Search This Blog

29/04/2016

'પૈસા હી પૈસા' ('૫૬)

'પૈસા હી પૈસા'માં 'મધર ઈન્ડિયા' કરતા ય ઘટીયા રોલ એણે કર્યો હતો. શકીલા એવી કોઇ ક્લાસ-વન હીરોઇન નહોતી, એટલે એને નહાવા-નિચોવવાનું ખાસ કાંઇ હતુ નહિ, જ્યાં કિશોર કુમાર ખુદ માટે ય કાંઇ કરી બતાવવા જેવું નહોતું ! શકીલા જ્હૉની વૉકરની સગી સાળી થાય અને મેહમુદ એક જમાનામાં એને પત્ની બનાવવા માંગતો હતો-સસ્તા તરીકે એની પાછળ પડી જઇને, ત્યારે શકીલાની ફરિયાદ પરથી રાજ કપૂરે મેહમુદને ફિલ્મ 'પરવરીશ'ના સેટ પર ખખડાવ્યો હતો કે, કમસેકમ એક સ્ત્રીને તો બહેન માનીને ચાલ ! યસ. આ ઠપકા પછી મેહમુદ એકે ય વાર શકીલાની નજીક ફરક્યો નથી.

ફિલ્મ : 'પૈસા હી પૈસા' ('૫૬)
નિર્માતા : મેહબૂબ ખાન
દિગ્દર્શક : મેહરીશ
સંગીત : અનિલ બિશ્વાસ
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ
કલાકારો : કિશોર કુમાર, માલા સિન્હા, શકીલા, રાધાકિશન, શ્યામકુમાર, અમર, મુકરી, ઝૂલ વેલાણી, મુરાદ, હુસ્નબાનુ અને કુમુદ ત્રિપાઠી.

ગીતો
૧. પાયલ મોરી બાજે, એરી મેં કૈસે... લતા મંગેશકર
૨. પૈસે કા મન્તર, પૈસે કા જન્તર... કિશોર કુમાર
૩. ઉફ ન કરના કિ મુહબ્બત મેરી.. આશા-રફી
૪. બલમા તુમ્હારે નૈન કે ઉઠત... લતા મંગેશકર
૫. હૈ હૈ હૈ... ઇસ દુનિયા કા ઊલટા... કિશોર કુમાર
૬. ફરિયાદ હૈ... પ્યાર કિયા જખ મારી... કિશોર કુમાર
૭. બસ, એક તુમ બીન કલ ન પડે... કિશોર-લતા-આશા
૮. બિન પૈસા હર ખેલ હૈ જૂઠા... કિશોર-લતા-આશા
૯. દિલ ને માંગા પ્યાર... આશા-રફી

આપણા પછીની પેઢીએ તો કૉમેડિયન રાધાકિશનનું નામે ય સાંભળ્યું હોય, એટલે માની ય કેવી રીતે શકે કે, જે ફિલ્મનો હીરો કિશોર કુમાર હોય, એ ફિલ્મની કૉમેડીમાં છવાઇ જાય રાધાકિશન ! ૫૦થી ય નાની ઉંમરે બિલ્ડિંગના કોઇ ૧૫-૧૭મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લેનાર રાધાકિશન વિશે આજે ય કોઇ કશું જાણતું નથી.... બસ, એટલું યાદ છે કે, રાજ કપૂરની ફિલ્મો 'પરવરીશ' કે 'શ્રીમાન સત્યવાદી'માં એ કૉમિક-વિલન હતો. 'લાજવંતિ'માં ય એ યાદ રહી ગયો પણ, વિજય ભટ્ટની ફિલ્મ 'બૈજુ બાવરા'માં તો એ ઉસ્તાદ ઘસીટારામના, 'માન ન માન મૈં તેરા મેહમાન'ના લક્ષણે બની બેઠેલા શાસ્ત્રીય સંગીતકાર તરીકે ય ફિલ્મમાં એણે મારેલી તાનો કે આલાપો પરફેક્ટ હતા-કૉમેડી નહોતા.

રાધાકિશને ઘણી ફિલ્મોમાં તેનો તકીયા કલામ 'રામરામરામ' એના ઝીણકા અવાજમાં બોલે, એમાં દર્શકોને ગમ્મત પડતી. એ જમાનામાં થતા સ્ટેજ-શોમાં મિમિક્રી આર્ટિસ્ટો ભૂલ્યા વગર રાધાકિશનની નકલ કરતા. મારી ધારણા મુજબ તો એ ૫૦થી ય નીચેની ઉંમરે આપઘાત કરી ગૂજરી ગયો હતો. મારવાડી કંજૂસ શેઠના એના કિરદારોમાં બ્લેક તો બ્લેક હ્યૂમર પ્રેક્ષકોને પેટ પકડીને હસાવતું... જેમ કે, આ ફિલ્મમાં ચરીત્ર અભિનેતા અને એના જેવા જ કંજૂસ બનતા શ્યામ કુમાર (જેને દેવ આનંદ ફિલમ 'જ્હૉની મેરા નામ'માં 'સોના ભી જાયેગા ઔર અસ્સી લાખ કા સોના ભી જાયેગા ઔર પૈસા ભી જાયેગા...' કહીને ફાયરપ્લેસ પાસે ધીબેડી નાંખે છે તે શ્યામ કુમાર સુરૈયા સાથે 'તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની ગીત'માં શ્યામકુમારને કૉમેડિયન બનાવાયો છે.) ને પૂછી જુએ છે, ''યે સબ દૌલત તો તુમ્હેં મેરે મરને કે બાદ હી મિલેંગી...' એના જવાબમાં રાધાકિશન પૂછે છે, ''કબ મરોગે ?''

કિશોર કુમારના ચાહક હોવા છતાં કહેવું પડે કે, આખી ફિલ્મમાં કિશોર એક ક્ષણ માટે પણ હસાવતો નથી ને એમાં એનો વાંકે ય કેટલો, એ તો મેહબૂબ ખાનને પૂછવું પડે !

ફિલ્મમાં તમામ પુરૂષ પાત્રો કંજૂસ અને ભારોભાર કંજૂસ બતાવાયા છે-પૈસાના પ્રેમી અને એટલે જ ફિલ્મનું નામ 'પૈસા હી પૈસા' રાખ્યું છે. એમ તો હીરોઇન માલા સિન્હા અને શકીલા છે. ફિલ્મમાં વાર્તા કે બૌધ્ધિક ચર્ચા ન હોવાથી આ બન્ને હીરોઇનને શેને માટે ફિલ્મમાં લેવામાંં આવી છે, તેની ખબર પડે એમ નથી.

સાલ છપ્પનની હતી અને મેહબૂબ ખાન ફિલ્મ 'મધર ઇન્ડિયા' બહુ લાંબા સમયથી બનાવતા હોવાથી વચમાં મેહબૂબ સ્ટુડિયોના કર્મચારીઓને પગારભથ્થાં ચાલુ રહે, એટલે એક 'ક્વિકી'ના સ્વરૂપે આ ફિલ્મ ઓછા ખર્ચે અને ઝડપઝડપથી બનાવી લેવાઇ હતી. આમે ય, મેહબૂબ ખાનને માલા સિન્હા ગમતી તો બહુ હતી અને ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં કુમકુમે કરેલો રાજેન્દ્ર કુમારની પ્રેમિકાનો રોલ માલુને ઑફર થયો હતો, પણ એ જાણીતી હતી કે, ફિલ્મ આખી નરગીસ ઉપર આધારિત છે એટલે એના ભાગે કશું કરવાનું આવશે નહિ, માટે વિનયપૂર્વક માલા સિન્હાએ મેહબૂબ ખાનને ના પાડી દીધી હતી, એ ધોરણે આ ફિલ્મ 'પૈસા હી પૈસા'માં 'મધર ઈન્ડિયા' કરતા ય ઘટીયા રોલ એણે કર્યો હતો.

શકીલા એવી કોઇ ક્લાસ-વન હીરોઇન નહોતી, એટલે એને નહાવા-નિચોવવાનું ખાસ કાંઇ હતુ નહિ, જ્યાં કિશોર કુમાર ખુદ માટે ય કાંઇ કરી બતાવવા જેવું નહોતું ! શકીલા જ્હૉની વૉકરની સગી સાળી થાય અને મેહમુદ એક જમાનામાં એને પત્ની બનાવવા માંગતો હતો-સસ્તા તરીકે એની પાછળ પડી જઇને, ત્યારે શકીલાની ફરિયાદ પરથી રાજ કપૂરે મેહમુદને ફિલ્મ 'પરવરીશ'ના સેટ પર ખખડાવ્યો હતો કે, કમસેકમ એક સ્ત્રીને તો બહેન માનીને ચાલ ! યસ. આ ઠપકા પછી મેહમુદ એકે ય વાર શકીલાની નજીક ફરક્યો નથી.

આ ફિલ્મમાં કિશોર કુમારના સાઇડ- હીરો તરીકે ઝૂલ વેલાણી નામનો સિંધી કલાકાર કામ કરે છે, જે એક જમાનામાં ભારતીય સમાચાર ચિત્ર અથવા અન્ય દસ્તાવેજી ચિત્રોમાં કમેન્ટેટર તરીકે કામ કરતો. આપણે એનો એવાજ બહુવાર સાંભળ્યો હોય પણ એ ખબર ન હોય કે, આ ઝૂલણા ઝૂલા-વેલાણી છે. મધુરા અવાજના માલિક આ કલાકારને આ ફિલ્મમાં 'તોતડા'નો રોલ મળ્યો છે, એ પણ દુદૈવ જ ને ?

હવેનો લેખ જરા ગરમ થઇને પૂરો કરવો પડશે.

ઓકે. એ જમાનાના ફિલ્મ સંગીતને ચાહનારા સહુ કબુલ કરશે કે, સંગીતની ઓરિજીનાલિટીમાં અનિલ બિશ્વાસ અને સી.રામચંદ્રનો કોઇ સાની નહતો. નૌશાદ કે શંકર-જયકિશને પણ તૈયાર બંદિશો ઉપરથી ધૂનો બનાવી છે. નવાઇ નહિ, પણ આઘાત એ વાતનો લાગે કે, અનિલ બિશ્વાસ આમ તો એ જમાનાના સર્વોત્તમ સંગીતકારો પૈકીના હોવા છતાં ચાલ્યા કેમ નહિ ? ફિલ્મોની સંખ્યા ઓછી નહોતી. સ્ટ્રાઇક-રેટની દ્રષ્ટિએ કાકાએ કોઇ કોઇ મોટા મોર માર્યા નહોતા. એમની સફળ કરતા નિષ્ફળ ફિલ્મોની સંખ્યા ઘણી મોટી હતી.

પહેલું અને દેખિતું કારણ તો સરખા હિસ્સે સી.રામચંદ્રને પણ લાગુ પડે કે, જે સંગીતકારને લતા મંગેશકર સિવાય બીજુ કોઇ દેખાય (...કે સંભળાય) જ નહિ, એમના હાલ એકસરખા બુરા થયા છે. અફ કૉર્સ, એમના સંગીતમાં જ્યાં લતા હતી, ત્યાં ચમત્કારો સર્જાયા છે. પણ જ્યાં પુરૂષનો જ અવાજ જોઇતો હોય ત્યાં કાકા તો પહેલેથી મુહમ્મદ રફી સાથે બગાડી બેઠા હતા, મૂકેશ ગમે બહુ પણ બધે ચાલે નહિ. તલત મેહમુદ કાકાને પોતાને બહુ ગમે પણ હરએક ક્લાસના દર્શકો-શ્રોતાઓને ગમવો જોઇએ ને ? આ જ ફિલ્મમાં તમે જાતે જોઇ લો. ભારતના સર્વોત્તમ પૈકીના એક એવા કિશોર કુમાર પાસેથી ય કાકાને કોઇ કામ લેતા ન આવડયું ને સ્વયં લતા મંગેશકરમાં ય અનિલ બિશ્વાસ શંકર-જયકિશન, નૌશાદ કે મદન મોહન જેવા ચમત્કારો નથી કર્યા, જેને સામાન્ય ભાષામાં 'સ્ટ્રાઇક-રેટ' કહે છે. કિશોર જેવા મહાન ગૈક પાસે ત્રણ-ચાર ગીતો ગવડાવવા છતાં આજે ય ગવાતું હોય, એવું એકાદું તો બનાવવું હતું ? મુહમ્મદ રફી તો સલિલ ચૌધરીને ય નહોતા ગમતા છતાં સલિલ દાને જરૂરત લાગી ત્યાં એમની પાસેથી સર્વોત્તમ કામ લઇ આવ્યા.

લતા તો એમને ય અનિલ દા કે અન્ના જેટલી જ ગમતી હતી, પણ એકલી લતાને સહારે જીવન નહિ. 'બાગ મેં કલી ખીલી, બગીયા મેંહકી ઔર હાય રે...' જેવા અનેક ગીતોમાં સલિલ દા એ ભલે લતા જેટલું નહિ, તો ય મહત્વ તો પૂરતા પ્રમાણમાં આપ્યુ. અનિલ દા ની નિષ્ફળતા આ ફિલ્મમાં તો લતામાં ય દેખાઇ આવી. આ ફિલ્મનું લતાનું એકે ય ગીત તમને યાદ રહ્યું છે ? કહેનારા તો એવું કહે છે કે, એમના બીજી વારના ગાયિકા પત્ની મીના કપૂરને ખુશ રાખવાની લ્હાયમાં છેલ્લે જ્યારે પતિ-પત્ની વડોદરા આવ્યા, ત્યારે કાકાએ જાહેરમાં એવો બફાટ કરી નાંખ્યો હતો કે, 'મીના કપૂર તો લતા મંગેશકર કરતા ય સારૂ ગાય છે.'

ઊફ... આવો બફાટ કરવાની ક્યાં જરૂરત હતી ? આખું વિશ્વ જાણે છે, પણ ન જાણતું હોત તો મીના લતા કરતા ખરેખર વધારે સારૂં ગાતી હોત તો ય, પત્ની માટે આટલી બધી ચાવલાઇ કરવાની ક્યાં જરૂરત હતી ? દયા કિશોર માટે આવી જાય કે, તાર્કિક દ્રષ્ટિએ જોવા જાઓ તો એક્ટર અને સિંગર-બન્ને કામોમાં એ વન-ઑફ-ધ-બૅસ્ટ હોવા છતાં, એની ફિલ્મોની યાદી જુઓ અને એના રોલ યાદ કરવા માંડો. 'ચલતી કા નામ ગાડી', 'પડોસન', 'પ્યાર કિયે જા' જેવી ગણીગાંઠી ફિલ્મોને બાદ કરતા કોઇ દિગ્દર્શક કે સંવાદ લેખક એની પાસે એને છાજે એવું કામ લઇ શક્યો છે ? એકલો કૉમેડિયન કશું કરી ન શકે. પરિણામે, કિશોર દા ને કેવળ વાંદરવેડાં કરવાના આવ્યા. લેખક કે દિગ્દર્શકને બીજું કાંઇ ન સૂઝ્યું એટલે દર ત્રીજી ફિલ્મે એને પાગલનો કિરદાર આપી દેવાયો. નહિ તો બિમલ રૉયની ફિલ્મ 'દો દૂની ચાર'ના કિશોરને યાદ કરો ! કેવી સૅન્સિબલ કૉમેડી કરાવી છે ?

બીજી બાજુ, સંગીતકારોએ કિશોરનું નામ સાંભળીને જ મોટો દાટ વાળ્યો હતો, એમાં શંકર-જયકિશન, મદનમોહન, રવિ... અરે, કોઇ પણ સંગીતકારનું નામ બોલો-સલિલ ચૌધરીને બાદ કરતા કોઇએ કિશોર દા પાસે એમને શોભે એવું કામ નથી કરાવ્યું. નૌશાદને તો કિશોેર દા માટે ઝેર હોય એવું કરી બતાવ્યું. એક તો આખી લાઇફમાં કિશોર પાસે એકે ય ગીત ન ગવડાવ્યૂ અને છેલ્લે છેલ્લે રાજેન્દ્ર કુમાર-હેમા માલિનીની એક ફિલ્મ 'સુનહરા સંસાર'માં રામ જાણે કયા કારણથી એક ગીત કિશોર પાસે ગવડાવ્યું તો ખરૂં, પણ એ ગીતનું ફિલ્મમાં શૂટિંગ તક ન થયું.

એક સચિનદેવ બર્મને પોતાના પહેલા ખોળાના દીકરાની જેમ કિશોરને સાચવ્યો તો ખરો, પણ રૂમાદેવીને છોડીને મધુમાલાને પરણી ગયેલા કિશોર ઉપર ભારે ગુસ્સે થયેલા બર્મન દા એ એનો બૉયકોટ કરી નાંખ્યો અને ફિલ્મો દેવ આનંદની હોવા છતાં એને ન લીધો. ઠીક છે, પછી તો દાદા ય કંટાળ્યા અને કિશોર વિના ચાલે એમ નથી, એવું લાગતા દેવ આનંદની જ 'તીન દેવીયા'થી એને ફરીથી લીધો. પણ રાહુલદેવ બર્મન કિશોરનું હીર પારખી ગયા હતા. સહુ જાણે છે એમ પંચમે કિશોરને એ રીતે પ્રોજેક્ટ કરવા માંડયો કે, ફિલ્મનગરીના બાકીના તમામ પુરૂષ ગાયકો બાકાયદા હોલવાઇ ગયા-મુહમ્મદ રફી સહિત. અલબત્ત, પંચમ પણ આડેધડ ફિલ્મો લેવા માંડયા પછી કિશોર દા પાસે ય ચણામમરા જેવું કામ લેવા માંડયા, એમાં બે ય ડૂબ્યા.

પૈસા તો મેહબૂબ ખાનના ય ફિલ્મમાં ડૂબ્યા હતા. ફિલ્મ બૉક્સ-ઓફિસ પર બહુ વિનાશક રીતે પિટાઇ ગઇ પણ તરત ને તરત 'મધર ઈન્ડિયા' આવી રહ્યું હતું એટલે ખાન સાહેબને આ ફિલ્મના પિટાવાની કોઇ પીડા થઇ નહિ.

અલબત્ત, કૉમેડીના ચાહકો માટે એક નિરીક્ષણ કહેવું પડશે કે, હસવું જ હોય તો ભલે કિશોર કુમાર માટે નહિ, પણ રાધાકિશન માટે ય આ ફિલ્મ જોવા સરીખી તો ખરી !

No comments: