Search This Blog

11/11/2016

'જંગલ પ્રિન્સેસ' (૪૨)

ફિલ્મ   :   'જંગલ પ્રિન્સેસ' (૪૨)
નિર્માતા-દિગ્દર્શક   :   હોમી વાડિયા
સંગીત   :    માધવલાલ ડી. માસ્ટર
ગીતકાર   :    પંડિત ઈન્દ્ર
રનિંગ ટાઈમ   :    ૧૭-રીલ્સ
કલાકારો   :    ફીયરલેસ નાદિયા, જોન કાવસ, હરિ શિવદાસાણી, સરદાર મનસૂર, મીઠ્ઠુ મીયાં, હબીબ, રાધારાની, શાહજાદી, બેબી માધુરી, જાલ ખંભાતા, દલપત, હસન, જીજીભાઈ, ગુલશન સૂફી.ગીત
૧.    ચલ રી નાંવ, તૂ ચલ આગે... ગુલશન સૂફી-મેંહદી રઝા
૨.    જો કોઈ ઈસકો પીવે, નામ ઉસકા દૂર હોવે... ?
૩.    મુસાફિર કીસ મારગ સે જાના... સરદાર મનસૂર
૪.    મૂરખ મન તુ ક્યું ભરમાયા, ધનદૌલત... ગુલશન સૂફી
૫.    કસમ જવાની કી હમ તો હૈ નાદાન... રાધારાની
૬.    લો ચાંદ ભી જલને લગા યા રબ તલાશે... સરદાર મનસૂર
૭.    ઓ મૈના મસ્તાની, ઓ પિંજરે કી રાની... રાધારાની-કોરસ
૮.    અગર ઈન્સાન કી હિમ્મત હો તો ક્યા... સરદાર મનસૂર

કેટલાક વાચકો અકળાઈને પૂછે છે, ઘણી વાર તો તમે એવી એવી ફિલ્મો લઈ આવો છો, જે જોવાની તો દૂર રહી, નામ પણ સાંભળ્યું ન હોય, જેમ કે થોડા વખત પહેલા શશી કપૂરની ઈંગ્લિશ ફિલ્મ 'બોમ્બે ટોકી.' જોવાની તો દૂર રહી, અમે આવી કોઈ ફિલ્મ આવી હતી, તે ય નહોતા જાણતા. એને બદલે જાણિતી ફિલ્મો વિશે લખો તો વાંચવાની વધુ ઈન્તેઝારી રહે.

ઓ બોય... ! 'ફિલ્મ ઈન્ડિયા'ના વાચક હો તો ધ્યાન એ રાખવાનું કે, તમે શું વાંચો છો એના કરતા શું વાંચવું જોઈએ, એ જાણવું જરૂરી છે. બીજું, જાણિતી ફિલ્મો તો હતી ય કેટલી ? 'આન, અંદાઝ, આવારા, શ્રી ૪૨૦, મધર ઈન્ડિયા, સંગમ, ગાઈડ... પાકિઝા... હજી બીજી પચાસ ઉમેરો, તો ય શું ? આ કોલમની મહત્તા એ છત ઉપર જડેલી છે કે, રાત્રે સુતા સુતા ય છત પર ચોંટાડેલી ફિલ્મી યાદોને આ કોલમને સહારે વાંચી શકાય અને તે પણ વધારાની એવી માહિતી, જે અન્યત્ર ક્યાંય વાંચવા મળી ન હોય ! ફિલ્મો તો હતી ય મોટા ભાગે ફાલતું, પણ આપણે એ ફિલ્મોના કલાકારો વિશે એવી ઝીણી ઝીણી વિગતો લઈ આવીએ છીએ કે, જે જાણવી તમને ગમે. જે તે ફિલ્મ વિશે તો બહુ લખાય એવું હોતું પણ નથી, પણ એ ફિલ્મ સાથે સંકળાયેલ વિગતો યાદ કરાવવાથી ઘણું બધું બીજું ય યાદ આવી જાય ! આવી ખણખોદ કરવામાં ખુદ મને ય કેટલીય અપ્રાપ્ય વિગતો મળી જાય છે, જે હું પહેલા નહોતો જાણતો. જેમ કે, આ ફિલ્મની હીરોઈન નાદીયા ફીયરલેસ કેમ કહેવાતી હતી, તેની મને ખબર નહોતી.

નામ તો જોન કાવસનું ય સાંભળ્યું હતું, પણ બસ... એટલું જ !' પણ પુસ્તકોના પ્રવાસો કરતા કરતા આવી અનેક હકીકતો મળી, જેને જાણવાની જરૂરત અફ કોર્સ હતી, પણ સાધનો નહોતા. એ ધોરણે પછી ખબર પડી કે ઠેઠ ઈ.સ. ૧૯૦૮માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં જન્મેલી આ મેરી ઈવાન્સ પાંચ જ વર્ષની હતી ત્યારે પપ્પા સાથે ભારત આવી હતી,

જ્યાં પપ્પાનું પોસ્ટિંગ યુદ્ધમાં હોવાથી એમને પિશાવર (હાલના પાકિસ્તાન) જવું પડેલું અને ત્યાં યુદ્ધમાં મૃત્યુ પામ્યા... (પાકિસ્તાન પાસેથી બીજી આશા ય શું રખાય ?) પહેલા વિશ્વયુદ્ધમાં ત્યાં એમને જર્મનોએ મારી નાંખ્યા હતા. પછી તો ૧૯૩૦-માં નાદીયા સર્કસમાં જોડાઈ (ઝાર્કો સર્કસ). એ જોઈને જમશેદ વાડીયા (જે બી એચ. વાડીયા)એ પોતાની વાડિયા મૂવિટોનની ફિલ્મોમાં કામ આપ્યું ને ત્યાં જમશેદના નાના ભાઈ હોમી સાથે નાદીયા વધુ પરિચયમાં આવી અને લગ્ન કર્યા. (આ બતાવે છે કે, સર્કસ જોવું કેટલું ખતરનાક છે... !)

આ ફિલ્મનું નામ 'જંગલ પ્રિન્સેસ' ચોક્કસ છે પણ મૂળ તો એમાં સર્કસના તમામ પ્રાણીઓનો રોલ નાદીયા કે જોન કાવસ કરતા ઘણો મોટો છે. હોલીવૂડમાં પહેલી ઈંગ્લિશ ફિલ્મ 'જંગલ પ્રિન્સેસ' ઈ.સ. ૧૯૨૦-માં આવી હતી અને બીજી ૧૯૩૬-માં, જેના પરથી આજની આ ફિલ્મ ઉતારવામાં આવી છે. તા. ૧૬મી માર્ચ, ૧૯૪૨-ના રોજ આ ફિલ્મ રીલિઝ થઈ હતી. બોમ્બે બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર્સ દ્વારા. એ વખતે સેન્સર બોર્ડ મુંબઈમાં હોવાથી નામ પણ એનું મળ્યું હતું.

ફિલ્મનું નામ તો હતું 'જંગલ પ્રિન્સેસ...' આગળ ધી (The) કે એ (A) જેવો કોઈ આર્ટિકલ નહિ, એટલે મને જંગલી પ્રિન્સેસ વંચાયું... (!)

પણ એ જમાનાની ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નાદીયા સહેજ પણ જંગલી લાગતી નહોતી. એનું અસલી નામ 'મેરી એન ઈવાન્સ', અથવા 'મેરી ઈવાન્સ વાડિયા' અથવા 'ફીયરલેસ નાદીયા' હતું. ફીયરલેસ એટલે કોઈ ડર કે ખૌફ વગરની અને એ સમયે એ જેવા સ્ટન્ટ સાથેની ફિલ્મો સહેજ પણ ડર્યા વિના કરતી હતી, એ ઉપરથી એના નામની આગળ આ વિશેષણ 'ફીયરલેસ' લાગી ગયું હતું.

જોન કાવસ પારસી બોડી-બિલ્ડર હતો અને 'મિસ્ટર ઈન્ડિયા' પણ બન્યો હતો. કાવસે નાદીયા સાથે ફિલ્મ 'હન્ટરવાલી'માં પહેલીવાર ફિલ્મપ્રવેશ કર્યો ને બન્નેની કારકિર્દી આ ફિલ્મથી બની ગઈ. ફિલ્મે ધૂમ કમાણી કરી અને આ બન્નેની જોડી કાયમી બની ગઈ.

ક્યારેક નાદીયા વગર જોન એકલો ટારઝનની ફિલ્મોમાં ચમકતો અને 'તૂફાની ટારઝન' સોલ્લિડ ધંધો કરાવી ગઈ. અલબત્ત, પ્રેક્ષકો તો આ બન્નેને સાથે જ જોવા માંગતા હતા એમાં ૧૯૪૨-માં બનેલી આ ફિલ્મ 'જંગલ પ્રિન્સેસ'માં નાદીયાના જાણિતા સ્ટન્ટ ઓછા જોવા મળ્યા પણ સર્કસના પાળેલા સિંહ-વાઘ વધુ જોવા મળ્યા, એમાં પ્રેક્ષકોને બહુ મઝા ન આવી.

એ વાત પાછી જુદી છે કે, નાદીયા પોતે આજુબાજુ ૭-૮ સિંહો વચ્ચે આરામથી બેસીને એમને ઉઠબેસ કરવાનું કહી શકતી, એ દર્શકો માટે નવું હતું અને કેમેરાની કોઈ ટ્રિક-બીક હશે, એવું સમજતા, પણ એટલું નહોતા સમજી શક્યા કે, સર્કસના પાળેલા જનાવરો વચ્ચે એવો કોઈ ખૌફ ન લાગે ! નાદીયા સિંહો ઉપર માથું રાખીને સુઈ જાય છે, એ જોવા પ્રેક્ષકોમાં શરતો લાગતી, એવું મારા સ્વર્ગસ્થ પિતાશ્રી કહેતા. કોઈ એમ પણ બોલતું કે, નાદીયાએ સિંહ ઉપર નહિ, એવા કલરના ગોદડાં ઉપર માથું રાખ્યું હોય ને એમાં પાછી શરતો લાગતી.

'જંગલ પ્રિન્સેસ' છે અને ફિલ્મની વાર્તા મુજબ, એ અર્થ જળવાય છે પણ ખરો. એક નાનકડા રાજ્યની એ રાજકુમારી તો છે જ, સાથે સાથે જંગલમાં જઈને એ પ્રાણીઓ અને આદિવાસીઓની પણ માનીતી બનીને રાજ કરે છે.

એનો પિતા (હરિ શિવદાસાણી) રાજા છે અને રાજાને એક રખાત (રાધારાની) છે, જે પોતે કાવતરૂં કરીને માલા (નાદીયા)ની મિલકત હડપવા માંગે છે, એમાં એને સાથ મળે છે, નાનપણમાં ખોવાયેલી નાદીયાને શોધીને એની મિલકત પચાવવા માંગતા મોહનલાલ (દલપત)નો પણ નાનપણમાં ખોવાઈ ગયેલી નાદીયાને શોધવા સોલિસિટર (જાલ ખંભાતા), જોન કાવસ અને મીઠ્ઠું મીયાં આ જંગલમાં નાદીયાના જાનવરો અને જાનવરો જેવા જ આદિવાસીઓ પાસે ફસાય છે.

રાજા તો આ બધાને ભૂખ્યા સિંહો પાસે મારી નંખાવવાનો હૂકમ કરે છે, પણ નાદીયા કાવસને બહાદુર ગણીને, જો એ વાઘ સાથે મારામારી કરીને જીતી જાય તો કાવસ અને એના સાથીઓને છોડી દેવાની તૈયારી બતાવે છે. કાવસ વાઘ સામે જીતી જાય છે, પણ મોહનલાલ અને મીના (રાધારાની)ના કાવતરાંમાં એ બધા ફસાઈ જાય છે ને છેવટે સત્યનો વિજય કરાવવા નાદીયા-જોનનો બુલંદીથી વિજય કરાવી અપાય છે.

ફિલ્મ તો ઠેઠ ૧૯૪૩-માં બની છે એટલે ટેકનિકની દ્રષ્ટિએ એ જમાનાની ફિલ્મો ફાલતું ધારી લેવાય, એવી આ ફાલતું નથી. વર્ષો પહેલા 'દૂરદર્શને' ફિલ્મની પટ્ટી રીવાઈઝ કરાવીને દર્શકો માટે રજુ કરી હતી, એ હિસાબે ફિલ્મ શેપિયા કલરની વધુ લાગે છે, પણ ફિલ્મનો કેમેરા આજના જેવો જ સક્ષમ ફર્યો છે.

ટ્રોલી-શોટ્સ એ જમાનામાં ય લેવાતા હતા, પણ કેમેરા ઝૂમ નહોતા થતા (કે આ લોકોએ કર્યા નહોતા !) પણ મુંબઈનું કાલાઘોડા ૧૯૪૩-માં કેવું લાગતું હશે, એ અહીં જોવા મળે છે. યાદ હોય તો અશોક કુમાર-કિશોર કુમાર-અનુપ કુમારની ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'ના 'બાબુ સમઝો ઈશારે, હોરન પુકારે, પમપમપમ' ગીતનો પ્રારંભ આ કાલાઘોડા ઉપર થાય છે, એ વિસ્તાર આપણને ૪૩ની સાલનો જોવા મળે છે.

એક દર્દનાક વાત આ ફિલ્મના ગુજરાતી સંગીતકાર માધવલાલ માસ્ટર સાથે જોડાયેલી છે. અત્યંત ગરીબીને કારણે પાયમાલીમાં તો કાકા ગૂજરવાના જ હતા અને ઉંમર તો કોઈ ૮૫/૯૦ પછીની હશે... અને આટલી ઉંમરે ય કોઈએ એમનું ખૂન કરી નાંખ્યું. ખૂની કે ખૂનનું કારણ કદી પકડાયા નહિ. એ મુંબઈમાં આપણા ગુજરાતી પરાં ગીરગામમાં રહેતા હતા.

પોતાની ઉપર હસીને ખૂબ હસાવતા માધુકાકા ગરીબીને કારણે લૂગડાંની ઢીંગલીઓ બનાવીને ગૂજરાન ચલાવતા, એમનું આ ફિલ્મમાં સંગીત છે. યસ, એ વાત જુદી છે કે, એમના સંગીતમાં એટ લીસ્ટ આ ફિલ્મમાં તો કોઈ શકરવાર નહતો, પણ તમને તો ખબર છે, એ જમાનામાં-એટલે કે ૩૦ અને ૪૦-ના દશકોમાં એક ફિલ્મમાં બસ કોઈ... ૩૦-૪૦ ગીતો હોવા તો આમ વાત હતી. 'ઈન્દ્રસભા' નામની ફિલ્મમાં ૭૮-ગીતો હતા, એવું કોઈ માનશે ય નહિ.

આ ફિલ્મમાં ગુલશન સૂફી પોતે એક ગીત ગાવા આવે છે, જેનું પ્લેબેક પણ પોતે આપ્યું છે. આમ તમે એને નહિ ઓળખો, સિવાય કે સંગીતકાર વિનોદની ફિલ્મ 'સબ્ઝબાગ'ના સહસંગીતકાર તરીકે આ સૂફી હતો.

આશાના પણ ભક્ત હો તો આ ફિલ્મનું 'યાદ તોરી આઈ મૈં તો કબ તક રોઈ રે..' હતું. ફિલ્મ 'દરવાન'નું બીનાપાની મુકર્જીને કારણે ખૂબ જાણિતું થયેલું ગીત (મેં ઘણીવાર સાંભળ્યું છે) 'મૈં નાગિન હૂં...'નું સંગીત સૂફીએ આપ્યું હતું. એક જ દ્રષ્ય માટે ૬૦-ના દાયકાનો મોંઢે શીળીના ચાઠાંવાળો વિલન હબીબ દેખાઈ જાય છે.

પણ બબિતાના પિતાશ્રી અને રાજ કપૂરના સિંધી વેવાઈ હરિ શિવદાસાણી આટલા જૂનાં હશે, તે ઝાઝું માનવામાં ય ન આવે. અવાજ સિવાય તો એ ઓળખાય એવા પણ નથી, એટલા જુવાન આ ફિલ્મમાં હોવા છતાં રોલ તો એમણે હીરોઈનના પિતાનો જ કર્યો છે. આ છે, નઝીર હુસેન છે, મનમોહનકૃષ્ણ છે, નાના પળશીકર છે, લીલાબાઈ ચીટણીસ છે... એ બધા જન્મતી વખતે બુઢ્ઢાં જ જન્મ્યા હશે, એવું લાગે.

એવી જ રીતે, આ ફિલ્મની ખલનાયિકા બનતી એકટ્રેસ રાધારાની એ જમાનામાં બે હતી, પણ આ વાળી મોટા ભાગે હોમી વાડિયાની ફિલ્મોમાં વધુ ચમકી હતી. અવાજમાં ઠેકાણાં નહોતા, તો ય એ જમાના પ્રમાણે સેક્સી દેખાવને કારણે વેમ્પના રોલ અને ફિલ્મોમાં એક-બે ગીતો ગાવા મળી જતા. છેવટે જહૂર રાજા નામના એક્ટર સાથે પરણીને પાકિસ્તાન ભેગી થઈ ગઈ.

થોડી નવાઈ લાગે એટલી વાત એ છે કે, આ ફિલ્મ તો ઠેઠ ૪૩-માં બની હતી પણ ૭૦-ની સાલ સુધીની બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોમાંથી મોટા ભાગની એક વારે ય જોઈ શકાય એવી નહોતી, ત્યારે નાદીયા-જોન કાવસની ફિલ્મો કમ-સે-કમ કંટાળો નહોતી આપતી.

No comments: