Search This Blog

31/07/2013

મેહમાં જો હમારા હોતા હૈ...

આવું કંઇ થાય. એટલે અમારી ગુપચુપ મીટિંગ કિચનમાં ભરાય. મેહમાનને ખબર ન પડે એમ કોઇ ને કોઇ બહાનું કાઢીને બધા કિચનમાં આવવા માંડે. આમાં 'આવું કંઇ' એટલે બીજું કંઇ નહિ, પણ મેહમાનો ઊભા થવાનું નામ લેતા ન હોય ને અમે રાહો જોઇજોઇને અધમૂવા થઇ ગયા હોઇએ કે, હવે આ ઊભા થાય તો સારૂં. એટલે એમને કેવી રીતે કાઢવા, એના પ્લાનો કરવા અમે કિચનમાં આવી જઇએ. આજના કૅસમાં તો, મેહમાનોનો બીજો લૉટ તરત આવવાનો હતો. બંને પાર્ટીને પાછી ભેગી કરાય એમ નહોતું. આ ઊભા થાય તો ખબર પડે કે શું કરવું !

અમારૂં ફૅમિલી ટૅન્શનમાં. આ લોકોને ઊભા કરવા કેવી રીતે ? એવું નથી કે, આવ્યા હોય એ ગમ્યું ન હોય....બધું ય ગમ્યું હોય, પણ એ લોકોએ પણ સમજીને ઊભા તો થવું જોઇએ ને ? ઘણાં લૉકલ મેહમાનો એવી રીતે બેઠા હોય છે કે, મૂંઝાઇ આપણે જઇએ કે, ઊભા એમને થવાનું છે કે આપણે ?

વાઇફ ગુસ્સાવાળી તો ખરી. હવે તો મારા સિવાય પણ ગુસ્સો કરતી થઇ છે, બોલો ! આ પબ્લિક ઊભી થતી નહોતી અને એમના પાળીયા અમારા ડ્રૉઇંગરૂમમાં બનાવવાના હોય, એવી ખીજાઇ.

'અસોક.....હવે હું અકળાણી છું, બરોબરની અકળાણી છું... આપણે બીજા કોઇ ધંધાધાપા હોય કે નંઇ...? આ લોકું તો ઊભા જ નથી થાતાં, લે !' (અમારા સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વાક્યો 'લે' થી પૂરા થતા હોય, 'ઓલી પૂર્ણિમા તો પરેશીયા હારે ભાગી ગઇ...લે!' ગુજરાત બાજુના લોકો આમાં કાંઇ ન સમજે કે, એ બોલી રહે પછી કંઇક 'લેવાની' ઑફર કરે છે, એ શું લેવાનું હશે ?)

મૉમની અકળામણ સાંભળીને અમારો સુપુત્ર બોલ્યો, 'મૉમ, બીજી વાર આ લોકોને બોલાવવાના જ નહિ...યૂ નો...ધે આર ન્યુસન્સ..'

''બટા, ઈ લોકો કોઇના બી સન્સ હોય... ઈ એમના ફાધરૂંને જોવાનું... ન્યૂ હોય કે ઑલ્ડ સન્સું હોય, ભલે રિયા પણ આ અઢ્ઢી કલાકથી આપણા ઘરમાં ગુડાણા છે, તી ઊભા થાસે કે નંઇ...?'

મારા ડ્રૉઇંગ રૂમમાં બેઠેલી પબ્લિકમાં, ફરસુભ'ઇ બેઠી દડીના ગોળમટોળ શખ્સ હતા. વિકાસ દસે દિશાઓથી થવો જોઇતો હતો ને એમ જ થયું. જેમ કે, સબ્જીની ગ્રેવીમાં આંગળી વડે ઊભેલું ટમેટું દબાવો ને સપાટી એક થઇ જાય એમ ફરસુભ'ઇનો ખભો અને માથું એકબીજામાં સમાઇ ગયા હતા, એટલે આકાર અર્ધગોળ થતો હતો. શરીરના પેલી બાજુના જીલ્લામાં પણ આ જ પ્રમાણભાન જળવાયું હતું. ફરસુભ'ઇના દાંતમાં સિસમનું વૅલ્ડિંગ કરાવ્યું હશે એટલે એ બોલે ત્યારે હવાનો સિસકારો પહેલા નીકળતો અને અવાજ પછી ! કેટલીક પુરાતન ઈમારતો પૂર્ણપણે જમીનદોસ્ત થઇ ગયા પછી, તેના કેટલાક અવશેષો આઇધર બહાર આવું-આવું કરે ઑર...જમીનમાં અંદર જઉં-જઉં કરતા દેખાય, એમ એક જમાનામાં ફરસુભ'ઇએ કદાચ મૂછો રાખી હશે, પણ આજે ત્યાં ૮-૧૦ કીડીઓ ચોંટી હોય, એટલો જ માલ બચ્યો હતો. આનાથી એટલું તો સાબિત થાય કે, આ માણસ અભિમાની નહિ હોય....વાતવાતમાં મૂછ મરડવાનો સવાલ જ ઊભો થતો નથી ને ! બે-ચાર કીડીઓમાં શું મસળે ? આ તો એક વાત થાય છે !

ફરસુભ'ઇની વાઇફ - ચારૂલતા - એમનાથી નહિ નહિ તો ય દસેક ઈંચ ઊંચી હશે. જો કે....ફરસુભ'ઇ જે હાઈટ વાપરતા હતા, એ જોયા પછી તો સાયકલમાં હવા ભરવાનો પંપે ય લાંબો લાગે ! ચારૂલતા લાંબી ચોક્કસ હતી પણ દરેકને પોતાની વાઇફ કરતા એ વધારે સુંદર લાગે એવી હતી. સાલું, આનું નક્કી થયું, ત્યારે આપણે ક્યાં હતા, એવા અફસોસો રોજ રાત્રે સુતા પહેલા, સુતા પછી અને ગમ્મે તે પ્રવૃત્તિ વખતે થાય ! આવો પ્રોજૅક્ટ હસ્તગત કરી લેવા બદલ, અઢી ફૂટીયા ફરસુને હજી દસે દિશાઓથી દસ-બાર ઈંચ દબાવી દબાવીને ગચ્ચું બનાવી દેવાના ઝનૂનો ઉપડે. (અત્યાર સુધીના લેખમાં જ્યાં જ્યાં 'ફરસુભ'ઇ' લખાયું છે, ત્યાં ફકત 'ફરસુડો' વાંચવું : સૂચના પૂરી)

આ લોકો ઊભા થાય તો નિરાંત, એ બધી અસંસ્કારી વાતો ઘરમાં મારા સિવાય બધા કરતા હતા, હું નહિ. મારે તો, બોલવા પૂરતું જ હૈસો-હૈસો કરવાનું....બધાની ભેળા ભેળા ધક્કો મારવામાં જોર આપણે નહિ વાપરવું ! આ તો વળી માં-બાપના સંસ્કારો સારા એટલે લત્તી (....અમારામાં આવું કોઇ નજીક આવે એટલે એનું નામ અડધું કે પછી આવું થઇ જાય.. 'લત્તુ' અથવા 'લત્તી'...આખું 'ચારૂલતા' તો એની બા બોલે, આપણાથી ના બોલાય... બોલીએ તો પાછળ 'બહેન' લગાડવું પડે !) ઊર્ફે ચારૂલતા કાયમ માટે જાય જ નહિ...ભલે ફરસુડો ભંગારમાં કાઢવો પડે, એવી નાનીનાની સપનીઓ જોવાનું શરૂ કરી દીધેલું, જેથી રાત્રે એટલો ટાઇમ બચે.

પણ એમ કાંઇ ચંદ્ર દરેક તારાને મળે ખરો ? વાઇફ જાણતી'તી કે, આ લોકોને જેટલા વહેલા ઊભા કરો, એટલું એનું મંગળસુત્ર સુરક્ષિત છે. હવે તો એ લત્તુ સામે ય કંઇક ને કંઇક છણકા કરે રાખતી હતી. લત્તુ સામે વાઈફે જોવાનું બંધ કરી દીધું હતું. આ બાજુ, લત્તીમાં ય વિવેક-વિનય નહોતો કે, મારી વાઈફ એની સામે ન જુએ તો લત્તુ, આપણી સામે જુએ. આપણે તક મળે કે તરત જ છાનુંમાનું એની સામે જોઇ લઇએ, એમ એ ન જુએ. એકલા આપણે જોયે રાખતા હોઇએ, એ કોઇ જુએ તો આપણું કેટલું ખરાબ લાગે ?... કોઇ પંખો ચાલુ કરો !!

પ્રામાણિકતાથી કહું તો લત્તી-લોકો જાય, એ મને નહોતું ગમતું. ફરસુડો ભલે આપણું ઘર કે આ દુનિયા છોડીને જતો રહે, એમાં આપણો કોઇ વિરોધ નહિ. એવું હોય તો એક આંટો એના બેસણામાં મારી આવવાનો. પણ એ લઠ્ઠો લત્તુથી થોડો ય આઘો થતો નહતો. ચોંટેલો ને ચોંટેલો જ રહે. આવા ગોરધનો એસ.ટી. બસના મુસાફરો જેવા હોય છે....પોતાને બેસવાની જગ્યા મળી ગઈ, એટલે થોડા ખસીને બીજાને ય બેસવા દઇએ, એવી ડીસન્સી જ નહિ ! બીજા માટે થોડી જગ્યા તો કરી આલવી જોઇએ કે નહિ ? સુઉં કિયો છો ?

લત્તુ સાથે એકલો ફરસુડો જ નહતો.... ઘરમાં વધેલી-ઘટેલી જેટલી પબ્લિક હતી, એ બધાને લઇને આયો' તો...... કોઇ ૩-૪ છોકરાઓ અને ડ્રાયવર જેવો લાગતો ચારૂલતાનો ભાઇ અને એની હાવ ગૉન્ડા જેવી વાઇફ ! અમે તો મકાન લીધું છે કે નિશાળ બંધાવી છે, એની ય ખબર પડતી નહોતી.

આમ તો કહે છે કે, ૫-૬ રસ્તાઓ હોય છે, મેહમાનોને તગેડી મૂકવાના પણ એ તો આપણાથી થાય એવા ન હોય કાંઇ. લીમડાનો ધૂપ એ લોકો બેઠા હોય ત્યાં કરવાનો પણ એ લોકો ધૂપ મચ્છર ભગાડવાનો સમજે તો ઉપરથી સલાહ આપે, 'આટલા ધૂપોમાં કાંય નો થાય...બીજો કરો તમતમારે...!'

બીજો સરળ ઉપાય છે, એ લોકોના દેખતા અવારનવાર આપણા દરવાજા સામે જો જો કરવાનું, એટલે પૂછે તો કહેવાય,

'અમારે એક બીજા ગૅસ્ટ પણ આવવાના છે...!' પણ,

'વાહ...ચાલો, અમારે ય નવી ઓળખાણ થશે !' એવું ફરસુ બોલ્યો.

ઘરમાં અચાનક કોઇએ માંદા પડી જવાનો ઉપાય પણ ગોંડલ-ધોરાજી બાજુ વપરાય છે. મારી ૬૦-વર્ષની વાઈફે આઈડીયો દોડાવીને સુપરહિટ નાટક કર્યું-પેટમાં દુઃખાવાનું. 'વૉય માં રે....મરી ગઇ રે.... એવા જુદાજુદા અવાજોમાં એ રાડું નાંખવા માંડી.

'ભારે થઇ...' ચારૂલતા બોલી, 'ડૉક્ટરને બોલાવવાની કાંઇ જરૂર નથી. દુઃખાવો અચાનક ઉપડયો છે, એટલે ભાભીને ખાટું ખાવાનું મન થયું લાગે છે. કોઇ કાચી કેરીના કટકા ખવડાવો....હમણાં સારૂં થઇ જશે !'

તારી ભલી થાય ચમની...૬૦-વરસના બા ને પ્રેગ્નન્ટ બનાવતા તને શરમ નથી આવતી ? હવે તો મને ય આવે.... આ તો એક વાત થાય છે.

રાત્રીના સાડા દસ થયા છે. હું મારા આખા ફૅમિલી સાથે નીચે ધોબીની એક ઓરડીની બહાર ઢીંચણો ઉપર હાથ ભરાવીને બેઠો છું. ઉપરથી ફરસુભાઇ અને ચારૂલતા કોઇ રસોઇ બનાવતા હોય, એવી સુગંધો આવે છે.

મારે ઉપર પાછા જવું કે, આખા ફૅમિલી સાથે ધોબીની દુકાનમાં નોકરીએ જોડાઇ જવું, એ નક્કી કરવાનું છે.

સિક્સર

ઈશ્વરની કૃપા. આ કૉલમમાં ડાયાબીટીસનો નુસખો છપાયા પછી પોતાને ડાયાબીટીસ સંપૂર્ણ મટી ગયાના ફોન આવવા માંડયા છે. નથી મટયો, એમણે ભૂલો કરી હતી.

પણ એક ફોન વિચિત્ર આવ્યો. 'સાહેબ ડાયાબીટીસ તો મટી ગયો...આ દાઢના દુઃખાવાનું કાંઇ કરી આલો ને !'

2 comments:

Anonymous said...

શ્રી અશોકભાઈ,
મહેમાન ઘણું કરવા છતાં જતા ન હતા અને હકીભાભી ગુસ્સે થયા એમાં એક ફાયદો થયો કે તેઓ કાયમ આપને "અસોક " કહેતા હોય છે પણ આજે આપને
"અશોક" નું સંબોધન થયું .........સુ કયો છો??

પંકજ શાહ
વડોદરા

Ashok Dave said...

પ્રૂફની ભૂલ. જેની કિંમત પ્રૂફ–રીડરોને હોય જ નહી. મે તો અસોક જ લખ્યુ હતુ.