Search This Blog

07/10/2015

અમે રડયા તો બે ચાર આંસુ, તમે રડયા તો ચોમાસું ?


ખબર તો બધી બધાને હતી કે, નવી બ્રાન્ચ મૅનેજર તિતિક્ષા સૉલ્લિડ કડક સ્વભાવની છે. એની સાથે ફ્લર્ટ કરવાની યોજના તો ઘેર ગઈ, બૅન્કના કાયદા-કાનૂન 'માય ફૂટ' કહીને કોઈ સીનિયર સ્ટાફ મૅમ્બરનેય બધાની વચ્ચે થપ્પડ મારતા અચકાય એવી નહોતી. કહે છે કે, બહુ ઊંચી પહોંચવાળી હતી... ગાંધીનગર સુધી !

પણ... ગમે તેમ તોય... આ મનખો દેહ છે, એ કાંઈ ઝાલ્યો રહેવાનો છે ? ફફડતા-ફફડતા ય ચોરીછુપી એને જોઈ લેવી તો બહુ ગમતી. ભગવાને એનું શરીર બનાવવામાં કોઈ સ્થળે કાચું કામ કર્યું નહોતું... આઉટસોર્સિંગ પણ નહિ ! આપણે તો ફક્ત કપડાં સાથેની જ કમર જોઈ હોય, પણ ગૅરન્ટી બૉસ ગૅરન્ટી... કમર ઉપર ચરબીનું ગચ્ચુંય જોવા ન મળે. આવી આંખો પશ્ચિમના દેશોમાં બનતી હશે, પણ પૂર્વમાં... બ'ઇની ઘંટડી... ! આંખો ઉપરની ભ્રમર બ્લૅક-રિવરફ્રન્ટ્સ તરતા મૂક્યા હોય એવી. એના ગુલાબી, ગાલ તપાસી લીધા પછી પરમેશ્વરે પેલા ફૂલનું નામ 'ગુલાબ' આપ્યું હશે. આમ તો એ બ્લૅઝર અને બ્રાન્ડેડ શર્ટ પહેરીને બૅન્કે આવતી... નીચે ઢીંચણ સુધીનું સ્કટ અને શૂઝ હોય, પણ જાતે બ્લૅઝર બની જવા માટે આખો સ્ટાફ રોજના બબ્બે કરોડ ચૂકવવા તૈયાર હતો... શર્ટ બનવાનો ચાર્જ એથી ઘણો વધુ હતો. હવે મારૂં વધારે મોઢું ન ખોલાવશો. મિડી બનવાવાળાઓની ઑફરમાં તો આખું ફેમિલી વેચવા કાઢવાની જીગરવાળા નીકળી આવ્યા. આઈ મીન, રોકડા ક્યાં આલવાના હતા, પણ બપોરે નંદુની ચા ની લારીએ સ્ટાફની આવી તમન્નાઓ મચલીને જવાન થઇ જાય, એમાં ખોટું શું છે ? કેમ કોઈ બોલતું નથી ? આવામાં કાંઈ બા ના ખીજાય...!

પણ અસલી ખૂબી તિતિક્ષાના વાળમાં હતી.વાય.વાય. પટેલે તો પોતાને ત્યાં હજી આવનારા ગ્રાન્ડ-સનના સોગંદ ખાઈને કહી દીધું હતું કે, કમર સુધીના લિસ્સા ચમકતા વાળ મહિને એકાદવાર પણ આપણી પાસે ધોવડાવે તો એ આખો મહિનો દુનિયાભરની સુંદર સ્ત્રીઓ આપણી માં-બહેન બરોબર ! જરૂર પડે તો લૉન્ડ્રીમાં તિતુના વાળ ધોવડાવવા આપીશ, પણ આવા રેશમી વાળ તો બસ... છેલ્લી તિતુના બન્યા, એ બન્યા. પણ રીસેસ પતાવીને ટૅબલ પર પાછા આવીએ, એટલે માથે નાંખેલા તેલના ગળા સુધી ઉતરતા રેગાડાવાળી દક્ષાડીને આઠે આઠ કલાક જોવાની, એટલે ત્યાં ને ત્યાં જટાધારી સાધુ બની જવાના આધ્યાત્મિક વિચારો આવવા માંડે.

તિતિક્ષા ખૂબ આકરા સ્વભાવની અને પોતાની પાસે ઈશ્વરે અને બૅન્કે આપેલું જે કાંઈ હતું, એ બધાનું અભિમાને ય ખરૂં ! અને એના અભિમાનનો અમને કોઈને વાંધો ન હતો. આંગળી અડાડતા જ ફોડલો પડી જાય, એવું ધગધગતું રૂપ પ્રભુએ અને હોદ્દો બૅન્કે આપ્યા હોય, પછી એની સેવા કરવામાં અમને વળી નાનમ શેની ? સુઉં કિયો છો ? બૅન્કને ય એક ફાયદો થયો. સ્ટાફમાં કોઈ એક મિનિટે ય મોડું ન આવે અને સાંજે બૅન્ક-અવર્સ પત્યા પછી ભલેને કૅરમ રમવા બેસીએ, પણ તિતુ જાય નહિ ત્યાં સુધી... ઘરે શું દાટયું છે ?

બપોરે એક રંગીન ઘટના બની ગઈ.

આ તો અચાનક નજર પડી કે તિતિક્ષા મૅડમ (મનમાં ભલે 'તિતુ' કહીએ, પણ સ્ટાફમાં બધાએ 'તિતિક્ષા મૅડમ' કહીને બોલાવવાનો આદેશ એમણે આપ્યો હતો.) એમની કૅબિનમાં બહુ ટૅન્શનમાં આવીને કાંઈક ગોતી રહ્યા છે. ગોતવામાં એમની સ્પીડ પણ ઝડપી હતી. ('સ્પીડ' અને 'ઝડપી' ? અશોકકુમાર, કેવું વ્યાકરણ લખી રહ્યા છો ?) ટૅબલ, ફ્લોર, ફાઈલો, દિવાલો, પોતાની અને સામેની ખુરશીઓ... ઈવન, એમના સૅન્ડલ્સ પણ ખંખેરી જોયા. (આપણો એક ચાન્સ ગયો કહેવાય...!)

અમારે તો બધાને (પુરૂષ સ્ટાફની વાત થાય છે !) આ ઘરનો મામલો, એટલે ટૅન્શન તો થાય ને કે, મૅડમનું શું ખોવાયું હશે ? આખા સ્ટાફમાં સૌથી વધુ હિમ્મતવાળો મકવાણો. ડરતા ડરતા ય એણે કૅબિનમાં જઇને પૂછી લીધું, 'મૅ... મૅડમ... કંઇ ખોવાય છે ?' એ ગુસ્સે ન થઈ, એટલે હિમ્મતભેર અંદર જેટલા જવાય, એટલા અમે ઘુસ્યા, 'મૅ'મ... શું થયું...? શું થયું ??' (ગુજરાતમાં એક જ વાર કંઇક થયું હોય તો પણ બે વખત પૂછવાનો રિવાજ છે !)

'ઓહ ગૉશ... આઈ થિન્ક... મારો કોન્ટેક્ટ લૅન્સ પડી ગયો છે !' તિતુના ચેહરા પરના આવા હાવભાવ તો અમે બન્ને એના હસબન્ડના હાથે પકડાઈ ગયા હોઈએ, ત્યારે જ આવે... પણ એ ખૂબ ટૅન્સ હતી. ચક્ષુદાન કરવાનો આ એક જ મોકો હતો, એટલે મેં બડી ભલમનસાઈથી કીધું, 'મૅ'મ...જોઇતાહોય તો મારા ચશ્મા આપું.. અઢી નંબરના છે !'

વિલ યૂ પ્લીઝ હૅન્ગ ઑન, મિસ્ટર માંકડ... ? મારો લૅન્સ ખોવાયો છે... ચશ્મા નહિ !' આમે ય, અમે બ્રાહ્મણો દાન લેવા ટેવાયેલા છીએ, આપવા નહિ, એટલે આપવા જઇએ તો ય તિતુ એમ સમજે કે, આ ય કોઈના માંગીને લાવ્યો હશે ! કૅબિન તો આખી ભરાઈ ગઈ હતી. અડધો સ્ટાફ બહાર ઊભો હતો અને અંદર જવાના બ્લૅક બોલાય એવી નોબત આવી ગઇ હતી. બધાને નજીક આવતા જોઇને તિતુ ભડકી, 'ઓહ ન્નો... કોઈ નજીક ન આવતા... લૅન્સ ઉપર પગ પડી જશે તો--' કોઇની નજીક જવામાં કુંડાળામાં પગ પડી જાય, એ સાંભળ્યું હતું, પણ લૅન્સના કૂંડાળામાં... ? બે-ચાર જણા તો લૅન્સને બદલે ઈન્દ્રાણી મુકર્જી શોધવા આવ્યા હોય, એવા ઉત્સાહમાં આવી ગયા હતા.

'બધા આઘા રહેજો... લૅન્સ બહુ ડૅલિકૅટ હોય, વજનમાં હલકા હોય... પડયા પછી ગમે ત્યાં પડે...' (અમારી નજરનો પરિચય પણ આવો જ હતો.) હું ઘોડો બની ગયો અને ઘૂંટણીયે પડીને હથેળી વડે હળવે હળવે ફ્લોર પર હાથ ફેરવતો રહ્યો. તિતુને એ ગમ્યું. 'થૅન્કસ માંકડ... લૅન્સ આ રીતે જ શોધાય. હાથમાં આવી ગયા પછી ય ફ્લોર પર હાથ ફેરવતો રહ્યો. તિતુને એ ગમ્યું.' હાથમાં આવી ગયા પછી ય ફ્લોર સાથે ઘસાવા ન જોઇએ.' મારી સ્માર્ટનૅસને બિરદાવવાને બદલે બીજા સ્ટાફ-મૅમ્બરો મારી નકલ કરવા માંડયા. ભીંત ઉપર તો ચઢાય એવું નહોતું, એટલે પી.પી.દોશી સાલો સોફા ઉપર ઘૂંટણીયે ફરવા માંડયો... એટલી અક્કલ ન ચાલે કે, સોફા ઉપર હાથ ફેરવવા માટે સોફા ઉપર ચઢવાની જરૂર ન પડે ! આખી ઘટનામાં ભરૂચો એટલું જ સમજ્યો હતો કે, મૅડમનું કંઇક ખોવાય છે ને આપણે શોધી આપવાનું છે. પણ અમથો ય એ કાને બહેરીયો છે, એટલે બધાએ બધી વાર સમજાવ્યો, કે શું ખોવાયું છે, એટલે એ ય કંઇક શોધવા માંડયો, પણ શું શોધવાનું છે, એની પાકી બાતમી ન હોવાથી ખાસ કરીને લૅડીઝ-સ્ટાફના ટૅબલો નીચે ગરી ગરીને જે હાથમાં આવે, એ શોધવા માંડયો. લૅડીઝ તો આદત મુજબ ઊલટું સમજે, પણ ભરૂચાને આવતી'તી મઝા. ફ્લૉર ઘસવામાં એણે જે ૨૦-૨૫ આંટા માર્યા હશે, એમાં સ્ટાફની અત્યાર સુધી ખોવાયેલી ત્રણ પૅનો, એક લૅડીઝ-હૅન્કી, લારીમાં વેચાતા ગૉગલ્સ અને પાંચ રૂપિયાનો એક સિક્કો મળી આવ્યો... લૅન્સ તો મૅડમની કેબિનમાં હતો ને ? આ બહેરીયાએ સાંભળ્યું ક્યાં હતું ?

તિતુનું ટૅન્શન અને અમારી આશાઓ વધે જતા હતા. બે-ચારને તો પહેલી વખત એના કોરા પગ આટલા નજીકથી જોવા મળ્યા. ભ', સારા કર્મો કર્યા હશે, તો પગ પણ સારા જ મળશે. એ લોકોને મળ્યા. અમે પાપીઓ ફ્લૉર ઘસતા રહ્યા.

ચાવડો જરી બુધ્ધિનો લઠ્ઠ, એટલે પૂછી બેઠો, 'બેન, ઘેર તો નથી રહી ગયા ને ?' હું થોડો વધારે, એટલે મૅડમને સારૂં લાગે, એ માટે બોલી ગયો, 'ગાંડો જ છે ને ? ઘેર રહી ગયા હોય તો મૅડમ આપણને એમના ઘેર ન બોલાવે ?'

સાલું, આમ દસે દિશાઓથી અમે સ્માર્ટ માણસો, પણ આ તિતિક્ષાના આવ્યા પછી કોઈને બોલવાના ભાનો રહ્યા નહોતા. બહાર બેઠી બેઠી માજીઓ કટાક્ષમાં મલકાયે રાખતી હતી.

છેવટે નસીબદાર ભરૂચાને જ લૅન્સ મળ્યો... અમે બધાએ પતંગ કાપ્યો હોય, એવી ચીચીયારીઓ પાડી, ભાંગડા કર્યા, મૅડમને કોંગ્રેટ્સ ઉપર કોંગ્રેટ્સ કીધે રાખ્યા. અમારામાંથી બધાએ આગ્રહ નહિ પણ આજીજીભરી વિનંતીઓ કરી કે, 'લાવો મૅડમ... હું પહેરાવી દઉં...!' આખરે નફ્ફટને નાલાયક લૅન્સ મળી ગયો હતો. અમે જેની આંખોમાં સમાઈ જવા નોકરો કરવા આવીએ છીએ, એ આંખો તો આવો કોઈ નફ્ફટ લૅન્સ જ છોડે ને ?

પણ એ લૅન્સ તિતિક્ષાનો નહતો... એક ક્ષણે બન્ને દિશાઓમાં જોઈ શક્તી ક્લાર્ક ગુણવંતીબેનનો હતો. પહેરાવવા કે પાછો આપવા તો કોઈ ન ગયું, પણ સાંજે બૅન્ક છુટયા પછી બધાએ ભેગા થઇને ભરૂચાને જે માર્યો છે, જે માર્યો છે...

સિક્સર
એવું કાયમ કેમ થતું હશે કે, આપણે જે ફ્લૉર પર ઊભા હોઈએ ત્યાં ક્યારેય લિફ્ટ હોય જ નહિ ? બટન દબાવવું જ પડે !

No comments: