Search This Blog

02/04/2014

નારણપુરાથી ન્યુયોર્ક

''આ તમો પાલડી-ભઠ્ઠા જાઓ છો, તો જરા ધ્યાન રાખજો. ત્યાં ગરમી બહુ હશે. પલાળેલો નેપકીન સાથે ને સાથે રાખજો... માથે મૂકવા થાય! અજાણ્યા રસ્તે જવું નહિ... કાળીયાઓ ફાડી ખાશે. વાસણા બાજુ તો જતા જ નહિ... ત્યાં-'' એવી સલાહ કોઈ નથી આપતું, પણ અમેરિકા જવાના હો, ત્યારે જે લોકો મેહસાણાથી આગળ ગયા નથી, એ તમને અમેરિકામાં શું કરવું ને શું ન કરવું, એની સલાહ ઠેઠ ઘેર આવીને આપી જાય છે.

''દાદુ, શું વાત છે...! અમેરિકા જાઓ છો ને કાંઈ! અમસ્તા જાઓ છો કે-''

''ના. અમસ્તા નહિ... હું ત્યાં કિડનીઓ ખરીદવા જઉં છું.''

''મસ્કરીઓ ના કરો. આ તો તમારા ભાભીએ કીધું કે, દાદુ અમેરિકા જાય છે, તે મેં'કુ લાય.. જઈને બે-ચાર ટીપ્સ આલી આઈએ.''

''આલો.''

''તમને તો શું કહેવાનું હોય, પણ અમેરિકામાં પહેલું ધ્યાન ધોળી છોકરીઓથી રાખવાનું. ક્યારે લપેટમાં લઈ લે, એ કહેવાય નહિ!''

''તમને કોણે લીધા'તા?''

''અરે બાપા, હું તો કુકરવાડાથી આગળ ગયો નથી, પણ... આપણા જેવા ભોળા માણસને પટાઈ નાંખે, એમાં અહીં ઈન્ડિયામાં આપણી ભાભી લબડી પડે! ત્યાંની ધોળીઓ લગન-બગન ના કરે... આપણા પૈસે થોડા દહાડા લહેર કરીને લટકાઈ દે.''

''લગ્ન-બગ્ન ના કરે, તો ડરવાનું ક્યાં છે?''

''', ઝપોને છોનામોના... કોક ભટકઇ જશે તો બીજી વાર અમેરિકા તો ઠીક, આસ્ટોડિયા જવાનું નામે ય નહિ લો.''

''ઓકે.''

''બીજું સાંભળો. ત્યાં ઍરપોર્ટ ઉપર ઉતરો કે તરત જાડું જેકેટ પહેરી લેજો... ઠંડી બહુ હશે... વળી-''

''હા, પણ એમ કોઈ પોતાનું જૅકેટ પહેરવા આલશે?''

''અરે બાપા, આપણે આપણું પોતાનું જેકેટ લઈને જવાનું...!''

''આપણું...? આઇ મીન... પણ એમ તમારા વાઈફ મને તમારું જેકેટ આપશે?''

''ઉફ્ફો... આ માણસ તો.... તમે તો બા'મણભ', કોઈ રૂમાલ આલે તો પાટલૂને ય માંગી લો એવા છો...''

''હા, અમે પાટલૂન માંગી લઈએ... કઢાઇએ નહિ! ઓકે. આગળ બોલો.''

''હા. પ્લૅનમાં બહુ ધ્યાન રાખવાનું. બાજુની સીટવાળો તમારી સાથે વાત પણ નહિ કરે અને-''

''પણ હું તો સવારે બ્રશ કરીને-નહાઈ ધોઇને જવાનો છું... મારું મોઢું ચોખ્ખું હોય છે.''

'અરે ભ', પ્લેનોમાં રિવાજ હોય છે. કોઈ કોઈ સાથે બોલે નહિ.'

''તમે કુકરવાડા પ્લેનમાં ગયેલા? ...આઈ એમ સૉરી... પણ ધ્યાન શું રાખવાનું હોય છે પ્લેનોમાં?''

''યસ. ધેટ્સ એ ગૂડ ક્વૅશ્ચ્યન. જુઓ દાદુ... ૧૪-૧૫ કલાકની જર્ની છે. તમે તો પાછા ઈકનૉમી-ક્લાસમાં હોવાના, એટલે આગળ પગ લંબાવવાનો ય પ્રોબ્લેમ રહેવાનો. જકડાઈ જશો જકડાઈ...! તમારે દર અડધી કલાકે ઊભા થઈને પ્લૅનમાં વૉક લઈ આવવાનો -''

''ટ્રેકશૂટ પહેરીને? આઈ મીન, પ્લેનમાં સ્પૉર્ટસ્-શૂઝ રાખવા પડશે?''

''એ ભ'ઈ... તમે અમેરિકા જવાનું માંડી વાળો. ત્યાં તમારા જેવાનું કામ નથી. એક કામ કરો. તમે કુકરવાડા જઈ આવો... અરે બાપા, પગ છુટા કરવા બે ઘડી પ્લેનમાં ચક્કર મારી આવવાનું. કોઈ ઓળખીતું મળે તો બે ઘડી વાતો કરવા ઊભા રહેવાનું. આમાં ટ્રેકશૂટ ને ફૂટ ક્યાં આયા...?''

''યૂ સી... હું તો પહેલી વાર અમેરિકા જઈ રહ્યો છું, એટલે-''

''', એટલે તો તમને સલાહો આલવા આયો છું... ને તમે બીજી પચાસ મેથીઓ મારો છો...!''

''નહિ મારૂં...''

''તો હાંભરો! અમેરિકા જાઓ છો... કાંઈ કામકાજ હોય તો કહેજો.''

''ના. ખાસ તો કોઈ કામ નથી... બસ, કોઈ અમેરિકા આવવા-જવાની ટિકીટ કઢાઈ આલે, તો... ચલાઈ લઈશ... આઈ મીન, ત્યાંના ખર્ચા તો પછી... હું જાતે ફોડી લઇશ.''

''આ માણહને હાળો વતાવવા જેવો નથી. અલ્યા બાપા, કામકાજ હોય, મતલબ... ત્યાં આપણો બાબો છે જ... ચિકોગામાં...''

''આપણો?''

''છે ને... હાળા વોંદરા એ વોંદરા જ રે'વાના...! અરે, ત્યોં તમારે એનું કોંય કામ-બામ પડે તો કહેજો. ચિકોગામાં એનું બહું મોટું નામ છે.''

''યૂ મીન... શિકાગોમાં.''

''એ તમારું શિકાગો ને ચિકાગો તમારા દેસીઓ ત્યાં જઇને બોલે. ઇંગ્લિસ-ફિંગ્લિસ આવડે નહિ, એટલે શિકાગો બોલે. એક્ચ્યૂઅલી, અમે પટેલો 'ચિકોગા' જ કહીએ.''

''ત્યાં તમારો બાબો કરે છે શું?''

''ત્યાંની જેલમાં છે...''

''ખૂન કૅસ કે બળાત્કારના કેસમાં...?''

''એક મ્હેલે ને ભોડામોં...! અરે ત્યાંની જેલમાં એ સુપરવાઈઝર છે, સુપરવાઈઝર...!''

''તો... આઈ મીન, મારે એનું શું કામ પડી શકે?''

'''ઈ... આ તો અરસપરસ એકબીજાને કામમાં આવવાનું નામ જ જીંદગી! તમને નહિ, તો મને કામ પડે!''

''તમારા સન માટે અથાણાંનો ડબ્બો લઈ જવાનો છે?''

''ના ભ'ઈ... એવું કામ તે કોઈને સોંપાતું હશે... આ-''

''ના જ સોંપાય... હાળો, અધવચ્ચે પ્લેનમાં જ અથાણું પતાઈ દે...''

''આ તો મેં'કુ... બાબો ત્યાંની જેલમાં સુપરવાઈઝર છે... તે ત્યાંના કેદીઓને એ ચડ્ડીઓ ભેટ આલવા માંગે છે.''

''ઓહ ન્નો... ત્યાંની જેલમાં કેદીઓ ઉપર આવો અત્યાચાર...? પહેરવાને ચડ્ડી નહિ, રહેવાને ઘર નહિ, સુવાને-''

''એ બા'મણ... પૂરૂં હાંભરો તો ખરા...! બાબો કેદીઓમાં બહુ લોકપ્રિય છે. બધાને ગિફ્ટ આપવા માંગે છે.''

''ચડ્ડીઓ જ કેમ?''

''આલવી પડે, આલવી પડે...! નથી આલતા, તો હાળા બાબાની ચડ્ડી કાઢી જાય છે...!''

''સૉરી... મને એ નહિ ફાવે, હું તો-''

''અરે એકાદી ચડ્ડી તમે રાખજો, 'ઈ! ટુંકમાં પતાવો ને.''

એક જમાનો હતો કે, ગુજરાતમાંથી કોઈ પણ અમેરિકા-ઇંગ્લૅન્ડ જતું, તો 'ગુજરાત સમાચાર'ના વચલા પાને 'પરદેશગમન'ની જા.ખ. સાથે ભ'ઈનો ફોટો છપાતો. હવે તો આલીયા-માલીયા ય જવા માંડયા છે. (આ જુઓને... અમે ય ઉપડયા જ ને?) બધા બધું જાણે છે. પણ હજી, અમેરિકા જનારા કરતા નહિ જનારાઓની સંખ્યા ઘણી મોટી છે ને આ નહિ જનારાઓ, જનારાને અમેરિકા ગયા પછી શું કરવું, એની સલાહો આપે છે. હું તો બે મહિના માટે જઉં છું, પણ આવનારા ૨૨-વર્ષો સુધી ચાલે, એવી સલાહોનો ધોધ ખડકાયો છે.

સૌથી વધુ મસ્તી કરાવે છે, ત્યાં એમનું કોક ઓળખીતું રહેતું હોય, એમનું કાંઈ કામકાજ હોય તો કહેવાનું-વાળાઓ -

''એટલાન્ટામાં અમારા દૂરના એક ફૂવા રહે છે. પાંચ ફૂટ ઊંચા છે, રંગ વેસ્ટ ઈન્ડિયન જેવો, એક બાજુનો ખભો થોડો નમેલો છે અને ધો. ૧૦માં બે વાર નાપાસ થયેલા, એટલી ખબર છે... એમની વચલી છોકરી ભાગી ગયેલી. એ તો ત્યાં કોઈને બી પૂછશો ને, કે ભરત ફૂવા ક્યાં રહે છે, તો ઘેર મૂકી જશે.''

સિક્સર
એને ઢીચણ પર ટેબલની ધાર વાગી. દુઃખાવાથી મોંઢું રબ્બર જેવું થઈ ગયું. ને તો ય એની વાઈફ બોલી,
''અરે ધાર-ધાર શું કરો છો...? અહીંયા તો વર્ષોથી 'ધરા' વાગી છે... હજી રૂઝ આવતી નથી.''

(ધરા એ માસુમની પહેલી ગર્લ-ફ્રેન્ડ હતી.)

No comments: