Search This Blog

03/04/2016

ઍનકાઉન્ટર :03-04-2016

* તમે તમારો ફોટો 'એનકાઉન્ટર'માં કેમ મૂકતા નથી ? 
- તમે સવાલો પૂછવાનું બંધ કરી ન દો માટે ! 
(અર્પિતા શાહ, અમદાવાદ) 

* શ્રવણના માતા- પિતાનું નામ શું હતું ? 
- હવે આધારકાર્ડ મળવાના છે. એમાં જોઇ લેશો. 
(મયૂર જે.મહેતા, વડોદરા) 

* કોલેજ કાળ દરમ્યાન મળેલ સ્વચ્છતા- મેડલ પત્ની ભંગારમાં આપવાની વેતરણમાં હતા. મેં કહ્યું, 'આના કરતા પાછું આપી દઇએ, તો છાપામાં નામ આવે. તમે ઇન્ટેલિજેન્ટ છો. સલાહ આપો, શું કરવું ?' 
- તમે પણ ઇન્ટેલિજેન્ટ છો. કોને ભંગારમાં અપાય ને કોને પાસે રખાય, તેની ખબર હોવી જોઇએ. 
(ડૉ.અમિત પી.વૈદ્ય, બાયડ) 

* જેલના કેદીઓ અને રાજકારણીઓના કપડાં સફેદ હોવાનું કારણ શું ? 
- કેદીઓ જાહેરમાં ક્યારેય કપડાં કાઢતા નથી. 
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ) 

* રામરાજ્ય વખતે 'પ્રાણ જાય, પર વચન ન જાય.' અત્યારે ? 
- રામ જાય, પર રાજ ન જાય. 
(હેતુ ટેલર, હિંમતનગર) 

* મારે એક સાથે બે પત્નીઓ રાખવી છે. કોઇ ઉપાય ? 
- ભ'ઇ, કોઇ આમને જૂતું સુંઘાડો. 
(ચંદ્રકાંત રાઠોડ, અમદાવાદ) 

* મતદાનની ઉંમર ૧૮ની, પણ લગ્નની ૨૧ની કેમ ? 
- મતદાન માટે સરકારને ખાત્રી હોય છે કે, હવે આનામાં બુદ્ધિ આવી ગઇ હશે ! 
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ) 

* ના બોલવામાં નવ ગુણ ને બોલે તેના બોર વેચાય.. કરવું શું ? 
- ગુંગણું બોલવા માંડો. 
(વેદાંત દિવેચા, વડોદરા) 

* તમારા મતે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હોઇ શકે ? 
- બોલો, તમને મારા ઉપર ડાઉટ છે ને ?... પણ હજી પાંચેક વર્ષ સુધી મારી તબિયત સારી નથી. 
(રિતેશ કુબાવત, જામદુધઇ) 

* 'આઇએસ' વિશે તમારું શું માનવું છે ? 
- મારા માનવા/ ન માનવા ઉપર દેશ નથી ચાલતો... મોદીસાહેબ શું માને છે, તે જુઓ. 
(જલક એ.પટેલ, રહિયોલ) 

* હવેથી 'એનકાઉન્ટર'માં જવાબો હું આપીશ તમે શું કરશો ? 
- હું ક્યાંય એવું બોલ્યો કે હવેથી ઇન્જેક્શનો હું આપીશ ? 
(ડૉ.મયંક છાયા, અમદાવાદ) 

* દરેક હાસ્યલેખકની વાતમાં કટાક્ષ કેમ હોય છે ? 
- આ ફરિયાદ છે કે અભિનંદન ? 
(જયદીપ પાબાની, સુરત) 

* દેશમાં ક્રિકેટ મહત્વનું છે કે હૉકી ? 
- તમને સમજ પડે એ. 
(શાર્લિન્સન ક્રિશ્ચિયન, અમદાવાદ) 

* કમ્પ્યુટરના જમાનામાં ખરાબ અક્ષરવાળા તો બચી ગયા ને ? 
- હું 
(જીતેન્દ્ર કેલા, મોરબી) 

* લાગે છે કે, સલમાને હવે પોતાની ફિલ્મી શાદીઓથી જ મન મનાવવું પડશે ! 
- તમારા તો દર વખતે રૂ.૧૧/- બચે છે ને ? 
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ) 

* 'એન્કાઉન્ટર' હંમેશા રવિવારે જ કેમ આવે છે ? 
- બુધવાર અને શુક્રવારે બીજા બે વધુ સારા લેખો આવે છે, માટે ! 
(કિશન મકવાણા, ગારીયાધાર) 

* તમે વધારે ખુશ ક્યારે થાઓ છો ? 
- જ્યારે પણ ભારતનો કોઇ પણ ક્ષેત્રે વિજય થાય છે. 
(શ્યામ દેવમુરારી, પોરબંદર) 

* 'પ્રેમ રતન ધન પાયો' ફિલ્મ વિશે તમારું શું માનવું છે ? 
- મેં ફિલ્મ જોઇ નથી, પણ સલમાન ખાન મને ગમે છે. 
(રીમા દવે, અમદાવાદ) 

* તમારા મતે સસરાનું ઘર કેટલું દૂર હોય, એ સારૂં કહેવાય ? 
- એ તો સાસુના ઘરની સાથે જ હોય તો સારૂં. 
(નેહલ ડોબરીયા, વીરપુર- જલારામ) 

* તમે આનંદીબેનને હસાવવા શું કરી શકો ? 
- એમની સામે જોઇને સ્માઇલ આપું. 
(હિતેશ રાઠોડ, વડોદરા) 

* આમિરખાન દેશ છોડીને જવાનું કહે છે... એને ક્યાં મોકલાય ? 
- પાકિસ્તાન. એને ય ખબર પડે કે, ભારતથી આવેલાઓ (મુહાઝીરો) સાથે ત્યાંની પ્રજા કેવો વર્તાવ કરે છે. વિશ્વાસ ન હોય તો આમિરની જ ફિલ્મ 'સરફરોશ' એને જ બતાવવા જેવી છે. 
(સુદેશ માખેચા, અમદાવાદ અને મધુકર મેહતા, વિસનગર) 

* પનોતિ કોને કહેવાય ? 
- આપણા બે સિવાય કોઇને બી ! 
(જીયા અંધારીયા, ભાવનગર) 

* સફળ માણસો અક્કડ વધારે હોય છે. આપનું શું માનવું છે ? 
- હવે મારે સફળ ગણાવવું હોય તો, તમે ચોકડી મારી દીધી ને ? 
(અફરોઝ મીરાણી, મહુવા) 

* બિહારમાં પણ હવે ગુજરાતની જેમ દારૂબંધી..! સુઉં કિયો છો ? 
- તમારે ગુજરાતમાં કોઇ ઓળખાણ- બોળખાણ હોય, તો આપણે બિહારમાં છે...! 
(નારણ આહિર, સુરત) 

* આજકાલની ફિલ્મોના ગીતો યાદ કેમ રહેતા નથી ? 
- તમારો ટેસ્ટ ઊંચો છે માટે. 
(શશીકાંત દેસાલે, સુરત)

No comments: