Search This Blog

25/04/2014

બહુ બેટી

- મુહમ્મદ રફીના બે મદમસ્ત ગીતો

- સબ મેં શામિલ હો મગર, સબ સે જુદા લગતી હો જીયો તો ઐસે જીયો, જૈસે સબ તુમ્હારા હૈ...

ફિલ્મ : 'બહુબેટી'
નિર્માતા : શત્રુજીત પોલ
દિગ્દર્શક : ટી. પ્રકાશરાવ
સંગીતકાર : રવિ
ગીતો : સાહિર લુઘિયાનવી
રનિંગ ટાઈમ : ૧૪ રીલ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, જોય મુકર્જી, માલા સિન્હા, મેહમુદ, મુમતાઝ, અનુપ કુમાર, આશિશ કુમાર, ધુમાલ, અલલા સચદેવ, મુકરી, બ્રહ્મ ભારદ્વાજ, રત્નમાલા, ચમનપુરી અને નીલમ.



ગીતો
૧.ભારત મા કી આંખ કે તારોં, નન્હે મુન્ને રાજદુલારો...... આશા ભોંસલે
૨.આજ હૈ કરવા ચૌથ સખીરી, માંગ લે સુખ કા દાન....... આશા ભોંસલે
૩.મેરી માંગ કે રંગ મેં તુને રાખ ચિતા કી ભર દી....... આશા ભોંસલે
૪.મેરી જાં ન સતા તુ, મેરા જી ન જલા તુ...... મુહમ્મદ રફી
૫.રંગીન ફિઝા હૈ, આજા કે મેરા પ્યાર તુઝે ઢુંઢ રહા હૈ....... આશા-મહેન્દ્ર
૬.સબ મેં શામિલ હો મગર સબ સે જુદા લગતી હો...... મુહમ્મદ રફી
૭.જીયો તો ઐસે જીયો, જૈસે સબ તુમ્હારા હૈ...... મુહમ્મદ રફી

ઓહ... કેવો હેન્ડસમ હતો, જોય મુકર્જી! 'લવ ઈન ટોક્યો' અને 'ઝીદ્દી'ની જેમ આ ફિલ્મ 'બહુ બેટી'માં ય એવો જ ડેશિંગ લાગે છે! ચાલ્યો નહિ, નહિ તો અમિતાભ પાસે છે, એ બધું જોય મુકર્જી પાસે હતું. ચેહરામાં તો એ અમિતાભ કરતા ય વધુ હેન્ડસમ, પહાડી અવાજ, હાઈટ-બોડી અને સ્ક્રીન-પ્રેઝન્સ... બસ, એક્ટિંગ અમિતાભ જેવી નહોતી, એમાં માર ખાઈ ગયો. એક્ટિંગનું એની પાસે પ્રમાણપત્ર એટલું જ કે, એ ભારત ભૂષણ, પ્રદીપ કુમાર, વિશ્વજીત કે મનોજ કુમાર કરતા સારો હતો, પણ શશી કપૂર કરતા અડધો ય સારો નહિ! નહિ તો, અશોક કુમાર, કિશોર કુમારનો એ સગ્ગો ભાણીયો થતો ને વાત એથી ય ઉપર લઈ જઈએ તો, ફિલ્મીસ્તાનના સર્વેસર્વા શશધર મુકર્જીનો દીકરો હતો... છતાં, આ બધાની બાવજુદ, જોય મુકર્જી ૬૦ના દશકમાં ખૂબ ચાલ્યો. એના નસીબે એની ફિલ્મોને સંગીતકાર તરીકે ઓ પી નૈયર, શંકર-જયકિશન કે રવિ મળ્યા હતા અને આ ત્રણેએ પોતપોતાની જુબાનમાં અસ્સલ કમાલો જોયની ફિલ્મોમાં બતાવી દીધી હતી. પરિણામે, 'એક મુસાફિર, એક હસિના', 'ફિર વો હી દિલ લાયા હૂં', 'લવ ઈન ટોક્યો', 'દૂર કી આવાઝ' કે 'બહુ બેટી' જેવી સંગીતપ્રધાન ફિલ્મો જોયને ભાગે આવી.

જોયનું નામ 'જોય' નહિ, 'જય' મુકર્જી હતું, પણ બંગાળી ઉચ્ચારોમાં તો 'અશોક'નું પણ 'ઓશોક બાબુ' થઈ જાય છે, એમ 'જય'નું 'જોય' થઈ ગયું ને લોકો સમજ્યા ઈંગ્લિશ શબ્દ Joy ઉપરથી નામ 'જોય' પડયું હશે.

માણસ અંગત જીવનમાં બહુ ભલો હતો, એનો એક દાખલો કાફી છે. ગુજરાતમાં કચ્છનો ધરતીકંપ આવ્યો ત્યારે કોઈ પણ જાતની પબ્લિસિટી વિના જોય અને તેની પત્ની નીલમ રૂબરૂ કચ્છ પહોંચી ગયા હતા અને અક્ષરસઃ મજૂરો તરીકે કામ કર્યું હતું. કોઈને જણાવા દીધું નહિ કે, આટલો મોટો ફિલ્મ સ્ટાર આવી સેવા કરવા આવ્યો છે, પોતાના પૈસે! મેં મારી 'ફર્માઈશ કલબ'માં એને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવા એની પત્ની નીલમ સાથે વાત કરી તો, એણે ચોખ્ખો જવાબ આપી દીધો, 'જોય સા'બ તમારા શોમાં આવવાનો એક પૈસો લેશે નહિ, પણ તમારા શોની જે કાંઈ આવક થાય, તે બધી કચ્છના ભૂકંપ-પીડિતો માટે આપી દેવી.'

જેટલી આપણને ખબર, એટલી એમને ન હોય કે, આપણે તો એથી ય વધુ રકમ ભૂકંપ-પીડિતો માટે આપી દઈએ, પણ વચમાં એને ચાઉ કરી જનારા કેટલા હતા, એની આપણને ખબર, એટલે મેં ખર્ચાઓ બાદ કરીને જે તે રકમ આપી દેવાની વાત કરી, તો નીલમે કહ્યું, 'નહિ નહિ... શો મેં જીતની ભી ઈન્કમ હોંગી, વો સબ આપ ડોનેટ કર દેંગે...' એમાં વાત અટકી, પણ આખી વાતમાં દેખાય છે તો એ બન્નેનું સારું ને?

અંગત જીવનમાં જોયનો દોસ્ત એક જ શમ્મી કપૂર. ઘરડા થઈ ગયા એટલે જોયે તો ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું, પણ શમ્મીએ બુઢ્ઢાના રોલ પણ ચાલુ રાખ્યા, એમાં જોય બગડયો હતો, 'ક્યા શમ્મી...? ક્યા કર રહા હૈ? હમ હીરો થે... તો હીરો રહેકર હી મરેંગે? લોગ હમારા બુઢ્ઢા ચેહરા દેખના પસંદ નહિ કરેંગે!' જોયે પોતે આ પાળી પણ બતાવ્યું, તે એટલે સુધી કે, પૈસે ટકે ખાખી-બંગાલી થઈ ગયા પછી ચરીત્ર અભિનેતાના રોલ તો અમથા ય એની પાસે બહુ આવતા હતા. ના જ લીધા. વચમાં તો એણે કટલરી અને બબ્બે તત્તણ રૂપિયામાં વેચાય એવી ફાલતુ ચીજોનો એવો સાવ નાનકડો સ્ટોર પણ કર્યો હતો. એનો દીકરો આદર્શ ન નીકળ્યો સુરતના મારા આર્કિક્ટે દોસ્ત અને હાસ્યલેખક અજીતસિંહ સાથે જોયને સંબંધ ખરો. શમ્મી કપુરની પાર્ટીમાં અજીતસિંહ જોયને રીક્ષામાં બેસાડીને લઈ ગયા હતા.

હું એના નાનાભાઈ શુબિરના ઘરે બેઠો હતો, એણે કહ્યું કે, અમે ત્રણે ભાઈઓ કસરત પાછળ આજે ય પાગલ છીએ. રોજ કેટલીય દંડ-બેઠક કે પૂલ-અપ્સ કરતા હોઈશું, અમને ય ખબર નથી. (તનૂજાના પતિ શોમુ મુકર્જી આ લિસ્ટમાં નહિ!) જોય તો એટલે સુધી કે, એનો કસરત કરવાનો ટાઈમ થઈ જાય એટલે, એને સાઈન કરવા નિર્માતા આવ્યા હોય તો એમનો ય લિહાજ ન રાખે. પણ કસરતોનું તો કેવું છે કે, કરતા રહો ત્યાં સુધી જ એ તમને સાચવે... છોડી દો પછી ધોધમાર ભૂખો લગાડે અને શરીર ફૂલવા માંડે, જોય પણ પાછલી ઉંમરમાં બેતહાશા જાડો થઈ ગયો હતો.

માલા સિન્હાને હરકોઈ ફિલ્મમાં જોઈને એક સવાલ તો થાય જ કે, આવી અભિનેત્રીઓ હવે કેમ નહિ? જુઓ, સુંદરતા અને અભિનયમાં તો આજની હીરોઈનો ય કોઈનાથી કમ નથી, પણ ફર્ક આપણા જમાનાની અભિનેત્રીઓ સાથે એ હતો કે, એ લોકો નખશીખ ગ્રેશિયસ લાગે, ભારતીય લાગે. ૫૦-૬૦ના દાયકાની હીરોઈનો સામાજિક ફિલ્મોમાં 'બહુ' એટલે અફ કોર્સ, 'બહુ' જ લાગે. આપણી પરંપરાનુસાર આદર્શ સ્ત્રી લાગે જ. નૂતન, તનૂજા, મધુબાલા, નરગીસ, વહિદા, નંદા, સાધના, આપણી વૈજુ... આ બધીઓએ છેવટ સુધી પોતાના ફિગર કેવા જાળવી રાખ્યા હતા? માલાને પણ આજે જુઓ તો ગુજરાતી સ્ત્રીઓની જેમ લઠ્ઠાબેન્ડ થઈ ગઈ નથી. ચેહરાની ઉંમરને બાદ કરતા આજે ય એ ખૂબસૂરત લાગે છે.અશોક કુમાર અને અનુપ કુમાર આ ફિલ્મમાં છે. બન્ને જોય મુકર્જીના સગા મામાઓ થાય. જોવાની ખૂબી નહિ પણ ખામી એ છે કે, અનુપ કુમાર પણ એ જ ગાંગુલી પરિવારનો કલાકાર, છતાં એને મોટા ભાગે અશોક કુમારની ફિલ્મોમાં જ રોલ મળે, સ્વતંત્ર રોલ બહુ ઓછા. બેશક સારો કલાકાર, પણ નસીબની બલિહારી છે ેેકે, અશોક-કિશોર પોતપોતાના ફીલ્ડમાં ભારતના સર્વોત્તમ પૈકીના કલાકારો બન્યા ને આ ભાઈ... ઈંગ્લિશમાં મેરેથોન દોડમાં સૌથી છેલ્લે આવનારા માટે કહેવાય છે ને, 'હી ટુ રૅન...!' એમ અનુપનો કોઈ લેવાલ ન નીકળ્યો.

મેહમુદ અને મુમતાઝે આ ફિલ્મમાં જોડી બનાવી છે. આપણા શરીરના વજન જેટલું માન મુમતાઝ માટે થવું જોઈએ કે, તદ્ન ફાલતું ફિલ્મોની હીરોઈનમાંથી એ હિંદી ફિલ્મોમાં એના સમયની સૌથી ટોપની હીરોઈન બની ગઈ... ને આગળ-પાછળ કોઈ બેક ગ્રાઉન્ડ પણ નહિ! એને તો ૭૦ના દશકમાં એ ફિલ્મો મળી, જે હીરોઈન આધારિત હતી, જ્યારે માત્ર ખન્ના, જીતુ, શશી કે એવા બધા જ ચાલતા.આ ફિલ્મમાં માલા સિન્હાનો પતિ બનતો એક્ટર આશિશ કુમાર ફિલ્મ 'જય સંતોષી માતા'નો હીરો હતો અને વાસ્તવમાં એક સમયની ડાન્સર બેલા બોઝનો પતિ.

ફિલ્મની વાર્તા ય આ પતિ ઉપર જ છે. માલા સિન્હા ગરીબ ઘરની છોકરી, જે 'બહુ' તરીકે અશોક કુમારને પસંદ પડી જતા, અશોક પોતાના દીકરા આશિશ કુમાર સાથે લગ્ન કરાવીને ઘરમાં લાવે છે. ફૌજમાં આશિશ કુમાર મૃત્યુ પામતા વિધવા બનેલી માલાને જીવનમાંથી રસકસ ઊડી જાય છે. અશોક કુમાર નિવૃત ન્યાયાધીશ છે અને વિધવા વહુને ઘેર બેસાડી રાખવાને બદલે કોલેજમાં ભણવા મોકલે છે, જ્યાં માલા જોય મુકર્જીના પ્રેમમાં તો પડી જાય છે, પણ વિધવાને તો કેવી રીતે પરણાય, એ દહેશતથી માલા જોયમાંથી રાજીનામું આપી દે છે. અશોક કુમાર વહારે થાય છે ને સમાજની ઘાંટાઘાટને અવગણીને જોય સાથે લગ્ન કરાવી આપે છે.

આજની પેઢીને તો આ સબ્જેક્ટ જ ગળે ન ઉતરાય કે, એક વિધવા બીજા લગ્ન શું કામ ન કરી શકે? વળી, વખત પણ એવો હતો કે, ફિલ્મોમાં ય હીરો-હીરોઈન પૂરી મર્યાદા સાથે જ એકબીજાને અડી શકતા. હીરોઈનો તો ઠીક છે, હેલન જેવી કેબરે ડાન્સરોને પણ કપડાં મર્યાદામાં પહેરવા પડતા. છાતીથી ઉપર ગળાના ભાગ સુધી પારદર્શક નેટ પહેરવી જરૂરી હતી. પરદા પર એવું લાગે કે, બહેને કાંઈ પહેર્યું નથી. મજ્જા કરાવી દે છે, આ ફિલ્મના સંગીતમાં રવિ. એક તો રવિ હોય એટલે રફી તો હોય જ. લતા ન હોય, પણ આશા તો હોય જ! રવિએ મને કીધેલી વાત છે કે, રફી સા'બ રોજ સવારે એક્ઝેક્ટ ૮ વાગે મારા ઘેર આવી જતા. રીહર્સલ હોય કે ન હોય. એકે ય દિવસ મુંબઈના ટ્રાફિક કે તબિયતનું બહાનું નહિ. એમના જેવો સજ્જન આખી ફિલ્મ નગરીમાં કોઈ નહીં! અંગત રીતે, મારે બન્યું હતું એવું કે, આ ફિલ્મ 'બહુ બેટી'ના રફીએ ગાયેલા બે ગીતો (તમને ખબર છે, ક્યા હોય!) મેળવવા માટે મેં આકાશ અને મારી અગાશી એક કરી નાંખ્યા હતા. (આકાશની પાતાળ આવે, દવે સાહેબ... તમે અગાશી ક્યાંથી લાવ્યા?) દોસ્તો, પાતાળ મેં એકે ય વાર જોયું ન હોવાથી 'આકાશ ને પાતાળ' શબ્દો સાથે હું સહમત થતો ન હોવાથી પાતાળને બદલે, અહીં ેેજેટલું થાય એટલું મેં કરી આપ્યું છે. આજે તો મારી પાસે બધું ય છે, પણ એ જમાનામાં રૃા. ૧૬થી રૃા. ૨૨ સુધીના તોતિંગ ભાવોની 'કેસેટો' મળતી, ત્યારે દેશ કા ચપ્પા ચપ્પા ને દુકાન દુકાન છાન મારીથી, પણ 'સબ મેં શામિલ હો, મગર સબ સે જુદા લગતી હો...' અને 'જીયો તો ઐસે જીયો જૈસે સબ તુમ્હારા હૈ...' બલ્કે, આખી ફિલ્મના ગીતો ક્યાંથી નહોતા મળતા. એ તો પછીથી એવી ખબર પડી કે, એચએમવીના સ્ટુડિયોમાં આગ લાગી, એમાં આવી ઘણી બધી ફિલ્મોની રેકડર્સ બળી ગઈ હતી. મુહમ્મદ રફીના આ બન્ને ગીતો સાંભળવાથી મનને કેવળ શાંતિ જ નહિ, સમજ પણ મળે છે, કારણ કે શબ્દો કોઈ મજરૂહ-હસરતના નહોતા... સાહિર લુધિયાનવીના હતા, જેમાં સાહિત્યના શોખિનોને પણ દરેક ગીતમાં અર્થ કે અર્થઘટનો મળે રાખે...' ...મરો તો ઐશે કિ જૈસે, તુમ્હારા કુછ ભી નહિ.'

આ ફિલ્મમાં પણ રફીનું એક ફાલતું ગીત છે, 'મેરી જાં, ન સતા તુ, મેરે દિલ કો ન જલા તું...' મેહમુદ પર ફિલ્માયું છે. નોર્મલી મેહમુદ મન્ના ડેનું પ્લેબેક પસંદ કરતો ને જ્હોની વોકર ઈનવેરિએબ્લી રફીનું. એ બન્ને વચ્ચે તો પર્સનલ-વોર ચાલુ જ હતી, પણ રફી-મન્ના ડે વચ્ચે શુદ્ધ ભાઈચારો હતો. મન્ના દા એ એમના ઘરમાં મને કીધેલી વાત છે કે, ફિલ્મોમાં રફીમીયાં જેવો બીજો કોઈ ગાયક છે જ નહિ, ને રફીએ પણ ઓન-રેકોર્ડ કીધું છે. મારે સારા ગીતો સાંભળવા હોય ત્યારે મન્ના ડેને સાંભળું છું. પણ ફિલ્મોમાં આર. ડી. બર્મનના બ્યુગલો વાગવા માંડયા અને મેહમુદ પાસેથી રફી છીનવાઈ ગયા. આરડીને ચાન્સ અને શોહરત અપાવનાર મેહમુદ જ, પણ આર. ડી. ને મુહમ્મદ રફી કરતા કિશોર વધુ ગમે, એમાં ૬૯માં 'આરાધના' પછી કિશોરનું ત્સુનામી આવ્યું. એમાં અન્ય ગાયકોની જેમ રફી પણ તણાઈ ગયા. રફી જે ઉંમરે ગૂજરી ગયા, તે કોઈ મરવાની ઉંમર અફ કોર્સ નહોતી. પણ કિશોરના વાવાઝોડાને કારણે રફીના જ ગળે મોટા થયેલા તમામ સંગીતકારોને નફ્ફટાઈથી રફીને પડતા મૂકવા માંડયા, એક માત્ર લક્ષ્મીકાંત-પ્યારેલાલ બાદ કરતાં! સ્વાભાવિક છે, જે માણસે ઠેઠ ૪૬થી ૭૦ સુધી બસ, જાહોજલાલીઓ જ જોઈ હોય, એના કિલ્લાનું આમ ઢહ થઈ જવું, કોઈ પણ શહેનશાહ માટે કારમું પડે. બસ, બીજાનું જ હંમેશા ભલું વિચારતો આ ઓલીયો માણસ પોતાનું ભલું જોઈ ન શક્યો અને હૃદયરોગને શરણે જતો રહ્યો... ને સાહિરના શબ્દોને સાચા પાડતો ગયો, 'મરો તો ઐસે કિ જેૈસે તુમ્હારા કુછ ભી નહિ!'

નોંધ :

અનેક વાચકોએ પૂછાવ્યું છે, 'ફિલ્મ સીઆઈડી'ના ગીત 'લેકે પહેલા પહેલા પ્યાર, ભર કે આંખો મેં ખુમાર' ગીત દેવ આનંદની બેનમૂન ચાલને કારણે વધારે મશહૂર બન્યું પણ દેવ શકીલાની સાથે મુંબઈના મરિન-લાઈન્સની ફૂટપાથ પર આ ગાતા બન્ને કલાકારો કોણ છે? તો જવાબ છે, મુહમ્મદ રફીએ આ ગીતમાં પ્લેબેક આપ્યું છે, 'શ્યામ કપૂર'ને અને શમશાદે 'શીલા વાંઝને!'

(સીડી સૌજન્ય : ભરત દવે, સુરત)

No comments: