Search This Blog

24/04/2016

ઍનકાઉન્ટર : 24-04-2016

* ધનવાન બનવા શું કરવું જોઇએ ?
- હમણાં માંડી વાળો....આજકાલ બહુ મંદી ચાલે છે.
(ભાવેશ મીયાણી, ગારીયાધાર)

* બારે બુદ્ધિ, સોળે સાન ને વીસે વાન, તમે કેટલે પહોંચ્યા ?
- બાંસઠે બાયપાસ.
(ડૉ. હિરેન વઘાસીયા, રાજકોટ)

* 'ઍનકાઉન્ટર' ટીવી પર કેમ ચાલુ કરાવતા નથી ?
- અત્યારે દરેક સવાલ-જવાબની વચ્ચે બબ્બે-ચચ્ચાર જાહેરખબરો આવે છે ?
(સૂરજ પંચાલ, તલોદ)

* કહે છે કે, આપના હસ્તાક્ષર બહુ સુંદર છે. અમને જોવા ન મળે ?
- મારા તો કમ્પ્યુટરમાં ય અક્ષર સારા આવે છે.
(રજનીકાંત ઠાકર, મુંબઈ)

* તમને એક દિવસ પાર્લામૅન્ટમાં બોલવાનો મોકો મળે તો શું બોલો ?
- માત્ર 'ભારત માતા કી જય' બોલો, એમાં તો ઘણું બધું કહી દીધું કહેવાય !
(વિપુલ અસવાર, જામનગર)

* આ કૉલમનો આજ સુધીનો સૌથી કરૂણ સવાલ ક્યો પૂછાયો છે ?
- રાહુલ ગાંધીના લગ્ન ક્યારે થશે ?
(પાર્થ ચાવડા, સુરત)

* અજીતસિંહે આજ સુધી કરેલી સૌથી બૌધ્ધિક મજાક કઇ ?
- એ જ કે, 'અશોક દવે ગુજરાતના સર્વોત્તમ હાસ્યલેખક છે !'
(મિતુ કાપડીયા, સુરત)

* 'કોઇ એક ગાલે થપ્પડ મારે તો બીજો ધરવો,'એ બાપુની સલાહ આજે કેટલી પ્રસ્તુત છે ?
- કોઈ પહેલી મારવા દે, પછી ખબર પડે !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* રાજકોટને આઇપીઍલ-ટીમ મળી ગઈ....સુઉં કિયો છો ?
- આપણા સહુ માટે એક વિરાટ ગર્વની વાત છે.
(આર્યન પરમાર, રાજકોટ)

* શું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તમારી સલાહ લે છે ?
- હજી સુધી તો એમના એટલા ખરાબ દહાડા નથી આવ્યા....!
(અનિલ પટેલ, ગાંધીનગર)

* અસહિષ્ણુતાને નામે પુરસ્કારો પરત કરીને આ લોકો સાબિત શું કરવા માંગે છે ?
- આનાથી ઓછા ભાવમાં ચીપ પબ્લિસિટી બીજી કઈ મળવાની ?
(નાનુભાઈ રાઠોડ, નવસારી)

* અબજો રૂપિયાના ખર્ચે અમદાવાદથી મુંબઇની બુલેટ ટ્રેનની શી જરૂર છે ? આટલા પૈસા ગરીબો માટે ખર્ચાય તો ?
- તમે જે સમજો છો, એ ગરીબોની આમાં વાત નથી.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* સાસરી અને જૅલ વચ્ચે તફાવત શું ?
- જૅલમાં તમને બાંધી બાંધીને ફટકારે.....પણ પછી ક્યારેક છોડી ય મૂકે !
(વિમલેશ જાની, મહેસાણા)

* દુનિયા વિશે શું જાણો છો ?
- છેલ્લા રીપૉર્ટ્સ મળ્યા ત્યારે તો દુનિયામાં શાંતિ હતી. એની દસ મિનિટ પહેલાની ખબર નથી.
(મધુલતા માંકડ, મુંબઈ)

* તમારી સામે ત્રણ સુંદર સ્ત્રીઓ બેઠી હોય, જેમને 'તમે' ખૂબ ગમો છો. એ ત્રણેને ખોટું ન લાગે, એવા વખાણ કોઇ એક જ સ્ત્રીના કેવી રીતે કરો ?
- ચોથી ય એટલામાં જ ક્યાંક હોય ને....?
(કૈરવ દવે, અમદાવાદ)

* તમે પ્રાઇમ મિનિસ્ટર બનો તો પહેલા ક્યા દેશના પ્રવાસે જાઓ ?
- પાકિસ્તાનના. ત્યાં ફક્ત પોતાનો જ મઝહબ ધ્યાનમાં રાખવાનો હોય છે.
(મોહમદ એહજાઝ ખીમાણી, અમદાવાદ)

* પતિ થયા એટલે પતી ગયા, એવું સાંભળવાને કારણે હું પરણવાનો નથી. શું સલાહ છે ?
- પતિ થવા કરતા પતી જવામાં વધારે ફાયદા છે.
(હરિત વ્યાસ, જામનગર)

* હાલની એસ.ટી. બસો વિશે તમારો શું અભિપ્રાય છે ?
- એક જમાનામાં એની ઍમ્પ્લોઇઝ કૉ-ઑ.બૅન્કમાં મેં નોકરી કરી છે....એટલે એસ.ટી. કોઇ જેવી તેવી તો ન જ હોય ને ?
(હમઝા મકવાણા, ભાવનગર)

* આપની દ્રષ્ટિએ દુનિયાનો શ્રેષ્ઠ બિઝનૅસ ક્યો ?
- દુનિયા આખી તમારી સામે સર ઝૂકાવીને પૈસા ય આપે, એનાથી ગૌરવવંતો ધંધો બીજો ક્યો હોય....?
હૅરકટિંગ સલૂનનો.
(સોહમ બી. દવે, અમદાવાદ)

* રાહુલ ગાંધી વિશે આપનો શું અભિપ્રાય છે ?
- અભિપ્રાય આપવો પડે, એટલી મહત્ત્વની એ વ્યક્તિ નથી.
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

* મહિલા સુરક્ષા વિશે શું માનો છો ?
- આપણે પુરૂષોએ આપણી સુરક્ષા જાતે કરી લેવી જોઇએ...એમની ઉપર આધાર ન રખાય !
(ધર્મેશ જોશી, સુરત)

* સંપૂર્ણ બહુમતિ સાથેના મજબુર વડાપ્રધાન....સુઉં કિયો છો ?
- હાલમાં તો સંપૂર્ણ મજબુરી સાથેના લાચાર વડાપ્રધાન લાગે છે.
(ધીરેન મોનાણી, જામનગર)

* હું આર્મીમાં જોડાવા માંગુ છું. કોઇ સલાહ ?
- સલાહ નહિ....તમને તો વંદન કરાય !
(શ્રેય સવસાણી, લાલપુર-જામનગર)

* ભાવ અને અભાવ વચ્ચે શું તફાવત હોય ?
- ભાવ આસમાને ચઢે.... અભાવના ભાવ ન બોલાય.
(ભાવના મેહતા, અમદાવાદ)

No comments: