Search This Blog

28/10/2015

કિશ્તી પાછી મળી...

એ ચુસ્ત હતો. સિગારેટ પણ કાંદા-લસણ વગરની પીતો. આજ સુધી બધે એ 'આઇ લવ યૂ'ને બદલે, કેવળ 'જય માતાજી' બોલતો. શરીરમાં થોડુંઘણું પટેલપણું પ્રવેશ્યું હતું. સાવ બાજુના જ પડોસી ખુ.ચી. દેસાઇને કોરીધાકોડ ચાર દીકરીઓ હતી અને જાણવા છતાં કે, દેસાઇ હવે નવો ક્વૉટા બહાર પાડી શકે એમ નથી છતાં, એ ચારમાંથી એકમાં અનામત માંગવા હક્કથી ટોળું લઇને એ ગયો હતો...ઝંડા ઊંચા કરીને ! પણ પ્રેમ અથવા પ્રેમો કરવામાં એ પાકો બ્રાહ્મણ હતો. ચુંબન-બુંબન બધું પછી આવે... કંઈ પણ કરતા પહેલા ગાયત્રીનો મંત્ર પહેલા બોલી જવાનો. કહે છે કે, એમ કરવાથી ઉચ્ચારની જેમ શ્વાસો પણ શુધ્ધ આવે.

તો એ ધાર્મિક જરા બી નહિ, પણ ટીવી-ન્યૂસમાં જ્યારથી 'રાધે મા'ને જોયા ત્યારથી એમનો ભક્ત બની ગયો. કહે છે કે, ખાસ એમના દર્શનાર્થે જઇને રાધે મા ને બન્ને હાથમાં ઊચકી આવ્યો હતો. એમ કરવાથી એને બહુ પૂણ્ય મળ્યું હતું. એ આમાંની ગમે તે જ્ઞાતિનો હશે, પણ ચરીત્રનો શુધ્ધ માણસ. એક સમયે ફક્ત એક જ પ્રેમિકા...બીજી બધી સાળીઓ બરોબર એટલે કે BKA (એટલે કે, 'ભવિષ્યમાં કામમાં આવશે'- સૂચના પૂરી)

એમ તો પાછી ઘરમાં એક વાઇફ ફિટ કરાવી રાખેલી અને એને રાખતો ય બહુ સારી રીતે. ઘરમાં એનું ચરીત્ર બહુ ઊજળું. ક્યાંય કલંકિત ડાઘ નહિ...બસ...ઘરની બહાર નીકળ્યા પછી કોઇ ગૅરન્ટી નહિ ! વાઇફ બિચારી સમજે કે, 'છોકરૂં છે...ઘડીભર તોફાન કરી લે...પણ સાંજ સુધીમાં કબુતરૂં તો ઘરે પાછું આવવાનું જ છે !' અર્થાત્, એની વાઇફ વધારે સ્માર્ટ છતાં પ્રૅક્ટિકલ બહુ કે, પુરૂષ ઘરની બહાર નીકળે, એટલે એની આંખો ચકળવકળ થવાની જ છે. ફક્ત આટલા કારણે ઘરસંસાર નહિ બગાડવો.

એ ય જાણતી'તી કે, રૂપિયો ખોટો છે...ક્યાંય ચાલવાનો નથી. ઘેર બેઠા આપણે શું કામ જીવો બાળવા ? (એક હોય તો ગુજરાતીમાં ફક્ત 'જીવ બાવળો' શબ્દો લખાય...ઘણીઓ માટે બાળવાના હોય તો, 'જીવો બાળવો' શબ્દપ્રયોગ લખાય... વ્યાકરણ-શિક્ષણ પૂરૂં)

હજી આપણે એનું નામ જાણ્યું નથી. કલબમાં દોસ્તો એને 'ભૂપ્પી' કહેતા. કલબોમાં આજકાલ 'ભૂપેન્દ્ર' કે 'મહેન્દ્ર' જેવા નામો નથી ચાલતા....કલબની બહાર ઊભા રહેતા ચા ની લારીવાળાના આવા નામો હોય છે. ગુજરાતની 'ક્લબોભરના મહેશો હવે 'માહી' નામથી ઓળખાય છે, તે તમારી જાણ સારૂં. એ બાજુમાંથી નીકળ્યો હોય તો ટેબલ પર બેઠેલા બધા દોસ્તો આડું જોઇને બૂમ પાડે, ''અલ્યા મહેશ...બે કૉફી લેતો આય...સુગર જુદી...!'' ત્યારથી આ લોકો ભૂપ્પી અને માહી બની ગયા.

ક્લબ કલ્ચરમાં 'ચોક્સી' અટકવાળાઓ 'સૅક્સી' તરીકે ઓળખાય છે, એમ અજીતસિંહ કહે છે. મહેન્દ્ર ઉર્ફે મહેશ ઉર્ફે માહી માટે યારદોસ્તો ખીજાણા હોય ત્યારે કોઇ વાતમાં, ''અરે એ મહી ગયો...'' બોલી નાંખતા, એ મહેશ કે મહેન્દ્રને....સૉરી, માહીને ગમતું નહિ.'

ભૂપ્પી આજે આંખોમાં જીવદયા નેત્રપ્રભા છાંટવાનું ભૂલી ગયો હતો, એટલે આંખોને ઠંડક આપવા સી.જી. રોડ પરના સમૃધ્ધ શૉપિંગ-મૉલમાં આંટો મારવા ગયો હતો. ત્યાં સારી સારી આઇટમો જોવા મળે. લેવાની ક્યાં હોય, એટલે ખર્ચો ય નહિ...અને નસીબ સારૂં હોય તો, કહે છે કે પંદર દહાડા વાપરીને પાછી આપી આવો...પૂરા પૈસા પાછા...અફ કૉર્સ, સ્ત્રીઓ માટે પુરૂષોને જોવા એ 'વિન્ડો' નહિ પણ 'વિડો (Widow) શૉપિંગ કહેવાય, એટલે ઑબ્વિયસ છે કે, ભૂપ્પીનો ક્યાંય ચાન્સ લાગે નહિ !'

...અને માટે જ, ભૂપ્પી મૉલમાં સ્ત્રીઓના વિભાગમાં બહુ ફરતો. ચાલવાનો એને બહુ શોખ. કહે છે કે, ચાલવાથી સ્વાસ્થ્ય સારૂં થાય છે...ખાસ તો આંખોને ઠંડક મળે છે. (આ 'ચાલવાનું' શૉપિંગ-મૉલ પૂરતું છે...પરોઢીયે છાપાવાળા નીકળી પડે, એમ રોજ ઘેરથી સ્પૉર્ટ્સ-શૂઝ અને ચડ્ડો પહેરીને નીકળી પડતા 'ચાલુઓની' વાત નથી...આવશ્યક સૂચના પૂરી)

પિકાસોના પૅઇન્ટિંગ્સનું ચિત્ર-પ્રદર્શન જોવા નીકળ્યો હોય એમ નહિ, રતન પોળમાં કાપડના તાકા જોવા નીકળ્યો હોય, એમ ભૂપ્પી મૉલમાં ફરતો હતો. કોઇ સારી દેખાઇ પણ જતી, પણ આપણી ઉપર એની નજર પડે, ત્યારે સ્વભાવની કડક લાગતી, એટલે ગાડીના પ્લૅયરમાંથી સીડી બહાર નીકળે, એમ ભૂપ્પી નજર પાછી ખેંચી લેતો....સીડીઓની ક્યાં ખોટ છે...ઢગલે ઢગલા પડયા છે...આ તો એક વાત થાય છે ! સીડી અને સાડી વચ્ચે આટલો ફરક..સીડી જોઇએ એટલી ઢગલે ઢગલા મળે ને સાડી મોટા ઢગલાવાળી ય માંડ મળે ! કોઇ પંખો ચાલુ કરો.

વ્હિલ-પાવર ટાયર-પંચરવાળાને કામમાં આવે છે, પણ 'વિલ-પાવર' શૉપિંગ-મૉલમાં ફરનારાઓને કામમાં આવે છે. અહીં એવું જ થયું. સાવ છોકરી ય ન કહેવાય અને પ્રૌઢા પણ ન કહેવાય, એવી એક બેહદ ખૂબસૂરત સ્ત્રી ઉપર ભૂપ્પીની નજર, કાગળના ઍરોની માફક ઊડતી ઊડતી જઇને ચોંટી ગઇ. માય ગ્ગૉઓઓ...ડ! સાલી માની ન શકાય એટલી સુંદર હતી. હાઈટ અને ફિગર પરફૅક્ટ. જીન્સ તો બસ...વર્લ્ડનું આ છેલ્લું જીન્સ બન્યું હશે...કંપનીવાળાઓ તો ગમે તેટલા મોંઘા અને અદ્ભૂત જીન્સ બનાવે, પણ એને પહેરનારીઓ ય મળવી જોઇએ ને ? આ છેલ્લી મળી હશે. ભૂપ્પીને ખૂબ ગમતી આજકાલની પેલી 'બ્લન્ટ હૅર-સ્ટાઇલ' પેલીએ કરી હતી.

('બ્લન્ટ' એટલે છોકરીએ માથામાં સહેજ સાઈડમાં સેંથી (parting) પાડીને એ સીધા વાળ કાન નીચે ઝૂલતા હોય, પણ સેંથીની બીજી તરફના વાળ, પેલી બાજુ કરતા વધુ લાંબા અને ગળા તરફ વળતા હોય. છોકરીનો ચહેરો ય આસાનીથી દેખાય નહિ. યસ. પાછળ બોચી ઉપર પુરૂષોની જેમ વાળ કાપેલા હોય, લટકતા નહિ!) ભૂપ્પીને આ બ્લન્ટ-હૅરસ્ટાઇલ બહુ ગમવા માંડી હતી. એ પોતાને માટે આવી સ્ટાઇલ કરાવી શકે એમ નહતો ને ઘરમાં વાઇફની હૅરસ્ટાઇલ તેલવાળા માથામાં 'બ્લન્ટ' નહિ, 'ઘંટ' લટકતો હોય એવી લાગતી.

જગતભરના ગોરધનોને, વાઈફ ગમે તેટલી સુંદર હોય....બીજીઓની સરખામણીમાં ક્યારેય ગમી છે...? (તમે તો વાચકો, કાંઇ બોલતા જ નહિ...બહારવાળી તો 'મહાત્મા ગાંધી-કટ'ની હૅરસ્ટાઇલવાળી હોય તોય તમે ઘરવાળી સામે જોવાના નથી....અમે જોઇએ છીએ...???)

અમદાવાદથી રાજકોટ જતા ચોટીલાનો ડુંગર આવે છે...બસ, એવા બે ડુંગરો સાથે સાથે ગોઠવ્યા હોય, એવી કમાલ આ જીન્સના પાટલૂને કરી આપી હતી. ભૂપ્પી હિમ્મત કરીને નજીક પહોંચ્યો. તમારા જોવામાં આવ્યો હોય તો કાગડો હંમેશા આડા પગના બબ્બે ઠેકડા મારીને ઘટનાસ્થળે પહોંચે અને પહોંચીને ડોકી ચારે બાજુ ઘુમાવી જુએ કે, આસપાસમાં પોતાની કાગડી તો ગોઠવાઇ નથી ને ? એ ધોરણે ભૂપ્પી સૅઇફ હતો. બધું સાફસુથરૂં હતું...સ્વચ્છતા અભિયાન, યૂ નો ?

પણ ભૂપ્પી જેવો નજીક પહોંચ્યો અને પેલીએ એની સામે જોયું, તો બન્ને ચોંકી ગયા...પેલીના ગળામાંથી 'ઉઇઇઇ....' અને આનામાંથી, 'માય ગૉડ' નીકળી ગયું.

આ તો કિશ્તી હતી. સ્કૂલમાં ધો.૬-બ માં સાથે હતી એ! દસમા સુધીમાં તો બન્નેને પ્રેમો ય થઇ ગયેલા અને નવરા હોય તો બન્નેએ એકબીજા સાથે બારમા પછી લગ્ન કરવાના વચનો ય આપી દીધા હતા, એ કિશ્તી. બન્નેમાંથી એકે ય ને યાદ નહોતું કે, આપણે પરણી કેમ ન શક્યા ! કિશ્તીના ડૅડે ભૂપ્પીને જોઇને ''આને આપણા ગેરેજમાં રાખી લો !'' ય કીધું નહોતું ને ભૂપ્પીના ફાધર-મધરને ય વાંધો નહતો. દેખાવમાં એમ પાછી કાંઇ નાંખી દેવા જેવી નહોતી, પણ તો ય...જ્ઞાતિના ગોડાઉનમાં વધેલો-ઘટેલો ઘણો માલ પડયો હતો, એટલે કદાચ ભૂપ્પી-લોકો આગળ નહિ વધ્યા હોય.

એ વાતને તો પછી વર્ષો થઇ ગયા. આજે પાંચ-છ વર્ષે કિશ્તીને જોઇ....ઓહ ન્નો, સાલી કેવી ભોદા જેવી હતી ને અત્યારે કેવી સૅક્સી થઈ ગઇ ? ભૂપ્પી એટલી હદે તાનમાં આવી ગયો કે, ગોરમહારાજને બદલે શૉપિંગ-મૉલનો વૉચમૅન ફેરા ફેરવાઇ આપે, તો અત્યારે ને અત્યારે તૈયાર, બૉસ !

કિશ્તીને ય ભૂપ્પી ગમતો તો હતો જ અને અત્યારે ય કોઇ ભાવ નહોતી ખાતી. આટલા વખતે મળ્યા પછી શરમના માર્યા, જે નજર જમીન પર જવી જોઇએ, એ ગઇ. ભૂપ્પી નાકમાંથી બોલતો એટલું જ, બાકી દેખાવમાં કાઢી નાંખવા જેવો આજે ય નહતો. કિશ્તીએ કંઇ પણ પૂછવાને બદલે બસ, કીડી હસે એટલું સ્માઇલ આપીને ભૂપ્પીને સામું સ્માઈલ આપવાનું ઈન્વિટેશન આપ્યું. એની પાસે તો આમે ય વપરાયા વિનાના પડી રહેલા સેંકડો સ્માઇલો પડયા હતા અને જેટલા વપરાયા હતા એમાં, ''યૂ રાસ્કલ....'' જેવી ગાળો ખાવાની આવી હતી.

''કિશ્તી...તું...?'' કેમ જાણે કિશ્તીને બદલે એનો ઍક્સ-રે જોઇ રહ્યો હોય એવા આશ્ચર્યથી ભૂપલો બોલ્યો.

એ તો નસીબ સારૂં અને ઘણું સારૂં કે, બીજી કોઇ વાત થાય એ પહેલા ભૂપ્પીએ પોતાના સૅલફૉનવાળું કાર્ડ કિશ્તીને આપી દીધું, નહિ તો કાચી સેકન્ડમાં કિશ્તીએ ગભરાઇને, ''ચલ, પછી ફોન કરીશ...મારો હસબન્ડ આવી રહ્યો છે,'' કહીને ખસી ગઇ.

(વધુ બકવાસ ભાગ, આવતા અંકે)
(Go to Part II)

સિક્સર
ઉપરનો લેખ જે વાચકને ગમશે, તેને લેખક તરફથી બે દાણા મોંઘીદાટ તુવેરની દાળના આપવામાં આવશે. ઘેર આવીને લઇ જવા. બહુ વધારે પડતો ગમ્યો હશે તો એક દાણો વધુ આપવામાં આવશે. રકઝક કરવી નહિ.

No comments: