Search This Blog

22/04/2016

'સમાધિ' ('૫૦)

વો પાસ આ રહે હૈં, હમ દૂર જા રહે હૈં......
ગોરે ગોરે, ઓ બાંકે છોરે
આઝાદીના સમયની એક સત્યઘટના

ફિલ્મ : 'સમાધિ' ('૫૦)
નિર્માતા : ફિલ્મિસ્તાન સ્ટુડિયો
દિગ્દર્શક : રમેશ સેહગલ
સંગીત : સી. રામચંદ્ર
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ
કલાકારો : અશોક કુમાર, નલિની જયવંત, કુલદીપ કૌર, શ્યામ, મુબારક, એસ.એલ. પુરી, બદ્રીપ્રસાદ, ડૅવિડ, ઍન. કબિર, શશી કપૂર અને નેતાજી સુભાષચંદ્ર બોઝના પાત્રમાં 'કૉલિન'.ગીતો
૧.નેતાજી અમર રહો.... કદમ કદમ બઢાયેજા....સી.રામચંદ્ર
૨.વો પાસ આ રહે હૈં, હમ દૂર જા રહે હૈં...લતા મંગેશકર
૩.અભી શામ આયેગી, નીકલેંગે તારેં....લતા મંગેશકર
૪. ઇધર મુહબ્બત.......શમશાદ બેગમ
૫. નેતાજી કા જીવન.....સી.રામચંદ્ર
૬. ગોરે ગોરે, ઓ બાંકે છોરે, કભી મેરી....શમશાદ-અમીરબાઇ

ઇ.સ. ૧૯૫૦-માં જેટલી હિંદી ફિલ્મો ઉતરી હતી, તે બધામાં સૌથી વધુ કમાઇ ગઇ'સમાધિ.' જંગે આઝાદીનું મિશન લઇને બેઠેલા નેતાજી સુભાષચંદ્ર બૉઝે મેલેશીયામાં બેઠા બેઠા 'આઝાદ હિંદ ફૌજ' બનાવી 'હિંદ છોડો'ની જંગ છેડી હતી, જ્યાંના હિંદુસ્તાનીઓએ પોતાની પાસે જે કાંઇ સાધનસંપત્તિ હતી, તે નેતાજીને સમર્પિત કરી એ લડતને બાકાયદા સફળ બનાવી હતી.

જંગે આઝાદીનો જોશોખરોશ પૈદા કરવાની એક નાનકડી સભાને અંતે નેતાજી ઉપસ્થિતોને ટહેલ નાંખીને પૂછે છે, ''તમે મને પહેરાવેલા આ હારની સૌથી વધુ કિંમત કોણ આપી શકે છે?'' ત્યારે કૉમેડિયન ડૅવિડ દ્વારા ફક્ત ₹. ૫૦૦/- (....ઍન્ડ નો જૉક્સ, પ્લીઝ! એ સમયના ₹. ૫૦૦/- એટલે.... એક સામાન્ય સુખી માણસનો મહિનાનો સરેરાશ પગાર ₹. ૩૦/- હતો.)થી શરૂ થયેલી હરાજીની બોલી આપણો હીરો અશોક કુમાર ₹. ૭-લાખ પહોંચાડીને નેતાજીના પગમાં આળોટી જઇ યાચના કરે છે, ''બસ નેતાજી....યે હાર સિર્ફ મુઝે હી દીજીયે.... મેરે પાસ ઇસ સે જ્યાદા પૈસે નહિ હૈ....'' ત્યારે નેતાજી ભાવુક થઈને સુંદર શબ્દો કહે છે, ''જે દેશમાં તારા જેવા વતનપરસ્ત હોય, એ દેશ ગુલામ રહી જ ન શકે !'' અને એ હાર અશોક કુમારને મળે છે, એની પ્રેમિકા નલિની જયવંતની ખુશીયોની બૌછારની વચ્ચે!

આપણા એ સમયના પ્રેક્ષકો પણ કેવા વતનપ્રેમી કે, ૧૯૫૦-ની સાલની આ ફિલ્મને ₹. એક કરોડ ૩૫-લાખ કમાવી આપ્યા હતા. અલબત્ત, આ પહેલા ફકરા પછી ય જે નિરીક્ષણ મેં લખ્યું, એનાથી ઉશ્કેરાઇ જઇને તાબડતોબ આ ફિલ્મની ડીવીડી મંગાવી લેવાની જરૂર નથી. ફિલ્મ ઘણી કંટાળાજનક અને અંધારી-અંધારી હતી. અભિનય તો સ્વયં અશોક કુમારનો ય 'અભિનય' ન કહેવાય, એટલો સામાન્ય હતો. આ ફિલ્મનુ આજતક યાદ રહી ગયેલું એક માત્ર ગીત, 'ગોરે ગોરે, ઓ બાંકે છોરે, કભી મેરી ગલી આયા કરો....' હતું અને લતા મંગેશકરના ચુસ્ત ચાહકોને 'વો પાસ આ રહે હૈં, હમ દૂર જા રહે હૈં....' હતું. એ સિવાય ફિલ્મમાં કાંઇ જોવા/સાંભળવા જેવું હતું નહિ.

યસ. આ ફિલ્મ વિશેની બધી માહિતીઓ મસ્ત મજાની છે - વાંચવી ગમે એવી છે.

નવાઈ પછી, પહેલા આઘાત લાગે કે, મધુબાલા, વૈજ્યંતિમાલા, વહિદા રહેમાન માલા સિન્હા કે મીના કુમારી જેવી તમામ હીરોઇનો હોવા છતાં સમગ્ર હિંદી ફિલ્મજગતની સર્વોત્તમ સુંદર હીરોઇન કોણ, એનો સર્વે (મોટા ભાગે 'ફિલ્મફૅરે') કરાવ્યો, એમાં બધીઓને આઘી હડસેલીને નલિની જયવંત ફર્સ્ટ આવી. અશોક કુમારની એ સમજો ને - ઑફિશિયલ પ્રેમિકા હતી અને ઉદયતારા નાયર નામની લેખિકા પાસે દિલીપ કુમારે લખાવેલી આત્મકથામાં ચોખ્ખા શબ્દોમાં આ લખ્યું છે, જે હું ગ્રામરની એક પણ ભૂલ વગર અનુવાદ કરીને અહીં લખું છું. આ ફિલ્મ 'સમાધિ'નુ શૂટિંગ ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં ચાલતું હતું, એ જ સ્ટુડિયોના બીજા ફ્લોર પર દિલીપ કુમારનું પણ શૂટિંગ ચાલતું હતું.

દિલીપે દાદામોની માટે કાયમ 'અશોક ભૈયા' શબ્દપ્રયોગ કર્યો છે. હવે વાંચો : ''મને કોઇની અંગત જીંદગીમાં માથું મારવાની ટેવ નથી. મને યાદ છે, એક વખત ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં હું અશોક ભૈયા અને નલિની જયવંત સાથે લંચ લેતો હતો, ત્યારે લંચ પતાવીને અશોક ભૈયા તેમના હાથ ધોવા (વૉશરૂમ) બાથરૂમ તરફ જતા હતા, એમની પાછળ પાછળ નલિની પણ ગઇ. મને એમાં કંઇ અનોખું ન લાગ્યું, એટલે હું ય એમની પાછળ પાછળ ગયો. મારે પણ હાથ ધોઇને શૂટિંગ માટે પાછા જવાનું હતું. અચાનક મને ભાન થયું કે, આવી રીતે અજાણતામાં એ બન્નેનો પીછો કરવામાં હું કેવો મૂરખ બન્યો હતો.

મને ખબર પડી જવી જોઇતી હતી અથવા તો એ બન્ને ઊંઘતા ન ઝડપાય, એ માટે કોઇક અવાજ-બવાજ જેવું કરવાનું હતું, જેથી એ બન્ને સાવધાન થઇ જાય. અલબત્ત, એ પછી અમે અનેક વખત મળ્યા હોઇશું, પણ એ વાતનો રૅફરન્સ મેં કદી અશોક ભૈયા પાસે કાઢ્યો નથી.'' અશોક કુમાર ગાંગુલી બંગાળી બ્રાહ્મણ અને નલિની જયવંત મહારાષ્ટ્રીયન સીકેપી....(ચાંદ્રસેનીય-કાયસ્થ-પ્રભુ) હતી. એ લોકોમાં સારસ્વત બ્રાહ્મણો ઉપરાંત દેશસ્થ, કોંકણસ્થ અને કરાડે બ્રાહ્મણો પણ હોય છે, એમાં નલિની સીકેપીમાં આવે. નૂતન-તનૂજાની એ માસી થાય. ૮૪-વર્ષની ઉંમરે એ મુંબઇમાં ઘણી હડધૂત અવસ્થામાં ગૂજરી ગઇ. એની પહેલી ફિલ્મ 'બહેન'ને કારણે એક મોટી સનસનાટી મચી ગઇ હતી.

મેહબૂબ ખાને નલિની સાથે શેખ મુખ્તારને લઇને બનાવેલી આ ફિલ્મમાં આમ તો એ બન્નેને ભાઇ-બહેન બનાવ્યા હતા, પણ જે વિષય ઉપર આજે પણ ફિલ્મ બનાવવાની કોઇ હિમ્મત ન કરે, તે 'ઇન્સેસ્ટ'ના વિષય પરની આ ફિલ્મ હતી. (ઇન્સેસ્ટ એટલે સગા ભાઇ-બેન કે બાપ-દીકરી વચ્ચે બંધાતો શરીર-સંબંધ) નલિનીના પહેલા લગ્ન ગુજરાતી ફિલ્મ નિર્મતા-દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઇ સાથે થયા હતા, જે એને ખૂબ મારઝૂડ કરતો હતો, તેથી છુટાછેડા લઇને પ્રભુ દયાલ નામના અભિનેતા સાથે બીજા લગ્ન કર્યા હતા. અશોક કુમાર સાથેનો પ્રેમસંબંધ ચાલ્યો તો બહુ લાંબો, પણ દાદામોની એમાં બદનામ બહુ થયા, એટલે બધું ગૂંચળું વળી ગયું.

આ ફિલ્મમાં નલિનીની બહેન બનતી ઍક્ટ્રૅસ કુલદીપ કૌર મૂળ તો આપણા ખલનાયક પ્રાણની પ્રેમિકા, પણ ભોળીયો પ્રાણ એને પ્રેમ સમજી બેઠેલો. વાસ્તવમાં કુલદીપ કૌરનું ચરીત્ર ભલભલાને શરમાવે એવું હતું. ખૂબ વિવાદિત પાકિસ્તાની લેખક સઆદત હસન મન્ટોએ લખ્યા મુજબ, આ જ ફિલ્મના સાઇડ હીરો શ્યામ સાથે કુલદીપ ઉઘાડેછોગ રંગરેલીયા મનાવતી. મુંબઇની લોકલ ટ્રેનના ફર્સ્ટ-કલાસના ખાલી ડબ્બામાં મન્ટોના કહેવા મુજબ, શ્યામ અને કુલદીપ ચાલુ ટ્રેને એકબીજા સાથે પૂરી બેશર્મીથી શરીરસંબંધ બાંધ્યો હતો. મુંબઇની જ એક હોટેલમાં બન્ને વચ્ચે ઝગડો થતા સવા છ ફૂટ ઊંચા અને પડછંદ શ્યામે કુલદીપના ચેહરા ઉપર કસીને મુક્કો માર્યો હતો, પણ આ પંજાબણ ખસી જતા મુક્કો ભીંતને વાગ્યો હતો. પેલાનો હાથ તૂટી ગયો, પણ કુલદીપ બચી ગઇ.

એમ તો બચી ગઇ, પણ એના મૃત્યુનું કારણ પણ વિચિત્ર છે. એની હથેળીમાં ફાંસ વાગતા ધનૂર થઇ ગયું. કોઇ ડૉક્ટરને બતાવવાને બદલે એને મુંબઇના હાજી અલી પીરની દરગાહ ઉપર પૂરો વિશ્વાસ, એટલે સખ્ત દુઃખાવાથી એ હાલી પણ માંડ શકતી હતી, છતાં હાજી અલી ગઇ અને ત્યાં જ મૌત એને લઇ ગયું. ભારત પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે મૂળ લાહૌરના પ્રાણે પોતાની બધી સંપત્તિ છોડીને ભારત આવતા રહેવું પડયું હતું, પણ પ્રાણને (પણ) ખૂબ ચાહતી કુલદીપ કૌર લાહૌરથી મુંબઈ એકલી પ્રાણની ગાડી ચલાવીને આવી હતી અને ગાડી પાછી આપી હતી.

No comments: