Search This Blog

23/04/2014

એર હોસ્ટેસ બહેન જેવી ન લાગવી જોઇએ..

અમેરિકા રીક્ષા કરીને નથી જવાતું, પ્લેનમાં જવું પડે છે ને પ્લેનોમાં યૂ નો... સાલા કાગળવાળા ટોઇલેટો હોય છે, જે આપણને ના ફાવે. ભલે, અમદાવાદની રીક્ષાઓમાં હજી સુધી ટોઇલેટની વ્યવસ્થા નથી થઇ શકી... પણ 'વિકાસ' શરૂ જ થયો છે, તો મોડી વહેલી એ ય થઇ જશે. પણ ફ્લાઈટોના એટલા સાંકડા ટોઇલેટમાં આપણા જેવાને તો 'યોગ' કે ઇવન મારામારી કરતા ય ન ફાવે, ત્યાં ૨૦-૨૨ કલાકની મુસાફરીમાં મિનિમમ ૩- ૪- વાર તો જવું પડે ? જગત જાણે છે કે, આ એક એવી મંઝિલ છે, જ્યાં ગયા પછી જ પૂર્ણ શાંતિ અને ચેહરા ઉપર પ્રસન્નતા મળે છે.

અલબત્ત, આ પ્રસન્નતા બહાર નીકળ્યા પછી મળે છે... બહાર ઊભા ઊભા નહિ. ધોળીયાઓ આમાં ય વહેલી સવારે લાઈનમાં ઊભા હોય ને ભા'ય... ભા', એમના ચેહરાઓ ઉપરની તંગદિલી જોઇને દયા આવી જાય કે, એને બદલે એક આંટો આપણે ફરીથી મારી આવીએ, પણ આને જામીન પર છોડાવીએ.

૯/૧૧ ના આતંકવાદી હૂમલા પછી અમેરિકનો તો ઠીક, આપણા દેસીઓ ય ફ્લાઇટમાં આપણી સાથે વાત ન કરે. કેમ જાણે એ બન્ને બિલ્ડિંગો ઉપર વિમાન અથડાવનાર પાઈલોટ હું હોઈશ, એવી નજરથી મારી બાજુમાં બેઠેલો ધોળીયો મને જોતો હતો. મારા નારણપુરામાં કોકના ઘેર ગેસનો બાટલો ફાટયો, ત્યારે મને એવો ડાઉટ નહતો પડયો કે, આની પાછળ અમેરિકાનો જ હાથ કે પગ હશે. ભ', માણસે-માણસે સંસ્કારનો ફરક તો પડે ને ?... સુઉં કિયો છો ? ડાયરેકટ અમદાવાદ-રાજકોટની વૉલ્વો બસમાં જતા હોઈએ, તો બાજુવાળાને પૂછીએ પણ ખરા કે, 'આપ રાજકોટ જાઓ છો ?' એટલે એની બાને બદલે પેલો ખીજાઈને કહે, 'ના... આ બસમાં હું શાંગહાઈ જઉં છું.' મને આવા અડપલાં કરવાની હોબી ખરી, એટલે બાજુમાં બેઠેલા ધોળીયાને મેં સ્માઇલ સાથે પૂછ્યું, 'તમે એકલા જ છો ?' ('ભાભી-બાભી નથી આયા... ?' એ મૂળ ઉદ્દેશ તો શું કે, આપણો ટાઈમ જાય ને એની વાઈફને સારી કંપની મળે. આ લલવામાં તો શું કમાવાનું હતું !)

મારો સવાલ સાંભળીને, મેં તો કેમ જાણે એની વાઈફના જન્માક્ષર માગ્યા હોય, એવો અકળાઈને બોલ્યો, 'નો... મારી સાથે આ વિમાનના પાયલોટ્સ છે...'

તારી ભલી થાય ચમના... અમારા જેવા નવલોહીયા યુવાનોને એરહોસ્ટેસોમાં રસ પડે... ને આ ધોળીયો પાયલોટમાં ભરાયો હતો. હું લજ્જાથી લાલલાલ થઇને, એટલી સાંકડી સીટમાં ય એનાથી આઘો ખસી ગયો. ભૂલમાં ય ઢીંચણ ન અડે, એના ધ્યાનો રાખ્યા. નક્કી કર્યું કે, ન્યુયોર્ક આવે ત્યાં સુધી હું જ એને નહિ બોલાવું. આપણને શું કે, કોઈની પર્સનલ વાતોમાં માથું મારવાની ટેવ નહિ.

એક તરફ ઇન્ડિયાની કોઈ પણ ફ્લાઇટની એર-હોસ્ટેસ જુઓ... સાલી, નવરાત્રીમાં આપણા ફ્લેટોમાં ગરબે ઘુમવા આવી હોય તો સામું ય ન જોઇએ. એટલી બટકી કે, એની સામે સીટમાં બેઠા બેઠા જોઇએ, તો અગાસીની પાળ ઉપરથી નીચે કમ્પાઉન્ડમાં જોતા હોઇએ, એવું લાગે. ગોળ ગડી વાળીને પાઉચમાં મૂકી દઇએ, એટલી પતલી... ને રામ જાણે મેક-અપ વગર એના કરતા તો એની બા સારી લાગતી હશે, દયા આવે.

જ્યારે અમારી 'ઍમીરેટ્સ'ની ફ્લાઇટની ઍર-હોસ્ટેસો જુઓ જરા... (સૉરી, આખું વાક્ય ઊડાડી મારો. તમારે કોઈએ જોવાની જરૂર નથી... મેં ધરાઈ ધરાઈને જોઈ લીધી છે.) હાઈટ-બોડી, ભૂરી આંખો. 'કોક'ની બોટલ જેવું ફિગર, આપણને જોઇને ચેહરા ઉપર આવી જતું સ્માઇલ....) ઓહ, કોઈ મને ખભેથી પકડી રાખો. મેં નશે મેં હૂં ! આપણા પુરાણ અને મહાન ઋષિમુનિઓએ કીધું છે કે, આવી બબાલોમાં વાઇફોને સાથે લઇ ન જવાય.

આવા જ કારણોસર મને ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરનું કાવ્ય ગમે છે, 'તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... એકલો જાને રે... હોઓઓઓ !' માટે હું વાઇફને લીધા વગર એકલો અમેરિકા ઉપડયો હતો.

ભોળા માણસોનું આ જગતમાં કોઈ નથી. અમદાવાદમાં મારા તમામ સગા-સંબંધીઓ જેલસ છે. હું આત્માની શાંતિ માટે હિમાલય સાધુ બનવા જતો હતો... જરાક અમથો રસ્તો ફંટાઈ ગયો ને અમેરિકા આવી ગયો. અહીં મને શુધ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું, કે આપણે કાંઈ સાધુ-ફાધુ બનવું નથી. ને તો ય, એ બધા ઘેર આઈ આઈને પેલીના દેખતા પૂછે રાખે, 'કેમ એકલા એકલા ?' ભાભીને સાથે કેમ લઇ જતા નથી ?

તારી બીજી વાર ભલી થાય, ચમના... સાલા, એમ કેમ પૂછતો નથી કે, 'કેમ એકલા ? 'તમારી' ભાભીને ય સાથે લઇ જાઓ ને ?' પણ હવે પહેલા જેવા દોસ્તો ને પહેલા જેવી ભાભીઓ ય ક્યાં થાય છે ? એ બધું તો ગયું... !

વચમાં દુબાઈ આવ્યું. અઢી કલાક રોકાવાનું હતું. આપણને એમ કે, આરબોની મેહમાનગતી અદ્ભુત હશે ને મને હારતોરા કરવા એ લોકો ધક્કામુક્કી કરશે. આપણા દેશમાં તો મેહમાન જાન સે પ્યારા હોતા હૈ, ના ? અહીં એવું કશું નહીં. ઉપરથી આપણે તો કોઇનું પાકિટ મારીને પ્લેનમાંથી ઉતર્યા હોઈએ, એમ ફરીથી મારા ખિસ્સા તપાસ્યા. ખિસ્સા સુધી વાંધો નહિ. બ્રાહ્મણના ખિસ્સા તપાસો તો ઉપરથી મહીં કંઇ મૂકવાનું મન થાય. આ લોકોએ તો આખું બોડી તપાસ્યું. મને કોઈ અડે એ ન ગમે (ભાઈઓની વાત થાય છે... !) ગલીપચી થાય. હસવે ચઢી જઉં હું તો ! ધોળીયા સીક્યોરિટીવાળાએ મને પૂછ્યું, 'વૉટ મેઇક્સ યૂ લાફ ?' (તમને હસવું કેમ આવે છે ?) મેં કીધું, 'ખાસ કાંઈ નહિ... આ તો ઇતિહાસનું પુનરાવર્તન છે. ઘેર આવું ત્યારે રોજ વાઈફ આમ તપાસી લે છે.'

બીજા ૧૪-૧૫ કલાકની મુસાફરી પછી ન્યૂયોર્ક આવ્યું. આપણે ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરોની મશ્કરી કરીએ છીએ કે, પ્લેન ઊભું રહે, એમાં આ લોકો ય ઊભા થઇ જાય ને મિનિમમ ૨૦ મિનિટ ખભે થેલા લટકાવીને દરવાજા પાસે ઊભા રહે છે, પણ ધોળીયાઓ ય ઓછા નથી. એ લોકો ય બેસી નહિ રહે. 'વહેલો તે પહેલો' આમાં ન હોય, મારા વીરા... !

ન્યુયોર્ક એરપોર્ટ પર ૬૦ બારીઓ ઇમિગ્રેશનની છે. લાઈન તો લાગે. ખાડીયાવાળી ઘુસવાની ટેવ અહીં બહુ કામ આવી. નજર સામે આપણે ઘુસ મારતા હોઈએ, તો ય એકે ધોળિયો વિરોધ ન કરે મને એમની આ ટેવ ગમી. આનું નામ સંસ્કાર. પણ અઢાર પુરૂષો ભાંગીને એક બનાવેલી એક કાઇળી (બ્લેક) મારી સામે ભડકી. શું બોલતી હતી, એ તો એની માં જાણે, પણ સારૂં નહોતી બોલતી, એવું એના વિકરાળ મોંઢા સામે જોઇને લાગ્યું. એનો એકલો નીચેનો હોઠ કાપીને રોડ ઉપર મૂકો, તો રોડ પર નવો ડામર લગાડયો હોય, એવું લાગે. લગભગ બધી કાઇળીઓ માથે વિગ પહેરે છે. વિગ વગર પણ એની હેર-સ્ટાઇલ જુઓ તો પહેલો સવાલ એ થાય કે, આ લોકો નહાતી કેટલા વર્ષે હશે ? આને એકલીને નવડાવવા માટે છવ્વીસ-માણસોનો સ્ટાફ ઓછો પડે. દરીયા કિનારે કોઈ કાળમીંઢ ભીના ખડકમાંથી કોતરીને બનાવ્યું હોય એવું એ કાઇળીનું શરીર સૌષ્ઠવ જોયા પછી, મનમાં હું ય બગડયો, 'એક વાર અમદાવાદ આય... તને ને તારી બાને... બે ય ને બતાવી દઉં... અહીં એકલો પુરૂષ ભાળીને બીવડાવે છે ? એ બૂમો પાડતી રહી, પણ સ્વામી વિવેકાનંદે કહ્યું છે, 'ધ્યેયપ્રાપ્તિ પહેલા યુધ્ધભૂમિ ન છોડવી.' મેં ન છોડી ને પહેલે નંબરે ફૂલ્લી પાસ થઇ ગયો.'

સિક્સર
રોજ પ્રગટ થતી 'નેટવર્ક' કોલમમાં આંકડા લખવાની એમની અલગ સ્ટાઇલ છે. કોઈ કૌભાંડ હજાર-બજાર અબજો રૂપિયાનું હોય તો એના શીર્ષકમાં આંકડો આવી રીતે લખાશે, 'કોલસા કૌભાંડમાં ચવાઈ ગયેલા રૂ. ૩૪૯૨૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦... કોના બાપની દિવાળી ?'

દર વખતે પાનાં ઉપર આટલી જગ્યા ન હોવાથી શક્ય છે, હવે પછી આમ લખાશે, રૂ. ૩૪૯૨૩૦૦૦૦૦૦૦૦૦... વધુ મીંડા આવતા અંકે...'

No comments: