Search This Blog

08/04/2016

વારિસ ('૬૯)

વારિસ ('૬૯)
નિર્માતા: વાસુ મૅનન
દિગ્દર્શક : રામન્ના
સંગીતકાર : રાહુલદેવ બર્મન
ગીત-સંવાદ : રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ : ૧૫૮-મિનિટ્સ
કલાકારો : જીતેન્દ્ર, હેમા માલિની, મેહમૂદ, અરૂણા ઈરાની, પ્રેમ ચોપરા, સુદેશ કુમાર, નાઝિમા, કામિની કૌશલ, ડૅવિડ અબ્રાહમ, ચમનપુરી, મનોરમા, સુંદર, અશોકન, ડૅઝી ઈરાની, માસ્ટર સચિન અને નીતુ સિંઘ (બાળકલાકાર - બૅબી સોનિયાના કિરદારમાં)

**************************************
ગીતો
૧.એક બેચારા પ્યાર કા મારા, રાહોં મેં તેરી.... મુહમ્મદ રફી
૨.લહેરા કે આયા હૈ, ઝોંકા બહાર કા, મૌસમ હૈ... લતા-રફી
૩.કભી કભી ઐસા ભી તો, હોતા હૈ જીંદગી મેં... લતા-રફી
૪.દિલ કી લગી કો છુપાઉં કૈસે, બાહોં મેં તેરી મૈ... લતા મંગેશકર
૫.ચાહે કોઈ મુઝે ભૂત કહે (પૅરોડી સોન્ગ)... આશા-રફી
૬.કૌન હૈ વો કૌન મુઝે જીસને બુલાયા... આશા-મન્ના ડે
*******************
એક આ ફિલ્મ જોવાનો મને બહુ મોટો ડોડળીયો ઉપડેલો. હું ખડખડાટ હસતો અને આજે એ ફિલ્મ જોયાના ૪૫-વર્ષો પછી ય ખાસ તો મહેમુદને યાદ કરું છું ને હું એકલો એકલો હસી પડું છું. મને એ યાદ નથી કે, આ ફિલ્મ મેં કેટલીવાર જોઈ હશે (એમાંની ૪-૫ વાર તો મારા જામનગરમાં જોઈ હશે!) ને તો ય આજે પણ ધરાતો નથી.

મતલબ, શું બહુ ક્લાસ-વન ફિલ્મ હતી?

નો. ફિલ્મ તો ઍઝ યૂઝવલ, ફાલતુ હતી પણ ફાલતુ ફિલ્મોમાં ય કૉમેડી છલોછલ હોય તો... આજે એેટલું હસાવનારું ય ક્યાં છે મેહમુદ એની ફિલ્મી કરિયરના સર્વોત્તમ શિખરે હતો અને એમાં ય સંવાદોમાં સાથ રાજીન્દર કિશનનો મળ્યો, એટલે મેહમુદ હોય, એના દ્રષ્ય દ્રષ્યે ધૂમધામ હસવું આવે જ. ફિલ્મ પાછી વારંવાર જોવી ગમે એના બીજા ય બે-ત્રણ કારણો હતા, જેમાંનું બીજું કારણ નવાસવા આવેલા સંગીતકાર રાહુલદેવ બર્મનનું બેનમૂન સંગીત અને ગીતો. જીતેન્દ્ર આમ કાંઈ આપણને જોવો ન ગમે, પણ અહીં ડાન્સમાં એ પૂરો જામ્યો છે.

બર્મને રફી પાસેથી જે કામ લીધું છે, એ એ જમાનાના મુહમ્મદ રફી પાસેથી અજાયબ હતું. દા.ત. જીતેન્દ્રના ગીતમાં 'એક બેચારા...' પછી રફી 'હૂ-હૂ' ગાય, એ જ કોઈના માનવામાં આવે એવી વાત નહોતી, કે રફી આવા અવાજમાં ય ગાય? રફીસાહેબના અવાજમાં યુવાનોની સ્ફૂર્તિ ઝગારા મારતી હતી, જે ગીતની શરૂઆતમાં 'લાહિ... લ્લા' બૂમો (પણ સૂરિલી) પાડે છે, એ કોઈએ આજ સુધીના રફી પાસેથી ઍક્સપૅક્ટ ન કરી હોય! એવી જ રીતે, પરફૅક્ટ શમ્મી કપૂરના પડછાયામાં આવીને પોતાને માટે 'ધી જમ્પિન્ગ-જૅક'નું બિરૂદ મેળવ્યું, એમાં એના આવી ફિલ્મોના ડાન્સીઝ પણ કામમાં આવ્યા.

રાહુલદેવ બર્મનની એન્ટ્રી પછી મુહમ્મદ રફી હોય કે લતા મંગેશકર, મૅલડીના ગીતો ગયા કામથી, એને બદલે ખાસ તો રફી કે કિશોરના આવા 'હૂ-હૂ' ગીતો સામાન્ય પ્રજામાં પૂરજોશ લોકપ્રિય થવા માંડયા. જીતુનું ફિલ્મ 'ફર્ઝ'નું 'મસ્ત બહારોં કા મૈં આશિક મૈં જો ચાહે યાર કરું...' એ જ ફિલ્મના પાંચ-સાત વર્ષ પહેલા સાંભળ્યું હોય તો કોઈ માની ન શકત કે, રફી આવા ગીતો પણ ગાય છે? ઓન ધ કોન્ટ્રારી, રફી એવા ગીતોમાં જ વધુ ચાલવા માંડયા. જૉય મુકર્જી, શશી કપૂર, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, શમ્મી કપૂર કે ઈવન વિશ્વજીત જેવા ગંભીર પર્સનાલિટીવાળાઓને ય આવા હૂ-હૂ ગીતો મળવા માંડયા અને એ જ ગીતો ચાલ્યા પણ ખરા.

વર્ષોથી ચાલ્યા આવતા મૅલડીના સળંગ બબ્બે દાયકાઓને પૂરા કરી, વેસ્ટર્ન મ્યુઝિકનો ટ્રેન્ડ શરૂ કરાવનાર આર.ડી. બર્મન હતો. કમનસીબે, એના પિતા સચિનદેવ બર્મનની જેમ એ ફિલ્મોની સંખ્યા અને ક્વૉલિટી જાળવી ન શક્યો, એમાં એનો સૂરજ બહુ અણધારી રીતે આથમી ગયો.

કામમાં આવે એવી તો આ ફિલ્મ પણ હતી. રંગીન ફિલ્મો હજી નવીસવી હતી ને એમાં ય ફિલ્મ મદ્રાસમાં બનેલી હોય એટલે પૈસેટકે નિર્માતાએ ધૂમધામ મચાવી હોય. ચલો, થોડી માંડીને વાત કરું.

ફિલ્મની વાર્તા રાજા-મહારાજાઓની એ જ ઘીસીપિટી-મતલબ, નાનપણમાં રાજકુમાર ખોવાઈ જાય છે, એને બદલે મોટા થઈને ત્રણ-ત્રણ રાજકુમારો ગાદીના વારસ તરીકે નામ નોંધાવવા આવે છે. એમાંનો પહેલો પ્રેમ ચોપરા, બીજો જીતેન્દ્ર અને ત્રીજો મેહમુદ જે પહેલેથી જ અરૂણા ઈરાની સાથે પરણીને નવા રાજકુમાર તરીકે પોતાનું ફૉર્મ ભરવા આવે છે, ત્યારે પોતાના જયપુરી શુટ, ગૉગલ્સ અને રજવાડી સાફાના લૅબલો ય ચોંટાડતો આવે છે. સ્વર્ગસ્થ મહારાજ અસલી રાજકુમારની શનાખ્ત (ઓળખ) એક ફાઈલમાં લખીને ગયા હોય છે, જે ચાર વહિવટદારો-મનોરમા, ડૅવિડ, સુંદર અને ચમનપુરી દરેક નવા રાજકુમારનો ઈન્ટરવ્યૂ લે છે, જેમાં ચારેય પાસ થાય છે.

મુખ્ય વહિવટદાર ડૅવિડની પુત્રી (હેમા માલિની)ને જે કોઈ રાજકુમાર નક્કી થાય એની સાથે પરણવાનું હોય છે. બાકીના બેમાંથી એક પરણેલો મેહમુદ તો રદબાતલ થયો, પણ પ્રેમ ચોપરા ય નંખાય એટલા દાણા નાંખી જુએ છે. બીજી બાજુ, ખોવાયેલા રાજકુમારની સગી નાની બહેન (નીતુ સિંઘ) ભાઈશ્રી જીતેન્દ્રને પોતાનો ભાઈ માની બેસે છે, પરંતુ રાજગાદી મેળવવાના કાવાદાવા હેઠળ પ્રેમ ચોપરા અસલી રાજકુમાર (સુદેશ કુમાર)ને ગોંધી/સંતાડી રાખે છે. ઘણી બધી દોડધામ અને નાટકબાજી પછી જીતેન્દ્ર અને મેહમુદ એક થઈને પ્રેમ ચોપરાના કરતુતો ખુલ્લા પાડે છે, જે દેશ કા દુશ્મન (અશોકન-સાઉથનો મશહુર વિલન)ના હાથનું રમકડું માત્ર છે. આ બધા ભેગા મળીને એને ય સીધો કરે છે.

મેં કીધું તેમ, ફિલ્મની વાર્તા કે ઈવન ફિલ્મબિલ્મમાં કોઈ શકરવાર નથી અને બધી ફિલ્મો એવા શકરવાર માટે જોવાની પણ ન હોય.

જીતેન્દ્ર માટે માન એટલે થાય કે, આમ તો ફિલ્મોના કોઈ બેકગ્રાઉન્ડ વિના કેવળ પૈસાના જોરે હીરો બનવા આવ્યો હતો. એટલે સુધી કે, રાજશ્રી સાથેની ફિલ્મ 'ગૂનાહોં કા દેવતા'માં એ સામેથી પૈસા આપીને હીરો બન્યો હતો. નિર્માતા દેવી શર્મા પાસે શંકર-જયકિશનને આપવાના પૈસા નહોતા, તે જીતુભ'ઈએ પોતાના હિસ્સા આપીને શંકર-જયકિશનને મનાવી લીધા. એ બન્નેનું નામ મોટું હતું, એટલે ફિલ્મ નહિ તો ગીતો હિટ જ જાય તો ય ચાર લોકોમાં જીતુભ'ઈ પૂછાય. નસીબનો બળીયો અને હાઈટ-બૉડી અને દેખાવ ફિલ્મી હીરો જેવો હતો, એટલે ચાલ્યો ય ખરો. એક્ટિંગ-બૅક્ટિંગ તો બીજા કોઈને ય ક્યાં આવડતી હતી તે આણે મહેનત કરવા જવું પડે? પછી તો જીતેન્દ્ર એટલી હદે ચાલ્યો કે શહેરમાં રીલિઝ થયેલી મિનિમમ બે-ત્રણ ફિલ્મો તો એની જ હોય. એનો તો જમાનો ય કદી આથમ્યો નહિ.

બહુ ઓછાને ખબર હશે કે, અમૃતસર-પંજાબના જ્વૅલરનો આ છોકરો મુંબઈની સિધ્ધાર્થ કોલેજમાં રાજેશ ખન્નાનો ક્લાસમેટ હતો.

સફળતા માત્ર સફળતાને જ નહિ, સુંદર સ્ત્રીઓને ય ખેંચી લાવે છે. આમ તો ભ'ઇ પરણેલા હતા. (શોભા સિપ્પીને) પણ એજ વખતે ખીલતી કળી થઈને પૂરબહારમાં ખીલેલી હેમા માલિની સાથે ભ'ઈને પ્રેમ થઈ ગયો એ બન્ને પરણવાની છેલ્લી ઘડી સુધી પહોંચી ગયા હતા, પરંતુ એ વખતે આપણો ગરમ-ધરમ ઉર્ફે ધર્મેન્દ્ર પણ લંગસીયું નાંખીને બેઠો હતો. એને જેવી છાનામાના થતા આ લગ્નની ખબર પડી કે તરત જ જીતુ-પત્ની શોભાને લઈને સીધો લગ્નમંડપ પર પહોંચી ગયો અને લગ્ન અટકાવી દીધા. જીતુ આઉટ... ઍન્ડ ધરમ ઈન!

આમે ય બહેન હેમાને કૂંવારા કરતા પરિણિત પુરૂષો અનુભવી હોવાને કારણે વધુ કિફાયતભાવે પડતા હોવાથી હે વાંચક... સારું થયું, તમે બચી ગયા.

બાકી આજે રૂ. ૧૦૦-કરોડ કે રૂ. ૨૦૦-કરોડની ફિલ્મોની વાતો ચાલે છે, તે બધો આમ જોવા જાઓ તો પબ્લિસિટી સ્ટન્ટ છે. આપણા જમાનામાં એક શહેરમાં એક ફિલ્મ એક જ સિનેમામાં આવીને છ-છ મહિના ચાલતી. ટિકીટના દર પણ રૂ. ૧.૦૦, રૂ. ૧.૪૦ અને રૂ. ૧.૬૦, એટલે સો કરોડની વાત પૉસિબલ નથી. આજે નવી ફિલ્મનો એક ટિકીટનો દર સીધો રૂ. ૨૫૦/- કે રૂ. ૩૦૦/- અને તે ય શહેરના એક સામટા ૫૦-૬૦ થીયેટરમાં આવે. ટિકીટનો ભાવ નિર્માતા નક્કી કરે તે, એટલે આટલા બધા સિનેમાઘરોમાં ટિકીટનો આટલો ભાવ ગણી જુઓ તો રૂ. ૧૦૦/- કરોડ ઓછા લાગશે.

ત્યારે એ જમાનામાં એકલો જીતુ ચાલતો હતો અને ત્રિરાશી આજની ટિકીટના ભાવ સાથે મૂકવા જઈએ તો એ તો રૂ. ૧૦૦-૨૦૦ કરોડ ઉપર ક્યારનો પહોંચી ગયો હતો. એમાં ય એ જમાનામાં જ નહિ, આજે પણ કહેવાય છે કે, મદ્રાસ (ચેન્નઈ)ની હિંદી ફિલ્મોમાં કામ કરવા મળે એટલે મુંબઈ કરતાં ઑલમોસ્ટ બમણો ભાવ ઍક્ટરને મળે અને જીતેન્દ્ર મદ્રાસની ફિલ્મમાં સૌથી મોટી ડીમાન્ડ પર હતો.

નિતુ સિંઘ બેબી સોનિયા તરીકે બાળકલાકારના રૂપમાં આવતી, એમાં જીતુનું ચલણ કેટલા બધા વર્ષો ચાલ્યું કે, 'પ્રિયતમા' જેવી ફિલ્મોમાં નિતુ સિંઘ એની હીરોઈન તરીકે આવી. અરૂણા ઈરાની હજી તાજી તાજી મેહમુદમાં લપટાઈ હતી, એટલે આ ફિલ્મમાં એનો રૉલ નામ પૂરતો હતો. એણે પૂરવાર થવાનું હજી બાકી હતું.

પણ પુરવાર થવાનું આર.ડી. બર્મને અદ્ભુત કરી બતાવ્યું. એના ઘણા ગીતોમાં એ પ્રયોગ કરતો - ખાસ કરીને રિધમ-સૅક્શનમાં માદલના ઉપયોગ દ્વારા બાકીના તમામ સંગીતકારોને એ રવાડે ચઢાવી દીધા પણ બીજા માટે માદલનો ઉપયોગ ચોરીચપાટી સિવાય કંઈ નહોતો. નવા પ્રયોગની વાત કરીએ તો ફિલ્મમાં લતા-રફીના યુગલગીત, 'કભી કભી ઐસા ભી તો હોતા હૈ જીંદગી મેં, રાહ મેં ચલતે રાહી, ખો ગયે બેખુદી મેં...' ગીત ભરજંગલની અંધારી વરસાદી રાતમાં જીતુ-હેમા પલળતી ગાડીમાં બેઠા બેઠા ગાય છે. અહીં રૅકોર્ડિંગની ખૂબી એ કરવામાં આવી છે કે, જ્યારે ગીત ગાડીની અંદરથી સંભળાતું હોય ત્યારે અવાજ રૅગ્યુલર આવે, પણ કેમેરા ગાડીની બહાર જઈને ગીત સંભળાવે ત્યારે અવાજ ધીમો થઈ જાય.

યસ. ફિલ્મ-બિલ્મ તો ઠીક છે... મારી જેમ ખડખડાટ હસવું હોય તો આ ફિલ્મ બેશક જોવા જેવી ખરી-ખાસ કરીને મેહમુદ અને રાહુલદેવ બર્મન માટે.

No comments: