Search This Blog

09/04/2014

બૂટ હૈ કે ફાટતા નહિ

- અઅઅ...જરા બૂટ બતાવો ને...!
- સર... મેં પહેરેલા છે.
- તમારા નહિ... નવા જૂતાં... મારા માટે બતાવો.
- એકદમ ટોપ-કલાસ બતાવું, સર. ક્યા કામ માટે વાપરવાના છે? આઈ મીન, સ્ટેજ પર ફેંકવા માટે જોઈએ, તો નવો માલ હમણાં જ આવ્યો છે.
- પહેરવા માટે જોઈએ છે.
- યૂ મીન... કોઈને આખો હાર પહેરાવવાનો છે?... જૂતાંનો?
- ઈડિયટ...મારે પગમાં પહેરવા માટે જોઈએ છે.
- બન્ને પગ માટે જોઈશે ને, સર?
- નૉન સૅન્સ... હાથમાં પહેરવાના જૂતાં ય રાખો છો?
- નો સર. આપ ખોટી દુકાને આવી ગયા... બીજું શું બતાવું, સર?
- તમારા શેઠને બોલાવો.
- સર. અમારા બધાનો શેઠ તો ઉપરવાળો છે. કંઈ કામ હતું?
- ઉફ્ફો...! તમે-મને-મારા-બે પગમાં-પહેરવાના-જૂતાં-બતાવો.
- સોરી સર. હમારી દુકાનમાં વર્ષોથી બે પગમાં પહેરવાના જૂતાં જ મળે છે.
- ધેટ્સ ફાઈન...! આનો શું ભાવ છે?
- સર... એ તો ખાલી ખોખું છે... બૂટની સાથે ફ્રી આવે.
- ઈડિયટ... હું આ શૂઝની વાત કરું છું.
- એ તમને સર... બસ, રૂ. ૮,૦૧૦/-માં પડશે.
- હું આખી દુકાનનો ભાવ નથી પૂછતો... બૂટની જોડીનો ભાવ પૂછું છું... અને ૮ હજાર તો સમજ્યા, પણ ઉપરના આ રૂ. ૧૦/- શેના છે?
- મેં આપને એક જ જોડીનો ભાવ કીધો, સર. દસ રૂપિયા આપના પગના ગણ્યા છે.
- સાલો ઘનચક્કર છે... અને આ?
- એ તો બ્રાન્ડેડ આઈટમ છે. ફક્ત રૂ. ૨૪,૦૦૦/- ક્ષમા કરજો સર. આપે રૂ. ૩૦૦/- પહેલા ચૂકવી દેવા પડશે.
- એ શેના વળી...?
- આ શૂઝ નો આપે ભાવ પૂછ્યો એના! બહુ મૂલ્યવાન પાદુકા છે આ તો. રાજા-મહારાજાઓ જ પહેરતા. આ શૂઝનો કોઈ ઐરો-ગૈરો-નથ્થુ ખેરો ભાવ ન પૂછી જાય, માટે આપના જેવા કદરદાનોને જ એ બતાવીએ છીએ.
- પણ... આ પહેરવાના કે બજારમાં નીકળતી વખતે બગલમાં રાખીને ફરવાનું?
- સાચું કહું, સર... છે તો કિંમતી... અને જેને ને તેને તો પોસાય એવા જ નથી... આજકાલ તો ફક્ત લારી-ગલ્લાવાળાઓ જ માલ લઈ જાય છે...સર, આપને શેનો ગલ્લો છે?
- નાનસૅન્સ... સાવ સ્ટુપિડ ભટકાયો છે...! ઓકે. આ સ્વેડ છે, એનો શું ભાવ છે?
- સર. એ વેચવાના નથી. અમારા શેઠના છે.
- ઓકે. અને આ બ્લૅક છે એ બતાવો તો...
- જુઓ સાહેબ... પહેરી જુઓ. મસ્ત લાગે છે.
- ડંખશે ખરા...?
- કોને?
- આઈ મીન, હું પહેરું તો મને જ ડંખે ને...?
- ડૉન્ટ વરી, સર. આ બહુ હાઈ-ક્વોલિટી લૅઘરના શુઝ છે... ડંખશે નહિ.
- આ ચોરાઈ જાય ખરા?
- સૉરી સર. આપના અંગત વ્યવસાય વિશે મારાથી કાંઈ ન બોલાય...
- ગઘેડા, મારો ધંધો બૂટ ચોરવાનો નથી... હું તો ેેએમ પૂછું છેેું કે, બહાર ક્યાંક મૂક્યા હોય તો આ બૂટ ચોરાઈ જાય ખરા?
- સર, એનો આધાર આપના પગમાંથી બૂ કેટલી મારે છે, એના ઉપર છે... બૂટ-ચોરોના ય કોઈ ઉસુલ હોય છે... જેવા તેવા ગંધાતા ચોરેલા શૂઝ તો એ લોકો અમારી પાસે પાછા વેચવા ય નથી આવતા...!
- અને આ બ્રાઉનનો શું ભાવ છે?
- એ તમને અઢી હજારમાં પડશે. એમાં સ્કીમ છે. બેને બદલે તમને ત્રણ નંગ મળશે.
- પણ મારે તો બે જ પગ છે...
- એ તો જેવા જેના નસીબ ! આજકાલ નવું ચામડું સૂંઘીને કૂતરાઓ ગમે તે એક બૂટ ઉપાડી જાય છે, એટલે બાકીનું એક ફેંકી દેવું પડે છે... એવું ન થાય માટે અમે વધારાનું એક જૂતું ફ્રીમાં આપીએ છીએ.
- પણ તમે જે ફ્રીમાં આપો છો, એ જમણા પગનું છે... કૂતરું ડાબા પગનું જૂતું ઉપાડી ગયું તો...?
- હમારી કંપનીની એક સ્કીમ છે. આપનું એક જૂતું કૂતરું ખેંચી જાય તો કૂતરાની રસીની એક બૉતલ આપને ફ્રીમાં મળશે.
- ઈડિયટ. રસી તો કૂતરા માટે હોય!
- હું ય એ જ કહું છું.
- આમાં ડિસકાઉન્ટ કેટલું મળશે?
- રૂપીયો ય નહિ.
- પણ દુકાનની બહાર તો બોર્ડ માર્યું છે, 'સેલ'.
- એ તો અમારો થોડો સ્ટાફ વેચવાનો છે... સસ્તામાં કાઢવાનો છે.
- એક કામ કરો. આ ગમી ગયા. આ પેક કરી આપો.
- સૉરી સર... પઁક તો તમારે જાતે કરવા પડશે. કંપની આવા બૂટમાં હાથ ના નાંખે.
- ઈડિયટ... તો પછી તમને શેના માટે બેસાડયા છે?
- હું તો સર... લેડીઝ-ચપ્પલ વિભાગમાં છું. એમને પગ પકડીને પકડીને પહેરાવવા પડે છે, એમાં પછી બધે પહોંચી વળાતું નથી. સર, લૅડીઝમાં બતાવું? બહુ મજબૂત માલ આયો છે... આમે ય, તમારે તો પાંચ નંબરના ચપ્પલ આઈ રહેશે.
- લૅડીઝ જુતાંને મારે શું કરવા છે?
- વાઈફને ગિફ્ટ અપાય ને?
- ઓકે. હવે છેલ્લે મને એ કહે કે, આમાં કોઈ વૉરન્ટી-બૉરન્ટી ખરી?
- સાહેબ, આજ સુધી લૅડીઝમાં ગેરન્ટી-વોરન્ટી કોઈ આપી શક્યું છે?
- તું કેમ આટલો સ્ટુપિડ છે? અરે, હું મારા બૂટ માટેની વૉરન્ટીની વાત કરું છું.
- એ તો સર... અત્યારે અહીં જ પહેરી લો, તો દુકાનના ગેટ સુધી અમારી ફૂલ ગૅરન્ટી... પછી કાંઈ નહિ!
- મતલબ? દસ હજારના શૂઝ લઉં છું ને કોઈ ગેરન્ટી નહિ?
- મતલબ સાફ છે, સર. બહાર નીકળ્યા પછી તમે એને કેવી રીતે વાપરો છો, એના ઉપર એના ટકવાનો આધાર છે.
- એટલે શું?
- હવે... અહીંથી આ શૂઝ લઈ જશો, એટલે પહેરવાના તો ખરા કે નહિ?
- અફ કૉર્સ...
- ના પહેરાય. દસ હજારના શૂઝ પહેરવા માટે ન લેવાય... એ તો ડ્રોઇંગ-રૂમના શો-કેસમાં મૂકી રાખવાના હોય ! મેહમાનો ઉપર જરા પો પડે ! યાર દોસ્તોને તમે દસ હજારના શૂઝ પહેરો છો, એ કહેવા માટે લેવાના હોય. આવા શૂઝ ફૂટબોલ રમવામાં વાપરી ન નંખાય.
- હે ભગવાન...

સિક્સર- 

પરદેશ ગયેલો દીકરો પાછો આવે ને ઘરના દીકરાને પાછો ઓરમાન ગણવામાં આવે, એવી હાલત ટાઉન હોલની થઇ છે. અમદાવાદમાં ટાગોર હોલ રીપેર થઈને પાછો આવી ગયો ને જુવાનજોધ ટાઉન હોલ પાછો લોકોને બુઢ્ઢો લાગવા માંડયો!

No comments: