Search This Blog

16/11/2016

હું, ગાંધીજી અને મુગલ-એ-આઝમ

એક પુસ્તક તરીકે મેં મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો' મિનિમમ ૧૨-૧૩ વખત વાંચ્યું છે અને હજી સમય મળે, ત્યારે એ જ વાંચતો રહું છું. મને કાંઇ સમજણ પડતી નથી, માટે વારંવાર વાંચવું પડે છે, એવું નથી પણ જેટલી પડે છે, એમાં આનાથી વધુ અસરદાર પુસ્તક વિશ્વમાં બીજું કોઇ હોઇ શકે નહિ, એવી મારી માન્યતા દ્રઢ થતી જાય છે.

બાપુની આત્મકથા વધુ ને વધુ ગમવાનું બીજું કારણ એ પણ છે કે, બદલાતી ઉંમરોએ ફરી વાર વાંચતો જઉં છુ, એમ દર વખતે નવા અર્થઘટનો મળે છે અને આવું સુંદર પુસ્તક પસંદ કરવા બદલ હું પોતે ય 'અશોક દવે'નો ચાહક બની ગયો છું. (આ આજ સુધી, હું મારી જાતને લેખક તરીકે જ ઉમદા માનતો હતો...!)

મારા માટે, આમાં બીજી રીતે જોવા જઇએ તો ફિલ્મ 'મુગલ-એ-આઝમ' જેવું છે. આ ફિલ્મ પહેલી વાર ઇ.સ. ૧૯૬૦માં અમદાવાદમાં રીલિઝ થઇ (કૃષ્ણ અને નોવેલ્ટીમાં, એક સાથે) ત્યારે મારી ઉંમર ૮ વર્ષની હતી, એ વખતે પપ્પાનો તમાચો ખાધા પછી જોઇ તો ખરી, પણ તો ય મને ખૂબ ગમી ગયેલી. (તમારા મધુભાભીની વાત નથી. એની વાત આ ચૅપ્ટરમાં નહિ આવે... અત્યારે સારી વાતો ચાલી રહી છે, પ્રેમલા-પ્રેમલીની નહિ!) મુહબ્બતને ખાતર શાહજાદા સલીમને તોપના ગોળાથી ઊડાડી દેવાનો હૂકમ શહેનશાહ અકબર આપે છે, એ મને બહુ ગમી ગયું અને હવે પછી મરવું તો કોઇ રીક્ષાની ટક્કર-બક્કરથી નહિ પણ સલિમની માફક તોપના ભડાકે મરવું, એવા વીરતાભર્યા વિચારો આવતા હતા. પણ એ વાતમાં ઝાઝો મેળ પડયો નહતો.

સલિમનો પ્રોબ્લેમ એ હતો કે શહેનશાહ-એટલે કે, એના ફાધર એને અનારકલી સાથે પરણવા દેતા નહોતા ને પરણવાની હઠ કરી તો સીધો તોપના નાળચે ઊભો કરી દીધો હતો. મારે સાવ સલિમ જેવું નહોતું. સલિમ મારા કરતા વધારે દુ:ખી હતો. (અહીંના કર્યા અહીં જ ભોગવવાના હોય છે!) મારા ફાધર તો હું જે કોઇ અનારકલી કે કોઇ બી કલી લઇ આવું, એની સાથે પરણાવી દેવા તૈયાર હતા. મારા માટે એમણે કોઇ જ્ઞાતિ બાધ નહતો રાખ્યો... સ્ત્રી મનુષ્ય જાતિની જોઇએ, એટલી પૂર્વશરત એમણે રાખી હતી.

(
એમાં ય ક્યાં કોઇ મળતું'તું?.... કોઇ પંખો ચાલુ કરો!) મને યાદ છે, 'મુગલ-એ-આઝમ'માં સલિમ અનારકલીના મોંઢા ઉપર કબુતરનું પીંછું ફેરવે છે ને પેલી હસીહસીને ગલીપચીથી વાંકી વળી જવાને બદલે કમરનો દુખાવો થયો હોય એવી આડી પડી રહે છે, પણ મને એ હરગીઝ યાદ નથી કે મારા લગ્નના ૪૦-૪૦ વર્ષોમાં વાઇફે એકે ય વાર એના કે કોઇના બી મોંઢા ઉપર આવા પીંછા ફેરવવા દીધા હોય! આમાં આશાસ્પદ માણસો ક્યાંથી આગળ આવે?... હા, કોઇ એનાં મોંઢે  પીંછું ફેરવી ગયું હોય તો મને ખબર નથી!.

એ પછી મારી ઉંમર વધતી ગઇ અને રીપિટમાં આ ફિલ્મ જેટલી વાર આવે, એટલી વાર જોતો રહું, એમાં ય ઓછામાં ઓછી અત્યાર સુધીમાં ૨૦-૨૨ વખત જોવાઇ ગઇ છે... (ડીવીડી પર તો જોવી હોય એટલી વાર જોવાય ને?)

આ બન્ને મહાન ચીજો જેટલી વાર વાંચતો-જોતો ગયો છું, એટલી વાર મને નવા નવા અર્થઘટનો મળે ગયા છે. પહેલા જે જોયું-વાંચ્યું હોય, એ કદાચ બરોબર હોય તો પણ નવેસરથી જોવા-વાંચવામાં નવા અને અદભૂત અર્થઘટનો મળે.''ઓહ હો... આમાં તો આમ હતું... લે!'' કોઇ ફિલ્મ કે કોઇ પુસ્તક, હજી સુધી તો આ બન્ને કૃતિઓથી મહાન મને લાગ્યા જ નથી.

એમાં બાપુની આત્મકથા હમણાં ફરીથી વાંચતા નવું પણ ખતરનાક અર્થઘટન મળ્યું. વાત બાપુની હોય, એટલે જીવનમાં ઉતારવી તો પડે જ! મેં ય પ્રયત્નો કર્યા....

હતું એવું કે, નાનપણમાં બાપુ એક ચુસ્ત વૈષ્ણવધર્મી હોવા છતાં દોસ્તોના ચઢાવવાથી (કે, માંસ ખાવાથી મજબુત બનાય છે અને પૌરૂષત્વ આવે છે), બાપુ માંસ ખાવાના રવાડે ચઢી ગયા.

બાપુએ કન્ટ્રોલ તો ખૂબ રાખ્યો, છતાં ક્યાંક ભરાઇ પડયા અને હા-ના હા-ના કરતા આખરે મટન ખાવા તૈયાર થઇ ગયા અને ખાધું પણ ખરૂં. જ્ઞાતિમાંથી બહાર મૂકાવા ઉપરાંત ઘેર મા-બાપના હૈયાં કેવા કચવાતા હશે, એનો ડર છતાં બાપુએ છાનુંમાનું પણ માંસ ખાવાનું ચાલુ રાખ્યું. ભાવતું તો નહોતું, પણ શરીરને મજબુત બનાવવા આ એમને જરૂરી લાગ્યું!

હું તો બાપુનો પૂરો ભક્ત. એ કરે એ મારે કરવા જોઇએ જ... પણ એમના જેવી તાકાત તો જગતના કોઇ પુરૂષમાં નહોતી, ત્યાં હું તો એક સામાન્ય બાળક! (અત્યારની નહિ... પહેલાની વાત થાય છે! આઇ મીન, અત્યારની ગણો તો ય મારી બુધ્ધિપ્રતિભા વિશે તમારો મત બદલાય એવું લાગતું નથી!)

હું બ્રાહ્મણનો દીકરો એટલે માંસ-મચ્છીની લારી સામે ય ન જોવાય, સૂગ ચઢે એ જુદું! બાપુએ ક્યારેક ખાઇ લીધું હતું, એટલે મારે ય માંસ ખાવું, એવું તે કાંઇ ન હોય ને ? આપણે એમનું સારૂં લક્ષણ જોવું.

આરોગ્યશાસ્ત્રમાં દરેક દુષણના વિકલ્પો આપ્યા છે. હું માંસ-મચ્છી ભલે ન ખાઇ શકું, પણ શરાબમાં શો વાંધો ? શરાબ માંસ જેવી ખતરનાક નથી, એ પાછો હું જાણું અને દુષણ તો દુષણ, મહાત્મા ગાંધીએ પણ પ્રયોગ ખાતર એક દુષણ હાથમાં લીધું હતું, એટલે મને ય વાંધો નહિ આવે.

પણ ગુજરાતમાં રહીએ એટલે દારૂ તો ફોટામાં ય જોવા ન મળે. કહે છે કે, કોક પોલીસવાળો ઓળખીતો હોય તો એના ઘેરથી એકાદ બૉટલ મળી રહે... વ્યાજબી ભાવે!  પણ પોલીસના ગળામાં ઘંટ બાંધવા જાય કોણ? પૂછવું કેવી રીતે કે, ''જમાદાર... કોઇ વ્હિસ્કી-બિસ્કી પડી છે?'' શરૂઆતથી જ મારા લક્ષણ સારા નહિ, એટલે કોઇ બુટલેગરને ઓળખું પણ નહિ,

એટલે બૉટલ લાવવી ક્યાંથીવળી, મારે કેવળ શરાબ પીવાની નહોતી, એ પીવા પાછળ મારો હેતુ પણ જનતાને જાહેર કરવાનો હતો કે, એવું તે શું દુ:ખ આવી પડયું કે, મારે શરાબને સહારે જવું પડયું? શું પ્રેમમાં મને કોઇ પ્રેમિકાએ (એક અથવા એકના ગુણાંકમાં) દગો કર્યો હતો? શું મારૂં ફૅમિલી દેવાના ડૂંગર નીચે દબાઇ ગયું હતું? શું હું ખરાબ દોસ્તોની સોબતે ચઢી ગયો હતો? શું હું ક્યારેય મટી ન શકે એવા કોઇ  રોગથી પીડાતો હતો?

તારી ભલી થાય ચમના... એવા કોઇ કારણો નહોતા, છતાં જાલીમ જમાનો કાલ ઊઠીને જવાબ માંગે તો કંઇક તો કહેવું ને? એટલે જવાબો તૈયાર રાખ્યા કે, મારે શરદીનો કોઠો રહે છે, એટલે ડૉક્ટરે થોડી થોડી બ્રાન્ડી લેવાનું કીધું છે! ખાલી બૉટલને ગળાથી પકડીને મોંઢું લૂછતાં લૂછતાં 'ગાંવવાલો'ને વાંકા પગે ઊભા ઊભા કહેવાનું હતું કે, પતંજલીનો કોઇ સીરપ કે મિનિસ્ટ્રોન સુપ-બુપ પીવાને બદલે શા માટે હું શરાબના સહારે ચઢી ગયો! થોડી વધુ રાહ જોઇ હોય તો પતંજલી-દેસી ય મળી જાત (એટલે કે, દેસી છાશ!)

માણસ દુ:ખમાં આવી પડે ત્યારે કપાળ ઉપર હાથનું ઊંધું કાંડુ અડાડીને દુ:ખદ ચેહરે બારણાને અડીને ઊભો રહી જતો નથી કે નથી કાળા રબ્બરનું ટાયર ચાવવા માંડતો, પણ હાથના એજ ઊંધા કાંડા વડે નીચલો હોઠ લૂછતા લૂછતા દારૂ પીવા માંડે છે. આની પાછળ કોઇ લૉજીક-ફૉજીક નથી કે, દુ:ખમાં દારૂ જ કેમ ને ગંઠોડાનો રસ કેમ નહિ? પત્ની રિસાઇને જતી રહી હોય તો, પહેલા તો એ દુ:ખ કહેવાય કે છુટકારો, એ આપણી ચર્ચાનો વિષય નથી,

છતાં જો એને દુ:ખ કહેવાતું હોય તો એનો ગોરધન ગ્લુકોઝની માફક દારૂના બાટલા ચઢાવવા માંડે, એના કરતા અઢીસો ઉઠબેસ કે પચાસ સૂર્યનમસ્કારો કેમ ન કરી શકે? પૂરજોશ ઝનૂની ગુસ્સો આવ્યો હોય તો શરાબના સહારે જવાને બદલે શા માટે વાઇફની જ કોઇ સુંદર સખી પાસે જઇને, એના ખભે માથું મૂકીને આપણી યાતનાઓ ન વર્ણવવી? દારૂ તો મોંઘો કેટલો છે, એ ખબર પડે છે? આ તો એક વાત થાય છે!

'
મુગલ-એ-આઝમ' ૨૫-૨૬ વાર જોઇ લીધા પછી બોધ લીધો કે, પ્યાર કર્યા પછી ડરવાનું હોતું નથી. પ્યાર કરવો કોઇ ચોરી નથી અને કોઇ બંધ દુકાનની પછવાડે જઇને નિ:સાસા નાંખવા નહિ, સિવાય કે આપણા ફાધર પેલીને જીવતી ચણાવી દે એવા ક્રૂર હોય! (એવું હોય તો, એના ફાધર પાસે સ્ટૉકમાં બીજી દીકરીઓ પડી છે કે નહિ, તે જોઇ લેવું!) ખાસ તો એ શીખ મળી કે, હવે તો અમારા લગ્ન થઇ ગયે ૪૦-૪૦ વર્ષો થઇ ગયા છે, એટલે ઈશ્કમેં જીના, ઈશ્કમેં મરનાવાળી કરીને-જે થઇ ગયું એ થઇ ગયું-નો હસિન ઉકેલ લાવીને ડોસીના માથામાં ગુલાબનું ફૂલ ખોસી આપવું સારૂં. બીજી વખતે ધ્યાન રાખવાનું!

અને 'સત્યના પ્રયોગો'માંથી એ બોધ લીધો કે, પ્રયોગ કરવા ખાતરે ય દારૂ નહિ પીવો. સાચો માનવી એ છે, જે આવેલા દુ:ખો સામે ટક્કર ઝીલી લે. એમની સામે લડે, મર્દાનગીથી ઊભો રહે..... સિવાય કે કોઈ પીવડાવતું હોય તો બહુ નાઓ નહિ પાડવાની!

સિક્સર
પોતાની એક જાહેરસભાનું પહેલું જ વાક્ય, ''ધીસ મોર્નિંગ.... આઇ ગોટ અપ ઍટ નાઇટ'' બોલનાર ''રાહુલ ગાંધી લગ્ન માટે તમને 'પ્રપોઝ' કરે તો તમારૂં પહેલું રીઍકશન શું હશે?'' એવો સવાલ એક ટીવી ચૅનલવાળાએ મુંબઇની અનેક છોકરીઓને પૂછ્યો, એમાંથી એકની પણ 'હા' તો ન આવી, પણ બે-ચાર ઇન્ટરેસ્ટિંગ જવાબો છોકરીઓએ જરૂર આપ્યા  :

(
૧) હા પાડવા કરતા હું આપઘાત કરવાનું પસંદ કરીશ!
(
૨) (ટીવી-ઍન્કરને) 'તમારો 'આઇ-ક્યૂ' વધારો, પ્લીઝ!''
(
૩) 'રાહુલ, પહેલા જરા મોટો થા (ગ્રો અપ) અને તારી મમ્મીના ખોળામાંથી બહાર નીકળ!'
(
૪) અગર યે પ્રપોઝલ મુઝે નરેન્દ્ર મોદી સે મિલી હોતા, તો એક બાર મૈં સોચું ભી...લેકીન રાહુલ... એ બિગ 'નો'!
(
૫) બિલકુલ નહિ. એ આપણા દેશ માટે કશું કરી શકતો નથી તો અમારે માટે શું કરવાનો છે?
(
૬) પપ્પુ કભી પાસ નહિ હોગા...!

No comments: