Search This Blog

09/10/2015

પેહચાન

વો પરી કહાં સે લાઉં, તેરી દુલ્હન જીસે બનાઉં... 

ફિલ્મ : પેહચાન
નિર્માતા-દિગ્દર્શક:સોહનલાલ કંવર
સંગીત:શંકર-જયકિશન
ગીતકારો :બોક્સ મુજબ
રનિંગ ટાઈમ:૧૬ - રીલ્સ
થિયેટર:નટરાજ (અમદાવાદ)
કલાકારો :મનોજકુમાર, બબિતા, બલરાજ સાહની, ચાંદ ઉસ્માની, શૈલેષકુમાર, સુલોચના, સી. એસ. દૂબે, કેશવ રાણા,તિવારી, સુંદર, અસિત સેન, મોહન ચોટી, ડેઝી ઈરાની, લતા બોઝ, મીના ટી., બ્રહ્મ ભારદ્વાજ અને ગીતકાર નીરજ.
ગીતો
૧. સબ સે બડા નાદાન વો હી હૈ, જો સમઝે : મૂકેશ
૨. પૈસે કી પહેચાન યહાં, ઈન્સાન કી કિમત : મુહમ્મદ રફી
૩. બસ યે હી અપરાધ મૈં હર બાર કરતા હૂં : મૂકેશ
૪. આયા ન હમકો પ્યાર જતાના, પ્યાર : સુમન-મૂકેશ
૫. વો પરી કહાં સે લાઉં, તેરી દુલ્હન : સુમન-શારદા-મૂકેશ
૬. કર લે દિલ કી બાત, આજ મૌકા હૈ : લતા-મૂકેશ
૭. લો આઈ હૈ જવાની રૂપ કે નગ્મે ગાતી : આશા ભોંસલે
ગીત નં. ૧, ૫, ૬ વર્મા મલિક :૨, ૩ નીરજ, ૭ હસરત, ૪ ઈન્દિવર,
ગીત નં. ૨ ખુદ ગીતકાર 'નીરજ' ઉપર ફિલ્માયું છે. 

એ જમાનામાં 'બસ યે હી અપરાધ મૈં હર બાર કરતા હૂં, આદમી હું આદમી સે પ્યાર કરતા હૂં' એ આ ફિલ્મમાં મૂકેશે ગાયેલું ગીત પૂરી હોમોસેક્સ્યુઅલ્સ (GAY) માટે લખાયું હોય, એવી મજાકમસ્તીઓ થતી,મજાકમાં ને મજાકમાં વાત એટલી ગંભીર તબક્કે પહોંચી કે, ગાયક મૂકેશને ભારે અકળામણો થવા માંડી અને તે એક તબક્કે તો, 'યે ગાના મૈંને નહીં ગાયા...' કહેવાના ઝનૂનો ઉપરે ય આવી ગયો હતો.

શંકર-જયકિશનની એક્ઝેક્ટ બે દસકા ચાલેલી દોમદોમ પોપ્યુલારિટીની સાબિતી આપતાં છેલ્લા બસ કોઈ... ૪-૫ ગીતોમાંનું એક 'વો પરી કહાં સે લાઉં, તેરી દુલ્હન જીસે બનાઉં...' આ ફિલ્મનું હતું. બંનેનું પતન તો નિશ્ચિત થઈ ચૂક્યું હતું ને એમાં કાંઈ બાકી રહી જતું હોય એમ જયકિશનના નામની આગળ 'સ્વ' લગાવવાનો દિવસ આવી ગયો. ખબર બધાને પડી ગઈ હતી કે એકલા શંકર-જયકિશન જ શું કામ, ઓલમોસ્ટ ૬૬-ની સાલ પછી તમામે તમામ સંગીતકારોના સંગીતની આગળ પણ એ જ 'સ્વ.' લગાવાઈ ચૂક્યો હતો. નૌશાદ, મદન મોહન, ઓપી નૈયર, કલ્યાણજી-આણંદજી કે બાકીનાઓ ય બસ... જખ મારતા હતા. રાહુલદેવ બર્મન અને લક્ષ્મીકાંત-પ્યારેલાલનો જમાનો શરૂ થઈ રહ્યો હતો.

પણ 'પેહચાન'ના ગીત-સંગીતની વાત કરીએ તો શંકર-જયકિશનને બેસ્ટ મ્યુઝિક-ડાયરેક્ટરનો એવોર્ડ આ ફિલ્મ માટે મળ્યો હતો. પણ ફિલ્મ મનોજકુમારની હોય, એટલે 'ફિલ્મફેર એવોર્ડસ'માં 'જય બોલો બેઈમાન કી'ની રામધૂન સાથે મોટાભાગના એવોર્ડ્સ એની ફિલ્મો ઘસડી જાય. કારણ ઉઘાડું પડી ગયું હતું. આ એવોર્ડ્સ આપવા માટે એક-બે મહિના અગાઉથી 'ફિલ્મફેર'ના અંકમાં વાચકોને એક ફોર્મ ભરવા અપાતું. આ ગયા વર્ષ દરમ્યાન એમને પસંદ પડેલી સર્વોત્તમ ફિલ્મ, હીરો, હીરોઈન કે સંગીતકાર જેવી કેટેગરીમાં નામો ભરીને ફોર્મ મોકલી દેવાનું.

ફિર ક્યા...? અંક બહાર પડે એ સાથે જ મનોજકુમારના માણસો ચારે દિશાઓમાં ફરી વળીને લાખો રૂપિયાના ખર્ચે હાથમાં આવે, એ બધી કોપીઓ ખરીદી લે... બસ, પછી એનો સ્ટાફ બધા ફોર્મ ભરવા રાત-દિવસ બેસી જાય. દરેક એન્ટ્રીમાં મનોજની ફિલ્મના કસબીઓના જ નામો હોય... 'જય બોલો બેઈમાન કી !'

મનોજકુમાર એક ત્રાસ હતો. એક્ટિંગમાં એના બે સગા ભાઈઓ ભારત ભૂષણ અને પ્રદીપકુમાર મરી જાય ત્યાં સુધી એક્ટિંગમાં ચેહરા ઉપર એક નાનકડો હાવભાવે ય આવવા ન દે. ત્યારે આ ભ'ઈ આ વિશ્વનો કોઈપણ મનુષ્ય સમજી ન શકે, એવા હાવભાવો કાચી-કાચી સેકન્ડોએ બદલતો રહે. દા.ત. (એટલે કે, દાખલા તરીકે) અહીં એ ગામડેથી મુંબઈ આવેલો ભોળો ગામડીયો છે. હીરોઈન બબિતાને એ પહેલી વાર મળે છે. આ તબક્કે પહેલા એ જમીનમાં જોશે, પછી ગળામાંથી ગાંગરવા જેવો તીણકો અવાજ કાઢશે, પછી લેવા-દેવા વિનાનું કટાક્ષયુક્ત સ્માઈલ આપશે, પછી દિલીપકુમારની નકલ કરીને બોલતા બોલતા અડધા અક્ષરે અટકી જશે... અને પછી પૂરેપૂરું સ્ત્રૈણ્ય શરમાઈને બબિને કહેશે, ''મૈં... મૈં તો યહાં શાદી કરને આયા હૂં !'' એક તો એ પોતાની કોઈ ફિલ્મમાં હિરોઈનને અડકે નહિ, એમાં અડધો જીવ આપણો બળી જાય (...ને અડધો હિરોઈનનો !) થિયેટરમાં જેને લઈને આવ્યા હોઈએ, એને અંધારાનો લાભ આપીને હળવે હળવે કોણી અડાડવા હજી જતા હોઈએ, ત્યાં પરદા ઉપર મનોજ ઝાડને વળગીને ઊભેલો હોય, પણ હિરોઈનને નહિ, એમાં ગભરાઈને આપણી કોણી ડાબાને બદલે જમણી સીટવાળી કે વાળાને અડાડ-અડાડ જાય... બા કેવા ખીજાય ?

બબિતાનું તો સમજ્યા કે, એક્ટિંગ તો એને એક પણ ફિલ્મમાં કરવાની આવી નહોતી. બસ, મીઠું મીઠું હસે રાખવાનું, ગીતો ગાવાના, છેલ્લે સમય વધ્યો હોય તો થોડું રોઈ લેવાનું ! મનોજ, પ્રદીપ, વિશ્વજીત, ભા.ભૂ. કે શેખર... આ બધાના ય વખાણ કરવા પડે એક જ વાતે કે એ બધા કમ-સે-કમ બબિતાથી તો સારી એક્ટિંગ કરતા હતા...! ભલે દેખાવમાં બધા એકસરખા બબિતા જેવા લાગતા હોય ! સું કિયો છો ?

યસ. મોટું આશ્વાસન આ ફિલ્મમાં બલરાજ સાહનીને જોવાનું છે. ગ્રેટ એક્ટર હતો. લગભગ બધી ફિલ્મોમાં રોલ એના નાના હોય, પણ પરદા ઉપર આવે ત્યારે છવાઈ એ એકલો ગયો હોય. કેવો મધુરો અવાજ અને ગુલાબી સ્કીન સાથે પ્રભાવશાળી પર્સનાલિટી ! ફિલ્મનગરીનું કયું પોલિટિક્સ એને નડી ગયું હશે કે, કોઈએ એને આગળ જ આવવા દીધો નહિ, કાં તો એણે આવા ફાલતુ રોલ પસંદ કરવા જેવા નહોતા. હીરો-મટીરિયલ તો એ પહેલેથી નહોતો, એ કબૂલ પણ ફિલ્મોમાં એક ચરિત્ર અભિનેતા તરીકે જેટલું નામ દાદામોની, પ્રાણ, ઓમપ્રકાશ કે ઈવન એ.કે. હંગલ કમાયા, એનો દસમો ભાગ પણ બલરાજને ન મળ્યો.

એક રોતડો મનોજકુમાર ઓછો હતો તે સોહનલાલ કંવર અહીં આંખ બાંડી ચાંદ ઉસ્માનીને ઉપાડી લાવ્યા છે, ને એ ય વેશ્યાના રોલમાં ! આશ્ચર્ય નહિ, આઘાતની વાત એ છે કે, મનોજુકમારે આ ફિલ્મમાં એના વેશ્યાના રોલ માટે 'ફિલ્મફેર'નો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ અપાવ્યો છે.

અહીં ટી-સિરિઝની કમાલ જોવા જેવી છે. આપણે આવી વીસીડી બનાવનારી કંપનીઓ માટે લખીએ જ છીએ કે ફિલ્મમાંથી એ લોકો શું કાપી લેશે, એની ખબર ન પડે. ફિલ્મના ટાઈટલ્સમાં તિવારી,સુંદર, અસિત સેન, મોહન ચોટી વગેરેના નામો લખાયા છે, પણ પ્રિન્ટમાં ક્યાંય દેખાતા નથી. મતલબ જે હોય એ...આડેધડ કાપકૂપ કરીને આ કંપનીવાળા ફિલ્મને વીસીડીમાં સમાવી લેવા માટે ઘણા ગીતો કાપી નાંખે છે. અહીં 'કર લે દિલ કી બાત...' કપાઇ ગયું છે. 

સી.એસ. (ચંદ્ર શેખર) દૂબે તો ફક્ત બળાત્કારો કરવા અને ભડવાગીરી કરવા જ ફિલ્મોમાં આવ્યો હોય, એટલી અસરકારકતા એના અભિનયમાં હતી. એક્ટર સારો, પણ વેડફાઈ ગયો. નેપાળથી હીરો બનવા ભારત આવેલા કેશવ રાણાને એના મોંગોલિયન લૂક્સને કારણે ફિલ્મોમાં ગુંડા, હોટલના મેનેજર કે વિલનના ચમચાના રોલ મળતા.

શૈલેષકુમાર મને થોડોઘણો ગમતો હતો - ખાસ કરીને ફિલ્મ 'કાજલ'માં એ મીના કુમારીનો ભાઈ બને છે ત્યારે. ૬૦-ના દશકની ઘણી ઢીશુમ-ઢીશુમ ફિલ્મોનો એ હીરો હતો. ફિલ્મ 'બેગાના'નું મુહમ્મદ રફીનું, 'ફિર વો ભૂલી સી યાદ આઈ હૈ...'એની ઉપર પિક્ચરાઈઝ થયું હતું.

ફિલ્મની વાર્તા વાંચવાને બદલે તમે લોકો કોઈ સારું કામ કરો, એવી મારી અંતરની ભાવના છે, પણ બધાને ભાવનાઓ ફળતી નથી... કોક વળી પરણી પણ જાય છે, એટલે અહીં એનો ટૂંકસાર કહીશ :

ગંગારામ (મનોજ) ગામડેથી પરણવા માટે મુંબઈ આવે છે. કોની સાથે પરણવું, એ નક્કી નથી હોતું. યસ. એ કોક સ્ત્રી તો હોવી જ જોઈએ, ...'આદમી હું આદમી સે પ્યાર કરતા હૂં' એ ગીત મુંબઇ આવ્યા પછી ગાવાનું બંધ કરી દે છે. એટલે શહેરની ફેશનેબલ બબિતાના પ્રેમમાં પડે છે. પણ એની પહેલાં મનોજનો ભેટો વેશ્યાગૃહમાં ચાંદ ઉસ્માની સાથે થાય છે, જ્યાં ભોળા મનોજને ભડવો સી.એસ. દૂબે 'કન્યા બતાવવા' લઈ આવે છે. મનોજ ચાંદને ત્યાંથી છોડાવે છે. એટલામાં બલરાજ સાહની સાથે દોસ્તી થઈ જતાં ત્રણે બલરાજના ઘેર રહેવા આવે છે. બબિતાની મમ્મી (સુલોચના લટકાર) કે ભાઈ (શૈલેષકુમાર)ને આવા ગામડીયા મનોજ સાથે પરણાવવામાં કોઈ વાંધો નથી, પણ મનોજની માનેલી બહેન ચાંદ ઉસ્માનીને જોતા શૈલેષનું મગજ ફાટે છે, કારણ કે એક જમાનામાં ચાંદ એની પ્રેમિકા હતી અને લપ છોડાવવા પોતાની જ હોટલના મેનેજર કેશવ રાણાને આદેશ આપે છે, આને વેશ્યાઘરમાં મૂકી આવવાનો. ફિર ક્યા...? મનોજ-બબિતાના મેરેજ બંધ રહે છે. અચાનક મનોજકુમારમાં જેમ્સ બોન્ડ પ્રવેશે છે ને એ ગામડાગીરી કરવાને બદલે 'બોન્ડગીરી' કરીને શૈલેષકુમારનો ભાંડો ફોડી, પોતે તો બબલીને પરણે જ છે, પણ એક જમાનામાં વેશ્યા રહી ચૂકેલી ચાંદ ઉસ્માનીને ય શૈલેષ સાથે પરણાવે છે.

વાંક કદાચ આપણોય નહિ હોય, આવી ફિલ્મો જોયે રાખવાનો ! નીચે આપેલ લિસ્ટ તો જુઓ. એકાદ-બે અપવાદોને બાદ કરતા કેવી હોપલેસ ફિલ્મો ઉતરતી હતી ! પ્રોબ્લેમ એ પણ ખરો કે રાજ-દિલીપ ને દેવનો જમાનો ખતમ થવા આવ્યો હતો ને જીતુ જોરમાં ચાલતો હતો. ધર્મેન્દ્ર કોઈ ગ્રેટ એક્ટર તો એ દિવસોમાં ય નહોતો, છતાં એની ફિલ્મો ચાલતી. આપણો વાંક સગવડતા ખાતર ઓછો એટલા માટે રાખ્યો છે કે, ૭૦-ની સાલનું ભારત કોઈ ખાસ મનોરંજક નહોતું. ઈવન, આપણું અમદાવાદ પણ કિલ્લાઓની અંદર પૂરું થઈ જતું હતું. આશ્રમ રોડ વૈભવી કહેવાતો. રિક્ષા કરવી 'સ્ટેટસ' ગણાતું. શહેરમાં ઘોડાગાડીઓ હજી ચાલતી અને ચીરી નાંખે એવા ભાડા પણ લેતી. આખા ગાંધીરોડ અને રીલિફ રોડ ઉપર ગણીને દસેક હોટેલો તો માંડ હતી. મસાલા ઢોંસા, ઈડલી કે ભેળપુરીથી આગળ બહુ બહુ તો બીજી છ-સાત આઈટમો મળે. પાણી-પુરીવાળાઓનો તો એ જમાનામાં ય દબદબો હતો. દસ પૈસાની ચાર મળે ને મસાલાવાળી તો એ જમાનામાં ય મફત મળતી. એવરેજ યુવાનને ફિલ્મો, ક્રિકેટ અને છોકરીઓથી આગળ ખાસ કોઈ નોલેજ નહોતું. દેવ આનંદ પાછળ ગાંડી છોકરીઓ પોતે હવે બુઢ્ઢી થવા આવી હતી અને જીતુ-ધરમા પાછળ ગાંડા થવાય એવું નહોતું. સુનિલ દત્ત એક એવો એક્ટર હતો, જે ફિલ્મોમાં જોવો ગમે ખરો, પણ ખાસ એના કોઈ ચાહકો જોવા ન મળે.

આ એ વર્ષ હતું, જ્યાં રાજ કપૂરનું સ્વપ્નસમું 'મેરા નામ જોકર' બહુ બુરી રીતે પિટાઈ ગયું હતું. તો બીજી બાજુ દેવ આનંદનું 'પ્રેમ પૂજારી' અને દિલીપકુમારનું 'ગોપી' ધૂમ મચાવતા હતા. યસ, નોવેલ્ટીમાં દેવ આનંદના 'જ્હોની મેરા નામ' પૂરજોશ ધૂમ મચાવી હતી. કહેનારા તો એવું ય કહે છે કે, લોકો દેવ આનંદ કરતા પદ્મા ખન્નાને જોવા વધુ જતા હતા. દેવની જ 'પ્રેમ પૂજારી' ખાસ તો વિદેશના દ્રષ્યો, અદ્ભૂત ફોટોગ્રાફી અને બર્મન દાદાના સંગીતને કારણે ખાસ ઉપડી હતી. ફિલ્મનગરીમાં એક માત્ર સચિનદેવ બર્મન એવા સંગીતકાર હતા જે ગૂજરી ગયા ત્યાં સુધી નિષ્ફળ નહોતા ગયા. દેવ આનંદે પોતે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, એની લાઈફમાં એને સૌથી વધુ ગમેલું ગીત લતા મંગેશકરનું આ ફિલ્મનું 'રંગીલા રે, તેરે રંગ મૈં....' હતું. અફ કોર્સ, એણે પોતાની લાઈફમાં સીધું વણી લીધેલું ગીત તો 'હમદોનોં'નું રફીનું જ, 'મૈં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા...' હતું. પણ બાકીના સંગીતકારોએ વગર ત્રાજવે વેઠ ઉતારી હતી. ફિલ્મ નીચેના લિસ્ટમાં જોઈ જુઓ કલ્યાણજી-આણંદજીની એક સાથે કેટલી ફિલ્મ ચાલતી હતી અને કેટલા ગીતો ઉપડયા હતા !

લક્ષ્મીમાં હેમા-શશી કપૂરનું 'અભિનેત્રી', લાઈટ હાઉસમાં વહિદા-સુનિલનું 'દર્પણ', જેના ચાલુ શૂટિંગે નૂતને ફિલ્મના હીરો સંજીવકુમારને બદતમીઝી કરવા બદલ બધાની વચ્ચે લાફો મારી દીધો હતો. તે ફિલ્મ 'દેવી' અલંકારમાં (એના પછી રાજેશ ખન્નાનું 'કટી પતંગ' આવ્યું), નોવેલ્ટીમાં દેવ આનંદનું 'જ્હોની મેરા નામ', કૃષ્ણમાં માલા સિન્હા-રાજેન્દ્રનું 'ગીત', રીગલમાં કિશોર કુમારના 'સમા હૈ સુહાના સુહાના...'વાળું 'ઘર ઘર કી કહાની', મોડેલમાં દેવ આનંદનું 'પ્રેમ પૂજારી' અને પછી તરત જ દિલીપ-સાયરાનું 'ગોપી', એલ.એન. માં લીના ચંદાવરકર-જીતેન્દ્રનું 'હમજોલી', અશોકમાં બબિતા-જીતેન્દ્રનું 'મેરે હમસફર', રૂપમમાં આશા-મનોજનું 'પૂરબ ઔર પશ્ચિમ'.

યસ. ખાસ ઉલ્લેખ આ વર્ષે આવીને ભારતભરમાં હાહાકાર મચાવી ગયેલી ફિલ્મ 'ચેતના' હતી. અનિલ ધવનની સાથે તદ્દન નવી આવેલી હિરોઈન રેહાના સુલતાનને (પછીથી એના પતિ બનેલા દિગ્દર્શક) બી.આર. ઈશારાએ વેશ્યાનો રોલ આપ્યા પછી, એ જમાનામાં માની ન શકાય એવું પોસ્ટર ભારતની ગલીએ ગલીએ લગાવ્યું હતું. જેમાં રેહાનાના કેવળ બંને ખુલ્લા અને પહોળા પગની વચ્ચેથી મૂંઝાયેલો અનિલ ધવન દેખાય છે. આ ઇશારા સ્વ. મીના કુમારીની શોધ છે. મૂળ એ સ્ટુડિયોના ફ્લોરે-ફ્લોરે હાથમાં ચાની કિટલી લઈને ફરતો, એમાં મીનાકુમારીને કાંઈક સત્વ દેખાયું. કોક દિગ્દર્શકને ભલામણ કરી, છોકરાને કંઈ કામ આપવાની, બાબુરામ દિગ્દર્શકનો કોઈ આઠમો-નવમો આસિસ્ટન્ટ બની ગયો... કિટલી છોડીને કેટલાક વડાપ્રધાન બને છે ને કેટલાક 'ચેતના' બનાવે છે. બાબુરામ ઈશારા જીવનભર ઉઘાડા પગે વગર ચપ્પલે જ ફર્યો છે. રેહાના વિધવા થઈ ત્યાં સુધી બાબુરામને પૂરી વફાદાર રહી હતી. એ પછી ય એ આજે એકલું જીવન વીતાવે છે.

1 comment:

vinod dave said...

some mistake in pair of mere humsafar and purab aur paschim