Search This Blog

11/04/2014

છોટી સી મુલાકાત

ફિલ્મ : 'છોટી સી મુલાકાત' ('૬૭)
નિર્માતા : ઉત્તમ કુમાર
દિગ્દર્શક : આલો સરકાર
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૭ રીલ્સ : ૧૭૫ મિનિટ્સ
થીયેટર : રૂપમ (અમદાવાદ)
કલાકારો : ઉત્તમ કુમાર, વૈજ્યંતિમાલા, શશીકલા, રાજેન્દ્રનાથ, વીણા, તરુણ બૉઝ, બદ્રીપ્રસાદ, બૅબી પિન્કી (યોગીતા બાલી), સુલોચના ચેટર્જી, પ્રતિમા દેવી, પરવિણ પૌલ અને ભલ્લા.



ગીતો

૧. ન મુખડા મોડ કે જાઓ, બહારોં કે દિન હૈ - મુહમ્મદ રફી
૨. મત જા, મત જા, મત જા, મેરે બચપન નાદાં - આશા ભોંસલે
૩. છોટી સી મુલાકાત પ્યાર બન ગઈ, પ્યાર બનકે - આશા-રફી
૪. અય ચાંદ કી ઝેબાઈ, તુ ઝૂલ જા બાહોં મેં - મુહમ્મદ રફી
૫. કલ નહિ પાયે, જીયા, મોરે પિયા - લતા મંગેશકર
૬. તુઝે દેખા, તુઝે ચાહા, તુઝે પૂજા મૈંને - સુમન કલ્યાણપુર-રફી
૭. જીવન કે દોરાહે પર ખડે સોચતે હૈં હમ, જાયેં તો - લતા મંગેશકર

બંગાળી ફિલ્મોનો શહેનશાહ ઉત્તમ કુમાર પહેલી વાર હિન્દી ફિલ્મનો હીરો-કમ-પ્રોડયુસર થઈને મુંબઈ આવ્યો ને જે હીરો બંગાળભરમાં દેવતાની માફક પૂજાય છે... યસ, ઈવન આજે પણ... એના મૃત્યુના ૩૫-૩૫ વર્ષો પછી ય એટલો જ પૂજાય છે. આજની ફિલ્મ 'છોટી સી મુલાકાત'નો એ નિર્માતા હતો અને હીરો પણ... બન્નેમાં નિષ્ફળ ગયો ને આખા ભારતમાં એની આ ફિલ્મ પિટાઈ ગઈ. મારો તો એ લાડકો હોવા છતાં, કબુલ કરી નાખું છું કે, એની આ પોતાની ફિલ્મમાં પણ એની એક્ટિંગમાં કોઈ ઢંગધડા નહોતા. ફિલ્મ તો સમજ્યા કે, એ જમાનામાં મોટાભાગની કન્ડમ આવતી હતી, પણ આ ફિલ્મ વૈજ્યંતિમાલા ઉપર કુરબાન છે.

એક તો એ સાઉથની હતી અને સાઉથની હિન્દી ફિલ્મોમાં આવેલી તમામ હીરોઈનો 'બકસમ' બ્યૂટીઝ હતી. ઈંગ્લિશમાં 'બક્સમ'નો અર્થ થાય છે, ભરાવદાર અંગઉપાંગો ધરાવતી સ્ત્રી... ખાસ કરી ને...યૂ નો વૉટ...! યાદ કરો, પદ્મિની, રાગિણી, બી.સરોજાદેવી, હેમા માલિની, રેખા, ભાનુપ્રિયા... 'કહાં તક નામ ગીનવાયે, સભીને હમ કો લૂટા હૈ!'

આ ફિલ્મસ્ટાર્સ ઉપર ફખ્ર પણ થાય કે, એક વૈજુનો દાખલો જોઈ લો. ૧૩મી ઓગસ્ટ, ૧૯૩૬માં જન્મીને એ ફિલ્મોમાં ૧૬-૧૭ વર્ષની ઉંમરે આવી (ફિલ્મ 'બહાર'-૧૯૫૧), ત્યારથી આજે ઈ.સ. ૨૦૧૪ની સાલ સુધીમાં એણે પોતાનું દેહલાલિત્ય જાળવી રાખ્યું છે. તમામ ફિલ્મ સ્ટાર્સને શરીર જાળવી રાખવા માટે કેટકેટલા શોખ જતા કરવા પડતા હશે? વૈજ્યંતિમાલાનું સૌંદર્ય કેવળ એના ચેહરામાં નહિ, એના પૂર્ણ શરીરમાં હતું. ખભા ય જરૂર પૂરતા તંદુરસ્ત, બાકીની મોટા ભાગની હીરોઈનો ખપાટીયા લટકાવીને ફરતી હોય એવી લાગે. પોતાની કરિયરમાં એકાદા અપવાદને બાદ કરતા વૈજુએ ફક્ત હીરોઈન-ઑરિઍન્ટેડ રોલ્સ કર્યા છે અથવા તો ફિલ્મમાં હીરોઈનનું પણ હીરો જેટલું જ મહત્વ હોય. એના મનીનાં કેટકેટલી સફળ ફિલ્મો નોંધાયેલી છે, પણ એણે ઠુકરાવેલી ફિલ્મો ય તોતિંગ હતી. દિલીપ કુમાર સાથેની 'નયા દૌર' અને 'રામ ઔર શ્યામ'. રાજ કપૂર સાથેની 'સપનોં કા સૌદાગર', ગુલઝારની ફિલ્મ 'આંધી' એના ઠૂકરાવવાથી હેમા માલિનીને બીજી વાર ફાયદો થયો ફિલ્મ 'ક્રાંતિ'માં વહિદા રહેમાનને સમાવવા માટે, એક સમયના પ્રેમી દિલીપ કુમારે 'રામ ઔર શ્યામ'માંથી કઢાવી હતી, એ પછી એ દિલીપ સાથે બોલતી પણ નહોતી અને આખી ફિલ્મ 'સંઘર્ષ' (સાઈન થઈ ગયા પછી ફિલ્મ પૂરી કર્યા વિના છૂટકો ન હોવાથી) આ બન્ને કલાકારોએ પૂરા શૂટિંગ દરમ્યાન એક વખત પણ વાતચીત કરી નથી. યસ, પ્રેમ-દ્રષ્યો ભજવવાના હોય, ત્યારે શૂટિંગ પૂરતો જ પ્રેમ...હઓ!

રાજ કપૂર સાથેના પ્રેમ સંબંધને કારણે તો રાજ પત્ની ક્રિષ્ણાએ ઘર છોડીને બધા બાળકોને લઈને મુંબઈની 'હૉટેલ નટરાજ'મા રહેવા જવું પડયું હતું, સાડા ચાર મહિના સુધી! એ તો પાપા પૃથ્વીરાજની બે આંખની શરમ નડી, એમાં એ પાછા આવ્યા.

વૈજુનું એક ઓર લફરું રાજેન્દ્ર કુમાર સાથે ય ખરું. પણ રાજેન્દ્ર વૈજુની સાથોસાથ સાયરા બાનુ સાથે ય કાળજું ઠરી જાય, એવા ગરમાગરમ પ્રેમમાં હતો, ેેએમાં બે ય થી લટક્યો ને રાજેન્દ્ર પત્ની મામા શુકલાનો પરિવાર બચી ગયો.

છેવટે રાજ-વૈજુ-દાસ્તાનના ટપાલી રહી ચૂકેલા ડૉ. ચમનલાલ બાલી સાથે વૈજુએ લગ્ન કરી લઈને હિન્દી ફિલ્મોના અનેક હીરાઓની વાઈફોને મનની શાંતિ આપી. નહિ તો આમ તો... વૈજુ ચુસ્ત વૈષ્ણવ ધર્મ આજે પણ પાળે છે. જીવનભર એ પૂર્ણપણે શાકાહારી રહી છે.

કોંગ્રેસ તરફથી લોકસભા અને રાજ્યસભામાં જઈ આવેલી વૈજ્યંતિમાલાએ છેવટે કોંગ્રેસથી કંટાળીને સોનિયા ગાંધીને પત્ર લખ્યો, 'સ્વ. રાજીવ ગાંધીના અવસાન પછી કોંગ્રેસ કથળી ગઈ છે અને મૂલ્ય આધારિત રાજનીતિ રહી નથી. મારું રાજીનામું સ્વીકારશો.' કેમ જાણે ભાજપમાં બહુ મોટી મૂલ્યો આધારિત રાજનીતિ બચી હોય, એમ વૈજુ ૧૯૯૯માં ભાજપમાં જોડાઈ. પણ એ બધું ભૂલી જઈને, એ એક ઍક્ટ્રેસ કેવી ઉમદા હતી, એની વાતો કરીએ તો બધા જવાબો ગ્રેટ આવે છે. જેને આપણે ઉત્તમ કહીએ છીએ, એ હૅલન ઓન રેકોર્ડ વૈજ્યંતિમાલાને હિન્દી ફિલ્મોની સર્વોત્તમ ડાન્સર કહી ચૂકી છે. હેમા માલિની પણ એની પાસેથી જ શીખી હશે કે, જે ફિલ્મમાં એ હીરોઈન હોય, એમાં એક 'કલાસિકલ' ડાન્સ આપવો જ પડે... સ્ટોરીમાં જરૂરત હોય કે ન હોય! આ ફિલ્મમાં ય મારીમચડીને વૈજુ પાસે લતા મંગેશકરના કંઠે 'કલ નહિ પાયે જીયા, મોરે પિયા...' નૃત્ય ગીતમાં મનમોહક નૃત્ય કરાવવામાં આવ્યું છે. આ ગીતમાં તો સંગીતકાર શંકર જેટલી જ કમાલ લતાબાઈએ કરી બતાવી છે. કેવી અઘરી અઘરી તાનો મારી છે આ ગીતમાં! અને ગોપીકૃષ્ણની કોરિયોગ્રાફીમાં એક વાત કોમન હોય કે, એમણે દિગ્દર્શિત કરેલા નૃત્યોમાં સ્પીડ ઘણી હોય. ઑડિનરી હીરોઈનોનું એમની પાસે કામ પણ નહિ! કલાસિકલ સિવાયના ગીતોના નૃત્યો દિગ્દર્શક પી. એલ. રાજે બનાવ્યા છે.દાદુ સંગીતકારો શંકર-જયકિશનને ખભા થાબડીને એક વધારીને દાદ તો એ આપવી પડે કે લતા મંગેશકરના એકચક્રી શાસન (અને દાદાગીરીના આલમ)માં અન્ય કોઈ સંગીતકાર સુમન કલ્યાણપુરને લેવાની હિંમત કરી શકતો નહતો, ત્યારે આ લોકોએ જરૂર પડે ત્યારે છુટથી સુમનને લીધી છે. સચિનદેવ બર્મનની જેમ બાકીના સંગીતકારોએ સુમનને 'ગરજ સરો ને સુમન મરો'ની પ્રણાલિ મુજબ ગરજ પડે ત્યારે જ લીધી હતી. 'દિલ એક મંદિર', 'રાજકુમાર', 'જાનવર', 'બદતમીઝ' 'બ્રહ્મચારી', 'જહાં પ્યાર મિલે', 'એપ્રિલ ફૂલ', 'સચ્ચાઈ' કે 'સાંઝ ઔર સવેરા'ની જેમ, આ ફિલ્મમાં પણ સુમનને મુહમ્મદ રફી સાથેનું કૂમળું યુગલ ગીત. 'તુઝે દેખા, તુઝે ચાહા, તુઝે પૂજા મૈંને...' ગવડાવ્યું છે.

યસ. જ્યારે જ્યારે ફિલ્મ નિર્માતાઓએ સાહિત્યકારો પાસેથી વાર્તા લઈને ફિલ્મો બનાવી છે, ત્યારે ઓડિયન્સનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો છે. અમે લોકો ફિલ્મોમાં ન જ ચાલીએ, એ સત્ય મારા પહેલા કોઈએ સ્વીકાર્યું નથી, એમાં મારો કોઈ વાંક? આ ફિલ્મની વાર્તા બંગાળના મશહૂર લેખિકા આશાપૂર્ણાદેવીની નવલકથા 'અગ્નિપરીક્ષા' પરથી બનાવાઈ ને બંગાળી દિગ્દર્શક આલો સરકારે ફિલ્મનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો. નાનપણમાં લગ્ન કરી ચૂકેલા બાળકોને મોટા થયા પછી પણ એ લગ્ન સ્વીકારવું પડે, એ લેખિકાનો સેન્ટ્રલ-આઈડિયો ખોટો નહતો, પણ પછી શું? વાર્તાનો કલબલાટ કંઈક આવો હતો : અશોક અને રૂપા (ઉત્તમ કુમાર અને વૈજ્યંતિમાલા)ના લગ્ન કિશોરાવસ્થામાં થઈ જાય છે, ગામડે મોટી હવેલીમાં રહેતા દાદા અને દાદીમાંના (બદ્રીપ્રસાદ અને પ્રતિમાદેવી) હઠાગ્રહથી. રૂપાના મધર-ફાધર (વીણા અને તરૂણ બોઝ) આ સ્વીકારતા નથી. વચમાં સોનિયા (શશીકલા) અશોકને પામવા અને સેમ કૂપર ઉર્ફે શ્યામ કપૂર (પોપટલાલ રાજેન્દ્રનાથ) ધમપછાડા કરે રાખે છે. રૂપા અશોકના પ્રેમમાં તો પડી જાય છે, પણ સમાજના ખૌફથી ડરીને... મતલબ, એક બ્યાહતા ઔરત થઈને બીજા લગ્ન કેવી રીતે કરી શકે, એ ખૌફથી અશોકને છોડીને ગામડે અસલી ગોરધન રજ્જુ પાસે જતી રહે છે. આ રજ્જુ જ અશોક હોય છે, એની ખાત્રી થતા ફિલ્મને પૂરી થયેલી જાહેર કરવામાં આવે છે.

હિંદી ફિલ્મોના ૫૦ અને ૬૦ના દાયકાઓ હીરો છેડછાડ કરીને હીરોઈનની પાછળ પડે, એ બતાવવું કોમન થઈ ગયું હતું. આજની તો શું, ઈવન આપણી પેઢીના લોકોને ય માનવામાં ન આવે કે, કોઈ સારા ઘરની છોકરીને રસ્તે જતા છેડખાની કરો, પછી એ પ્રેમમાં પડે ખરી? (અહીં સારા ઘરની છોકરીઓની વાત થાય છે...!) સાલી એ જમાનાની તમામ મસાલા ફિલ્મોમાં આ રીતનો પ્રારંભ કોમન હોય. વાસ્તવિક જીવનમાં આપણી પ્રેમિકાને ક્યા ખલનાયકોએ દોરડે બાંધી અને પાછા આપણે છોડાવવા ય ગયા! ઊંચા પહાડની ટોચ પકડીને ટોચ પકડીને લટકતી હીરોઈનને ક્યે દહાડે આપણે બચાવવા ગયા? અને માની લો કે, અજાણતામાં આપણાથી એ પાપ થઈ પણ ગયું હોય તો બચીને ઉપર આવેલી કઈ છોકરીની બાપની તાકાત છે આપણને 'હંભળાવવાની' કે, 'બદતમીઝ... ક્યું બચાયા મુઝે...?'

સાલી, અમે તને બચાવવા નહોતા મર્યા... અમને ય પાછળથી કોકે ધક્કો માર્યો હતો, એમાં ભરાઈ ગયા ને તારો હાથ અજાણતામાં પકડાઈ ગયો, બહેન!'

ખૈર, આ ફિલ્મમાં ખડક પર લટકતી વૈજુને ઉત્તમ કુમાર બચાવે છે ને કેમ જાણે લિફટમાં ઉપર આવી હોય, એમ ઉત્તમને બદતમીઝ કહીને ખખડાવી મારે છે. તારી ભલી થાય ચમની, તારી બાએ તને આવા સંસ્કારો આલ્યા છે કે, જે બચાવે, એની જ પથારી ફેરવી નાંખવાની?

અને ઉત્તમ કુમારની જગ્યાએ આપણે હોઈએ ને આવું 'બદતમીઝ' કહી જાય તો સહન કરી લઈએ ખરા? એની સાથે લગ્ન કરી લઈએ, પણ સહન તો હરગીઝ ન કરીએ...! સુઉં કિયો છો?

ઉત્તમ કુમાર વિશે તો 'અમાનુષ' અને 'આનંદ આશ્રમ'માં આપણે થોકબંધ લખી ચૂક્યા છીએ, શશીકલા ય બહુ વાર આવી ગઈ, પણ રાજેન્દ્રનાથ વિશે જાણવાની ફર્માઈશો અનેક વાચકો કરતા રહ્યા છે. તો એને વિશે જાણવા જેવી વાત એ છે કે, એના વિશે જાણવા જેવું કંઈ છે જ નહિ. બહુ અતડો, માની ન શકાય એટલો ગંભીર અને શૂટિંગ વખતે હીરો-હીરોઈન કે કોઈ કલાકાર સાથે દસ મિનિટ વાતો કરવા ય એ બેસતો નહતો. હસાવાવાની વાત તો બહુ દૂરની છે. આશા પારેખ અને ઍક્ટ્રેસ શમ્મીના કહેવા મુજબ, અમને ય નવાઈ લાગતી કે, પરદા પર આપણને ધોધમાર હસાવતો આ કલાકાર શૂટિંગ સિવાય આખી લાઈફમાં એકે ય વખત કોઈની સાથે હસ્યો-બોલ્યો નથી. યસ. એક માત્ર શમ્મી કપૂર એનો જીગરી દોસ્ત હતો.

આ ફિલ્મમાં વૈજ્યંતિમાલાની દાદી બનતી બંગાળી કલાકાર પ્રતિમાદેવી (ત્યાંનો ઉચ્ચાર, 'પ્રોતિમાદેવી') યાદ હોય તો 'જ્વેલથીફ'માં દેવ આનંદની માં બને છે. આ પ્રતિમાદેવી જુવાનીમાં સુંદર કરતા સેક્સી વધારે હશે, કારણ કે માજીના નામે ય અનેક લફરાં એ જમાનામાં ચર્ચાતા હતા. પૃથ્વીરાજ કપૂરનું નામ મોખરે હતું.

કલકત્તામાં જન્મીને નાગપુરમાં ભણેલા તરૂણ બોઝને તમે 'ગુમનામ'માં દાઢીવાલા અસલી ખૂની તરીકે જોયો છે. 'અનુપમા'માં એનું કામ વખણાયું હતું. ફિલ્મોમાં કામ કરવા મળે એટલે એણે ટપાલ ખાતામાં નોકરી કરી લીધી પણ નસીબ ચાલ્યું અને મરતા સુધીમાં ૪૨ ફિલ્મોમાં કામ કરી ગયો. અશોક કુમાર-રાજ કુમાર-ફિરોઝખાનની ફિલ્મ 'ઊંચે લોગ'માં ફિરોઝખાનના ખૂની તરીકે એના અભિનયની દાદામોનીએ પણ પ્રશંસા કરી હતી. કોકે કીધું હતું કે, સંજીવ કુમાર આ ફિલ્મ 'છોટી સી મુલાકાત'માં ક્યારે આવે છે ને જતો રહે છે, તેની ખબર પડતી નથી અને એવું જ થયું. મેં ધ્યાનથી (આવી ફિલ્મ પણ) જોઈ પણ હરિ જરીવાલા ક્યાંય દેખાણા નહિ. પણ નાની વૈજ્યંતિમાલાના રોલમાં યોગીતા બાલી એકદમ ઓળખાઈ જાય છે. ફિલ્મના ટાઈટલ્સમાં એનું નામ બેબી પિન્કી રાખ્યું છે. યોગીતા બાલી ગીતા બાલીના બનેવી જસવંત બાલીની દીકરી થાય. જસવંત પણ થોડી ફિલ્મોમાં હીરો તરીકે આવીને હોલવાઈ ગયો હતો. કિશોર કુમારની ત્રીજી પત્ની તરીકે હોલવાતા પહેલાં યોગીતાએ છુટાછેડા માટે જંગી રકમ માંગી અને મળી પણ હતી. પણ છૂટી થઈને એ મિથુન ચક્રવતીને પરણી, એ કિશોર દાને ન ગમ્યું. એમાં હલવઈ ગયો મિથુન. કિશોર દાએ એને પ્લૅબૅક જ ન આપ્યું, એમાં સીધો ફાયદો શૈલેન્દ્રસિંઘને થયો. મિથુનના એ જમાનાના બધા ગીતો આ 'બૉબી સિંગરે' ગાયા હતા.

સાલ સડસઠની શરૂ થઈ ચૂકી હતી, મતલબ એ જમાનાના આપણા ફેવરિટ તમામ સંગીતકારોના અંતનો આરંભ થઈ ચૂક્યો હતો.

શંકર-જયકિશન પણ એમાંથી બાકાત નહોતા. ડાયહાર્ડ ચાહકોની વાત જુદી છે, બાકી આ ફિલ્મનું એક પણ ગીત એમની પ્રતિષ્ઠાને છાજે એવું તો નહોતું જ... અને એ પછી આવેલી ફિલ્મોમાં તો આ બન્ને લૅજન્ડરી સંગીતકારો તો બીજા કરતા ય વહેલા પૂરા થઈ ગયા, એ કેટલું દુઃખદ છે...?

No comments: