Search This Blog

23/11/2016

હું તમને જ ફોન કરવાનો હતો..!

ગરમ કાચ થીજી જાય એવા મનમાં આપણે સમસમી જઇએ કે, સાલો નરદમ જુઠ્ઠું બોલી રહ્યો છે ને છતાં ય એનું જુઠ્ઠું ચલાવી લેવું પડે, એ પરિસ્થિતિને HTPKH એટલે કે ગુજરાતી ભાષામાં, 'હું તમને ફોન કરવાનો જ હતો..!' કહે છે. કામ એનું આપણે પતાવી આપવાનું હોય અથવા નૈતિક રીતે ફોન એણે આપણને કરવાનો હોય, ત્યારે એના ફોનની ખૂબ રાહ જોયા છતાં ફોન ન આવે ત્યારે દોસ્તીને દાવે આપણે સામેથી ફોન લગાવીએ ત્યારે એ સાવ ખોટું હસતા હસતા HTPKH કહી દે ને બધું જાણવા/સમજતા છતાં મોંઢું લાલ રાખીને એનું જુઠ્ઠાણું આપણે ચલાવી લેવું પડે છે. એને ય ખબર છે કે, એ જુઠ્ઠું બોલી રહ્યો છે એની તમને ખબર છે, છતાં મનમાં સમસમી જઇને મોંઢા પરાણે હસતા રાખીને સ્વીકારી લેવું પડે છે, કે એ તમને મામુ બનાવી ગયો ને તમે જોતા રહી ગયા ! તમને એવું પણ હોય કે, એક ફોનના ખર્ચામાં શું લૂંટાઇ જવાનું છે ! એકાદ રૂપીયાના ખર્ચા માટે ય આ માણસ જુઠ્ઠું બોલી રહ્યો છે ?

આ મોબાઈલ ફોનો આવ્યા પહેલા ઘરમાં જે લૅન્ડ-લાઇન ફોનો હતા, તેમાં એક ફોનના કોઇ પંદર પૈસા થતા હતા અને આજે સૅલફોન ઉપર એક રૂપીયાથી વધારે નહિ થતા હોય, (અને આપણો સરેરાશ ખર્ચો જોતા, આ રકમ ભિખારી બનાવી દે એટલી મોટી ન કહેવાય !... સુઉં કિયો છો ?) છતાં કરોડપતિ લોકો ય બેશરમીથી આવું જુઠ્ઠું બોલવામાં શરમ રાખતા નથી. એમને બધી બચત કે કરકસરો મોબાઈલના બિલમાં જ કરવાની હોય છે. એમાં મોટા ભાગના વળી નવું શીખી લાવ્યા છે કે, તમને ફોન કરીને એકાદ ઘંટડીમાં-તમે ઉપાડો એ પહેલા જ મૂકી દે. તમે મોબાઈલના સ્ક્રીન પર વાંચી શકો છો કે, પરવિણભ'ઇનો ફોન છે...

કપાઇ ગયો લાગે છે એટલે બીજું કાંઇ વિચાર્યા વિના સામેથી તમે એમને ફોન જોડો છો ને બસ... એટલું જ તેમને જોઇતું હોય ! તમે એ કરો એની સાથે જ ભારે ઉત્સાહમાં પહેલું વાક્ય એ HTPKH નું બોલે ! આમાં કોઇ શું કામ ખોટું બોલે, એવું માનીને તમે આ ઘટનાને મહત્વ જ ન આપો... સિવાય કે, આ જ ભાઇ અથવા અનેક ભાઇઓ સાથે તમને HTPKH ના અનુભવો થાય ! અજાણતામાં એમની બાયોગ્રાફી વિશે વધુ વાંચવા/જાણવામાં આવે ત્યારે એ પણ ખબર પડે કે, એ તો સામે ચાલીને તમને ફોન કરશે જ નહિ અથવા ફોનની પહેલી રિંગ મારીને મૂકી જ દેશે.

આ દિવાળી ગઇ, એ વખતે મેં 'વૉટ્સઍપીયાઓ' માટે લેખ લખ્યો હતો કે, મફતમાં મોકલાતા 'હૅપી દિવાલી' કે 'હૅપી ન્યુ યર'ના મૅસેજો મને ના મોકલતા. હું વૉટ્સઍપ ખોલવાનો ય નથી. મને શુભેચ્છા આપવી જ હોય તો એક ફોનનો ખર્ચો કરો ને રૂબરૂ વાત કરો...!

મતલબ તો એવો નીકળ્યો કે, કાં તો મારી કૉલમ કોઇ વાંચતું નહિ હોય ને કાં તો, 'ઈ તો કિયે હવે'ના જોર પર બધાએ 'હૅપી દિવાલી'ના ગોળ ચકરડાવાળા વૉટ્સઍપ મૅસેજો જ મોકલ્યા ! હું અનેકવાર વૉટ્સઍપમાં જ લખી ચૂકયો છું કે, કેવળ પર્સનલ મૅસેજ જ હું વાંચીશ.... ફૉરવર્ડેડ મૅસેજો મને મોકલતા જ નહિ ! હું રાજી થવાનો નથી અને મને રાજી રાખવાનું તમારી જીંદગીનું ધ્યેય પણ નથી. વૉટ્સઍપનું ફૉલ્ડર ખોલીએ, એટલે કોકના ૭૨ કોકના ૧૭ તો કોકના આઠ મૅસેજો આપણે હજી ખોલવાના બાકી હોય. તમારા જેટલું મારૂં છટકી ગયું નથી, એટલે હું તો એકે ય મૅસેજ ખોલું પણ નહિ ! એક તો વૉટ્સઍપ ખોલવાનું, પછી જે તે આવેલા મૅસેજવાળી પાર્ટીનું ફૉલ્ડર ખોલવાનું, કૂંડાળામાં લલવાએ શું મોકલ્યું છે, એની ખબર ન હોય એટલે ખોલવું તો પડે જ. એ ખોલવામાં મોબાઇલ સામે જોતા રહીને મિનિમમ આઠ-દસ સેકન્ડ જોયે રાખો પછી ખુલે ને કાળી ચૌદશે ચાર રસ્તે પાણીનું ગોળ કૂંડાળું કરીને વચ્ચે વડું મૂક્યું હોય, એવું કૂંડાળું ખુલે, જેમાં લખ્યું હોય, 'જયશ્રી કૃષ્ણ'.....

તારી ભલી થાય ચમના, આટલા જે શી ક્રસ્ણના બદલામાં મેં તને માં-બેનની કેટલી ગાળો ચોપડાવી, એનો તને થોડો ય અંદાજ છે ? વળી, આપણે ચુસ્ત જૈન ધર્મ પાળતા હોઇએ ને વાંચવાનું આવે 'જયશ્રી કૃષ્ણ' એટલે જૈનોમાં જેનો બાધ છે, એવી કેટલી બધી ગાળો સાળાને મનમાં આપી દઈએ ? (હું ખોટો હોઉં, તો મને રોકવો... હું ગુસ્સામાં છું...! - ગુસ્સો પૂરો) વૉટ્સઍપમાં હજી સીધેસીધી હૅપી દિવાલી કહી દે તો કોઇ વાંધો નહિ પણ આમણે તો બીજા કોઇએ એમની ઉપર મોકલાવેલ રંગબિરંગી ચળકતા ચકરડાં વચમાં દીવા સળગે, તારલીયા ફૂટે અને ઝગમગ લાઇટોની વચ્ચે લખાયેલું આવે, 'હૅપી દિવાલી'.... એ બધા આપણને મોકલે. તારી ભલી થાય ચમના. તારૂં આ ચકરડું ઘુમાવતા મને કેટલી તકલીફ પડી છે કે, તારા જેવા આઠસો-હજારે આવા ચકરડાં મોકલ્યા હોય, એ બધા એક પછી એક વૉટ્સઍપ દબાવી દબાવીને ખોલવાના ને મહીંથી નીકળે શું...? 'ઇની ઝાલર...???

હજી ફફડાટ ચાલુ રાખવો પડશે કે, દોઢેક મહિના પછી પહેલી જાન્યુઆરીવાળું નવું વર્ષ આવી રહ્યું છે- ઇ.સ. ૨૦૧૭નું ત્યારે ફરી પાછા આ ચકરડાં ફરતા થઇ જશે ને સીધા આપણી ઉપર આવશે.

મને હસવું આવવા કરતા બેવકૂફી ઉપર હું ગીન્નાઈ પણ જઉં છું કે, મારૂં વર્ષ બહુ સારૂં જાય, એની ચિંતા તમે શેના માટે કરો ? હું તમારો શું સગો થઉં છું અને તમે એવા કયા ગામના મોટા હિતેચ્છુ છો કે, મારૂં નવું વર્ષ

સુખસમૃધ્ધિવાળું જાય એની ચિંતા તમે કરો ! સાલા ઘેર આવીએ ત્યારે તારી વાઇફ આદુ-ફૂદીનાવાળી ચા ય પિવડાવતી નથી ને ખુદ તું આપણા જૂનાં બાકી નીકળતા અઢી લાખ પાછા આલતો નથી ને ઉપરથી અમારે તારો મૅસેજ વાંચવાનો-ચકરડાંવાળો... 'હૅપી ન્યુ યર' ? તારે લીધે તો અમારૂં આખું વરસ બગડયું છે ! તારા પોતાના યરના ઠેકાણાં નથી ને ઘરમાં બાવીસ વર્ષથી ચૂનો ય મરાયો નથી ને તું અમારો પરિવાર નવા વર્ષે ઝળહળી ઉઠે, એની શુભેચ્છા આપતો થઇ ગયો ?
આવા HTPKH એટલે કે, 'હું તમને જ ફોન કરવાનો હતો' છાપના નવરીનાઓને શોધવા બહુ સહેલા છે.

એક તો, આવા પ્રસંગે-તહેવારે આપણો મોબાઈલ એમના જ વૉટ્સઍપથી ભરાઇ ગયો હોય ને બીજું, સ્મશાનભૂમિથી માંડીને ઍરપૉર્ટ ઉપર, ચાલુ ટ્રેન કે ચાલુ ટ્રેનના છાપરા ઉપર આવા નવરીનાઓ દેખાઇ જશે. એના સસુરજી લાસ્ટ સ્ટેજમાં મરવા પડયા હોય (ફાધર માટે એને આટલી લાગણી ન હોય !) એવો એકી તાને મોબાઇલમાં આંગળા-અંગૂઠા ફેરવતો એ તમને ગમે ત્યાં, ગમે તે સ્થળે અને ગમે તે હાલતમાં દેખાઇ જશે. ક્લબો જેવી ચોખ્ખી જગ્યાના ટૉઇલેટોની બહાર તમારા વારાની રાહ જોઇને દરવાજા પાસે ઊભા હો, ત્યાં મહીંથી એના મોબાઇલનું ટૂણટુણીયું આપણાં સુધી બહાર સંભળાતું હોય. આવો કોઇ સર્વે કાઢે તો નહિ પણ કાઢવો હોય તો, મોબાઈલ ફોનો આવ્યા પહેલા ટૉઇલેટોમાં લોકોને કેટલી વારો થતી હતી ને આજે કેટલી થાય છે, એ બંનેના આંકડા કાઢો તો આપણી 'સીસ્ટમ' કાયમ માટે બંધ અથવા 'જામ' થઇ જાય !

ખાડીયાનો છું, બ્રાહ્મણ છું ને એમાં ય પાછો ૪૦-વર્ષથી પરણેલો છું, એટલે તદ્દન નઠારી ગાળો ગ્રામરની એક પણ ભૂલ વગર બોલતા આવડે છે અને તમે આવા HTPKH બ્રાન્ડના હો તો તમને ય દીધા વગર ના રહું... પણ આટલા વર્ષોના આપણી વચ્ચેના સંબંધોની લાજ રાખીને મરી જાઉં તો ય તમારા મોંઢે તો તમને આવી ગાળો ન જ દઉં... (તમારા હાઈટ-બૉડીનો થોડો ડર પણ લાગે !) મનમાં દઉં અથવા તો જે તમને ઓળખતું હોય પણ તમને કહી દેવાનું ન હોય, એના કાને તમારા માટેની બધ્ધી ગાળો દીધા વગર રહું નહિ કે, તમે મને ફોન કરવાના જ હતા, તો પછી કર્યો કેમ નહિ ?

(
છેલ્લે સૂચના  :  આ લેખ તમને ખૂબ ગમ્યો છે, એવો વૉટ્સઍપનો મૅસેજ કરશો તો સામી માં-બેનની ગાળો નહિ દઉં...!)

સિક્સર
માત્ર પાંચ વર્ષની એક ટર્મ પાર્લામૅન્ટમાં પૂરી કરનાર સંસદ સભ્યને નિવૃત્ત (!) થયા પછી લાઇફ-ટાઇમ માટે પૅન્શન મળે ને આપણા બધા માટે પોતાની છાતી આગળ ધરી દેનાર સૈન્યના જવાનોને શું મળે છે ?
કૉંગ્રેસ પણ પાણી વગરની છે... કેમ આ સવાલ મોદી સામે ઉઠાવતી નથી ?
....
કારણ કે, એમને ય લાઇફ-ટાઇમના મફતના પૅન્શનની પડી છે !

No comments: