Search This Blog

18/11/2016

મરીન ડ્રાઈવ (૧૯૫૫)

ફિલ્મ  :  મરીન ડ્રાઈવ (૧૯૫૫)
નિર્માતા-નિર્દેશક  :  જી.પી.સિપ્પી
સંગીત     :  એન.દત્તા
ગીતકારો     :  સાહિર-કમર
રનિંગ ટાઈમ  :  ૧૪ રીલ્સ
કલાકારો  :  બીના રૉય,અજીત, જ્હોની વૉકર, કે.એન.સિંઘ, મોહના, રાજેન કપૂર, ખટાના, હરિ શિવદાસાણી, ઉમાદેવી, નમક, ગુલાબ, બંસી, મુસા અને રૂપમાલા  :  મહેમાન કલાકારો  :  અનવર હુસેન અને વિજય લક્ષ્મી.


ગીતો
૧.    અજી હમ ઔર તુમ હો સાથ સાથ...    આશા ભોંસલે
૨.    મૈં હૂં ફુલઝડી, તૂ હૈ શોલા...    આશા ભોંસલે
૩.    અપને ખયાલોં કો સમઝા દીજીયે...    લતા મંગેશકર
૪.    અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં...    મુહમ્મદ રફી
૫.    મુહબ્બત યૂં ભી હોતી હૈ...    આશા ભોંસલે-મુહમ્મદ રફી
૬.    દિલ ભી મીટ જાયે તો ઉલ્ફત દિલ સે...    આશા ભોંસલે
૭.    રાત સુનસાન હૈ, જીંદગી વીરાન હૈ...    આશા ભોંસલે
૮.    કરમ કી ભીંખ માંગી, બતા અય આસમાં...    મુહમ્મદ રફી
ફક્ત પહેલા બે ગીત કમર જલાલાબાદી, બાકીના સાહિર લુધિયાનવી

જેણે સદીની સર્વોત્તમ સફળ ફિલ્મ 'શોલે' બનાવી, એ સિંધી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક જી.પી.સિપ્પી '૫૦ના દાયકામાં આ ફિલ્મ 'મરીન ડ્રાઈવ' દ્વારા પહેલી વાર ફિલ્મ નિર્માતા દિગ્દર્શક બન્યા.

આની તો વાર્તા ય એમણે લખી. સાચું સિંધી નામ અટક તો હતા, ગોપાલદાસ પરમાનંદ સિપહમલાણી... આ નામ છે કે નિબંધ એ લોકો સમજી નહિ શકે, એ માટે લોકકલ્યાણાર્થે આટલું લાંબુ નામ ટુંકાવીને એમણે 'જી.પી.સિપ્પી' કરી નાંખ્યું. નિર્માતા તરીકે સિપ્પીએ એ સમયમાં થોડીઘણી સફળ/નિષ્ફળ ફિલ્મો બનાવી હતી.

જેમાં 'સઝા' ('તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે'), 'મરિન ડ્રાઈવ', ગુરૂદત્તવાળી ૧૨ 'ક્લોક, ભાઈ-બહેન, મિ. ઇન્ડિયા (આઇ.એસ.જોહર), બંધન (રાજેશ ખન્ના) અને બ્રહ્મચારી (શમ્મી કપૂર) મેરે સનમ, અંદાઝ, સીતા ઔર ગીતા, શાન,સાગર અને શોલે પછી બધી વગેરે વગેરેમાં આવે !'

'મરિન ડ્રાઈવ'ની વાર્તા કંઇક આવી હતી  :

દુનિયાભરનો કાતિલ બદમાશ કે.એન.સિંઘ એના કરોડપતિ સગા ભાઈ હરિ શિવદાસાણીને અગાસીમાંથી નીચે ફેંકી એટલા માટે દે છે કે, હરિભાઈની દીકરી બીના રૉયને પ્રેમમાં ફસાવી સિંઘનો સાથી ગુંડો અજીત બીનાને મારી નાંખે. પ્રેમમાં તો બન્ને પડી જાય છે, પણ અહીં વળી સાચો પ્રેમ થઇ જાય છે. ગુસ્સે થયેલા સિંઘને એક બાજુ એના લેણદારો ઉઘરાણીઓ કરે રાખે ને બીજી બાજુ, એનો બીજો સાથી સેઠ કરોડીમલ (ખટાના) ફિલ્મ બનાવવાની પાછળ બર્બાદ થવા નીકળેલા જ્હૉની વૉકરને ફસાવીને રૂ. ૨૫ હજાર પડાવી લે છે, જે જ્હૉનીભાઈ ટુનટુનને પરણવાનું પ્રોમિસ આપીને એની પાસેથી પચીસ હજાર પડાવે છે. એક વાતની કોઈને સમજ ન પડે કે, કે.એન.સિંઘ એના આસિસ્ટન્ટ ગુંડા અજીતને હીરોઇન બીના રાયના પ્રેમમાં પડીને એનું ખૂન કરવાની છુટક મજૂરીનું કામ સોંપે છે. સમજ એ ન પડે કે, પેલીને મારી જ નાંખવી છે, તો હીરોને એના પ્રેમમાં પાડવાની જરૂર જ ક્યાં છે ? સિંઘની બદમાશ આસિસ્ટન્ટ મોહના લેવાદેવા વગરની ફિલ્મમાં ચક્કરો મારતી રહે છે, એ જ રીતે એ જમાનાના નામી કલાકારો વિજયલક્ષ્મી અને અનવર હુસેન પણ મેહમાન કલાકારો તરીકે કોઈ કારણ વિનાના આંટો મારી જાય છે. અજીતને બીના રૉય સાથે પ્રેમ કરતા આવડે છે પણ ગીત ગાતા નથી આવડતું, એટલે દારૂ પીધો ન હોવા છતાં, 'અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં...' નામનું ગીત વગર લથડીયે ખાય છે. એ સમયની મોટા ભાગની ફિલ્મોનું કથાનક ક્લબ, જુગાર, ગુંડા અને કાળા કોટ, કાળા ચશ્મા અને ઓવરકોટવાળા વિલનોથી બનેલી હોવાથી સિપ્પીએ આ યુનિફોર્મ કે.એન.સિંઘને પણ પહેરાવ્યો છે. કોમળ કળી જેવી બીના રોય સાથે પ્રેમદ્રષ્યોમાં મોના કે સાથ સોનાવાળો લોયન અજીત દેખાય એટલે, ફેરારી કારમાં પચ્ચા રૂપિયાનું પેટ્રોલ નંખાવવા આવ્યો હોય એવું લાગે ! બીના રૉય પાસે બીજો વિકલ્પે ન હતો કે, અજીતને છોડી બીજા કોઈ વટદાર હીરો સાથે કામ કરવા જાય.

બીના રૉય ઉર્ફે કૃષ્ણા સરિન પ્રેમનાથની પત્ની હતી, એ બીનાનું નહિ પણ પ્રેમનાથનું ક્વૉલિફિકેશન ચોક્કસ ગણાય. જન્મે અટક સરિન અને પરણી પ્રેમનાથ મલ્હોત્રાને, તો પછી વચમાં આ 'રૉય' અટક ક્યાંથી આવી ? ૧૩મી જુલાઈ, ૧૯૩૧ના રોજ પાકિસ્તાનના લાહૌરમાં એ જન્મી હતી (મૃત્યુ  :  ૬ ડિસેમ્બર, ૨૦૦૯ મુંબઇ) ફિલ્મો જોઇન કરવા માટે બીનાને મહાત્મા ગાંધીનો એક સિધ્ધાંત કામમાં આવ્યો, ભૂખ હડતાલનો. એના મમ્મી-પાપા ફિલ્મોની વિરૂધ્ધમાં હતા અને આ છોકરીને પોતાની સુંદરતા ઉપર પૂરો ગર્વ કે, હીરોઇન ન શું બનાય ? બનીને બતાવું ! એના જન્મ પછી કૌમી તોફાનોને કારણે પાકિસ્તાન છોડીને ભારતના કાનપુરમાં વસેલા બીનાના પરિવારે ઇન્કાર કરતા બીના ભૂખ હડતાલ પર ઉતરી ગઈ.જોવાની ખૂબી નહિ, ખામી એ છે કે, બીના રૉયે જેની સાથે પ્રેમમાં પડીને લગ્ન કર્યા તે પ્રેમનાથ સાથેની તેની બધી ફિલ્મો શગૂફા, બાદલ, ચંગેઝખાન, ઔરત અને ગોલકોંડા કા કૈદી ટિકીટબારી ઉપર બુરી રીતે પિટાઈ ગઈપણ પ્રદીપકુમાર સાથેની ત્રણ ફિલ્મો અનારકલી, તાજમહલ અને ઘુંઘટ સુપરહિટ થઇ, જેમાં ઘૂંઘટ માટે તો તેને બેસ્ટ ઍકટ્રેસનો ફિલ્મફૅર એવોર્ડ પણ મળ્યો. દુ:ખ ગણવું હોય તો એ વાતનું ગણી શકાય કે, ૧૯૬૦ની ફિલ્મો માટે બીના રૉયને ફિલ્મ 'ઘૂંઘટ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ મળ્યો પણ સાચું પૂછો તો આ ઍવોર્ડ ફિલ્મ 'મુગલ-એ-આઝમ'ની અનારકલી એટલે કે મધુબાલાને મળવો જોઇતો હતો.

થોડા ઊંચા ય થઇ જવાય, અભિનેત્રી શ્યામાની એ વાત સાંભળીને કે, ભલે લોકો મધુબાલાને સર્વોત્તમ સુંદરી કહેતા હોય, પણ મારી જેમ મારા સમયની અનેક અભિનેત્રીઓ બીના રૉયને સંપૂર્ણ સુંદર સ્ત્રી ગણાવી છે. એ વાતે ય માન્ય રાખીએ, તો હજી એક આ ઘાત લાગવાનો બાકી છે. એ વખતે 'ફિલ્મફેર' જેવા કોઈ મૅગેઝિને એ સમયની સૌથી સુંદર અભિનેત્રીની પસંદગી કરવા માટે વાચકો પાસે મત મંગાવ્યા હતા. નવાઈ લાગી શકે પણ વાચકોએ મધુબાલા, વૈજયંતિમાલા, નરગીસ, માલા સિન્હા, નિમ્મી, બેગમ પારા, નિગાર સુલતાના, નૂતન કે આશા પારેખને બાજુ પર મુકીને નલિની જયવંતને સર્વોત્તમ સુંદરી જાહેર કરી હતી. ... વાચક તરીકે આપણે તો એટલું જાણીએ કે, આપણને તો ત્રણેય પસંદ હતી. કોઈ ઝગડો ન જોઇએ !

થોડું વધુ ખેંચ્યું હોત તો મોટા ભાગની ફિલ્મોમાં પોલીસ-ઇન્સ્પૅકટરના રોલ કરીને ગીનેસ બૂક ઓફ રેકોર્ડર્સમાં નામ અંકિત કરાવનાર જગદિશરાજનો રૅકોર્ડ રાજન કપૂર નામના કલાકારે તોડયો હોત. એ સમયની મોટા ભાગની બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોમાં આ રાજન કપૂર યા તો પોલીસવાળો બન્યો હોય ને યા તો ગુંડો ! ફિલ્મવાળાઓને પોલીસ કરતા ગુંડા મવાલીઓની વધારે જરૂરત હોવાથી રાજન પાસે ગુંડાના રોલ વધુ આવવા મંડયા એમાં એ રેકોર્ડ કરી ન શક્યો.

અજીત (જન્મ તા. ૨૭ જાન્યુઆરી, ૧૯૨૨  :  ગોલકોન્ડા - મૃત્યુ તા. ૨૨ ઓક્ટોબર, ૧૯૯૮) ફિલ્મોમાં આવ્યો ત્યારે પોતાના અસલી નામ હમીદઅલી ખાનથી ઓળખાતો હતો. હીરોમાંથી વિલન બનેલા અજીતે પહેલા લગ્ન ફ્રેન્ચ છોકરી ગ્વૅન ડી'મોન્ટી સાથે કર્યા હતા, પણ તેનાથી કોઈ સંતાન ન હોવાથી બીજા લગ્ન શાહિદાઅલી ખાન સાથે કર્યા (જે ઇ.સ. ૨૦૧૨માં મૃત્યુ પામ્યા) અને એના ત્રણ પુત્રો શાહિદ, શેહઝાદ અને અરબાઝઅલી ખાન છે.

કે.એન.સિંઘની સાઇડકિક બનતી ઍકટ્રેસ મોહના એ સમયની ઘણી ફિલ્મોમાં આવો જ બિંદુ જેવો રોલ કરતી. ડાયરેકટર એને સિગારેટ પીવા આપે ખરા, પણ બેનને સિગારેટ પકડતા ય આવડે નહિ, એ દેખાઈ જાય. કે.એન.સિંઘે ફિલ્મી પરદા ઉપર બધું મળીને જેટલી સિગારેટો પધી હશે, એ ન પીધી હોત તો, એટલા જ પૈસામાંથી મુંબઇનો એ જ મરિન ડ્રાઇવ વિસ્તાર આખેઆખો ખરીદી શક્યો હોત ! એક વાર તો ભર એપ્રિલ મહિનામાં મુંબઇનું આકાશ વાદળોથી ભરાઈ ગયું હતું ને લોકો સમજ્યા કે, 'એપ્રિલમાં વરસાદ...???' પછી ખબર પડી કે, સિંઘ સાહેબ શૂટિંગ કરી રહ્યા છે.

એ જે હોય તે, એ વાત ક્લિયર છે કે, એ જમાનાની ફિલ્મોમાં કોઈ ક્લબ-હોટેલનો બોસ કે.એન.સિંઘ પરફૅક્ટ લાગતો. સરસ મઝાના સ્ટિચ કરેલા શૂટ અને બો-ટાઈવાળા સફેદ શર્ટ ઉપરાંત ક્યારેય સખણી ન રહેતી અને છટપટી આંખો દર્શકોમાં ધાર્યો ખૌફ પેદા કરી શક્તી. એ સિગારેટના ગૂંચળા કાઢે જાય, ને સિનેમામાં બેઠા દાઝો આપણને ચઢતી જાય ! કે.એલ.સાયગલની ફિલ્મોમાં કામ કરી જનાર આ ચરીત્ર અભિનેતા પૃથ્વીરાજ કપૂરનો જીગરી દોસ્ત હતો. બન્ને માટુંગાના કિંગસર્કલ વિસ્તારમાં સાથે રહેતા.

સાહિર લુધિયાનવીના કેસમાં તો એવું જવલ્લે જ બન્યું છે કે, જે ફિલ્મનો ગીતકાર એ હોય ત્યાં બીજા કોઇને આવવા ન દે, પણ અહીં કમર જલાલાબાદીને બે ગીતો મળ્યા છે. નામ પરથી મુસ્લિમ શાયર હોવાનું લાગે પણ કમર જલાલાબાદીનું સાચું નામ ઓમપ્રકાશ ભંડારી હતું. સાહિર સાથે હોવાનું કમરને તો નુકસાન જ થયું છે કે, આશા ભોંસલેએ ગાયેલા આ ફિલમના પહેલા કેબરે-સોંગના વાહિયાત શબ્દો વાંચો  :  'અજી તુમ ઔર હમ, હો સાથ સાથ ઔર મસ્ત રાત, દુનિયા કો માર દો બમ...' તારી ભલી થાય ચમના... પેલા બન્ને રાતભર સાથે રહે, એમાં આખી દુનિયાને બોમ્બથી ઉડાવી દેવાનો તને ખ્યાલ શેનો આવ્યો ? ફિલ્મમાં તો આ ડાન્સ હૅલન કે કક્કુ-બક્કુ નહિ, રૂપમાલા કરે છે. આ એ જમાનો હતો જ્યારે મોટા ભાગના ક્લબ-સોંગ્સ ગીતા દત્તને ગાવા મળતા. પણ એક વાર આશા ભોંસલે આવી, એવી જ છવાઈ ગઈ ને ગીતાના બધા ક્લબ-સોંગ્સ આશા લઇ ગઇ ! અલબત્તકમર જલાલાબાદી અંગત જીતનમાં... યાદ હોય તો એક જમાનામાં મહર્ષિ મહેશયોગીનું Transendental Meditation વિશ્વભરમાં વિખ્યાત થયું હતુ, તેના એ પ્રખર હિમાયતી હતા. આ લાગણીસભર શાયરની સગી બેનને લગ્નજીવનનું કોઈ દુ:ખ હશે, તો મુંબઇના ખારમાં પોતાનો આખો બંગલો બેનને ભેટ આપીને પોતે પત્ની લીલાવતી અને સાત દીકરીઓને લઇને જુહુમાં અત્યંત સાદા મકાનમાં રહેવા જતા રહ્યા.

ફિલ્મના સંગીતકાર એન.દત્તા ઉપર ચોક્કસ દયા ઉપજે. ખૂબ સારો સંગીતકાર અને એના ગોડાઉનમાં એક પછી એક ચઢે એવી કેવી સૂરિલી ફિલ્મો, છતાં ફિલ્મોમાં ચાર પૈસા ય ન કમાયા અને ગરીબીમાં ગુજરી ગયા ! દેવ આનંદની ફિલ્મ 'મિલાપ'માં પહેલી વાર સંગીત આપનાર ગોવાના આ સંગીતકાર દત્તા નાઇક (ગુજરાતી 'નાયકો'... 'નાઇક' છે... નાઇકો અને નાયકો જુદા ! અલબત્ત, બન્નેનો અર્થ તો એ જ થાય  :  લીડર) 'મિલાપ'માં હેમંત-ગીતાનું 'યે બહારોં કા સમા,ચાંદ તારોં કા સમા, ખો ન જાયે' જામ્યું, એમાં આજની આ ફિલ્મ 'મરિન ડ્રાઈવ' મળી. આખી ફિલ્મમાંથી એક મુહમ્મદ રફીનું જ ગીત, 'અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં' કેવળ રફીના જીગરી ચાહકો પૂરતું ઉપડયું, પણ એટલું નહિ, જેટલું ફિલ્મ 'ચંદ્રકાંતા'નું, 'મૈંને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી, મુઝકો રાતોં કી સિયાહી કે સિવા કુછ ના મિલા...' ઉપડયું. એક ગુન્હો માફ થાય એવો નથી દત્તા નાઇકનો કે ફિલ્મ 'મોહિની' ('૫૭)માં 'ક્યા ક્યા ન સહે તુમને સિતમ મહેલોં કી રાની...' ઉપરથી બેઠ્ઠી પોતાની જ ચોરી કરીને એક્ઝેક્ટ એ જ ગીત ફિલ્મ 'ધૂલ કા ફૂલ'માં, 'તૂ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા...' બનાવ્યું, તો સાથે સાથે રફી-લતાનું એક ડયૂઍટ 'મૈં તુમ્હી સેપૂછતી હૂં, મુઝે તુમસે એ પ્યાર ક્યૂં હૈ' પણ દત્તાએ જ ફિલ્મ 'બ્લેક કૅટ' માટે બનાવ્યું, જે ફિલ્મના પરદા ઉપર મેહમુદની સગી બહેન મીનુ મુમતાઝ હીરો બલરાજ સાહની માટે ગાય છે. દત્તાના અન્ય તો અનેક કમ્પોઝીશન્સ સર આંખો પર, પણ આમ મહેન્દ્ર કપૂરનો કોઈ ભાવ પણ ન પૂછે, પરંતુ યશ ચોપરાની ફિલ્મ 'ધર્મપુત્ર'માં શશી કપૂર ઉપર ફિલ્માયેલા બે ગીતો મહેન્દ્ર કપૂરે લાઈફ-ટાઈમ બેસ્ટ ગાઈ નાંખ્યા છે, 'ભૂલ સક્તા હૈ ભલા કૌન યે પ્યારી આંખે' અને 'આજ કી રાત નહિ શિકવે શિકાયત કે લિયે' ઍટ લીસ્ટ, મારા તો બહુ ફૅવરિટ છે. કિશોર કુમાર-આશા ભોંસલેનું ફિલ્મ 'જાલસાઝ'માં 'પ્યાર કા જહાં હો, છોટા સા મકાં હો, જીસમેં રહે હમ...' મધુરૂં છે. ગોવાએ અદ્ભુત સંગીતકારો આપ્યા છે, દત્તારામ (શંકર-જયકિશન ફૅઇમ) ઍન્થની ગોન્સાલવીસ, રોબર્ટ કોરીયો અને કેટલા બધા ! એમાંના એક આ એન.દત્તા પણ ગરીબી અને પાઈપાઈના મોહતાજ થઇને ગુજરી ગયા.

એક અચરજ કરવું હોય તો થાય એવું છે કે, વિશ્વવિખ્યાત ફીલહાર્મોનિક ઓરકેસ્ટ્રા સંચાલક રિચર્ડ વાગ્નરની ધૂનોની એન.દત્તાએ આ ફિલ્મમાં સીધી ઉઠાંતરી કરી છે... પોતાનું કાંઈ પણ ઉમેર્યા વગર !

ફિલ્મ કે.એન.સિંઘનો એક મળતીયો લાલા કિરોડીમલ આવે છે, એને ઇન્ટરનૅટવાળાઓ પણ ફિલ્મ શ્રી ૪૨૦નો સેઠ નેમો સમજી બેઠા છે, હકીકતમાં એ જાડીયો 'કઠાના' છે. ઘણી ફિલ્મોના ટાઈટલ્સમાં એનું નામ 'ખટાના' પણ લખાય છે. મોટા ભાગે મારવાડી કંજૂસ સેઠીયાના રોલમાં એ હોય !

ઘણી મહેનત અને લાંબા વિચારો કર્યા પછી એ નક્કી થઇ શક્તું નથી કે, આ ફિલ્મ 'મરીન ડ્રાઈવ' જોવા માટે તમને કયા ગ્રાઉન્ડ ઉપર ભલામણ કરવી ?

No comments: