Search This Blog

20/11/2016

ઍનકાઉન્ટર : 20/11/2016

* પ્રભુ શ્રીરામ ૧૪-વર્ષના વનવાસે ગયા ત્યારે એમના પત્ની સીતાજીને પણ સાથે લેતાં ગયા, પણ લક્ષ્મણે એમના પત્નીને સાથે ન લીધા?
-
 લક્ષ્મણજી આપણા જેવા ગોરધન નહોતા!
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* તમારૂં નામ 'અશોક' જ રાખવાનું કારણ શું?
-
 અમારા ફેમિલીમાં પહેલીથી જ, સંસારનુ શ્રેષ્ઠ નામ જ પાડવાની હોબી છે.
(
ધર્મેશ કાચરીયા, સુરત)

* માથામાં તેલ નાંખવા બાબતે તમે કેમ વિરૂદ્ધમાં છો?
-
 જે લોકો માથું ચીકણું કરે છે, એ એમને પોતાને જોવું પડતું નથી, આપણે જોવું પડે છે!
(
ધરતી ભટ્ટ- ઠાકર, પરખડી- વડગામ)

* કાશ્મિરની આગને હોલવવા શું કરવું જોઇએ?
-
 ભારતીય લશ્કરે સાદા ડ્રેસમાં એક જ વખત દસ-પંદરને પાડી દેવાના હોય... બાકીના બધા કાયમ માટે ઘર ભેગા થઇ જશે.
(
અપર્ણા બી. દેસાઇ, નાલાસોપારા)

* તમારા લેખોમાં 'સુઉં કિયો છો?' શબ્દો ઘણી વાર આવે છે.. કારણ?
-
 ઉંમર થાય, એટલે એના લક્ષણો તો દેખાવાના!
(
જીજ્ઞાસા માંકડ, મુંબઇ)

* ઝાકીર નાઇક જેવા દેશદ્રોહી સાથે શું કરવું જોઇએ?
-
 નીગ્લેક્ટ.
(
મધુકર મહેતા, વિસનગર)

* અમારી કોલેજમાં પ્રવેશોત્સવ યોજાવાનો છે. ડિમ્પલ મેમ ચીફ ગેસ્ટ તરીકે પધારે, એવું કંઇક કરો ને!
-
 એ કદી એકલા નથી જતા!
(
નાઝનીન કૌકાવાલા, સુરત)

* હું મારી બેન્કની જોબથી હવે કંટાળી ગયો છું. કહો ને, શું કરવું?
-
 બેન્કનું પાકે પાયે 'કરી નાંખ્યા' વિના તમને કંટાળો જ નહિ, ઊંઘો ય નહિ આવે!
(
યુવરાજસિંહ રાઠોડ, સુરેન્દ્રનગર)

* તમારા બા બહુ ખીજાય અને દયાને એની બા દેખાય નહિ.. ઉપાય શું?
-
 દયાની બા દેખાશે તો મારી બા ખીજાશે, એ પહેલેથી કહી દઉં છું.
(
રોહીણી ધાબલીયા, મુંબઇ)

* તમે કદી ઓનલાઇન શોપિંગ કર્યું છે?
-
 અમારા વખતમાં જાતે જ લગ્ન કરવા પડતા... વાઇફો 'ઓનલાઇન' કે 'આઉટલાઇન' નહોતી મળતી.
(
યામિની ઝાલા, જામનગર)

* હજી કેટલા ભારતીયોના ભોગ લેવાયા પછી કાશ્મિરનો ઉકેલ આવશે?
-
 આપણી કોંગ્રેસ કે બાકીના ફાલતું પક્ષો, કમસેકમ દેશભક્તિના મામલે એક હોવા જોઇએ, એને બદલે આમાં ય છીછરૂં રાજકારણ રમે છે. એકેય રાજકારણીમાં દેશભક્તિ જેવું ય કાંઇ દેખાય છે? કેજરીવાલ  કે સોનિયા કે માયાવતી એક પણ વખત આપણા દુશ્મન પાકિસ્તાન વિરૂદ્ધમાં બોલે છે?'
(
જય કે. દેસાઇ, તેજલાવ- નવસારી)

* અમદાવાદમાં નોકરી કરવા શું કરવું જોઇએ?
-
 પોતાની શૈક્ષણિક લાયકાત ઉપર સહેજ પણ વિશ્વાસ ન રાખવો જોઇએ.
(
ધર્મેશ પટેલ, અમદાવાદ)

* હવેથી સવાલોના જવાબો હું આપું તો કેવું લાગશે?
-
 હું સવાલોના જવાબો આપવા ઉપરાંત પણ બીજા અનેક કામો કરૂં છું...
(
રૂહી પટેલ, ભાવનગર)

* તમારા પત્ની સવાલ પૂછે ત્યારે એમની પાસે ય મોબાઇલ નંબર અને સરનામું માંગો છો?
-
 એ કદી સવાલો પૂછતી નથી.. જવાબ કાયમ માંગે છે!
(
કૌશલ મેતલીયા, ભાવનગર)

* ગુજરાતમાં માવા-મસાલા- તમાકુ બંધ થઇ જાય તો?
-
 ભગવાન કરે, કોઇ તમાકુ ન ખાય, પીએ, સુંઘે કે રાખે!
(
વાસુ શેરઠીયા, કલાના-ધોરાજી)

* ગુજરાતી ફિલ્મો વિશે તમારે શું કહેવું છે?
-
અભિષેક જૈને ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય નવેસરથી લખી આપ્યું છે અને હવે એ ભવિષ્ય સમૃદ્ધ લાગે છે.
(
મયંક મંગુકીયા, હનુભાના-ઉમરાળા)

* જો તમને કેજરીવાલને મળવાનો મોકો મળે તો શું ગિફ્ટ આપો?
-
 હું જેને ને તેને મળતો નથી.
(
ઋષિ વૈષ્ણવ, જામનગર)

* પત્નીની ફરિયાદ છે કે, લગ્નના બે વર્ષ પછી તમે પહેલા જેવા નથી રહ્યાં! શું કરવું?
-
 આમાં કાંઇક કરવા જશો તો અત્યારે છો, એવા ય નહિ રહો!
(
રોનક એ. શાહ, ભરૂચ)

* ખરા જન્માક્ષર તો સાસુ-વહુના મેળવવા જોઇએ.. સુઉં કિયો છો?
-
 હા, પણ એ બંનેને બનતું હોય ને આપણે બાજુવાળી સાથે વધારે બનતું હોય તો કાંઇ નવા જન્માક્ષરો મેળવાય છે? આ તો એક વાત થાય છે!
(
ધવલ જે. સોની, ગોધરા)

* એક મિત્ર રાષ્ટ્રવાદને બદલે જ્ઞાતિવાદને વધુ મહત્વ આપે છે, તો શું કરવું?
-
 પોરબંદરમાં મિત્રો ઓછા મળે છે?
(
જયદીપ જોશી, પોરબંદર)

* કહે છે કે, સની લિયોની રાષ્ટ્રગીત ગાવાની છે...
-
'ગાવાની છે', એમ ન કહો.. કાયમ ગાય છે. એનો વ્યવસાય ગમે તે હો, એનાથી એ રાષ્ટ્રભક્તિ ઓછી થતી નથી.
(
શેમલ પી. દવે, રાજકોટ)

* દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત, તો આપણા દોસ્તનો દોસ્ત શું?
-
તમે બંને દોસ્તી-ફોસ્તી રહેવા જ દો..!
(
રાજ અને ઉર્વિશ પટેલ, ગાંધીનગર)

* તમારા જવાબો વાંચીને મન હલકું થાય છે. તમે પોતે મન હલકું કરવાં શું કરો છો?
-
 જવાબો આપું છું.
(
હર્ષિત મજીઠીયા, રાજકોટ)

* છાપાઓમાં ફિલ્મી હીરોઇનોના ફોટા આવે છે. કવિ - લેખકોના ક્યારે આવશે?
-
 હીરોઇનો ગઝલ- કવિતાઓ લખતી થશે ત્યારે.
(
રોહીત કે. દરજી, હિંમતનગર)

No comments: