Search This Blog

30/11/2016

બેસણાંમાં પિત્ઝા ખવાય ?

અમેરિકાના ન્યુયૉર્કની બાજુમાં કનેક્ટીક્ટ સ્ટેટ આવેલું છે. ત્યાંના બેથાની શહેરમાં મારા દોસ્ત ડૉ. અશ્વિન હી. પટેલની ભાણીનું બેસણું હતું. પટેલ અને એમાં ય અમેરિકાના, એટલે ૫૦૦/- કે ૧૦૦૦/-ની બનાવટી નોટોને બદલે અબજો રૂપિયાની સાચી નોટો ખિસ્સામાંથી ઢોળાતી હોય તો ઉપાડે ય નહિ. એક માન્યતા ખરી કે, મર્સીડીઝ તો ભિખારીઓ ફેરવે.

આ લોકોની એકએક કાર લૅમ્બર્ગિની કે ફેરારીથી ઉતરતી ન હોય ! એ બેસણાંમાં ફરજીયાત-મરજીયાત જેવું કશું નહિ, પણ સફેદ કપડાં પહેરીને નહિ આવવાનું... એટલું જ નહિ, બધાઓ ભારે સાડીઓ (સ્ત્રીઓની વાત થાય છે !) અને મોંઘાદાટ બ્લૅક શૂટ પહેરીને આવવાનું (આમાં એકલા પુરૂષોની વાત નથી થતી !) કંઇક પહેરવાનું ખરૂં. આપણો વડોદરાનો ભૂતપૂર્વ ટેસ્ટ વિકેટકીપર કિરણ મોરે પણ અમારી સાથે એ બેસણાંમાં હતો. એ મારૂં પોતાનું બેસણું ન હોવાથી, આ બધામાં હું એકલો જુદો પડતો હતો. મેં શૂટ નહોતો પહેર્યો.

પણ અજીબોગરીબ વાત એ હતી કે, આ સ્વર્ગસ્થ પાયલટ ભાણીની અંતિમ ઇચ્છા મુજબ, બેસણાંમાં સહુએ ધૂમધામ મસ્તી કરતા આવવાનું. ચાલુ બેસણે ફિલ્મના ગીતો વાગતા હોય અને એ ગીતો ય 'ગોવિંદ બોલે હરિ ગોપાલ બોલો' કે 'અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ...' જેવા ભજનો નહિ, બલ્કે 'નૈન લડ જઈ હૈ તો મનવામાં કસક હોઈ બેકરી' કે 'કરવટેં બદલતે રહેં સારી રાત હમ, આપકી કસમ' જેવા રોમેન્ટિક અને તોફાની ગીતો !

આ હું સમજ્યાસાણ્યા વગર બોલી તો ગયો કે એ મારૂં પોતાનું બેસણું નહોતું, પણ એવું ન બોલાય...! ત્યાં મરવાનું જીવવા કરતા ય મોંઘું પડે એવું હોય છે. અમેરિકામાં તો મરવા કરતા જીવી જવું સારૂં. આપણી ભાષામાં ઉત્તરક્રિયા કે સ્મશાન-બશાનવિધિનો ખર્ચો, આપણે ચિતાના ઉપર સુતા હોઈએ ત્યાંથી ડઘાઈ જઈને ઊભા કરી નાંખે એવો મોંઘાદાટ હોય છે.

કાં તો મરવાનું કાયમ માટે માંડી વાળવું પડે ને કાં તો મરવા માટે સ્પેશિયલી ઇન્ડિયા આવીને બેસણાં ત્યાં રાખવાના હોય છે. એ વાજબી ભાવે પતી જાય. બાકી અમેરિકામાં મરવાનું બહુ મોંઘું પડે ! ઘણા તો આજે ય ત્યાં એટલા બધા ડઘાઈ ગયા છે કે, વર્ષો થઇ ગયા એમણે મરવાનું માંડી વાળ્યું છે. અહીં વાળા રાહો જોઇને બેઠા છે કે ડોહા કાંઈ પતાવે તો આપણે અહીંનુ પતાવીએ !

પણ સ્વર્ગસ્થ ભાણીએ દેહ છોડતા પહેલા મસ્તીપૂર્વક ઘણી ગોઠવણો કરી હતી કે, સ્મશાનેથી આવ્યા પછી બંગલામાં આલીશાન પાર્ટી હોવી જોઇએ, જેમાં ઇવન અમેરિકનોને ય મોંઘો લાગે, એવો કિંમતી શરાબ પિરસાયો. મન્ચિંગ અને જમવાનું તો 'ફાઈવ' નહિ પણ 'ફિફ્ટી-સ્ટાર' હોટેલમાં પિરસાય એવા મૅનુવાળું ! ભગવાને પૈસો પટેલો અને જૈનોને ફક્ત ભારતમાં જ નથી આપ્યો, જ્યાં ને ત્યાં આપ્યો છે. (એ વાત જુદી છે કે, અમેરિકાના જૈનો અને પટેલોએ ઓબામાની સરકાર પાસે અનામત નથી માંગી !... ડૉનાલ્ડ ટ્રમ્પ મરવાનો થયો છે !)

પણ અહીં ઇન્ડિયામાં જે લોકો ઑલરેડી મરવાના થયા છે, એ બધાએ હવે મરવાનું સાયન્સ આગળ વધાર્યું છે, ડૅવલપ કર્યું છે. આપણે ભલે ચાલુ બેસણે 'હો, મુઝે હિચકી જો આઈ તો... હંગામાં હો ગયા... હાય હાય હાય !'ના ડીજે સાથે શોકાકૂલ ડાઘુઓ ઊભા થઇને કમરો લચકાવીને ડાન્સો કરવા ન મંડી પડે, પણ હવે એકની એક જૂની ઘરેડ બદલવી તો પડશે ને ? ક્યાં સુધી સ્વર્ગસ્થ ડોહાના સ્માઇલ આપતા ફોટાની બાજુમાં પલાંઠીવાળીને બેઠેલો એનો દીકરો આવનારા ડાઘુએ-ડાઘુએ 'જે શી ક્રસ્ણ' કરીને મોંઢું વીલું રાખીને બેસી રહેશે ? ક્યાં સુધી આપણે પણ મહીં પહોંચતા સાથે જ મોઢું ઢીલું કરીને રાહુલજી જેવા હાથ જોડતા જઇને સફેદ ગાદી પર બેસી જઈશું ને ૪૦-૫૦ સેકન્ડમાં ઊભા થઇ જઇને બેસણાંની બહાર ઊભેલા દોસ્તો સાથે મોદીની નોટોની મેથીઓ મારીશું ? મિત્રો, એટલું યાદ રાખો કે, તમે મોંઢા ગમે તેટલા ઢીલાં રાખશો, ફોટામાં સ્માઇલો આપતો એ ડોહો કદી તમારા બેસણાંમાં આવવાનો નથી. દુનિયામાં હવે વ્યવહાર-બેહવાર જેવું કાંઈ રહ્યું જ નથી, ભાઈ ! ઘણા તો બેસણાંમાં કન્ફર્મ કરવા આવતા હોય છે કે, કાકો ખરેખરો ગયો તો છે ને ? પહેલા ય જઉ-જઉ કરતો બનાવી ગયો'તો... ને એકવાર તો આપણે આરવાળા કડક સફેદ લેંઘા-ઝભ્ભા પહેરીને ગયા'તા, તો ય કાકો ગયો નહતો ! આજકાલ કોઇના ઉપર વિશ્વાસ જ મુકાય એવું રહ્યું નથી. કોઈ પંખો ચાલુ કરો... સૉરી, શિયાળો શરૂ થઇ ગયો છે. હમણાં દસ-બાર બેસણાં સુધી પંખા રહેવા દો !

થૅન્ક ગોડ, હવે બેસણાં સુધરવા માંડયા છે. એમાં ય હવે નોવેલ્ટીઓ આવવા માંડી છે. છાપાના છેલ્લા પાને બેસણાંની જાહેર ખબરોમાં લખાવા માંડયું છે કે, 'કોઇએ સફેદ કપડાં પહેરીને આવવું નહિ.' અર્થાત્ તમે રોજીંદા જે પહેરતા હો, એ જ કપડે આવવાનું.

મને પર્સનલી આ ફેરફાર ગમ્યો છે. હજી નવા ફેરફારો આવકાર્ય છે. એક તો દુનિયાભરના બેસણાં સવારે ૮ થી ૧૦ અથવા સાંજે ૪ થી ૬ના હોય, એટલે આપણે કોઈ મેળના ન રહીએ. ઓફિસનો બોસ ભલે ગમે તેવો માંદો રહેતો હોય, પણ ઍડવાન્સ અપેક્ષામાં રોજ ઓફિસે એને માટે સફેદ કપડાં પહેરીને તો ન જવાય ને ? એક તો હવેના બેસણાં ૧૦-૧૫ કી.મી. દૂર સિવાય હોતા નથી ને એમાં ય સવારનો ટ્રાફિક. બેસણેથી બારોબાર ઓફિસ જવાનું હોય, એટલે ઘેર કપડાં બદલવા જવાનો ટાઈમ ન મળે.

અને આપણે તો પર્સનલી બેસણાં ઉપર એવો હાથ બેસી ગયો હોય કે, અઠવાડીયામાં મિનિમમ બબ્બે-તત્તણ બેસણાં પતાવવાના હોય ! ઘણીવાર તો જઇ આવ્યા પછી યાદ આવે છે કે, ભૂલમાં ખોટે બેસણે જઇ આવ્યા... આપણાવાળું તો બાજુની સોસાયટીમાં હતું ! મારે તો એકના એક સ્વર્ગસ્થ માટે બબ્બેવાર બેસણે જઇ આવવાનું ય બન્યું છે. છાપાની જા.ખ.માં ચોખ્ખું લખ્યું હોય કે, 'પિયરપક્ષનું બેસણું ઉપરના સ્થળે અને સમયે રાખ્યું છે', એમાં આપણે તો બન્ને સાચવવાના હોય ! આવું પિયરપક્ષનું ઍકસ્ટ્રા-બેસણું ય રાખ્યું હોય તો બે વખત જવાનું હોય છે.

પહેલામાં પાંચેક મિનિટ બેસીને, બહાર નીકળીને ફરીથી ઍન્ટ્રી લેવાની. આપણે સંબંધ બેમાંથી એકે ય પાર્ટી સાથે નહિ બગાડવાના ! ઘણાને તો ખોટાં બહુ લાગી જાય અને મોંઢા ચઢી જાય કે, 'અમારે ત્યાં ન આવ્યા પણ પિયરપક્ષના બેસણે જઇ આવ્યા !' હું વ્યવહાર ન ચૂકું. હું એકમાં જ જઉં તો મારા કૅસમાં ય પિયરપક્ષવાળા બેસણે મારાવાળા જ ન આવે !

યસ. આ નવા ક્રાંતિકારી ફેરફાર મુજબ, બેસણાંમાં તમારે રૅગ્યૂલર કપડે જ જવાનું છે, એવી સૂચના આપવામાં દંભ અને બનાવટની જરૂર પડતી નથી. સ્વાભાવિક છે કે, સ્વર્ગસ્થના પરિવારજનો જેટલો શોક આપણને બધાને લાગ્યો ન હોય પણ બધાએ જવું તો પડે અને બધાએ મોંઢાય એકસરખા શોકગ્રસ્ત રાખવા પડે... ભલે પછી અંદર આંટો મારી આવીને બહાર ચાની લારી ઉપર આઠ અડધીના ઑર્ડરો અપાય ! આવા દંભની શી જરૂર છે ?

પરાણે શોકવાળા મોંઢા રાખવા પડે એના બદલે બેસણાંના આયોજકો પહેલેથી જ કહી દે કે, 'તમે ત્યારે તમારા રૅગ્યૂલર મૂડ અને કપડામાં જ આવજો. લેવાદેવા વગરના, 'શું... ફાધર ખરેખર ગયા...?'' એવું નાટક કરવાની શી જરૂર ? કેમ જાણે, ફાધર તો અંદર હિંચકે બેઠા હોય ને પેલો રીહર્સલ કરવા ફોટાની નીચે હાથ જોડીને બેઠો હોય ! યાદ રાખો, મિત્રો. કોઇના બી ફાધર બબ્બે વાર જતા નથી... એક ખરેખર અને બીજીવાર ગામની મશ્કરીઓ કરવા માટે !

યસ. કાચી ઉંમરે મૃત્યુ પામનારનું બેસણું હોય તો કુટુંબીજનોને સાંત્વન આપવા કેવળ બેસણાં જ મોટું કામ કરી જાય છે. એ શોક સાંત્વનાથી જ મટે એવો ક્રૂર હોય છે. સ્વર્ગસ્થની ઉંમર કાચી હોય કે ૯૫-ની, કેટલાક અવસાનો-આપણે લેવાદેવા ન હોવા છતાં આપણાથી ય સહન થાય એવા હોતા નથી, ત્યારે એમના ખભે તમે મૂકેલો હાથ પણ લાખો આશ્વાસનો કરતા વિશેષ હોય છે. બોલતા આવડે તો તમારા બે શબ્દો ભગવત-ગીતાની બરોબરીના બની જાય છે.

ક્યારેક સમય સાચવી લેવો પડે છે, નહિ તો આઘાતમાં ઘરનું બીજું ય કોઈ જતું રહે. મારી સમજ મુજબ, આવા અસહ્ય શોકના મૃત્યુપ્રસંગે, વાતાવરણ વધુ કરૂણ બનાવવાને બદલે નોર્મલ બનાવવું જોઇએ, જેથી ઘરનાઓને આઘાતની કળ વળે ! અફ કોર્સ, આવી કળો વાળવા બેસણાંમાં બેઠા બેઠા મિમિક્રી કરવાની કે 'જોક્સો' સંભળાવવાની જરૂર નથી, પણ સ્વર્ગસ્થ વિશેની નોર્મલ વાતો કરવાથી, 'શું ફાધર ખરેખર ગયા...?

અમને કહેવડાવ્યું ય નહિ ?' વાળી ગાળાગાળીથી એમના પરિવારજનો બચી જાય છે. એમને તમારી ભાષામાં સમજાવવું જોઇએ કે, 'પપ્પા તમને કેટલું બધું ચાહતા હતા ! એ તમને છોડીને જાય તો ક્યાં જાય, બેન ? ઉપર કોઈ સ્વર્ગ-બર્ગ જેવું છે નહિ કે, પૃથ્વી પરથી આવેલા મૃતાત્માઓને રહેવા માટે ત્યાં કોઈ કોલોની, એપાર્ટમેન્ટસ, રો-હાઉસીસ કે સોસાયટીઓ નથી. અહીં ધરતી પર તો સ્વર્ગસ્થોની કોઈ કોલોની નથી, નહિ તો મરનારા 'પૃથ્વીસ્થ' કહેવાત ને ? નીચે પાતાળમાં આપણા હિંદુઓ તો મર્યા પછી ય જતા નથી. ડૂબી જવાની બીક લાગે ! તો મતલબ ચોખ્ખો થયો કે, અવસાન પછી પપ્પા બીજે ક્યાંય ગયા જ નથી. અહીં જ-આપણા ઘરમાં જ છે, આ રૂમમાં જ બેઠા છે, ભલે દેખાતા ન હોય કારણ કે, હવે એ સ્વર્ગસ્થ છે.' આવે વખતે એમની રડતી દીકરીને જ પૂછી શકાય કે, 'પપ્પા તને જોતા હશે.

એ અહીં જ આ રૂમમાં બેઠા છે. એ તને રડતી જોઇને ખુશ થશે ખરા ? તું હસતી રહે, એ જ એમને  તો ગમે ને ? તારે એમને ઉપર બેઠા બેઠા ય રોવડાવવા હોય તો હજી રડ...!' (એ ય જાણતી હોય કે, જીવતા ડોહાને આવી આ રોજ રડાવતી હતી... આના મનમાં થોડો ડર નાંખો કે, બહુ રડીશ તો ઉપર બેઠા બેઠા પપ્પા એવું સમજશે કે, તને એમની બહુ જરૂર છે, તો તને એમની પાસે બોલાવી લેશે... એના કરતા છાની મર...!' આ તો એક વાત થાય છે !)

સિક્સર
-
હવે રોજ એકની એક ૫૦૦/-ની નોટોની વાત કરવાનો સખત કંટાળો આવે છે ને...? તો પછી મૂકોને માથાકૂટ...!

No comments: