Search This Blog

27/04/2016

ગુલઝારનો ઇન્ટરવ્યૂ

ઈન્ટરવ્યૂ ગુલઝારનો લેવાનો હતો એટલે જતા પહેલા પગને બદલે બન્ને હાથોથી ચાલી જોયું. કાન વડે સિસોટી વગાડી જોઈ અને છેવટે હિંદી-ઉર્દુ શબ્દકોષને ફાડી, એના ઝીણા ઝીણા ટુકડા કરીને પાછા ભેગા કર્યા. જે વંચાયું, એમાંથી ઊભા કરેલા સવાલો આ મહાન કવિ-લેખકને પૂછવાનું નક્કી કર્યું.
સવાલ : નમસ્કાર ગુલઝાર સા'બ.
ગુલઝાર : આદાબ, અશોક.
સવાલ : સર-જી, બસ્સો બોંતેર ગુણ્યા તોંતેર કર્યા પછી એમાં સુરજની કિરણોમાંથી બનાવેલું ફર્નિચર નીલા આસમાનના માસીનુ દીકરૂં થાય ખરૂં ?
ગુલઝાર : એવા બે દીકરા થાય-જુડવા. એકની નસનસમાં દરિયો છલકતો હોય ને ત્રીજાએ કિતાબની વચ્ચે સફેદ કડક આર કરેલો ઝભ્ભો સૂકવવા મૂક્યો હોય.
સવાલ : ત્રીજા ---- યૂ મીન, ત્રીજો ક્યાંથી આવ્યો ? જુડવામાં બે ની પૅર ન હોય ? બીજો ક્યાં ગયો
ગુલઝાર : છાશના દ્રાવણમાં જાફરાની કિમામ હલાવીને ખાવાથી કેટલાક રસ્તા સુસ્ત થઇ જશે ને બાકીના મલાઇની હવેલીમાં ગૂમ થઇ જશે.
સવાલ : ક્યા ખૂબ, ગુલઝાર સા'બ... ક્યા ખૂબ ? મલાઇની હવેલીની મહીં જવું કેવી રીતે ? લપસી ના પડાય?
ગુલઝાર : આમાં કાન કજરાળા કરીને જવું પડે. 
સવાલ : સોરી ટુ ઇન્ટરપ્ટ... પણ તમે કાળા કાળા નૈનાને કજરાળા કીધા છે, તો કાજલ તો આંખમાં જ લગાડવાનું હોય ને ? કોઈ કપાળ ઉપર કે ગળાની પાછળ તો ન લગાડે ને ? કોઈના કાનમાંથી મહેંકતી ખુશ્બુ જોઈ ? અને આપ ખુશ્બૂની આગળ વિશેષણ 'મહેંકતી' લગાડો છો, તો સર-જી... ખુશ્બૂ એટલે જ મહેંકતી ના હોય ? ક્યાંય ગંધ મારતી 'ખુશ્બુ' જોઇ ? આપ તો કાનને ય કજરાળા કહો છો !
ગુલઝાર : કાન કો કાન હી રહેનો દો કોઈ નામ ન દો. 
સવાલ : સર-જી, મારા માસીના ઘર પાસે એક બહેન તણખલામાંથી બનાવેલા માળા વેચે છે-
ગુલઝાર : માળા... ? યુ મીન, હરિસ્મરણની માળા ? મ્યુનિ. જઇને કાયદેસરનો સાત-બારનો ઉતારો મંગાવી લીધો છે ?
સવાલ : જરૂર નથી. સદરહુ માળા એ બહેન લોખંડની હવેલીમાં સાચવીને રાખે છે.
ગુલઝાર : લોખંડની હવેલી----? આ પહેલી વાર સાંભળ્યું.
સવાલ : હવેલી તો પથ્થરની જ હોય, એવું અમે પહેલાં સાંભળી ચૂકેલા, સર-જી.
ગુલઝાર : ઓહ...ઈઝ ધૅટ સો... ?
સવાલ : યસ. ઇટ ઇઝ સો.. ! જો નગરપાલિકા દ્વારા બનાવાયેલા રસ્તા રેશમના હોય અને પાછા શરમાતા પણ હોય, તો હવેલીઓ લોખંડની તો શું... ઑર્ડર આપો તો સર-જી... શબ્દોની હવેલીઓ પણ બનાવી આપીશું... મહી તો અક્ષરોએ જ રહેવાનું છે ને ?
ગુલઝાર : એમાં દિવાલોની હસ્તરેખા ફૂટપટ્ટીથી માપી જોવાની હોય, તો જ છત, જમીન કે દિવાલ વગરનું અસમાન રોજના આઠ રૂપિયાના ભાડાથી મળે !
સવાલ : અસમાન... કે આસમાન ?
ગુલઝાર : આપ મેરા જઝબા નહિ સમઝે ! હસ્તરેખાયેં ઇન્સાનોં કી હોતી હૈ... ઇંટ-પથ્થર-દિવાલોં કી તો ચૂનારેખા હોતી હે...
સવાલ : એ ચુના તો ૧૨૦-ના પાનમાં ના આવે ?... કિમામ ડાલકે !
ગુલઝાર : ---ઓહ, હજી એ આવ્યો નહિ ?
સવાલ : કોણ.. તમારો ધૂળજી ?
ગુલઝાર : અરે ના બાબા... ગઇ કાલનો પૂરનમાશીનો ચંદ્ર ડામરની કોઈ સડક પર સુઈ ગયો છે ને હજી ઘેર આવ્યો નથી... નાગડાંપૂગડાં પગે ભટકવા નીકળ્યો હતો.
સવાલ : યૂ મીન... આ બધા સૂરજ-ચંદ્ર તારાઓ તમારા સગામાં થાય ?
ગુલઝાર : આ તો પરપોટા ઉપર પરપોટાથી પરપોટાનું નામ લખવા જેવું સહેલું કામ છે... ઓહ, આ ધુમાડો કેમ કાઢો છો ?
સવાલ : સર-જી ધુમાડાથી ધુમાડા ઉપર ધુમાડાનું નામલખી આપો ને ! મારા ડોહા સિગારેટો બહુ પીએ છે. લખજો કે, Smoking is injurious to health.
ગુલઝાર : પીને કી ઈનકો વજેહ મિલ ગઇ હૈ... નહિ તો-
સવાલ : બીડીના સળગતા ઠૂંઠાની જ્યોતને પણ આયુષ્યમર્યાદા હોય છે... એમનું જીવન તો બસ... કોઈ બે-ચાર ફૂંકોમાં પૂરૂં ! પણ હળગતી બીડીને 'ચરાગ' થોડું કહેવાય છે ?
ગુલઝાર : યે સબ રૂહાની બાતેં હૈ. આત્માનુ મિલન આત્મા સાથે જ થાય, વો કન્સૅપ્ટ ગલત હૈ... ઘણીવાર આત્માઓનુ મિલન કૉફી-શૉપમાં ય થાય, લોકલ-ટ્રેન કે લટકતે પટ્ટોં સે ભી હોતા હૈ. આપ ઉનકો સિતારોં કી જંઝીરો સે બાંધ નહિ સકતે...
સવાલ : ભોગ લાગ્યા છે અમારા તે અમે એવું બધું બાંધવા-છોડવા જઇએ ! ઓકે સર-જી, એટલું કહી દો કે, બીજા બધા જન્મે ત્યારે આકાશમાં ચંદ્ર, મંગળ, સૂર્ય કે રાહુ કેતુ ફરતા હોય છે... આપ જન્મ્યા ત્યારે એ બધા પાટીદાર આંદોલનમાં હો-હો કરવા ગયા'તા ?
ગુલઝાર : અનામત કોઈ બોલ નથી, અવાજ નથી... નૂરની એક બૂંદ છે, જે સદીઓથી ચાલી આવે છે.
સવાલ : યૂ મીન... તમે અનામતો ઉઘરાવી ઉઘરાવીને શાયર બનેલા ? આપે પણ પોલીસની લાઠીઓ ખાધેલી ?
ગુલઝાર : ગાલીબ સા'બને ફરમાયા હૈ, 'ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હૈ...
સવાલ : ગુસ્તાખી મુઆફ, હુજુર... મેરે ખયાલ સે ગાલિબ સા'બને ઐસા તો કભી કુછ ફરમાયા હી નહિ !
ગુલઝાર : યે ઉસ ઝમાને કે ગાલિબને નહિ... આજ કે ગાલિબ સા'બને ફર્માયા હૈ... 
સવાલ : ગાલિબ સા'બને તો, 'દિલ ઢૂંઢતા હૈ, ફિર વો હી ફૂર્સત કે રાત દિન...' જૈસા કુછ લિખા થા ના
ગુલઝાર : હાં, તો મૈંને કિસી ગુફ્તગુ મેં કહે ભી દિયા હે કિ, ઇતના વો ગાલિબ સા'બને લિખા થા... બાકી મૈંને પૂરા કિયા હૈ...
સવાલ : સર-જી આખિર મેં એક સવાલ-
ગુલઝાર : યે આપ પૂછેંગે યા મુઝે પુછના હૈ ?
સવાલ : સર, યે તો આપ કે નયે ગાને કા મીસરા હો ગયા... વાહ, 'યે આપ પૂછેંગે યા મુઝે પુછના હૈ'
ગુલઝાર : અરે ભ'ઇ સવાલ પૂછો...
સવાલ : નહિ સર-જી, અમે તો તમારો આભાર માનીએ છીએ કે, મગજમાં ન ઉતરે એવી શબ્દરમતો છતાં એક માત્ર તમે જ, હિંદી ફિલ્મોમાં છપાયેલા કાટલાં જેવા, 'હૂસ્ન-ઈશ્ક, મુહબ્બત, બેવફા, સિતમ, જાને-જીગર, કાતિલ અને એકના એક શબ્દોમાંથી તમે અમને છોડાવ્યા છે. થૅન્ક્સ.'

સિક્સર
- હું તો ઇચ્છું છું, આ પાટીદાર આંદોલન બીજા બસ્સો વર્ષ ચાલે...!
- કેમ ?
- જરાક અમથું કાંઈ થાય છે ને ગુજરાત સરકાર ઇન્ટરનેટ બંધ કરી દે છે... એટલો ટાઈમ આ તમારા વૉટ્સઍપ કે ફૅસબુકથી છૂટકારો તો ખરો !

No comments: