Search This Blog

15/04/2016

'બ્રહ્મચારી' ('૬૮)

ફિલ્મ : 'બ્રહ્મચારી' ('૬૮)
નિર્માતા-દિગ્દર્શક : ભપ્પી સોની 
સંગીત : શંકર-જયકિશન 
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત 
રનિંગ ટાઇમ : ૧૯ રીલ્સ 
થીયેટર : રીગલ (અમદાવાદ) 
કલાકારો : શમ્મી કપૂર, રાજશ્રી, પ્રાણ, મુમતાઝ, જગદીપ, ધૂમાલ, માધવી, અસિત સેન, મોહન ચોટી, મનમોહન, બૅબી ફરિદા, માસ્ટર શાહિદ, માસ્ટર સચિન, ગુડ્ડી, મેહમુદ (જુનિ.) કૃષ્ણ ધવન, રત્નમાલા, મૃદુલારાણી, બ્રહ્મ ભારદ્વાજ અને ઇંદિરા બંસલ.
******

****** 
ગીતો
૧.ચક્કે પે ચક્કા, ચક્કે પે ગાડી, ગાડી મેં નીકલી.... રફી-કોરસ
૨.આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર... સુમન-રફી
૩.મૈં ગાઉં તુમ સો જાઓ, સુખ સપનોં મેં ખો જાઓ... મુહમ્મદ રફી
૪.મૈં ગાઉં તુમ સો જાઓ, સુખ સપનોં મેં (સ્લો)... મુહમ્મદ રફી
૫.કોઇ પ્યાર હમેં ભી કરતા ક્યું, હમ પર ભી... મુહમ્મદ રફી
૬.તુ બેમિસાલ હૈ, તેરી તારીફ ક્યા કરૂં, મસ્તાના... મુહમ્મદ રફી
૭.દિલ કે ઝરોખે મેં તુઝ કો બીઠાકર, યાદોં કો તેરી... રફી-ક્વૉયર
(ગીત નં. ૧, , , ૪ - શૈલેન્દ્ર, ૬-૭ હસરત અને ૫ - રાજીન્દર કિશન)

એક હવા એવી ચલાવવામાં આવી હતી કે, ફિલ્મ 'બ્રહ્મચારી'ના મુહમ્મદ રફીએ ગાયેલા ખૂબ જાણિતા ગીત 'દિલ કે ઝરોખે મેં તુઝકો બીઠાકર..'ના પ્રીલ્યૂડ-મ્યુઝિકમાં વાગતી જમ્બો ઑરકેસ્ટ્રાનો પિયાનો વગાડવા સંગીતકાર શંકર જાતે બેઠા હતા (ગીતની ધૂન જયકિશને બનાવી હતી, એ વાતમાં કોઇ વિવાદ નથી.) વાસ્તવમાં આ પિયાનો ગોવાનીઝ પિયાનોવાદક રૉબર્ટ કોરિયોએ વગાડયો હતો. માત્ર આ જ નહિ, ફિલ્મ 'છોટી સી મુલાકાત'માં સુમન-રફીના યુગલ ગીત, 'તુઝે દેખાય, તુઝે ચાહા, તુઝે પૂજા મૈંને, બસ ઇતની ખતા હૈ મેરી, ઓર ખતા ક્યા હૈ'નો દિલડોલ પિયાનો પણ રૉબર્ટે વગાડયો છે.

આ તદ્દન હમ્બગ વાત છે. આ જ નહિ, આવા તો અનેક ગીતોમાં પિયાનો ગોવાના આ વિશ્વવિખ્યાત પિયાનિસ્ટે વગાડયો હતો. વાત નાની છે, પણ બહુ ઊંડે સુધી ખૂંપેલા સંગીતચાહકો માટે તો એ વિગત પણ, ''ઍઍઍઍ...મ ?'' વાળો આનંદ ઊભો કરશે. 'કોઇ આયા ધડકન કહેતી હૈ...' એ ફિલ્મ 'લાજવંતી'માં સચિનદેવ બર્મનના સંગીતમાં આશા ભોંસલે અંતરો ગાઇને છોડી દે છે, ''કોઇ આયા---?'' પછી તરત જ ''ટી-૨-ડી-ન..' મૅન્ડોલિન વાગે છે, એ પીસ સંગીતકાર લક્ષ્મીકાંતે વગાડયો છે કે, ફિલ્મ 'દોસ્તી'ના તમામ ગીતોમાં માઉથ-ઑર્ગન રાહુલદેવ બર્મને વગાડયું હતું. અને આવા એકાદ-બે નહિ, અનેક ગીતોની ઝીણકી ઝીણકી વિગતો મળી જાય, જે બધા માટે નહિ, આપણા જેવા આવી 'ક્ષુલ્લક'(!) લાગતી વિગતો જાણવાના શોખિનો માટે કંઇ નવું મળ્યું કહેવાય.

નવું જ જાણવા માટે તો આ લેખમાં ખજાનો ભર્યો છે. દા.ત. શમ્મી કપૂર તો એના દેહાવસાન પછી ય આજે સાક્ષાત હોય, એટલો વહાલો લાગે છે. શમ્મી કપૂરો કદી મરતા નથી. એની ફિલ્મોએ ભારતીય ફિલ્મોનો આખો સીનારિયો બદલી નાંખ્યો, એની પોતાની મૌલિક હીરોગીરીએ હિંદી ફિલ્મોના હીરોલોગને મર્દાનગી અપાવી. રાજ કપૂરના ત્રણે દીકરાઓ જ નહિ, એનું આજનું પૂરૂં ખાનદાન કબુલ કરે છે કે, અમે લોકો સહેજ પણ ટૅન્શનમાં હોઇએ,  તો સીધી શમ્મી-ચાચુની કોઇ પણ ફિલ્મ ફરી એકવાર જોઇ નાંખીએ છીએ. આ કોઇ નાનકડી શ્રધ્ધાંજલિ નથી. જે લોકો ખુદ ગ્રેટ એક્ટરો હોય,તે પોતાને કે પોતાના પપ્પા રાજ કપૂર, શશી કપૂર, રણધીર કપૂર કે રિશી કપૂરને નહિ, શમ્મીને પોતાનો આઇડોલ આજે પણ માને છે અને વાત કપૂર-ખાનદાનથી અટકતી નથી... હું ને તમે ય ક્યાં છીએ ? આપણને વ્યક્તિગત રીતે રાજ-દિલીપ-દેવ ગમે તેટલા ગમતા હોય, શમ્મી તો બધાથી હટકે વહાલો લાગવાનો.

આ ફિલ્મનો દિગ્દર્શક ભપ્પી સોની શમ્મીના બાળપણનો દોસ્ત. બન્ને સ્કૂલમાં ય સાથે અને શરારતોમાં ય સાથે. આ ભપ્પીએ સાઇડ-એક્ટ્રેસ માધવી સાથે લગ્ન કર્યા હતા, જેને તમે આજની ફિલ્મ 'બ્રહ્મચારી' ઉપરાંત ફિલ્મ 'જાનવર'માં પોપટલાલ એટલે કે રાજીન્દરનાથની પ્રેમિકાના રૂપમાં જોઇ છે.

(બાય ધ વે, શમ્મીનો સૌથી જીગરી દોસ્ત પાછો ભપ્પી નહિ, આ પોપટલાલ-રાજીન્દરનાથ !) પણ આ ભપ્પી સોનીએ ખાસ શમ્મી માટે ૩/૪ ફિલ્મો બનાવી હતી, 'જાનવર', 'પ્રિતમ', 'જવાં મુહબ્બત' અને 'બ્રહ્મચારી'. બન્ને કિશોરાવસ્થાથી શરારતી. ભપ્પી આમ તો દિગ્દર્શક રાજ ખોસલાના આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે ફિલ્મોમાં આવ્યો હતો, પરંતુ એ પહેલા મુંબઇના વી.ટી. સ્ટેશનના વડાલા રેલવે સ્ટેશને એ ટિકીટ-કલેકટર (TC) ની 'જૉબ' કરતો. શમ્મી સાંજે એને 'છોડાવવા' જાય. આ 'છોડાવવાનો' મતલબ. ટીસીનો બિલ્લા સાથેનો સફેદ કોટ શમ્મી પહેરી લે અને વડાલાના પેસેન્જરોની ટિકીટો ચૅક કરે, એમાં ભાઇને રોજના ૪૦-૫૦ રૂપિયા મારી ખાવાના મળતા.

આવી 'મેહનત'થી કમાયેલા પૈસાની એ લોકો ફિલ્મ જોઇ આવતા. ભપ્પીનું ગાડું ય એ જ ઢંગથી ચાલતું. બન્નેનો આ રોજનો ક્રમ. એ વાત જુદી છે કે, એ પછી આ રીતે ટ્રેનના મુસાફરોને 'બનાવવાની' જરૂર બન્નેને ન પડી... બન્નેને બનાવવા માટે એ જીવ્યા ત્યાં સુધી ફિલ્મના પ્રેક્ષકો મળી ગયા. શમ્મી કપૂરે પોતાના ચાહકોને ન ગમે, એવો બીજો પણ એક ખુલાસો કર્યો છે કે, હિંદી ફિલમોના આવ્યા પછી એને પહેલી વાર મશહૂર બનાવનાર ગાયક મુહમ્મદ રફી નહિ, પણ તલત મેહમુદ હતા.

ફિલ્મ 'શોલે' બનાવનાર જી.પી. સિપ્પીએ જ આ ફિલ્મ 'બ્રહ્મચારી' બનાવી હતી. યુનાઇટેડ પ્રોડયુસર્સના નેજાં હેઠળ.

બહું કંટાળો ન આવતો હોય તો આ જરા બે લાઇનો 'યુનાઇટેડ પ્રોડયુસર્સ' માટે વાંચી લો. સિપ્પીની માફક શક્તિ સામંત કે નાસિર હૂસેન જેવા બીજા ૪-૫ પ્રોડયુસરો ભેગા મળીને 'ભાગમાં' ફિલ્મો બનાવતા, એટલું જ નહિ, પણ ફિલ્મોમાં જે કલાકારોને સાઇન કરે, એ બધા આમના કૉન્ટ્રાક્ટથી બંધાયેલા રહેતા. આ લોકોની રજા વગર પેલો હીરો-હીરોઇન ગમે તેટલા ગ્રેટ હોય, બીજી ફિલ્મ સાઇન કરી ન શકે. 'કટી પતંગ' અને 'આરાધના'થી રાજેશ ખન્ના ધામધૂમથી ઉચકાયો, ત્યારે છત સુધી કૂદકા મારીને ખુશ થયેલા આ પ્રોડયુસરોએ ખુશ થઇને ખન્નાને જે માંગવું હોય, તે માંગવાનું કહ્યું, ત્યારે ખન્નાએ બે હાથ જોડીને માત્ર એટલું કહ્યું, ''બસ, મને આ કૉન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી દો.'' એનો સિતારો ચઢતો હતો, એટલે પેલા લોકો માની ય ગયા ને એ પછી ખન્નો કેટલું ખીલ્યો, એ બધો ઈતિહાસ છે.

આ ફિલ્મમાં શમ્મીની હીરોઇન એની માનીતી રાજશ્રી છે. ગ્રૅગરી ચૅપમૅન નામના અમેરિકન સાથે લગ્ન કર્યા પછી એણે પોતે ત્યાં ગાર્મેન્ટ્સનો સફળ બિઝનેસ કર્યો અને અવારનવાર મુંબઇ આવતી રહે છે. હજી એ એવી જ નમણી અને સુંદર દેખાય છે, એ કહેવાનું કારણ એટલું જ કે, તમે એને 'બ્રહ્મચારી'માં આટલા વર્ષો પહેલાં જોઇ હોય, એટલે માની બેઠા હો કે, હવે 'માજી' થઇ ગઇ હશે... માય ફૂટ ! હજી રાજશ્રીએ દેખાવનો પોતાનો ગ્રૅસ જાળવી રાખ્યો છે.

ગ્રૅસ નહોતી જાળવી શકી આ ફિલ્મની સાઇડ-હીરોઇન મુમતાઝ. આપણે એ લાંબી વાતોમાં પડવું નથી, પણ 'આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર ઝબાન પર..' ગીત અમથું નહોતું બન્યું. બહેન શમ્મીના ચિક્કાર પ્રેમમાં પડી ગયા હતા અને ભાઇ આ મામલે ગાંજ્યા જાય એમ નહોતા. એક તબક્કે તો શમ્મીના પત્ની નીલાદેવીનું લગ્નજીવન ડામાડોળ થઇ ગયું હતું. એ પહેલા તો આ કૉલમમાં તમે વાંચી ચૂક્યા છો કે, મુમતાઝ કૉમેડિયન મેહમુદની પત્ની બનવા માટે ધાબું-ભોંયરૂં એક કરી ચૂકી હતી. (આકાશ-પાતાળને બદલે ધાબું-ભોંયરૂં વધારે પ્રૅક્ટિકલ લાગે !)

ખૈર. આખી જીંદગી શમ્મી કપૂરે કોઇ યોગ્ય કદરદાનીની અપેક્ષા રાખી હશે. એ આ ફિલ્મમાં પૂરી થઇ. એને આ ફિલ્મ માટે 'ધી બેસ્ટ એકટર'નો એવૉર્ડ મળ્યો હતો - ફિલ્મને મળેલા અન્ય એવૉર્ડ્સની જેમ. ફિલ્મની વાર્તા હતી જ કોઇ સારા એવૉર્ડને કાબિલ ! શમ્મી કપૂર રસ્તે રઝળતા બાળકો માટે બ્રહ્મચારી - આશ્રમ ખોલીને એમને પાળે-પોસે છે. ભણાવે છે, જેથી રસ્તે ભીખ માંગતા ન થાય. એ દરમ્યાન, પોતાના નાલાયક પ્રેમી પ્રાણના દગાથી કંટાળીને આપઘાત કરવા નીકળેલી રાજશ્રીને શમ્મી બચાવી લે છે અને આવું પગલું નહિ ભરવા રાજી કરી લે છે... બશર્તે, રાજશ્રીને એના પ્રેમી પ્રાણ સાથે ભેગી કરાવી આપે. પ્રાણ હલકટ માણસ હોય છે, એની જાણ શમ્મીને હતી, છતાં એ પોતાની ફરજ પૂરી કરે છે ને રાજશ્રીને જ્ઞાાન થાય છે કે કેવા નીચ માણસને એ પ્રેમ કરી બેઠી હતી. દરમ્યાનમાં શમ્મીને પોતાની જાળમાં મુમતાઝ પણ કામચલાઉ ફસાવી શકે છે, પણ હિંદી ફિલ્મોના વણલખ્યા નિયમ મુજબ, હીરો તો હીરોઇનને જ મળવો જોઇએ, એ ધોરણે થોડીઘણી નાટકબાજીઓ પછી બન્ને પ્રેમી ભેગા થાય છે.

માનવામાં ન આવે એવું ભવિષ્ય એ કે આ સમયના તમામ બાળકલાકારોનું બન્યું. એકે ય ચાઇલ્ડ-આર્ટિસ્ટ મોટો થઇને થોડું ય નામ કાઢી શક્યો. સચિન, શાહિદ, ડૅઝી-હની ઈરાની, બૅબી ફરીદા, માસ્ટર બબૂલી કે જુનિ. મેહમુદ કે છેલ્લે છેલ્લે શેખર કપૂરની ફિલ્મ 'માસુમ'માં ચમકેલો ગુજરાતી છોકરો... મોટા થઇને બધા સાગમટે ફેંકાઇ ગયા.

આનંદ અમને શંકર-જયકિશન પ્રેમીઓને એ વાતનો થાય કે, આમ તો '૬૬ ની સાલ પછી તમામ સંગીતકારોના દહાડાપાણી ભરાઇ ગયા હતા, ત્યારે આ બન્નેએ આ ફિલ્મમાં આપેલું સંગીત હજી ય સ્ટેજ પ્રોગ્રામોમાં ગવાતું રહે છે. મને યાદ છે, 'ફિલ્મફેર એવૉર્ડ્સ નાઇટ'માં પોતાનો શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ લેવા શમ્મી કપૂર સ્ટેજ પર આવતો હતો, ત્યારે આયોજકોએ બેકગ્રાઉન્ડમાં હળવા લયમાં મુહમ્મદ રફીએ આ ફિલ્મ માટે ગાયેલું, ''મૈં ગાઉં તુમ સો જાઓ...'' વગાડીને પ્રસંગને લાગણીભીનો કરી નાંખ્યો હતો. શમ્મીએ વધતી ઉંમર,નવો આવી રહેલો ફાલ તેમ જ પોતાની બ્રાન્ડની ફિલ્મોની ઘટતી ડીમાન્ડને ધ્યાનમાં રાખીને આ જ ફિલ્મથી હીરોગીરીને છેલ્લી સલામ કહી દીધી હતી.

શમ્મી કપૂરો પણ લાઇફટાઇમમાં એક જ થાય છે.

No comments: