Search This Blog

30/05/2018

કૂતરૂં કઈડયું...


'વાઉ...તમને કૂતરૂં કઇડયું...? હ...હાહાહા...એ ચોક્કસ 'બુધવારની બપોરે' વાંચતું હશે...હાહાહાહા...!' આવું પાછું મારી પાસેથી તાળી લઇને એમણે પૂછ્યું...

'ના. કૂતરાઓ જ 'બુધવારની બપોરે' નથી વાંચતા...!'

'તમને કૂતરૂં કઇડયું...?'ના ત્રણે શબ્દો ઉપર લોકોએ જુદો જુદો ભાર મૂકીને પોતાની મસ્તી મુજબ મને કૂતરાં કરતા વધારે અકળાવ્યો હતો. આજકાલના ફાટલા જીન્સ જેવો પગે આટલો મોટો પાટો બંધાવીને હું ફરતો હતો, એટલે કૂતરૂં મને જ કરડયું હોય, છતાં 'તમને' ઉપર એ લોકો ભાર એવો મૂકતા હતા કે, કૂતરૂં કરડયું બીજાને હશે ને સાત-સાત ઈન્જૅક્શનો ઠોકાવવા હું જતો હોઇશ ! મારી ફ્રૅન્ચ-યલો જર્સીની પાછળના ભાગમાં કોઇ આજકાલની ફૅશન મુજબ ઇંગ્લિશમાં લખાવ્યું નહોતું કે, 'માણસ હોય કે કૂતરૂં...મને કરડવું નહિ.' ઈન શૉર્ટ, મને કૂતરૂં કરડે, એમાં 'મારા' ઉપર ભાર મૂકવાની શી જરૂર ?

અલબત્ત, પ્રજાની પૂછપરછમાં કદાચ લાગણીનો ભાવ હોય એમ સમજીને મેં આત્મચિંતન કર્યું. અમદાવાદની આટલી વસ્તીમાં કૂતરૂં મને જ કેમ કરડયું ? ઘરની બહાર નીકળ્યા પછી મોટા ભાગે તો મારા લક્ષણો સારા હોય છે. કોઇને કાંઇ ડાઉટ પડે, એવું મારૂં વર્તન ન હોય. ઉપરાંત મારી સંપૂર્ણ જીવનગાથા દરમ્યાન એકે ય કૂતરાને મેં હળી કરી નથી. મારા ક્યા લક્ષણે એણે કરડવા માટે મને પસંદ કર્યો હશે, એ નથી જાણતો ! મને તો એ ય ખબર નહિ કે, એ કૂતરો હતો કે કૂતરી હતી... માટે 'કૂતરૂં' શબ્દ વાપર્યો છે.

અફ કૉર્સ, આનાથી એ પણ સાબિત થાય છે કે, હું જાતિવાદી નથી. દુ:ખ એક વાતનું થાય કે, માણસ તો સમજ્યા કે, માણસને ઓળખવામાં થાપ ખાઇ જાય... પણ મારા હાળા કૂતરાઓ ય માણસને ઓળખવામાં ગોટે ચઢી જાય ? એક જ એનો ઈરાદો સમજવા માટે, આત્મચિંતન પડતું મૂકીને મેં 'કૂતરા-ચિંતન' કરી જોયું. એક તારણ તો સાહજીકતાથી બહાર આવ્યું કે, 'મર્દ' કૂતરો નહિ હોય. મર્દનો મારો મતલબ એના સ્ત્રી-લિંગ કે પુલ્લિંગ હોવા બાબતે નથી, પણ આપણામાં જેમ 'મર્દાનગી' હોય, એવી એનામાં 'કૂતરાનગી' સહેજ બી નહોતી... કારણ કે, એણે પાછળથી ઘા માર્યો હતો.

પાછળથી કાયરો ઘા મારતા હોય છે. પૉસિબલ છે કે, એ પાકિસ્તાનથી રખડતું રખડતું અહીં આવી ગયું હોય ! એ સામી છાતીએ ઘા કરે, એવું બહાદુર નહોતું. (એ વાત જુદી છે કે, બચકું એણે સામી છાતીએ મને ભરી લીધું હોત તો ય હું શું કરી લેવાનો હતો...? આપણાથી કાંઇ સામા બચકાં ભરવા જવાય છે ? આ તો એનામાં થોડા સંસ્કાર બાકી રહ્યા હશે કે, બચકું મને પાછળ ભર્યું હતું, છાતી ઉપર નહિ ! આ તો એક વાત થાય છે!)

સવાલનું બીજું વજન 'કૂતરાં' ઉપર હતું. 'તમને 'કુતરૂં' કઇડયું ?' એ ઈન્કવાયરીઓમાં વજન કૂતરા ઉપર હતું. રાત્રે ઊંઘતી વખતે સાવ ઝીણી-ઝીણી કાળી મસીઓ કરડતી હોય અને બોચી ઉપર ખટાક દઇને આપણે સપાટ મારતા હોઇએ છીએ, પણ એમાં કાંઇ ડૉક્ટર પાસે પાટા બંધાવવા ન જઇએ. સાપ-વીંછી કરડે, તો હું આમ સીજી રોડ ઉપર ફરતો ન હોઉં...દાખલ થયો હોઉં ! કરડવા જેવું કોઇ પ્રાણી હોય તો એ કૂતરૂં જ હોય. એમાં 'કૂતરૂં' શબ્દ ઉપર ભાર મૂકવાની શી જરૂર ?

'કૂતરૂં કરડયું ?' એ સવાલ જ બેબુનિયાદ છે. કોઇને હાથી કરડયો હોય એવું સાંભળ્યું નથી. ઘોડો કે ઊંટ કરડી જાય, એવું યૂ-ટયૂબમાં જોયું છે, પણ આ લોકો કરડે, પછી એ લોકોનું શું થયું, એ યૂ-ટયૂબમાં જોયું નથી. કહે છે કે, ઊંટ તમને કરડી જાય, એ માટે તો તમારે જીવનમાં ઘણી ઉંચાઇઓ સિદ્ધ કરવી પડે. ઊંટલોકો તો પોતાના સમકક્ષ લોકોને જ કરડે, જેવા તેવાને નહિ. ઘોડા તો અમદાવાદમાં હવે વરઘોડામાં ય જોવા મળતા નથી. એ મોટા ભાગે કોઇને કરડયા હોય એવું ન્યુસમાં જોયું સાંભળ્યું નથી. લાત મારે, બચકાં ન ભરે.

અને છેલ્લે, મારા કે કૂતરા ઉપર વજન દેવાને બદલે 'કરડવા' ઉપર ભાર મૂકનારા ઓછા નહોતા. એ લોકો કૂતરૂં કરડવાની પધ્ધતિ, સ્થળ, એ વખતનું ટૅમ્પરેચર, કૂતરાના જન્માક્ષર, એ નર હતું કે માદા કૂતરું હતું અને સદરહૂ કૂતરા વચ્ચેનું અંતર (મીટરમાં) અને શક્ય હોય તો કૂતરૂં પાળેલું હતું કે રખડુ, એ બધું જાણવા માંગતા હતા. ''બૉસ, કઇડયું કઇ રીતે ?...આઇ મીન, આખો લચકો તોડી લીધો કે જસ્ટ...એ કિસ ઓન્લી ?...ઍક્ઝૅક્ટ કઇ જગ્યાએ કરડયું ?'' હું કરડેલો પગ બતાવતો હતો, એટલે મારી ભૂલ સુધારીને કહે, ''જગ્યા એટલે તમારી નહિ...કૂતરાની...આઇ મીન, રસ્તા ઉપર, ગાર્ડનમાં કે ઘેર આઇને કઇડી ગયું?...અલ્યા ભ', આવું હોય તો એ વખતનો મોબાઇલમાં વીડિયો ના ઉતારી લઇએ...!''

કૂતરૂં મને કરડી ગયું હતું, એટલે લોકોના સલાહસૂચનો તો સાંભળવાના જ હતા. વીમો મળે, એટલે પોલીસ-ફરિયાદ કરવી જ જોઇએ-થી માંડીને જે સ્થળે કૂતરૂં કરડી ગયું, એ સ્થળના (અને જો પાડયા હોય તો  કૂતરાના) ફોટા વૉટ્સઍપમાં બધાને મોકલી દેવાના, જેથી બીજું કોઇ એ બાજુ જતાં વિચાર કરે.

''દાદુ...પહેલા તો કૂતરૂં કરડે એટલે ૧૪-ઈન્જૅક્શનો લેવા પડતા...હવે સાત જ કેમ ?'' એવા સવાલો પૂછનારા ઓછા નહોતા. મારે કહેવું પડયું કે, 'હવે બાકીના સાત કૂતરાને ય અપાવવા પડે, માટે ! એ ય માણસ છે...આઈ મીન, કૂતરૂં છે...એને હડકવા નહિ પણ 'માણસવા' લાગુ ન પડે, માટે જીવદયાના ધોરણે સરકારે સાત ઈન્જૅક્શનો કૂતરાને ય અપાવવાનું ફરજીયાત બનાવ્યું છે....!'

યસ. પૂછનારા કૂતરાંને બદલે વાંદરાનો ઉપયોગ કરી શકે. દેશમાં વાંદરૂં માણસને કરડે, એવી ઘટનાઓ રોજ બનતી હોય છે. માણસ વાંદરાને કરડયો હોય, એ જોવાની મજા આવે, પણ એવું કાંઇ જોવા મળતું નથી. હવે તો ગુજરાતના શહેરે-શહેરમાં કૂતરાની જેમ વાંદરાઓની વસ્તી અઢળક વધતી જાય છે. પણ પૂરા ગુજરાતમાં દેશભક્તો કરતા ધર્મભક્તો કરોડોની સંખ્યામાં છે, એટલે વાંદરા-કૂતરાંને મરાય તો નહિ જ...! ગાયો મરતી હોય તો મરવા દેવાય, એની સ્પષ્ટ સૂચનાઓ આપણા ધર્મોમાં આપી ન હોવાથી એ વિશે અમે હોબાળો કદી કરતા નથી. દેશભરમાં રખડતા કૂતરાં માણસોને આડેધડ કરડે રાખે છે.

આપણે ત્યાં દેશભક્તિ કરતા ધર્મોની હૂકુમત વધારે છે, એટલે આમપ્રજાને કરડતા કૂતરાઓને મારી નાંખવાની વાત તો દૂરની છે, એમની 'ખસી' કરાવવામાં પણ ધર્મો વચ્ચે આવે છે. રોજ પોતાના ઘરથી બહુ દૂર કૂતરાને ખવડાવવું, જેથી એમની વસ્તી આપણા ઘર પાસે ન વધે. ઍટ લીસ્ટ, આપણા છોકરાઓને તો કૂતરા ન કરડે.

આપણે અહીં ગુજરાતમાં ને ભારત સરકાર કાશ્મિરમાં કૂતરાં ખવડાવી ખવડાવીને તગડાં કરે છે...જે દિવસે કૂતરાં કરતા દેશના સૈનિકોની સંખ્યા પૂરી ખલાસ થઇ જશે, ત્યારે બસ, 'બે મિનિટનું મૌન'...ને વાર્તા પૂરી!           

સિક્સર
પોરબંદર જિલ્લાના રાણાવાવ પૅન્શનર સમાજના ૧૫૦-થી વધુ જે કોઇ કાર્યક્રમમાં ભેગા થાય, ત્યારે પહેલું કામ બધાએ ભેગા મળીને રાષ્ટ્રગીત ગાવાનું, 'ભારત માતા કી જય'નો બુલંદ નારો લગાવવાનો.... અને પછી પૅન્શન લેવાનું !

એકલા અમદાવાદમાં જ રોજના સરેરાશ અઢીસો કાર્યક્રમો થાય છે...સૉરી, કાંઇ બોલવા જેવું નથી !

No comments: