Search This Blog

23/10/2015

'દો આંખે બારહ હાથ' ('૫૭)

વ્હી. શાંતારામે આખલા સાથે સાચે જ લડીને જેમાં આંખો ગુમાવી હતી... અય માલિક તેરે બંદે હમ...

ફિલ્મ : 'દો આંખે બારહ હાથ' ('૫૭)
નિર્માતા-નિર્દેશક : વ્હી. શાંતારામ
સંગીત : વસંત દેસાઈ
ગીતકાર : ભરત વ્યાસ
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ
કલાકારો : વ્હી. શાંતારામ, સંધ્યા, ઉલ્હાસ, કે. દાતે, બી.એમ. વ્યાસ, બાબુરાવ પેંઢારકર, પાલ શર્મા, એસ.કે. સિંહ

ગીતો
૧. અય માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ, નેકી..... કોરસ
૨. અય માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ ..... લતા મંગેશકર
૩. મૈં ગાઉં તૂ ચૂપ હો જા, મેં જાગું રે તુ સો જા..... લતા મંગેશકર
૪. સૈંયા ઝૂઠોં કા બડા સરતાજ નીકલા, મુઝે છોડ ચલા..... લતા મંગેશકર
૫. હો ઉમડઘુમડ કર આઈ રે ઘટા, કારે કારે બાદલો..... લતા-મન્ના ડે
૬ આઓ આઓ હોનહાર... તક તક ધૂમ ધૂમ તક તક ..... લતા-કોરસ

મહાત્મા ગાંધીનો પડછાયો કેટલો લાંબો પડે છે કે, સમય એમના જીવનકાળનો હોય કે આજનો, ગાંધીજી આજે ય પ્રસ્તુત છે. એમની રાહ પર ચાલવું તો હરકોઈ માટે કઠિન નહિ, અસંભવ છે, પણ એમના જીવનકવનનો કોઈ એકાદો હિસ્સો ય વાપરવા કાઢીએ, તો 'રામાયણ' વાંચવા જેવો ફાયદો બેશક થાય. કહે છે ને કે, તમારા પારિવારિક જીવનની કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ રામાયણમાં છે જ, એમ ગાંધીજીના જીવનમાં ય છે.

વ્હી. શાંતારામના કબાટમાં ય ક્યાંક વંચાયેલું રામાયણ પડયું હતું અને વ્યક્તિત્વમાં ક્યાંક બાપુનો હાથ પણ એમના માથે ફર્યો હશે, તો જ આવી સર્વાંગ સુંદર ફિલ્મ બનાવવાનો વિચાર અને હિમ્મત આવે... અને એ ય, ૧૯૫૭ના ગાળામાં, જ્યારે પ્રેમલા-પ્રેમલી સિવાયની કોઈ ફિલ્મ દેખાતી નહોતી. શાંતારામે બાપુના સત્ય અને અહિંસાના બે આદર્શો - આ બન્ને મહાનતમ ગુણોથી બિલકુલ વિપરીત જીંદગી જીવેલા જેલના ખૂની દરિંદાઓમાં ઉતારી બતાવ્યું અને ફિલ્મ બની, 'દો આંખે, બારહ હાથ'.

પોતાની પત્નીના માથામાં તોતિંગ પથ્થર ઝીંકીને હત્યા કરનાર કેદી કે પોતાના જ બાળકોને બેરહેમીથી રહેંસી નાખનાર કેદી જેવાઓને બાપુ પ્રેરિત સત્ય અને અહિંસાના માર્ગે લઈ જવાની કેવળ કલ્પના લાગે, પણ વાસ્તવિકતામા એક જેલર આવો પ્રયોગ સફળતાપૂર્વક કરી ચૂક્યો હતો... ભારતમાં જ ! બસ, એ સત્યઘટનાઓ ઉપર આધારિત એક અસરકારક ફિલ્મ વ્હી. શાંતારામે બનાવી. વ્હી.ની ફિલ્મો બોક્સઓફિસ છલકાવવા નહોતી બનતી, મૂળ તો હિન્દી ફિલ્મોમાં આજ સુધી કોઈએ દર્શાવી ન હોય, એવી કલા પરદા ઉપર એમની હરએક ફિલ્મમાં જોવા મળે... એટલે સુધી કે, એમની તમામ ફિલ્મોના ટાઈટલ્સ પણ કલાત્મક ઢબે તદ્દન અનોખી રીતે પેશ થતા, જેમ કે આ ફિલ્મના શીર્ષકને અનુરૂપ કેદીઓના ખૂનથી લથપથ બાર હાથ દિવાલ પરથી ઉખડતા જાય, એ ધબ્બા ઉપર ફિલ્મના ટાઈટલ્સ આવતા રહે. આપણા ગુજરાતી આર્ટ ડાયરેક્ટર કનુ દેસાઈની કલા તમે 'નવરંગ' અને અન્ય ફિલ્મોમાં જોઈ છે, પણ કમાલ બધી વ્હી.ની. અત્યંત લાંબા ટાઈટલ્સ પણ એમની ફિલ્મોના હોય, 'ઝનક ઝનક પાયલ બાજે' કે 'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી' તો તદ્દન એકાક્ષરી કહી શકાય એવું નામ ફિલ્મ 'સ્ત્રી'નું ય ખરું.

એ બધું તો કલાના નામ પર જાય પણ પૂણેંની પ્રભાત ફિલ્મ્સમાંથી એ છૂટા થઈને મુંબઈમાં રાજકમલ કલામંદિર (સ્ટુડિયો)ની સ્થાપના દરમ્યાન એમની તમામ ફિલ્મોમાં કોઈ ને કોઈ સંદેશ હતો. મારા તો પ્રિય સર્જક હતા, ઠેઠ ફિલ્મ 'દુનિયા ના માને'ના સમયથી, જેમાં ફાયરબ્રાન્ડ હિરોઈન શાંતા આપ્ટેએ હિન્દી ફિલ્મનું પહેલું ઈંગ્લિશ ગીત ગાયું હતું.

આજે શક્ય છે વિષય અપ્રસ્તુત લાગે, પણ તદ્દન કિશોરાવસ્થામાં પહોંચેલી છોકરીને પૈસા ખાતર કોઈ બુઢ્ઢાને પરણાવી દેવાનો કોઈ ઉહાપોહ નહોતો એ જમાનામાં ! હોય એ તો હવે... કહીને સામાન્ય પ્રજા માટે કોઈ 'બ્રેકિંગ-ન્યૂઝ'ની ઘટના નહોતી. એ ફિલ્મમાં વ્હી. એ સ્ત્રીઓની આવી લાચારી સામે ફક્ત અવાજ નહોતો ઉઠાવ્યો. આ ફિલ્મ દ્વારા પદ્ધતિસરની બગાવત કરી બતાવી હતી. શાહુ મોડકવાળી ફિલ્મ 'આદમી'માં વેશ્યાને પણ સમાજમાં માનભેર સ્થાન અપાવી શકાય, એ મુદ્દો ઉઠાવ્યો હતો. એક સર્જક તરીકે રાજ કપૂરના જ જોનરનો એ માણસ. આમ પાછા બંને, કલા કે મેસેજને નામે એમની ફિલ્મોમાં 'સેક્સ'ને વટાવી ખાવાનું ચૂક્યા નહોતા. રાજ કપૂરની ફિલ્મોમાં હિરોઈનના વક્ષસ્થળ અને વ્હી.ની ફિલ્મોમાં લિસ્સા અને લાંબા પગ ટિકિટબારીઓ આસાનીથી છલકાવી શકતા.

પણ આજની ફિલ્મ 'દો આંખે, બારહ હાથ' એવા કોઈ જોનરમાં આવતી નથી, બલ્કે વાસ્તવિકતાના આગ્રહી વ્હી.એ આ જ ફિલ્મના એક દ્રષ્યમાં માતેલા સાંઢ સાથે જીવસટોસટની ઝપાઝપીમાં પોતાની આંખો ગુમાવી હતી. બહુ લાંબા સમય પછી એ આંખોએ રોશની જોઈ. ત્યારે ફિલ્મ 'નવ રંગ'ના પ્રારંભમાં પરદા ઉપર આવીને વ્હી. એ સરસ વાત કરી કે, 'એ અકસ્માતને કારણે મારી આંખના અંધારામાં મેં જીવનના જે નવરંગો જોયા, એનાથી પ્રેરાઈને આ ફિલ્મ ઉતારી છે.'

જેલર તરીકે નોકરી કરતા વ્હી.ને એના ઉપરી જેલ-સુપ્રિન્ટેન્ડેન્ટ (બાબુરાવ પેંઢારકર-જેને તમે ફિલ્મ 'નવરંગ'માં આંખોની ભ્રમરના વળ ચઢાવતા વિલન તરીકે જોયો છે.) તરફથી એ પરવાનગી મળે છે કે, જેલના ખૌફનાક છ કેદીઓને જેલની બહાર મુક્ત હવામાં લઈ જઈ એમને સત્યની રાહ પર લાવવા, બશર્તે જેલર નિષ્ફળ જાય તો નોકરી અને જમીનજાયદાદ જવા ઉપરાંત જેલની સજા પણ ભોગવવી પડે. કોઈ પણ ક્ષણે ભાગી શકે, એવી શક્યતાઓ છતાં જેલર એ બધાને એક વીરાન સ્થળે લઈ જઈ, ત્યાં આબાદી બનાવવા મહેનત મજૂરી કરાવે છે ને સાથે પોતે ય કરે છે. ભાગવાના ખ્યાલો અનેકવાર આવવા છતાં કેદીઓ કોક ને કોક કારણે અથવા તો જેલર પ્રત્યે માયા બંધાઈ હોવાને કારણે ભાગતા નથી. કાંઇ પણ ખોટું કરવા જતા જેલરની ભાવમય આંખો એમને દેખાય અને ખોટું થતું અટકે. માટીના રમકડાં વેચતી એક ગામઠી તેજ મિજાજની યુવતી (સંધ્યા) આ 'પરિવાર'ના પરિચયમાં આવ્યા પછી વ્હી.ના આદર્શોથી પ્રભાવિત થાય છે. ફિલ્મને અંતે અનેક કસોટીઓમાંથી પાર ઉતરેલા જેલરને આખલા સાથેની લડાઈને કારણે જીવ ગુમાવવો પડે છે. પણ તમામ કેદીઓ સુધરી જાય છે.

શાંતારામના દિગ્દર્શનમાં ધ્યાનથી ફિલ્મ જુઓ તો પ્રતિકાત્મક દ્રશ્યો માણવાનો અનોખો ઉમંગ હોય. જેમ કે, બંને ફિલ્મના હીરો-હિરોઈન હોવા છતાં પૂરી ફિલ્મના એક પણ દ્રષ્યમાં બંને વચ્ચે પ્રેમની દ્રષ્ટિ તો જાવા દિયો, એવો કોઈ જ સંદર્ભ પણ આવતો નથી. બંને માંડ એકાદ-બે સંવાદોની આપ-લે કરે છે અને તે પણ અન્ય વિષયો ઉપર.

પરંતુ વ્હી.ની સીમ્બોલિક વાત કહેવાની ખૂબી જુઓ. ફિલ્મના અંતે વ્હી. ગૂજરી જાય છે, એ ક્ષણે જ સંધ્યા દિવાલ પર પોતાના ચૂડલા પછાડીને ભાંગી નાંખે છે. આવા દેવતા પુરુષને એ મનથી વરી ચૂકી હતી અને હવે કૂંવારાપનમાં વિધવા બનવાનું સ્વીકારી લીધું. 

એમની આવી જ ઉમદા ફિલ્મ 'બૂંદ જો, બન ગઈ મોતી' (ફિલ્મનો હીરો જીતેન્દ્ર હોવા છતાં 'ઉમદા' કીધી છે, એથી કોઈએ મારા ઉપર માનભંગનો દાવો ન કરવો !... આ તો એક વાત થાય છે !) માં ગરીબ બાળકોને ભણાવતા આદર્શ શિક્ષક જીતેન્દ્રની ચાલુ ક્લાસે પોલીસ ધરપકડ કરીને લઈ જાય છે, એ વખતે અજાણતામાં ટેબલ પરનો સ્યાહિનો ખડીયો જીતુનો હાથ વાગતા ઢોળાઈ જાય છે ને સ્વચ્છ ટેબલ પર ડાઘ પડે છે. કેવું અનન્ય પ્રતિકાત્મક ! હોનહાર અને પ્રામાણિક શિક્ષકના ચરિત્ર ઉપરે ય ધબ્બો લાગી ગયો.

છ પૈકીનો એક કેદી ઉલ્હાસ વ્હી.ની થોડી ઘણી ફિલ્મોમાં આવ્યો હતો. સવા છ ફૂટ ઊંચા અને મોટા ભાગે બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોમાં રાક્ષસ અથવા માયાવી જાદુગરનો કિરદાર કરનાર અન્ય કેદી પાલ શર્મા છે. બી.એમ. વ્યાસ વિલન તરીકે, ૫૦ અને ૬૦ના દશકની ઓલમોસ્ટ તમામ બી-ગ્રેડની ફિલ્મોમાં હોય જ. હાઈટ-બોડી, પહાડી અવાજ અને તેજદાર આંખોને કારણે વિલનીમાં એ સફળ થયો. આમે ય ગીતકાર ભરત વ્યાસનો એ સગો ભાઈ હતો.

ભરત વ્યાસ.. ઓહ ! સંપૂર્ણ ગીતકાર અને એ ય હિન્દી ગીતકાર. પ્રદીપજીની જેમ હિન્દી ગીતો લખનાર એ એક જ હતા. (બાકીના અને ઈવન આજ સુધી જે કોઈ ગીતો લખાય છે, એ બધા હિન્દીમાં નહિ, 'હિન્દુસ્તાની'માં લખાયા છે, એટલે કે ઉર્દૂ-મીક્ષિત હિન્દી. ભરત વ્યાસનું કેવળ એક જ ગીત મને ને તમને તરવરાટો આપવા કાફી છે, 'હરિ હરિ વસુંધરા પે નીલા નીલા યે ગગન... યે કૌન ચિત્રકાર હૈ ?'

પણ આ ફિલ્મના ગીતો માટે ભરત વ્યાસના વખાણ જ નહિ, વંદન કરવા પડે. આવું ભક્તિ ગીત જો બીજું કોઈ લખાયું હોય, તો 'ઈતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના...' પણ પહેલો નંબર તો બાકાયદા 'અય માલિક તેરે બંદે હમ...'ને આપવો પડે. મમ્મી એના લાડકાને કે.જી.માં પહેલે દિવસે મૂકવા જાય ત્યારે ટીચરજીને રીક્વેસ્ટ કરે ને કે, 'મારો દીકરો થોડો કમજોર છે. એનામાં નબળાઈઓ અનેક છે. પણ તમારા ભરોસે મૂકી જાઉં છું. એટલે મારા જેવી સેંકડો મમ્મીઓને વિશ્વાસ છે કે, તમારી કૃપાથી એ હોંશિયાર અને તેજસ્વી બનશે.' બરોબર એ જ મતલબના શબ્દો ભરત વ્યાસે કેવા હૃદયદ્રાવક લખ્યા છે, ''બડા કમજોર હૈ આદમી, અભી લાખો હૈં ઈસ મેં કમી, પર તૂ જો ખડા, હૈ દયાલુ બડા, તેરી કિરપા સે ધરતી થમી, દિયા તૂને હમેં જબ જનમ, તુ હી ઝેલેગા હમ સબ કે ગમ, નેકી પર ચલે, ઔર બદી સે ટલે, તાકી હંસતે હુએ નીકલે દમ...' કહે છે ને કે, જીવન એવું જીવ્યા હો તો તરફડીયા મારતા મરવાને બદલે મુખ પર મુસ્કાન સાથે આખરી શ્વાસ નીકળે.

આ ઉપરાંત તદ્દન નવા ભાવથી ભરત વ્યાસે લખેલી ગઝલના શબ્દો ય માણવા જેવા છે, ''સૈંયા ઝૂઠોં કા બડા સરતાજ નીકલા...'' આ ગઝલના દરેક અંતરે રદ્દીફ-કાફીયાનો મેળ જુઓ, 'મેરા છૈલા બડા નારાજ નીકલા...' અથવા, 'બડા તીખા વો તીરંદાજ નીકલા...'

સંગીતકાર વસંત દેસાઈ માટે અનેક આશ્ચર્યો નહિ, આઘાતો લાગે, એક સંપૂર્ણ સંગીતકાર હોવા છતાં તેમને કોઈ લેતું કેમ નહોતું ? શાંતારામની ફિલ્મોમાં એ હોય, પણ 'નવરંગ'માં બાદબાકી થઈ ગઈ. લતા મંગેશકરની ઊંઘ હરામ કરી દેનાર પણ વસંત દેસાઈ જ હતા. જ્યારે ફિલ્મ 'ગુડ્ડી'માં એમણે સાઉથ ઈન્ડિયન વાણી જયરામ પાસે 'બોલે રે પપીહરા...' ગવડાવ્યું. લતાને ય પ્રારંભમાં દેસાઈ સાહેબે ઘણું ઉત્તમ કામ આપ્યું હતું. યાદ કરો, ફિલ્મ 'તૂફાન ઔર દિયા'નું, 'પિયા તે કહાં, હાં ગયો, નેહરા લગા કે...' કે 'ગૂંજ ઉઠી શેહનાઈ'ના ગીતો. સંગીતની શક્તિ અન્ય સંગીતકારોથી એક તાર પણ કમ ન હોવા છતાં વસંત દેસાઈની જેમ રોશન, સજ્જાદ હુસેન, ગુલામ મુહમ્મદ, ખય્યામ, લચ્છીરામ, હંસરાજ બહેલ, સરદાર મલિક, એસ. મોહિન્દર, સ્નેહલ ભાટકર, રામલાલ, જયદેવ, ઈકબાલ કુરેશી, દાનસિંહ, સુધીર ફડકે, જી.એસ. કોહલી, સી. અર્જુન, શ્રીનાથ ત્રિપાઠી કે ચિત્રગુપ્ત જેવા સમર્થો ન ચાલ્યા, એ કેવળ નસીબ અને બીજું કારણ લખવું હોય તો લખી લો. 'આ લોકોને પોતાનો માલ વેચતા ન આવડયો.' રેડિયો સીલોન કે વિવિધ ભારતી ઉપર પોતાના ગીતો વગાડાવવા માટે ઘણું ગૂમાવવું ય પડતું. જેને આપણે ધન કહીએ છીએ, એ કાળું કરતા ન આવડયું. અથવા તો ઝૂમરી તલૈયા કે રાજાનંદગાંવ જેવા અનામી શહેરોના સરનામે બનાવટી ચાહકો દ્વારા ફર્માઈશો રેડિયો ઉપર મોકલતા ન આવડી.

વ્હી. શાંતારામને પોતાનો માલ વેચતા બખૂબી આવડતો હતો, ઈવન એમની ફિલ્મોના ગીતોનો માલ પણ ખરો ! બહુ ઓછાને ખબર હશે કે, હિન્દી ફિલ્મોનું સૌથી પહેલું સ્ટીરિયોમાં રેકોર્ડ થયેલું ગીત એમની જ ફિલ્મ 'જલ બિન...'માં મૂકેશે ગાયેલું 'તારોં મેં સજ કે અપને સૂરજ સે...' સ્ટીરિયોએ ચમત્કારો સર્જ્યા હતા. શ્રોતાઓ નવી મ્યુઝિક સિસ્ટમ લઈ આવે ત્યારે માની નહોતા શકતા કે, જમણી અને ડાબી બાજુના સ્પીકરોમાંથી અવાજ જુદો જુદો આવે છે. અમુક વાજીંત્રો આ બાજુ વાગતા સંભળાય તો ગાયકના અવાજની સાથે રિધમ બીજી બાજુના સ્પીકરમાં સંભળાય.

એમની જ ફિલ્મ 'પરછાંઈ'ની જેમ અહીં પણ વ્હી. બડો ખુબસુરત હીરો લાગે છે. સલમાન ખાન કે ઋત્વિક રોશનની જેમ ભલે સિક્સ-પેકનું શરીર નહોતું. છતાં તત્સમયના તમામ હીરોલોગ કરતા વધુ કસાયેલું સ્નાયુબદ્ધ શરીર હતું. ક્યાંક તમને શત્રુઘ્ન સિંહ જેવો ચહેરો લાગે ય ખરો. પણ બાબુજીના અભિનયમાં એવી કોઈ જમાવટ નહિ અને પુરુષો પાસે ય નેણો ઊંચી-નીચી કરાવે, એ ઘણું સ્ત્રૈણ્ય લાગે.

સંવાદો પણ કાવ્યાત્મક શૈલીમાં બોલાય. આમ તો પૂરી ફિલ્મ આઉટડોર લોકેશન્સ પર લીધી છે, પણ લતા-મન્ના ડેના 'હો ઉમડઘુમડ કર આઈ રે ઘટા...' ગીતમાં વરસાદ લાવવો જરૂરી હતો અને કોઈ ફિલ્મમાં એક્ચ્યુઅલ વરસાદમાં શૂટિંગ થઈ ન શકે (એવું એક જ આખું ગીત બન્યું છે, નીતુ સિંઘ-જીતેન્દ્રની ફિલ્મ 'પ્રિયતમા'માં રાજેશ રોશનના સંગીતમાં દિગ્દર્શક બાસુ ચેટર્જીએ પૂરું ગીત મુંબઈના સાચા વરસાદમાં શૂટ કર્યું હતું. બંનેને ચોખ્ખી સૂચના આપી દેવામાં આવી હતી કે, શૂટિંગનું શીડયુલ હોય કે ન હોય, વરસાદ પડે એટલે બાસુ દા કહે ત્યાં બંનેએ પહોંચી જવાનું. આ બાજુ કેમેરા-ટીમ તૈયાર હતી... આશા ભોંસલેએ ગાયેલું એ ગીત હતું, 'પલકોં કો ચૂમ ગઈ પૂરવા હવા, આંખે જો ખુલી તો સબ કુછ થા નયા... આજા રે')

પણ જે રણ જેવા પ્રદેશમાં વ્હી.એ આ ફિલ્મ ઉતારી, તે સ્થળ સુધી ગેલનોના ગેલનો ભરીને બનાવટી વરસાદ માટેના પાણીના ટેન્કરો લઈ જઈ શકાય એમ નહોતા, એટલે પોતાના રાજકમલ સ્ટુડિયોમાં જ વીરાન રણ ખેતરોનો સેટ ઊભો કરીને શૂટિંગ કર્યું હતું.

બાકીની પૂરી ફિલ્મ પ્રારંભના જેલના થોડા દ્રશ્યોને બાદ કરતા) આઉટડોરમાં છે.

ભૂલાઈ ગઈ ન પણ હોય તો ય ફરી વાર જોવા જેવી ફિલ્મ.

No comments: