Search This Blog

12/08/2015

બ્રાહ્મણ હોવું ગુનો છે?

મુંબઇમાં ગુજરાતી જૈનોની બહુમતિ ધરાવતા એક એપાર્ટમેન્ટમાં ઘટના બહુ મોટી બની ગઈ. આ જ ફ્લેટમાં રહેતા નોન-વેજ મહારાષ્ટ્રીયન પરિવારે ઇંડાના છિલકા એક જૈન પરિવારના દરવાજે ફેંક્યા. વાત વધી પડી. ઝગડો મોટો થઈ ગયો. એક બાજુ મુંબઈના મોટા ભાગના મરાઠીઓ અને બીજી બાજુ બસ... આ જ કોઈ ૨૦-૨૫ જૈન પરિવારો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના ધારાસભ્ય પુત્ર અને વર્ષોથી મુંબઇમાંથી ગુજરાતીઓને કાઢી મૂકવાની જીહાદ જગવનાર નીતિશ રાણેએ નફ્ફટાઈથી સંભળાવી દીધું, ''ગુજરાતી થઈને મરાઠીઓ સામે દાદાગીરી? ચાલ્યા જાવ... આ તમારું ગુજરાત નથી.''

બસ. આ પછી મુંબઇભરના ગુજરાતીઓ ચુપ થઈ ગયા. શાકાહારી જૈનોની વહારે એક પણ ગુજરાતી ન આવ્યો. બધું ઝેર સમસમીને પી જવું પડયું.

મુંબઇમાં રહેવા છતાં આપણા ગુજરાતીઓ ઉપર કોઈ આફત આવે ને બાકીના ગુજરાતીઓ ચૂપ રહે? ગુજરાતીઓની 'આપણે શું' અને 'આપણું શું?'વાળી રીતરસમ અહીં પણ વપરાઈ. આ તો મુંબઇમાં બન્યું પણ આનો અર્થ તો એવો ય થયો કે, અમદાવાદના કોઈ ફ્લેટમાં પંજાબી, મરાઠી, બંગાળી કે સાઉથ ઈન્ડિયન સાથે આવો બનાવ બને તો બાકીના ગુજરાતીઓ એક ન થાય. ''ઘર પટેલનું સળગાવી ગયા છે ને...? આપણે શું?'' પેલી બાજુ, શહેરભરના તમામ પંજાબીઓ, મરાઠીઓ, બંગાળીઓ કે પૂરા સાઉથીઓ એક થઈને આપણી સામે લડવા આવશે.

ગુજરાતમાં સદીઓથી રહેતા મહારાષ્ટ્રીયનોને ફક્ત એ મહારાષ્ટ્રીયન છે, માટે આજ સુધી કોઈએ ભેદભાવ રાખ્યો છે?

સાચું પૂછો તો ગુજરાતના મરાઠીઓ સવાયા ગુજરાતીઓ થઈને-ગુજરાતને પોતાનું ગણીને રહ્યા છે. સુરેન્દ્રનગરના તો અનેક મરાઠી પરિવારોના ઘરમાં એ લોકો વચ્ચે ય ગુજરાતી બોલાતું મેં જોયું છે. આપણને ય ક્યારેય લાગ્યું નથી કે, 'આ લોકો મરાઠીઓ છે.'

પણ મહારાષ્ટ્રમાં આવી જાહોજલાલી નથી. ત્યાં ગુજરાતીઓ માટેનો અણગમો સદીઓ પુરાણો છે. ઉદ્યોગોને ધ્યાનમાં લેવાના હોય તો અડધું મહારાષ્ટ્ર ગુજરાતીઓના દમ પર ચાલે છે. મહારાષ્ટ્ર તો શું, દુનિયાભરના હિલ-સ્ટેશનો પર તમને ક્યાંય મરાઠી માણુસ જોવા મળ્યો? ગુજરાતીઓ જેટલા પ્રવાસો તો પવન પણ નથી કરતો. મહારાષ્ટ્રના યાત્રાધામો કે પ્રવાસન મોટા ભાગે તો ગુજરાતીઓની આવક ઉપર ચાલે છે. પણ, બાળ ઠાકરેએ તો મુંબઇના પરાંની ટ્રેનોના સ્ટેશનો ઉપરથી ગુજરાતીમાં પરાંના નામો સુધ્ધાં કઢાવી નાંખ્યા હતા.

જૈનો ઉપર આવો જુલ્મ થવા છતાં ત્યાંના કેટલાક ગુજરાતીઓએ પોતાની ખામોશીનું એવું કારણ આપ્યું કે, મુંબઇના જૈનો ગુજરાતી તરીકે નહિ, જૈનો તરીકે રહે છે. મહારાષ્ટ્રના અન્ય ગુજરાતીઓ ઉપર કોઈ સંકટ આવે, ત્યારે જૈનો ખામોશ રહે છે. આ વખતે એમને ય ખબર પડશે કે, બીજાના રાજ્યમાં સુખેથી રહેવું હોય તો સહુએ પોતપોતાના ધર્મો બાજુ પર રાખીને ફક્ત ''ગુજરાતી'' હોવાનું ગર્વ લેતા શીખવું જોઈએ.

આ આક્ષેપ હોય કે કેવળ નિરીક્ષણ, બેમાંથી બોધ એટલો જ મળે છે કે, ભારતીય હોવાનું ગૌરવ તો બહુ દૂરનું રહ્યું... વેપારી માનસ ધરાવતા ગુજરાતીઓને પોતાના ગુજરાતીપણાંની ય શરમ આવે છે. હિંદી ફિલ્મોમાં આટઆટલા ગુજરાતીઓ મોટા નામો કમાયા અને કમાય છે. હજી સુધી તો એકે ય ગુજરાતી કલાકારને ગુજરાતી હોવાનું ગર્વ લેતા જોયો નથી. યસ. હવે બીજાઓને ય ગુજરાતીઓની કિંમત સમજાવા માંડી છે, એટલે મોટા ભાગની ટીવી-સીરિયલોમાં ચોખ્ખું ગુજરાતીપણું છલકાઈ રહ્યું છે.

કબુલાતની વાત તો એ છે કે, ગુજરાતીઓને મુંબઇમાં દેખિતા અન્યાયો વર્ષોથી થઈ રહ્યા હોવા છતાં, ખુદ ગુજરાતી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં નંખાયેલી ઈન્ડસ્ટ્રીઓમાં ગુજરાતીઓને પ્રાધાન્ય આપતા નથી. ભારતના તમામ રાજ્યોમાંથી આવેલાઓ અહીંની ભૂમિ ઉપર જલસા કરીને આપણને હજી ''દાળભાતીયાઓ'' કહે છે...

લેખ વાંચવામાં પહેલી વાર હસવું આવશે. બહારનાઓ આપણને 'દાળભાતીયા' કહી જાય, એમાં સ્પષ્ટતા એ માંગી લેવાની કે, અમારામાંથી કોને તમે દાળભાતીયા કીધા છે? પટેલોને, લોહાણાઓને, વૈષ્ણવોને, બ્રાહ્મણોને કે જૈનોને? એમાં આપણાવાળાને ના કીધા હોય તો ''બોલો જય જીનેન્દ્ર' કે ''બોલો હર હર મહાદેવ...'! અમારા સિવાય જેને દાળભાતીયા કહેવા હોય, એને કહો...! અમે તો લોહાણા છીએ, કચ્છીઓ છીએ, બ્રહ્મક્ષત્રિયો છીએ...બીજા ગુજ્જુઓને કહો, એમાં અમારે શું?

મુંબઈના બનાવમાં ય આમ જ બન્યું હશે ને? ઈંડાના છિલકા જૈનના ઘરે ફેંકાયા છે... આપણે શું?

સાલું, આપણે દેશદાઝ-દેશદાઝ કરીને મરી જઈએ ને લોકોને પોતાના ધર્મ સિવાય બીજી કોઈ પડી જ નથી.

ભારતમાં હવે સમય એ આવી રહ્યો છે, જેમાં દેશની લાખો જ્ઞાતિઓમાંથી માંડ એકાદ-બે ને લઘુમતિ કૌમમાં 'નહિ મૂકાય'. એમાંની પહેલી અને કદાચ છેલ્લી કૌમ બ્રાહ્મણોની છે. બ્રાહ્મણ હોવાની સજા દેશના કરોડો બ્રાહ્મણો ભોગવી રહ્યા છે. જૈનો પછી પટેલો મેદાનમાં આવી રહ્યા છે, પણ બ્રાહ્મણો આમરણાંત નહિ આવે, એનું પહેલું કારણ એ છે કે, એમના વૉટની કોઈને પડી નથી. મુસલમાન, જૈન કે પટેલોની જેમ બ્રાહ્મણો કદી સંગઠિત થઈ શકે નહિ. પટેલોમાં લેઉઆ કે કડવા - બે જ ફાંટા. જૈનોમાં બે જ ફાંટા, સ્થાનકવાસી અને દેરાવાસી. મુસલમાનોમાં બે જ ફાંટા, સુન્ની અને શિયા. પારસીઓ અને સીંધીઓ તો બાકાયદા હક્કદાર છે પોતાને લઘુમતિમાં મૂકાવવા માટે, પણ એ બન્ને મેહનતથી જે મળે, એમાં રાજી થવા તૈયાર છે...!

...સૉરી, સૉરી... સૉરી... બ્રાહ્મણોમાં એક્ઝેક્ટ ૮૪-ફાંટા. બાજખેડાવાળ, ઔદિચ્ય, મોઢ, શ્રીમાળી, અનાવિલ, નાગર... ઓહ, બધા તો અમને કોઈને યાદ નથી. અમે લોકો બધેથી લટકવાના, કેમકે અમે જન્મ્યા ત્યારથી આજ સુધી તો લાડવે-લાડવે મારામારીઓ કરીએ. કાલ ઉઠીને પટેલોની માફક આંદોલન શરૂ કરવું પણ હોય, તો ૮૪-માંથી ચાર બ્રાહ્મણો ય નહિ આવે. સભાનું પ્રમુખસ્થાન અમને મોઢ બ્રાહ્મણોને મળવું જોઈએ. એકલા ઔદિચ્યોની લાગવગશાહી નહિ ચલાવી લેવાય.' શ્રીમાળી બ્રાહ્મણો તો વળી છે કેટલા... એમને અધ્યક્ષ ન બનાવાય. અમે મોઢ છીએ, તો બ્રાહ્મણોમાં સૌથી ઊંચું સ્થાન અમને મળવું જોઈએ...!

તારી ભલી થાય ચમના... તારા માટે માત્ર 'બ્રાહ્મણ' હોવું પૂરતું નથી? બીજી જ્ઞાતિઓવાળા ય તમને બ્રાહ્મણોને સન્માન્નીય અવસ્થાએ જુએ છે. પણ, અમારી (પેટાજ્ઞાતિ) સૌથી ઊંચી છે, એ બાકીની ૮૩-પેટાજ્ઞાતિઓએ સ્વીકારવું પડે, તો જ બ્રાહ્મણો માટેના અનામત આંદોલનમાં જોડાઈએ! પ્રમુખ-સેક્રેટરી અમારા હોવા જોઈએ. માની લો કે, સામે મળેલો માણસ પણ બ્રાહ્મણ નીકળ્યો, તો ઘંટડી વગાડવા જેટલો ય આનંદ ન થાય. પહેલા એ પૂછી જોવું પડે કે, ''તમે કયા બ્રાહ્મણ?'' એના સદનસીબે એ ય આપણી જેમ શ્રીમાળી બ્રાહ્મણ નીકળ્યો, તો મરવાનો થાય, કારણ કે એનું એકલું શ્રીમાળી હોવું પૂરતું નથી... સામવેદી છે કે યજુર્વેદી, એ ય જોવું પડે ને? ચલો, માની લઈએ, કે એ ય આપણી જેમ યજુર્વેદી નીકળ્યો, તો કયા મોટા વાવટા ફરકાઈ લાયો? આપણા સૌરાષ્ટ્ર બાજુનો છે કે આ સાઇડનો? એ ય સૌરાષ્ટ્રનો હોય, આપણા જ ગામનો હોય ને આપણી સાવ નજીકના ગામમાં થતો હોય ફાધર-બાધરનું નામ જાણી લઈને પહેલો સવાલ એ પૂછવાનો, ''મારા ફાધરને તમારા ફાધર પાસેથી '૬૪ની સાલના રૂ. ૨૫૦/- લેણાં નીકળે છે. ક્યારે દિયો છો?''

એમાં ય, ઘણાં નાગરોએ તો જાતમહેનતથી તય કરી લીધું છે કે, સૌથી ઊંચા અમે. અર્થાત્, અમે તો બ્રાહ્મણ જ નથી. અર્થાત્, કાલ ઉઠીને દેશમાં હરકોઈ કૌમને લઘુમતિનો દરજ્જો મળી જશે, તો નાગરોને આ લાભાલાભીઓની જરૂર નહિ પડે... કારણ કે, મનુસ્મૃતિમાં જણાવ્યા મુજબ, હિંદુઓમાં ચાર જ વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રીય, શૂદ્ર અને વૈશ્ય. પોતાને બ્રાહ્મણ ન ગણતા ઘણાં નાગરો તો એકેયમાં નહિ આવે અને અનામતના લાભો લેશે ય નહિ. અલબત્ત, સદીઓ વીતી જવા છતાં નક્કી તો એ લોકો ય નથી કરી શક્યા કે, સાઠોદરા, વીસનગરા, વડનગરા કે પ્રશ્નોરામાં ''કયા'' નાગરો ઊંચા? નાગરો ફક્ત ભારતની હરએક કૌમથી ઊંચા... એકબીજાથી નહિ! ઉપરના ચાર નાગરોમાંથી એકે ય પોતાના સિવાયના નાગરોને પોતાનાથી ઊંચા કહે, તો હું બપોરે ૧૨-થી ૫ ઘરે જ હોઉં છું...!

(એક આડવાત : મનુ સ્મૃતિમાં બ્રાહ્મણોની જે ૮૪-પેટાજ્ઞાતિઓ ગણાવાઇ છે, એમાં નાગરોની બધી જાત છે.)
ભગવાને બ્રાહ્મણોને પ્રચંડ બુધ્ધિ અને ચેહરાનો અદ્ભુત દેખાવ બેશક આપ્યો છે... બ્રાહ્મણ હોવાનું ગૌરવ ક્યારે ય ન આપ્યું. પૈસા તો આજે ય શું, પહેલા ય નહોતા આપ્યા. ક્યાંય કરોડોની કિંમતે બનેલું ભગવાન શંકરનું મંદિર જોયું? એક જૈન કે એક પટેલ માટે થોડું ય આડુંઅવળું બોલી જુઓ... નાની યાદ આવી જશે, પણ બ્રાહ્મણો માટે બોલો... પહેલો સવાલ એ આવશે, ''આપણા ઔદિચ્ય માટે કાંઈ બોલ્યો'તો...???''

બધા પટેલો ભલે હજી લઘુમતિના મામલે એક થયા નથી, પણ ''પી' ફોર ''પી'નો મુદ્દો ઉઠશે, ત્યારે એ લોકો કાંઈ બ્રાહ્મણો નથી કે, અમારા લેઉઆ ઊંચા કે કડવા! આજે નહિ તો કાલે, બધા પટેલો એક થઈને અનામત લઈને રહેશે!

અનામત કે લઘુમતિનો દરજ્જો આર્થિક ધોરણે નક્કી થતો હોય, તો ભા'આય... ભા'આય.. બ્રાહ્મણોથી વધુ ધનવાન તો આ દેશમાં બીજી કોઈ કૌમ છે જ નહિ ને? ધર્મને આધારે દરજ્જો અપાતો હોય તો, ભારતના તમામ હિંદુ પરિવારોના શુભ પ્રસંગોએ બ્રાહ્મણની જરૂરત પહેલી પડે છે... કરોડો રૂપીયાનો જે નવો બંગલો લીધો, એના પ્રવેશદ્વાર પર એના માલિક પહેલા ય બ્રાહ્મણ પાસે પ્રવેશ અને પૂજા કરાવવી પડે છે, એ બતાવે છે કે, હિંદુઓમાં બ્રાહ્મણનો ધાર્મિક દરજ્જો શું છે?

મને વર્ષોથી વાંચનારા જાણે છે કે, મારા માટે બ્રાહ્મણ કે હિંદુ હોવું મહત્ત્વનું નથી... ભારતીય હોવું મહત્ત્વનુ છે. ઈન્ડિયનો મરવાના થયા છે ફક્ત પોતાના ધર્મની વાહવાહી કરવામાં એક માણસ દેખાતો નથી, જે ભારત દેશની વાત કરે! મારે પ્રૂફ લાવી આપવાની જરૂર નહિ પડે કે, પોતાના ધર્મમાં ફૅનેટિક કેટલા લોકોને તમે એક વાર પણ ભારત દેશની વાત કરતા જોયો? હાથમાં એ.કે.૪૭ પકડવાની તો વાત જ નથી આવતી પણ વાતવાતમાં, ''અમારા ધર્મમાં તો આમ ને અમારી જ્ઞાતિમાં તો આમ...''નાં ફાંકા મારનારાઓ પાસે ''એક વખત'' તો દેશની કોઈ નાનકડી દેશદાઝ જોઈ બતાવો!

કંઈ બાકી રહી જતું હોય, એમ તમામ ધર્મોના ગુરૂઓ, સ્વામીઓ, મહારાજો, બાપુઓ કે દાદાઓને એમની આખી લાઇફમાં એકપણ વાર દેશદાઝ ઊભી કરવાની કોઈ નાનકડી વાત કરતા ય સાંભળ્યા? એમના એક ઇશારે આખો દેશ હાથમાં એ.કે.૪૭ પકડીને સીધો યુધ્ધમાં ઝંપલાવી શકે એમ છે, એટલી એમની ''માસિવ'' લોકપ્રિયતા છે! પણ હવે તો હિંદુ ધર્મના ઓરિજીનલ ભગવાનોને ય આ લોકો તડકે મૂકી આવ્યા છે. એને બદલે તમે એમને જ ભગવાન માનો, એમના ચરણસ્પર્શો કરો, એમના પગના ફોટાઓને ઘરની ભીંત ઉપર લટકાડીને રોજ સવારે પગે લાગો, એવા ઝનૂનમાં તમે આવી જાઓ, એવી એ બધાની પ્રભાવશાળી વાણી છે. પણ દેશદાઝના ભાષણો આપવા જાય તો શિષ્યોમાં એમનું માન શું રહે? દેશ જાય ભાડમાં !

કેવી કમ્માલની વાત છે? બ્રાહ્મણો દેશની કોઈ પણ કૌમ કરતા સંખ્યામાં ઘણા વધારે છે... ગરીબીમાં પણ એમને કોઈ પહોંચે એમ નથી. થોડા મુઠ્ઠીભર બ્રાહ્મણો પાસે થોડોઘણો પૈસો આવ્યો છે. પણ અનામત બ્રાહ્મણોને ય મળવી જોઈએ, એ અવાજ ઉઠાવનારો એકે ય બ્રાહ્મણ હજી સુધી તો જન્મ્યો નથી, એનું એક કારણ એ પણ હોઇ શકે કે, આવી ભીખ માંગતા શરમ આવે. પણ હવે કપડાં બધાએ ઉતારવા માંડયા છે અને હજી તો અનેક કૌમો તૈયાર બેઠી છે, અનામતમાં પોતાનો હિસ્સો માંગવા માટે! તમારે એકલાએ કપડાં પહેરીને સાબિત શું કરવું છે?

અનામત તો જાવા દિયો... હવે તો ભારત દેશમાં ટકી રહેવા માટે પણ હું ઔદિચ્ય ને હું બાજખેડાવાળ જેવા છિછરા દાવાઓ છોડીને ''આપણે બ્રાહ્મણ છીએ, એટલું પૂરતું છે', એ જ ગૌરવ તમને ટકાવે એમ છે. કોઈ રાજ્ય કે દેશની ચૂંટણીના પરિણામ ઉપર બ્રાહ્મણોની સંખ્યાને કોઈ પક્ષ પૂછતો ય નથી, એ તો ઠીક, ચર્ચામાં ય આવતો નથી. હજી ભેગા નહિ થાવ તો, એ દિવસો દૂર નથી કે, બ્રાહ્મણોને નબળી કૌમ ગણીને ''આભડછેટ' શરૂ થાય... સુઉં કિયો છો?

સિક્સર
૨૫૭ નિર્દોષોને મરવા માટે ફક્ત એક મિનિટ લાગી... એકને મરવા માટે ૨૧-વર્ષનો સમય અપાયો... ને તો ય... ટીવી-અખબારોમાં ચમકવા માટે દેશ સાથે ગદ્દારી કરનારા હિંદુઓ એક શબ્દ પણ ૨૫૭-માટે બોલ્યા નથી.

1 comment:

Udipt said...

લાંબા સમયે આજે જાણે "અશોક દવે -એક કટાર લેખક" જેવા લાગ્યા, જાણે વર્ષોની વેદના કલમે લખી નાખી...