Search This Blog

04/10/2015

એનકાઉન્ટર : 04-10-2015

* તમારા પત્ની ભવોભવ પતિ તરીકે તમને જ માંગે, તો કેવું ફીલ કરો ?
- ખૂબ સારૂં. મારા જેવા સ્ટુપિડને તો આવી જ પત્ની ચાલે !
(હર્ષદ વ્યાસ, નવી મુંબઈ)

* 'એનકાઉન્ટર'ને આટલા વર્ષો થયા... બધું મળીને કેટલા એનકાઉન્ટરો થયા હશે ?
- બધા 'મળવાના' થયા છે !
(દીપ રાવલ, પૂણે-મહારાષ્ટ્ર)

* 'બધા મુસલમાનો દેશભક્ત છે', એ મોદીના વિધાન સાથે તમે સહમત છો ?
- માત્ર હું જ નહિ, દેશના તમામ હિંદુઓ પણ સ્વીકારે છે કે, બધા મુસલમાનો ભારતના દેશભક્ત છે. આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો. જે આતંકીઓ છે, એમનો કોઈ ધર્મ નથી હોતો.
(ધવલ પટેલ, અમદાવાદ)

* મારી રાશિ મીન (દ-ચ-ઝ) છે, પણ નામ નિલેશ છે, તો મારે શું કરવું ?
-'ચીલેશ' કે 'ઝીલેશ' પાડી દો.
(નિલેશ શાહ, મુંબઈ)

* અમારે અહીં ચંદીગઢમાં પોલીસ હેલમેટ વગર મોટરબાઈક ચલાવવા દેતી નથી, તો શું કરવું ?
- બાઈક ઘેર રાખીને એકલી હેલમેટ લઈને બહાર નીકળવું.
(ગોપાલ ભગીયા, ચંદીગઢ)

* પાકિસ્તાનના રૂંવાડા ઊભા થઈ જાય, એવી કઈ સજા ગીલાનીને કરવી જોઈએ ?
- એની પાસે 'ભારત માતા કી જય' બોલાવો.
(મધુકર મેહતા, વિસનગર)

* ભૂદેવો જનોઈ શેને માટે પહેરે છે ?
- કેટલાક લોકો ભણીગણીને જ્ઞાાની થાય છે... તો કેટલાક જન્મથી જ ભૂદેવ હોય છે.
(હિતેશ ઉપાધ્યાય, જામનગર)

* પાકિસ્તાની ક્રિકેટરોને ઈંગ્લિશ બોલવાનું કેમ ફાવતું નથી ?
- બોલવાનું ય ક્યાં ફાવે છે ?
(ભૂપેનગીરી ગોસ્વામી, જૂનાગઢ)

* મોદી સાહેબની જેમ તમે વર્લ્ડ-ટૂર પર ક્યારે ઉપડવાના ?
- મને એકની એક જગ્યાએ વારંવાર જવું ન ગમે.
(ડૉ. મહેશ પડાયા, અકવાડા-ભાવનગર)

* કેજરીવાલ કહે છે, 'ભગવાન મારી સાથે છે.' એ એમ કેમ નથી કહેતા કે, 'દિલ્હીની પ્રજા મારી સાથે છે ?'
- દિલ્હીની પ્રજા મારી 'પાછળ' છે, એમ કહેવાય એવું નથી.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* કાશ્મિરમાં હુરિયત નેતાઓ દ્વારા પાકિસ્તાની ઝંડા લહેરાયા... સુઉં કિયો છો ?
- એ મારે નહિ... મોદી સાહેબે કહેવાનું છે.
(જસ્મિન ભીમાણી, રાજકોટ)

* તમારી જરૂરત રાજકારણમાં વધારે છે, એવું તમને નથી લાગતું ?
- કયા એન્ગલથી હું તમને બદમાશ લાગ્યો ?
(ગૌતમ વાઢેર, રાસ-બોરસદ)

* વિદેશમાં હોર્ન વગાડો તો તકલીફ થાય. આપણે ત્યાં ન વગાડો તો ! શું કારણ ?
- હું તો ગાડીમાં થાળી વગાડતો નીકળું છું.
(પુલિન શાહ, સુરેન્દ્રનગર)

* તમારી ફેવરિટ ફિલ્મ કઈ ?
- હમણાં તો કબીરખાન-સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' ખૂબ્બ ગમી. ભારતના દરેક હિંદુ-મુસલમાનોને ચોક્કસ જોવા જેવી છે.
(અક્ષય ધ્રુવ, રાજકોટ)

* વરસાદ વરસે તો અનાજ પાકે, પણ પત્નીના આંસુ વરસે તો ?
- અનાજ બગડી જાય.
(દીપક આશરા, ગાંધીનગર)

* આજના દશરથ પોતાની કૈકેયીને સહન કેમ કરી શકતા નથી ?
- એમાં તમારો જીવ ક્યાં બળ્યો... ? અમે કોઈ સહન કરી શકતા નથી.
(કનુ પરમાર, દામનગર)

* આજની કોંગ્રેસને તમારો કોઈ સંદેશ ?
- આજના યુવા કવિ ચંદ્રેશ મકવાણા 'નારાજ'ની ધડકન કોંગ્રેસને મારા વતી ! 
'આપ ખોવાઈ ગયા છો ખ્યાલમાં, વાર્તા તો ક્યારની વંચાઈ ગઈ, 
આપણે ઈતિહાસ વાગોળ્યા કર્યો, એમને ત્યાં પેઢીઓ બદલાઈ ગઈ.'
(કિશોર જી. દવે, સુરત)

* નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે સામ્ય શું છે ?
- મારો જવાબ તમે વાંચો ત્યાં સુધી પ્રોબ્લેમ નથી, પણ બરાકની વાઈફ વાંચે, તો ખોટા ઝગડા થઈ જાય !
(પ્રણવ કારીઆ, મુંબઈ)

* મારે મુખ્યમંત્રી આનંદીબેનને મળવું હોય તો તમારી ઓળખાણ કામમાં આવે ?
- મારી ઓળખાણ તો અમારા ફ્લેટના વોચમેન પાસે ય કામમાં આવે એવી નથી, ભાઈ !
(સંદીપ એસ. ચૌહાણ, જૂનાગઢ)

* આ 'બુધવારની બપોરે' નીચેના ખૂણાથી ઉપર કેમ ખસી ગયું ?
- થેન્ક્સ. બાકી તો લોકો એવું પૂછે છે, 'તમારૂં ખસી કેમ ગયું ?'
(હેમિન એમ. શાહ, અમદાવાદ)

* જે ફોનની તમે રાહ જોઈ રહ્યા હો અને એ કોઈ બીજાનો નીકળે તો શું કરો છો ?
- હું કદી બીજાનો નહિ, મારો જ ફોન વાપરવાનો આગ્રહ રાખું છું.
(ધ્રુવ પંચાસરા, વિરમગામ)

* મારે એક છોકરીને પ્રપોઝ કરવું છે. કેમ કરૂં ?
- પહેલા બીજી ૮-૧૦ છોકરીઓ સાથે રીહર્સલો પતાવો, પછી વાત !
(મયૂર કેવડીયા, સુરત)

* આજકાલ ઘણા વડીલો ટી-શર્ટ પહેરીને કેમ નીકળે છે ?
- યૂ મીન... પહેરવાને બદલે, હવે ખભે લટકાવીને નીકળવું જોઈએ ?
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* આટલા વર્ષો પછી તમારી લગ્નતિથિ કેવી રીતે મનાવો છો ?
- તિથિની માફક.
(દધિચી ગોહિલ, ઉમરેઠ)

* કોઈ બંધ લિફ્ટમાં તમે કોઈ સુંદર યુવતી સાથે એકલા હો તો તમે શું કરો ?
- પછી તો એણે ય કંઈક કરવું જોઈએ ને ?
(શ્વેતા જે. ઠક્કર, રાજકોટ)

* તમને નથી લાગતું ડિમ્પલ હવે ઘરડી થતી જાય છે ?
- એમાં નટુભાઈનું શું જાય છે ?
(ભૂપીન નટુભાઈ મહેતા, સુરત)

(આ કોલમના સન્નિષ્ઠ અને આદરણીય પ્રશ્નકર્તા સ્વ. નિરંજનભાઈ વૈષ્ણવ, જૂનાગઢના દેહાવસાન નિમિત્તે મારી શ્રધ્ધાંજલી.)

No comments: