Search This Blog

27/05/2016

'ખામોશી' ('૬૯)

ફિલ્મ : 'ખામોશી' ('૬૯)
નિર્માતા : હેમંત કુમાર
દિગ્દર્શક : અસિત સેન
સંગીત : હેમંત કુમાર
ગીતકાર : ગુલઝાર
રનિંગ ટાઇમ : ૧૩-રીલ્સ : ૧૨૭-મિનિટ્સ
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : રાજેશ ખન્ના, વહિદા રહેમાન, સ્નેહલતા, નઝીર હૂસેન, લલિતા પવાર, ઇફિતકાર, અનવર હૂસેન, નયના, અજીત ચૅટર્જી, તરૂણ ઘોષ, ફાતિમા, બ્રહ્મ ભારદ્વાજ, પરવિન પૉલ, મધુપ શર્મા, રિડકુ, દેવેન વર્મા. (મેહમાન કલાકાર : ધર્મેન્દ્ર)
 
ગીતો
૧.તુમ પુકાર લોતુમ્હારા ઇન્તેઝાર હૈ.... હેમંતકુમાર
૨.દોસ્ત કહાં કોઇ તુમ સાતુમ સા નહિ કોઇ મિસ્ટર.... મન્ના ડે
૩.હમને દેખી હૈ ઉન આંખો કી મહેંકતી ખૂશ્બુ... લતા મંગેશકર
૪.વો શામ કુછ અજીબ થીયે શામ ભી.... કિશોર કુમાર
(ડીવીડી-માં ગીત નં. ૨ ગાયબ છે.)

તમને કોઇએ ગાંડા ધારી લીધા હોય, એવું ક્યારેય બન્યું છે ? જો કે, સવાલ જ ખોટો છે. ખરેખર ધારી લીધા હોય તો તમે થોડી 'હા' પાડવાના છો ?

પણ જસ્ટ... ધારી લો કે, તમે કોઇ ઑફિસમાં ગયા અને ત્યાં તમારા વગર વાંકે કોઇ તમને ગાંડા ધારી લે, એવી સિચ્યુએશન કેવી હોય ? મસ્ત મજાની વાત એ છે કે, 'કોઇ'ને પાછા તમે ગાંડા ધારી લો, અર્થાત્, બંને એકબીજાને ગાંડા ધારી લે, તો જોનારાનો તો આખા મહિનાનો પગાર વસૂલ થઇ જાય કે નહિ ?

આ ફિલ્મમાં એવું થયું છે. પ્રેમિકા (સ્નેહલતા)ના દગાથી પાગલ બની ગયેલા રાજેશ ખન્નાને પાગલોની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને એનો ગામડીયો દોસ્ત અનવર હૂસેન એની ખબર કાઢવા આવે છે, જ્યાં દાખલ થતા જ એને હૉસ્પિટલમાં છુટા ફરતા પાગલો સામા મળે છે. એ ત્રાસી તો ત્યારે જાય છે કે, હૉસ્પિટલના સુપ્રિન્ટૅન્ડૅન્ટ ડૉ. ઇફિતખાર અનવરને ગાંડો સમજીને સવાલો પૂછે છે ને અનવર ઇફિતખારને પાગલ સમજીને માની બેસે છે કે, કોઇ ગાંડો ડૉક્ટરનો સફેદ ડગલો પહેરીને ઘુમી રહ્યો છે.

આખી કૉમેડી-અધરવાઇઝ, આ સીરિયસ ફિલ્મમાં વર્ષો સુધી યાદ રહી જાય એવી તંદુરસ્ત અને હળવી બની છે. મને તો '૬૯-માં જોયેલી આ ફિલ્મના કેવળ આ દ્રષ્યો જ યાદ રહી ગયા હતા...

મૂળ તો બંગાળી સાહિત્યકાર આસુતોષ મુકર્જીની વાર્તા 'નર્સ મિત્રા' ઉપરથી મૂળ બંગાળીમાં આ ફિલ્મના જ દિગ્દર્શક અસિત સેને બનાવેલી 'દીપ જોલે જોઇ'ની બેઠી કૉપી એમણે એ ફિલ્મના આ હિંદી સંસ્કરણમાં કરી છે. હિંદીમાં વહિદાએ કરેલો રોલ બંગાળીમાં ધી ગ્રૅટ સુચિત્રા સેને કર્યો હતો. અસિત સેન એટલે પેલો ડામર-કલરનો કૉમેડિયન નહિ, આ તો અશોક કુમાર-સુચિત્રા સેન-ધર્મેન્દ્રવાળી ફિલ્મ 'મમતા', સંજીવકુમારની 'અનોખીરાત', રાજેશ ખન્નાની 'સફર' કે એવી અનેક આવી ઉત્કૃષ્ટ ફિલ્મો જોનારો આપણે ત્યાં અલાયદો અને સૅન્સિબલ વર્ગ છે. એમને ગમેલી ફિલ્મ ઍક્ટરોના અભિયને કારણે જ નહિ, ભાવનાત્મક વાર્તા અને મજેલું દિગ્દર્શન પણ હોવું જરૂરી છે. નહિ તો સામાન્ય પ્રેક્ષક તો આ ફિલ્મ જોઇને શહેરની ભાષામાં કહી દેવાનો છે, 'સુઉં મસ્ત ફિલ્મ છે, બૉસ... ! ખન્ના અને વહિદાએ સુઉં ઍક્ટિંગો કરી છે !'

તારી ભલી થાય ચમના. આવી ફિલ્મોમાં ઍક્ટરોનો અભિનય આપોઆપ ખીલી ઉઠે છે, જો ફિલ્મની વાર્તા અને ખાસ તો દિગ્દર્શક બિમલ રૉયની સ્કૂલનો વિદ્યાર્થી હોય. અસિત સેન મૂળ તો ન્યુ થીયેટર્સમાંથી છુટા થઇને બૉમ્બે આવેલા મહાન સર્જક બિમલ રૉયના હાથ નીચે કામ કરતા ઋષિકેષ મુકર્જી, નબેન્દુ ઘોષ, કૅમેરામેન કમલ બૉઝ અને સંગીતકાર સલિલ ચૌધરીના સાથીદાર હતા. સેન બાબુએ બંગાળીમાં સુચિત્રા સેનને લઇને બનાવેલી અદ્ભુત ફિલ્મ 'ઉત્તર ફાલ્ગુની'ને નૅશનલ ઍવોર્ડ મળ્યો હતો. રાજેશ ખન્ના-શર્મિલા ટાગોરની ફિલ્મ 'સફર'માં સેન બાબુએ શ્રેષ્ઠ દિગદર્શકનો ફિલ્મફૅર ઍવોર્ડ પણ જીત્યો હતો. મૂળ બંગાલી ફિલ્મમાં અસિત સેને મેહમાન કલાકારનો ટચુકડો રોલ પણ કર્યો હતો, જે અહીં ચેહરો સંતાડીને ધર્મેન્દ્રએ કર્યો છે. શક્ય હોય ત્યાં સુધી ધર્મેન્દ્રનો સાઇડ-ફૅસ જ એવી રીતે બતાવવામાં આવ્યો છે કે, તમને ખ્યાલ ચોક્કસ આવે કે, આ ધર્મેન્દ્ર છે, પણ કૅમેરા સામે એનો ચેહરો ન દેખાય... એને કહે છે, 'મેહમાન કલાકાર'.

નો ડાઉટ ખન્ના-વહિદાનો આ ફિલ્મ 'ખામોશી'માં અભિનય મનને ગમે એવો હતો. પણ એક ક્રિટિકના અંદાજથી આ ફિલ્મ જુઓ તો ખરી કમાલ જ દિગ્દર્શકની લાગે. આવી ફિલ્મ જોતી વખતે પ્રેક્ષકની વૅવલૅન્થ પણ એ લૅવલે સૅટ થયેલી જરૂરી છે. પણ અસલી કમાલ બંગાળી સિનેમેટોગ્રાફર કમલ બૉઝની છે, જેમણે આ બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મને થોડી અતિશયોકિતથી કહીએ તો-કલર ફિલ્મ કરતાં ય આંખને વધુ ઠંડક આપે એવી બનાવી છે. કૅમેરાના ઍન્ગલ, લૅન્સની સ્વચ્છતા અને ખાસ તો કોઇ પણ દ્રષ્ય ઝડપવા માટે કૅમેરા ક્યાં ગોઠવવો તેની અદ્ભુત સુઝ કમલ બાબુની કમાલ હતી. આવી કાળી-ધોળી ફિલ્મોમાં કૅમેરાના લૅન્સ જેટલું મહત્વ લાઇટિંગનું વધી જાય છે અને એ જ જવાબદારી પણ કૅમેરામૅનની ! આવી ફિલ્મોમાં દ્રષ્યોની સ્વચ્છતા દર્શકોને ખૂબ આકર્ષે છે.

આ ફિલ્મના હીરો માટે વહિદા રહેમાને રાજેશ ખન્નાનું નામ સજૅસ્ટ કર્યું હતું-જે એને ચેતન આનંદની ફિલ્મ'આખરી ખત'માં જોઇને ઇમ્પ્રેસ થઇ હતી. જો કે, પછીથી વહિદાએ એમ પણ કહ્યું હતું કે, આવો પરિપકવ રૉલ કરવા માટે રાજેશ ખન્ના પૂરતો મૅચ્યોર નહતો. સંજીવ કુમારે વધુ સારી રીતે આ રોલ કર્યો હોત ! જો કે, મૂળ બંગાળી ફિલ્મમાં વસંત ચૌધરી (જેણે ફિલ્મ 'પરખ'માં સાધના સામે હીરોનો રોલ કર્યો હતો)ના અભિનયની બરોબરીએ તો કોઈ આવી ન શકે.. એવું કહેનારી વહિદાએ નિખાલસતાથી એમ પણ કહ્યું હતું કે, હિંદી ફિલ્મ 'ખામોશી'માં એણે પોતે કરેલો અભિનય મૂળ બંગાળીમાં સુચિત્રા સેને કરેલા અભિનયની કોઈ બરોબરીએ આવી ન શકે. વહિદાએ આ ફિલ્મના કેટલાક અઘરા દ્રષ્યો શીખવવા માટે અસિત સૅનને ક્રેડિટ આપી છે.

વહિદા રહેમાનને મુંબઇમાં 'લાઇફ ટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ' મળ્યો ત્યારે એણે નિખાલસતાથી કીધું હતું કે, એની તમામ ફિલ્મોમાં એનો સૌથી પડકારજનક રૉલ (... કે અભિનય ?) ફિલ્મ 'ખામોશી'માં હતો.

કર્નલ (નઝીર હુસેન) એક હૉસ્પિટલના માનસચિકિત્સક છે અને પુરૂષ પાગલની સારવાર કરવા માટે એવી થીયરી અપનાવે છે કે, આવા દર્દીને કોઈ સ્ત્રી (નર્સ) પ્રેમનું નાટક પણ કરીને સાજો કરી શકે છે. વહિદાને એ પ્રેમની ઍક્ટિંગ કરવાનું કહે છે. એમની આ થીયરી પાગલ બનીને આવેલા ધર્મેન્દ્રની સારવાર માટે વહિદાને ઍપોઇન્ટ કરીને અમલમાં મૂકે છે, જે સારવાર તો સફળ કરે છે, પણ એમ કરવામાં એ પોતે ય ધર્મેન્દ્રના પ્રેમમાં પડી જાય છે. ધર્મેન્દ્ર પણ એને પ્રેમ તો કરે છે, પણ સાજો થતા જ વહિદા સાથેની આખી ઘટના ભૂલી જાય છે અને પાગલપનને કારણે એને છોડી ગયેલી પ્રેમિકા હવે માની જતા એની સાથે લગ્ન કરી લે છે. વહિદાથી આ આઘાત સહન થતો નથી, છતાં આવા જ લૅવલનો બીજો પૅશન્ટ રાજેશ ખન્ના હૉસ્પિટલમાં દાખલ થાય છે. શરૂઆતની આનાકાની પછી વહિદા આ બીજા પૅશન્ટની સારવાર કરવાનું તો સ્વીકારે છે, પણ ફરી એક વાર એ પોતાને ખન્નાના પ્રેમમાં ડૂબેલી ભાળે છે. ખન્ના સાજો તો થઇ જાય છે અને સાચા અર્થમાં વહિદાને પ્રેમ કરવા લાગે છે, પરંતુ વહિદાનો આત્મા કચવાય છે અને અનેક માનસિક ગડમથલને અંતે એવું માની બેસે છે કે, પ્રેમમાં એ ઍક્ટિંગ કરી શકે એમ નથી. અલબત્ત, ધર્મેન્દ્રની માફક ખન્ના વહિદાને છોડીને જતો નથી રહેતો, છતાં ય પોતાના વિચારો અને અર્થઘટનોની કેદી વહિદા પાર વિનાની ઘૂટન અનુભવે છે અને તે પોતે પાગલ થઇ જાય છે. યોગાનુયોગ હૉસ્પિટલના જે રૂમ નં. ૨૪-માં પહેલા ધર્મેન્દ્ર અને પછી ખન્નાને દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં જ વહિદાને દાખલ કરવી પડે છે.

હિંદી ફિલ્મોના સ્થાપિત ધોરણો મુજબ, ફિલ્મનો આવો અંત ઘણો બૉલ્ડ (સાહસિક) કહેવાય, એટલે વિવેચકોને તો પાગલ કરી નાખ્યા, પણ પ્રેક્ષકોને વાતમાં કાંઇ મજો પડયો નહિ, એટલે બૉક્સ-ઑફિસ પર ખાસ ચાલી નહિ.

ફિલ્મનું અદ્ભુત પાસું એના ત્રણે ત્રણ ગીતો છે. ફિલ્મના નિર્માતા હેમંત કુમાર પોતે જ હતા અને એમના સ્વભાવ અનુસાર કેવું લાગણીસભર સંગીત આપ્યું છે... ખાસ કરીને, એમણે પોતે ગાયેલું, 'તુમ પુકાર લો.. તુમ્હારા ઇન્તેઝાર હૈ' આઉટ-ઑફ-ધ-વર્લ્ડ ગીત બન્યું છે. કિશોર કુમારને અન્ય ગાયકોની સરખામણીમાં કમ સમજતા ભાવકોએ એનું 'વો શામ કુછ અજીબ થી...' મન દઈને સાંભળવા જેવું છે. એ ક્લાસિકલ સંગીત નહતો જાણતો, એવું ભલે કીધે રાખે, પણ આ ગીત સાંભળો તો બહુ બધી ગેરસમજો દૂર થઇ જાય એમ છે. કિશોર શાસ્ત્રીય સંગીત જાણતો હતો કે નહિ, એ સવાલ જ ભૂસી નાંખી શકે એમ છે, આ ગીત, 'વો શામ કુછ અજીબ થી...'

આમે ય, બંગાળી હોવા ઉપરાંત જૂના દોસ્તો હોવાને નાતે, હેમંત દા અને કિશોર દા વચ્ચે એક વણલખ્યો કરાર હતો કે, બંને પોતે નિર્માતા તરીકે જે કોઇ ફિલ્મો બનાવે, એમાં એકબીજાને એક ગીત ગાવા આપવું. આ ફિલ્મના ગુલઝાર લિખિત ગીતોનો એટલો આભાર કે, પ્યાર, મુહબ્બત, ઇશ્ક, ખુદા, હુસ્ન વગેરે સદીઓથી ચાલ્યા આવતા શબ્દો દૂર રાખીને ગુલઝારે ગીતને કવિતાસ્વરૂપ આપવાની કોશિષ કરી. કોશિષો સફળ જ હતી, એમ તો નહિ કહેવાય જેમ કે, વર્ષો પહેલા મૂકેશના 'પુકારો મુઝે નામ લે કર પુકારો, મુઝે તુમ સે અપની ખબર મિલ રહી હૈ...' નિહાયત સાહિત્યિક સ્પર્ષવાળું ગીત હતું. એમનું પહેલું ગીત, 'મોરા ગોરા અંગ લઇ લે, મોહે શ્યામ અંગ દઇ દે'માં સાહિત્ય ઉપરાંત પણ કંઇક નવું હતું. પણ પ્રૉબ્લેમ ત્યારે શરૂ થયો જ્યારે એમને પોતાને ખબર પડવા માંડી કે, પોતે તો કોઇ ગજબના શાયર છે, પછી ડંડાવાળીઓ શરૂ કરી, એમાંની એક એટલે આ ફિલ્મમાં સંગીત અને ગાયકીની દ્રષ્ટિએ ઉચ્ચતમ, પણ શબ્દો ઉલ્લુ બનાવનારા નીકળ્યા, 'હમને દેખી હૈ ઉન આંખોં કી મહેંકતી ખૂશ્બુ...!' અત્યંત સામાન્ય કક્ષાનું આ ગીત હતું, જેનો અર્થ સ્વયં સંપૂર્ણસિંઘ (ગુલઝાર)ને પોતાને નહિ સમજાયો હોય ! આ વિશે હું અન્યત્ર અનેકવાર લખી ચૂક્યો છું, એટલે એ સવાલો અહીં પેદા નહિ કરૂં... એટલું પૂછવું કાફી છે કે, 'ખૂશ્બુ' મહેંકતી કેવી રીતે હોઇ શકે ? 'મહેંકતી' વિશેષણ 'ખૂશ્બુ'ને જરૂર ન પડે. ક્યાંય ગંધ મારતી ખૂશ્બુ ન હોય. મહેંકતી હોય, એને જ ખૂશ્બુ કહેવાય. વળી એ દેખવાની ચીજ નથી અને ખૂશ્બુ આંખોમાં તો આવી જ ક્યાંથી શકે ? સૌથી વધુ ભયાનક શબ્દો છે, 'ઇસે રિશ્તોં કા ઇલ્ઝામ ન દો.' રિશ્તા એટલે સંબંધ કોઇ કાળે ય ઇલ્ઝામ એટલે કે આક્ષેપ તરીકે કેવી રીતે વપરાઇ શકે ? છેલ્લે છેલ્લે તો ગુલઝાર 'કજરારે કજરારે તેેેરે કારે કારે નૈના..' જેવા શબ્દો ઉપર ચઢી ગયા હતા... પાપી પેટને ખાતર માણસે ક્યાં સુધી ઝૂકવું પડે છે ?

ફિલ્મ 'ખામોશી'માં સૌથી મહત્વની વાર્તા હોવાથી હીરોઇન સિવાય અન્ય પાત્રોને બીનજરૂરી ઍક્સપૉઝર અપાયું નથી. ઇફિતખાર ઇફિતખારથી આગળ વધ્યો નથી, જેને તમે બધી ફિલ્મોમાં જુઓ છો, એમાં એણે કોઈ પ્રમોશન મેળવ્યું નથી. હજારો પૈકીની એક આ ફિલ્મ એવી હશે, જેમાં નઝીર હુસેન રડયો નથી. દેવેન વર્મા પાસેથી કોઈ કામ લેવાયું નથી. એક મન્ના ડેવાળું ગીત હતું. 'દોસ્ત કહાં કોઇ તુમ સા...' ડીવીડી-માંથી કાઢી નાંખવામાં આવ્યું છે. સ્નેહલતા હિંદી ફિલ્મોમાં સહેજ પણ ચાલી નહિ, એટલે ગુજરાતી ફિલ્મોમાં આવી ગઈ. અનવર હુસેનને ઠીકઠીક કામ મળ્યું છે. લલિતા પવારને નર્સનો રોલ કાયમી ફાવી ગયો હોય એમ એ જમાનાની ઘણી ફિલ્મોમાં એ નર્સ જ રહી.. લૅડી ડૉક્ટર બની ન શકી !

પણ એક ક્લાસિક ફિલ્મ જોવા માટે આ ફિલ્મની ડીવીડી તાબડતોબ મંગાવી લેવી જોઈએ.

1 comment:

pranita majmudar said...

'Khamoshi'is one of the best movies of Vaheedaji. The last scene of the movie is unforgattable !!!