલ્મોનું ટાઇટલ અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરતા.

અહીં એમને છુટા હાથનો ચાન્સ મળ્યો હોવા છતાં મોટા ભાગના બૅકગ્રાઉન્ડ-સ્કોરમાં ઈંગ્લિશ ફિલ્મોમાં વપરાતા બૅકગ્રાઉન્ડ મ્યુઝિકની સીધી ઉઠાંતરી જ કરી છે. એની સામે જો કે બે ગીતો માટે એમને દાદ પણ આપવી પડે. એક તો રફી સાહેબવાળું અને બીજું લતા-મહેન્દ્ર કપૂરનું યુગલગીત 'પ્યાર કી બાત નિગાહોં સે જતાયા ન કરો' ગીતો મસ્તમજાના બન્યા છે. એમ તો રફીના બાકીના ગીતો ય ઓપીની છાંટવાળા હોવાથી આપણને તે લઝ્ઝત પડી જાય એવા બન્યા છે.

એક ગમ્મત પડે એવી વાત છે.

ફિલ્મના ટાઇટલ્સમાં પણ 'ધી' ઉડાડીને 'ઍડવૅન્ચર્સ ઑફ રોબિનહૂડ એન્ડ બૅન્ડિટ્સ' લખવામાં આવ્યું છે. 'ધી' ક્યાં જાય ? ગ્રામરની દ્રષ્ટિએ 'ધી' તો આવવો જ જોઇએ !

એની વે, આટલી કાળજી અને સમજણ હોત તો આટલી ફાલતુ ફિલ્મ બનાવી જ શું કામ હોત !

No comments: