Search This Blog

16/04/2014

ભેજ કો ભેજ દો...

ઘરની દિવાલો ઉપર આજ સુધી અનગીનત હિંદી ફિલ્મો બની છે, જેમાં મોટે ભાગે બે ભાઈઓના ઝઘડા અને છુટા પડવા માટે વચ્ચે દિવાલ ઊભી કરવામાં આવે. એક બાજુ દિવાલ ચણાતી જાય ને બીજી બાજુ મુહમ્મદ રફીના કરૂણ કંઠમાં આકાશમાંથી ગીત ગવાતું જાય, ''કલ ચમન થા, આજ એક સહેરા હુઆ, દેખતે હી દેખતે યે ક્યા હુઆ... હોઓઓઓ.'' આપણે તો જાણે કડીયા-મજૂરો હોઈએ અને કાયમ આવી ઈંટ, પથ્થર, સીમેન્ટ, કપચીની ફિલ્મો જોવા જ જતા હોઈશું એમ, દિવાલ પૂરી ચણાય નહિ, ત્યાં સુધી મજૂરો લેલું પકડીને સીમેન્ટ ઉપર લબ્દા મારે જતા હોય, એ જોયે રાખવાના. છેલ્લે બન્ને ભાઈઓ વચ્ચે ઘરની સુંદર ભાભી-એટલે કે હીરોઈન સમાધાન કરે અને તે પણ સાવ સસ્તા ભાવે... હસતા હસતા એક કરૂણ ગીત ગાઈને, જેમાં ભાગલા કેવા વેદનામય હોય છે એ સમજાવીને આખી દિવાલના ભૂક્કા બોલાવડાવી દે.

પણ આજ સુધી કોઈ નિર્માતાએ એક પણ ફિલ્મ, બારે માસ ઘરની દિવાલો પર લાગેલા રહેતા ભેજ ઉપર બનાવી નથી. દિવાલને કારણે પડતા હોય તો શું ભેજના કારણે ભાઈઓ વચ્ચે ભાગલા ન પડે ? કરૂણાનું ખરૂં પ્રતિક દિવાલ નહિ, ભેજ છે, જેને તમે સાહિત્યિક ભાષામાં ''ધાબું'', ''કલંક'' અથવા ''દાગ'' કહી શકો. આમ આટલો મોટો શહેનશાહ, પણ અનારકલીને જીવતી ચણાવી દેવાનો હૂકમ કરનાર જીલ્લે-ઈલાહી અકબરે પણ એ નહોતું વિચાર્યું કે, હું આવડી આને જીવતી તો ચણાવી દઉં છું પણ પછીથી બહારની દિવાલો પર ચોમાસાનો ભેજ લાગશે તો હું પુરાની દિલ્હીના ક્યા કડીયા-સુથારને મોંઢું બતાવીશ ? ખોટી વાત છે મારી ?

આજે ભારતનું એવું એકે ય ફેમિલી નહિ હોય જે પોતાના ઘરમાં લાગેલા ભેજથી કંટાળીને ઘર છોડીને ભાગી જવાનો વિચાર નહિ કરતું હોય ! લાખો રૂપિયા ખર્ચીને ઘરમાં રંગ-રોગાણ કરાવ્યા હોય ને સાતમે મહિને પેટ મોટું દેખાવા માંડે, એમ ભીંત પર પોપડા દેખાવાના શરૂ થઈ જાય. જેનું ઘર હોય એને તો આ પોપડા પોતાની છાતી પર ફૂટી નીકળ્યા હોય, એવા ઝટકા વાગે... ના વાગે, બે ? ફરક એટલો કે છાતી પર પડેલા પોપડાં તો ખણી ય શકાય, પણ ભીંત પર પડેલા પોપડા ખંજવાળવા જાઓ તો, ગામડાંનું છોકરૂં મેળામાં લઈ જવા બાપના પગમાં ઘુસી જાય, એમ ઉપરવાળું અટકીને રહેલું પોપડું ય ખરી પડે. દરેક પોપડાંની આ એક સાયકલોજી છે કે, નીચે વાળું ખરે, એટલે આજુબાજુવાળું ય આપણને છેતરતું જાય. સવાલ માત્ર પોપડાંનો નથી, સવાલ ભેજના ડાઘાનો પણ છે. આપણે જાણે ભીંત પર ચઢી ચઢીને નહાવા બેસતા હોઈશું, એમ બાથરૂમ સિવાયની ભીંતો ઉપર પણ પાણીના ઉપસી આવેલા ધબ્બા જોવા મળે. ફિલ્મોમાં ચવાઈ ગયેલો એક ડાયલોગ તમે બહુ સાંભળ્યો હશે કે, ''દિવારોં કે ભી કાન હોતે હૈં... !'' તે હશે, પણ આજ સુધી તમે નહિ સાંભળેલો મેં હમણાં જ લખેલો ડાયલોગ વાંચી લો, ''દિવાલોં કે ભલે કાન-નાક હોતે હોંગે, લેકીન દિવારોં કો કભી લાજશરમ નહિ હોતી... !'' સાલું રહેવાનું આપણાં ઘરમાં ને ધબ્બા ય આપણાં જ ઘરમાં પાડવાના ?... બે થપ્પડ મારી દેવાનું ઝનૂન ન ઉપડે આપણને ? આ તો એક વાત થાય છે... !

શા માટે ફિલ્મવાળાઓ બે ભાઈઓના ઝગડા વખતે દિવાલને બદલે ભેજવાળી સ્ટોરીઓ લઈ આવતા નથી ? ફિલ્મ ''નીલકમલ''માં ''તુઝ કો પુકારે મેરા પ્યાર, આજા મૈં તો મીટા હું તેરી ચાહ મેં'' ગાતી વખતે રાજકુમારને પણ દિવાલોમાં જીવતો ચણી દેવામાં આવે છે. શું આ વખતે, હીરોઈન વહિદા રહેમાનને હાથમાં ડિર્સ્ટમ્પરનું ડબલું લઈને આવતી ન બતાવી શકાય, જેથી ''જાની'' રાજકુમારના ગાલ, બરડા, છાતી અને પેટ પરથી ઉખડુ-ઉખડુ કરતા ભેજના પોપડાને રોકી શકે ? ઓડીયન્સમાં ય તાળીઓ પડે કે, ફિલ્મના દિગ્દર્શકને ફક્ત ઈંટ-ચૂનાનું નહિ, ભેજનું ય નૉલેજ છે... !

તમે ફિલ્મ ''દિવાર'' કેમ યાદ નથી કરતા ? એમાં બે ભાઈઓ અમિતાભ અને શશી કપૂર વચ્ચે સિદ્ધાંતોની - ઉસુલોની દિવાલ ઊભી થતી બતાવાઈ છે અને અમિતાભ શશીડાને પૂછે છે, ''મેરે પાસ ધન હૈ, દૌલત હૈ, ઈજ્જત હૈ, ગાડી-બંગલા હૈ... તુમ્હારે પાસ ક્યા હૈ... ?''

આ વખતે, ''મેરે પાસ માં હૈ...'' એવા ફાલતું ડાયલોગ મારવાને બદલે સહેજ પણ ખચકાયા વગર શશીયો ''મેરે ઘર કી દિવાલોં પર ભેજ હૈ...'' તો શું બચ્ચનીયાનું મોંઢું લબૂક ના થઈ ગયું હોત ? થઈ જ જાય કારણ કે, આ જગતમાં 'માં' અને ''ભેજ'', એ બે ચીજો જ એવી છે જે દરેકના ઘરમાં હોય. ''મેરે પાસ માં હૈ...'' એવું કહીને કપૂરીયાએ કોઈ મોટી ધાડ નહોતી મારી. હું રૃા. ૨૦/-ની શરત મારવા તૈયાર છું કે, શશીએ માં ને બદલે ઘરના ભેજની બબાલ કરી હોત તો બચ્ચન પહેલી એસ.ટી. પકડીને ઘર ભેગો થઈ ગયો હોત... સુઉં કિયો છો... ?

ભેજ ઉપર મેં આજ સુધી ઘણું કામ કર્યું છે. કામ એટલે વૈજ્ઞાાનિકો કરે છે, એવું કોઈ સંશોધન-બંશોધન નહિ પણ ઘરમાંથી ભેજને કેવી રીતે હટાવવો, એના વિચારો ઉપર હું ઘરના માળીયા કરતા વધારે વખત ચઢી આવ્યો છું. તમને તો ખબર હોય જ કે, બૌદ્ધિકો વિચારો ઉપર ચઢી જતી વખતે પોતાનું લમણું પહેલી આંગળીથી ખંજવાળતા હોય છે ને ઘણા વિચારીને લખે છે. આમાં હેતુ ખંજવાળવાનો નહિ, સારા વિચારો આવવાનો હોય છે. પણ હું તો ભીંતનો દાઝેલો હોવાથી મને એ બીક લાગતી કે, લમણું ખણવા જતાં ક્યાંક પોપડું ખરી પડશે તો ?

સંશોધનો દરમ્યાન ખાસ કોઈ તારણો ન નીકળ્યા પણ એટલી ખબર પડી કે, ભેજની શરૂઆત બાથરૂમની દિવાલો પરથી થાય છે અને મેહમાનો આવે ત્યારે તો, એ લોકો છોકરો જોવા આવ્યા હોય એમ બાથરૂમ વાળો ભેજ તૈયાર-બૈયાર થઈને બહાર નીકળે છે. મેહમાનો ય ડાહ્યા થતાં હોય ને આપણે તો એમ.એફ. હૂસેન પાસે બાથરૂમની દિવાલો પર ભેજના પેઈન્ટિંગ્સ ચીતરાવ્યા હશે, એમ પાછા પૂછે, ''અરે... આટલો બધો ભેજ... ?'' કેમ જાણે એમના ઘરોમાં તો બાથરૂમની દિવાલો પર ભેજને બદલે મૅકડૉનાલ્ડ્સના પિત્ઝા-બર્ગર લટકતા હશે. આપણી હટી ના જાય... ?

ભેજની શરૂઆત બાથરૂમની દિવાલો પરથી થાય છે, એ મહત્વનું તારણ નીકળી ગયા પછીનું કામ અઘરૂં હતું કે, ભેજ દૂર કરવો કે બાથરૂમ ? મારા ઘરમાં તો ત્રણ બાથરૂમો છે, એ હિસાબે બે ઓછા કરી નાંખીએ તો ઘરમાંથી ૬૬.૩૩ ટકા ભેજ કાઢ્યો કહેવાય. સવારે ભલે થોડા દહાડા ઘરમાં દોડાદોડી અને બૂમાબુમ રહે એ તો, પણ ભેજ પર કન્ટ્રોલ તો આવે ! બાથરૂમના ઉપયોગો બદલવાથી કોઈ ફેર પડે ખરો ? અમે લોકો ઘણી વાર નહાતાં પણ હોઈએ છીએ અને નહાતી વખતે અમારી વિચિત્ર આવડતોને લીધે મોટા ભાગનું પાણી દિવાલો પર ઊડે છે. નહાના તો ઉસી કો કહેતે હૈં કિ, દિવાર તો ક્યા ચીઝ હૈ... ઝમીં પર ભી પાની કી એક બુંદ ગીરની નહિ ચાહિયે... !

અંતમાં કે ભેજના આ વસંતમાં, ગુજરાતના તમામ ભેજરીવાલો (ભેજપીડિતો)ને મારૂં સૂચન છે કે, ભેજથી ભાગવાની ભલે ન હોય, પણ ગભરાવાની તો બેશક જરૂરત છે. આ કાંઈ ગર્વ લેવા જેવું ચિતરામણ નથી. છે તો ભલે રહ્યો, એવા ગૂમાનમાં ન રહીએ. એને હટાવી ન શકો તો કાંઈ નહિ, પણ મકાન તો બદલાવી શકો ને ! નવા મકાનમાં હમણાં નહિ આવે ને આવી ગયો હોય... ભેજવાળી એ જ દિવાલ પર હાથ ટેકવી મંદસ્વરોમાં લલકારે જાઓ,
'તેરે સંગ જીના, તેરે સંગ મરના, રબ રૂઠે યા જગ છુટે હમકો ક્યા કરના...'

સિક્સર
- તે... અમેરિકામાં કોને ત્યાં ઉતરવા?
- છે એક આપણો દોસ્ત... ગવર્મેન્ટમાં જૉબ કરે છે !
- શું નામ છે, ભ'ઈનું ?
- બરાક ઓબામા.

No comments: