Search This Blog

18/04/2014

'તીન બહુરાનીયાં' ('૬૮)

ફિલ્મ : 'તીન બહુરાનીયાં' ('૬૮)
નિર્માતા : જેમિની સ્ટુડિયો-મદ્રાસ
દિગ્દર્શકો : વાસન-બાલન
સંગીત : કલ્યાણજી-આણંદજી
ગીતકાર : આનંદ બક્ષી
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ - ૧૬૦ મિનિટ્સ
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : પૃથ્વીરાજ કપૂર, શશીકલા, રાજેન્દ્રનાથ, કાંચન, સૌકાર જાનકી, જયંતિ, આગા, રમેશ દેવ, જગદીપ, કન્હૈયાલાલ, નિરંજન શર્મા, લલિતા પવાર, ધૂમાલ, બેબી ફરીદા અને વૈશાલી.

ગીતો
૧. હમરે આંગન બગીયા, બગીયા મેં દો પંછી........લતા, આશા અને ઉષા મંગેશકર
૨. આ સપનોં કી રાની, નાચે ગાયેં હમ તુમ..............આશા ભોંસલે-કિશોર કુમાર
૩. દિલ્હી કે બાઝાર કી બલમા સૈર કરા દે................................આશા ભોંસલે
૪. આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા, ભૈયા ન પૂછો...............આશા-કમલ-મહેન્દ્ર કપૂર 
૫. મેરી તરફ જરા દેખો કન્હૈયા રાધા સે બન ગઈ રીટા મૈં કન્હૈયા.......આશા ભોંસલે

'તીન બહુરાનીયાં' '૬૮માં આવ્યું, તેની સાથે જ 'તીન દેવીયાં' પણ આવ્યું. પાછળથી એ ત્રણ દેવીઓ છુટક-છુટક, બહુરાનીઓ બની કે નહિ, એ બતાવતું કોઈ ત્રીજું પિક્ચર નહોતું આવ્યું. અફ કોર્સ, એ જ વખતે 'સુહાગ રાત' (રાજશ્રી-જીતેન્દ્ર) બેશક આવ્યું હતું, પણ ત્રણમાંથી કોની સમજવી, એ બેકાર સવાલ છે.

પણ આ બન્ને 'તીનો' વચ્ચે તફાવત કેટલો! 'તીન બહુરાનીયાં'માં એક પણ હીરો નહિ ને એક પણ હીરોઈન નહિ, ને છતાં ચાલ્યુ. 'તીન દેવીયાં'માં આપણો એકલો દેવ આનંદ ત્રણ-ત્રણ હીરોઈનો માટે કાફી હતો. નંદા, કલ્પના અને સિમી ને તો ય ફિલ્મ ઉપડી નહિ.

પહેલા કલ્પના અને હવે નંદાને ગૂમાવી, ત્યારે ખબર પડી કે, નંદાને ચાહનારો વર્ગ કેટલો વિપુલ હતો! નોર્મલી, જૂનો કોઈ સ્ટાર અવસાન પામે છે, ત્યારે 'ગુજરાત સમાચાર'માં જે તે સ્ટારને શ્રદ્ધાંજલિરૂપે મારો અલગ લેખ છપાય છે. વાચકોનું તો તમે જાણો છો જ, કે એમનું નામ ન છપાય તો એમને લેખ કેવો લાગ્યો હતો, એ જણાવવાની બેવકૂફી પણ નહિ કરવાની. આજકાલ એસએમએસ કે ફોન કેટલા મોંઘા છે, હાય રામ...! પણ સ્વ. નંદાને શ્રદ્ધાંજલિ આપતો લેખ ૨૫ માર્ચ, ૨૦૧૪ના છાપામાં લખ્યો, ત્યારે ઓહ માય ગોડ... કેટલા બધા ફોન અને મેસેજીસ આવ્યા! નંદાને લોકો આટલી બધી ચાહતા હશે, એ તો એક આજીવન નંદાભક્ત તરીકે હું કેટલો ખુશ થયો હોઈશ?

ખુશ તો થશે કોમેડિયન રાજેન્દ્રનાથના ચાહકો આ ફિલ્મ જોઈને! આ ફિલ્મમાં કોઈ કન્વેન્શનલ હીરો તો છે જ નહિ, છતાં ફિલ્મ મૂલ્યાંકનની દ્રષ્ટિએ 'તીન બહુરાનીયાં'નો હીરો પૃથ્વીરાજ કપૂર કહેવાય અને સ્વતંત્રતાથી વાત કરવી હોય તો ફિલ્મનો સાચો હીરો આ પોપટલાલ છે. એને ફૂટેજ તો સૌથી વધુ મળ્યું જ છે, પણ રોલ પણ લાલબુંદ ગાલ જેવો ગુલાબી-ગુલાબી મળ્યો છે. મેહમુદ કે જ્હોની વોકરોની વાત કરવામાં રાજેન્દ્રનાથની નોંધ જવલ્લે લેવાઈ છે. એ સ્ક્રીન પર આવે તેની સાથે જ એનું સમગ્ર શરીર ગમે ત્યાંથી ગમે તેવી ધ્રૂજારીઓ કરવા માંડે. એના પગ કદી સખણા રહ્યા નથી. 'બફૂનરી' પ્રકારની કોમેડીની પણ એ લઝ્ઝત છે, નહિ તો ચાર્લી ચેપલિનની સરખામણીમાં લૉરેલ-હાર્ડીનું કોઈ મહત્વ જ ન સમજાયું હોત! 'તીન બહુરાનીયાં'ના એક દ્રષ્યમાં, પૃથ્વીરાજ કપૂરને પોપટલાલ કહે છે, 'પિતાજી, ઘર મેં સબ પુરાની ચીઝોં કો નિકાલકર નઈ લા રહે હૈ' જેના જવાબમાં પિતાજી કહે છે, 'તો પછી આ બુઢ્ઢો બાપ પણ જૂનો થઈ ગયો છે. એને ય બદલીને નવો લઈ આવો!' ત્યારે હાથ ખંખેરતો પોપટલાલ કહે છે, 'વો તો ઈમ્પોસિબલ હૈ, ડેડી... ફિર ભી, હમ કોશિષ કરેંગે!'

બીજા એક દ્રષ્યમાં પોપટપત્ની ખીજાઈ કહે છે, 'બાજુવાળી હીરોઈન માટે સેબ (સફરજન) કેમ લાવ્યા?' જવાબમાં પોપટ કહે છે, 'મૈ સિનેમા સ્ટાર કો સેેબ નહિ તો ક્યા 'સેરિડોન' ખીલાઉંગા...?'

પાછો વ્યવસાયે એ મેડિકલ રીપ્રેઝન્ટેટિવ હોવાને કારણે કોમેડિયન જગદીપને કન્વિન્સ કરવાનો ટ્રાયો કરે છે કે, એની કંપનીમાં બનેલી માથાના દુઃખાવાની ગોળીઓ કેટલી અસરકારક છે? જગો માનતો નથી, એટલે કંટાળેલા પોપટનું માથું દુઃખી જાય છે, ત્યારે જગદીપ પૂછે છે, 'તારી કંપનીની દવા આટલી અસરકારક છે, તો કેમ ખાતો નથી?' જવાબમાં રાજેન્દ્રનાથ કહે છે, 'મૈ ઈતના બેવકૂફભી નહિ હૂ... કિં અપની કંપનીકી બનાઇ હુઇ ગોલીયાં ખાઉં!'

વ્યવસાયો પર સંવાદ લેખક કિશોર સાહૂએ મસ્ત છરી ફેરવી છે. ફિલ્મના અંતમાં ત્રણ બહુરાણીઓ પૈકીની એકના પિતા (નિરંજન શર્મા) ગુસ્સે થઈને એમની પત્નીને કહે છે, 'હું આજે જ કોઈ સારા વકીલને લઈ જઈને મારી દીકરીનો કેસ લડીશ.' ત્યારે પત્ની પૂછે છે, 'અરે, તમે પોતે તો વકીલ છો!' ત્યારે નિરંજન કહે છે, 'બેવકૂફ... હું સારા વકીલની વાત કરું છું.'

એક તો કોઈ હીરો-હીરોઈન નહિ ને એમાં ય આઉટરાઈટ કોમેડી ફિલ્મો આપણે ત્યાં ઓછી બની છે ને બની છે, એમાંની ભાગ્યે જ કોઈ ચાલી છે. ફિલ્મ મદ્રાસના જેમિની સ્ટુડિયોની હતી, એટલે જોતા પહેલા જ એ સારી હશે, એની ફિકર અમદાવાદીઓ કરે પણ નહિ. જેમિનીની સામાજિક ફિલ્મો કૃષ્ણ ટોકીઝમાં વધુ આવતી, એમ આ ય આવી. બહુ ચાલી, એમ પણ ન કહેવાય અને ચાલી પણ નઈ, એમે ય ન કહેવાય.

સ્કૂલના રીટાયર્ડ માસ્તર પૃથ્વીરાજ કપૂર એમના ત્રણ દીકરા રાજેન્દ્રનાથ, આગા અને રમેશ દેવ, એમની ત્રણ પત્નીઓ સૌકાર જાનકી, કંચન અને જયંતિ (ત્રણે ય મદ્રાસની) તથા એમના ૭-૮ બાળકો સાથે ખુશનૂમા જીવન જીવે છે. વિધૂર પિતાનો પૂરો આદર થાય છે, પણ એક દિવસ બાજુના બંગલામાં ફિલ્મસ્ટાર શશીકલા રહેવા આવે છે, એમાં ફિલ્મો પાછળ પાગલ આ પરિવાર હિલોળે ચઢે છે. પોતાની આઈડેન્ટિટી ભૂલીને આ પરિવાર ફિલ્મસ્ટારના પડોશી હોવાનું ગર્વ અનુભવીને ઘરની શકલો સૂરત બદલી નાંખે છે. જસ્ટ, પેલીને ઈમ્પ્રેસ કરવા! આર્થિક દ્રષ્ટિએ મિડલ-કલાસ ફેમિલી હોવાને કારણે વૃદ્ધ પિતાનું કોઈ માનતું નથી, જેમની સલાહ હોય છે, 'આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા'વાળી જીંદગી બહુ લાંબી ન ચાલે, પણ એમને કોઈ ગણકારતું નથી. ફિલ્મસ્ટાર શશીકલાને ખૂબ જીદ કરીને આ લોકો પોતાને ઘેર બોલાવે છે, એમાં ઉધારે, વ્યાજે કે હપ્તે-હપ્તે નવું રાચરચીલું લાવીને ઘરની રોનક બદલી નાંખે છે. ડોહા સમસમી જાય છે, પણ બનાવટી ખેલ કેટલા દિવસ ચાલે? એ ધોરણે, ત્રણે ભાઈઓના ઘરમાં પૈસાની તૂટ પડવા માંડે છે અને વહુઓ છાનીમાની ઘરના વાસણકૂસણ ગીરવે મૂકે કે વેચી નાંખે છે. એમની જાણ બહાર ડોહા બધું પોતે આ બધું ગીરવી કે વેચાતું લઈ લે છે. દરમ્યાનમાં ત્રણે વહુઓના મનમાં કાકા વહેમ નાંખે છે કે, તમારા ત્રણમાંથી એકનો પતિ શશીકલાના પ્રેમમાં છે. ત્રણેને ત્યાં ટેન્શનો ઊભા થાય છે, પણ છેવટે કાકા જ બધી સમસ્યાઓનો ફેંસલો લાવીને ઘરમાં પાછી સુખશાંતિ અપાવી દે છે.

ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર જેવા લેજન્ડ હોય, પછી નવું તો કાંઈ પૂછવાનું ન હોય. મારા સ્વ. પિતાશ્રી ચંદુભાઈ કહેતા કે, 'પઠાણ' અને 'દિવાર' જેવા નાટકો લઈને પૃથ્વીરાજ અમદાવાદ આવતા અને બગીચા મિલના કમ્પાઉન્ડમાં નાટકો ભજવતા. નાનો રાજ કપૂર અમદાવાદની (એ જમાનામાં) સુનસાન સડકો પર મસ્તીથી નાનકડી બાઈસિકલ ચલાવતો. ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં પોતાના પહાડી અવાજને કારણે મૂલ્કમશહૂર થઈ ગયેલા આ અદાકારનો પાછલી ઉંમરે અવાજ જતો રહ્યો હોવાથી ફિલ્મ 'તીન બહુરાનીયાં'માં આખી ફિલ્મમાં એમના અવાજને ચરીત્ર-અભિનેતા બિપીન ગુપ્તાએ ડબ કર્યો છે. અચ્છા. એ વાત બહુ ઓછા જાણતા હશે કે, હિંદી ફિલ્મોમાં તબસ્સુમ અને (બેબી) નાઝ બહુ જાણિતા ડબિંગ-આર્ટિસ્ટ્સ હતા. મતલબ, આ લોકો તમામ અભિનેત્રીઓનો હૂબહૂ અવાજ કાઢી શકતી હોવાથી, તમે જે ફિલ્મો મીના કુમારી, નૂતન કે આશા પારેખની જોઈ હોય, એમાંની અનેકમાં અવાજ એ લોકનો પોતાનો નહિ, પણ નાઝ જેવી ડબિંગ-આર્ટિસ્ટ્સનો હતો. એ તો તમે જાણો જ છો કે, ફિલ્મનું શૂટિંગ થાય, એ વખતે ફિલ્મી ગીતોની જેમ જ, એ લોકો ફક્ત હોઠ ફફડાવતા હોય. બોલેલા સંવાદોનું રેકોર્ડિંગ તો ફિલ્મ બન્યા પછી પણ જૂદા ડબિંગ સ્ટુડિયોમાં થાય.

આવી જૂની ફિલ્મો જોઈએ, એટલે યાદ ઘણું બધું આવે, જે આપણે ય ભૂલી ગયા હોઈએ. જેમ કે, ફિલ્મમાં ટેલીગ્રામ આવે છે.

આજની પેઢીના તો કોઈને ખબર નહિ હોય કે, ટેલીગ્રામ એટલે શું? એ જમાનામાં લગભગ મોટો વર્ગ મિડલ-કલાસનો હતો, ને ઘેર તાર (ટેલીગ્રામ) આવે, એટલે આખા ફેમિલીને જોરદાર ચોંકી જવાની હોબીઓ હતી. તાર ભાગ્યે જ આવે અને આવે ને ખુલે તે પહેલા ભલભલાની હવા ટાઈટ કરી નાંખે.

શશીકલા મારમમાર સેક્સી અર્થાત વધારે પડતી સુંદર લાગે છે. ફિલ્મમાં પણ એ હીરોઈનનો રોલ કરતી હોવાથી એનું આવું લાગવું લાઝમી પણ હતું. મને યાદ છે, આવી ગ્લેમરસ છોકરીઓ માટે અમારા ખાડીયામાં, 'ફટકો' શબ્દ વપરાતો. કોઈ પૂછે, 'કેવી છે?' તો જવાબમાં, 'ફટકો છે, બોસ' કહેવાતું. અફ કોર્સ, સારા ઘરના લોકો આવો ઘટીયા શબ્દ ન વાપરતા. 'બોસ' શબ્દ પણ અર્થ ન સમજાય ત્યાં સુધી આડેધડ વપરાયે જતો, 'બોસ, ત્યાંથી જરા મારા ચંપલ લઈ આવો ને...!'

આ ફિલ્મમાં જુવાન જગદીપ દેખાવમાં સારો લાગે છે. આ જગદીપ જીવનભર અંધારામાં રહ્યો. કારણ પોતે જાણતો હોય તો ખબર નહિ, બાકી કોઈ ફિલ્મી મેગેઝીનમાં એના માટેનો લેખ કે ઈન્ટરવ્યૂ જવલ્લે જોવા મળે. હમણા એક વિડીયો-ઈન્ટરવ્યૂ હાથ લાગ્યો છે, આખા ઈન્ટરવ્યૂમાં જેટલી વાતો એણે પોતાની માં વિશે કરી છે, એટલી પોતાના વિશે ય નથી કરી. જગદીપના પહેલા લગ્નથી ત્રણ સંતાનો હતા અને બીજાથી બે, જાવેદ જાફરી, નાવેદ જાફરી. તા. ૨૯ માર્ચ, ૧૯૩૯માં દાતીયામાં જન્મેલો જગદીપ ૧૯૫૦માં ૧૧ વર્ષની ઉંમરે પહેલી વાર ફિલ્મ 'મધુબાલા'માં બાળ કલાકાર તરીકે આવ્યો. પછી તો ઠેઠ, ૫૫માં નંદાની સાથે જરા મોટો રોલ પહેલીવાર ફિલ્મ 'ભાભી'માં મળ્યો. ફિલ્મ 'શોલે'માં સુરમા ભોપાલીના એના દમદાર રોલને કારણે દેશભરમાં એ છવાઈ તો ગયો, પણ એ પ્રસિદ્ધિ એનકેશ કરતા ન આવડી. પછી તો જાવેદ-નાવેદની મરજી વિરુદ્ધ ખૂબ નાની ઉંમરની કોઈ છોકરી સાથે એ લગ્ન કરવાનો હતો, પણ છોકરી નસીબ સારું લઈને આવી હશે.

ઘણા પૂછતા હોય છે કે, કલ્યાણજી-આણંદજીનું મહત્વ તમે કેમ ઓછું આંકો છો? ઓકે, ધેટ્સ ફાઈન... મહત્ત્વ આંકવા-બાંકવાનું કામ મારું નથી, પણ ફિલ્મસંગીતના ભાવક તરીકે આ બન્ને કચ્છી ભાઈઓએ બહુ નિરાશ કર્યા છે. અન્ય કોઈ સંગીતકારને ભાગ્યે જ મળે, એટલા મોટા બેનરો એમને મળ્યા છે, નહિ તો મદ્રાસનું 'જેમિની' હાથમાં આવી જાય, પણ પાછળ જોવાનું ક્યાં રહે? દિલીપકુમાર, રાજ કપૂર કે દેવ આનંદ તો ઠીક, શમ્મી કપૂર કે શશી કપૂરથી માંડીને છેલ્લે છેલ્લે તો અમિતાભ બચ્ચન સુધી એમની પહોંચ નીકળી. રાજેશ ખન્નાનો સિતારો ચમકતો હતો, ત્યારે આખી ફિલ્મનું બાકીનું બધુ ધોધમાર વખણાયું... આ બન્નેનું સંગીત કેટલી ફિલ્મોમાં ચાલ્યું? આ તો તમારામાંથી જૂના ફિલ્મી ગીતોના જાણકાર કે માણનાર હોય, એમના લેવલ પૂરતી જ વાત થાય છે કે, તમને ગમતા પહેલા પાંચ મહાન સંગીતકારોના નામોની યાદીમાં એકેયમાં કલ્યાણજી-આણંદજી કેમ નથી આવતા? મુકેશ પૂરતા તેઓ ખૂબ ખીલતા, પણ બાકીનું બધું? એકલા મુકેશ ઉપર આખી કરિયરનું સંગીત નથી ખેચાતું. મુહમ્મદ રફીના પાંચ સારા ગીતો શોધવા પડે.

મદ્રાસનું જેમિની જેવું તોતિંગ બેનર મળી ગયા પછી તો, કમ-સે-કમ એકાદ ગીત પૂરતા ય છવાઈ જવાનું હતું. 'તીન બહુરાનીયાં'નું એકે ય ગીત યાદ છે? મુહમ્મદ રફીને પસંદ નહિ કરનારા અનિલ બિશ્વાસ, સી. રામચંદ્ર અને સલિલ ચૌધરી જેવા સંગીતકારોમાં આમને તો પહેલા મૂકવા પડે! કોઈ સંગીતકાર ટક્યો છે, રફી વગર?

યસ. સ્વચ્છ અને સામાજીક છતાં આનંદમયી કોમેડી ફિલ્મ જોવા માંગતા હો, તો 'તીન બહુરાનીયાં' જોઈ નાંખો, સાધો!

No comments: