Search This Blog

19/07/2013

બૈજુ બાવરા ભાગ- ૨



(ગયા અંકથી ચાલુ)
ખરેખર તો 'બાવરા' ટાઇટલ નૌશાદ કે મુહમ્મદ રફીને આપવા જેવું હતું. 'નૌશાદ બાવરા' કે 'રફી બાવરા'. આ બન્નેએ અલ્લાહ મીંયાની ઇબાદતની જેમ સાનભાન ભૂલીને આ ફિલ્મમાં પોતાનું સંગીત સમર્પિત કર્યુ હતું. અલ્લાહ મિયાંને એટલા માટે યાદ કર્યા કે, આખી ફિલ્મ હિંદુઓના ભગવાન શંકર ઉપર આધારિત હતી. ગીતકાર શકીલ બદાયૂનીની જેમ, આ બન્ને પણ ઇશ્વરની પ્રશસ્તિના ગીતો સર્જવામાં પોતાનો મઝહબ વચમાં ન લાવ્યા. રાગ માલકૌંસ પર આધારિત કરૂણામૂર્તિ ભજન, 'મનતડપત હરિદર્શન કો આજ...' જેવું સુંદર સર્જન કરનાર નૌશાદઅલીએ એમના ટીવી ઇન્ટરવ્યુમાં એટલે સુધી કીધું હતું કે, ''રાગ માલકૌંસ ભગવાન શંકરને સમર્પિત કરવામાં આવ્યો છે.'' 'માલકૌંસ' શબ્દની વ્યૂત્પત્તિ મુજબ, 'માલ' એટલે 'માલા' અને કૌંસ એટલે 'કૌશિક', અર્થાત જે ગળામાં સર્પોની માળા પહેરે છે. તે ભગવાન મહાદેવ. આ રાગ માલકૌંસનો સમકક્ષ કર્ણાટક સંગીતનો રાગ હિન્ડોલમ કહેવાય છે. હિન્દુસ્તાની સંગીતનો રાગ હિંડોલ જુદો પાછો. શિવતાંડવ કરી રહેલા કોપાયમાન મહાદેવજીના ક્રોંધને શાંત કરવા માતા પાર્વતીજીએ આ રાગનું સર્જન કર્યું હતું. માલકૌંસ ભૈરવી થાટનો રાગ ગણાય છે.

વાચકોએ આ રાગમાં અનેક ગીતો સાંભળ્યા છે. ખ્યાલ ન હોય કે, આ માલકૌંસ પર આધારિત ગીત છે : મન તડપત હરિદર્શન કો આજ, આધા હૈ ચન્દ્રમાં રાત આધી, અખીયન સંગ અખીયા લાગી. બલમા માને ના, બૈરી ચૂપ ના રહે, ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મૈં તો ગયા હારા અને આ લખનારનું આજીવન માનીતું, 'જાને બહાર હુસ્ન તેરા બેમિસાલ હૈ, વલ્લાહ કમાલ હૈ, અરે વલ્લાહ કમાલ હૈ...'

હર એક રચના સંગીતની મિસાલ બને, એવી ફિલ્મો ઓછી તો છે, પણ શાસ્ત્રીય સંગીતને સમર્પિત રહીને જ તમામ ગીતો બન્યા હોય અને દેશના કોમન મેનને પણ આવું સંગીત સાંગોપાંગ ગમે, એવું જવલ્લે બને છે. 'બૈજુ બાવરા' એવી જ એક મિસાલ છે. એ જ આધાર પર હવે કસોટી અમદાવાદના રાજા મહેતાની પોળમાં રહી ચૂકેલા કૃષ્ણા શાહની થવાની છે. હોલીવૂડમાં ય સફળ ઇંગ્લિશ ફિલ્મો બનાવીને આ ગુજરાતી વાણીયાએ બ્રૂસ લિ ની ''એન્ટર ધ ડ્રેગન''માં સેકન્ડ હીરો બનતા જ્હોન સેક્સન અને ''ધી સાઉન્ડ ઓફ મ્યુઝિક''ના હીરો રેક્સ હેરિસનને લઇને ધર્મેન્દ્ર-ઝીનત અમાનવાળી ફિલ્મ ''શાલિમાર'' બનાવી હતી. બૈજુનો રોલ કરવા હવે આમિરખાનને તો કોઇ મેહનત નહિ કરવી પડે, પણ જે સંગીત આપશે, એને સીધી હરિફાઇ નૌશાદના અપ્રતિમ ગીતો સાથે કરવી પડશે...પેપર બહુ અઘરું નીકળવાનું છે ભાઇ! મોટી ચિંતા એ થાય છે કે, આ 'બૈજુ બાવરા' ભાગ-૨માં આઇટમ સોંગ કોને અપાશે ?

ફિલ્મની વાર્તા કંઇક આવી હતીઃ
સંગીત સમ્રાટ તાનસેન શહેનશાહ અકબરના દરબારના નવ રત્નો પૈકીના હોવાની રૂઇએ, આખા રાજ્યમાં એના સિવાય કોઇ ગાઇ જ ન શકે, સિવાય કે સ્પર્ધામાં એને હરાવે, એવો કાયદો બનાવડાવ્યો હતો. સ્પર્ધામાં સામેવાળો હારી જાય તો સજા-એ-મૌત ! ગામનો એક ગરીબ ભજનિક ઇશ્વરના ભજનો ગાતો જાય છે, એમાં સિપાહીઓ એની હત્યા એના ૮-૧૦ વર્ષના પુત્રની સામે કરી નાંખે છે. બૈજુ નામનો આ પુત્ર બદલો લેવાની નેમ સાથે મોટો થાય છે. એ સંગીતમાં તો નિપુણ છે. જ, પણ તલવારથી પણ તાનસેનને મારી નાંખવાના સપનાં જુએ છે. નાનપણથી એની સાથે ઉછરેલી મીનાકુમારી સતત એની સાથે છે. દરમ્યાનમાં ડાકુરાણી કુલદીપ કૌર ગામમાં ધાડ પાડે છે, જેને બૈજુ 'ઇન્સાન બનો, કર લો ભલાઇ કા કોઇ કામ' સંભળાવી સંભળાવીને એવી અધમૂઇ કરી નાંખે છે કે, આનું ગીત સાંભળવા કરતા આની સાથે પરણી જવું વધારે કિફાયત પડશે. એમ ધારીને એ બૈજુને પોતાની સાથે લઇ જાય છે. ગામ નહિ લૂટવાની શરતે બૈજુ પોતે આની પાસે લૂટાવા તૈયાર થઇ જાય છે, એમાં ભગ્ન હૃદયે મીના કુમારીને ટેકરીઓ ઉપર ચઢી ચઢીને ''મોહે ભૂલ ગયે સાંવરીયા...'' અને 'બચપન કી મુહબ્બત કો, દિલ સે ન જુદા કરના'નામના બે ગીતો ગાવા પડે છે. પાછો જઇશ તો પેલી ત્રીજું ગીતે ય સંભળાવશે, એવા ડરથી બૈજુ પાછો જવાને બદલે સામે ચાલીને મૌતના મ્હોંમાં-એટલે કે, તાનસેનને મારવા જવા તૈયાર થાય છે. વચમાં એના ગુરૂ સ્વામી હરિદાસ વગર ટયુશને શીખામણ આપે છે કે, બદલા આમ ન લેવાય ! બદલાને બદલે પ્રેમ રાખ. હત્યા બૈજુના ફાધરની થઇ હતી, હરિદાસના નહિ, એટલે આવી શીખામણો આલવામાં એમનું શું જાય છે, એમ વાતને રડી કાઢીને બૈજુ તાનસેનને મારવા જાય છે. પકડાય છે, એ પછી તાનસેન સાથે એની સ્પર્ધા ગોઠવાય છે, એમાં જીતી જાય છે નિર્ણાયક તરીકે મા-બદૌલત શહેનશાહ અકબર હોવાથી ચુકાદો સાવ ફિલ્મફેર એવોડર્સ જેવો નથી આપતો ને તાનસેનને મૌતની સજા આપવા બૈજુને છુટ આપે છે. ત્રણ કલાક સુધી આખી ફિલ્મના ગીતો ગાઇગાઇને બૈજુય ઢીલો થઇ ગયો હતો, એટલે 'હવે આને મારીને શું કરવું ?' એ ન્યાયે માફ કરી દે છે, પણ ફિલ્મ પૂરી થવાની બે મિનીટ પહેલા જ એ મીનાકુમારીને લઇને જમુના નદીમાં ડૂબી મરે છે.

એ જમાનાની મોટા ભાગની ફિલ્મો ટેકનિકલી તો ઘણી નબળી હતી. દિગ્દર્શકોને દ્રષ્યો કે ગીતોના ફિલ્માંકનની ઝાઝી સૂઝ નહોતી, પણ વિજયભાઇએ તો આ બન્ને ક્ષેત્રોમાં મહારત હાંસિલ કરી હતી. દરેક દ્રષ્યે કેમેરા ક્યાં ગોઠવતા, લાઇટીંગ કેટલું રાખવું કે બેકગ્રાઉન્ડમાં શું હોવું કે શું ન હોવું જોઇએ, એની કમાલો સિફતપૂર્વક દર્શાવી છે. વિજય ભટ્ટે આ ફિલ્મ ''બૈજુ બાવરા'' ઉતારી ત્યારે હિંદી ફિલ્મોનું સંગીત મહદ અંશે લોકગીતો, પંજાબી અસરવાળું મહારાષ્ટ્રના ભાવગીતો અને વિશેશતઃ ભજનભક્તિ ઉપર આધારિત હતું. શાસ્ત્રોક્તતા તો અલબત્ત મોટા ભાગના ગીતોમાં હોય પણ રાગો ઉપર જ આધારિત તમામ ગીતો બનાવવા અને સફળ બનાવવા એ નૌશાદઅલીએ સાબિત કરી આપ્યું. નૌશાદને સીધી મદદ ઇન્દૌર ઘરાણાના ઉસ્તાદ આમિરખાન સાહેબની મળી હતી. ગાયન અને સંગીત બન્નેમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના સુપુત્ર ડી.વી.પલુસ્કરે પણ 'આજ ગાવત મન મેરો ઝૂમકે...'ની જે તાનો મારી છે, એમાં આ બન્ને મહાન ગાયકોના ચરણોમાં હિંદુસ્તાનનો સામાન્ય સંગીતપ્રેમી પર સર ઝૂકાવે.

ફિલ્મને સર્વોત્તમ સંગીતથી એટલી હદે સજાવેલું રાખ્યું છે કે, મશહૂર કોમેડીયન સ્વ.રાધાકિશન પાસે ઉસ્તાદ ઘસીટખાનનો જે રોલ કરાવવામાં આવ્યો છે અને ઘસીટખાને પણ જે આલાપ અને તાનો મારી છે, તે ફિલ્મના પરદા પર કોમેડી ચોક્કસ ઊભી કરે, પણ એ ય સંગીતના ગણિત મુજબ સંપૂર્ણ વૈજ્ઞાનિક ગાયકી છે. હિંદી ફિલ્મોમાં શાસ્ત્રીય ગાયકોની હાંસિ ઉડાવવા માટે વધુ પડતી છુટ લેવામાં આવી છે, એનો એક દાખલો ''મધુબન મેં રાધિકા નાચે રે...''માં વચ્ચે હાસ્યનટ મુકરી લોકોને હસાવવા માટે બેતૂકી તાન મારે છે, તે ઉસ્તાદ નિયાઝહુસેનખાં સાહેબે ગાયેલી છે અને પરફેક્ટ તાન છે. ગાયકીમાં મશ્કરી ઉમેરવામાં આવી નથી. પણ હિંદી ફિલ્મવાળાઓએ શાસ્ત્રીય સંગીતકાર-ગાયકોને મજાકનું સાધન બનાવી બુદ્ધિના પ્રદર્શનો જ કર્યા છે અને વિજયભાઇની ઉચ્ચતા જુઓ. સંગીતસમ્રાટ તાનસેનના આદેશથી શહેનશાહ અકબરે આખા શહેરમાં તાનસેન સિવાય અન્ય કોઇને પણ ગાવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.. ગાઇ એ જ શકે, જે તાનસેનને હરાવે. દરમ્યાનમાં નાના બૈજુની નજર સામે એના પિતા (ભગવાનજી)ની હત્યા તાનસેનનો સુબો હાથીસિંઘ (નાદિર) કરે છે, કારણ કે એ ભજનો ગાય છે. વિજયભાઇએ પિતાની લાશ ઉપર ઢળીને રડતા નાના બૈજુ પછી તરત જ એક અદ્ભુત શોટ મૂક્યો છે, સંગીતના એકતારા ઉપર તલવાર મૂકેલી દર્શાવાઇ છે. આ ભગવાનજીને તમે અનેક ફિલ્મોમાં બહુ સામાન્ય રોલમાં જોયો જ હોય. હિંદી ફિલ્મોના એવા અનેક જુનિયર કલાકારો છે, જેને આપણે જોયે તો બહુ ઓળખતા હોઇએ, પણ આ ભગવાનજી છે, આ કેસરી છે, આ નાદિર કે બદ્રીપ્રસાદ છે, એની ખબર ન હોય... આ કોલમ શક્ય હોય ત્યા સુધી એવા ગુમનામ કલાકારોના નામો ય આપવાનો પ્રયત્ન કરે છે. નાનો બૈજુ બનતો રતનકુમાર રાજ કપૂરની ફિલ્મ ''બુટ પોલીશ''માં બેબી નાઝ સાથ બાળકલાકાર હતો ને અન્ય મુસલમાનો પાકિસ્તાન જતા રહેતા હતા. એમ એ પણ જતો રહ્યો. એકાદ અપવાદને બાદ કરતા, અહીંથી ત્યાં ગયેલા તમામ મુસ્લિમ કલાકારોને મુહાઝીરના લેબલ હેઠળ ''મુસલમાન'' હોવા છતાં બહુ અપમાનીત કરવામાં આવતા. ભારત સાથે ગદ્દારી તો કરી, પણ ત્યાંનો આલમ જોઇને ખબર પડી કે, ''સારે જહાં સે અચ્છા, હિંદોસ્તા હમારા...''ના ધોરણે ધોયેલે મૂળે પાછા આવ્યા, છતાં તેહઝીબ આ દેશની છે કે, ''મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ..'' એ મુજબ, હજી સુધી ત્યાથીં પાછા આવેલાઓમાંથી કોઇને ભારતે અપમાનીત નથી કર્યા, દિલીપકુમારનો ભાઇ નાસિરખાન, શેખ મુખ્તાર, સંગીતકાર ગુલામ હૈદર, મીના શોરી અને આ રતનકુમાર પ્રમુખ નામો છે.

વાસંતિનો ઝીણકો રોલ કરતી ક્રિષ્ના કુમારી ૬૦ના દાયકાની સેકન્ડ ગ્રેડ છતાં ભારે સેક્સી લાગતી અભિનેત્રી હતી. મોટી ફિલ્મોમાં ભાગ્યે જ ચમકવાને કારણે એની નોંધ લેવાઇ નથી. પાકિસ્તાનના રાવલપિંડી ખાતે ૩ ઓક્ટોબર, ૧૯૩૪ના રોજ જન્મેલી ક્રિષ્ના કુમારી પંજાબી સીખ્ખ હતી, નામ હતું ''રાજિન્દર કૌર''. 'બૈજુ બાવરા' એની પહેલી ફિલ્મ હતી. એ પછી બહુધા એ ધાર્મિક ફિલ્મોમાં આવવા લાગી. ''નયા રાસ્તા, નૂરે યમન, શંકરાચાર્ય, સૌ કા નોટ, હસિના, ભગવત મહિમા, ચાંદની ચૌક, લાડલા, ધૂપ-છાંવ, હાતિમભાઇ, સજની, હાતિમતાઇ કી બેટી, લાલે યમન, છબિલા, નાગ, પદ્મિની, ઝીમ્બો, દામાદ, જાદુ મહલ અને શાહી રક્કાસા' જેવી ફિલ્મોમાંએ નાનાનાના રોલ કરતી રહી.

તાનસેનના રોલમાં સુરેન્દ્ર ફરી વાર ''મુગલ-એ-આઝમ''માં એ જ રોલમાં ચમક્યો હતો. એ પોતે ય મીઠડો ગાયક હતો. ''રાજા ભરથરી''માં અમીરબાઇ કર્ણાટકી સાથે સુરેન્દ્રએ ગાયેલું 'ભિક્ષા દે દે મૈયા પિંગળા'એ જમાનાના આજે હયાત સંગીત ચાહકોને ખૂબ યાદ છે. તો નૂરજહાં સાથે ફિલ્મ ''અણમોલ ઘડી''નું 'આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ' સ્ટેજ પ્રોગ્રામોમાં લાડપ્યારથી ગવાય છે. અકબર બને છે, બિપીન ગુપ્તા જેના ઘેરા અને ભાવવાહી અવાજને કારણેએ જમાનાની મોટાભાગની ફિલ્મોમાં એ ચમકતા. સરપ્રાઇઝીંગલી, મદ્રાસની કોમેડી ફિલ્મ 'તીન બહુરાનીયા'માં બિપીન ગુપ્તાએ પૃથ્વીરાજ કપૂરને 'આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા..' ગીતમાં માત્ર પ્લેબેક જ નથી આપ્યું. આખી ફિલ્મમાં પૃથ્વીરાજનો અવાજ બિપીનના અવાજમાં 'ડબ' થયેલો છે. ડાકુરાણી રૂપમતિ બનતી કુલદીપ કૌર એ જમાનાની મશહૂર વેમ્પ હતી. આ સરદારણી એના કાતિલ રૂપ માટે મશહૂર હતી. પાકિસ્તાનના લાહોરમાં એનો કરોડપતિ અને પ્લેબોય પતિ સરદાર મોહિંદરસિંઘ સિધ્ધુ કુલદીપને અમનચમનમાં રાખતો. કુલદીપ આપણા ખલનાયક પ્રાણના પાગલ પ્રેમમાં હતી, એ સાબિત કરવા દેશનાભાગલા પછી પ્રાણ અને કુલદીપને ભારત (મુંબઇ) આવવું પડયું, ત્યારે પ્રાણને ફકત ઇમ્પ્રેસ કરવા કુલદીપ પ્રાણની કારને લાહોરથી ઠેઠ મુંબઇ એકલી ચલાવીને લાવી હતી. ૧૯૬૦માં કુલદીપ કૌરના પગલમાં કાંટો વાગ્યો. કાંટો ઝેરી હતો ને આ હિંમતબાજ સરદારણીએ જાતે જ કાંટો ખેંચી કાઢ્યો, અને પછી દિવસો સુધી ધ્યાન ન આપ્યું એમાં એને ધનૂર થઇ ગયું અને મૃત્યુ પામી. એનો પતિ છેવટ સુધી એને ખૂબ ચાહતો રહ્યો. કોકના રીસેપ્શનમાં સિધ્ધુએ યુગલને કદી જુદા નહિ થવાની સલાહ આપી હતી.

રાધાકિશને કોમેડીને ખલનાયકી સાથે જોડીને અમરપાત્રો સર્જ્યા હતા. ઓલમોસ્ટ દરેક ફિલ્મમાં 'રામરામરામ' નામનો એનો તકીયા કલામ ફેમસ થયો હતો. રાધાકિશન ખૂબ ઊંચા દરજ્જાનો એક્ટર રાજ કપૂરની ફિલ્મ 'પરવરીશ'માં એ રાજ કપૂર અને મેહમૂદના મામાનો રોલ કરે છે. કારણ તો કોઇને ખબર નથી, પણ રાધાકિશને એના બિલ્ડીંગના કોઇ સાતમા-આઠમા માળેથી છલાંગ મારીને આત્મહત્યા કરી હતી. કંજૂસના કિરદાર રાધાકિશન જેટલી અધિકૃતતાથી ભાગ્યે જ અન્ય કોઇએ નિભાવ્યા છે.

''બૈજુ બાવરા''ના અન્ય બે ચરીત્ર અભિનેતાઓ વિશેષ ઉલ્લેખનીય છે. એક, બી.એમ. વ્યાસ. હું તો નાનપણમાં ટારઝન અને ઝીમ્બોની સ્ટન્ટ ફિલ્મો ય અમદાવાદની ઇંગ્લિશ ટોકિઝમાં ખુબ જોતો એટલે ઘાતકી જાદુગર કે બદમાશ મંત્રીના રોલમાં બી.એમ.વ્યાસ જ હોય.ભારતીય ધોરણ પ્રમાણે હાઇટ ઘણી સારી, ચહેરો ક્રૂર અને અવાજની બાદશાહતને કારણે વ્યાસજી થોડી નહિ, અનેક ફિલ્મોમાં આવ્યા. ફિલ્મ ''નવરંગ''ના સુપ્રસિદ્ધ ગીતકાર ભરત વ્યાસના એ નાના ભાઇ થાય. મુંબઇમાં ૯૩ વર્ષની ઉંમરે બી.એમ.વ્યાસ ગુજરી ગયા. હજી હમણાં જ, એટલે કે ૧૦મી માર્ચ, ૨૦૧૩ના રોજ. ચેતન આનંદની ફિલ્મ ''નીચા નગર''થી એમણે શરૂઆત કરી પણ નોંધ લેવાઇ રાજ કપૂરની '૪૯માં ઉતરેલી ફિલ્મ 'બરસાત'થી. એ પછી લોકોનું ધ્યાન ખેંચાયું વ્હી.શાંતારામની ફિલ્મ ''દો આંખે બારહ હાથ,'' જેમાં બે હાથ બી. એમ. વ્યાસના હતા...! ગોવિંદ સરૈયાની ફિલ્મ ''સરસ્વતિચંદ્ર''માં એ હતા અને છેલ્લી ફિલ્મ શાહરૂખ. ખાનની ''ઓહ ડાર્લિંગ... યે હૈ ઇન્ડિયા'' હતી. અને બીજા હતા મનમોહન કૃષ્ણ. ૨૬ ફેબ્રૂઆરી, ૧૯૨૨-માં ગુજરાતના વલસાડમાં જન્મેલા આ પંજાબીએ ૩ નવેમ્બર, ૧૯૯૦માં પ્રાણ છોડયા પહેલા ૨૫૦ હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. સર્ટેન્લી નોટ એ ગ્રેટ એક્ટર પણ ભલા મુસલમાનનો રોલ એમને એટલો બધો કોઠે પડી ગયો હતો કે નહિ નહિ તો ય ૧૫-૨૦ ફિલ્મોમાં એમણે એ જ રોલ કરે રાખ્યા. ફિલ્મ ''ધૂલ કા ફૂલ''નું મુહમ્મદ રફીએ ગાયેલું. ''તું હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા'' આ મનમોહન કૃષ્ણ ઉપર ફિલ્માયું હતું. જો કે કહ્યું ને...એક્ટર તરીકે બહુ બકવાસ હતો આ માણસ. ચેહરા ઉપર કરૂણ હાવભાવો લાવવા એ ૩૪-૩૫ ખૂણેથી મોઢું મચડે રાખે. ડોકી મોટા ભાગે સીધી રહે જ નહિ. યશ ચોપરાની ફિલ્મ 'નૂરી' મનમોહન કૃષ્ણે દિગ્દર્શિત કરી હતી. પરાણે કરૂણતા ઊભી કરવામાં એ પકડાઇ જતા. મનમોહનની પહેલી ફિલ્મ હતી 'અંધો કી દુનિયા' ('૪૫)...અને જરા ઝીણવટથી વાંચો તો આજના મનમોહનની ફિલ્મનું નામ પણ એ જ છે 'અંધો કી દુનિયા...'! ''બૈજુ બાવરા''નું એક ખાસ હુકમનું પાનું શકીલ બદાયૂની હતા. સાહિર લુધિયાનવીની જેમ શકીલ પણ મારા મનગમતા શાયર. ''બૈજુ''માં તો શકીલે સાદ્યંત કમાલો કરી છે. ફિલ્મનગરીના જાસૂસોની વાત માનીએ તો, નૌશાદે શકીલને બાંધી ન રાખ્યા હોત, તો મજરૂહ સુલતાનપુરી કરતા શકીલનું નામ ઘણું ઊંચું હોત ! જો કે, ''ચાંદ છુપે નહિ બાદલ છાયો''ની ઉક્તિ પ્રમાણે શકીલ બદાયૂનીએ ગુલામ મુહમ્મદ, રવિ, હેમંત કુમાર અને સચિન દેવ બર્મન સાથે પણ કામ કર્યું છે. ''ચૌદહવી કા ચાંદ''નું રફીનું ટાઇટલ સોન્ગ તો ફિલ્મફેર એવોર્ડ જીતી લાવ્યું હતું. આ ફિલ્મ સાથે સંકળાયેલું આજે તો કોઇ હયાત નથી. મીના કુમારી અને ભારત ભૂષણ જેવા કલાકારો, નૌશાદ-શકીલ જેવા સૂર અને શબ્દ સ્વામીઓ કે ફિલ્મ બનાવનારા ભટ્ટ સાહેબો ફિલ્મ બન્યાના આજે ૬૦- વર્ષ પછી તો કોણ હયાત હોય ?

No comments: