Search This Blog

22/10/2015

તમને મારામારી કરતા ફાવે ?

મને જાતે મારામારી કરતા આવડતી નથી. દુશ્મન લડવા આવ્યો હોય તો, પહેલા મુક્કો મારવો, એને ગળેથી પકડવો, મા-બહેનની ગાળો બોલવી કે ભાગી જવું, એની પૂરી સમજ ન હોવાથી મોટા ભાગે હું છેલ્લો વિકલ્પ પસંદ કરૂં છું. એમાં અનેક દુશ્મનો મારા હાથનો માર ખાતા બચી ગયા છે. મારી આટલી ઉંમરમાં આજ સુધી મેં એક પણ મારામારી કરી નથી કે નથી કોઈના માથે ઈવન ટપલી મારી. હું તો બહુ સંસ્કારી માણસ છું. હા, ગાળો બોલવી બહુ ગમે છે અને તે પણ મનમાં. બે ઘડી ગમ્મત એ તો !

મારામારી કરવામાં ડર એટલે લાગે કે, એમાં આપણને વાગી જવાનો ભય મોટો રહે છે. વળી, આ કાંઈ આપણો રોજનો ધંધો ન હોવાથી, કોકની સાથે મારામારીની ઘટના શરૂ થવાની હોય, કે નક્કી થઈ જાય કે 'હવે તો યુદ્ધ એ જ કલ્યાણ', ત્યારે હું ભયભીત થઈ જઉં છું. આમ પાછા આપણા હાઇટ-બોડી હીરો જેવા આજે ય ખરા અને કોઈને મારવા લઉં તો એ હોસ્પિટલમાં અને હું પોલીસ સ્ટેશનમાં જ હોઈએ ! આ તો અમસ્તું... મારો ગુસ્સો શાંત રાખવા લખ્યું છે, બાકી હોસ્પિટલમાં હું જ હોઉં. આવું કાંઈ થાય ત્યારે મેક્સિમમ, હું પેલાને ગાળ બોલું... પછીનો ઘટનાક્રમ સાલો એ બધો સંભાળી લે. સીધી મારામારી શરૂ કરી દે. આપણને એમ કે, ફક્ત ગાળાગાળીથી પતતું હોય તો શું કામ ખોટી હાથાપાઈ કરવી ? આ તો એક વાત થાય છે.

પણ બધા મારા જેવા જેન્ટલમેન ન હોય. હું ગાળ બોલું, તો એણે સામી મને ગાળ દેવી જોઈએ. વ્યવહારમાં જેટલું થતું હોય એટલું જ થાય, પણ મારી ગાળ સાંભળીને પાર્ટી ગાળાગાળી કરવાને બદલે, સીધી મારામારી ઉપર ઉતરી આવે. એ શું સંસ્કારી માણસના લક્ષણ છે ? પછી હું મૂંઝાઈ જઉં કે, હવે આપણે શું કરવાનું ? પહેલો ઘા એણે માર્યા પછી મારે ય એને જવાબ આપવો જોઈએ. પણ મારી લિમિટ ગાળો બોલવા સુધીની ! પણ, એના મુક્કાથી મારૂં જડબું અડધો ઈંચ ખસી ગયું હોય તો ખસેલે જડબે ગાળના શુદ્ધ ઉચ્ચારો ય ન આવે, જે એક સાહિત્યકાર માટે શોભનીય ન કહેવાય.

... પછી શું ? બે ચાર બીજી ગાળો અને એના તરફથી (... બે-ચાર નહિ, થોડા વધારે) મુક્કા ! કોઈ મારામારીમાં કદી સત્યનો (એટલે કે મારો) વિજય થતો નથી, એમાં વાઈફ ખીજાય છે. ''તમે ય તી સુઉં રોજ માર ખાઈને હાઇલાં આવો છો ? હામી ફટકારતા નો આવીએ ?''

નૈતિકતાના આધાર ઉપર, વાઇફે એટલું કબૂલ કરવું જોઈએ કે, ''હું અનેકવાર એનો ય માર ખાઈને કોઈ 'દિ ઘરે હાઇલો આવું છું ?... ઘરેથી બા'ર વયો જાઉં છું !'' મારામારી આપણને પહેલેથી જ પસંદ નહિ. (સુઉં કિ... આમાં તમે કાંય નો કે'તા !)

પણ હવે મને સમજાય છે કે, મારામારી ભલે કરીએ નહિ, પણ આવડવી તો જોઈએ જ ! નીચે પાટલૂન પહેરેલું રાખીને ઉઘાડા શરીરે અરીસાની સામે ઊભા રહીને હું અનેકવાર બ્રુસ લીની જેમ હવામાં પંચ મારી ચૂક્યો છું. એક ઢીંચણ ઊંચો કરીને કાલ્પનિક દુશ્મનના પેટમાં લાતો મારી ચૂક્યો છું. વચમાં, આપણે 'હા... હી... હૂ' જેવા પ્રચંડ અવાજો કાઢવાના.

પણ તો ય, એકલવ્ય એકલો એકલો ધનુર્વિદ્યા શીખ્યો હતો, એમ હું એકલો એકલો મારામારી શીખી ન શકું... સામે કોઈ માર ખાનાર જોઈએ ! રેકઝીનની થેલીમાં રેતી ભરીને હાહૂહી કરતા એની ઉપર ફેંટો મારવામાં મારૂં કોઈ કૌશલ્ય ન કહેવાય. મારો નિયમ છે કે, 'કદી નિહથ્થા ઉપર હાથ નહિ ઉપાડવો.' હવે કિયો... સુઉં કિયો છો ?

શાસ્ત્રોમાં કીધું છે કે, ગુરૂ વિના નહિ જ્ઞાન. મને મારી ભૂલ સમજાઈ. કોઈ મને શીખવાડશે નહિ તો આવડશે કેમ ? અમારા ફલેટની નીચે ટાયર-ટયુબવાળો સરદાર ફીલોસિંઘ પંચરની શોપ લઈને બેઠો છે. કહે છે કે, મારામારીમાં સાહેબ... એનો જવાબ નહિ. અનેક મવાલીઓને મારતા મેં એને જોયો છે. પત્યા પછી હાથ ખંખેરતો પાછો પંચર સાંધવા બેસી જાય. બન્ને બાવડાં ઉપર શર્ટની બાંયો એ મસલ્સના ગોટલા સુધી ચઢાવેલી રાખે છે. મારી જાંઘની સાઇઝના એના બાંવડા છે. મને ત્યાં અડવાનું મન બહુ થાય, એવા કસાયેલા મસલ્સ હતા. ફીલોસિંઘ મને ઈમ્પ્રેસ કરવા ઘણી વાર હાથના ગોટલા ફૂલાવીને બતાવે છે. મેં કદી મારી જાંઘના ગોટલા ફુલાવીને એને બતાવ્યા નથી. સાચો દુકાનદાર પેટીનો માલ હંમેશા ગોડાઉનમાં રાખે... ગામ આખાને બતાય બતાય ના કરે !

પણ, ભલે આપણે કરવી ન હોય, પણ કોક 'દિ વળી ફરજીયાત કરવાની આવે, તો એક વાર મારામારી શીખ્યા હોય તો કામમાં આવે, એ ધોરણે એની શોપ પર બેસીને મેં રાબેતા મુજબ, એના ગોટલાના વખાણ કર્યા પછી પૂછ્યું, ''ગુરૂ... મારે મારામારી શીખવી છે. આજ સુધી કરી જ નથી.'' જગતભરમાં કોઈની પાસેથી કામ કઢાવવું હોય તો પહેલું કામ એને 'ગુરૂ' બનાવવાનું કરો... મારા ખાડીયામાં 'ગુરૂ'ને બદલે ટુંકો શબ્દ વપરાય છે, 'દુ' બનાવવાનો !

''અરે, ઈસ મેં ક્યા બડી બાત હૈ ! સીખા દેતે હૈં.'' તુલસીના ભીની માટીના કૂંડામાં કોઈ અંગૂઠો ખોસતું હોય એમ, ગુરૂએ મારા બાવડા ઉપર અંગૂઠો દબાવતા કહ્યું. એણે ક્યા અર્થમાં સ્માઈલ આપ્યું, એની તો ખબર નથી, પણ મેં કહ્યું, ''અસલી હૈ''. એમાં તો એ ખડખડાટ હસ્યો.

''કિસ કો ઠોકના હૈ ?'' જમણા હાથની પહેલી આંગળી વડે એ પોતાની મૂછ નીચે લિસોટો મારતા બોલ્યો.

''અરે ઠોકના-બોકના કિસી કો નહિ હૈ... આ તો... શીખ્યા હોઈએ તો કોકવાર કામમાં આવે.'' મારો જવાબ સાંભળીને, એનો જુસ્સો ઉતરતો હોય એવું લાગ્યું. મને કહે, ''ડરને કા નહિ કિસી સે... એક પંચ વો મારે તો ચાર તુમ મારો...''

''ગુરૂ, મારે ડીટેઈલમાં ટ્રેનિંગ નથી લેવાની. પ્રાથમિક જાણકારી શીખવી છે...''

મારી મર્યાદાઓ માપીને ફીલોસિંઘે પ્રાથમિક જાણકારી આપતા કહ્યું, કે શરૂઆતમાં મારે જાતે મારામારી કરવાને બદલે, રસ્તા ઉપર કે સોસાયટીમાં ક્યાંક મારામારી થતી હોય અને ભીડભાડ જામી હોય, ત્યારે નીચેથી ઘુસીને જેને લોકો મારતા હોય એને બે થપ્પડ મારી આવવાની. કોઈને ખબર ન પડે, એ રીતે ટોળાની બહાર નીકળી જવાનું. બને તો એ પછીના બે દિવસ ઘરની બહાર નહિ નીકળવાનું.

આ છેલ્લી સલાહ મને વધારે ગમી. હું તો ચોથા માળે રહું છું, પણ અમારા નારણપુરા ચાર રસ્તા ઉપર ભીડ જામી હોય ને મારામારી થતી હોય તો હું આખું અઠવાડીયું બહાર નથી નીકળતો. ક્યાંક સાક્ષી-બાક્ષી આપવામાં હલવઈ જઈએ ! આ હમણાં પટેલ-અનામતની રેલી અમારા ઘર નીચેથી નીકળી હતી, ત્યારે બાલ્કનીમાં ઊભા ઊભા મુઠ્ઠી ઉછાળીને હું બે વખત, ''લે કે રહેંગે... લે કે રહેંગે'' બોલ્યો હતો-મનમાં. એક વાર સી.જી. રોડ ઉપર કોઈ ખિસ્સાકાતરૂ પકડાયો અને બધા એને ઝૂડતા હતા, ત્યારે હું પણ છાનોમાનો, નીચો વળીને બે તમાચા ઠોકી આવ્યો હતો, ''સાલા, લોગોં કી જેબ કાટતા હૈ... ?'' એ તો દયામણા મોંઢે પેલાએ પાછળ ફરીને મને કીધું, ''સાહેબ, ખિસ્સું મારૂં કપાયું છે... મેં નથી કાપ્યું. મને શું કામ મારો છો ?'' ત્યારે ખબર પડી કે, આપણો વાર સાવ ખાલી નથી ગયો !

પાછો ગુરૂ પાસે ગયો. ખુશીના સમાચાર આપ્યા કે, આજે તો ઊંધા હાથની બે થપ્પડો કોકને મારીને આવ્યો છું. ત્યારે ખુશ થવાને બદલે એ નારાજ થયા. ''આમ નહિ શીખાય. કોકની સાથે સાચેસાચની ફાઇટિંગ થાય તો જ ખબર પડે કે-''

''ગુરૂ, ખબર કાઢવા તમે આવશો ? મારે હાથોહાથની મારામારી કરવી જ નથી, પણ વખત છે ને, થઈ જાય તો માર ખાઈને પાછા આવવું ન પડે ને ઘેર બા ખીજાય નહિ, એવું કંઈક શીખવાડો!''

''તુમ્હારી સ્પીડ બો'ત કમ હૈ... ઐસે હી ઢીલે રહોગે તો રીવોલ્વર ચલાના કબ સીખોગે ?'' સરદારે આ વખતે પોતાના ઢીંચણ ઉપર ધબ્બો મારતા પૂછ્યું.

આ મને અન્ડરવર્લ્ડમાં મોકલવાનું સમજતો લાગે છે. મને સાયકલ શીખતા આઠ મહિના થયા હતા, ત્યાં રીવોલ્વર તો હું ફોટામાં ય ફોડી શકું એમ નથી. ''પાપે... મુઝે દાઉદભાઈ યા છોટા રાજનભાઈ કે પાસ નહિ જાના હૈ. મને ફક્ત મારૂં રક્ષણ કરતા શીખવાડો... જો કે, એમ કરવામાં, હું સામેવાળાને બે-ચાર વળગાડી દઉં તો મને વાંધો નથી... આ તો શું કે, આપણને એકાદી પડવી ના જોઈએ, એટલે સુધીનું શીખવાડો.''

મારી વાત સાંભળીને ફીલોસિંઘને ટાયર ટયુબને બદલે મારા હોઠનું પંચર કરી નાંખવાનો ગુસ્સો આવ્યો. જો કે, એ પછી ફીલોએ મને ક્યારેય બોલાવ્યો નહિ. આપણને ફાયદો એટલો કે, એ મારે, એના કરતા બોલાવે નહિ ત્યાં સુધી વાંધો નહિ. આમાં શું કે, બીજા બધાને તો હું પહોંચી વળું, પણ ફીલોસિંઘ સાથે જ કાલ ઉઠીને મારામારી કરવાની આવે તો... આ દુનિયામાં પછી એનું કોણ ? આ તો એક વાત થાય છે.

''દાદા... મારી સાથે સાચ્ચુકલી ફાઇટિંગ કરવી છે ? હું તમને તો એક જ મિનિટમાં હરાવી દઉં... !'' એવો પડકાર મારો પૌત્ર રોજ મને ફેંકતો હોય છે ને હું રોજ એની સામે હારી જાઉં છું, ત્યારે આત્મજ્ઞાન થયું કે, જે મઝા હારવામાં છે, તે મારવામાં નથી.

સિક્સર
જ્યાં એ જન્મ્યા અને ઉછર્યા હતા, તે પંજાબના કોટલા સુલતાન ગામે મરહૂમ મુહમ્મદ રફી સાહેબનું પૂતળું મૂકવામાં આવ્યું છે, એમાં રફી સાહેબનું નામ ઝીણા અક્ષરે અને ઉદઘાટન કરનાર સરદાર બિક્રમસિંઘ મજીઠીયા (MLA) અને બીજા ચારના નામો ખૂબ મોટા અક્ષરોએ કોતરાવ્યા છે. કેવા દયાળુ નેતાઓ કહેવાય કે, રફીને બદલે પોતાનું પૂતળું ન મૂકાવ્યું !

No comments: