Search This Blog

27/04/2014

એન્કાઉન્ટર 27-04-2014

* સારી નોકરી માટે સારૂં ભણતર જરૂરી, પણ રાજકારણ માટે અક્ષરજ્ઞાન પણ નહિ ?
- ડૉ. મનમોહનસિંઘ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ શૈક્ષણિક ડીગ્રીઓ ધરાવવાનો વર્લ્ડ-રૅકૉર્ડ ધરાવે છે, પણ કામ કરે છે સોનિયાજીના હાથ નીચે...! કંઇ સમજાયું?
(નિમેષ પારેખ, અમરેલી)

* મોદી દિલ્હી જાય તો પછી ગુજરાતનું કોણ ?
- ભ'ઇ હું તો કેટલી જગ્યાએ પહોંચી વળું...? અહીં આવ્યા પછી મને ઓબામા અમેરિકાનું ધ્યાન રાખવાનું કહે છે.
(સોહેલ ઘોઘારી, ભાવનગર)

* હું તો ભાવનાનો ભૂખ્યો છું... તમે ?
- બેહો ને છાનામાના ! .... ભાવનાનો ગોરધન તમારા હોંથા કાઢી નાંખશે !
(કાર્તિક શાહ, ન્યુ જર્સી)

* ઇલૅકશનના આવા તોફાની માહૌલમાં તમે તો અહીં નથી. તમારો કિંમતી વૉટ તો ગયો ને ?
- યસ. એક વૉટથી પણ તખ્ત-ઓ-તાજ બદલી શકાય છે....કમનસીબે, ઇલેકશન કોઇ મૅરેજ નથી કે, આપણા બદલે બીજાને કરી આવવાનું કહી શકાય !
(કિશોરી પી. મેહતા, સુરત)

* આ વખતના ચૂંટણી પરિણામો વખતનું વાતાવરણ ધમધોકાર હશે. દેશ આખો રૉડ પર આવીને એક એક સીટના વિજયનો જયજયકાર કરશે... બોલો, ભારત માતા કી જય. તમે સુઉં કિયો છો ?
- બસ. આ વખતે સૌથી વધુ ખુશ ભારત માતા થવાના છે.
(તુષાર પટેલ, અમદાવાદ)

* અશોકજી, તમે ગઝલ-કવિતા કેમ લખતા નથી ?
- હું બિલ્ડિંગો બનાવું છું... તાજ મહલ નહિ !
(કેશવી મયંક શાહ, ઍટલાન્ટા)

* કોઇ સુંદર ગર્લફ્રેન્ડને કૉફી પીવડાવવા હોટેલમાં લઇ ગયા પછી બિલ એ ચૂકવે, એનો કોઇ ઉપાય ?
- તારી ભલી થાય ચમના...! બિલ હું ચૂકવી દઇશ... તું હૉટેલની બહાર બેઠો રહેજે...!
(ચિન્મય ધવલરાય મેહતા, મુંબઈ)

* આપણે ત્યાં ટ્રાફિક-સૅન્સ ક્યારે આવશે ?
- આપણા દેશના ટ્રાફિકને 'સૅન્સ' સાથે શું લેવા-દેવા ?
(જીગર પટેલ, અમદાવાદ)

* હવે તમે ઇન્ટરનૅટ પર સવાલો મંગાવવાનું શરૂ કર્યું... અમે પોસ્ટકાર્ડમાં પૂછેલા સવાલોનું શું ?
- હું ભારત પાછો આવું, પછી જૂનાં પોસ્ટકાર્ડ્સના સવાલોને પણ ધ્યાનમાં લેવાશે. પણ હવે પછી પૉસ્ટકાર્ડના સવાલો ધ્યાનમાં લેવાશે નહિ.
(સંજય સી. શાહ, અમદાવાદ)

* કોઇ છોકરીનો રૂમાલ પડી જાય તો ઉચકીને પાછો આપવા છતાં એ ખુશ નથી થતી.... કોઇ ઉપાય ?
- ઉંચકવાની છોકરીને હોય, રૂમાલ નહિ !
(જતીન કે. શાહ, અમદાવાદ)

* હવે બાગબગીચામાં પ્રેમિકાને લઇ જવાનો જમાનો ગયો... કેમ ?
- એનું નામ સાવિત્રી, કુસુમ, કવિતા કે જયાલક્ષ્મી હોય તો કદાચ આવે ય ખરી!
(જે.બી. શાહ, વડોદરા)

* સાંભળ્યું છે, તમે મોટા અંબાજીના પરમ ભક્ત છો ?
- સાચું સાંભળ્યું છે. સાયન્સના આ જમાનામાં પણ માની ન શકાય, એવા ચમત્કારો મેં એમના આશીર્વાદથી પ્રત્યક્ષ અનુભવ્યા છે. મંદિરનો વહિવટ પણ હવે ખૂબ સારો થાય છે.
(નમિતા, વી. દેસાઈ, વલસાડ)

* રાજ કપૂરની ફિલ્મ 'સંગમ'માં તમે રાજેન્દ્ર કુમારની જગ્યાએ હોત તો આવું બલિદાન આપત ?
- મને નિષ્ફળ જવાની આદત નથી.
(રંજન શેઠ, જામનગર)

* કોંગ્રેસે હજી સુધી એના વડાપ્રધાનપદનો ઉમેદવાર કેમ જાહેર કર્યો નથી ?
- હાલત એવી છે બદનસીબોની કે, હવે પછી તો ગ્રામપંચાયતની ચૂંટણીમાં ય એના સંભવિત પ્રમુખનું નામ જાહેર કરી નહિ શકે...! પાર્ટીમાં કોઇ બચ્યું હશે તો ને ...?
(પલ્લવી શિખર શાહ, અમદાવાદ)

* ભાજપ અને 'કોંગ્રેસ'... ચૂંટણીના પરિણામો અંગે શું માનો છો ?
-'હાલત હૈ અજબ દીવાનોં કી, અબ ખૈર નહિ પરવાનોં કી...'
(કૃતિકા એન. પટેલ, મૅલબૉર્ન -ઓસ્ટ્રેલિયા)

* તમારા પત્ની કરતાં તમે ઓછા બુદ્ધિશાળી દેખાઓ છો..
- નેહરૂ બ્રીજની પાળી ઉપર ચડીને બૂમો પાડીને જણાવો બધા ને...! બધા એકનું એક જ લોહી પી જાય છે...(કોઇ પંખો ચાલુ કરો, ભ'ઇ)
(વૈદેહી જનુભાઈ મેહતા, અમદાવાદ)

* કરોડ રૂપિયાની મોટર-બાઇક હાર્લી-ડૅવિડસન પર બેસીને લાલુ યાદવ-પ્રચાર કરે તો ?
- સર્કસમાં વાંકી ડોક કરીને સાયકલ પર બેઠેલું રીંછ ગોળગોળ ચકરડા મારતું હોય, એવું લાગે !
(પદ્મકાંત જ્યો. પરીખ, વડોદરા)

* ગાંધીનગરની સરકારી ઑફિસમાં ધક્કા બહુ ખવડાવે છે, તો શું કરવું ?
- અટક બદલીને જવું.
(કેતન ત્રિપાઠી, અમદાવાદ)

* સાધના, વૈજયંતિમાલા, વહિદા રહેમાન, માલા સિન્હા... તમારી દ્રષ્ટિએ ક્રમવાર ગોઠવી આપશો ?
- લખી લો... ડિમ્પલ કાપડિયા, સાધના, વૈજયંતિમાલા, વહિદા રહેમાન, માલા સિન્હા....
(પૂર્ણા એચ. શાહ, કનેકટિકટ-અમેરિકા)

* તમને ફાસ્ટ-ડ્રાયવિંગનો શોખ ખરો ?
- ઊંઘમાં.
(નિત્યા દૂધવાલા, સુરત)

* અમેરિકામાં તમે તમારી ફૅવરીટ ડૅમી મૉર કે ઍન્જેલિના જૉલીને મળ્યા કે નહિ ?
- મુહમ્મદ રફી સાથે ગુજરાતી ગીતો ગાનાર રવિબાળા પટેલ (લીલી પટેલના બહેન) અને સન્માન્નીય ગુજરાતી એક્ટર સ્વ. અરવિંદ પડયાના દીકરી નીલા પંડયાને મળ્યો.
(સુજ્ઞા ચાહવાલા, સુરત)

* કાર ચલાવતી વખતે બાજુમાં બેઠેલી પત્નીના આદેશો તમે માનો છો ખરા ?
- એ પત્ની હોય તો માનું છું...
(શ્રેયા જયન્તભાઈ પરીખ, ભાવનગર)

* હવે 'એન્કાઉન્ટર'ના જવાબો કોણ આપશે ?
- ઓ ભ'ઇ, 'હવે તો સદ્ગતની જગ્યા કોણ પૂરશે ?' એવા શબ્દોમાં સવાલ ન પૂછો... અહીં છાતીમાં ગભરામણો ઉપડે છે !
(સંકેત પંડયા, વડોદરા)

* હૉકી કે ક્રિકેટ જેવી રમતોમાં બહેનો માટે અલગ સ્પર્ધા હોય છે.. ચૅસમાં એવું ખરું ?
-હોય, પણ એ લોકો ચૅસ રમવા સ્પોર્ટસ-શૂઝ પહેરવા તૈયાર ન થાય ને !
(મોક્ષાકર બ્રહ્મચારી, વડોદરા)

1 comment:

Anonymous said...

શ્રીમાન અશોકભાઈ

આજે તમારું વક્તવ્ય સાંભળી ખુબ મજા આવી. બાકી પેલા કવિઓએ બોર કરી નાખેલો. આપનો અહી ન્યુ જર્સીમાં રેડીઓ જીંદગી પર ઈન્ટરવ્યું હતો તે સાંભળી મેં એક હળવો લેખ લખેલો જે મારે આજે ન્યુ જર્સીના ટીવી એશિયાના ઓડીટોરીયમની સભામાં વાંચવો હતો પણ લીસ્ટ લાંબુલચક થઇ ગયું હશે જેથી મને સોરી કહેવામાં આવેલું. મારા બ્લોગમાં મારો લખેલો 'મૂળ ઉખ્ડ્યાની પીડા' લેખ મુકેલો જ છે. તમારો ફોટો પણ મુકેલો છે. તમને સાંભળીને આવીને ફેસબુક પર પોસ્ટ મૂકી દીધી છે. હસબંડ હકીના હાસ્ય નગીના, ન્યુ જર્સીમાં અશોક દવે બુધવારની બપોરના..