Search This Blog

14/10/2015

તિતિક્ષા સાથે સ્વિમિંગ પૂલમાં....

બ્રાન્ચમાં અમારે યુનિયન-બુનિયન જેવું કાંઇ નહોતું પણ એકબીજાની સાથે દોસ્તી-ફોસ્તી જેવું ચોક્કસ બંધાવવા માંડયું હતું-તિતિક્ષાને કારણે ! જેને બ્રાન્ચ મૅનેજર તિતિક્ષાની કૅબિનમાં આવરો-જાવરો વધુ રહે, એના ભાવ ઊંચા બોલાય. એને ચા-સિગારેટના પૈસા નહિ આપવાના. તિતુ બોપલ પાસે ક્યાંક રહેતી, એટલે એની થોડી ય નજીક રહેનારને ખભે હાથ મૂકીને અમે ચાની કિટલી ઉપર ઊભા રહેતા. આ એનું બહુમાન થયું કહેવાય ! આઠ કલાકની નોકરીમાં જેને એકાદું સ્માઈલ મળ્યું, એ તો ઘેર જઇને છ મહિના સુધી સગ્ગી વાઇફના સ્માઇલોના ઢગલાના જવાબો આલવાનો નથી.

અમારા વિચારો અને યોજનાઓમાં સર્વાનુમત દેખાવા માંડયો. સૂચન વાય.વાય. પટેલનું હતું કે, બ્રાન્ચની એક પિકનિક કરીએ. કોઇ રીસોર્ટમાં જઇને બે દહાડા રહેવાનું. બધો માલ સૉલ્જરીનો. સૉલ્જરીનો તો એટલે સુધી કે, સ્ટાફમાંથી કોઇ એકાદો ય રીસૉર્ટમાં ગયા પછી તિતુ સાથે બૅડમિન્ટન રમતો દેખાયો, તો તરત જ અમારામાંથી બીજા એકને ચાન્સ આપવાનો. એકલા એકલા ભૂખાવડા નહિ થવાનું. એનું નામ સૉલ્જરી. (સામે તિતુ હોય એટલે દરેક વખતે શૉટ એવી રીતે મારવાનો કે, શટલકૉક (ફૂલ) લેવા તિતુને નીચા નમવું જ પડે....! ''નમે તે, સૌને ગમે'' (કહેવત આવા દ્રશ્યોને કારણે પડી હતી) આપણે ભલે રૅફરી હોઇએ, પણ નૅટવાળા થાંભલા પાસે નહિ ઊભા રહેવાનું/ તિતુની સામે જ ઊભા રહીએ તો મંગળાના દર્શન થઇ ય જાય !) મકવાણાને કહી રાખ્યું હતું કે, તારે બધા શૉટ્સ અમે ઊભા હોઈએ ત્યાં મારવાના. તિતુ શટલકૉક લેવા નીચે વળે અને અમે 'મેરે મેહબૂબ'માં સાધનાના પડી ગયેલા પુસ્તકો રાજેન્દ્ર કુમાર વાંકો વળીને આલે છે, એમ અમે તિતુને ફૂલ આપીએ. નજીકથી જોવામાં થોડો ફેર પડે... આ તો એક વાત થાય છે !

પહેલા તો મૅડમે ના પાડી, પણ આ વખતે બે રજા સામટી આવતી હતી ને એના મનમાં સીતાજી વસ્યા હશે (પુરૂષોના મનમાં રામ વસે....ફૉર યૉર નૉલૅજ, લૅડીઝ ઍન્ડ જૅન્ટલમૅન...!) અચાનક પૅટ્રોલની ટાંકી સળગી ઉઠે, એવા જીવો તો બધાના ભડભડ બળ્યા કે, મૅડમે સહુને પોતાના હસબન્ડ કે વાઈફ સાથે જ આવવાની સૂચના આપી હતી. અડધો કચરો તો પિકનિકે જતા પહેલા જ થઇ ગયો...ક્યા કરમકુંડાળામાં મૅરેજો કર્યા હશે કે, સ્ટાફમાં બધાની વાઇફો વહેમીલી જ આવી છે. તિતિક્ષા તો બહુ ઊંચું ટાર્ગેટ કહેવાય, પણ અમારે તો ફલૅટની બારીઓ બંધ કરીને જીવવાનું. વહેમાવા માટે તો વાઇફો બૅન્કની ડોસીઓને ય ન છોડે. સાલો, ભલાઇનો જમાનો જ રહ્યો નથી. આઠ-દસ વર્ષે એક વાર ખુદ એમને જ 'આઇ લવ યૂ-ઓ' કહેવા જઇએ તો ય વહેમાય કે, આજ કોઇ મળી લાગતી નથી ! બધાના ઘરે 'વૉટ્સઍપ'માં તિતુલક્ષી મૅસેજો હોય. ગૅલેરીમાં ફોટા ય એના જ નીકળે. ટૅબલ પર બેઠા બેઠા તક મળે ત્યારે તિતુના ફોટા પાડે રાખવાના... મોબાઇલોનું આ સુખ !

મેં તો બહુ મોટા અરમાનો સાથે રીસોર્ટ એવું ગોતી આપ્યું હતું, જ્યાં સ્વિમિંગ-પૂલ હોય. આ બાજુ તિતુ નહાતી હોય ને ત્રણ ફૂટ દૂર આપણે છબછબીયાં કરતા હોઇએ, ત્યાં વાઇફ ડૂબકી મારીને આપણને નીચેથી પગ ઝાલીને ખૂણામાં ખેંચી જાય. કોઇને દયા ય આવે. અમારા ઉપર કે, એક બાજુ હુસ્ન એટલે કે તિતુ તરતી હોય, ત્યાં કોક સળેકડું કે સૂકું પાંદડું તરતું તરતું આવે, એમ અમે વારાફરતી એની દિશામાં સરકીએ... ત્યાં હબકી જવાય કે, આપણી પાછળ પાછળ વડનું આખું ઝાડે ય તરતું તરતું આવી રહ્યું છે. આ તો સાલી કોઇ ઝીંદગી છે ? (ના. આવી ઝીંદગી તમારા દુશ્મનની ય ન હોય. દુઃખ થયું તમને આવી ઝીંદગી મળવા બદલ - બેસણું પૂરૂ !) ભરૂચો બહુ ઉતાવળો થતો હતો, તિતુને નહાતી જોવા માટે. આ આઇડિયો તો એણે આપ્યો કે, તિતુ સ્વિમિંગ-પૂલમાં પડે, ત્યારે વાઇફોઝની હાઉસી શરૂ કરાવી દેવાની. હાઉસી પાછળ જગતભરની સ્ત્રીઓ રાહુલ હોય છે, એટલે આપણે તિતુ સાથે-ભલે દૂરથી છબછબીયાં તો થાય ? આ તો એક વાત થાય છે. મને ચાવડો કહેવા આવ્યો, સ્વિમિંગ-પૂલમાં તિતુની સાથે નહાવાનો પહેલો હક્ક અમને દલિતોને, પાટીદારોને, જૈનો અને મુસલમાનોને મળવો જોઇએ. રહ્યા અમે બસ કોઇ...૪-૫ જણા. ભરૂચો પારસીમાં આવે, એટલે એને નહાવાની જરૂર નહિ. પારસીઓ અમથા ય ગોરા ને ગુલાબી હોય છે...બાકી તો અમે લોકો ખાબકવાના હતા, એ બધાને લીધે હૉજનું પાણી કાળું થઇ જવાનો ખૌફ હતો.

એ ગૉલ્ડન દિવસ આવી પહોંચ્યો. અમદાવાદથી થોડે દૂર એક રીસૉર્ટમાં જવાનું હતું. તિતુ સિવાય બધા ટાઇમથી એક કલાક પહેલા આવી ગયા હતા. બૅન્ક સ્ટાફની માજીઓ એમના માજાઓ એટલે કે હસબન્ડોઝ સાથે આવી હતી. બિચારાઓ ઉપર દયા આવે કે, અમે બૅન્કમાં ને એ લોકો ઘરમાં કેવું બિહામણું જીવન જીવતા હોઇશું ! ને આ બાજુ તિતુ. બસ, એક વાર નજર પડી જાય પછી આંખોમાં નિર્જીવદયા નેત્રપ્રભા છાંટવાની જરૂર ન પડે.

એક અઠવાડીયામાં તો તિતુએ અમને બધાને અર્જુનો બનાવી દીધા હતા, એટલે લક્ષ્ય એક જ જગ્યા ઉપર હોવાથી - એમાંને એમાં ખ્યાલ પણ ન આવ્યો કે, તિતુ ય પરણેલી હશે. સૌથી છેલ્લે એ પોતાની ગાડીમાં આવી. એના ગોરધનને જોતાં જ પિકનિકમાં આવવા માટેના રાજીનામાં ત્યાં ને ત્યાં પડે, એવા બધાના મોંઢા થઇ ગયા. ફિલ્મોમાં હીરોઇનોના બૉડીનું રક્ષણ કરવા 'બાઉન્સર' હોય છે, એવા આઠેક બાઉન્સરોને એકલો પછાડે એવો તિતિક્ષાબહેનનો ગોરધન હતો. એક તો અમે ફફડી ગયેલા ને એમાં સાલાએ અમારામાંથી કોઇની સામે જોઇને સ્માઈલે ય ન આપ્યું, એટલે બીક વધારે લાગે. હું જરા હિમ્મતવાળો ખરો એટલે નજીક જઇને 'હેલ્લો' કહી હાથ મિલાવ્યો, તો ગરમ તપાવેલી ઇંટ પકડાઇ ગઈ હોય એવો એનો શૅક-હૅન્ડ હતો. બસમાં બેઠા પછી બધાના મોંઢા ઉપરના તેજ ઉતરી ગયેલા. (પહેલા તેજો હતા, એવું માનવું નહિ... આ તો જેટલા હતા, એ ય ઉતરી ગયાની વાત થાય છે - માર્ગદર્શિકા પૂરી)

બસમાં અંતાક્ષરી શરૂ થઇ, એમાં પુરૂષ વિભાગ તરફથી એકોએક કરૂણ ગીતોના કરૂણ મુખડા ગવાયા ને માજીઓ હાળી રાજી થઇ થઇને 'હમ ભી હૈ, તુમ ભી હો, દોનોં હૈ આમને સામને.... હોઓઓઓ' જેવા તોફાની ગીતો અમારી સામે જોઇ જોઇને ગાવા માંડી. એમ તો તિતુ પણ ગાતી, ''જરા સી આહટ હોતી હૈ, તો દિલ સોચતા હૈ, કહીં યે વે તો નહિ... કહીં યે વોઓ... તો નહિ...'' એમાં અમને નવો ફફડાટ થયો કે, સાલીને બબ્બે હસબન્ડો તો નહિ હોય ને ?

રીસૉર્ટ પર પહોંચીને બધાના મોંઢા કાળા પડી ગયેલા. કોઇ કોઇની સાથે વાત ન કરે. જતા વ્હેંત તિતુ અને એનો બાઉન્સર-હસબન્ડ બે એકલાં જ પાણીમાં પડયા. અમે બધા ચડ્ડાં (સ્વિમિંગ કૉસ્ચ્યૂમો) પહેરીને પૂલની પાળી પાસે ઊભા રહ્યા પણ મહીં પડવાની હિમ્મત ન ચાલે. મુંબઇના મરિન લાઇન્સ પરના કાળમીંઢ ખડક જેવું બૉડી ધરાવતા ગોરધનના પેટમાં વાડકો મૂકી શકાય એટલો ખાડો અને બબ્બે ટુવાલો વીંટાળવા પડે, એવી સ્નાયુબદ્ધ છાતી. છાતીઓ તો અમારી પાસે ય હતી પણ ખાડાવાળી છાતીઓ હતી. છસ્સો કી.મી. દૂરથી ય પહેલું નજરે તરી આવે એવું અમારા સહુનું પેટ-સાયકલના કૅરિયર પાછળ મીઠું ભરેલો થેલો લટકતો લટકતો હલતો હોય એવું લાગે. તો ય પી.પી. દોશી અને મકવાણો હળવે રહીને હૉજમાં ઉતર્યા તો ખરા, પણ રાક્ષસની એક નજર ફક્ત પડી, એમાં બન્ને ઉપર આવતા રહ્યા. ચડ્ડાઓ તો અમે ય ભીનાં કરી આવ્યા હતા, પણ સ્વિમિંગ-પૂલમાં નહિ.... શૉવર-બાથમાં ! અદબ વાળીને મૂઢની જેમ ઊભા ઊભા અમારા ચડ્ડાની ધારો ઉપરથી પાણી નહોતું ટપકતું...અમારા અરમાનો ટપકતાં હતા. યસ. અમે બધા સંસ્કારી પૂરા. નહાતા નહાતા તિતુની નજર અમારા ઉપર પડી જાય, ત્યારે આકાશમાં જોઇ લેવાનું, કેમ જાણે આકાશ પગ નીચે આવ્યું હોય!... આ તો એક વાત થાય છે.

અચાનક અમે બધા ભાગ્યા એટલા માટે કે, સ્વિમિંગ-પૂલમાં ખાબકવા માટે વન-પીસો પહેરી પહેરીને સ્ટાફની માજીઓ હોઓઓ... કરતી આવી અને પડી પૂલમાં ! હરદ્વાર ગોસ્વામીના શે'રમાં ફેરફાર કરીને મનમાં બબડવું પડયું,

'હે ઇશ્વર, આના કરતા તો દે મરવાનું,
કોઇ નહિ ને માજીઓ સાથે તરવાનું ?'

(બસ. પછીના ૧૫-દહાડામાં તો તિતુની ય ટ્રાન્સફર થઇ ગઇ. હવે જીવનમાં કે લેખમાં લંબાવવા જેવું શું રહ્યું ? કોઇ મને સપૉર્ટ આપો. હું ઢીલો પડી રહ્યો છું.)

સિક્સર
બીઍમડબલ્યૂનું આખું નામ શું થાય ?

બહેરા, મૂંગા અને વાંદરા.

1 comment:

Shobhana Chauhan said...

Ashok Dave, Interesting character titiksha, write her an email and bring her back, pls