Search This Blog

04/11/2016

'મિલન' ('૪૬)

ફિલ્મ     :     'મિલન' ('૪૬)
નિર્માતા     :     હિતેન ચૌધરી
દિગ્દર્શક     :     નીતિન બૉઝ
સંગીત     :     અનિલ બિશ્વાસ
સંગીતકાર     :     પી.એલ.સંતોષી-આરઝુ લખનવી
રનિંગ ટાઈમ     :     ૧૫ રીલ્સ - ૧૨૦ મિનિટસ
કલાકારો     :     દિલીપ કુમાર, રંજના, મીરા મીશ્રા, પહાડી સન્યાલ, મોની ચૅટર્જી, શ્યામ લહા, એનસ.નઝીર, કે.પી.મુકર્જી, સતિદેવી.


ગીતો
૧.    ગુનગુનગુનગુન બોલે ભંવરવા, હમારી બગીયા ........પારૂલ ઘોષ
૨.    ઉપર હૈ બાદરીયા કારી, મૌજોં મેં હૈ નાંવ ..........શંકર દાસગુપ્તા
૩.    સુહાની બેરિયાં બીતી જાયેં, અકેલે બૈઠે જી ગભરાય.....પારૂલ ઘોષ
૪.    વો કહે આપ કી દો ચાહ કા ઈનામ મુઝે...    ?
૫.    છિન મેં બજેગી બાંસુરિયા પ્રિત ભરી...    ગીતા રૉય
૬.    તુમ્હેં સાજન મનાયે તુમ રૂઠ જાના...    ગીતા રૉય
૭.    જીસને બનાઈ બાંસુરી, ગીત ઉસી કે ગાયે જા............પારૂલ ઘોષ
૮.    મૈં કિસકી લાજ નિભાઉં ઔર કૈસે લાજ નિભાઉં........પારૂલ ઘોષ
ગીત નં. ૧, , , અને ૬ પ્યારેલાલ સંતોષી, બાકીના આરઝૂ લખનવી

કલકત્તામાં ન્યુ થીયેટર્સ અને મુંબઇમાં બોમ્બે ટોકીઝ વચ્ચે મીઠડી મીઠડી છતાં ય ઝીણકી ઝીણકી હરિફાઈ ચાલે રાખે, છતાં ય ક્યાંય કશે છીછરાપણું નહિ, દુશ્મનાવટ તો હરગીઝ નહિ. કેવળ સર્જનાત્મક હરિફાઈ ! ફિલ્મ રસિકોને તો એ હરિફાઈથી બન્ને પાસેથી ઉત્તમ ફિલ્મોનો ઢેર મળતો હતો. ધી ગ્રેટ નીતિન બૉઝ જેવા દિગ્દર્શક તાજેતાજું ન્યુ થીયેટર્સ છોડીને મુંબઇ આવ્યા હતા અને એમને માટે તો બૉમ્બે ટૉકીઝના દ્વાર આવતા પહેલાના ખુલ્લા હતા. નીતિનબાબુની બૉમ્બે ટૉકીઝમાં પહેલી ફિલ્મ આ, 'મિલન' અને એમાં એ પોતાની ઇચ્છાથી એ વખતે સાવ નવાસવા દિલીપ કુમારને લઇ આવ્યા.

આંખોની સાથ કાન પણ કેવા તૈયાર કે, સંગીત અનિલ બિશ્વાસને જ આપવાનું અને અનિલ દાથી મહાન સંગીતકાર એ જમાનામાં તો હતા ય કેટલા ? આપણા જયકિશનવાળા શંકરે ખુલ્લેઆમ કીધું છે કે, હિંદી ફિલ્મોમાં 'ઓરિજીનલ' સંગીતકારો બે જ ... એક અનિલ બિશ્વાસ અને બીજા સી. રામચંદ્ર. બાકીના અમે બધા 'ઇધર કા ઉધર' કરનારા ! શંકરે તો ખુલ્લેઆમ નૌશાદનું નામ લઇને કહ્યું છે કે, ખુદ નૌશાદ પણ તૈયાર બંદિશો ઉપર જ ધુનો બનાવતા હતા. (દા.ત. 'નૈન લડ જઇ હૈ તો મનવામાં કસક હુઈ બેકરી..' પૂરબી ભાષાના લોકગીત પરથી બન્યું છે. જે નૌશાદે કોઈ મેળામાં સાંભળ્યું હતું.) શંકરની વાત સર આંખો પર, તેમ છતાં અર્થઘટન એવું ય નહિ કરવાનું કે, બધા જ સંગીતકારો બધી જ ધૂનો ચોરી કરી કરીને બનાવતા હતા. નૌશાદ હોય કે શંકર-જયકિશન, એ જમાનાના તમામ સંગીતકારોએ ક્યાંક ને ક્યાંક તો ઘણું ઓરિજીનલ કામ કર્યું જ છે (એક બપ્પી લાહિરી માટે સાલું કશું કહી શકાય એવું નથી !)

આમે ય, ઇતિહાસસર્જક ફિલ્મ 'કિસ્મત'ની સફળતા પછી અનિલ દા ઘણા ઉંચકાયા હતા. એમની સક્સૅસમાં વધારો કરી દીધો આ ફિલ્મ 'મિલન'ના ગીતોએ, જે મોટા ભાગના અનિલ દા ની સગી બહેન પારૂલ ઘોષે ગાયા હતા.

ઠેઠ ઉત્તર ધ્રૂવના ટૂન્ડ્ર પ્રદેશ સુધી ઇવન ઍસ્કિમો-લોકોને ય ખબર છે કે, આ ફિલ્મમાં પારૂલ ઘોષે ગાયેલું, 'ગુનગુનગુનગુન બોલે ભંવરવા, હમારી બગીયા મેં આઈ કે...' મેં ગાયું હોય એટલું મને વહાલું છે. એ તો ફિલ્મ જોયા પછી ખબર પડી કે, પારૂલનું અસલી ગમાડવા જેવું ગીત તો 'સુહાની બેરિયા બીતી જાયે...' છે. અનિલ દા એ એને જરા વિયર્ડ ચોક્કસ બનાવ્યું છે છતાં, આ ભાઇ-બેન શાસ્ત્રીય સંગીતમાં કયા આસમાને હતા, તેનો ચિતાર આખો આવે. પારૂલ ઘોષ વિશ્વવિખ્યાત બાંસુરીવાદક પન્નાલાલ ઘોષના 'ઘેરથી' હતા, તે સહેજ !

અહીં જરા ભૂતકાળમાં જઇએ તો દિગ્દર્શક નીતિન બૉઝ બેશક નંબર-વન દિગ્દર્શકોની હરોળમાં આવે. દિલીપ પણ પૂરો આદર આપે ને એમાં ય નરગીસ-અશોક કુમાર સાથેની ફિલ્મ 'દીદાર'માં દિલીપને નીતિન દાનું દિગ્દર્શન એટલે સુધી ગમ્યું હતું કે, એની પોતાની ફિલ્મ 'ગંગા જમુના'નું દિગ્દર્શન એમને આપી દીધું.

એ વાત પાછી જુદી છે કે, ફિલ્મના કોઈ પણ વિભાગમાં ટાંગ અડાડવાની દિલીપીયન-આદતને કારણે નીતિન દા ગુસ્સે થઇને એ ફિલ્મ છોડીને જતા રહ્યા. અફ કોર્સ, ફિલ્મની સફળતાને એના લીધે કોઈ ગેરફાયદો ન થયો. દિલીપે પોતાની બધી ફિલ્મોની જેમ આ ફિલ્મનું પૂરૂં દિગ્દર્શન જાતે સંભાળ્યું અને બખૂબી સંભાળ્યું !

પણ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની અપ્રતિમ વાર્તા 'નૌકા ડૂબી' પરથી ફિલ્મ બનાવવી અસાધારણ વાત હતી. બધા સાહિત્યરસિકોએ મૂળ કથા તો વાંચી હોય, એટલે દિગ્દર્શનમાં થોડી ય આઘીપાછી થઇ તો ફિલ્મ તો ફ્લૉપ જાય, ડાયરેક્ટરનું નામ ય ડૂબે...!

ડૂબ્યું.. ! ફિલ્મ ફ્લોપ જ ગઈ. રાજકપૂરે જેમને ફિલ્મ 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'નું દિગ્દર્શન સોંપ્યું હતું. તે આર.કે.ની મોટા ભાગની ફિલ્મોના કેમેરામેન રાધુ કર્માકરનો કેમેરા આ ફિલ્મમાં સરસ ફર્યો છે. રાધુની આ પહેલી ફિલ્મ હતી. બ્લૅક-એન્ડ-વ્હાઇટ ફિલ્મ હોવા છતાં કેમેરા વ્યવસ્થિત ફર્યો છે.

આવી કાળી-ધોળી ફિલ્મોનો મોટો પ્રોબ્લેમ એ પણ હોય છે કે, રાત્રીના દ્રષ્યો વખતે કેમેરા કાળો ધબ્બ થઇ જાય, એટલે મોટાભાગે તો કશું દેખાય જ નહિ. હકીકતમાં ફિલ્મની ઓરિજીનલ પટ્ટીમાં આટલી કાળાશ હોતી નથી, પણ એની ડીવીડી-બનાવતી કંપનીઓ પૂરતું ધ્યાન આપતી ન હોવાથી નબળા પ્રોસેસિંગને કારણે જૂની ફિલ્મોમાં રાત્રિના દ્રષ્યો કાળા ધબ્બ લાગે છે.

કાળી ધબ્બ તો ફિલ્મની સ્ટારકાસ્ટ પણ આપણને બિનબંગાળીઓને લાગે, કારણ કે આખી ફિલ્મમાં એક દિલીપકુમાર સિવાય કોઇને ઓળખી ન શકીએ. બધા બંગાળી કલાકારો. મહારાષ્ટ્ર અને બંગાળીઓ ફિલ્મો ઉતારે ત્યારે એમના રાજ્યના જ કલાકારોને મહત્ત્વ આપવાનું ઝનૂન એમને હોય છે.

વ્હી.શાંતારામની ફિલ્મોમાં મરાઠીઓ વણઝાર અને બિમલ રૉયની ફિલ્મોમાં બંગાળીઓના કાફલા ! આમાં અલબત્ત, પ્રાંતવાદના ઝનૂન કરતા, વર્ષોની પ્રાંતીય ફિલ્મોમાં સાથે કામ કર્યું હોવાને કારણે જાણિતા થઇ ગયેલા કલાકારો એકબીજાને વધુ માફક આવે. જો કે, પ્રાંતવાદના ઝનૂનનો મુદ્દો સાવ કાઢી નંખાય એવો નથી. મુંબઇના લોકલ રેલવે સ્ટેશનો પરથી બાલ ઠાકરેએ પરાંઓના ગુજરાતી નામો કઢાવી નાંખીને ભારતીયતા ઉપર પોતાનો એંઠવાડ નાંખ્યો હતો. (બેવકૂફીમાં એ પણ ખબર નહોતી કે, મહારાષ્ટ્રના મિનિમમ ૩૦ થી ૪૦ ટકા લોકોને રોજગાર ગુજરાતી ઉદ્યોગપતિઓ આપે છે.)

રોજગાર માટે અહીં ફિલ્મનો હીરો રમેશ (દિલીપકુમાર) આમ તો કલકત્તામાં લૉ નો અભ્યાસ કરે છે. ત્યાં એનો પડોસી દોસ્ત જોગેન (શ્યામ લહા) પણ સાથે ભણે છે. શ્યામ તેના પિતા અન્નદા બાબૂ (મોની ચેટર્જી) અને બહેન હેમનલિની (રંજના) સાથે રહે છે. રમેશ અને હેમ વચ્ચે પ્રેમસંબંધ છે, જે આ કુટુંબના અન્ય મિત્ર અક્ષય (પહાડી સન્યાલ)ને ગમતું નથી.

એણે જ લખેલા ગુમનામી પત્રથી રમેશના પિતા (કે.પી.મુકર્જી) ખીજાઈને રમેશને પાછો બોલાવી લે છે. પિતા રમેશનું સગપણ પરાણે એક વિધવાની પુત્રી સાથે કરી નાંખે છે. રમેશ પિતાને પોતાના હેમનલિની સાથેના સંબંધની વાત પણ કરે છે, પણ પિતા એવો તર્ક કાઢે છે કે, રમેશે ઓફિશીયલી કાંઈ સ્વીકારી લીધું ન હોવાથી હેમનલિનીને પરણવાની જરૂર નથી. એને બદલે રમેશના પિતાએ પેલી વિધવાને આપેલા વચન મુજબ, રમેશે વિધવાની દીકરી સુશીલા (મીરા મીશ્રા) સાથે પરણવું જોઇએ. રમેશ સુશીલા સાથે પરણી જાય છે.

આ બાજુ, વરરાજાની જાન એક નૌકામાં નદી વાટે પાછી ફરતી હોય છે, ત્યાં દરિયામાં મોટું તોફાન આવે છે, જેમાં રમેશને બાદ કરતા તેના પિતા સહિત તમામ મુસાફરો ડૂબી જાય છે. માંડ બચેલો રમેશ અર્ધબેભાન હાલતમાં પડેલી એક તાજી દુલ્હનને જુએ છે અને ગામમાં લાવે છે. રમેશને ખબર પડે છે કે, ભૂલમાં એ જેને સુશીલા કહેને બોલાવે છે, એ આ છોકરી કમલા છે. રમેશને ખ્યાલ આવે છે, કે બીજી એક નૌકામાં લગ્નની બીજી પણ એક જાન પાછી ફરી રહી હતી અને એમાં ય મુસાફરો મરી ગયા હતા.

થોડી ઘણી વિધિઓ પતાવીને રમેશ કમલાને કલકતા લઇ જાય છે, જ્યાં કમલાના એક માત્ર કાકા જીવિત છે, ને રમેશ પત્ર લખે છે. પાછા આપેલા પત્રમાં લખ્યા મુજબ, કમલાના કાકા તો ગુજરી ગયા છે, પણ પત્ર મોકલનારે કમલાના ડૉક્ટર પતિ નલિનાક્ષ (એસ. નઝીર) વિશે લખ્યું છે. (કોમેડિયન મુકરીની માફક દિલીપ કુમારે પોતાની ઓલમોસ્ટ બધી ફિલ્મોમાં આ એસ.નઝીરને લીધો છે.) રમેશ ડૉ. નલિનની તપાસ કરે છે. નલિને પોતાના આ લગ્નની વાત છુપાવી રાખી છે, જેથી એ યુવતીની આબરૂને કોઈ અસર ન પડે. આ બાજુ નિરક્ષર કમલાને ભણાવવા માટે રમેશ એને બોર્ડિંગ-સ્કૂલમાં દાખલ કરાવે છે.

વિલન અક્ષય ખોટા પ્રમાણો ઉભા કરીને રમેશને કમલાનો પતિ બનાવીને, હેમનલિની સાથે રમેશના લગ્નમાં રોડાં નાખે છે. હેમ રમેશ ઉપર વિશ્વાસ મૂકે છે. છેવટે રમેશે કમલાને લખેલા એક પત્ર દ્વારા કમલાને પણ ખ્યાલ આવે છે કે, એનો પતિ નલિન છે અને રમેશના હેમ સાથે લગ્ન થવાના છે. થોડી ઘણી નાટકીય ઉથલપાથલો બાદ હીરો-હીરોઇન ભેગા થાય છે.

એ જમાનામાં ફિલ્મી પત્રકારત્વને નામે હરકોઈ સુરમા 'ફિલ્મ ઇન્ડિયા' મૅગેઝિનના ફાયરબ્રાન્ડ તંત્રી બાબુરાવ પટેલથી સાચા અર્થમાં ફફડતા, રાજ કપૂર હોય કે ઇવન દાદામોની, ફફડવાનું કારણ એ હતું કે, અગન ઝરતી ભાષામાં ફિલ્મોના રીવ્યુ લખતા. બાબુરાવની નિષ્ઠા અંગે કોઈને ફરિયાદ નહોતી. જસ્ટ બીકૉઝ... કોઇને ઉતારી પાડવા બાબુરાવ નહોતા લખતા.

દિલીપકુમારની સૌથી પહેલી ફિલ્મ 'જ્વારભાટા' (જેનો મુખ્ય હીરો કોમેડિયન આગા અને સાઇડ હીરો દિલીપકુમાર હતો)ની ચમડીતોડ પિટાઈ કરી નાંખનાર બાબુરાવ ખાસ કરીને દિલીપકુમાર ઉપર વધુ સખ્ત થયા હતા... અક્ષરસ : , એમના શબ્દોમાં 'બૉમ્બેટૉકીઝનો નવો હીરો દિલીપકુમાર આપણા ઍનેમિક (જેનામાં રક્તકણોનો અભાવ હોય !) કલાકારોના લિસ્ટમાં નવો ઉમેરો લાગે છે. એને કોઈ બીજી ફિલ્મમાં હીરો તરીકે લેવાનું જોખમ ઉઠાવાય, તે પહેલા એને ઘણા વાઇટામિન્સ ખાવાની અને પ્રોટીનની લાંબી સારવાર કરાવવા જેવી છે. એ અત્યંત પાતળો અને જેલમાંથી ભાગેલો કેદી ભૂખમરાને કારણે દૂબળો પડી ગયો હોય એવો લાગે છે.'

એ પછી સ્વર્ણલતા સાથે દિલીપની બીજી ફિલ્મ 'પ્રતિમા' આવી, ત્યારે બાબુરાવે પહેલા કરતા ય વધુ તેજાબી ભાષામાં દિલીપને ઉતારી પાડયો હતો અને લખ્યું હતું, 'આના જેવા હીરો ફિલ્મોમાં આવતા રહેશે તો ફિલ્મોમાંથી ગ્લેમર નામનું તત્ત્વ ઊડી જશે.' એ પછીની આ ત્રીજી ફિલ્મ 'મિલન'માં ય બાબુરાવે દિલીપ માટેનાં 'ઍનેમિક' શબ્દ પકડી રાખ્યો પણ આ વખતે એટલું સ્વીકાર્યું કે છોકરાએ પ્રયત્ન તો પ્રામાણિક કર્યા છે. પણ એનો ચેહરો હીરોને શોભે એવો છે જ નહિ !

અલબત્ત, બાબુરાવની ટીકાનો ખરાબ અર્થ કાઢવાને બદલે દિલીપકુમારે પોતાની એક્ટિંગ ઉપર વધુ ધ્યાન આપવા હૉલીવુડની બહુ ફિલ્મો જોવા માંડી અને ત્યાંના હીરો-હીરોઇન, પૉલ મુનિ, સ્પૅન્સર ટ્રૅસી, હૅનરી ફોન્ડા, જૅમ્સ સ્ટયુઅર્ટ, જ્હોન ગીલગૂડ, ઇન્ગ્રિડ બર્ગમૅન, વિવિયન લિ અને લાના ટર્નરની ફિલ્મો જોઈ, એમાંથી અભિનયની સ્વાભાવિકતા શીખવા માંડી.

એની સાથે બાબુરાવનો મિજાજ જ બદલાયો અને જે માણસ દિલીપની આટલી ઉગ્ર ટીકાઓ કરતો હતો. એ ફિલ્મ 'શહીદ'થી દિલીપનો કાયમી ફૅન બની ગયો અને લખ્યું, 'ઍક્ટિંગને લાગે વળગે છે ત્યાં સુધી દિલીપકુમાર એના પાત્રાલેખનને પૂરો ન્યાય આપી મેદાન મારી જાય છે. લાગણીશીલતા અને પોતાના કિરદારનું અનોખું અર્થઘટન કરી દિલીપ ખીલી ઉઠયો છે.'

ફિલ્મની હીરોઇન રંજના મરાઠી ફિલ્મોની જાણિતી કલાકાર હતી, મૉની ચૅટર્જીને મેહમુદની ફિલ્મ 'ભૂત બંગલા'માં ટાલીયા કાકાના રોલમાં જોયો છે. 'મિલન' નામની આજ સુધી ચાર ફિલ્મો આવી છે. પહેલી તો  આજ વાળી-દિલીપકુમારની, બીજી નલિની જયવન્ત-અજીતની, જેમાં હંસરાજ બેહલના સંગીતમાં લતા મંગેશકરનું સોળે કલાએ ખીલેલું ગીત, 'હાય જીયા રોયે, જીયા નાંહી આયે...' આપણને બધાને કંઠસ્થ છે. ત્રીજી, નૂતન-સુનિલ દત્તની અને ચોથી જૅકી શ્રોફ-મનિષા કોઇરાલા-પરેશ રાવલની.

પણ એ કમનસીબી આપણા બધાની ખરી કે, ચાર ચાર 'મિલનો' ઉતરતા છતાં એકે ય માટે ભારપૂર્વક કહી શકાય એમ નથી કે, આ તો તમે જોજો જ !

No comments: