Search This Blog

30/10/2015

'સાધુ ઔર શયતાન' ('૬૮)

મેહમુદે મધુબાલાને સાચેસાચ ઝૂડી કેમ નાંખી હતી ?
મહાત્મા ગાંધીએ મેહમુદને ગુજરાતીમાં શું કહ્યું ?

ફિલ્મ : 'સાધુ ઔર શયતાન' ('૬૮)
નિર્માતા : મેહમુદ-એ.ભીમસિંઘ
દિગ્દર્શક : એ.ભીમસિંઘ
સંગીતકાર : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીત-સંવાદ : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૭-રીલ્સ: ૧૫૫-મિનિટ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો :મેહમુદ, ભારતી (સાઉથ), કિશોર કુમાર, પ્રાણ, ઓમપ્રકાશ, દુલારી, નઝીર, હુસેન, અનવર હુસેન, મુકરી, અનવર અલી, રણધીર, સુંદર, રામ અવતાર, મજનૂ, કેષ્ટો મુકર્જી, રાજકિશોર, જાનકી દાસ, બબન લાલ, ટુનટુન, માસ્ટર શાહિદ, બૅબી ફૌજીયા, (ક્લબ ડાન્સમાં વિજયા અને લલિતા) ઉપરાંત, મહિપાલ, જીવન, ત્રિલોક કપૂર, નિરૂપા રૉય, લલિતા પવાર અને (મેહમાન કલાકારો : અશોક કુમાર, દિલીપકુમાર, મુમતાઝ, સુનિલ દત્ત, શુભા ખોટેની સાથે મેહમુદનો ભાઈ અનવર અલી.)


ગીતો
૧.નંદલાલ ગોપાલ દયા કર કે, રખ ચાકર....આશા ભોંસલે-ઉષા મંગેશકર
૨.કભી આગે કભી પીછે, કભી ઉપર કભી....મુહમ્મદ રફી
૩.'એ' ફોર ઍપલ, 'બી' ફોર બૅબી...આશા ભોંસલે-મન્ના ડે
૪.મેહબૂબા મેહબૂબા, બના લ્યો મીઝે દુલ્હા....મેહમુદ-મુહમ્મદ રફી

સલમાન ખાન તો હમણા 'બજરંગી' બન્યો, પણ મેહમુદ તો '૬૮ની સાલમાં પોતે ઉતારેલી ફિલ્મ 'સાધુ ઔર શયતાન'માં 'બજરંગ'નો કિરદાર નિભાવે છે. ફિલ્મ ઘણી સામાન્ય અને વાર્તા પૂરી અવાસ્તવિક લાગે છે. રાજીંદર કિશનના સંવાદોમાં કોઇ એકાદ ચમકારો છે. મેહમુદની વધુ પડતી 'લાઉડ' ઍક્ટિંગને બાદ કરતા ઓમપ્રકાશ અને પ્રાણનો અભિનય અસરકારક છે. મેહમુદે જ બનાવેલી ફિલ્મ 'પડોસન'નો મૂળ વિચાર આ ફિલ્મમાંથી મળ્યો હોવો જોઇએ, કારણ કે, કિશોર કુમારની આખી મંડળી અહીં મૌજૂદ છે. આ એ દિવસો હતા, જ્યારે ઇન્કમટૅક્સ કિશોર કુમારની પાછળ પડી ગયું હતું અને કટોકટીમાં કિશોરે ઇન્દિરા ગાંધીનો જયજયકાર બોલાવવાની ચોખ્ખી ના પાડી દીધી, એમાં એ તબાહોબર્બાદ થવા માંડયો (સૌજન્ય: તત્સમયના માહિતી પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લ...! સમજીને એમના નામની આગળ 'સ્વ' લગાવતો નથી.... 'સ્વર્ગ' પરથી વાચકોનો વિશ્વાસ ઉઠી ન જાય માટે !!! ન્યાય જેવું કંઇક ઉપર હોવું જોઇએ, કે એ શુક્લાને હમણાં કોઇ બે-ચાર વર્ષો પહેલા નક્સલવાદીઓએ ફૂંકી માર્યા હતા.), એટલે ન છૂટકે હીરોને બદલે સાઇડ-હીરોના રોલ પણ સ્વીકારવા માંડયો... બસ, આ ફિલ્મ પછી એણે પોતાની જીદ છોડી અને '૬૯-માં ફિલ્મ 'આરાધના'થી ફિલ્મોમાં ગાયક તરીકે પુન:પ્રવેશ નહિ, પ્લૅબૅક-ગાયક તરીકે પહેલી વાર પ્રવેશ કરીને પૂરા ભારતમાં છવાઇ ગયો. મઝહબના નામ પર રફી-કિશોર માટે ઝગડતા રહેતા સંગીતના ચાહકોને એ પણ ખબર નથી કે, આ બન્ને મહાન કલાકારોને એકબીજા માટે એક મિનિટ પૂરતાં ય પૂરી જીંદગીમાં વેર કે ઇર્ષા થયા નથી. કિશોરે એના એક કાર્યક્રમના પ્રારંભમાં રફીનું ફિલ્મ 'ચિત્રલેખા'નું 'મન રે, તુ કાહે ન ધિર ધરે...' શ્રદ્ધાંજલિરૂપે ગાયું છે, એની ઑડિયો આજકાલ મોબાઇલોમાં ફરી રહી છે. ફિલ્મની વાર્તા આમ હતી :

એક સાધારણ બૅન્ક-કૅશિયરની નોકરી કરતા ઓમપ્રકાશના બે નાના બાળકોને એનો નાનપણનો બદમાશ દોસ્ત પ્રાણ ઉઠાવી જવાની પેરવીમાં છે. એ બાળકોને ભણાવવા આવતી ટીચર ભારતી સાથે ટૅક્સી-ડ્રાઇવર મેહમુદને ઇશ્ક થઇ જાય છે.

ભારતીનો ભાઈ કિશોર કુમાર મોટો સંગીતજ્ઞા છે. જુદા જુદા વેશ બદલવામાં માહિર પ્રાણ દોસ્તીને દાવે ઓમપ્રકાશના ઘરમાં રહીને કૅશિયર ઓમ પાસેથી તિજોરીની ચાવીની ડૂપ્લિકૅટ બનાવીને બૅન્ક લૂંટે છે, જેનો આરોપ ઓમ પર આવે છે. આ બાજુ બૅન્ક લૂંટીને ભાગવા જતા પ્રાણનું ઓમપ્રકાશને હાથે મેહમુદની ખાલી ઊભેલી ટૅક્સીમાં અજાણતામાં ખૂન થઈ જાય છે. ગભરાહટમાં ઓમ પ્રાણે લૂંટેલી બૅગ લઇને નાસતો ફરતો રહે છે, જેથી બૅન્કના મૅનેજર નઝીર હૂસેનને પ્રાણે ચોરેલો માલ આપી દઇ શકાય. પ્રાણનું શબ મેહમુદની ટૅક્સીમાં પાછલી સીટ નીચે પડેલું હોવાથી મેહમુદને એની ખબર હોતી નથી ને એ વિવિધ પૅસેન્જરોને ટૅક્સીમાં બેસાડે છે, એમના હાલ કેવા થયા હશે, એ કૉમેડી ફિલ્મ જોવાથી જોવા મળે. પણ પૂરી ફિલ્મમાં પ્રાણનો અડધો રોલ એની લાશે કર્યો હોવાથી એમ પણ કહેવાય કે આ ગ્રેટ ઍક્ટર જ નહિ, એની લાશ પણ ઍક્ટિંગ કરી શકતી.

હીરોઇન ભારતી મૂળ તો કન્નડા ફિલ્મોની ઍક્ટ્રેસ અને ત્યાંના સુપરસ્ટાર સ્વ. વિષ્ણુવર્ધનની પત્ની મૂળ તો મરાઠી મૂલગી હતી. ઘરમાં મરાઠી બોલાતું. ફિલ્મોમાં એને પ્રવેશ વ્હી.શાંતારામે ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોં ને'માં અપાવ્યો. હિંદી ફિલ્મો 'સુરજ,' 'ઘર ઘર કી કહાની,' 'દો કલીયાં'. 'મસ્તાના' અને 'પૂરબ ઔર પશ્ચિમ'માં પણ એ હતી.

'સાધુ ઔર શયતાન'ના ટાઇટલ રોલ્સ ઓમપ્રકાશ અને પ્રાણે કર્યા છે. બન્ને ઍક્ટર તરીકે બેશક ગ્રેટ હતા. મેહમુદે આખી ફિલ્મ પોતાની સાથે સાથે આ બન્ને પાસે મજબુતીથી ઉપડાવી છે. પ્રાણ મુંબઇના બાંદરાના યુનિયન પાર્કમાં રહેતો, ત્યાં ઘણા ફિલ્મ કલાકારો રહેતા, પણ ક્રિકેટની જેમ ફિલ્મોમાં પણ શુકન-અપશુકનની સ્ટોરીઓ અધિકારપૂર્વક સાચી મનાય છે, એ મુજબ, આ યુનિયન પાર્ક એ બધા કલાકારોને ખૂબ નડયો. શશીકલા અને તેના પતિ ઓમપ્રકાશ સેહગલ (જે મહાન ગાયક સાયગલના કુટુંબી હતા) મુશ્કેલીમાં આવી ગયા ને શશીકલા સાધ્વી બનવા હિમાલય તરફ ઉપડી ગઇ. ઍક્ટ્રૅસ પૂર્ણિમાનો પતિ અને નિર્માતા ભગવાનદાસ વર્મા અને નાનાભાઈ ભટ્ટ (મહેશ ભટ્ટના પિતા....જેની મુસ્લિમ માં સાથે નાનાભાઈએ અનૌરસ લગ્ન કર્યા હોવાથી મહેશ ભટ્ટ પોતાને 'બાસ્ટર્ડ' કહેવડાવે છે.) દેવાળીયા થઇને મકાન-મિલ્કત વેચતા ગયા. કૉમેડિયન ગોપ અહીં આવ્યા પછી ફિલ્મોમાંથી ફેંકાવા માંડયો. નાદારી નોંધાવવાનો આઘાત જીરવી ન શકતા હાર્ટ-ઍટૅકથી મર્યો. વિલન સજ્જન અને દિગ્દર્શક એમ. સાદિક ગોપની જેમ દેવાળીયા થઇને મર્યા, પણ દુ:ખદ મૌત જૂની ફિલ્મોના હીરો તલવારબાજ રંજનનું થયું, જેણે પોતાના મકાનની બારીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી.

ગીતકાર રાજીન્દર કિશને આ ફિલ્મના ગીત-સંવાદો લખ્યા છે. મેહમુદ માટેની બધી ફિલ્મોમાં એમણે લખેલાં સંવાદો ઘણા હાસ્યરસિક બન્યા છે. અહીં એ કિશોર કુમારને પૂછે છે, ''આપ હમારે શો મેં પધાર કર ઉસકી 'શોભા ખોટે' બઢાયેંગે...?'' લક્ષ્મીકાંત-પ્યારેલાલ આમ તો હજી નવા નવા હતા અને મેહમુદ રાહુલદેવ બર્મનનો જીગરી દોસ્ત. 'છોટે નવાબ'ની માફક આર.ડી.એ. મેહમુદની ફિલ્મ 'ભૂત બંગલા' અને તે પછીની કે 'પડોસન'ની જેમ ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં પંચમને સંગીત સોંપ્યું. પંચમ છેલ્લે છેલ્લે બધે વેઠ ઉતારવા માંડયો, એટલે મેહમુદે રાજેશ રોશનને ફિલ્મ 'કૂંવારા બાપ'થી કામ સોંપ્યું, પણ આમ પોતાની નવી નવી લગભગ બધી ફિલ્મોમાં ઉત્તમ સંગીત આપનાર લક્ષ્મી-પ્યારે અહીં તદ્દન નિષ્ફળ ગયા અને મેહમુદે એમને ફરી યાદ ન કર્યાં.

આમ તો, મુહમ્મદ રફી જ્હૉની વૉકર માટે અને મન્ના ડે મેહમુદ માટે નક્કી જ હોય. પણ અહીં રફીએ ટિપિકલ મેહમુદીયન-લહેજામાં 'મેહબૂબા મેહબૂબા, બના દ્યો મીઝે દુલ્હા....' ગાઇને સાબિત કરી આપ્યું હતું કે, આ મહાન ગાયક હીરોલોગ તો ઠીક, કૉમેડિયનો માટે ય એમને લાયક ગાઇ શકે છે.

આ ફિલ્મમાં મુંબઇની પ્રખ્યાત હાઇસ્કૂલ 'ડૉન બૉસ્કો' બતાવવામાં આવી છે, જેમાં શશી કપૂર જેવા અનેક ફિલ્મ કલાકારો ભણી ચૂક્યા છે.

મેહમુદ મારો કાયમી લાડકો કૉમેડિયન અને ઍક્ટર હતો. ચોક્કસપણે હજી સુધી એના જેવો વિવિધ પ્રતિભાવાળો હિંદી ફિલ્મોમાં બીજો કોઇ કૉમેડિયન મારે જોવાનો બાકી છે. એક સર્જક તરીકે પણ એનું મૂલ્યાંકન ઊંચુ કરવું પડે. એણે પોતે બનાવેલી ફિલ્મોમાં ય ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. અલબત્ત, આ ફિલ્મની જેમ અનેક ફિલ્મોમાં એણે...પેલી પોળોની ભાષામાં ઘણી 'ઓવરઍક્ટિંગ' કરી છે. એની પડતી ખાસ ત્રણ કારણોથી થઇ. એક અચ્છો કૉમેડિયન હોવા છતાં અનેક વાર એ વલ્ગેરિટી ઉપર ઉતરી આવતો. બીજું, '૬૦-ના એના જામેલા દશકમાં એ ફિલ્મના હીરો કરતા ય વધુ વેતન માંગવા માંડયો અને ત્રીજું, પોતાના શાનદાર અભિનયથી એ ફિલ્મના હીરોલોગને ય ઢાંકી દેતો, એટલે રાજેન્દ્ર કે મનોજ જ નહિ, દિલીપકુમારે ય એની સાથે કામ કરવામાં લઘુતાગ્રંથિ અનુભવતા હોવાથી ના પીડા દેતા. (આ ફિલ્મમાં દિલીપ કુમાર મહેમાન કલાકારના રોલમાં મુમતાઝની સાથે આવે છે, જેનું શૂટિંગ દિલીપ કુમારના પાલી હિલ બંગલાની બહાર કર્યું છે. આ બન્ને ગ્રેટ કલાકારો પહેલી અને છેલ્લી વાર એકબીજા સાથે આવ્યા. દિલીપને પણ રાજ કપૂર અને દેવ આનંદની જેમ મેહમુદ પસંદ નહતો.)

મેહમુદ બહુ નાલાયક ગરીબીમાં ઉછર્યો છે. ચર્ચ ગૅટથી મલાડની લૉકલ-ટ્રેનોના ડબ્બે ડબ્બે ફરીને એ ચૉકલૅટ-કાંસકા વેચતો. ગીતકારો ભરત વ્યાસ, રાજા મેહન્દી અલીખાન, જી.એસ. નેપાલી, પી.ઍલ. સંતોષી, ફિલ્મ 'કિસ્મત'ના દિગ્દર્શક જ્ઞાાન મુકર્જી અને બારે માસ રોતડા ચરીત્ર કલાકાર નઝીર હૂસેનના ડ્રાયવર તરીકે મહિને રૂ. ૭૫/-ના પગારની નોકરી કરી ચૂક્યો છે. મીના કુમારી અને એની બહેન મધુરી (મૂળ નામ 'મેહલેકા-'જે મેહમુદની પ્રથમ પત્ની બની)ને ટૅબલ-ટૅનિસ શીખવવા જતો, જેના મીના મહિને રૂ. ૧૦૦/- આપતી. દારૂડીયા બાપ પાસે એની માં ની સાથે રોજ બેશુમાર માર ખાતો મેહમુદ મર્યો ત્યારે અબજોપતિ હતો, છતાં એના ભાઇઓ અને સગી બહેનોએ એની સાથે બહુ મોટા દગાફટકા કર્યા હતા, એવું એ કહેતો.

સંપૂર્ણ ઓફિશિયલ નિવેદન આપીને મેહમુદે ભારતમાં રહેતા, પણ પાકિસ્તાનને વફાદાર રહેતા, જે કોઇ મુસલમાનો હોય, એ બધાને પાકિસ્તાન ભેગા થઇ જવાની ચીમકી આપી છે. એવા લોકોને મેહમુદે ચોખ્ખું કહી દીધું છે કે, આપણે ભારતના સંતાનો છીએ, અને વફાદારી ભારત માટે જ હોવી જોઇએ. મેહમુદની સગી બહેન ઝૂબેદા (જેની સાથે શરૂઆતમાં અમિતાભ બચ્ચનનું સૌથી પહેલું લફરૂં થયું હતું અને બન્ને ખૂબ આગળ વધી ગયા હતા) પાકિસ્તાનમાં રહેતી હોવાથી મેહેમુદ લાઇફમાં એકવાર પણ ત્યાં ગયો નથી. એણે ચોખ્ખું લખ્યું છે કે, 'પાકિસ્તાન સારો દેશ નથી.' ત્યાં ભારતના જ મુસલમાનો જાય, તો એમને સ્વીકારવામાં આવતા નથી.

મધુબાલા, કિશોર કુમાર અને મેહમુદ બાળપણમાં બૉમ્બે ટૉકીઝના સ્ટુડિયોમાં સાચેસાચ 'ઘર-ઘર' રમતા. દાદામોની (અશોક કુમાર) માટે તો આ સ્ટુડિયો ઘર જેવો હતો. મેહમુદના વાલિદ (પિતા) મુમતાઝ અલી બૉમ્બે ટૉકીઝની મોટા ભાગની ફિલ્મોમાં ડાન્સર તરીકે કામ કરે અને જુગારી અતાઉલ્લાહ ખાન પોતાની નાનકડી દીકરી મુમતાઝ (જે પછી મધુબાલા બની) અમિયા ચક્રવર્તીની ફિલ્મ 'બસન્ત'માં કામ કરતી હોવાથી આ ત્રણે ય ના બાળપણ આ સ્ટુડિયોના પ્રાંગણમાં વિત્યા. પણ 'ઘર-ઘર'ની રમતમાં મધુબાલાનો પતિ કોણ બને, એ મામલે મધુએ કિશોરની પત્ની બનવાનું નક્કી કર્યું, એમાં ખીજાયેલા મેહમુદે મધુબાલાને બેરહેમ મારી ફટકારી. ભારે ગુસ્સાવાળા અતાઉલ્લાહે મેહમુદની માં લતિફૂન્નિસાને ફરિયાદ કરી. જવાબ મળ્યો, ''એના વાલિદને આવવા દો. રોજ એને ઝૂડે તો છે જ....આજે વધારાનો !''

બહુ ઓછાને ખબર હશે કે, પ્રસિદ્ધ ગીતકાર હસરત જયપુરીની સગાઇ મેહમુદની સગી બહેન ખૈરૂન્નિસા (શાનો) સાથે થઇ હતી, પણ હસરતના માં-બાપ વિશે અખબારોમાં હોબાળો મચ્યો કે, 'હસરત જયપુરી કોઇ વેશ્યાનો દીકરો છે,' એમાં સગાઇ તોડવી પડી. એ પછી શાનો એક પાકિસ્તાનીને પરણીને ત્યાં જતી રહી. એ શાનોના પુત્ર નૌશાદ સાથે ગુરૂદત્તની પુત્રી નીના પરણી છે. એમ તો, અમિયા ચક્રવર્તીની ફિલ્મ 'જ્વાર ભાટા' દિલીપની સૌથી પહેલી ફિલ્મી હતી ને મુમતાઝ અલી આ ફિલ્મ સાથે જોડાયા હતા. એમને દિલીપ અને દિલીપને એમની દીકરી ગમી ગઇ. મેહમુદની આ બીજી બહેન હૂસેનીની સગાઇ દિલીપકુમાર સાથે થઉ થઉ કરતા રહી ગઇ. યુસુફ ખાન (દિલીપ)ને અનવર ખાન નડયો, જે દિલીપ કરતાં વધારે ધનવાન અને સોહામણો હતો, એમાં હૂસેની અનવરને પરણીને પાકિસ્તાન જતી રહી. અનવર ખાન બૉમ્બે ટૉકીઝમાં કૅન્ટિન ચલાવતો અને ખૂબ કમાયો હતો.

એક જમાનામાં આપણા 'જાની' રાજકુમાર જ્યાં રહેતો, તે કૉમ્પલૅક્સને 'જાનકી કુટિર' કહેવાય છે. (મીના કુમારી પણ અહીં રહેતી.) બરોબર શશી કપૂરના પૃથ્વી થીયેટર્સની બાજુમાં. પણ એ જમાનામાં એને 'ઍન્કર કૅબિન' કહેવાતી ને મહાત્મા ગાંધી ત્યાં ઉતરતા. નાનકડા મેહમુદની સ્કૂલમાંથી જુહુ બીચ પર પિકનિક હતી ને 'બાપૂ'નું ત્યાં પ્રવચન હતું. સ્કૂલના બાળકો કતારમાં ઊભા રહીને એક પછી એક બાપૂને મળતા ગયા. મેહમુદ આમે ય નાનપણથી ભારે તોફાની બાપુને ગમી ગયો એટલે પાસે બોલાવી ને ખોળામાં બેસાડયો. ગુજરાતીમાં પૂછ્યું, ''તારૂં નામ શું છે ?'' જવાબમાં નામ આપવાને બદલે મેહમુદે પોતે મુમતાઝ અલીનો પુત્ર હોવાનું જણાવ્યું. (ફિલ્મ 'કૂંવારા બાપ'ના હિજડા ગીતમાં મેહમુદે પોતાના બાપને પીધેલા ગરીબની અવસ્થામાં મુહમ્મદ રફીના કંઠે પ્લૅબૅક અપાવ્યું હતું.) કારણ કે, એ જમાનામાં મુમતાઝ અલીનું નામ પૂરા ભારતમાં પ્રખ્યાત હતું. બાપૂ પણ નામથી પરિચિત હતા. તેમણે મેહમુદને ગુજરાતીમાં જ અક્ષરસ: આમ કહ્યું, ''તું તારા બાપથી વધારે નામ કરીશ ત્યારે હું જાણી લઇશ કે, તારૂં નામ શું છે !'' એ તો મહાત્મા હતા. એમના આશીર્વાદ કેવા અને કેટલા બધા સાચા પડયા !

મેહમુદની સૌથી પહેલી મોટા ગજાંની ફિલ્મ 'છોટી બહેન'માં સાથે કામ કરતા હીરોઇન નંદા (એ પોતાને 'નંદા' નહિ, 'નંદિની વિનાયક કર્ણાટકી'ના નામથી ઓળખાવવાનું વધુ પસંદ કરતી.) અને મેહમુદ સાચ્ચે જ સગા ભાઇ બહેન જેવા લાઇફ-ટાઇમ બની રહ્યા. મેહમુદ વિશેની બાયોગ્રાફીની પ્રસ્તાવનામાં નંદાએ આ ભાઇ અંગે પોતાનો ઉમળકો લખતા જણાવ્યું હતું કે, 'મેહમુદ પક્કો મુસલમાન હોવા છતાં એ ચુસ્ત શિવભક્ત પણ હતો.' આપણા ગુજરાતના મોટા અંબાજીમાં એને પૂરી શ્રદ્ધા. આશા ભોંસલેની જેમ મેહમુદ પણ અનેક વખત અંબાજીની યાત્રાએ જઇ આવ્યો છે. નંદાએ પોતે એ પણ લખ્યું છે કે, રાજેન્દ્ર કુમાર અને મનોજ કુમારને મેહમુદ સહેજ પણ ગમતો નહિ અને એને ફિલ્મોમાંથી કઢાવવા આ બન્નેએ પૂરા પ્રયત્નો કર્યા હતાં.

બસ. છેલ્લે છેલ્લે એના ચાહકોને અને દેશભક્તોને મેહમુદ નિરાશ કરતો ગયો. ક્રિકેટના સટ્ટામાં એ ડૉન દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ બની ગયો હતો.

No comments: