Search This Blog

06/11/2016

ખુશી લાખ રૂપિયે કીલો નથી મળતી!

બીજો કોઇ સવાલ મને પૂછાય કે ન પૂછાય, પણ એક સવાલ તો ગમે ત્યાં ગમે તે લોકો પૂછી લે છે, ‘‘તમને આ બધું હસવાનું મળી ક્યાંથી રહે છે?’’

કેમ જાણે, મસ્કતી માર્કીટમાં હજાર રૂપિયે મીટરના હસવાના તાકા મળતા હોય કે દિવાળીના આ દિવસોમાં, ઘરમાં દોઢ હજાર રૂપિયે કીલોવાળી મીઠાઇના ઢગલે ઢગલા પાથરીને હું ને મારૂં ફૅમિલી બસ..... આનંદ–ઉછળકૂદના હિલોળા લેતા હોઇશું! હું એમને સમજાવી શકતો નથી કે, ડનલોપના ટાયરની માફક, મહિને–બે મહિને હવા જરા ઓછી થાય કે તરત પૅટ્રોલ પમ્પ પર જઇને સુખના ટાયરોમાં હવા ભરાવી શકાતી નથી.

ઓ બાબા..... સુખના ટાયરો નથી હોતા કે કાપડ જેવા તાકા નથી હોતા કે, ફૅમિલીની જરૂર મુજબના તાકા ફડાવી લઇને દિવાળી મૌજમાં કાઢી શકાય! મોંઢું મીઠું કરવા ‘હૅપીનૅસ’ નામની કોઇ ઘારી–બરફી નથી, જે ભલે થોડી મોંઘી પડે, પણ ૪–૫ કીલો લઇ લઇએ તો દિવાળી નીકળી જાય! ભગવાને ઝાઝો પૈસો આપ્યો હોત તો, દિવાળીએ સગાસંબંધી કે યારદોસ્તો અને ગ્રાહકોને મોટા ગિફ્ટ–પૅકેટો મોકલાવીને, ‘‘બીજાને રાજી રાખીને આપણે રાજી રહેત’’, પણ આ કમાણીમાં પોતાને માટે જ ગિફ્ટો ખરીદવી પોસાતી નથી, ત્યાં બીજા માટે તો, ‘સવાલ હી પૈદા નહિ હોતા, ના...?’

દિવાળી હોય કે હોળી, જન્મનો પ્રસંગ હોય કે જન્મદિવસનો... ખુશ થવા માટે બીજા ઉપર આધાર રાખનારે નિરાશ થવું પડે છે. કોઇ તમને રંગ છાંટી જાય તો ભીંજાવાનો આનંદ આવે, એવું તો કેટલી વાર બને? ફટાકડા ફોડવા કરતાં ફૂટતા જોવાનો આનંદ કમ નથી, ‘‘હું જ ફોડું, હું જ ફોડું, એ અજ્ઞાનતા, બૉમ્બનો ધડાકો જાણે પોતે કાઢે’’. ઈચ્છો તો ય ‘‘રોજે રોજ’’ તમારા પોતાને ઘેર બાળકનો જન્મ થવાનો નથી... એ આનંદ લેવા તો કોઇ સગા કે દોસ્તના ઘેર ડીલિવરીઓ આવી હોય, તો એના હિલ્લોળા લેવા જઇ શકાય. બીજાની વાઈફોને ય ચાન્સ આપવો જોઇએ. અમારા સૌરાષ્ટ્રમાં પ્રથા સારી હતી (હવે લુપ્ત થતી જાય છે ) કે, બાબો બીજાને ઘેર આવ્યો હોય તો ય ‘હરખ કરવા’ આપણે એમના ઘેર જવાનું! પહેલા મારી ચાંચ ડૂબતી નહોતી કે, આવો હરખ આપણને શું કામ થાય અને બીજું, થતો હોય તો એ કરાય કેવી રીતે?

એક અપેક્ષા એવી ય રહેતી કે, જેને ત્યાં ઘોડિયું ભરાયું હોય, એ સામે ચાલીને હરખ કરવા ઓળખીતાના ઘેર ઘેર જઇ આવે ને મોંઢું મીઠું કરાવતો આવે! આનંદ તો વહેંચીને ખાવો જોઇએ ને? લોકોને ઘેર બેઠા થોડી ખબર પડે કે તમારે ત્યાં ઘોડિયું બંધાયુ છે કે મકાનનું ધાબું ભરાયું છે! અને ઘેર આવીને ખબર આપો, તો અમે તો રાજી થઇએ એવા છીએ. આમાં ઝાઝું કરવાનું કાંઇ નથી. જેવી જેની શક્તિ, એ મુજબ તમારે ઘેર બાબો આવ્યો છે એના આનંદમાં ઘેરઘેર ફરીને કોઇને શૉલ ઓઢાડો, કોઇના ઘેર અનાજ દળવાની ઘંટી મૂકાવી દો તો કોઇના ઘેર મુંબઇ–અમદાવાદની ઈન્ડિયન રલાઇન્સની રીટર્ન ટિકીટો મોકલાવી દો.... પેલો ઠેઠ મુંબઈ પહોંચીને તમારા ઘેર આવેલા બાબાના વખાણ કરશે! કંઇક મોકલાવશો તો એમને એમ ખાલી મોંઢે તો વાતો નહિ કરે કે, ‘‘ઓય વૉય.... એમાં શું....? ગામમાં બધાના ઘેર બાબા બૅબી આવે છે... આને ત્યાં વળી નવાઇનો આયો છે? અને એના બાબાનું નાક જોયું? પિત્ઝાનો કટકો મોંઢા ઉપર ચોંટ્યો હોય એવું તો નાક છે....! એના કરતાં----’’

આવાના ઘેર હરખ પૂરતું એક લૅપટોપ મોકલાવી દીધું હોય તો બડબડ કરવાનો છે? આ તો એક વાત થાય છે!

હજી મને એ નથી સમજાતું કે, છોકરૂં એને ત્યાં આવે એમાં હરખ આપણને શેનો થાય? જે કાંઇ ધમાચકડી મચી છે, એ એના ઘેર મચી છે. છોકરૂં એના ઘેર જન્મ્યું છે. બાળોતીયાથી માંડીને કૉલેજની ફીઓના ખર્ચા એ લોકોએ કરવાના છે, એમાં આપણે કઇ કમાણી ઉપર હરખ કરવાનો? બાળજન્મનો તો પ્રસંગ જ એવો છે કે, એમાં આપણું કોઇ કૉન્ટ્રીબ્યુશન હોતું નથી, જેમ કે, એ બન્નેના હનીમૂનનો ખર્ચો લગ્નપ્રસંગે આપણા તરફથી આપ્યો હોય કે કિચૂડ–કિચૂડ બોલે એવો પલંગ આપણે સજાવી આપ્યો હોય કે બીજા બધાને ૫૧/- અને આના લગ્ન વખતે ૧૦૧/- ચાંદલો કર્યો હતો, એ આપણું કન્ટ્રીબ્યુશન પણ કહેવાય... સુંઉ કિયો છો? આ તો, એ લોકોએ જે કાંઇ ગોઠવ્યું, એમાં આપણો કોઇ ફાળો હોતો નથી, પછી આપણને હરખ શેના થાય? કેમ, કોઇ બોલતું નથી...? મારી વાત ઢીલી પડી રહી છે!
અને બીજું, હરખ થતો પણ હોય તો કેવી રીતે કરવો?

શું ત્યાં પહોંચીને સીધા રાસગરબામાં જોડાઇ જવાનું હોય? ખભા ઉલાળી ઉલાળીને સામસામે ભાંગડા કરવાના હોય કે જેવું આવડે એવું ટુંકુ પ્રવચન કરીને ખુશી વ્યક્ત કરવાની? ‘‘દોસ્તો, મને એ કહેતા ઘણો હરખ થાય છે કે, આજે લગ્નના આઠ-આઠ વર્ષ પછી ભૂપતના ઘેર પારણું બંધાયું છે.... ભૂપત રોજ મારી દુકાને આવીને બેસતો ને જીવો બાળતો, ‘‘રમેશભ’ઇ તૂટી ગયો છું... બધા ડાક્ટરોને બતાઇ જોયું, પણ ઘેર હજી પારણું બંધાતું નથી... સાલું માંડ સારા સમાચાર આવે એવું લાગે છે, ત્યાં આપણા કૅન્સલ થઇ જાય છે ને પડોસમાંથી હરખના પેંડા આવે છે. અરે, પેંડા નહિ તો ભલે જલેબીઓ મોકલાવવી પડે, પણ તમારા ભાભીને ખાટું ખાવાના મનો જ થતાં નથી... બહુ તૂટી ગયો છું, રમેશભ’ઇ!’’ આવા દુ:ખડા રોજ મારી દુકાને આઇને ભૂપત રોવે, ત્યારે આજે મારો હરખ હૈયામાં મ્હાતો નથી કે, આખરે પરમેશ્વરે એની સામે જોયું ખરૂં....! ભાઇ ભૂપત ખૂબ આનંદ થાય છે તારે ત્યાં પારણું બંધાવાથી! પ્રભુને પ્રાર્થના કે, હવે દર વર્ષે તારે ત્યાં મિનિમમ બબ્બે પારણા બંધાતા રહે ને આટલાં ખાલી વર્ષોનું સાટું વળી જાય. બસ, આટલું કહીને હું મારો હરખ પૂરો કરૂં છું... જયહિંદ.’’

આ છાપું આમને આમ પકડી રાખીને, આજુબાજુ કોઇ બેઠું હોય તો નજર ફેરવી જુઓ, એકે ય નો ચહેરો હસતો દેખાય છે? ગુજરાતીઓ સવારે વૉશબૅઝીનમાં બ્રશ કરતી વખતે જેટલું મોંઢું હસતું રાખી શકાય, એટલું રાખી લીધા પછી આખા દિવસમાં એકે ય વાર હસતા નથી. છુટકો ન હોય તો, એમના પોતાના છુટાછેડાના સુંદર સમાચાર કોઇએ આપ્યા હોય ને જે આનંદ થાય એટલા પૂરતું સ્માઇલ આપી દેશે. એમનો આખા વર્ષના સ્માઇલનો સરવાળો બસ્સો ઉપર નથી પહોંચતો.

હવે પાછા ગતાંકથી ચાલુ કરીને મૂળ સવાલ પર આવીએ કે, મને આ બધું હસવા–બસવાનું મળી ક્યાંથી રહે છે? જવાબ સીધો છે. આજ સુધી ગુસ્સો નથી કર્યો, ટૅન્શન નથી કર્યું, આજ સુધી કોઇની સાથે નાનકડો ઝગડો કે ઝગડી કર્યા નથી, ઈર્ષા કરવા જેટલું તો મારા હરિફો ય નામ કમાયા નથી કે હું જ સર્વોત્તમ છું, એ ખ્યાલ લેખક બન્યો એ દિવસથી જ કાઢી નાંખ્યો હતો, એટલે કોઇ ભાર વગર હસી-હસાવી શકુ છું....

(સ્પષ્ટતા: ‘હું જ સર્વોત્તમ છું’, એ ખ્યાલ મેં મારા માટે કાઢી નાંખ્યો છે.... તમારે તો એ રાખવાનો જ ! : સ્પષ્ટતા પૂરી)

No comments: